Friday, January 22, 2010

જિંદગી આખી કસોટીનો ખરેખર ખેલ છે,

જિંદગી આખી કસોટીનો ખરેખર ખેલ છે,
કોણ હીરો કોણ પથ્થર જાણવું મુશ્કેલ છે

એક ગામમાં રહેવાનું અને જ્ઞાતિ પણ એક જ એટલે સ્વાતિને કહેવાની હિંમત નથી. ઇચ્છા તો ઘણી છે, પણ એનું મન કળ્યા વગર જોખમ ના લેવાય...’


કોલેજની બહાર ચાની કીટલી ઉપર ભીડ નહોતી એટલે રાકેશ એનું હૈયું ઠાલવી રહ્યો હતો. એ બોલતો હતો ત્યારે આનંદ એના ચહેરા સામે તાકી રહ્યો હતો. સ્વાતિ એ બંનેથી એક વર્ષ પાછળ હતી. આ બંને મિત્રો છેલ્લા વર્ષમાં હતા.


‘એક કામ કર. તારા ઘેર વાત કર. એ લોકો સ્વાતિના ઘેર જાય તો તકલીફ ના પડે...’ આનંદે હસીને સલાહ આપી.


‘એનો બાપ ઢીલિયો છે પણ એની મા ઝાંસીની રાણી જેવી છે.’ રાકેશ બબડ્યો. આખા ગામમાં આપણી જ્ઞાતિના ત્રણ ઘર મોટા ગણાય. તારું, મારું અને સ્વાતિનું. તારા બાપા અનાજનો હોલસેલ વેપાર કરે છે. મારા બાપા કાલા-કપાસમાંથી કમાય છે અને સ્વાતિના બાપાની કરિયાણાની દુકાન ધમધમાટ ચાલે છે.


ખરીદી કરવા એ અમદાવાદ જાય ત્યારે પણ એ ઝાંસીની રાણી જોડે જાય છે. વીણા એના વર અમૃતલાલને મુઠ્ઠીમાં રાખે છે એવું આખું ગામ કહે છે.


અચાનક રાકેશ અટક્યો. આંખો ઝીણી કરીને એણે આનંદ સામે જોયું. ‘તું કબૂલ કરે કે ના કરે પણ સ્વાતિ તનેય ગમે છે એની મને ખબર છે. મને શીખામણ આપવાને બદલે હિંમત હોય તો તું જ એને મોઢામોઢ કહી દે. નહીં તો તારા બાપાને વાત કર. સ્વાતિ જોડે તારું ચોકઠું ફિટ થઈ જાય તોય મને આનંદ થશે. મને ના મળી પણ મારા મિત્રને મળી એમ સમજીને રાજી થઈ જઈશ...’


‘તું હરામી છે...’ આનંદ હસી પડ્યો. ‘મને એ છોકરી ગમે છે એની ખબર છે છતાં લંગર નાખવાનું વિચારે છે? દાળ નહીં ગળે એવું લાગ્યું એટલે જાણે મારા ઉપર ઉપકાર કરતો હોય એવી વાત કરે છે...’ એણે ઊભા થઈને રાકેશના ખભે હાથ મૂક્યો.


‘નાનપણથી સાથે છીએ એટલે રગેરગથી ઓળખું છું તને...’ આનંદે હસીને ઉમેર્યું. ‘એ છોકરી તનેય ગમે છે અને મનેય ગમે છે. આપણા બંનેના ફેમિલીને એના ફેમિલી સાથે સારો સંબંધ છે. સ્વાતિની મમ્મી વીણાબહેનનું મિલેટ્રી મગજ છે એ આપણે બંને જાણીએ છીએ.


હવે મારી વાત સાંભળ. છોકરી પરણીને દૂર જાય એના કરતાં ગામમાં જ રહે એવું દરેક મા-બાપ ઇચ્છતા હોય છે. સ્વાતિ માટે વીણાબહેન જ્યારે વિચારશે ત્યારે આપણા બેમાંથી એક ઉપર એમણે પસંદગીનો કળશ ઢોળવો પડશે.


મારા આ શબ્દો લખી રાખ. આજે નહીં તો કાલે એમણે મારા કે તારા ઘરનું બારણું ખખડાવવું પડશે. આપણે સામેથી જવાની જરૂર નથી. હાથ જોડીને એ લોકો આવશે. મારી વાત ભેજામાં ઊતરે છે?’


‘તારી ધારણા સાચી છે...’ રાકેશે તરત કબૂલ કર્યું. ‘લોટરીની ટિકિટ આપણા બંને પાસે છે. ઇનામ એક જ છે એટલે કોનો નંબર લાગશે એ ઉપરવાળાના હાથમાં છે.’


‘ઉપરવાળાના નહીં, વીણાબહેનના હાથમાં છે. એમનું દિમાગ કમ્પ્યૂટર જેવું છે. અમૃતલાલ કંઈક ભૂલ કરે તો બધાની વચ્ચે ધૂળ કાઢી નાખે. ખોટું બોલે તો તરત પકડી પાડે એવી પાવરફૂલ લેડી છે.


એ માતાજી મુંબઈ, કલકત્તા કે મદ્રાસનો મુરતિયો શોધવાને બદલે ગામમાંથી જમાઈ શોધવાનું નક્કી કરશે તો આપણા બંનેનો ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ છે.’


બીજા કોલેજિયનો આવ્યા એટલે વાતનો વિષય બદલાયો.


પછી તો સમયના ચક્રની સાથે બધું બદલાતું રહ્યું. બે-અઢી વર્ષમાં તો આખા ગામની સૂરત બદલાઈ ચૂકી હતી. આનંદે પપ્પાના અનાજના ધંધામાં રસ લેવાને બદલે નાના પાયે શેરબજારમાં લે-વેચ શરૂ કરી હતી. બાપાની મૂડીની તાકાત ઉપર એ ગણતરીપૂર્વક સોદા કરીને કમાતો હતો.


ઇન્ટરનેટ દ્વારા બજારની રૂખ જાણીને અમદાવાદના બ્રોકર સાથે એ ફોનથી લે-વેચ કરતો હતો. રાકેશ એના બાપાની પેઢી ઉપર બેસી ગયો હતો. કાલા-કપાસમાં વધુ કમાણી કઈ રીતે થાય એના માટે એ મહેનત કરતો હતો.


સ્વાતિ પણ ગેજ્યુએટ થઈ ચૂકી હતી. અને એના માટે મુરતિયાની શોધ ચાલતી હતી એની આ બંને મિત્રોને ખબર હતી. એમાં પણ અમૃતલાલને બદલે બધો વહીવટ વીણાબહેનના હાથમાં હતો એની તો આખા ગામને ખબર હતી.



રવિવારે સવારે અરુણભાઈ અને ઇલાબહેન બહાર ગયા પછી આનંદ ઘરમાં એકલો હતો. બધા અખબાર લઈને એ હીંચકા ઉપર બેઠો હતો. અચાનક વીણાબહેન ઘરમાં પ્રવેશ્યા એટલે એ આશ્ચર્યથી ઊભો થઈ ગયો. વીણાબહેન એની સામે ખુરશીમાં બેઠા.


‘મમ્મી-પપ્પા નથી?’


‘એક જગ્યાએ ગયા છે. સાંજે આવશે...’ આનંદે વિવેકથી આગ્રહ કર્યો. ‘શું બનાવું? ચા કે કોફી?’


‘તને એવી તકલીફ નથી આપવી. સીધી મુદ્દાની વાત કરું છું. તારે સાચી સલાહ આપવાની છે...’ વીણાબહેને ખુરશી હીંચકાની નજીક લીધી. ‘સ્વાતિ માટે મુરતિયો શોધવા બહાર ટ્રાય કરી પણ વાત જામતી નથી એટલે વિચાર્યું કે છોકરી આંખ સામે રહે એ એ સૌથી સારું. કશું છુપાવ્યા વગર સાચે સાચો જવાબ આપ. તલકશીભાઈનો રાકેશ કેવો?’


વીજળી પડી હોય એમ આનંદ હચમચી ઊઠ્યો. લોટરીમાં રાકેશનો નંબર ખૂલ્યો હતો એ હકીકત સમજાયા પછી એણે વાત ઉપર કાબૂ મેળવી લીધો. ‘મારો ભાઈબંધ છે એટલે નથી કહેતો પણ ખરેખર રાકેશ ખંતીલો અને મહેનતુ છે. કોઈ વ્યસન નથી. સ્વભાવ પણ લાખ રૂપિયાનો.


સ્વભાવ થોડોક જિદ્દી ખરો. એક વાર નક્કી કરે એ કામ પૂરું કરવા માટે આકાશ-પાતાળ એક કરે. ગમે તેવી મુશ્કેલી આવે તોય આડો...અવળો રસ્તો શોધી કાઢે...’ સહેજ અટકીને આનંદે ઉમેર્યું. ‘ફેમિલીને તો તમે ઓળખો છો. છોકરો હીરા જેવો છે એ મારી ગેરંટી...’


‘થેંક્યુ બેટા...’ વીણાબહેને આભારવશ અવાજે કહ્યું. ‘સંતાનમાં જે ગણો એ આ એક દીકરી છે એટલે મા તરીકે સો ગરણે ગાળીને પાણી પીવું પડે. એના બાપાને ધંધામાંથી નવરાશ મળે નહીં. વળી, એ સાવ ભોળિયા એટલે મા તરીકે મારે મહેનત કરવી પડે...’


એમણે ઊભા થઈને તાકીદ કરી. ‘હવે આ વાત આપણા બે વચ્ચે રાખજે. ભવિષ્યમાં પણ મોં ખોલતો નહીં... સમજણ પડી?...’ આનંદે હકારમાં માથું હલાવ્યું. એ પછી વીણાબહેને હસીને ઉમેર્યું. ‘તને થોડીક તકલીફ આપી...’


થોડીક નહીં, બહુ તકલીફ આપી છે... આનંદ મનમાં બબડ્યો. પછી તરત હસીને વીણાબહેન સામે જોયું... ‘એમાં તકલીફ શાની? તમે પૂછવા આવ્યા એટલે સાચી વાત કહેવાની મારી ફરજ છે...’


એ ગયા પછી બે હાથ વચ્ચે માથું પકડીને આનંદ પલંગ ઉપર ફસડાઈ પડ્યો. અલ્યા સત્યવાદી, તારામાં અક્કલ છે કે નહીં? એણે જાતને ઠપકો આપ્યો... રાકલા વિશે સહેજ આડું-અવળું વેતરી નાખ્યું હોત તો ધડ દઈને એનું પત્તું કપાઈ જતું...


બીજી જ સેકન્ડે એણે જાતને ટોકી... રાકલો થોડો લબાડ છે પણ મિત્ર છે એટલે આવી વાતમાં એની પીઠ પાછળ છરી ના ભોંકાય. જે કર્યું છે એ સારું કર્યું છે... વિચારોના આટાપાટામાં એ અટવાઇ રહ્યો.


સાંજે વીણાબહેને રાકેશના ઘરનું બારણું ખખડાવ્યું ત્યારે તે ટીવી જોઇ રહ્યો હતો. એના મા-બાપ ઘરમાં નથી એની ખાતરી કરીને વીણાબહેન આવ્યા હતા. છતાં એમણે હસીને પૂછ્યુ ‘મમ્મી-પપ્પા નથી?’ ‘અમદાવાદ જિતુકાકાની ખબર કાઢવા ગયા છે.’ ટીવી બંધ કરીને રાકેશે હાથની આંગળીઓથી માથાના વાળ સરખા કર્યા.


‘જો ભાઇ, તારી મદદની જરૂર છે.’ વીણાબહેને સીધી વાત શરૂ કરી. ‘સ્વાતિને બહારગામ નથી આપવી. ગામમાં જ મુરતિયો મળી જાય તો અતિ ઉત્તમ. કોઇકે આંગળી ચીંધી કે અરુણભાઇનો આનંદ સારો છોકરો છે. પણ એકની એક દીકરી છે એટલે આંધળું સાહસ નથી કરવું. હું કોઇને વાત નથી કરવાની અને તારે પણ મોં બંધ રાખવું પડશે. તું તો એનો ભાઇબંધ છે એટલે સાચી સલાહ આપ કે આનંદ કેવો છોકરો છે?..’


ધરતીકંપ આવ્યો હોય એમ રાકેશ ખળભળી ઊઠ્યો. બીજી સેકન્ડે જાત ઉપર નિયંત્રણ મેળવીને એણે ચાલાકીથી શબ્દો ગોઠવ્યા. ‘મારું ક્યાંય નામ ના આવે એનું ઘ્યાન રાખજો.. સ્કૂલમાં પાક્કી ભાઇબંધી હતી પણ કોલેજમાં ગયા પછી એનું સર્કલ બદલાઇ ગયું.


એ સટોડિયાઓ અને જુગારીઓની કંપનીમાં ભળી ગયો એટલે મેં સંબંધ ઓછો કરી નાખેલો. ઘર સારું, ખોરડું ખાનદાન ગણાય પણ આ હીરો થોડોક આડા રવાડે ચઢી ગયો છે. મને કોઇ આડી-અવળી લાઇન ફાવે નહીં એટલે મેં બાપાનો ધંધો સંભાળી લીધો.


એનેય એના બાપાએ પેઢીએ બેસવાનું કહેલું પણ ઓછી મહેનતે સટ્ટામાંથી પૈસા મેળવવાની આદત પડી ગઇ હોય પછી પેઢીમાં મજૂરી કરવાનું ક્યાંથી ગમે? આખો દિવસ શેરબજારનો સટ્ટો રમ્યા કરે છે.’


રાકેશે વીણાબહેનની આંખોમાં આખો પરોવી. ‘બીજી કોઇ ખામી નથી એનામાં પણ જુગારી સ્વભાવ છે. ગમે ત્યારે બાપાની પેઢીનું ઉઠમણું કરાવશે એવી મને બીક છે. મારા ઉપર વિશ્વાસ રાખીને તમે પૂછ્યું એટલે સાચી વાત કહેવાની મારી ફરજ. બાકી તમારી મરજી...’


વીણાબહેન વિચારમાં ડૂબી ગયા હતા. હળવે રહીને એ ઊભા થયા. ‘મારું નામ ના આવે એનું ઘ્યાન રાખજો..’ રાકેશે વિનંતી કરી. ‘કારણ વગર એવા માણસ સાથે દુશ્મનાવટ ઊભી કરીને શું ફાયદો?...’


વીણાબહેન રવાના થયા ત્યારે રાકેશના હોઠ પર વિજયનું સ્મિત રમતું હતું.


‘બીજો સારો ઝભ્ભો પહેરો..’ બીજા રવિવારે અમૃતલાલ તૈયાર થતા હતા ત્યારે બનીઠનીને ઊભેલા વીણાબહેને સૂચના આપી. ‘છોકરીનું માગું લઇને વેવાઇના ઘેર જઇએ છીએ એટલું તો ભાન રાખો..’


‘મને હજુ સમજાતું નથી..’ અમૃતલાલે નિખાલસતાથી કહ્યું. ‘રૂપે-રંગે બેઉ લગભગ સરખા છે. ભણતર પણ સરખું છે. બંને ઘર ખાનદાન છે એટલે બેમાંથી એકેય ઘરમાં સ્વાતિને તકલીફ પડે એવું નથી.. આ બેઉ હીરામાંથી તેં પસંદગી કઇ રીતે કરી ?’


પતિનો સવાલ સાંભળીને વીણાબહેનના હોઠ મલક્યા. ‘આપણે બધું લઇને તો ઉપર જવાના નથી. જે કંઇ છે એ દીકરી જમાઇને જ મળવાનું છે. દીકરી સુખી થાય એ માટે આમ તો બેઉ ઘર સરખાં જ લાગતાં હતાં. પણ આપણે તો જમાઇને પારખવાનો હતો. માણસના મનને તાગવાનું કામ સહેલું નથી.


એની પરીક્ષા કરવા માટે એનું મન કેટલું સાફ છે એ જ ચકાસવું પડે. ગયા રવિવારે વારા ફરતી બંનેને મળીને એકબીજા વિષે પૂછ્યું. રાકેશ વિષે પૂછ્યું ત્યારે આનંદે સાફ દિલથી એના વિશે સાવ સાચો અભિપ્રાય આપ્યો. જ્યારે રાકેશે ગણતરી કરીને આનંદને ખરાબ ચિતરાવાનો પ્રયાસ કર્યો.


જે માણસ સ્વાર્થ માટે થઇને મિત્ર વિશે ખોટું બોલી શકે એના ઉપર ભરોસો ના મુકાય. આનંદ શેરબજારનું કરે છે પણ એમાં માપી માપીને જોખમ લઇને કમાય છે એની માહિતી મેં મેળવી લીધી હતી. રાકેશે એની આ આવડતને જુગાર કહીને મારી આંખે પાટા બાંધવા પ્રયત્ન કર્યો પણ વીણાને પારખવામાં એ છોકરો થાપ ખાઇ ગયો.


જમાઇ થોડોક નબળો હોય તો ચાલે પણ સાફ દિલનો અને હોવો જોઇએ. બંનેની સાથે વાત કર્યા પછી લાગ્યું કે રાકેશ બહુ નાનો માણસ છે. એવા લુચ્ચા અને સ્વાર્થી માણસને દીકરી ના અપાય...’ વીણા બહેન બોલતા હતા. અમૃતલાલ અહોભાવથી એની સામે તાકી રહ્યા હતા.


(શિર્ષક પંક્તિ : લેખક)

No comments: