Tuesday, July 6, 2010

ઉછાળી જુઓ પ્રેમનું પરચુરણ બસ, પરત તમને બમણાં એ સિક્કા મળે છે

સૌરાષ્ટ્રની એક માત્ર મેડિકલ કોલેજ. પચાસના દાયકાના મધ્યભાગમાં એની સ્થાપના થઇ હતી. એ સમયે કોલેજમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓ અત્યારે તો એમની ડોક્ટર તરીકેની કારકિર્દી લગભગ પૂરી કરી ચૂક્યા છે. પણ એ પંચોતેર-એંશી વર્ષના વૃદ્ધ તબીબો ‘ડો..ની ડાયરી’ માટે ક્યારેક ખૂબ સુંદર અને માની ન શકાય તેવા કથાબીજો મોકલતા રહે છે. પ્રસ્તુત કથાનક લગભગ ૧૯૬૦ના વર્ષમાં બનેલી સત્ય ઘટના વિશેનું છે.


થોડાક સમય પહેલાં એ મેડિકલ કોલેજની છ નંબરની હોસ્ટેલમાં ચાલતી મણિભાઇની મેસ વિશે મેં લખ્યું હતું. એ જ મેસના મણિભાઇની અગાઉના સંચાલક એટલે મધુભાઇ. બહુ સોહામણું વ્યક્તિત્વ. ચબરાક માણસ. બોલવામાં એવા મીઠા કે ગોળનું દડબું એમની વાણી આગળ ફિક્કું લાગે! આર્થિક સ્થિતિ સાધારણ. પણ વાણીના જોર ઉપર બોયઝ હોસ્ટેલની મેસનો કોન્ટ્રેકટ એમણે મેળવી લીધો હતો.


એમણે શરૂઆત કરી એ સમયે જ એમના બે હરીફોએ એમને મોંઢામોંઢ મહેણું માર્યું, ‘મધુભાઇ, તમે આ ધંધામાં ખોટા આવી ભરાયા. નહીં ફાવો, દુકાન શરૂ કરવી સહેલી છે, એને ચાલુ રાખવી અઘરું કામ છે.’


મધુભાઇના દિમાગમાં અપશબ્દો ઊગ્યા હશે, પણ એમની જીભ ઉપર તો નર્યું મધ જ ઊભર્યું, ‘બાપલીયાવ! તમે તો જૂના જોગીઓ છો. તમારી આગળ હું તો બચોલિયું ગણાઉં. મારે આ ધંધામાંથી બે પૈસા કમાવા નથી. મારે તો બસ, આ વિદ્યાર્થીઓને જમાડતાં જમાડતાં મારા બે ટંકનો રોટલો નીકળી જાય એટલે ભયો ભયો! મારે તો ભગવાને આપ્યું છે એ જીવતર પૂરું કરવું છે. તમે જોયા કરો, થઇ જશે!’


મધુભાઇએ પહેલો ઘા ભાવ તોડવાથી માર્યો. આખા મહિનાનું ફૂડ બિલ ફક્ત ત્રીસ રૂપિયા લેવાનું જાહેર કર્યું. રોજનો એક રૂપિયો. એમાં બંને ટંકનું પાક્કું અનલિમિટેડ ભાણું. દર રવિવારે મિષ્ટાન્ન. દર ગુરુવારે રાત્રે ચટાકેદાર ફરસાણ. પંદર જ દિવસમાં ભરણું છલકાઇ ગયું. કિફાયતી ભાવથી ખેંચાયેલા ગ્રાહકોને ટકાવી રાખવા માટે શું કરવું? મધુભાઇ પાસે બે રસ્તા હતા. એક, સારું ભોજન જમાડવું તે અને બીજો રસ્તો પોતાની જીભનો જાદૂ ચખાડવાનો. મધુભાઇ ફરી વળ્યા.


બપોરે એક વાગ્યે મેડિકલ કોલેજ છુટે. માત્ર એક કલાક પૂરતો લંચ અવર. એક સાથે બસો વિદ્યાર્થીઓ ભૂખ્યા ડાંસ બનીને ત્રાટકે. મધુભાઇની મેસમાં પચાસથી સાંઇઠ જણાં એક સાથે બેસી શકે એટલી સગવડ. પણ મધુભાઇ પહોંચી વળે.


‘આવો, પધારો, ડોક્ટર સાહેબો! ફક્ત પાંચ જ મિનિટ પૂરતું તમારે ઊભા રહેવું પડશે. આ ફર્સ્ટ એમબીબીએસવાળા છોકરાઓ નવા છે એમને પહેલાં જમી લેવા દો. બાપડા તાજા જ ઘર છોડીને આવેલા છે. વાટ જોવાની આદત હજુ પડી નહીં હોય. તમે તો સિનિયર છો. એમના મોટાભાઇ કે’વાવ!’ આમ કરતાં કરતાં પાંચને બદલે પંદર મિનિટ પસાર કરાવી નાખે. વધુ ગરમા-ગરમી થશે એવું લાગે તો ઊભેલા વિદ્યાર્થીઓને છાશ પીવડાવીને ટાઢા પાડી દે. જે વિદ્યાર્થીઓ જમી રહ્યા હોય એમનેય ઉતાવળ ન કરાવે, આગ્રહ કરી કરીને જમાડે. તો પણ પંદરમી મિનિટે એક પંગત પૂરી થઇ જાય. વિદ્યાર્થીઓને પોતાને જ ઊતાવળ હોય એટલે અડધો કલાક બેસવા માટે નવરું કોણ હોય?


દર રવિવારે ‘ફીસ્ટ’ હોય, એ માટેની મીઠાઇ શનિવારે રાત્રે તૈયાર થઇ જાય. આ વાત જાણનારા કેટલાક વિદ્યાર્થીઓ આગલી રાતે મેસમાં પહોંચી જાય. જાણી જોઇને અજાણ્યા થવાનો ડોળ કરે, ‘મધુભાઇ, અમે તો ખાલી પાણી પીવા માટે આવ્યા છીએ. અમારા રૂમમાં માટલું ખાલી થઇ ગયું છે.’


મધુભાઇ તરત જ સાચા દિલનું આમંત્રણ આપે, ‘એમ એકલું પાણી ન પીવાય, સાહેબો! ખાલી પેટમાં પાણી વાગે. લ્યો, બબ્બે ગુલાબજાંબુ ખાઇ લો!’ પછી હોસ્ટેલના વિદ્યાર્થીઓ ઝાલ્યા રહે? બેને બદલે બાર ગુલાબજાંબુ ઉડાવી જાય. અને મધુભાઇના પેટનું પાણીયે ન હલે.


બે-પાંચ વિદ્યાર્થીઓની આર્થિક હાલત બહુ સારી ન હતી. એ છોકરાઓ મહિનામાં એકાદ-બે વાર ‘કટ’ પ્રથાનો લાભ ઊઠાવી લેતા. ‘કટ’ લેવો એટલે ઓછામાં ઓછા ત્રણ દિવસ સતત મેસમાં ભોજન ન કરવું. તો જ ફૂડ બિલમાંથી કપાત મળે. જેને શનિ-રવિની રજાઓમાં ઘરે જવું હોય તે એક દિવસ બહારની હોટલમાં જમી લે એટલે ત્રણ દિવસનો મેળ બેસી જાય. આવું તો બધાં જ કરતા રહે. પણ ગરીબ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જ હોય ત્યારે પણ પૈસા બચાવવા માટે મહિનમાં એક-બે વાર આ રીતે ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા રહી લેતા.


મધુભાઇની પાસે જિંદગીનો અનુભવ હતો. એક દિવસ એક વિદ્યાર્થીએ ત્રણ દિવસનો ‘કટ’ લખાવ્યો. મધુભાઇએ પૂછ્યું, ‘શું થયું છે? ગામડે જવાના છો?’‘ના, મારા પેટમાં ગરબડ છે. ત્રણ દિવસ સુધી ખાવા-પીવાની મનાઇ છે.’ વિદ્યાર્થી જૂઠ્ઠુ બોલ્યો. મધુભાઇ ત્યારે તો કંઇ ન બોલ્યા, પણ બીજા દિવસે બપોરે દોઢ વાગ્યે પેલાના રૂમમાં પહોંચી ગયા. કોઇનો લાડકવાયો કાગળના પડીકામાંથી સેવ-મમરા આરોગી રહ્યો હતો.


