[ ડૉ. શરદ ઠાકરની સાહિત્યકૃતિઓના ચાહકો માટે આનંદના સમાચાર એ છે કે તેમનું ઈ-મેઈલ એડ્રેસ હવે ઉપલબ્ધ છે. વિશ્વના વાચકો સરળતાથી તેમનો સંપર્ક કરી શકે છે. (કામની વ્યસ્તતાને કારણે તેઓ દર શનિ-રવિ જવાબ પાઠવી શકશે.) તેમનું ઈમેઈલ છે : drsharadthaker@yahoo.com આપ તેમનો +91 9426344618 પર પણ સંપર્ક કરી શકો છો.]
ઓ દોસ્ત, કોઈ દોસ્તનો એમાં નથી કસૂર;
વાતાવરણ બનાવે છે, વાતાવરણના દોસ્ત.
બધાંનું માનવું એવું હતું કે મારે મોરખડા ન જવું, ત્યાં જવામાં ડર જેવું હતું. પણ હું ડર્યો નહીં. પંદર દિવસનો જ સવાલ હતો અને બધાં જ પાનાં મારી વિરુદ્ધની બાજીમાં હતાં, પણ રમતની હાર-જીતનો ફેંસલો હુકમના પાનાં પર હોય છે એ હું જાણતો હતો.
‘મોરખડા જાવા જેવું નથી, ભાઈ !’ ડૉ. પટેલે મને વડીલની જેમ સમજાવવાની કોશિશ કરી.
‘અને જઈશ તો પાછા અવાય એવુંયે નથી….’ ડૉ. ચામાડિયાએ કહ્યું. આમ તો એની અટક ‘શાહ’ હતી, પણ એની ડ્યુટી હમણાં ચામડીના વિભાગમાં લાગી હતી.
‘તું જો જીવતે જીવ પાછો આવે, તો સીધો મારા વોર્ડમાં જ દાખલ થઈ જજે. હું તારા ભાંગેલાં હાડકાં વિનામૂલ્યે સાંધી આપીશ.’ ડૉ. હથોડાપેડિક બોલ્યો. એ ઓર્થોપેડિક વિભાગમાં હતો. હું હવે નિખિલ તરફ ફર્યો. એ કાનમેલિયો હતો, અર્થાત્ ઈન.એન.ટી સ્પેશ્યાલિસ્ટ. મેં પૂછ્યું : ‘તારે કંઈ કહેવાનું છે ?’ એને શરદી થઈ હતી. કાને ઓછું સંભળાતું હતું અને ગળામાં સોજાને કારણે સાફ રીતે બોલી પણ શકાતું નહોતું. એણે ઘોઘરા અવાજે કહ્યું : ‘મારે બીજા કોઈ સારા ઈ.એન.ટી સ્પેશ્યાલિસ્ટને બતાવવું પડશે એમ લાગે છે. પણ તું જો મોરખડા જવાનું નક્કી કરીને જ બેઠો હોય, તો પહેલું કામ તારું ‘વીલ’ (વસિયતનામું) બનાવવાનું કરી નાંખજે.’
હું હસ્યો : ‘મારી મૂડીમાં તમે બધાં મિત્રો જ છો અને આવાં ઉત્તમ મિત્રો બીજા કોઈને વારસામાં આપી જવા જેટલી ઉદારતા મારામાં હજુ નથી ઊગી. હું તો મારી અંતિમ ઈચ્છામાં એવું લખવાનો છું કે, મોરખડા મુકામે જો ધીંગાણું થાય અને એ ધીંગાણામાં આ ગરીબ બ્રાહ્મણ કામ આવી જાય તો એની પાછળ તમને બધાંય મિત્રોને પણ ચિતા પર ચડાવી દેવા.’ બધાં છેલ્લી વારનું હસતાં હોય એમ હસ્યાં. પછી ધીમેથી મને ઘેરી વળ્યાં. ડૉ. રાવલે ગંભીરતાથી પૂછ્યું : ‘સંસાર પરથી ખરેખર આટલો બધો વૈરાગ્ય આવી ગયો છે ? અને આપઘાત કરવો જ હોય, તો બીજાં દર્દરહિત ઉપાયો ક્યાં ઓછાં છે ? આમ તલવાર અને ધારિયાંના ઘા ઝીલવાની કોઈ જરૂર ખરી ? તને ખરેખર ત્યાં જતાં ડર નથી લાગતો ?’ બધાનું માનવું એવું હતું કે, મારે મોરખડા ન જવું, ત્યાં જવામાં ડર જેવું હતું…. પણ….!
મારે પંદર દિવસ માટે ડેપ્યુટેશન પર જવાનું હતું. પાંચ ગામમાંથી કોઈ પણ એક પર મારે પસંદગી ઉતારવાની હતી. મેં સામે ચાલીને મોરખડા જવાનું પસંદ કર્યું હતું. ગામના નામ લખેલાં કાગળ પર નજર ફેરવતો હતો. ત્યાં જ એ નામે મને આકર્ષ્યો હતો. મારી આંખમાં એક ચમકારો આવી ગયો હતો. આ ગામની ભારે રાડ હતી. ત્યાં સરકારી દવાખાનું હતું, પણ કોઈ ડૉક્ટર નહોતો. આખું ગામ દરબારોનું. બધા એક જ શાખના જાડેજા રાજપૂતો ! આમ કોઈ બીજું વ્યસન ન મળે, અને મારામારીને એ લોકો વ્યસનમાં ગણતા નહીં. દુનિયા આગળ નીકળી ગઈ, પણ આ જાડેજી ગામ હજુ મધ્યકાલીન રાજપૂત-યુગમાંથી એક ઈંચ પણ આગળ નહીં વધેલું. ડૉક્ટર જેવા નરમ પ્રાણીની વાત જ છોડો, મોરખડામાં કોઈ શાકભાજી વેચવા પણ જતું નહીં. જાડેજાઓ શાક વગર જ ચલાવી લેતા. ગામમાં બસો ખોરડાં, પણ બધા જ રાજા, રૈયતમાં કોઈ ન મળે !
કોઈ ડૉક્ટર ત્યાં જવા રાજી નહીં. ત્યાં નોકરી મળે, તો ડૉક્ટરી લાઈન બદલાવી નાખે ! કોઈ અજાણ્યો જણ ત્યાં જવાની હા પાડે, તો સરકાર એને ઈન્ટરવ્યૂ વખતે જ નોકરી પર હાજર થવાનો ઑર્ડર હાથોહાથ આપી દે ! ટિકિટભાડું આપવા પણ રાજી થઈ જાય. પણ બીજે અઠવાડિયે ફરીથી મોરખડાનું નામ ઈન્ટરવ્યૂવાળા ચોપડે નોંધાઈ જાય. મને આવા માથાભારે ગામે આકર્ષ્યો. મિત્રો બધાં મને અંતિમવિદાય આપી રહ્યા હોય તેવાં ગંભીર બની ગયાં. મારે તો માત્ર પંદર જ દિવસ કાઢવાના હતા. હું ગમે તે ગામમાં જઈ શક્યો હોત, પણ મારે એક અનોખો અનુભવ લેવો હતો. અસંખ્ય વાચકો મને પત્ર દ્વારા અને રૂબરૂમાં પૂછતા હોય છે કે, તમે લખો છો એટલા બધા વૈવિધ્યસભર પ્રસંગો ખરેખર તમારા જીવનમાં બનતા રહે છે ? હું કહું છું કે પ્રસંગો બધાની સાથે બનતા હોય છે અને ક્યારેક આપણે સામે ચાલીને પણ ઘટનાને મળવા જવું પડે છે. આજે હું આમ જ સામે ચાલીને મોરખડા ગામે જઈ રહ્યો હતો.
મેં મોટરસાયકલને ‘કીક’ મારી એ સાથે જ પટેલે મને પૂછ્યું : ‘ક્યારે પાછો ફરીશ ?’
મેં એક્સિલેટર દબાવતાં પહેલાં જવાબ આપ્યો : ‘બપોરે ચારેક વાગ્યે… રોજનો આ જ ક્રમ રહેશે. સવારે જવાનું અને સાંજે પાછા. પણ તું કેમ આમ પૂછે છે ?’
એણે કહ્યું : ‘પોલીસમાં ફરિયાદ ક્યારે કરવી એની ખબર પડે ને એટલા માટે…..’
‘એનાથી કંઈ નહીં વળે… ત્યાંયે અરધો સ્ટાફ જાડેજાનો જ છે.’ હું હસ્યો ને મેં ગાડી દબાવી મૂકી.
માંડ દસેક વાગવા આવ્યા હશે ને મોરખડાનું નામ ચીતરેલું પાટિયું દેખાયું. પણ તીરની દિશા ઉપર આકાશ ભણી જતી હતી. કોઈ અનુભવીએ જ પાટિયાને ફેરવી દીધું હશે. રસ્તાની બંને બાજુએ કેડી જતી હતી. મારે ક્યાં જવું – ડાબે કે જમણે ? મનમાં થઈ રહેલી મૂંઝવણનો ઉકેલ બનીને ઊભો હોય એવો એક છોકરો દેખાયો. માંડ દસેક વરસનો હશે. મેં મોટરસાયકલ ઊભી રાખી. એને પૂછ્યું : ‘એઈ ટેણિયા, મોરખડા કઈ દિશામાં આવ્યું ?’ ટેણિયો જાડેજા હશે એની મને શું ખબર ? તુંકારો સાંભળીને પળવારમાં ધગધગતું લોખંડ બની ગયો :
‘કોઈ દિવસ દરબાર સાથે વાત કરી છે ? જાડેજાનો દીકરો હજી તો જન્મ લેતો હોય ત્યાં એને ‘બાપુ’ કહીને બોલાવવો પડે એ રિવાજ હજુ શીખવાનો બાકી લાગે છે ! પહેલાં સો વાર ‘બાપુ બાપુ’ ગોખી આવો, પછી મોરખડાનો મારગ પૂછજો. કેવા છો જાતે ?’
મેં કહ્યું : ‘ડાબે ખભે જનોઈ છે.’
‘તો જાવ. પહેલો ગૂનો માફ કરું છું બ્રાહ્મણ છો એટલે. ડાબે હાથે વળી જાવ. મોરખડું હજી તો શિરાણમાંથી હમણાં જ પરવાર્યું હશે. પણ મે’માન, કાલથી આ બાજુ દેખાતા નહીં. ફરીવાર માફ નહીં કરું.’ ટેણિયા બાપુને પાટિયા નીચે જ ઊભેલા છોડીને હું ડાબી બાજુએ વળી ગયો. પહેલાં કૂવો આવ્યો. રજપૂતાણીઓ હોય કે એમને ત્યાં કામ કરતી બાઈઓ હોય, પણ કૂવામાંથી પાણી ખેંચતી વેળા કેવી શોભી રહી હતી ? હું એકિટશે એમના ઘૂમટા કાઢેલા દેહમાંથી ટપકતાં નૃત્યને જોઈ રહ્યો. સામે જ ઓટલે બેઠેલા બેમાંથી એક જુવાને ખોંખારો ખાધો. મારે આ ઈશારામાં સમજી જવું જોઈતું હતું. પણ ન સમજ્યો. બાપુએ બોલવાની તકલીફ ઉઠાવવી પડી : ‘ગાડીને વહેતી રહેવા દ્યો. આંખમાં કાંઈ પડ્યું હોય તો અમારા ભણી આવો. વ્યાધિનો નિકાલ કરીએ. ભાલાની અણીએ તણખલું કાઢી દઈએ.’
મને લાગ્યું કે ભાલાની અણીએ આંખ વીંધાવવા કરતાં એમની ભાષાની અણીએ ગાડી ભગાવવી સારી ! આગળ જતાં ચોરો આવ્યો. દસેક જુવાનિયા બેઠા હશે. મેં ઘરઘરાટી સાથે મોટરસાયકલ તીરની જેમ ચોરાને અડીને કાઢી.
‘એ જરાવાર ઊભા રે’જો, મે’માન….’ એક કરાડો જુવાન ઊભો થયો પાસે આવ્યો.
‘બોલો શું છે ?’ મેં ચાલુ એન્જિને પૂછ્યું.
એણે છેક પાસે આવીને ગાડીની ચાવી ફેરવી. એન્જિનની ઘરઘરાટી બંધ પડી ગઈ. ચાવી એણે કાઢીને ખમીસના ખિસ્સામાં સેરવી દીધી : ‘ખબર નથી કે આ મોરખડાનો ચોરો છે ? અહીં જાડેજાનો એક બચ્ચો ભી બેઠો હોય ને, ત્યાં સુધી બહારના કોઈથી વાહન પર ન જઈ શકાય. ચાલતા જ જવું પડે. બીજાં ગામનો રજપૂત હોય તો પણ ! ઘોડેસ્વાર જતો હોય તોયે એકવાર તો એણે ઊતરી જવું પડે, ડાયરાને ‘રામ રામ’ કહીને આગળ ગયા પછી જ ઘોડા પર બેસાય. માથે ટોપી પહેરી હોય તો એ ય ઉતારીને હાથમાં લઈ લેવી પડે. કેવા છો જાતે ?’
‘બ્રાહ્મણ’ મેં કહ્યું.
‘તો બચી ગયા તમે અને આ ગાડીયે બચી ગઈ ! પણ આ એક જ ગુનો માફ, સમજ્યા. કાલથી મોરખડાનું નામ સરખું યે યાદ ન રાખતા…..’ એણે લાલ આંખ કરતાં કહ્યું.
‘સમજી ગયો, પણ હવે મને એ સમજાવો કે તમારા ગામના સરપંચ પર્વતસિંહનું ખોરડું ક્યાં આવ્યું ?’ મેં પૂછ્યું.
‘અમારી રાવ ખાવા જાવું છે સરપંચ પાસે ? જાવ, આ સહેજ આગળ જઈને જમણે વળી જાવ. સામે જ મેડિબંધ મકાન દેખાશે. ખડકીના બારણે ‘જય મા ભવાની’ લખેલું હશે ને મેડીના ઝરૂખા પર સિંદૂર લગાડેલી તલવાર ટાંગી હશે. એ જ મોટા બાપુની ડેલી. પણ જરા સાચવીને જજો. મોટાબાપુ બહુ ખાટા સ્વભાવના છે. ચોર્યાશી ખૂનના આરોપી છે. પોલીસે હજી આંગળી અડાડવાની હિંમત નથી કરી. પુરાવો ક્યાંથી કાઢવો ? છેલ્લાં ચાળીસ વર્ષથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા છે. ત્યાં જરા બોલવા ચાલવામાં ભાન રાખજો. બાકી બાપુ પંચાશીમું ‘મર્ડર’ કરતાંય વિચાર નહીં કરે. અરે, એમણે તો હાથે ય લોહીવાળો કરવો નહીં પડે. અમે બધા જ પીંખી નાખીએ એવા છીએ. મોટાબાપુના એક ઈશારા પર અમારા બસે ઘર….. બાપુ બોલતા રહ્યા અને હું ચાલતો થયો.
બે મિનિટ પછી હું મોટાબાપુ પર્વતસિંહની મેડી પર આવેલા રજવાડી દીવાનખંડમાં બેઠો બેઠો ગામના લોકોની વર્તણૂક બાબત બખાળા કાઢી રહ્યો હતો. દીવાલ પર રંગબેરંગી રબારી ભરત ભરેલાં ચકળા લટકી રહ્યા હતા. રાચરચીલામાં હાથીના પગ જેવા પાયાવાળા વિશાળ ઢોલીયા ઢાળેલા હતા. એક પર હું બેઠો હતો. બીજા પર બાપુ આડા પડ્યા હતા. રૂમમાં હુક્કાનો ગડગડાટ અને એમાંથી નીકળતી ગડાકુની મીઠી સુગંધ પ્રસરી રહ્યાં હતાં. મારી ફરિયાદો બાપુને પસંદ આવી હોય એવું લાગ્યું નહીં. એમની આંખમાં રતાશ ફૂટી.
‘કેવા છો ડૉક્ટર તમે ?’ આ પ્રશ્ન મને જાડેજાનો કૂટપ્રશ્ન લાગ્યો.
આ વખતે જાણી જોઈને મેં જવાબ બદલ્યો : ‘કેવો છું એ ન પૂછો, બાપુ ! ક્યાંનો છું એ પૂછો.’
‘ક્યાંના છો ?’ બાપુને કશું સમજાયું નહીં કે હું શો જવાબ આપીશ.
‘જૂનાગઢનો….’ મેં ધીમેથી કહ્યું. બાપુ બેઠા થઈ ગયા. આંખ પૂરેપૂરી ખૂલી ગઈ.
‘ત્યાંના દવાખાનામાં કામ કરેલું ?’ એમણે હુક્કો ગગડાવવાનું બંધ કરીને મારી સામે જોયું.
‘દવાખાનામાંયે કરેલું અને જેલમાં પણ…’ મેં એમની આંખમાં આંખ પરોવીને ‘હા’ પાડી.
‘જેલમાં પણ ? ત્યારે તો આપણા જુવાનસિંગને….’ એમની આંખમાં વાત્સલ્ય આવીને બેસી ગયું.
‘હા, તમારા દીકરા જુવાનસિંગને ઓળખું છું હું. જેલમાં ડૉક્ટર તરીકેના ડેપ્યુટેશન પર હતો, ત્યાં રોજ મળતો એને. વધારાનું દૂધ અને મજૂરીમાં રાહત પણ લખી આપતો. એ તમારી રોજ ચિંતા કર્યા કરતો. મેં એને વચન આપ્યું હતું કે મોકો મળશે તો એકવાર રૂબરૂ મોરખડા જઈને તારા બાપુને મળતો આવીશ, તારા સમાચાર આપતો આવીશ. આજ સુધી એ ન બન્યું. આજે સરકારી ખર્ચે આવ્યો છું અહીં ! મેં એ પછીની ત્રીસ મિનિટ સુધી મોટાબાપુ જોડે જુવાનસિંગની વાતો કર્યા કરી. વચમાં મોટાબાપુએ એક લટકતી દોરી ખેંચી. નીચે ફળિયામાં દોરીને બીજે છેડે બાંધેલી ઘંટડીઓ રણકી ઊઠી. થોડી વારે ઝાંઝરનો ઝણકાર પગથિયાં ચડતો ઉપર આવી રહ્યો હોય એમ લાગ્યું. મેડીના કમાડ પાસે એ સંગીત થંભ્યું.
મોટાબાપુએ ખોંખારો ખાધો : ‘વહુ બેટા, ડૉક્ટર સાહેબ માટે કઢેલાં દૂધ બનાવો. બાને કહો કે રોટલાની તૈયારી કરે. મે’માન હવે પંદર દિવસ આપણે ઘેર જ રોકાવાનાં છે અને પસાયતાને કહી દો કે ગામ આખામાં ઢોલ વગડાવે કે ડૉક્ટરની સામે ઊંચા અવાજે વાત કરશે એને મોટાબાપુના એકના એક દીકરા જુવાનસિંગના સોગંદ છે.’ હું મોટાબાપુની સામે જોઈ રહ્યો. પાંસઠેક વર્ષના ઝુરીદાર ચહેરા પર અચાનક આજે ચમક આવી ગઈ હતી. આજે કોઈક એના જનમટીપની સજા કાપી રહેલા જુવાન દીકરાના સમાચાર લઈને આવ્યું હતું. આજે વર્ષો પછી પહેલીવાર પગથિયાં ઊતરી રહેલી પુત્રવધૂના પગના ઝાંઝર કોઈ અનેરા ઉત્સાહથી ઝણઝણી રહ્યાં હતાં. આજે વર્ષો પછી ચૂલાની તાવડીમાં શેકાઈ રહેલા બાજરીના રોટલામાંથી ધાન્યની મીઠી સોડમ સાથે માતૃત્વની સોડમ પણ ભળી જવાની હતી.
હું ઘૂંટડે ઘૂંટડે રકાબીમાંથી કઢેલું દૂધ પી રહ્યો હતો અને એક વૃદ્ધ બાપ મને ટગર ટગર જોઈ રહ્યો હતો અને પૂછતો હતો : ‘તમે રોજ મારા જવાનસિંગને વધારાનું દૂધ લખી આપતા ? તમને કેમ ખબર કે એને દૂધના બહુ હેવાં છે ? જેલમાં દૂધ ચોખ્ખું મળે કે પછી પાણીવાળું ? આપણા ખરચે જેલમાં ભેંસ બાંધવા દે કે નહીં ? તમે મારા જવાનસિંગની સામે સાવ નજીક બેસીને જ વાતો કરતા એમ ? આપણે બેઠા છીએ એટલા અંતરથી જ ?’ હું શું પીઉં ? કઢેલું દૂધ કે ઘૂંટાયેલા, વેદનાસભર આ શબ્દો ? બપોરનો રોંઢોં કરીને હું નીકળ્યો. મોટાબાપુએ બહુ આગ્રહ કર્યો પણ હું ન રોકાયો. બપોરના સાડા ચાર પહેલાં જો હું પાછો ન ફરું તો મિત્રો પોલીસમાં ફરિયાદ નોંધાવે એવા હેતાળ હતા.
ખડકીની બહાર મારી મોટરસાયકલ ચાવી ભરાવેલી હાલતમાં પડેલી હતી. મેં ‘જય માતાજી’ કહીને મોટાબાપુની રજા લીધી. ‘કીક’ મારી અને ઘરઘરાટીનો જબરો અવાજ આખા મોરખડામાં ગુંજી રહ્યો. મેં ચોરા વચ્ચાળેથી ભર ડાયરા સામે માથું હલાવીને ગાડી ભગાવી. કૂવાના થાળા પાસે મેલાં કપડાં ધોકાવી રહેલી સ્ત્રીઓ તરફ આંખ ભરીને જોઈ લીધું. ગામ બહાર આવીને મોરખડા લખેલાં પાટિયા નીચે જોયું. ટેણિયો ક્યાંયે દેખાણો નહીં. કદાચ મોટાબાપુનો પ્રેમાળ હુકમ બધે ફરી વળ્યો હતો.
એ પછી પણ બીજા ચૌદ દિવસ સુધી મેં મોરખડામાં તબીબી કાર્ય કર્યું. બધાનું માનવું એવું હતું કે, મારે મોડા મોડા પણ સમજી જવું…. મોરખડા જવામાં જોખમ જેવું હતું…. પણ હું ડર્યો નહીં. જિંદગીની બાજી ખુશનુમા હોય કે કરુણ, પણ હારજીતનો ફેંસલો હુકમના પાના પર રહેતો હોય છે. મોરખડા ગામનો હુકમનો એક્કો મારી પાસે હતો… અને એ એક્કાનો હુકમ પણ મારા પક્ષે હતો….
No comments:
Post a Comment