સંબંધ તો ખુદાથી યે એવા રહ્યા છે દોસ્ત,
એણે જ ખુદ કહ્યું કે મને ‘તું’ય કહી શકાય.
‘એમાં મૂંઝાઈ શું ગયા છો ? સાહેબને મારું નામ આપજો ને…. તમારું કામ થઈ જાશે.’ આમ બોલીને એ તો શાંત થઈ ગયો, પણ મારા મગજમાં ક્રોધનો ઊકરાટો આવી ગયો. સવજીના ડાચા પર અવળા હાથની બે અડબોથ ઝીંકી દેવાનું મન થઈ આવ્યું. આવા લોકોને મૂંગાં મરતાં શું જોર આવતું હશે ? ક્યાં સવજી ને ક્યાં પારેખ સાહેબ ? ગાંગો તેલી અને રાજા ભોજની કહેવત આ બે જણ માટે સરજાઈ હશે. મેં ફરી એકવાર સવજીને ધારી ધારીને નીરખી લીધો. બેઠી દડીનો બાંધો, ચામડી ગોરી પણ એ તો બાપકમાઈની ગણાય, આપકમાઈમાં સવજીએ બની શકે એટલો પ્રયત્ન કરીને એને ગંદીગોબરી કરી દીધેલી, પાન ખાવાથી ખરડાઈ ગયેલા દાંત-જાણે મોમાં લાલ સોપારીના નાના નાના ટુકડા રોપી દીધા હોય એવા લાગે, તેલની શોધ માથાના વાળ માટે થઈ છે એ વાતની સવજીને આજ સુધી માહિતી જ નહીં હોય કદાચ, પણ વાળની લટો જોઈને લાગે કે કાંસકાની શોધથી પણ અજાણ જ હશે; ઠીક કહેવાય એવા કપડાં અને ચૂંચી આંખો !
હું એની આંખોમાંથી નીતરતા આત્મવિશ્વાસને નીરખી રહ્યો : ‘તમને સો ટકા ખાતરી છે કે હું તમારું નામ દઈશ તો પારેખ સાહેબ….’
‘અરે… તમને વિશ્વાસ નથી પડતો ?’ સવજીએ લાલ દાંતનું પ્રદર્શન કર્યું : ‘નામ દેવાનું ક્યાં માંડો છો ? લાત મારીને વાત કરજોને…. કામ ન થાય તો મને આવીને વાત કરજો.’ એણે ચાનો છેલ્લો ઘૂંટડો ભરીને કપ હોટલવાળાને પાછો આપ્યો : ‘લો સાહેબ ! હું રજા લઉં ત્યારે ! મારે ઘરાક શોધવા પડશે ને ? ગાડી ડીઝલ માગે છે ને મારું પેટ રોટલા….!’
મેં મારી સાથે બેઠેલા મિત્રને પૂછ્યું : ‘શું લાગે છે તને ? આ સવજીડો પારેખ સાહેબના હાથનો માર તો નહીં ખવડાવેને મને ? નામ આપું એનું કે નહીં ?’
મિત્ર સલાહ આપવામાં કાર્લ માર્કસ બની ગયો : ‘નામ આપવામાં તારું શું જાય છે ? કાં તો તારું કામ થઈ જાય છે અને કાં ત્રણ મહિનાની સખત મજૂરીની સજા…..! તારે તારી મહેનત સિવાય બીજું કશું જ ગુમાવવાનું નથી…!’
મેં પણ નક્કી કરી લીધું કે નામ તો એક વાર આપવું જ; પણ સવજીની જોડાજોડ ફરીથી પારેખ સાહેબનો ચહેરો મૂકી જોયો તો વિચાર પાછો ઢીલો પડી ગયો. પારેખ સાહેબ એક જનરલ મ્યુનિસિપલ હોસ્પિટલના સર્જન હતા. ચહેરો ગૌરવર્ણો, આંખો તેજસ્વી, કપાળ ઝગારા મારે ! આપણને એમ જ લાગે કે રાજા ઈન્દ્ર સીધા ઈન્દ્રાસન પરથી ઊઠીને આપણી સામે આવ્યા હશે. મુગટ અને વાઘા ઉતારીને આ સફેદ ડગલો ધારણ કરી લીધો હશે. મારી તબીબી તાલીમની એક ટર્મ એટલે કે ત્રણ મહિનાની મુદત મારે એમના હાથ નીચે કાઢવાની હતી. એક નાનકડા શહેરની મ્યુનિસિપલ હોસ્પિટલમાં એ સર્જન તરીકે નોકરી કરતા હતા. મારો વિચાર ત્યાં જવાનો ઓછો હતો. જે હોસ્પિટલમાં મેં પહેલી ટર્મ પૂરી કરી, ત્યાં જ હું કામ કરવાનું ચાલુ રાખું અને પારેખ સાહેબ ત્રણ મહિનાને અંતે લખી આપે કે મેં એમના હાથ નીચે કામ કર્યું છે તો બેડો પાર થઈ જાય ! આમાં અસત્યનો અંશ તો, અલબત્ત, હતો જ; પણ આ કોઈ સુખરામ શર્મા જેવું ભયંકર કૌભાંડ નહોતું બની જતું ! સ્થળ ગમે તે હોય, મેં દરદીઓને સારવાર આપવાનું કામ તો કર્યું જ ગણાય ને ? બહુ બહુ તો આને હવાલા કૌભાંડ ગણી શકો. અને આવી આંતરિક ગોઠવણ ઈન્ટર્નશીપ કરનાર મોટાભાગના ડૉક્ટરો કરતા જ રહેતા હોય છે.
મને આમાં ઘણી અનુકૂળતા હતી. એક તો દૂરના સ્થળે જવાનું બચી જતું હતું. ત્યાં કવાર્ટર્સમાં રહેવાનું, લોજનં જમવાનું અને મિત્રોથી વિખૂટા પડવાનું એ બધું જ મટી જતું હતું. પહેલે દિવસે ત્યાં હાજર થઈને મેં ડૉ. પારેખ સાહેબને વિનંતીભર્યા સ્વરમાં આખી વાત સમજાવી પણ જોઈ; પણ એમણે ચોખ્ખી ના પાડી દીધી : ‘એ બધું આખા ભારતમાં ચાલતું હશે પણ મારી પાસે નહીં ચાલે ! ત્રણ મહિના માટે તારે માણસ મટીને ગધેડો બની જવું પડશે; મારા હાથ નીચે ગદ્ધાવૈતરું કરવું પડશે. અહીં જેટલું શીખશો એ જ પછી જિંદગી આખી કામ આવવાનું છે. ત્યાં મિત્રો જોડે રખડપટ્ટી કરી ખાશો એ…..’
‘પણ સાહેબ, હું ત્યાં રખડપટ્ટી નથી કરવા માગતો ! ત્યાં તો અહીંના કરતાં યે મોટું દવાખાનું છે. ત્યાંના સિવિલ સર્જન મારા કામથી ખુશ પણ છે. માત્ર તમે એકવાર મંજૂરી આપો તો….’
પણ એ ટસના મસ ન થયા. ઊલટાના મારા પર વધુ કડક થયા. મારી પ્રત્યેક હિલચાલ પર બારીક નજર રાખવા લાગ્યા. હું કેટલા વાગ્યે ઓ.પી.ડી.માં પહોંચું છું, કેટલા દરદીઓને તપાસું છું, કેટલી ‘ઈમરજન્સીઝ’ એટેન્ડ કરું છું એનો સી.બી.આઈ.ના વડાની જેમ હિસાબ મેળવતા હતા. રવિવારે માંડ હું છૂટ્યો. પાછો મારા મૂળ સ્થળે એક દિવસ માટે આવ્યો. મિત્રો મારી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમે બહાર રેસ્ટોરન્ટમાં ચા પીવા ગયા. સવજી ત્યાં જ મને ભેટી ગયો. એ ટેક્ષી ડ્રાઈવર હતો. બાજુના ટેબલ પર એ રોજ ચા પીવા આવતો. આંખની ઓળખાણ પણ થયેલી; એક-બે વાર એને સારવાર પણ લખી આપેલી. એ બેઠો બેઠો મારો ‘પારેખકાંડ’ સાંભળતો હશે, તે એકદમ એણે વાતમાં ઝુકાવ્યું : ‘મારું નામ આપજો ને…. તમારું કામ….’
સવજીનું નામ ભલામણચિઠ્ઠી તરીકે વાપરવું કે નહીં એની ગડમથલમાં જ મેં રાત વિતાવી. બીજે દિવસે (સોમવારે) ફરીથી હું મારી ફરજ પર જવા નીકળ્યો. બસમાં આમ પણ બે કલાક તો થતા જ હતા, એમાં પાછી રસ્તામાં બસ બગડી. એકાદ કલાક જેટલું મોડું થઈ ગયું. હું પહોંચ્યો ત્યારે ઓ.પી.ડી. ચાલુ થઈ ગઈ હતી. પારેખ સાહેબે મારી સામે જોયું, પછી પોતાની ગોલ્ડપ્લેટેડ કાંડા ઘડિયાળમાં જોયું. મેં એમને ‘વીશ’ કર્યું : ‘ગુડ મોર્નિંગ સર….’
એમણે દાંતિયું કર્યું : ‘એવરી મોર્નિંગ ઈઝ ગુડ ફોર મી ! પણ આમ કહીને તમે આજના દિવસનું સ્ટાઈપેન્ડ બચાવી નહીં શકો ! કેમ મોડા પડ્યા છો, ડોક્ટર સાહેબ ?’ હું એમના અવાજમાં રહેલો કટાક્ષ પારખી ગયો. શરૂઆત એમણે માનવાચક સંબોધનથી કરી હતી.
‘સર, બસ ખોટકાઈ હતી…’
‘તો દોડતાં આવી જવું હતું !’
‘તો આજને બદલે આવતી કાલે પહોંચત !’
‘તો પણ શો ફરક પડવાનો હતો ? એક કલાક મોડા પડો કે આખો દિવસ. પગાર તો પૂરો જ કપાવાનો છે !’ પારેખ સાહેબ મક્કમ હતા.
મને બહાનું સૂઝી આવ્યું. પારેખ સાહેબે શનિવારે હું ગયો ત્યારે એક કામ સોંપ્યું હતું. એમણે શહેરમાં કપડાં સીવવા માટે આપ્યા હતા અને મારે એ દરજી પાસે જઈને મારી સાથે લેતાં આવવાના હતા. પારેખ સાહેબને મારે યાદ અપાવવું જોઈએ કે મેં એમનું કામ કરી આપ્યું હતું. આ એ માટેનો યોગ્ય સમય હતો : ‘સાહેબ, હું તમારા કપડાં લેતો….’
‘એ ન લાવ્યા હોત, તો હું ઉઘાડો નહોતો ફરવાનો ! કામ મારું પોતાનું હોય તોપણ એ માત્ર કામ જ છે. એને લાંચ આપવાનું નિમિત્ત ન બનાવશો. તમે કપડાં લાવ્યા એ બદલ તમારો આભાર, પણ હવે તમે જઈ શકો છો. આજે આમ પણ હું તમારી હાજરી ગણવાનો નથી.’
હું વિષાદગ્રસ્ત ચહેરે ઊભો હતો. આ માણસના વર્તનને તુમાખી ગણવી કે સિદ્ધાંતપ્રિયતા ? અને આવી જડ સિદ્ધાંતનિષ્ઠાથી એ શું હાંસલ કરવા માગતા હશે ? મેં એમની સામે જોયું, મારાથી વયમાં ખાસ મોટા પણ લાગતા નહોતા. માંડ પાંચેક વરસનો ફરક હશે. હું ત્રેવીસનો તો એ બહુ બહુ તો અઠ્ઠાવીસેકના; પણ આટલી બધી જડતા ? બીજા કોઈની ભલામણની તો વાત જ ક્યાં કરવી, જ્યાં માણસ એના પોતાના કામના સંદર્ભને પણ ન સ્વીકારતો હોય ? આની પાસે એના મિત્રની તો શું, પણ ખુદ એના બાપની… અરે ભગવાનની ભલામણચિઠ્ઠી પણ ન ચાલે !’
અચાનક હું થંભ્યો. મનમાં સવજી ઝબકી ગયો. મારા વિચાર પર મને જ હસવું આવી ગયું, પણ પગ પાછો પડતો હતો. મેં સીધી રીતે તો નહીં, પણ અવળી રીતે વાત મૂકી :
‘સાહેબ, સવજી તમને યાદ કરતો હતો.’
વીજળીનો કરંટ ક્યારેક કોઈને લાગતો જોયો છે ? મેં પહેલીવાર જોયો : ‘કોણ સવજી ?’
‘સવજી ગોરધન.’
‘નાથા પૂંજાની ખડકીવાળો ? સવજી ચૂંચો ?’ પારેખ સાહેબનો જીવ એમની જીભ પર આવી ગયો હોય એમ લાગતું હતું.
‘હા, એ જ સવજી !’ મારામાં હવે હિંમત આવી : ‘એણે કહ્યું છે કે પારેખને… સોરી, પારેખ સાહેબને મારું નામ…!’
‘નામ નહીં, ભાઈ, મારા મિત્ર ! નામ નહીં.’ પારેખ સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ ગયા : ‘એનું નામ લીધા પછી લાત મારીને વાત કર… જો હું કામ ન કરું તો મને ફટ કહેજે.’ એમણે મને પાછો ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો. ઘંટડી મારીને વોર્ડ-બોયને સૂચના આપી કે થોડીવાર દર્દીઓને આવવા ન દે ! બારણું જરા આડું કરાવ્યું, પછી ચહેરા પરનો તમામ કડપ પાણીના રેલાની જેમ ઉતારીને પૂછવા લાગ્યા : ‘ક્યાં મળ્યો સવજી તને ? કેવો લાગે છે ? કંઈ સુધર્યો કે પછી એવો ને એવો જ લઘરવઘર છે હજી ? પાન ખાય છે હજી ? દાંત ખરાબ તો નથી થઈ ગયા ને….?’
સવાલોની શ્રેણીબદ્ધ શૃંખલા ચાલુ થઈ. હું ક્યા સવાલનો જવાબ પહેલાં આપું ? હું તપેલીમાંથી ઊભરાતા દૂધના રેલાની જેમ એમના હૈયાને ઊભરાતું સાંભળી રહ્યો : ‘દોસ્ત, તને શું કહું ? આ સવજી કોઈ માણસ નથી, ભગવાનનો અવતાર છે. જેમ વામનાવતાર હોય, નૃસિંહાવતાર હોય છે, એમ આ સવજી અવતાર ! હું તો નાનો હતો ત્યાં જ મા-બાપને ગુમાવી બેઠેલો. મારા કાકાને ઘેર રહીને હું ઊછર્યો, પણ કાકા-કાકી કપટના પર્યાય જેવા હતા. એમને મન હું ભત્રીજો નહીં, પણ નોકર હતો. દિ’ આખો વૈતરું કરાવે અને ખાવામાં વધ્યુંઘટ્યું આપે ! રાત્રે તો લગભગ ભૂખ્યા સૂવું પડે. પડોશમાં વશરામકાકા ટાંગાવાળા રહેતા, એમનો સવજી મારો દોસ્ત ! મારી સાથે એક જ વર્ગમાં ભણે, ભણવામાં બહુ રસ નહીં ! પણ આનંદી જીવ, મને ખૂબ ચાહે ! એના ઘરેથી બાજરીનો રોટલો લઈને આવ્યો હોય એ રીસેસમાં મને આપી દે; ઝાડ નીચે બેસીને હું મારી ભૂખ સંતોષું ! હું ખાઉં અને એને ઓડકાર આવે. બે રોટલા લાવવા જેવી તો એની પણ આર્થિક સ્થિતિ નહીં. હું એને આગ્રહ કરું તો મને કહે : ‘અત્યારે તું ખાઈ લે, રાત્રે હું ખાઈશ. આપણે બંને એક એક ટંક ભૂખ્યા રહીશું.’ છેક સુધી અમે સાથે ભણ્યા.
‘કોલેજમાં મારા સારા માર્કસ આવ્યા. એ વખતે મેડિકલ લાઈન માટે આટલી જબરી હરીફાઈ નહોતી. મને મેરિટ પર એડમિશન મળતું હતું. પણ કાકા ખર્ચ આપવા માટે તૈયાર નહોતા. વશરામકાકાની જ્ઞાતિના હિસાબે સવજીને અનામત બેઠક પર પ્રવેશ મળે તેમ હતો. સવજી પચાર ટકે પાસ થયો હતો, પણ ખુશ હતો : ‘આપણે બેય અડધો ટંક ભૂખ્યા રહેવાવાળા હવે ડૉક્ટર બનાવાના….’ એણે મોજમાં આવીને પાંચ પૈસાવાળું પાન ખાધું. મને પણ આગ્રહ કર્યો. મેં ના પાડી : ‘પાન ન ખવાય દાંત ખરાબ થઈ જાય.’ તો એ લાલ દાંત બતાવીને હસવા લાગ્યો : ‘તું તો અત્યારથી જ ડૉક્ટર બની ગયો હોય એવી રીતે વાતું કરે છે.’
મેં કહ્યું : ‘ડોક્ટર તો તું બનવાનો ! મારા નસીબમાં એવું સદભાગ્ય ક્યાંથી ? ભલે ટાંગાવાળો તો ટાંગાવાળો, પણ તારે બાપ છે; મારી જેમ કાકો નથી કે….’
એ સમજી ગયો. કશું બોલ્યો નહીં, પણે એ સાંજે વશરામકાકાએ મને એમના ઘરે બોલાવ્યો; ફાનસના પીળા પ્રકાશમાં એમણે મારા હાથમાં ત્રણસો રૂપિયા રોકડા ગણી દીધા : ‘લે, આ સવજીડા માટે હાચવી રાખ્યા’તા, પણ તું એના કરતાં હારો ડાગતર થવાનો ! અને આમેય તે મારે ક્યાં એક સવજી છે, તું ય તે મારો…’ રાતના એ સન્નાટામાં સંવાદો આથમી ગયા હતા. ઘરની પાછળના વાડામાં ઊભેલો એમનો ઘોડો પણ જાણે સ્તબ્ધ હોય એમ ઊભો હતો. હું અચકાતો હતો એ જોઈને સવજી હસ્યો : ‘એમાં વિચાર શું કરે છે ? મારી દયા આવે છે ને ? પણ હું યે તારો ભાઈબંધ છું. જિંદગી આખી આ ઘોડાગાડીમાં નહીં કાઢું, સમજ્યો ? હું ટેક્ષી ફેરવીશ… તું ડોક્ટર થઈને ગાડી લાવે, એ પહેલાં આ બંદા લાવશે…’ પારેખ સાહેબે પળવાર અટકીને એ રાતની ક્ષણોને ફરી એકવાર જીવતી કરી દીધી. પછી અનુસંધાન મેળવ્યું : ‘પછીની વાતને ટૂંકમાં પતાવું. મારી પાંચે પાંચ વર્ષની ખરચી એમણે આપી. હું એમ.એસ.નું ભણતો હતો, ત્યારે વશરામકાકાની આંખ મીંચાણી. પણ હવે મારે કોઈ આર્થિક સંકટ નહોતું. મને ખર્ચ પૂરતું સ્ટાઈપેન્ડ મળતું હતું. હું સર્જન થઈને બહાર પડ્યો ત્યારે ખબર પડી કે સવજી તો મુંબઈ ચાલ્યો ગયો છે. કાગળપત્રનો વહેવાર પણ છેલ્લાં કેટલાક સમયથી બંધ હતો. છેલ્લે સાંભળ્યું હતું કે સવજી એકટર રાજેન્દ્રકુમારની ગાડીનો શોફર બની ગયો હતો. પછી કદાચ એની જ આર્થિક સહાયથી એણે પોતાની ટેક્સી લીધી હશે ને હવે એ…’
‘હા, હવે એ ફરી પાછો નાથા પૂંજાની ખડકીમાં રહેવા આવી ગયો છે. તમારી જેમ જ ગાડીમાં ફરે છે, હજી એ પાન ખાય છે, હોટલમાં ચા પીએ છે, બિમાર પડે તો અમારા જેવા ડોક્ટરો પાસે ઊભાઊભ ચિઠ્ઠી લખાવી જાય છે અને બદલામાં ક્યારેક કહી પણ દે છે કે જરૂર પડે તો તમારા પારેખ સાહેબને મારું નામ આપજો… તમારું કામ થઈ જશે. પણ મને એક વાત ન સમજાણી ! પારેખ સાહેબ, એણે તમને પત્ર શા માટે ન લખ્યો ? તમારો સંપર્ક સાધવાની કોશિશ એણે હજી સુધી કેમ નથી કરી ?’ મેં પૂછ્યું.
‘એણે કરવાનું હતું એ પૂરું કરી દીધું. હવે જિંદગીભર જે કંઈ કરવાનું છે એ મારે કરવાનું છે. જે લોકો જિંદગીનું સૌથી મોટું બલિદાન આપે છે, એ ભવિષ્યમાં સંપર્ક સાધીને એની યાદ નથી અપાવતા ! જા, દોસ્ત ! કાલથી તું છુટ્ટો ! તારી ત્રણેય મહિનાની હાજરી પુરાઈ જશે. અને સવજીને કે’જે કે રવિવારે પારેખ એને મળવા આવે છે, એ તૈયાર રહે.’
પુરાણા મિત્રને જિંદગીમાં ક્યારેય ન ભૂલવાનો અમૂલ્ય બોધપાઠ કોઈ તબીબી પાઠ્યપુસ્તકોમાં લખ્યો નથી હોતો. મારા તાલીમી જીવનનો આ પણ એક અધ્યાય હતો. મેં ડૉ. પારેખ સાહેબે આપેલી છૂટનો ફાયદો ઉઠાવવાને બદલે ત્રણે-ત્રણ મહિના એમના જ હાથ નીચે કામ કર્યું અને આ સમય દરમ્યાન અવારનવાર લાલ દાંતવાળા અને ચૂંચી આંખોવાળા સવજીને અને આકાશમાંથી ઊતરેલા ઈન્દ્ર જેવા પારેખ સાહેબને એકબીજાને ગળે વળગતા જોયા !
No comments:
Post a Comment