‘વાહ રે, ભાઇ! પેટની ગરબડમાં ભાત-છાશ લઇ શકાતા નથી, પણ ચણાના લોટની સેવ ખાઇ શકાય છે. મને મૂર્ખ બનાવો છો? ચાલો, ઊભા થાવ! તમારો ત્રણ દિવસનો ‘કટ’ ગણાઇ જશે, પણ હવે મહેરબાની કરીને જમી લો! મારી મેસનો વિદ્યાર્થી પૈસાના અભાવમાં ભૂખ્યો રહે તો મને પાપ લાગે. ચાલો, મારા સાહેબ...’


ગરીબના નિમાણા દીકરાને ‘સાહેબ’ કહીને ભોજન માટે ખેંચી જાય એ મધુભાઇનું ભોજનાલય ધમધમ્યા વિનાનું રહે ખરું? છ જ મહિનાની અંદર બીજા બે હરીફોની ‘મેસ’ ભાંગી પડી. એ પછી પણ મધુભાઇએ ફૂડબિલની રકમમાં વધારો ન ઝીંકયો કે ન બગાડ્યું ભોજનનું સ્તર.


પ્રગતિનું એક ઉચ્ચ શિખર સર કરી લીધું મધુભાઇએ. બોયઝ હોસ્ટેલમાં હવે આનાથી વધુ વિકાસ સાધવાની કોઇ તક બચી ન હતી. ત્યારે સાવ અણધારી દિશામાંથી તક નામની કુંવરીએ મધુભાઇના માથા ઉપર આમંત્રણનો કળશ ઢોળ્યો.આ દિશા હતી ગર્લ્સ હોસ્ટેલની. મેડિકલ કોલેજમાં ભણતાં છોકરાઓ-છોકરીઓ વચ્ચે ભોજન વિશેની ચર્ચાઓ ચાલ્યા કરતી હતી. એમાં દરેક છોકરીના હોઠ પર એક ફરિયાદ સર્વસામાન્ય હોય, ‘અમારી મેસમાં જમવાનું તદ્દન કચરાપટ્ટી હોય છે. લોટ, પાણી ને લાકડાં! જો આવું ભોજન તમારે છોકરાઓએ જમવાનું હોય તો હજુયે ચાલી જાય.’


‘કેમ? અમે માણસજાતમાં નથી આવતા?’ કોઇ છોકરો વચમાં પૂછી બેસતો.‘ના, એવું નથી કહેતી, મારા કહેવાનો આશય એ છે કે છોકરાઓને ભોજનની ગુણવત્તા અને સ્વાદની બાબતમાં ઓછી સમજ પડે. અમે છોકરીઓ તો ભોજન રાંધી જાણીએ એટલે મેસની રસોઇમાં ક્યાં, શું ખૂટે છે એ વાતની તરત જ ખબર પડી જાય. વળી, તમે તો ખાવાનું ન ભાવે તો તરત જ મેસમાંથી બહાર નીકળી જાવ, ઝઘડો કરો, આંદોલન ચલાવો અને બીજું કંઇ નહીં તો છેવટે વધારે પૈસા ખર્ચીને કેમ્પસ બહારની કોઇ સારી રેસ્ટોરન્ટમાં જમી પણ આવો. જ્યારે અમે તો આમાંનું કશું જ ન કરી શકીએ.’


એક છોકરાએ મારગડો બતાવ્યો, ‘આમાંથી એક કામ તો તમે કરી શકો. આંદોલન ચલાવવાનું! તમે તમારી મેસનો કોન્ટ્રાક્ટર બદલાવવા માટેનું અભિયાન શરૂ કરી દો. પછી જુઓ કે ચમત્કાર થાય છે કે નહીં!’ચમત્કાર થયો જ. ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓએ એમની નેતા તરીકે એક તેજતરૉર છોકરીને ચૂંટી કાઢી. તેજલ એનું નામ. એ ઓવરસીઝ સ્ટુડન્ટ હતી. અમેરિકામાં જન્મી હતી. એનાં મમ્મી-પપ્પા એન.આર.આઇ. હતા. તેજલને તો મેસનું ખાવાનું સહેજ પણ ભાવતું ન હતું. છોકરીઓએ ભૂખ હડતાળ શરૂ કરી દીધી. મોટા લંબચોરસ પૂંઠાઓ ઉપર હાથ વડે સૂત્રો લખીને નારાબાજી શરૂ કરી. ત્રીજા ટંકે જ રેકટર અને ડીન હલી ગયા. વાટાઘાટો માટે શિખર મંત્રણાનો આરંભ થયો.


ડીન સાહેબે પૂછ્યું, ‘મિસ તેજલ, ટેલ મી એકઝેકટલી વ્હોટ યુ વોન્ટ!’તેજલે ટૂંકું ને ટચ પરખાવ્યું, ‘ગર્લ્સ એન્ડ બોયઝ આર ઇકવલ. વી વોન્ટ સેઇમ મેસ કોન્ટ્રેકટર એઝ ઇન બોયઝ મેસ.’ડીને માગણી સ્વીકારી લીધી. ગર્લ્સની મેસનો હવાલો પણ મધુભાઇના હાથમાં સોંપી દેવામાં આવ્યો. મધુભાઇ હવે નારીજગતમાં ફરી વળ્યા. વાનગીઓની મીઠાશ એ એમની આવડત હતી અને વાણીની મીઠાશ એ એમનો સ્વભાવ હતો.


‘આવો, મેડમ સાહેબો! આવો, લેડી ડોક્ટરો! તમે તો શક્તિના અવતારો છો. મા જગદંબાના સ્વરૂપો છો. તમને ભૂખ્યા રાખીને નબળા પાડવાનું પાપ આ મધુભાઇથી ન જ થાય! બેસો, ભોજન કરો. જે વાનગી ન ભાવે એને ચાખીને ફેંકી દેજો. ખામી લાગે એ મને જણાવજો, ખૂબી લાગે એ પેટમાં પધરાવજો!’ મધુભાઇએ શક્તિનાં અવતારોને ખુશ ખુશ કરી દીધાં.


એમાંય શક્તિસમૂહની સરદાર તેજલ તો રાજીની રેડ થઇ ગઇ. આજ સુધી અમેરિકન હોટ ડોગ અને બીજી નોનવેજ વાનગીઓને જ સ્વાદિષ્ટ માનતી આવેલી એ હોટ ગર્લને હવે જ ખબર પડી કે ભારતીય ભોજનમાં કેટલું વૈવિધ્ય છે અને કેવો અદભૂત સ્વાદ છે!


‘મિ. મધુભાઇ! તમારી વાઇફ ખરેખર લક્કી હશે. ડેઇલી આવું જ ફૂડ ટેસ્ટ કરવા મળતું હશે.’ એ બોલી ગઇ.મધુભાઇ હસ્યા, ‘વાઇફ હોય તો લકનો સવાલ આવે ને!’


‘ડોન્ટ ટેલ મી.’ તેજલ ફાસ્ટ કિસમની છોકરી હતી, ‘ધેન આઇ થિંક આઇ હેવ અ ચાન્સ. લેટ અસ ગેટ મેરીડ. ડીયર મધુ, મને આમ પણ ડોક્ટર બનવામાં ઇન્ટરેસ્ટ નથી. યુ આર એ નાઇસ પર્સન. મને લાગે છે કે તમે મને હેપ્પીનેસમાં રાખશો.’


મધુભાઇ મૂર્ખ હતા કે આવી તક જતી કરે? મધુ અને તેજલ ગાયબ થઇ ગયા. આજ સુધી કોઇને ખબર નથી કે તેઓ ક્યાં છે? ગર્લ્સની મેસ પાછી જૈસે થે ની હાલતમાં આવી ગઇ અને એ પછી છોકરાઓની મેસ મણિભાઇના હાથમાં આવી, જેના વિશે હું લખી ચૂકયો છું.‘ (શીર્ષક પંક્તિ: ગૌરાંગ ઠાકર)

No comments: