Tuesday, August 10, 2010

યાદને તારી વિસરવા એક ભવ ઓછો પડે,આ અગનજવાળાને ઠરવા એક ભવ ઓછો પડે

‘મારું નામ ચંદ્રેશ અને આ મારી પત્નીનું નામ ચંદ્રિકા અને આ એની ફાઇલ.’ આટલું કહીને ચાલીસેક વર્ષના એ મધ્યમવર્ગીય પુરુષો પ્લાસ્ટિક બેગમાંથી એક દળદાર ફાઇલ બહાર કાઢી, મારા ટેબલ ઉપર મૂકી દીધી.ફાઇલ જોતા પહેલાં હું એ પતિ-પત્નીને જોઇ રહ્યો. બંને દુ:ખી દેખાતા હતા, પણ બીમાર નહીં. શેની હશે આ ફાઇલ?‘ચંદ્રેશભાઇ, મને તમારા પત્નીનો કેસ પેપર તૈયાર કરવા દો. હું પૂછું તે સવાલોના જવાબો આપો. પછી શારીરિક તપાસ કરીને એમની બીમારીનું નિદાન કરવા દો. આ બધું કરતાં પહેલાં એમની ફાઇલ જોવાથી તો મારું નિદાન પ્રભાવિત થઇ જશે. મારા મગજમાં કેટલાંક પૂર્વગ્રહો ઘૂસી જશે.’

‘સમજું છું, સાહેબ! પણ એટલા બધા ડોક્ટરોને મળી ચૂક્યા છીએ કે હવે પૂર્વગ્રહો અમારા દિમાગમાં ઘૂસી ગયા છે. તમારે કેસની વિગતો જાણવી છે ને? લો, ટૂંકમાં જણાવી દઉં, અમારે સંતાનમાં એક દીકરો છે. બાર વરસનો. એ પછી મારી પત્નીને ગર્ભ રહ્યો નથી. અમારે બીજું બાળક જોઇએ છે. આ ફાઇલમાં રિપોર્ટ્સ અને સારવારના કાગળોનો ખડકલો છે. સારા સારા ડોક્ટરોની ક્લિનિકોના ઊંબરા ઘસી નાખ્યા. લેબોરેટરી અને સારવાર પાછળ પાકિટ, ખિસ્સાં અને બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખ્યા. ડોક્ટરોના ખોબા ખણખણતા રૂપિયાઓથી છલકાવી દીધા, પણ અમારો ખોળો હજુ પણ ખાલીનો ખાલી જ રહ્યો છે. તમારી પાસે એક જ વિનંતી લઇને આવ્યા છીએ, કાં સંતાન થાય એવી સારવાર આપો, કાં તો નથી થવાનું એવું ભવિષ્ય વાંચી આપો!’

હું સમજી ગયો, આ પતિ-પત્ની આર્થિક, શારીરિક અને માનસિક એમ ત્રણેય રીતે ભાંગી પડેલા હતા. મારે બીજું કંઇ કરવાનું ન હતું, જો શક્ય હોય તો એમના સ્વપ્નમહેલની જર્જરિત દીવાલને મજબૂત આધાર આપી દેવાનો હતો અને નહીંતર એને આખરી ધક્કો મારી આપવાનો હતો.

મેં ફાઇલ હાથમાં લીધી. પંદરેક મિનિટના ફાઇલ-વાંચનથી હું એટલું સમજી શક્યો કે અમદાવાદના આઠેક ગાયનેકોલોજિસ્ટ્સના અધ્યતન વંધ્યત્વ કેન્દ્રોના આંટાફેરા અને એમની સાથે સંલગ્ન ખર્ચાળ લેબોરેટરઝિના ચક્કરો ખાઇ-ખાઇને આ પતિ-પત્નીએ બેથી અઢી લાખ રૂપિયાનું પાણી કરી નાખ્યું હતું.

આકાશમાંથી વરસતું પાણી તો સારું કે તેનાથી અનાજ ઊગે! આ ફાઇલમાંથી ટપકતા ખર્ચાઓના પાણીમાંથી તો સળગતા અંગારા જેવી નિરાશા અને ખરતી રાખ જેવો નકાર વરસતો હતો.‘સોરી, ચંદ્રેશભાઇ! તમારા પત્ની ફરી વાર મા બની શકે તેવી કોઇ શક્યતા નથી. હવે એમની એક પૈસાનીયે સારવાર કરાવશો નહીં.’

મારા કન્સલ્ટિંગ રૂમમાં સન્નાટો છવાઇ ગયો. ચંદ્રેશભાઇ અને ચંદ્રિકાબહેન કદાચ આ આગાહી સાંભળવાની માનસિક તૈયારી સાથે આવ્યા હતા, તો પણ પળ-બે-પળ પછી એમની આંખો વરસવા માંડી.‘એમાં તમે આટલા બધા દુ:ખી શા માટે થઇ જાવ છો?’ મેં એમને આશ્ચાસન આપવાના આશયથી કહ્યું, ‘તમારે એક દીકરો તો છે ને! બાર વરસનો! ભગવાન એને સો વરસનો કરશે! આ મોંઘવારીમાં આમ પણ બીજું સંતાન આજકાલ કોને પરવડે છે?!’

ચંદ્રિકાબહેન અત્યાર સુધી ખામોશ હતા, હવે પહેલી વાર એમણે મોં ઊઘાડ્યું, ‘હા, સાહેબ! અમારે એક દીકરો છે. બાર વરસનો વિલય. પણ એનું મૃત્યુ નજીકમાં છે. એનો રોગ અસાધ્ય છે અને મોત નિશ્વિત. ગમે ત્યારે અમે ફરી પાછા બાળક-વિહોણા બની જવાના છીએ. વિલયને અમે સાથે લઇને આવ્યા છીએ. એને બહાર બેસડ્યો છે. તમે હા પાડો તો એને અંદર લઇ આવીએ. એની બીમારીની ફાઇલ પણ અમે સાથે લાવ્યા છીએ. તમને વાંધો ન હોય તો...’

***

ચંદ્રેશભાઇ બહાર જઇને એક નાની વ્હીલચેરમાં બેઠેલા એમના લાડકવાયાને લઇ આવ્યા. બાર વરસનો વિલય. ગોરું-ગોરું ઘાટીલું મોં. મોટી હસતી આંખો. એનો શારીરિક વિકાસ પહેલી નજરે નોર્મલ લાગે. પણ એના બંને પગ સાવ પાતળા અને અશકત છે એવું દેખાઇ આવે. એણે મારી સામે જોઇને બંને હથેળીઓ ભેગી કરી, ‘નમસ્તે, અંકલ!’

હું શું આશીર્વાદ આપું? શરદ હોવા છતાં એને હું કહી શકતો નહતો: શતમ્ જીવ શરદ:! એનો દેહ કહી આપતો હતો કે એની બીમારી શી હોઇ શકે! ફાઇલનાં પૃષ્ઠોએ મારી ધારણાની પુષ્ટિ કરી આપી.

ઘણું બધું ફાઇલ બોલતી હતી, જે ખૂટતું હતું એ ચંદ્રેશભાઇ કહી રહ્યા હતા. ‘ચાર-પાંચ વરસનો થયો ત્યાં સુધીનો વિલય સાવ નોર્મલ હતો. શાળાએ પણ જતો હતો. ઘરે આવીને પડોશીઓના છોકરાઓ સાથે રમતો પણ હતો. શરીર એવું ભરાયેલું હતું કે જોનારની નજર લાગી જાય! અચાનક એક દિવસ એના બંને પગમાં સોજા આવ્યા. બાકીના શરીર કરતાં પગ જાડા દેખાવા લાગ્યા. ઊઠતી વખતે એણે બે હાથ વડે ગોઠણનો ટેકો લેવો પડે. પછી હાથ કેડ ઉપર મૂકવા પડે.

પગ જાડા થયા, પણ મજબૂત નહીં. ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે અમારા દીકરાને લાખોમાં એક એવો વ્યાધિ લાગુ પડ્યો છે...’ આ વ્યાધિનું નામ ડુશેન્સ મસ્કયુલર ડસ્ટિ્રોફી. આ રોગ એવો છે જેની કોઇ સારવાર નથી. બાળકના શરીરના એક પછી એક સ્નાયુઓ ગળતા જાય. પગથી શરૂ થયેલું આ ગળતર ધીમે ધીમે ઉપર ચડતું જાય, પછી એક સમય એવો આવે કે એને શ્ચાસ લેવામાં તકલીફ પડવા માંડે અને પંદરથી વીસ વરસનો થતાં સુધીમાં એ મૃત્યુ પામે.

‘ચંદ્રેશભાઇ, આ રોગ તો તમારા બીજા બાળકોમાં પણ ઊતરી શકે છે. સારું છે કે ચંદ્રિકાબહેનને બીજું સંતાન થઇ શકે તેમ નથી.’ મેં વિલયનું નિદાન જાણ્યા પછી કહ્યું.‘સાહેબ, એ જે હોય તે! પણ અમારે એક બાળક તો જોઇએ જ. વિલયના ગયા પછી અમે જીવી નહીં શકીએ. તમે ગમે તે કરો, પણ...’

ચંદ્રેશભાઇના બોલવામાં આજીજી હતી અને ચંદ્રિકાબહેનના મૌનમાં આશા. મેં એમને એક ધારણા બહારનો તેમ છતાં વાસ્તવિક રસ્તો સૂઝાડ્યો, બાળક દત્તક લેવાનો! આમ કરવાથી એક કાંકરે ત્રણ પક્ષીઓ જીવી જવાના હતા, એક ત્યજી દેવાયેલા બાળકને મા-બાપ મળવાના હતા. એક ઝૂરતાં મા-બાપને તંદુરસ્ત બાળક મળવાનું હતું અને ગમે તે ક્ષણે મૃત્યુનો શિકાર બનવાની દિશામાં ધસી રહેલા વિલયને એક જીવતું રમકડું મળી જવાનું હતું. મેં સલાહ આપી, એ દંપતીએ હસતાં મુખે અને છલકતી આંખે સ્વીકારી લીધી.

***

મેં દિશાસૂચન કર્યું અને ઈશ્ચરે સહાય કરી. એક સંસ્થામાંથી ચંદ્રિકાબહેન અને ચંદ્રેશભાઇને છ માસનો દીકરો મળી ગયો. નામ મેં જ પાડી આપ્યું, ‘જે આથમી જવાનો છે તે વિલય છે, જે કાયમ માટે તમારી સાથે હશે એ નિત્ય હશે.’બીજા છ-સાત મહિના પછી એ બંને મને મળવા આવ્યા. એમની એક-એક આંખમાં ઉદાસી હતી, એક-એક આંખમાં સંતોષ અને સાથે તેર મહિનાનો નિત્ય હતો.ચંદ્રેશભાઇ સજળ આંખે કહી રહ્યા, ‘પંદર દિવસ પહેલાં જ વિલય મૃત્યુ પામ્યો.

આ છ મહિના એની જિંદગીનો શ્રેષ્ઠ સમય બની રહ્યા. નિત્યના આગમન પહેલાં એ મોટા ભાગનો સમય ટી.વી. જોવામાં કાઢતો હતો. પણ નિત્ય આવ્યા પછી એણે ટી.વી. જોવાનું બંધ કરી દીધું. બંને ભાઇઓએ ખૂબ મોજ-મસ્તી કરી લીધી. વિલયની ઇચ્છા ગાડીમાં બેસીને ઘૂમવાની હતી. મેં મારુતિ ફ્રન્ટી ગાડી ખરીદી. અમે ચારેય જણાં નાસિક-ત્રયંબકેશ્ચર-શીરડી જઇ આવ્યા. આખું સૌરાષ્ટ્ર ફરી વળ્યા. ખૂબ મજા કરી. ગયા મહિને અમે નિત્યની પહેલી વર્ષગાંઠ ઊજવી. વિલય ગયો, પણ પૂરો સંતોષ લઇને ગયો. ડોક્ટર સાહેબ, તમારો આભાર માનવા આવ્યા છીએ.’ ‘આભાર પછી માનજો! પહેલાં એ કહો કે વર્ષગાંઠની પાર્ટીમાં મને કેમ ન બોલાવ્યો?’

‘સાહેબ, ઇચ્છા તો બહુ હતી, પણ તમે કંઇ અમારા જેવા સાધારણ માણસોના ઘરે થોડા આવો? પણ તમારા માટે આ નાનકડી ભેટ લાવ્યા છીએ.’ ચંદ્રેશભાઇએ એક નાનકડું ગિફ્ટ-બોક્સ મારા હાથમાં મૂકર્યું. અંદરથી એક ટેબલ ઘડિયાળ નીકળી પડી. બંધ હતી. સેલ સાથે જ હતા. મેં સેલ નાખ્યા. કાંટા સરકવા માંડ્યા. મેં નિત્ય સામે જોયું. એ હાથ-પગ ઊછાળીને ધમાલ કરી રહ્યો હતો. મને લાગ્યું કે વિલયના અવસાનથી બંધ પડેલી એ પરિવારની ઘડિયાળના કાંટા પણ નિત્ય નામની બેટરીથી ફરીથી ચાલતા થઇ ગયા હતા.‘

(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)

No comments: