Saturday, November 28, 2009

માણસ છું, મારે થોડો આદર ભયો ભયો

મંદિરમાં તારે તો છે ઝાલર ભયો ભયો,

માણસ છું, મારે થોડો આદર ભયો ભયો

હું કાળદેવતાનો અભિશાપ લઇને જન્મેલો જાતક છું. મારી પાસે ન હોવા જેવું બધું જ છે, પણ જે હોવો જોઇએ તે સમય નથી. આજે પણ નથી અને તે વખતે પણ ન હતો. શરીર તૂટી જાય એટલું કામ રહેતું હતું. મન તૂટી જાય એટલો થાક લાગતો હતો. અને ધીરજ ખૂટી જાય એટલી ભૂખ લાગતી હતી.


એ હોસ્પિટલમાં માંડ ત્રણેક મહિના પૂરતી મેં નોકરી કરી હશે. મન કોઇનો સંગાથ ઝંખે એવી ઉંમર હતી અને એકલા રહેવું પડે એવી મજબૂરી હતી. ગરમ-ગરમ રોટલી બનાવી આપે એવી મા અમદાવાદમાં બેઠી હતી પત્નીનાં હાથે પીરસાયેલી થાળીની અવેજીમાં ઠંડુંગાર ટિફિન હતું.


ઘરની અંદર ગયા પછી મેં બૂટ-મોજા કાઢવા જેટલો સમય પણ ન બગાડ્યો. વોશબેઝીન પાસે જઇને એન્ટિસેપ્ટિક દ્રાવણ વડે છેક કોણી સુધીના હાથ ધોયા. પછી તૂટી પડવાની તૈયારી સાથે ટિફિન હાથમાં લીધું. પહેલો ડબ્બો ખોલ્યો. હિમાલયના બરફ ઉપરથી ઉતારેલી હોય એવી ટાઢીબોળ રોટલીઓ હતી. એ કાચી હતી એ જાણવા માટે એને ચાવવાનું જરૂરી ન હતું, જોવા માત્રથી જાણ થઇ જતી હતી.


બીજો ડબ્બો ઊઘાડ્યો. કારેલાનું શાક હતું. મને ન ભાવતું એક માત્ર શાક. જીવન હોય કે જીભ, કટુતાને મેં ક્યારેય આવકારી નથી! દાળવાળો ડબ્બો ઊઘાડ્યો ત્યાં જ એની વિચિત્ર વાસથી નાક ભરાઇ ગયું. ભાતના ડબ્બા તરફ નજર ફેંકવા જેટલી હિંમત જ ન રહી.


પણ જે નજર પડી ગઇ એણે મને જણાવ્યું કે દુનિયામાં લાલ રંગના ચોખા પણ અસ્તિત્વ ધરાવે છે. ટિફિન મોકલનાર માસી ગરીબ હતાં એનાં કરતાં લાલચુ વધારે હતા, પૂરા પૈસા લઇને પણ એ ચોખાને બદલ હલકી ડાંગર રાંધીને મોકલી આપતાં હતાં.


ભૂખ તો ટિફિન ખોલતાંની સાથે જ મરી ગઇ હતી, પણ આ ‘સ્વાદિષ્ટ’ વ્યંજનોનું હવે કરવું શું? મેં બેલ મારીને હોસ્પિટલમાંથી પટાવાળાને ઉપર બોલાવ્યો. પૂછ્યું, ‘કોઇ જમ્યા વગરનું રહી ગયું છે? તો આ ટિફિન લઇ જા. વઘ્યું- ઘટયું નથી, જેમનું તેમ અકબંધ છે.’


‘સાહેબ, તમે?’


‘હું દૂધ પી લઇશ.’ મેં કહ્યું. એ ગયો. થોડી વારમાં ભીખલાને લઇને પાછો આવ્યો.


‘સાહેબ, આ ભીખલો એકલો જ અત્યાર લગી જમ્યો નથી. એને આપો.’ મેં ભીખાની સામે જોયું. એ સાવ ગરીબડો ચહેરો અને ઊડી ઊતરી ગયેલી આંખોવાળો મેલોધેલો મઘ્યવયસ્ક આદમી હતો. મેં એને એક-બે વાર પુરુષ, વિભાગમાં કામ કરતો જોયેલો હતો.


આજે પ્રત્યક્ષ પરિચય થયો. પૂછ્યું, ‘ભીખા, કેમ અત્યાર સુધી ભૂખ્યા રહ્યા છો?’


‘સાહેબ, ગઇકાલે હું રાતપાળીમાં આવ્યો હતો. સવારે ઘરે ગયો જ નથી. મારું ઘર પાંચ-સાત ગાઉ દૂર છે. ખાલી અમથા બસભાડાંના રૂપિયા કોણ ખરચે? એટલે હું રહી પડ્યો. બપોરના બે વાગ્યાથી તો પાછી ડ્યૂટી લાગી ગઇ છે.’ હું જોઇ શકતો હતો કે હું જે સાંભળી રહ્યો હતો તે જૂઠાણું હતું.


એનું શરીર, માંયકાંગલો બાંધો, ઊપસેલા હાડકાં અને એનિમિક આંખો કહી આપતી હતી કે એના ઘરે કદાચ ભોજનના સાંસાં હતા. એ મારા ક્વાર્ટરની સામે જ ખુલ્લી અગાસીમાં બેસી ગયો. ટિફિનના ડબ્બા ખોલીને તૂટી પડ્યો.


તમે ‘ડિસ્કવરી ચેનલ’ ઉપર હરણનો શિકાર કર્યા પછી એના મતદેહ ઉપર તૂટી પડતાં ભૂખ્યા ડાંસ સિંહને જોયો હશે. મેં એની પહેલાં ટિફિનના ભોજન ઉપર તૂટી પડતા ભીખાને જોયો છે. સિંહ કરતાં વધારે ઝડપ ભીખાની હતી. એકે-એક ડબ્બો સાફ કરી દીધા પછી એ આંગળીઓ પણ ચાટી ગયો.


અચાનક એને ભાન થયું કે કોઇ એને જોઇ રહ્યું છે.


એ છોભીલો પડી ગયો, ‘સાહેબ, આજે જરાક વધારે પડતું ખવાઇ ગયું. દાળ-શાક ખૂબ સ્વાદિષ્ટ બન્યા હતા. આવું ખાવાનું મેં જિંદગીમાં ક્યારેય ચાખ્યું નથી.’ સાંભળીને હું હસી પડ્યો.


જગતના સૌથી ખરાબ ભોજનને આ માણસ સર્વશ્રેષ્ઠ જાહેર કરી રહ્યો હતો. એ દિવસે મને સમજાયું: સ્વાદ ભોજનમાં નથી હોતો, પણ ભૂખમાં હોય છે. ભૂખ તો મને પણ લાગી હતી, પણ ભીખલાની ભૂખ ભૂખમરામાંથી જન્મી હતી.


એક દિવસ મેં એને ઉપર બોલાવ્યો. એક જૂનું પેન્ટ અને શર્ટ આપ્યાં. કહ્યું, ‘લઇ જા. જૂનાં છે, પણ ક્યાંથી ફાટેલા નથી. છ-બાર મહિના પહેરી શકાશે.’ એ ખુશ થઇ ઊઠયો. કપડાં ઉપર હાથ ફેરવીને બોલી ઊઠયો, ‘અમારા તો નવા કપડાંયે આવા નથી હોતાં, સાહેબ. આને તો હું સારા પ્રસંગે સાચવીને પહેરીશ. આટલા સારા કપડાં મેં જિંદગીમાં ક્યારેય પહેર્યા નથી.’


પછી તો ચાલ્યું! સ્લીપર્સ, ચંપલ, બગડેલો ટ્રાન્ઝીસ્ટર, પડી રહેલો નાસ્તો, હું જે આપું તે બધું ભીખાને મન શ્રેષ્ઠ જ હોય. એનું આ વાક્ય મને અચૂક સાંભળવા મળે: ‘સાહેબ, આખી જિંદગીમાં આવી વસ્તુ મને ક્યારેય જોવા મળી નથી.’


ધીમે ધીમે એની સાથે મારો પરિચય વધતો ગયો. હું ત્યારે સાવ એકલો જ હતો. મોટા ભાગે મારી એકલતાને ઓગાળી દેવા માટે જ હું કામમાં રચ્યો-પચ્યો રહેતો હતો. તેમ છતાં જ્યારે નવરો પડું ત્યારે વાત કરવા માટે કોઇને કોઇ માણસને ઝંખતો હતો.


એમાં ઘણી બધી વાર ભીખો મારા હાથમાં ઝડપાઇ જતો હતો. એક સાંજે ઇવનિંગ ઓ.પી.ડી. પતાવીને મેં ડ્રાઇવરને સૂચના આપી, ‘ગેરેજમાંથી જીપ કાઢ. મંદિરે દર્શન કરવા જવું છે.’ ‘કયા મંદિરે?’ ડ્રાઇવરે પૂછ્યું.


‘જે સૌથી દૂર હોય ત્યાં લઇ લે!’ મારો જવાબ સાંભળીને ડ્રાઇવર સમજી ગયો કે આજે કોઇ જીવતો માણસ સાહેબની અડફેટે ચડ્યો નથી, એટલે ભગવાન ઉપર નજર પડી લાગે છે. એણે જીપ બહાર કાઢી.


મારા માટે પાછલું બારણું ઊઘાડ્યું, પણ મેં ના પાડી. હું આગળની સીટ પર ડ્રાઇવરની બાજુમાં જ બેસી ગયો. એને ક્ષણભર માટે આશ્ચર્ય થયું, પછી એનો સંકોચ ધુમાડાની જેમ ઊડી ગયો. એ ખુશ થઇને મારી સાથે વાતે વળગ્યો.


થોડી જ વારમાં અમે શહેરની બહાર હતા. જીપ હવે પાક્કી સડક છોડીને કાચા મેટલવાળા રસ્તા પર દોડી રહી હતી. અમે દસેક કિલોમીટર દૂર આવેલા લક્ષ્મીનારાયણ મંદિર તરફ જઇ રહ્યા હતા. ત્યાં ડ્રાઇવરે જીપ ધીમી પાડી. મેં જોયું તો અમે જઇ રહ્યા હતા તે જ મારગ ઉપર એક માણસ ચાલતો જઇ રહ્યો હતો.


એના ઘસડાતા પગ કહી આપતા હતા કે ખૂબ જ થાકી ગયો હતો. જીપ છેક એની નજીકથી પસાર થઇ ત્યારે મેં એનો ચહેરો જોયો. હું મોટેથી બોલી પડ્યો, ‘અરે! ભીખા, તું? આ તરફ કઇ બાજુ? મંદિરે જવું હોય તો બેસી જા અંદર.’


એ હાંફતો હતો, ‘ના, સાહેબ! મંદિર તો દૂર રહ્યું. હું તો મારા ઘરે... મારું ગામ રસ્તામાં જ વચ્ચે...’ અમે એને જીપમાં બેસાડી દીધો. એનો શ્વાસ થોડી વારે હેઠો બેઠો. એનું ગામ આવ્યું ત્યારે એણે વિનંતી કરી, ‘બસ, જીપ ઊભી રાખો.


હું અહીં ઊતરી જઇશ.’ મેં ચારે કોર જોયું, ક્યાંય ગામ તો દેખાતું ન હતું. એણે ખુલાસો કર્યો, ‘અહીંથી ડાબા હાથે કેડી જાય છે. પાંચેક ખેતરવા છેટે મારું ઘર છે. ગામ એટલે તમે શું ધારી બેઠા, સાહેબ? અમે અને અમારા પિતરાઇઓના બધું મળીને છ-સાત છાપરાં છે.’


‘તો છેક આ દૂર વગડામાં શા માટે પડી રહ્યા છો?’


‘શું કરીએ? બાપદાદાની વારીના નાનાં-નાનાં ખેતરો છે. એમાં જ છાપરાં ઊભા કરી દીધા છે. ગામમાં ઘર બાંધવા જેટલી જમીન ક્યાંથી કાઢવી? અને ખેતરો ખરાં પણ ખાલી કહેવા પૂરતા. સાવ પથરાળ જમીન છે. એમાં લાખનો ખરચ કરીએ ત્યારે માંડ દસ હજારનો પાક ઊગે.


એટલે તો મારે નોકરી માટે આટલું લાંબુ થવું પડે છે. સાહેબ, અત્યારે તો જવા દઉ છું, પણ ફરી કો’ક વાર પધારજો મારા ઘરે...’ હું સમજી ગયો કે એ મને ટાળી રહ્યો હતો. કદાચ એના ઘરે મને ચા-પાણીનો વિવેક કરવા જેટલીયે ‘સમૃદ્ધિ’ ન હતી.


એ પછી પંદરેક દિવસ સુધી એ દેખાયો નહીં. મને ચિંતા થઇ. મેં નટવરને પૂછ્યું, ‘ભીખાભાઇ કેમ દેખાતા નથી?’ ભીખો અને નટવર એક જ પાળીમાં કામ કરતા હતા. નટવરને આશ્ચર્ય થયું, ‘ભીખાભાઇ? એ વળી કોણ? તમે ભીખલાની તો વાત નથી કરતા ને?’


મેં હા પાડી. ભીખલાની ઉંમર મારા કરતા દસેક વર્ષ મોટી હતી. પણ એને માનપૂર્વક બોલાવું તો એ પોતે પણ જવાબ આપે નહીં એવી એની હાલત હતી. ના છુટકે મારે પણ એને ‘ભીખલો’ કહીને જ વાત કરવી પડતી હતી. નટવર પાસે પણ ભીખલા વિશેની માહિતી ન હતી.

દસેક દિવસ પછી એક પેટીપેક ગાડી હોસ્પિટલના પ્રાંગણમાં આવીને ઊભી રહી ગઇ. અંદરથી સફારી સૂટ ધારણ કરેલા એક સજ્જન બહાર આવ્યા. સાથે બે નોકરો હતા. જ્જને એમને આદેશ આપ્યો, ‘ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જેટલો ઓ.પી.ડી. સ્ટાફ છે તે બધાંને મીઠાઇનું એક-એક બોકસ વહેંચી દો!


એક બોકસ મને આપો. ઠાકર સાહેબનો મારી ઉપર ખૂબ મોટો ઉપકાર છે. એમને હું મારા હાથે જ મીઠાઇ આપીશ.’


અમારા બધાંના ચહેરાઓ જોવા લાયક હતા. એ સજજન બોલ્યા ત્યારે ઓળખાયા. મેં મોટેથી બૂમ પાડી, ‘અરે, ભીખાભાઇ! તમે?’ ‘ના, સાહેબ! હું તો ભીખલો. આ બધાં તો સમયના ખેલ છે. અમારા ગામ તરફ દેશના સૌથી જાણીતા ઉદ્યોગપતિએ મોટું કારખાનું નાખવાનું નક્કી કર્યું, એના કારણે જમીનના ભાવો ઊચકાયા. એ માટે જ હું રજા ઉપર હતો.’


‘તારી જમીનના કેટલા મળ્યા?’ મેં મીઠાઇનો ટુકડો હાથમાં લીધો. ‘બે કરોડ રૂપિયા, સાહેબ! પણ મેં નક્કી કર્યું છે. મારે નોકરી છોડવી નથી. એ પૈસામાંથી ગામમાં સારું મકાન લીધું છે. ગાડી લીધી છે. બાકીની રકમ ફિકસમાં મૂકી દીધી છે.


છોકરા-છોકરીને ભણાવવા માટે કામમાં આવશે.’ આખી હોસ્પિટલમાં આનંદનું ત્સુનામી ફરી વળ્યું. ડોક્ટરો સહિત એ સમયે ભીખલો અમારા બધાં કરતાં વધારે પૈસાવાળો હતો. બીજા દિવસથી એ પાછો નોકરી ઉપર હાજર થઇ ગયો.


એનામાં કશું જ પરિવર્તન આવ્યું ન હતું. અલબત્ત, અમારા સૌમાં એક નાનું પણ નક્કર પરિવર્તન અવશ્ય આવી ગયું હતું. જો અમારામાંથી કોઇ એનો ઉલ્લેખ ‘ભીખલાં’ કહીને કરતું તો તરત જ બાકીના કર્મચારીઓ પૂછી બેસતા, ‘કોણ ભીખલો? તમે ભીખુભાઇની તો વાત નથી કરતાં ને?’‘


(શીર્ષક પંક્તિ: અશરફ ડબાવાલા)

No comments: