રિક્ષાવાળાએ રિક્ષા ઊભી રાખી. બેગ હાથમાં લઇને નિધિ નીચે ઊતરી. પૈસા ચૂકવીને એ આગળ વધી. એન્જિનિયિંરગ કોલેજની હોસ્ટેલમાં નસરિન એની રૂમ પાર્ટનર હતી. પરમ દિવસે નસરિનની શાદી હતી. એણે ખાસ આગ્રહ કરેલો એટલે નિધિ બે દિવસ વહેલી આવી હતી. સામે દેખાતું ઘર નાનકડું હતું પણ અંદરથી હસી-ખુશીના જે અવાજો આવી રહ્યા હતા એ સાંભળીને નિધિને લાગ્યું કે નાનકડા ઘરમાં સમાય નહીં એટલી ખુશાલીનું વાતાવરણ અંદર સર્જાયું હશે. હોસ્ટેલમાં પણ દિવસમાં દસ વાર નસરિન એની અમ્માને યાદ કરતી હતી. એક માત્ર સંતાન હોવાને લીધે નસરિનને આગળ ભણવાનું સૌભાગ્ય સાંપડયું હતું. એકવાર તો ફી ભરવા માટે એની અમ્માએ બધા દાગીના ગીરવી મૂકયા હતા એ પણ નસરિને નિધિને કહ્યું હતું.
એ ઓટલા પાસે પહોંચી. ખિલખિલાટ હસતી ચાર-પાંચ કિશોરીઓ અંદરથી બહાર આવી અને નિધિના હાથમાંથી બેગ લઇ લીધી. અંદરના ઓરડામાં નસરિન ચટાઇ પર બેઠી હતી. પચાસેક વર્ષની એક સ્ત્રી નસરિનના માથામાં તેલ ઘસી રહી હતી. નિધિને જોઇને નસરિન ઊભી થઇ ગઇ અને ભેટી પડી.
‘અમ્મા, આ નિધિ.’ નિધિનો હાથ પકડીને નસરિન એને રસોડામાં ખેંચી ગઇ અને પોતાની મમ્મીનો પરિચય કરાવ્યો. નિધિ સ્તબ્ધ હતી. નસરિન કાયમ અમ્મા અમ્મા કહીને વાત કરતી હતી એટલે કોઇ વૃદ્ધ મુસ્લિમ સ્ત્રીની નિધિના મગજમાં કલ્પના હતી. અહીં તો ચાલીસેક વર્ષની અત્યંત સુંદર સ્ત્રી એની સામે ઊભી હતી. ‘ટ્રેનમાં કોઇ તકલીફ તો નથી પડીને બેટા?’ નિધિએ સહેજ ઝૂકીને એમને પ્રમાણ કર્યા એટલે એમણે નિધિને પોતાની બાથમાં જકડીને મીઠાશથી પૂછ્યું. નિધિએ ડોકું હલાવીને ના પાડી. ‘તમે બંને બહેનપણીઓ આરામથી વાતો કરો. દસેક મિનિટમાં જમવાનું થઇ જશે એટલે બૂમ પાડીશ.’
નિધિનો હાથ પકડીને નસરિન એને બીજા ઓરડામાં બધા પુરુષો બેઠા હતા ત્યાં લઇ ગઇ. ‘અબ્બુ, આ નિધિ. મારી ખાસ બહેનપણી.’ એણે પોતાના પપ્પા સાથે પરિચય કરાવ્યો. નિધિએ એમને પણ પ્રણામ કર્યા. લગભગ પંચાવન વર્ષની ઉમર, કલીન શેવ ચહેરો અને રાખોડી રંગનું સફારી પહેરીને એ બેઠા હતા. ‘ભરૂચમાં અગાઉ આવેલી છે કે પહેલી વાર?’ એમણે નિધિને પૂછ્યું. ‘મારા એક દૂરના માસા રહે છે. નાની હતી ત્યારે એક વાર એમના ધેર આવેલી.’ નિધિએ જવાબ આપીને ઉમેર્યું. ‘કાલે સવારે સમય મળે તો એકાદ કલાક જઇ આવીશ એમના ધેર.’
‘શ્યોર. નસરિનથી તો હવે ઘરની બહાર નહીં નીકળાય પણ બીજી કોઇ છોકરીને પકડજે. મારું એકિટવા લઇ જજે.’
એ પછી બંને નસરિનના રૂમમાં બેઠા. પેલી ચાર-પાંચ કિશોરીઓ એ રૂમમાં ધમાચકડી કરતી હતી. ‘બહુ જલદી નક્કી કરી કાઢયું તેં.’ નિધિએ હસીને પૂછ્યું. ‘છોકરો તેં શોઘ્યો કે અમ્મા-અબુએ?’ ‘છોકરાવાળાએ અમારું ઘર શોધી કાઢયું. બી.ઇ. થઇને એણે એમ.બી.એ. કર્યું છે એટલે એને ભણેલી-ગણેલી ને રૂપાળી બીવી જોઇતી હતી. તરત વાત પાકી થઇ ગઇ.’ નસરિને બેગ ખોલીને એમાંથી એના ભાવિ ખોવિંદનો ફોટો બતાવ્યો. મીઠી મજાકમાં બંને સખીઓ ડૂબી હતી ત્યાં જ અમ્માએ જમવા માટે બૂમ પાડી. સવારે દસ વાગ્યે નિધિ તૈયાર થઇ ગઇ એટલે એક કિશોરી એની સાથે એકિટવા પર બેસી ગઇ.
વૃદ્ધ માસા-માસીએ આગ્રહ કરીને બેસાડી એમાં બાર વાગી ગયા. નિધિ નસરિનને ત્યાં પાછી આવી ત્યારે બધા પુરુષો કોઇક વાત ઉપર ખડખડાટ હસી રહ્યા હતા. સ્ત્રી વૃંદ રસોડામાં હતું. નિધિ નસરિનના રૂમમાં પ્રવેશી ત્યારે નસરિન અને એની અમ્મા પલંગ ઉપર બેઠાં હતાં. બંનેના ચહેરા જોઇને નિધિને ખ્યાલ આવ્યો કે મા-દીકરી વચ્ચે કંઇક ગંભીર વાત ચાલી રહી હતી. અચાનક રૂમમાં પ્રવેશ્યા પછી વાતાવરણની ગંભીરતાનો ખ્યાલ આવ્યો એટલે એ તરત બહાર નીકળવા જતી હતી ત્યારે અમ્માએ એને બોલાવી. ‘નિધિબેટા, આવ, આ તારી બહેનપણીને કંઇક સમજાવ.’ એમણે એટલા પ્રેમથી આદેશ આપ્યો હતો કે નિધિએ ત્યાં જવું પડયું. મા-દીકરીની સામે ખુરસી પર એ બેઠી. ‘જેણે આપણને આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો એ માતાને ભૂલી શકાય?’ નિધિની આંખોમાં આંખો પરોવીને અમ્માએ પૂછ્યું. ‘એક સાચા અને નેકદિલ ઇન્સાન તરીકે વિચારીને જવાબ આપ કે એની અવગણના કરાય?’
‘ના.’ નિધિએ તરત કહ્યું. ‘એનું ઋણ કયારેય ના ભુલાય.’ ‘તને કંઇ ખબર નથી એટલે હા એ હા ના કર.’ નસરિને ચિડાઇને નિધિ સામે જોયું. ‘એને ખબર નથી એ વાત સાચી.’ અમ્માએ નસરિન સામે જોયું. ‘એને આખી કહાની સમજાવીશ એ પછી એ જે કહે એ તો માનીશને?’ અમ્માએ નિધિ સામે જોયું. ‘સાંભળ. નસરિન મારી સગી દીકરી નથી. શાદી કરીને હું આ ઘરમાં આવેલી ત્યારે તો નસરિન બે વર્ષની હતી!’
નિધિ ચોંકી ઊઠી. આશ્ચર્યથી આંખો પહોળી કરીને એ મા-દીકરી સામે તાકી રહી. હોસ્ટેલમાં મારી અમ્મા આમ ને મારી અમ્મા તેમ એમ કહીને નસરિન દિવસમાં દસ વાર ખરા હૃદયથી અમ્માનું સ્મરણ કરતી હતી. આ અમ્મા એની સાવકી મા છે? એનું મગજ ચકરાવે ચઢી ગયું.
‘નસરિન કાયમ તારી તારીફ કરે છે. નિધિનું દિમાગ બહુ તેજ છે એમ એણે અનેક વાર કહ્યું છે. આજે આ આખી કહાની સાંભળીને તારા દિલોદિમાગથી વિચારીને ઇન્સાફ કરજે અને તારી આ પાગલ બહેનપણીને સમજાવજે.’ અમ્માનો ધીમો અવાજ આછી વેદનાથી રણકતો હતો. ‘નસરિનના અબ્બાએ પહેલી શાદી ફરિદા સાથે કરેલી. ફરિદાની કૂખે નસરિનનો જન્મ થયો. એ પછી એમણે નોકરી બદલી એટલે અઠવાડિયામાં ત્રણ દિવસ બહારગામ જવું પડતું. સાચું-ખોટું તો અલ્લામિયાં જાણે.
કોઇની બદબોઇ કરવાનો આપણને અધિકાર નથી પણ બન્યું એવું કે નસરિનના અબ્બાના દિમાગમાં શક ઘૂસી ગયો કે ફરિદાની ચાલચલગત ઠીક નથી. એમણે ફરિદાને તલાક આપ્યા ત્યારે નસરિન બે વર્ષની હતી. એ વખતે મારા અબ્બાની આર્થિક સ્થિતિ સારી નહીં અને એમને મારી શાદીની ચિંતા હતી. કોઇક સગાએ આંગળી ચીંધી અને અબ્બાએ તપાસ કરી. એમને ઘર અને મુરતિયો ઠીક લાગ્યાં એટલે નક્કી કરી નાખ્યું. શાદી કરીને હું આ ઘરમાં આવી. પેટની દીકરી હોય એમ મેં નસરિનને ઉછેરી, મોટી કરી અને કાલે તો એ આ ઘરમાંથી વિદાય લેશે. એ કબૂલ કે મારા માટે જીવ આપી દે એટલી મહોબ્બત કરે છે, પણ આ એક વાત નથી માનતી.’
સહેજ અટકીને અમ્માએ નિધિ સામે જોયું. ‘ફરિદા હજુ હયાત છે. બાજુના ગામડે રહે છે. નસરિનને હાથ જોડીને કહું છું કે એ ઔરતે નવ મહિના કૂખમાં ભાર વેઠીને તને જનમ આપ્યો છે. એ બિચારીને કમ સે કમ શાદીમાં તો બોલાવ. તારા અબ્બુ જોડે એ સમયે એને જે કંઇ પ્રોબ્લેમ થયો હોય એ કશું યાદ કર્યા વગર મા તરીકે એને શાદીમાં બોલાવ. આપણાથી અહેસાનફરામોશ ના થવાય. તને બે વર્ષની કરી એમાં પણ એ બાપડીએ બહુ તકલીફ વેઠી હશે. ઇન્સાનિયતના નાતે પણ એને બોલાવ. શાદીમાં શરીક થઇને એ કંઇ લઇ નથી જવાની. મા તરીકે તને દિલથી દુવા આપશે. ’ અમ્માએ નિધિ સામે જોયું. ‘હવે તું ઇન્સાફ કર. દિલ અને દિમાગથી ફેંસલો કરીને નસરિનને સમજાવ.’
નસરિન બે હાથ વચ્ચે માથું પકડીને ચૂપચાપ બેઠી હતી. અમ્માએ જે કહ્યું એ સાંભળીને નિધિને લાગ્યું કે એમની વાતમાં સચ્ચાઇ છે. ઊભી થઇને એ નસરિન પાસે બેઠી. ‘નસરિન, અમ્માની વાત માન.’ નસરિનના ખભે હાથ મૂકીને એણે સમજાવવાનું શરૂ કર્યું. ‘શાદીમાં એકને બદલે બે-બે મમ્મીના આશીર્વાદ મળે એમાં ખોટું શું છે?’
એનો હાથ ઝાટકીને નસરિન સટાક દઇને ઊભી થઇ ગઇ. ‘નિધિ, પ્લીઝ.’ એણે ચીસ પાડીને નિધિને આગળ બોલતી અટકાવી. ‘મારે બે અમ્મા છે એ વાત જ ખોટી છે. હું તો આ એક જ અમ્માને ઓળખું છું.’ અમ્મા સામે હાથ લંબાવીને નસરિને ઝનૂનથી કહ્યું. ‘આટલાં વર્ષ હોસ્ટેલમાં સાથે રહ્યાં, એમાં મારી કોઇ વાત ઉપરથી તને કયારેય એવી ખબર પણ પડી કે મારે સાવકી મા છે? પેલી સ્ત્રી શાદીના મંડપમાં આવીને ઊભી રહે અને મા તરીકેનો અધિકાર બતાવે એ મને હરગિજ મંજૂર નથી. મારા છેલ્લા શ્વાસ સુધી આ અમ્મા જ મારી અમ્મા રહેશે.’
નિધિની સામે જોઇને એણે ધારદાર અવાજે બોલવાનું શરૂ કર્યું. ‘હું એની સાવકી દીકરી છું એ કબૂલ પણ એણે સગી માથી યે વિશેષ વહાલ આપ્યું છે. મારી એક નાનકડી ખુશી માટે એણે એની હજારો ખુશીઓ કુરબાન કરી છે. આઠમી ભણતી હતી ત્યારે ટાઇફોઇડ થયેલો. સળંગ દસ દિવસ આખી રાત જાગીને પોતાં મૂકયાં છે એણે. મને ઘી ચોપડેલી મળે એ માટે થઇને એણે લૂખી રોટલી ખાધી છે. મારું આંખ-માથું દુ:ખે ત્યારે હાથમાં તસ્બી લઇને રાત રાતભર બંદગીમાં ડૂબેલી રહી છે એ! એક પળ માટે પણ. મને એવો અહેસાસ નથી થયો કે આ મારી સગી મા નથી.’ એ ઉશ્કેરાટમાં બોલતી હતી. એનો પાતળો દેહ ધ્રૂજી રહ્યો હતો. એ જોઇને નિધિ સ્તબ્ધ હતી.
‘નિધિ, આ અમ્માના પાંવની ધૂળ લઇને ઉમ્રભર માઠે ચઢાવું તો પણ હું એની અહેસાનમંદ રહીશ. મારી નાદાનિયત અને બેવકૂફીથી મેં એને જિંદગીભરની જે યાદના આપી છે એનો ડંખ જીવનભર સતાવશે. એ ગુના બદલ તો અલ્લામિયાં કયારેય મને માફ નહીં કરે.’ નસરિનની આંખમાં ઝળઝળિયાં ધસી આવ્યાં. ‘નસરુબેટા...’ બે હાથ જોડીને અમ્મા કરગરી.’ એ વાત યાદ કરીને શા માટે દુખી થાય છે?’
‘અમ્મા, બોલવા જ બેઠી છું તો બોલી લેવા દે. મનનો ભાર હળવો થશે.’ એની આંખમાંથી આંસુના રેલા નીતરતા હતા. ‘નિધિ, પરવરદિગાર સાક્ષી છે કે અમ્માએ મારી એક પણ ઇરછા અધૂરી નથી રહેવા દીધી. તકલીફ વેઠીને પણ મને સાહ્યબી આપી છે. સાવકી દીકરી પ્રત્યે આવું વર્તન તો અનેક ઓરત કરી શકે પણ અમ્માએ જે કર્યું એ બેમિસાલ છે. દુનિયાની કોઇ ઓરત આટલી દયાળુ, આવી રહેમદિલ ના હોઇ શકે નિધિ!’
સહેજ અટકીને એણે દુપટ્ટાથી આંસુ લૂછ્યાં. ‘હું ત્રણ વર્ષની હતી ત્યારે ગોળમટોળ અને જાડી પાડી હતી. બધા મને વહાલથી નસરુજાડી જ કહેતાં. એ વખતે અમે એક રૂમના મકાનમાં રહેતા હતા. પતરાની પાટીવાળો લોખંડનો ઊચો પલંગ હતો ઘરમાં. એની નીચે ઘરનો અડધો સામાન સમાઇ જતો.’ નસરિનનો અવાજ ધ્રૂજતો હતો. ‘એ વખતે અમ્મા પ્રેગ્નન્ટ હતી.રાત્રે એ નીચે ચટાઇ પર સૂતી હતી. હું અને અબ્બુ પલંગમાં સૂતાં હતાં. રાત્રે બે વાગ્યે ભીમપટારા જેવું ભારેખમ શરીર લઇને હું પલંગ પરથી ગબડી અને ધડ દઇને સીધી અમ્માના પેટ પર પડી! ભયાનક બ્લીડિંગ ચાલુ થઇ ગયું.
અબ્બા એને હોસ્પિટલ લઇ ગયા. તાબડતોબ સારવાર આપીને ડૉકટરે અમ્માને તો બચાવી લીધી પણ એના પેટમાં મારો ભાઇ હતો એને બચાવી ના શકયા. ડોકટરે અબ્બાને તો જણાવી દીધું કે આ સ્ત્રી હવે કયારેય મા નહીં બની શકે. પોતાની કૂખે નથી જન્મેલી એવી આ સાવકી પુત્રીના પાપે પોતે જિંદગીભર મા નહીં બની શકે એ હકીકત જાણવા છતાં એને મને દિલથી ઉછેરી. જિગરના ટુકડાની જેમ જાળવીને મોટી કરી! એની જોડે ઊભા રહેવાનું સન્માન સગી માને તો ઠીક પણ આસમાનના ફરિશ્તાને પણ ના આપું.! નિધિ! મારી વાત ખોટી છે? આંસુથી ખરડાયેલા ચહેરે એણે નિધિને પૂછ્યું. નિધિ શું બોલે? મંદિરમાં દેવીની મૂર્તિનાં દર્શન કરતી હોય એમ એ અમ્મા સામે તાકી રહી હતી. અમ્મા ભીની આંખે નસરિન સામે જોઇ રહ્યાં હતાં.
No comments:
Post a Comment