Thursday, December 3, 2009

ઝાંઝવા જળ સીંચશે એ આશ પર

ઝાંઝવા જળ સીંચશે એ આશ પર,
રણમાં તૃષ્ણાએ કરી છે વાવણી

કોઇક કોઇક દિવસ જ અશુભ હોતા હશે? આપણે માનીએ કે ન માનીએ, પણ ચોક્કસ એવું હોવું જોઇએ. હું જે દિવસને આજે યાદ કરવા બેઠો છું એ આવો જ એક અશુભ દિન હતો. યાદ કરવો ન ગમે એવો મનહૂસ.


મોડી રાતના ઊજાગરાને પાંપણના ઢાંકણની અંદર પોઢાડીને હું વહેલી સવારનું સમાધિવશ સ્વાગત કરતો પથારીમાં પડ્યો હતો, ત્યાં અચાનક ટેલિફોનના ડબલામાંથી કાન ઉપર હથોડો વીંઝાયો. મેં ઘેનભરી દશામાં જ યંત્રવત્, રિસિવર ઉઠાવ્યું. બસ, એ દિવસ પૂરતી મારી એ આખરી સુખની ક્ષણ હતી. મારી બદકિસ્મતીની શરૂઆત ટેલિફોનના રિસિવરમાંથી મારા કાનમાં રેડાણી.


મારા સ્ટાફનાં બહેનનો ગભરાટભર્યો સ્વર હતો અને મને કહી રહ્યો હતો, ‘સર, જલદી નીચે આવો! એક ઇમરજન્સી પેશન્ટ છે. સખત બ્લિડિંગ થઇ રહ્યું છે...’ આગળ વધારે કશુંય બોલવાની ન તો એણે જરૂર હતી, ન મારે સાંભળવાની.


ઇમરજન્સી કેસનો તાપ સ્પર્શતાવેંત મીઠી ઊંઘનું ઝાકળ ક્ષણોની પાંખ ઉપર સવાર થઇને ઊડી ગયું. સવારના ઊઠીને બ્રશ કરવાની કે મોં ધોવાની તો વાત જ ક્યાં રહી, પણ સ્થળ અને સમય વિશે સભાન થવાની પણ સૂધ ન રહી. સ્લીપરમાં પગ ઘાલીને દોડી પડ્યો.


નીચે આવેલા નર્સિંગ હોમમાં જઇને જોયું તો લોહીમાં લથબથ એક મુસ્લિમ ઔરત ટેબલ ઉપર સૂતી હતી. બ્લડ એટલું બધું નીકળી ગયું હતું કે જેટલું ઐના ભીના કપડાંમાં હતું એટલું લોહી કદાચ બાઇનાં શરીરમાં નહીં રહ્યું હોય!

મારી આંગળીઓ એની ‘પલ્સ’ ઉપર ગઇ. ધબકારા ચેતનાની સફરના આખરી પડાવ ઉપર પહોંચવાની તૈયારીમાં હતા. મેં સ્ટાફ નર્સને સહેજ ઊચા સ્વરમાં ધમકાવી નાખી, ‘આને ટેબલ ઉપર કોને પૂછીને સૂવડાવી દીધી? આ તો જનરલ હોસ્પિટલને લાયક કેસ છે. ભાગ્યે જ બચે. મારા આવવા સુધી રાહ તો જોવી હતી...’


એય બાપડી શું કરે? દર્દીના સગાંવહાલાં ધડાધડ દોડતાં આવીને મરણોન્મુખ વ્યક્તિને ટેબલ ઉપર ચડાવી દે, ત્યારે માનવતા ખાતર પણ એમને અટકાવે કોણ? પણ મારા માટે ધર્મસંકટ જેવો મામલો હતો.


સંજોગો એવા હતા કે હું દર્દીની સારવાર શરૂ કરું એ પહેલાં જ એ મરી જવાની શક્યતા હતી. મારા કપાળે કશું જ કર્યા વગર અપજશની કાળી ટીલી ચોંટવાની પૂરેપૂરી શક્યતા ડોકાતી હતી.


દર્દીની સાથે આવેલા ટોળામાંથી એક પીઢ મહિલાને મેં અંદર બોલાવી. એણે મારી ટૂંકી પૂછપરછના જવાબમાં સાવ ટૂંકો પણ મુદ્દાસરનો ખુલાસો પીરસી દીધો, ‘યે સલમા હૈ. મેરી બેટી. પેટ સે હૈ. તીસરા મહિના ચલ રહા હૈ. આજ ફજરમેં અચાનક ખૂન ટૂટ પડા ઔર યે બેહોશ હો ગઇ.’


હું સમજી ગયો કે આ કેસ ઇન્કમ્પ્લીટ એબોર્શનનો મામલો હતો. તાત્કાલિક ક્યુરેટિંગ કરવાની સખ્ત જરૂર હતી. તો જ રકતસ્રાવ બંધ થાય, પણ ક્યુરેટિંગ કરવા માટે તો સલમા ‘ફિટ’ હોવી જોઇએ?


સમય બગાડવાનો સવાલ ન હતો. સલમાનો કેસ હાથમાં લેવાનો હું ઇન્કાર પણ કરી શકું, પણ પછી જનરલ હોસ્પિટલ સુધીની સફરમાં એની છાતીનું એન્જિન અધવચ્ચે જ બંધ પડી જાય એમ હતું.


મેં વિચાર કરવાનું પડતું મેલ્યું અને આચરણનો આરંભ કર્યો. કોલેપ્સ્ડ થઇ ચૂકેલી સલમાની નસ પકડીને ગ્લુકોઝ સેલાઇનની બોટલ ચડાવી. તાબડતોબ બ્લડ બેન્કમાંથી ચાર બાટલા લોહી મંગાવ્યું. ઇન્જેકશનો, એન્ટિબાયોટિક્સ, એનેસ્થેટિસ્ટ અને ક્યુરેટિંગ.


સતત ફફડતા હૈયે મેં બે કલાક સુધી સઘન સારવાર કરી. સલમા હવે સલામત હતી. મેં દવાઓ, બ્લડબેન્ક અને એનેસ્થેટિસ્ટના ચૂકવણા મારા ખિસ્સામાંથી ભોગવ્યા. સાંજે સલમાના પતિને કાને પૈસાની વાત નાખી.


એ ઊભો થઇ ગયો, ‘પૈસા તો મેરે પાસ એક ભી નહીં હૈં.’


‘અરે, કેવી વાત કરો છો તમે? હું મારી મહેનતની તો હજુ કિંમત જ નથી માગતો, ફક્ત તમારી પત્નીનાં પ્રાણ બચાવવા માટે મેં કરેલા ખર્ચની વાત કરી રહ્યો છું. જો ખિસ્સામાં એક પણ પૈસો ન હતો, તો પછી તમે લોકો એને ખાનગી નર્સિંગ હોમમાં લાવ્યા શા માટે? અહીંથી દસ જ મિનિટનાં અંતરે જનરલ હોસ્પિટલ છે, ત્યાં એને લઇ જવી હતી ને?’


‘વહીં તો જા રહે થે હમ! લૈકિન બિચ રાસ્તે મેં વો બેહોશ હો ગઇ, તો રિક્ષાવાલા ઘબરા ગયા. પુલીસ કા લફડા હોગ ઐસા સોચકર હમકો ઇધર હી ચ ઉતારકે ભાગ ગયા...’


બીજે દિવસે સલમા એનાં પગ ઉપર ચાલીને ઠાઠથી રવાના થઇ ગઇ. હું લાચાર બનીને એનાં કદમો હેઠળ ચંપાયેલા રૂપિયા બે હજારને વિલોકતો રહ્યો.


ક્યારેક કો’ક એક દિવસને બદલે એક પૂરું અઠવાડિયું અશુભ સિદ્ધ થતું હોય છે. સલમાવાળી ઘટના બની એ આખુંયે સપ્તાહ મારા માટે લાખના બાર હજાર કરવા જેવું સાબિત થયું.


બુધવારે સાંજે એક દેવીપૂજક સ્ત્રી આવીને સુવાવડ કરાવી ગઇ. એના કુબામાં સૂરજ પ્રગટે એમાં આપણને શો વાંધો હોય? પણ મને વાંધો નડ્યો, કારણ કે એનો સૂરજ મારો અજવાસ ઝૂંટવી ગયો. પાંચ હજાર રૂપિયાની મહેનતની ફોરસેપ્સ ડિલિવરી માથે પડી એ તો સહન કરી લેવાય, પણ પંદરસો રૂપિયાની મેડિસિન્સ અને પાંચસો રૂપિયા એનેસ્થેસિયાના પણ મારે ભોગવી લેવાનો વારો આવ્યો.


શનિવારે એક પેશન્ટ આખેઆખું સિઝેરિયન ગુપચાવીને ઓડકાર સાથે ઘરભેગી થઇ ગઇ. એ કોઇ ગરીબ કેસ ન હતો, પણ રીઢા ગુનેગાર જેવો મામલો હતો. એ પરિવારની દરેક સ્ત્રી દરેક પ્રસૂતિ વખતે ડોક્ટર બદલતી રહેતી હતી. કામ કઢાવીને પછી એક પણ પૈસો નહીં ચૂકવવાનો. બંટી ઔર બબલી ટાઇપના ઘણાં દર્દીઓ મળી આવે છે. આ વખતે મારો ભોગ લેવાયો.


અઠવાડિયાના અંતે હું વ્યગ્રચિત્ત બનીને બેઠો હતો. પૂરું સપ્તાહ પુષ્કળ મહેનત કર્યા પછી એક પણ પૈસો કમાવા મળ્યો ન હતો. મારી અંગત ખોટ જ સત્તર હજાર રૂપિયા જેવી થતી હતી. આ મારો ખર્ચ હતો, નુકસાન હતું, કબૂલ કરું છું કે નાની-મોટી ઘાલખાધ દરેક ધંધામાં રહેતી જ હોય છે, પણ આ તો ખાધ હતી ઘર બાળીને તીરથ કરવા જેવી વાત હતી.


એક માનવતાસભર વ્યવસાયમાં બેઠો છું એટલે કોઇ દરદી બિલમાં નાની-મોટી કાપકૂપ કરી જાય છે, ત્યારે હું હસીને ચલાવી લઉ છું, પણ આ તો પદ્ધતિસરની લૂંટ જ હતી.


આવી લૂંટ જો એકાદ-બે માસ સુધી ચાલતી રહે તો ઉઠમણું થઇ જાય. માનવતા, દયા, ઉદારતા, સમભાવ જેવા શબ્દોમાંથી ભરોસો ઊઠી જાય એવું વાતાવરણ હતું.


બસ, આશ્વાસન હતું તો એક જ વાતનું હતું, મારા મનમાં એક વાત ઠસી ગઇ હતી કે આ તો જવલ્લે જ બનતી ઘટના હતી. હોય! ક્યારેક કોઇક એકાદ દિવસ કે એકાદ અઠવાડિયું મનહુસ હોઇ શકે છે.


………


રવિવારની સવાર. હું ચા-નાસ્તાની સાથે સાથે ‘દિવ્ય ભાસ્કર’ના પાનાંઓ માણી રહ્યો હતો, ત્યાં અચાનક એક મુલાકાતી મળવા માટે આવ્યા. અપરિચિત સન્નારી હતાં. આશરે પંચવાન વર્ષનાં હશે.


‘માફ કરજો, શરદભાઇ! ફોન કર્યા વગર જ આવી ચડી છું.’ એમનાં સ્વરમાં બનાવટી વિવેકને બદલે અસલી શાલીનતા ઝળકતી હતી, ‘હૈયામાં એક ભાવ જન્મ્યો એ શમી જાય એની પહેલાં તમને મળવું જરૂરી લાગ્યું, એટલે તમારો ફોન નંબર શોધવા માટે સમય નથી બગાડ્યો.’


‘વાંધો નહીં, બહેન! હવે જ્યારે આવી જ ગયાં છો, ત્યારે કામ બાબત પણ જરા...’


એમણે પર્સમાંથી એક બંધ પરબીડીયું કાઢીને મારા હાથમાં મૂકી દીધું, ‘આમાં થોડાંક રૂપિયા છે. બહુ મોટી રકમ નથી, પણ મારો દીકરો આજના દિવસે અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. એની સ્મૃતિમાં હું દર વરસે નાની એવી રકમનું દાન કરતી રહું છું.


તમારા લેખો છેલ્લાં દોઢેક દાયકાથી વાંચતી આવી છું. દાન આપવા માટેના સરનામાં તમારી કટારમાંથી જ મેળવી લઉ છું. પણ આ વખતે મનમાં વિચાર આવ્યો કે... આ રકમ તમારા જ હાથમાં... તમને વાંધો ન હોય તો... તમારા દવાખાનામાં પણ ગરીબ દરદીઓ આવતા હશે ને? તમારી ફી પેટે નથી આપતી... પણ દવાઓ- ઇન્જેકશનો કે લેબોરેટરીના ખર્ચના...


તમારી નિષ્ઠા વિશે મને શ્રદ્ધા છે.. પ્લીઝ, લઇ લો! ના ન પાડશો...’


એ બહેન એવી રીતે પૈસા મને આપી રહ્યાં હતાં, જાણે કે મારી પાસેથી લઇ રહ્યાં હોય! એમની આંખોમાં યાચનાની દીનતા ઝલકતી હતી.


‘કેટલી રકમ છે?’ મેં પૂછ્યું.


‘વધારે નથી, ફક્ત સત્તર હજાર છે.’


મેં ખુલ્લી બારીમાંથી દેખાતા ભૂરા, અફાટ આસમાન સામે જોયું અને મારાથી બોલી જવાયું, ‘વાહ રે, ઇશ્વર! તું બી કોમર્સનો ગ્રેજ્યુએટ છે. તારું ગણિત પાક્કું છે. શું આંકડો નિભાવ્યો છે!’


એ ક્ષણે મને સમજાયું કે સોમવારથી શરૂ થતાં છ દિવસ કોઇક વાર ભારે અશુભ હોઇ શકે છે, પણ એનું સમાપન હંમેશાં સાતમાં દિવસે, રવિવારની કલ્યાણમયી શુભ સવારથી થતું હોય છે.

No comments: