Thursday, November 19, 2009

થોડો ટેકો રહે ને !

[‘અખંડ આનંદ’ નવેમ્બર-2009માંથી સાભાર. આપ શ્રી વ્રજેશભાઈનો (વડોદરા) આ નંબર પર +91 9723333423 પર સંપર્ક કરી શકો છો. ]

‘પપ્પા, તમે હવે આછુંપાતળું કામ શોધી લો તો તમારો સમય પસાર થાય ને કંટાળોય ન આવે !’
‘પરાશર, સમય તો પાણીના રેલાની જેમ પસાર થઈ જાય છે. સવારે મોર્નિંગ વૉક, સેવા-પૂજા અને પાંજરાપોળના નોંધારા, અકર્મણ્ય પશુઓની સારસંભાળ, સાંજે પુસ્તકાલય, સમવયસ્કો સાથે ઉદ્યાન-ગોષ્ઠિ, સરકારી હૉસ્પિટલના દર્દીઓની મુલાકાત…..’
‘પણ પપ્પા, તમે થોડું અર્થોપાર્જન કરો તો અમને થોડો ટેકો રહે ને ! તમને નિવૃત્ત થયે ચારેક વર્ષ થયાં. હજી તમારા પેન્શનનો પ્રશ્ન જેમનો તેમ છે. કોણ જાણે ક્યારેય ઊકલશે ! તમે કેટકેટલી લખાપટ્ટી કરી, શિક્ષણ કચેરીનાં પગથિયાં ઘસ્યાં ! પણ હજી કોઈ ઉકેલ નથી આવ્યો !’
‘પણ બેટા, પી.એફ.ના પાંચ લાખ રૂપિયા તો આવ્યા એવા જ તારા હાથમાં મૂકી દીધા હતા !’
‘અરે, એ તો આ આલીશાન ડુપ્લેક્ષ ખરીદવામાં ક્યાંય ચટ થઈ ગયા !’

‘જો પરાશર, તારી કારકિર્દી ઘડવામાં મારાથી બનતું બધું જ હું કરી છૂટ્યો છું. તેં અને વિશાખાએ કિશોરાવસ્થા પહેલાં જ માતાની છાયા ગુમાવી હતી. તમને સાવકી માનું સાલ ન નડે એટલે મેં સ્વૈચ્છિક રીતે જ પુનર્લગ્ન ન કર્યું. તમને બંનેને ભણાવ્યાં-ગણાવ્યાં, તમારાં ધામધૂમથી લગ્ન કર્યાં. સરસ મજાનું બે રૂમ રસોડાનું ટેનામેન્ટ લીધું. અત્યારે સારો કહી શકાય એવો પાંચ આંકડાનો તારો પગાર છે. ઝંખના પણ ખૂબ સારું કમાય છે…!’
‘એ બધું તો ઠીક છે, પપ્પા…..’ અત્યારે સુધી મૌન રહી પિતા-પુત્રનો સંવાદ સાંભળતી ઝંખનાએ વાતમાં ઝુકાવ્યું !…. ‘પણ પરાશર કેટલું કામ કરે છે એ તો જુઓ ! ભાડૂતી ટેક્સીની જેમ એક ઑફિસથી બીજી ઑફિસની હડિયાપટ્ટી, ટેન્ડર પાસ કરાવવાની દોડધામ, ડીલ ફાઈનલ કરવી, સામી પાર્ટીને કન્વિન્સ કરવી….’
‘બેટા ઝંખના, આસિસ્ટન્ટ એડ્મિનિસ્ટ્રેટરની જવાબદારીભરી હાઈ પોસ્ટના અધિકારીએ આવું બધું તો કરવું જ પડે ને !’
‘વેલ પપ્પા, હજી તમે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છો’ પરાશરે સંવાદ આગળ ચલાવતાં કહ્યું, ‘ચાર-પાંચ ટ્યુશન કરો તો શો વાંધો છે ! તમે કહો તો મારા સર્કલમાં વાત મૂકી જોઉં ! અરે, સસ્તા પગારવાળા શિક્ષકો ધરાવતી કેટલીય નોન-ગ્રાન્ટેડ સ્કૂલોમાં મારી ઓળખાણ છે, આપ કહો તો…..!’

‘બેટા પરાશર, હું શિક્ષક હતો ત્યારેય ટ્યૂશન કરતો ન હતો અને ઓછું વેતન આપી શિક્ષકોનું શોષણ કરતી સંસ્થામાં કામ કરવામાં હું મારું અપમાન સમજું છું. આ બધું મારા સિદ્ધાંતની વિરુદ્ધ છે !’
‘એક્સકયુઝ મી પપ્પા !’ પરાશરના સ્વરમાં સહેજ રુક્ષતા આવી. ‘આવી કારમી મોંઘવારીમાં પૈસા હાથમાંથી ક્યાં સરી જાય છે. એ જ ખબર નથી પડતી. આવકના પ્રમાણમાં ખર્ચાય કેવા ગંજાવર છે ! પરિસ્થિતિને અનુકૂળ થવા સિદ્ધાંતમાં થોડી બાંધછોડ કરવામાં શો વાંધો છે !’
‘સૉરી, મારાથી એ હરગિજ નહિ બને ! તમને ભારે પડતો હોઉં તો કહી દેજો ! હું મારો પ્રબંધ કરી લઈશ !’ મક્કમતાપૂર્વક પોતાનો નિર્ણય જણાવી મન્મથરાય મહેતા એટલે કે – એમના સમયના વિદ્યાર્થીઓમાં અતિ પ્રિય થઈ પડેલા મહેતા સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને યુવાનને શરમાવે એવા તરવરાટથી ગૌરવભરી ચાલે ઘરની બહાર સડસડાટ નીકળી ગયા. પરાશર અને ઝંખના ફાટી આંખે એમને જોઈ રહ્યાં.

અત્યંત સાદગીથી કાલયાપન કરતા આ નિવૃત શિક્ષક પોતાના પુત્ર અને પુત્રવધૂને જરાય ભારે ન પડાય એ કાજે ખૂબ સતર્કતા દાખવતા. અર્થોપાર્જન કરવા તેઓ ખરે જ પ્રયત્નશીલ હતા પણ પોતાના સ્વતંત્ર સ્વભાવને કારણે સ્વમાનના ભોગે કામ કરતાં મન પાછું પડતું હતું. મની માઈન્ડેડ પુત્રને તેઓ ક્યાંય આડા આવતા ન હતા. છતાં ઘરમાં એમની ઉપસ્થિતિને કારણે પતિ-પત્નીને સતત લાગ્યા કરતું હતું કે એમની સ્વતંત્રતા પર તરાપ મરાઈ રહી છે. આમ તો ગમે તેવા બાદશાહી ઠાઠથી રહે તોય એમને વાંધો ન આવે એવી માતબર આવક હતી. દસ વર્ષના પુત્ર તપનને દાદાની વત્સલ વિદ્વત્તાનો લાભ અપાવવાને બદલે તેઓએ એને પંચગીનીની મોંઘીદાટ હૉસ્ટેલ-સ્કૂલમાં મૂક્યો હતો. પુત્રની અશ્રુભીની કાકલૂદી અને પિતાની વ્યવહારુ સમજાવટથી ઉપરવટ જઈ પતિ-પત્નીએ આ સહિયારો નિર્ણય માત્ર ‘સ્ટેટસ-સિમ્બોલ’ ખાતર જ લીધો હતો. દાદાજી અને તપન વચ્ચે અપ્રતિમ આત્મીયતા હતી. ખૂબ જતનથી મહેતા સાહેબ તપનને માર્ગદર્શન આપતા હતા અને એ કારણે તપનનો પ્રોગ્રેસ ગ્રાફ ઉત્તરોત્તર ઊંચે જઈ રહ્યો હતો.

કારકિર્દીના પ્રારંભે પોતાના આદર્શો અને સિદ્ધાંતોને ખાતર મહેતા સાહેબને ત્રણ સ્કૂલ બદલવી પડી હતી. એમની પ્રમાણિકતા અને સન્નિષ્ઠા સામે કોઈ આંગળી ન ચીંધી શકતું. પણ જ્યાં અન્યાય, ભષ્ટાચાર કે શોષણની ગંધ માત્ર આવે કે તરત રાજીનામું ધરી દેતા. શહેરના અત્યંત નામાર્જિત ટ્રસ્ટે એમનું હીર પારખ્યું અને પોતાની શાળામાં એમને નિયુક્ત કર્યા. અહીં એમને પોતાના આદર્શોને સાકાર કરવા મોકળું મેદાન મળ્યું. એમણે ભારે ચાહના મેળવી. હા, મૅનેજમેન્ટની પુનરાવર્તિત વિનવણીઓ છતાં પ્રિન્સિપાલ ન થયા તે ન જ થયા. ત્યાર પછી છેક નિવૃત્ત થયા ત્યાં સુધી આ જ શાળામાં રહ્યા. નિવૃત્તિ વેળા એમના પ્રિન્સિપાલ અને મૅનેજમેન્ટે એમને શાળામાં ચાલુ રહેવા ખૂબ સમજાવ્યા : ‘મહેતા સાહેબ, શાળાને આપની ખૂબ જરૂર છે. પહેલાં જેટલું વેતન તો નહિ આપી શકાય, પરંતુ આપનો માન-મરતબો પૂરેપૂરો જળવાશે.’ પરંતુ ‘નિવૃત્તિ પછી મને મળનારી રકમ મારા જીવન યાપન માટે પર્યાપ્ત છે’ કહીને નમ્રતાપૂર્વક એમણે ના પાડી. પણ હજી સુધી નિવૃત્તિ પછી મળનારી રકમ મળી ન હતી. શિક્ષણ ખાતાના લાંચ-રુશવતખોર અમલદારોના મતે પાછલી શાળાઓએ એમની સર્વિસ બુકમાં પૂરતી વિગતો દર્શાવી ન હતી એટલે પેન્શનનો પ્રશ્ન ટલ્લે ચડ્યો હતો. મહેતા સાહેબ એમની મેલી મથરાવટી અને ખંધાઈ પામી ગયા હતા. એમણે તેઓ સામે જરાય ન ઝૂકવાનો નિશ્ચય કર્યો હતો. હા, પત્રાચાર અને ઑફિસોના ધરમધક્કા ચાલુ જ રાખ્યા. પોતાના સિદ્ધાંતોની પરિધિમાં રહીને જ આ પ્રશ્નનું તેઓ નિરાકરણ ઈચ્છતા હતા.

આજે પુત્ર-પુત્રવધૂ સાથે થયેલા સંવાદથી મહેતા સાહેબ વ્યથિત અને વિચલિત થઈ ગયા હતા. એ પછીના વીસેક દિવસ ઘરમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હતી. એક દિવસ રાત્રિ ભોજન બાદ મહેતા સાહેબે અચાનક ધડાકો કર્યો, ‘પરાશર, આવતી કાલથી હું પણ આપણા તપનની જેમ હૉસ્ટેલ-સ્કૂલમાં રહેવા જાઉં છું !’
‘હેં….એ…..એ ! શું ઉં ઉં !’ પરાશર અને ઝંખના વિસ્મિત થઈ એક સાથે બોલી ઊઠ્યાં. એમને કાન દગો દેતા લાગ્યા. એમના આશ્ચર્યની અવધિ ન હતી. પરાશરે સંયમિત સ્વરે ફરી પૂછ્યું, ‘પપ્પા, શું કહ્યું તમે !’
‘એ જ જે તમે હમણાં સાંભળ્યું !’ મહેતા સાહેબ સ્વસ્થતાપૂર્વક બોલ્યા : ‘મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મૃગેશ દેસાઈ સાથે આજે મૉર્નિંગ વૉક દરમિયાન આકસ્મિક મુલાકાત થઈ ગઈ. મોટો ઉદ્યોગપતિ હોવા ઉપરાંત એ સમાજસેવક પણ છે.’ પરાશરે આ નામ સાંભળ્યું હતું. એણે હકારમાં મસ્તક હલાવ્યું, ‘વિદ્યોત્તેજક જ્ઞાનમંદિર નામની એક સંસ્થા એણે શરૂ કરી છે. હૉસ્ટેલ અને સ્કૂલ બંને સાથે સાથે છે. એણે મને પોતાની સંસ્થામાં સેવા આપવા આગ્રહભરી વિનંતી કરી છે. મેં એને હા પાડી છે. સંસ્થા આપણા ઘરથી વીસેક કિલોમીટર છેટી છે એટલે મારે ત્યાં જ રહેવું પડશે. હૉસ્ટેલના રેક્ટર તરીકે કામ કરવાનું છે. શરૂઆતના ત્રણ તાસ શિક્ષણકાર્ય કરવાનું છે. ભોજન અને આવાસની સુવિધા સાથે યોગ્ય વેતન પણ એ આપવાનો છે.’

પરાશર અને ઝંખનાનું આશ્ચર્ય શમ્યું ન હતું ત્યાં તેઓ પુન: વદ્યા : ‘હમણાં ખપ પૂરતો સામાન લઈ જઈશ. સવારે મૃગેશ કાર લઈને મને લેવા આવશે !’
‘પણ પપ્પા ! અમે તમને જવાનું……’
પરેશની વાત કાપતાં મહેતા સાહેબ બોલ્યા : ‘હવે બીજી વાતને કોઈ અવકાશ નથી. હું મારા રૂમમાં જાઉં છું. કાલ માટે થોડી તૈયારી તો કરવી પડશે ને ! ગુડ નાઈટ !’ પતિ-પત્નીમાંથી કોઈ પણ એમના ગૂડ નાઈટનો પ્રતિસાદ આપવાની હિંમત દાખવી શક્યું નહિ.

સવારે મૃગેશ દેસાઈ સમયસર હાજર થઈ ગયા. સર-સામાન ડીકીમાં મુકાઈ ગયો. મહેતા સાહેબે પાછળની સીટ પર બેસી બારીનો કાચ નીચે કર્યો. પુત્રના આલીશાન ભવન પર એક દષ્ટિ કરી. પુત્ર-પુત્રવધૂ સાથે ‘આવજો’ની ઔપચારિક આપ-લે થઈ. મૃગેશે કાર સ્ટાર્ટ કરી. મહેતા સાહેબ બારીનો કાચ બંધ કરવા જતા હતા ત્યાં જ એમને કંઈ યાદ આવ્યું હોય એમ એમણે કાર થોભાવી. પીઠ ફેરવી ઘરમાં જતાં પરાશર અને ઝંખનાને સાદ કરી રોક્યાં. બંનેને પાસે બોલાવ્યાં. સહેજ ખચકાટ અને કચવાટ સાથે બંને પાસે આવ્યાં. ‘વાતમાં ને વાતમાં એક વાત તો રહી જ ગઈ !’ મહેતા સાહેબ મર્માળું સ્મિત કરતાં બોલ્યા. ‘મારા પેન્શનનો પ્રશ્ન ઊકલી ગયો છે. એરિયર્સનો ચેક વ્યાજ સાથે મળી ગયો છે અને મારા ખાતામાં જમા થઈ ગયો છે !’ બંને ચિત્રસ્થ થઈ સાંભળી રહ્યાં હતાં. મહેતા સાહેબે ગજવામાંથી એક કવર કાઢી પરાશર તરફ લંબાવ્યું, ‘લે, મેં તારા નામનો ત્રણ લાખનો ચેક લખીને તૈયાર જ રાખ્યો છે. બૅન્ક ખૂલતાં જ વટાવી લેજે. તમને થોડો ટેકો રહેને !’ પરાશર આભારવચનો ઉચ્ચારે એ પહેલાં જ મહેતા સાહેબે મૃગેશને એનો ખભો દાબી કાર હંકારવાનો સંકેત કર્યો… ને ‘ગૂડ બાય !’ કહી બારીનો કાચ ચડાવી દીધો. બંને કિંકર્તવ્યમૂઢ થઈ વહી જતી કારને નિહાળી રહ્યાં. બેમાંથી એકેયમાં ક્ષમાયાચના કરવાના હોશ ન હતા.

…બે વર્ષ પછી ઉનાળુ વેકેશન દરમિયાન મહેતા સાહેબ હૉસ્ટેલ-સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓના પ્રોગ્રેસ કાર્ડઝ ચકાસી રહ્યા હતા. હા, એમની કાર્ય-પ્રણાલીથી પ્રભાવિત થઈ મૃગેશ દેસાઈએ એમને આવી વધારાની અનેક કામગીરીઓ સોંપી હતી. હવે તેઓ માત્ર રેક્ટર ન હતા. એમના આગમન બાદ સંસ્થાની પ્રતિષ્ઠા અનેકગણી વધી હતી.

કલાર્ક જેનું નામ ઉચ્ચારે એ વિદ્યાર્થી વાલી સાથે અંદર આવે. એનું પ્રોગ્રેસ કાર્ડ ચકાસવામાં આવે. વિદ્યાર્થી પ્રવેશને યોગ્ય છે કે નહિ તે તરત જણાવવામાં આવે. એક નામની ઘોષણાએ મહેતા સાહેબને ચોંકાવી દીધા. એમનું હૃદય થડકો ચૂકી ગયું. કલાર્ક મોટેથી બોલ્યો હતો, ‘તપન પરાશર મહેતા !’ એ ખુરશી પરથી ઊભા થઈ ગયા. તપને માતા-પિતા સાથે પ્રવેશ કર્યો. તપનને જોતાં જ તેઓ ભાવવિભોર થઈ ગયા. ‘ઓ હો ! તપન આટલો મોટો થઈ ગયો !’ એ મનોમન ગણગણ્યા. પૌત્રને હૃદય સરસો ચાંપવાની અદમ્ય ઈચ્છા થઈ. એ ઈચ્છાને અને આંખમાંથી વહેતાં હર્ષાશ્રુને એમણે માંડ રોક્યાં. સંયમિત થઈ એમણે ત્રણેયને ઔપચારિક આવકાર આપી બેસાડ્યા. ‘કેમ છો, કેમ’નો વિવેક પતે એ પહેલાં જ કલાર્ક તપનના પ્રોગ્રેસ કાર્ડમાંથી માર્કસ બોલવા લાગ્યો. જેમ જેમ માર્કસ બોલાતા ગયા તેમ તેમ મહેતા સાહેબનું હૃદય બેસતું ગયું. મન ચિત્કારી ઊઠ્યું. ‘ઓહ ! તપન અભ્યાસમાં આટલો બધો પાછળ પડી ગયો ! એમણે પરાશર અને ઝંખના તરફ વેધક દષ્ટિ કરી. બંનેની આંખમાં કાકલૂદી તરવરી રહી હતી. બાકીનાં ફોર્મ્સ કલેકટ કરવાના બહાને કલાર્કને એમણે બહાર મોકલી દીધો. તપન હર્ષઘેલી આંખે દાદાજીને નિહાળી રહ્યો હતો. એ એમની ગોદમાં લપાવા થનગની રહ્યો હતો પણ સમગ્ર વાતાવરણમાં વ્યાપ્ત અગમ્ય ભાર એનું કિશોર મન પામી ગયું હતું. એ એમ ન કરી શક્યો. સ્વરમાં લાવી શકાય એટલી સ્વસ્થતા લાવી મહેતા સાહેબ બોલ્યા : ‘સૉરી મિ. પરાશર મહેતા, આપનો સન ખૂબ વીક છે. અમારા રુલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે એને અમારી સંસ્થામાં પ્રવેશ નહિ આપી શકાય !’
‘પણ પપ્પા, અમે આપ કહો એટલું ડોનેશન આપવા….’ એ વાક્ય પૂરું કરે એ પહેલાં જ મહેતા સાહેબ બોલ્યા : ‘પ્લીઝ, ડોન્ટ ઈન્સિસ્ટ મી. યુ કેન ગો નાઉ.’ (મહેરબાની કરી મારા પર દબાણ ન કરશો. હવે તમે જઈ શકો છો.) એ દરમિયાન કલાર્ક પાછો આવી ગયો હતો. એમણે એના તરફ આંખથી ઈશારો કર્યો. કલાર્કે પ્રવેશ દ્વાર તરફ જોઈ યંત્રવત બૂમ પાડી, ‘નેક્સટ ! વિપુલ ચંદ્રકાન્ત શાહ !’ તપનને લઈને પરાશર અને ઝંખના નત મસ્તક થઈ બહાર નીકળી ગયાં.

એ પછીની એક એક ઘડી મહેતા સાહેબને એક સદી જેટલી લાંબી લાગી. જરાય ચેન પડતું ન હતું. તેઓ આકળવિકળ થઈ ગયા. સાંજે સાત વાગે પરાશર મહેતાનો ડોરબેલ રણક્યો. ડોર ખોલતાં જ નોકર રધુના ‘બાપુજી, તમે !’ ઉદગાર પરત્વે કાંઈ પણ પ્રતિભાવ દાખવ્યા સિવાય સોફા પર મ્લાન ચહેરે બેઠેલા તપન સામે ‘બેટા તપન !’ કહી ધસી ગયા. તપન પણ ‘દાદાજી !’ કહી ઊભો થઈ ગયો. ક્યાંય સુધી મહેતા સાહેબે અશ્રુભીની આંખે પૌત્રને છાતી સાથે ભીંસી રાખ્યો. દાદા-પૌત્રનું આ મિલન પરાશર અને ઝંખનાને હલબલાવી ગયું. એમને એ સત્ય સમજાઈ ચૂક્યું હતું કે દાદાજીથી અળગો કરીને હાથે કરીને એમણે પુત્રની કારકિર્દી રોળી નાખી હતી. વિવશ થઈ તેઓ પંચગીનીથી એને પાછો લાવ્યાં હતાં. બંને મહેતા સાહેબના ચરણોમાં ‘પપ્પા !’ ના ઉદગાર સાથે ઝૂકી ગયાં. પશ્ચાત્તાપના આંસુ એમના ગાલ ભીંજવી રહ્યાં હતાં. રઘુએ આપેલું પાણી પીને મહેતા સાહેબ સહેજ સ્વસ્થ થયા. ગળું ખંખેરી તેઓ બોલ્યા : ‘પરાશર, તું તારા સર્કલનો અને તારી ઊંચી પહોંચનો ઉપયોગ કરી તપનને કોઈ નોનગ્રાન્ટેડ કે ડોનેશનિયા સ્કૂલમાં હાલ પૂરતું એડમિશન અપાવી દે ! હું રોજ એને ટ્યૂશન આપીશ. જો એનો પ્રોગ્રેસ સંતોષકારક હશે તો આવતા વર્ષે અમારી સંસ્થા વિદ્યોત્તેજક જ્ઞાનમંદિરમાં એડમિશન મેળવવામાં એને ઝાઝી મુશ્કેલી નહિ પડે.’

પરાશર અને ઝંખના આજ્ઞાંકિત વિદ્યાર્થીઓની જેમ એમને સાંભળી રહ્યાં હતાં. પછી કોઈ ગંભીર વાત કરતા હોય એમ મહેતા સાહેબ બોલ્યા : ‘પણ મારી એક શરત છે !’
‘શી શરત, પપ્પા !’ બંને ચોંકીને એકી સાથે બોલ્યાં અને એમની સામે મોં વકાસી જોઈ રહ્યાં. ઝંખનાથી ન રહેવાયું. કાકલૂદી કરતી હોય એમ એ બોલી, ‘પપ્પા, તમારી બધી શરતો અમને મંજૂર છે તમે કેવળ હુકમ કરો !’
‘હા, હા, પપ્પા !’ પરાશરે પણ સૂર પૂરાવ્યો.
‘……તો સાંભળો !’ મહેતા સાહેબ હળવેકથી પણ મક્કમપણે બોલ્યા, ‘તપનની ટ્યૂશન ફી પેટે એક પણ પૈસો નહિ લઉં !’ એમનો આ માર્મિક શબ્દપ્રહાર બંનેના હૈયા સોંસરવો ઊતરી ગયો. ‘હું ટ્યૂશનના પૈસા ન લઉં તો તમને થોડો ટેકો રહે ને !’ એમના આ વિધાનમાંથી અકથ્ય વેદના ટપકતી હતી, પણ તમાચો પડ્યો હોય એમ બંને તમતમી ઊઠ્યાં.
‘ટેકો રહે ને !’ શબ્દો અત્યંત શક્તિશાળી વિદ્યુત પ્રવાહની જેમ બંનેને આપાદ મસ્તક હચમચાવી ગયા. બિચારાં ! બોલે તો શું બોલે !….. તપનના મસ્તક પર દાદાજીનો વત્સલ કર ફરી રહ્યો હતો. એ ખરે જ અવર્ણનીય આનંદની પરિતૃપ્તિ અનુભવી રહ્યો હતો.

No comments: