Thursday, January 20, 2011

હોય હિંમત તો હવે થોડી બતાવ આપણા સંબંધને શોધી બતાવ!

‘મમ્મી! પપ્પા! મને ખબર છે કે તમે મારા માટે છોકરો શોધી રહ્યા છો. તમારી ચિંતા હું સમજી શકું છું. જુવાન દીકરી અને એય પાછી રૂપાળી! મા-બાપને મન તો એ સાપનો ભારો ગણાય, પણ મારે તમને એટલું જ કહેવું છે કે મારા માટે મુરતિયાઓ જોવાનું શરૂ કરો તે પહેલાં એકવાર આ છોકરાને જોઇ લો તો સારું...’ બાવીસ વરસની બારિશે જમવાના ટેબલ ઉપર જ ગંભીર વાતની વાનગી પીરસી દીધી.

નાગર પરિવાર હતો. ઘરમાં સ્વાભાવિકપણે જ સ્વતંત્ર અને સંસ્કારી વાતાવરણ હતું. મોટા ભાગના નાગર પરિવારોમાં લોકશાહીનું શાસન હોય છે, ઠોકશાહી ગેરહાજર હોય છે. પ્રશાંતભાઇ બુચે દીકરીની વાતને વજૂદ આપ્યું, ‘અવશ્ય, બેટા! તમારા ધ્યાનમાં કોઇ સારો છોકરો હોય તો અમને શો વાંધો હોય! શું નામ છે એનું?’

‘બંધન બારદાનવાલા.’

‘બારદાનવાલા? ત્યારે તો એ નાગર નહીં હોય!’

‘હા, એ નાગર નથી, પણ તોયે નાગરના જેવો જ ગોરો છે, નમ્ર છે અને સંસ્કારી છે. મને ગમે છે...’

‘પ્રેમ?’

‘નોટ એકઝેકટલી! બંધન છેલ્લાં ત્રણ વરસથી કોલેજમાં મારી સાથે જ ભણતો હતો. એ બારદાનવાલા અને હું બુચ. અટકના પ્રથમ અક્ષરની સામ્યતાને કારણે અમે બેન્ચ ઉપર બાજુ-બાજુમાં જ બેસતાં હતાં. પૂરા એક હજાર દિવસનો અમારો પરિચય છે. તમે પ્રેમ વિશે પૂછ્યું, એનો જવાબ છે: હા અને ના. બંધન મને ચાહે છે, પણ મેં હજુ મારી લાગણીને પ્રેમ જેવું અઘરું નામ અને ઊંચું સ્થાન આપી દીધું નથી.’

‘કેમ?’

‘કારણ કે હું તમારી દીકરી છું. તમને પૂછ્યા વગર હું કોઇને પણ ચાહી ન શકું. મેં એને સ્પષ્ટપણે કહી દીધું છે કે મારાં મમ્મી-પપ્પાની મરજી એ જ મારા માટે સુપ્રીમ કોર્ટનો ફેંસલો બની રહેશે. પપ્પા, હું એનો ફોટો લાવી છું. તમે એની ઉપર એક નજર નાખી લો. પછી તમને રસ પડે તો હું બંધનને આપણા ઘરે...’ બારિશે ભોજન પતાવી લીધું હતું. એ હાથ લૂછીને પર્સમાંથી એક ફોટોગ્રાફ કાઢવા ગઇ, પણ પ્રશાંતભાઇએ એને અટકાવી.

‘રહેવા દે, દીકરી! તારી પસંદગી ખરાબ નહીં જ હોય, મને ખાતરી છે. પણ બંધન આપણી જ્ઞાતિનો નથી એ બાબતનો મને વાંધો છે. હું જ્ઞાતિપ્રથાનો ચુસ્ત હિમાયતી નથી, પણ બંધન જેવો જ છોકરો જો નાગરી ન્યાતમાંથી મળી રહેતો હોય તો કારણ વગર બહાર જવું મને ગમશે નહીં. પછી તારી મરજી!’ આટલું બોલીને પ્રશાંતભાઇએ થાળીમાં જ હાથ ધોઇ નાખ્યા. આ કદાચ સંકેત હતો કે પછી કેવળ યોગાનુયોગ, પણ એની અંદર સમાયેલો ઇશારો બારિશ સમજી ગઇ. એ જ ક્ષણે એણે પણ બંધન બારદાનવાલાની બાબતમાં હાથ ધોઇ નાખ્યા.

બીજે દિવસે એણે બંધનને રૂબરૂમાં મળીને કહી દીધું, ‘આ આપણી છેલ્લી મુલાકાત છે, બંધન! ચાહતની ચોપાટ સંકેલી લે અને લાગણીઓની બારી વાસી દે! મેં તને કહ્યું જ હતું કે હું તો જ તારી સાથે લગ્ન કરીશ, જો મારાં મમ્મી-પપ્પા સંમતિ આપશે. સોરી, પપ્પાએ ના પાડી દીધી. હવે એમની પસંદ એ મારી પસંદ. ગુડ-બાય એન્ડ ગુડ-લક! તને એટલું જ કહીશ કે તું પણ મને યાદ કરીને જીવનભર કુંવારો બેસી ન રહેતો. સારી છોકરી શોધીને પરણી જજે.’ બારિશ બહુ સંસ્કારી, આજ્ઞાંકિત અને પ્રેક્ટિકલ છોકરી હતી.

જિંદગી વિશે એના ‘ફન્ડામેન્ટ્લ્સ’ બહુ સ્પષ્ટ હતા. જે યુવાનને એણે ક્યારેય લગ્ન નામની લાલચનું ગાજર બતાવ્યું જ ન હતું એને પોતાનો સ્પષ્ટ નિર્ણય સંભળાવીને એ પાછી વળી ગઇ. વો અફસાના જીસે અન્જામ તક લાના ના હો મુમકિન, ઉસે ઇક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા!

*** *** ***

પ્રશાંતભાઇએ દીકરી માટે મુરતિયાની ખોજ પુરજોશમાં શરૂ કરી દીધી. પહેલા કોળિયે જ માખી પડી! એક નાતીલાએ એમના કાનમાં કહ્યું, ‘પ્રશાંતભાઇ, આપણી જ્ઞાતિમાં છોકરાઓની કમી નથી, પણ મેં તમારી દીકરીને જોયેલી છે. એના જેવી રૂપવતી દીકરીઓ પૃથ્વી ઉપર જવલ્લે જ જોવા મળે છે. બારિશની સાથે શોભે તેવો છોકરો મારી નજરમાં તો એક જ છે.’

‘મારે એકનું જ કામ છે, નામ આપો એનું!’

‘નામ બંધન! આપણી જ્ઞાતિનો નથી, પણ છે તેજસ્વી. જ્ઞાતિભેદને ભૂલી જાવ. રામ-સીતાની જોડી ઝાંખી પડી જશે.’પ્રશાંતભાઇ બગડ્યા, ‘સીતા-રામ ઝાંખાં પડતાં પડશે, મારી આબરૂ ઝાંખી પડી જશે એનું શું? તમે કહ્યું એ છોકરા વિશે મારી પાસે વાત આવી ગઇ છે. મારો વિચાર નથી.’

પ્રશાંતભાઇનો વિચાર નાગર યુવાન માટે જ હતો, આ માટે એમણે સો કરતાંયે વધારે છોકરાઓ જોઇ નાખ્યા. બધા જ સારા હતા, પણ બારિશ આગળ ફિક્કા પડી જતા હતા. છેવટે એમને વિચાર આવ્યો કે આ બધા મુરતિયાઓ તો એમના શહેરના જ હતા, બહારગામ વસતા હોય એવા છોકરાઓનું શું? એમની ભાળ મેળવવી હોય તો ચોક્કસ છાપાના આશરે જવું પડે.

પ્રશાંતભાઇએ ગુજરાતનાં અગ્રણી અખબારોમાં લગ્નવિષયક જાહેરખબર છપાવડાવી: જોઇએ છે યોગ્ય મુરતિયો. અપ્સરાની સીધી આવૃત્તિ જેવી સુંદર યુવતી માટે. હેન્ડસમ, સ્માર્ટ, સારું ભણેલો અને સંસ્કારી નાગર યુવાન જ ચાલશે. જાહેરખબર ફક્ત યોગ્ય પસંદગી માટે જ છે.

જાહેરખબર છપાયાના દસ દિવસની અંદર લગભગ ત્રીસથી ચાલીસ જેટલા પત્રો પ્રશાંતભાઇને મળ્યા. દરેક પરબિડિયામાં મુરતિયાનો બાયોડેટા અને ફોટોગ્રાફ સામેલ હતા. છેલ્લા પરબિડિયામાંથી એક પત્ર સરકીને બહાર આવ્યો. એમાં લખેલું હતું: ‘મુરબ્બીશ્રી, હું નાગર નથી, તેમ છતાં તમારી સુપુત્રીનો હાથ પામવા માટે મારી દરખાસ્ત પાઠવી રહ્યો છું. છાપામાં આવેલી જા.ખ. વાંચીને તમારું નામ ન લખાયું હોવા છતાં હું સમજી ગયો કે આ અપ્સરા એટલે બારિશ જ હોવી જોઇએ.

હું જાણું છું કે તમને મારા નાગર ન હોવા પ્રત્યે વાંધો છે. છતાં આ સાથે મારો ફોટોગ્રાફ મોકલું છું. અછડતી નજરે જોઇ લેજો એક વાર! તમારી જ્ઞાતિમાં મારા જેવો એક પણ સુંદર ને સુદ્રઢ યુવાન મળતો હોય તો આ ફોટોગ્રાફ ફાડી નાખશો. નહીંતર મને ફોન કરજો, હું ચંપલ પહેરવા પણ નહીં રોકાઉં!... લિ. બંધન બારદાનવાલા.’

પ્રશાંતભાઇએ ફોન ન કર્યો, પણ દાંત કચકચાવ્યા ને ફોટો ફાડી નાખ્યો. જેમના જેમના બાયોડેટા આવ્યા હતા, તે તમામની સાથે બારિશની રૂબરૂ મુલાકાત ગોઠવાઇ ગઇ. છોકરાઓ બધા જ સારા હતા, પણ વાત જામતી ન હતી. બારિશને તો ઠીક, ખુદ પ્રશાંતભાઇને પણ કોઇ છોકરો એમની દીકરીને લાયક જણાયો નહીં, પણ એમની આશા હજુ જીવંત હતી અને કોશિશ પણ.

દસેક દિવસ પછી એક તદ્દન અકલ્પનીય ઘટના બની ગઇ. સાંજનો સમય હતો. ઓફિસમાંથી છુટીને પ્રશાંતભાઇ ઘર તરફ આવી રહ્યા હતા, ત્યારે એમની નજર એક ખુલ્લા, લાંબા કાગળ પર પડી. ગુલાબી રંગનો કાગળ હતો. એની ઉપર કોઇના સુંદર ઘાટીલા અક્ષરો હતા. દેખીતું હતું કે એ પ્રેમપત્ર જ હોવો જોઇએ. પણ એ અહીં ક્યાંથી?! કદાચ કોઇએ કચરામાં જવા દીધો હશે એવું ધારીને પ્રશાંતભાઇએ કાગળ ઉપાડી લીધો. વાંચી લીધો. કોઇનાં નામો ન હતાં. સંબોધનમાં માત્ર ‘મારી જિંદગી’ એટલું લખાયેલું હતું અને લિખિતંગમાં ‘તારો પૂજારી.’

ઘરમાં પ્રવેશીને પ્રશાંતભાઇએ દીકરીને બૂમ પાડી, ‘બારિશ! જરા અહીં આવીશ? જો, આ પ્રેમપત્ર મને રસ્તામાંથી જડ્યો છે. હું એને એટલા માટે લઇ આવ્યો કે પ્રેમપત્ર કેવો હોવો જોઇએ એ વાતનો આ ઉત્તમ નમૂનો છે. આ છોકરાએ પોતાની પ્રેમિકાને કેવું-કેવું લખ્યું છે! હું તો કહું છું કે જો આવો છોકરો મળતો હોય તો હું ઘડીવાર માટેય રાહ જોવા ઊભો ન રહું...’

‘એ પત્ર બંધને મને ઉદ્દેશીને લખ્યો હતો, પપ્પા!’ બારિશે શાંત સ્વરે કહ્યું, ‘હવે એનો કશો જ મતલબ ન રહ્યો હોવાથી મેં જ એને કચરામાં ફેંકી દીધો હતો. મારું કે એનું નામ ન હોવાથી મેં કાગળને ફાડવાનીયે પરવા નહોતી કરી. તમે ફરીથી આ પત્રને ઘરમાં લઇ આવ્યા...’

‘હા, દીકરી! મને તો આ આખીયે ઘટનામાં ઇશ્વરનો સંકેત દેખાય છે. કોઇ સંબંધીની ભલામણ હોય કે લગ્નવિષયક જા.ખ. કે પછી ફેંકી દેવાયેલો પ્રેમપત્ર હોય, દરેક જગ્યાએ બંધન જ ફરી-ફરીને મારી આંખો સામે આવી ચડે છે. આવા અગમ્ય સંકેતને માણસ ક્યાં સુધી ટાળી શકે? અત્યારે જ એને ફોન કર, દીકરી! બંધનને કહી દે કે અમને આ સંબંધ મંજૂર છે.’

(સત્ય ઘટના) (શીર્ષક પંક્તિ : ભાવેશ ભટ્ટ)

No comments: