Tuesday, May 12, 2009

મળો છો ત્યારથી એકીટશે જોયા કરું છું એ, તમારા રૂપ કરતાં પણ રૂપાળો ગાલનો તલ છે

રાતનો સમય હતો. ટ્રેન પૂરપાટ વેગે દોડી રહી હતી. એ.સી. કેબિનમાં પ્રવાસ કરી રહેલા કંઠસ્થ કામાણીનો સેલફોન રણકયો. એણે ઉતાવળમાં ઝટકો મારીને પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન બહાર કાઢયો, વાત પતાવી, પછી ખિસ્સામાંથી હાથરૂમાલ બહાર કાઢવા ગયો, પણ એનો હાથ ભોંઠો પડયો. ખિસ્સું ખાલી હતું.
‘તમારો હાથરૂમાલ ત્યાં નથી, મારી પાસે છે.’ સામેની સીટ ઉપર એક યુગલ બેઠું હતું, એમાંના પુરુષે કહ્યું, પછી કંઠસ્થનો પૂરા કદનો કમિંતી જેન્ટ્સ હાથરૂમાલ એને પાછો આપ્યો.
‘થેંકસ. સેલફોન કાઢવા ગયો એમાં રૂમાલ ખેંચાઇને...’ કંઠસ્થે બિનજરૂરી ખુલાસો કરતાં આભાર પણ માની લીધો,’ સારું થયું કે તમારા ખોળામાં આવી પડયો, નહીંતર ખોવાઇ ગયો હોત. જિંદગીમાં હજારો હાથરૂમાલ ખોઇ ચૂકયો છું, પણ આ મારા માટે ખાસ છે. થેંકસ અગેઇન.’
સામે બેઠેલો પુરુષ અર્થસભર હસ્યો, ‘આ રૂમાલ ખાસ છે એનો મતલબ એ કે કોઇ ખાસ વ્યકિત દ્વારા ભેટમાં મળેલો છે. મિત્ર? ના, પ્રેમિકા જ હોઇ શકે. એના એક કોર્નર ઉપર એમ્બ્રોઇડરી કરેલો અંગ્રેજી ‘કે’ વાંચી શકાય છે. એ પણ વળી ગુલાબી રંગમાં. શું નામ હતું એ છોકરીનું?’
કંઠસ્થ શરમાઇ ગયો. સાવ અપરિચિત વાતાવરણ હતું. અજાણ્યો સંગાથ હતો. ‘અરે, મિત્ર! આપણે અજાણ્યા છીએ. એટલે શું થઇ ગયું? આમ શરમાઇ જવાની કે કરમાઇ જવાની છૂટ નથી. બે વાત કરીને પારેવાં થઇ જાય છે આડાંઅવળાં, કૈં આમ પરસ્પર ગૂંથાઇ, વિખરાઇ જવામાં લિજજત છે.’ ‘યાર, તમે તો બહુ દિલચશ્પ માણસ લાગો છો.’ કંઠસ્થને ખરેખર આ માણસ ગમી ગયો.
‘મારી વાતો ગમી ને! બધાંને ગમે છે. એક મારી પત્નીને નથી ગમતી.’ આટલું બોલીને પુરુષે એની બાજુમાં બેઠેલી પત્ની તરફ જોયું. એની પત્ની મબલખ સૌંદર્યની ટોકરી હતી. પતિનો ટોણો સાંભળીને એ મલકી પડી, ‘બાય ધ વે, તમે મારી મૂળ વાત હવામાં ઉડાવી દીધી. હું પૂછતો હતો તમારા રૂમાલ પર લખાયેલા ‘કે’ મૂળાક્ષરનું રહસ્ય.’
‘જાણવું જ હોય તો જણાવી દઉ. મારું નામ છે કંઠસ્થ કામાણી. એવું જરૂરી નથી કે દરેક રૂમાલ ઉપર લખાયેલો મૂળાક્ષર કોઇ પ્રેમી કે પ્રેમિકાના નામનું સૂચન કરતો હોય. હું કયારેય એકલ-દોકલ છૂટક હેન્કી ખરીદતો નથી. કમિંતી કાપડનો તાકો ખરીદીને પછી એમાંથી મને ગમતી સાઇઝના હાથરૂમાલ હું ઓર્ડર આપીને બનાવડાવું છું અને દરેકના ખૂણા ઉપર મારા નામનો પ્રથમ અક્ષર.’
‘બસ! બસ! બંધ કરો તમારી આ બરછટ આત્મકથા. મેં તો ધાર્યું હતું કે આ એમ્બ્રોઇડરીથી ભરેલા અક્ષરમાંથી તમારી પ્રેમકથાનો અતલસી તાકો નીકળી પડશે. પણ તમે તો યાર. માદરપાટ બહાર કાઢયું!’ અને એકસપ્રેસ ટ્રેનની એ.સી.કેબિન ત્રણેય પ્રવાસીઓના ફેફસાંફાડ હાસ્યોથી ગૂંજી ઊઠી.
‘માણસ હેન્ડસમ છે અને દિલચશ્પ પણ.’ કંઠસ્થ વિચારી રહ્યો. મનમાં ઊડાણમાંથી પુરુષસહજ ઇરછા જોર કરી રહી હતી, સામે બેઠેલી રૂપાળી સ્ત્રીને મનભરીને જોઇ લેવાની. પણ સંસ્કારી પુરુષને એમ કરવું છાજે નહીં. એટલે એ નજરની દિશાને મહાપ્રયત્ને ટાળી રહ્યો, ખાળી રહ્યો, વારી રહ્યો.
‘બાય ધ વે, મારું નામ છે સંશય મહેતા. તમારું પૂરું નામ?’
‘આઇ એમ કંઠસ્થ કામાણી. તમને મળીને બહુ આનંદ થયો. સાથે સાથે એ પણ જણાવી દઉ કે મારું નામ હું તમને બીજી વાર જણાવી રહ્યો છું.’ પછી કંઠસ્થે હોઠો પર બદમાશીભર્યું સ્મિત રેલાવ્યું, ‘અને તમારી બાજુમાં બેઠેલાં આ સુંદર સન્નારી જે તમારા પત્ની લાગે છે એનું નામ તમે એક વાર પણ જણાવ્યું નથી.’
સંશય ‘હો... હો... હો.’ કરતો હસી પડયો, ‘તમે બી કમાલ કરો છો, યાર! એ મારી પત્ની લાગે છે એમ નહીં, એ છે જ મારી પત્ની. શી ઇઝ કિનખાબ સંશય મહેતા. માય ગોર્જિયસ, પ્રીટી વાઇફ.’ કંઠસ્થ અને કિનખાબે એકબીજાને ‘હાય’ કર્યું. થોડી ક્ષણો ઔપચારિકતામાં ઓગળી ગઇ. વાતચીતની ગાડી ફરી પાછી મુખ્ય પાટા પર આવી, ત્યારે સંશયે યાદ કરાવ્યું, ‘તમે મારી વાતનો જવાબ ન આપ્યો.’ ‘કઇ વાત?’ ‘અતલસ અને માદરપાટવાળી વાત!’
‘ઓહ! પણ તમે એવું કેમ માની બેઠા કે મારી જિંદગીમાં કોઇ પ્રેમકહાણી હોવી જોઇએ? ન પણ હોય એવું બની શકે ને?’
‘ન બને. એવું શકય જ નથી. આ દુનિયાની વસતી છ અબજ જેટલી છે અને એમાં ત્રણ અબજ પ્રેમકથાઓ છે. બોલો, તમે પૃથ્વીવાસી છો કે પરગ્રહવાસી?’ કંઠસ્થ હસી પડયો, ‘તમે યાર, છુપો ખજાનો શોધી કાઢવામાં માહેર છો. તમારે તો ઇન્કમટેકસ ખાતામાં હોવું જોઇતું હતું.’ ‘ઇન્કમટેકસ ખાતામાં જ છું, મિત્ર! પણ એ વાત જવા દો! અત્યારે તો તમારી વાત કરો. તમારી જિંદગીના બે નંબરી ચોપડામાં છુપાવેલી દોલત જાહેર કરો.’
‘ઓ.કે.! સાંભળો ત્યારે. હું પણ કયારેક કોઇનાં પ્રેમમાં હતો. એ મારી નાની બહેનની બહેનપણી હતી. એક વાર એ અમારા ઘરે આવી હતી. અમે ત્રણેએ ખૂબ વાતો કરી. એ પૂરા ચાર કલાક સુધી બેઠી અને એની તીરછી નજર મારા હૈયાને વિંધતી રહી. જયારે એ ગઇ ત્યારે મારાથી રહેવાયું નહીં. હું દોડીને બારી પાસે ગયો અને એને જતી જોઇ રહ્યો. એ પણ પાછું વળી- વળીને જાણે મને જ શોધી રહી હતી. એ પછી એક દિવસ એનો મારા સેલફોન ઉપર ફોન આવ્યો. એ મને પૂછતી હતી : ‘તું મને રાત-દિવસ યાદ આવ્યા કરે છે. મને તારી સાથે વાતો કરવાનું મન થયા કરે છે. હું સમજી શકતી નથી કે આને શું કહેવાય. તું કશુંયે સમજી શકે છે?’ મેં તરત જ કહી દીધું, ‘હા, આને પ્રેમ કહેવાય.’ બસ, એ ક્ષણથી અમે એકમેકની પાછળ પાગલ બની ગયાં.’
‘વાહ! તમે તો મિ.સ્પીડી નીકળ્યા! ફોન ઉપર જ પ્રેમિકાને પટાવી લીધી?’
કંઠસ્થે અર્થસૂચક સ્મિત કર્યું, ‘પ્રેમમાં કયારેય છોકરીઓ પટતી નથી, માત્ર છોકરાઓ ‘પતી’ જતા હોય છે. હું પણ લગભગ પતી ગયો. મારી જિંદગીનો એ સોનેરી સમય હતો. યુવાનીનો કાળ. કેરિયર બનાવવાનો સમય. અને પૂરા બે વર્ષ મેં એ ત્રિભુવન મોહિનીનાં પ્રેમપાશમાં કુરબાન કરી નાખ્યા. એ બે વર્ષનો બે નંબરી હિસાબ તપાસવો છે તમારે? તો જાણી લો, બે વર્ષમાં સાતસો ત્રીસ વારની મુલાકાતો, સાડા ત્રણસો ફિલ્મો, પંદર હજાર રૂપિયાનું પાણી અને શૈક્ષણિક કારકિર્દીનું કાસળ.’
‘પણ તોયે પલ્લું તો તમારું જ ભારે રહ્યું ને છેવટે? પંદર હજાર રૂપિયામાં પદમણી જેવી પત્ની કોને મળે છે આ દુનિયામાં!?’
‘કોઇને નહીં. મને પણ ન મળી. કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષામાં હું માંડ માંડ પાસ થયો. મારો થર્ડ કલાસ આવ્યો. કયાંય નોકરી મળવાનો તો સવાલ જ ન રહ્યો. એટલું વળી સારું હતું કે મારા પપ્પાનો બાપદાદાના વખતનો ધંધો હતો. હું એમાં જોડાઇ ગયો.’
‘અને પેલી પદમણી?’ ‘એણે કોઇ તેજસ્વી યુવાન શોધી લીધો. એ ઊગતો સૂરજ કયાંક સરકારી નોકરીમાં નવો-નવો જોડાયો હતો. સાંભળ્યું છે કે અત્યારે એ સૂરજ મઘ્યાહ્ને છે.’
‘તમે કયારેય એ છોકરીને પછીથી મળ્યા ખરાં? ?’ ‘ના, એણે છૂટાં પડતી વખતે મારી પાસેથી વચન માગી લીધું હતું કે હું કયારેય એની જિંદગીના શાંત જળમાં કાંકરીચાળો નહીં કરું. મેં વચન નિભાવ્યું છે. સાચું કહું તો અમે કયારેય મળ્યાં જ નથી. અને હું પણ ધંધામાં ખૂબ કમાયો છું. મને પણ સુંદર પત્ની મળી છે. કિસ્મત સામે મને કોઇ શિકાયત નથી.’ કંઠસ્થે એના હૃદયના પટારામાંથી રેશમી રજાઇ કાઢીને ખુલ્લી મૂકી દીધી. સામે બેઠેલાં પતિ-પત્ની આર્દ્ર બની ગયાં. થોડી વાર પછી સંશય મહેતા ઊભા થયા, ‘એકસ્કયુઝ મી! હું જરા ફ્રેશ થઇને આવું છું.’ એ ગયો. કેબિનનું દ્વાર બંધ થયું એ સાથે જ અત્યાર સુધી ખામોશ રહેલી કિનખાબ બોલી ઊઠી, ‘થેંકસ, કંઠસ્થ! તેં મને બચાવી લીધી. તારો અભિનય બેમિસાલ રહ્યો. પણ મને લાગે છે કે સંશયને સંશય પડી ગયો છે.’
‘શેના પરથી?’ ‘જે હાથરૂમાલ મેં તને ભેટમાં આપેલો, એ જ કાપડનો, એવા જ રંગનો હાથરૂમાલ અમારી સગાઇ વખતે મેં એને પણ! અને એના ખૂણા પર પણ એમ્બ્રોઇડરી વર્કમાં મારા નામનો પ્રથમ અક્ષર.’ ( શીર્ષક પંકિત : એસ.એસ.રાહી)

No comments: