Monday, May 4, 2009

સ્વર્ગમાં એવી પ્રથા કે કોઇ કંઇ કરતું નથી, આપણો એવો નિયમ કે જે...

‘બ્રીજલાલ વર્માએ દિલથી પૈસા વાપર્યા છે.’ અમદાવાદના સૌથી મોંઘા પાર્ટી પ્લોટની રંગત જોઇને બ્રીજેશને આશ્ચર્ય થયું. ‘દીકરાના રિસેપ્શનમાં જબરો ખર્ચ કર્યોછે!’ પાંચેક હજાર મહેમાનો અને ઝળહળતી રોશનીથી બધું ભવ્ય લાગતું હતું. ‘સામેની પાર્ટી પણ જોરદાર છે. પોલીસ કમિશનરની દીકરી છે એટલે આટલો ભપકો તો હોય ને?’ બીજા મિત્રએ માહિતી આપી. બ્રીજેશ, એની પત્ની નિશા અને બીજા બે મિત્ર દંપતી-બધાં આગળ વધી રહ્યાં હતાં.
નિશાની આંખો ચપળતાથી ચારેતરફ ફરતી હતી. આટલા બધા મહેમાનોનું કવરેજ કરી શકાય એ માટે બે મોટી ટ્રોલી ઉપર વિડિયોગ્રાફરો શૂટિંગ કરી રહ્યા હતા. એમનાથી થોડે દૂર જે ટ્રોલી હતી એમાં ત્રીસેક વર્ષનો યુવાન આરામથી કેમેરા ઘુમાવી રહ્યો હતો. કાળો સૂટ અને ભરાવદાર ગોરો ચહેરો. એના ખિસ્સામાં મોબાઇલ રણકયો એટલે શૂટિંગ બંધ કરીને ટ્રોલી પરથી નીચે ઊતર્યો.
બ્રીજેશ બીજા મિત્રો સાથે થોડે દૂર વાતોમાં પરોવાયો હતો એ જોઇને નિશા ઝડપથી પેલા યુવાન પાસે પહોંચી. ‘તમારું કાર્ડ આપશો?’ નિશાઐ હસીને હાથ લંબાવ્યો. ‘મારું કાર્ડ?’ બોટલગ્રીન સિલ્કની સાડીમાં ઘરેણાંથી લથબથ નિશાને જોઇને એણે ખિસ્સામાંથી પાકીટ કાઢયું પછી નિરાશાથી ડોકું ધુણાવ્યું. ‘સોરી. નો સ્ટોક’ ‘નો પ્રોબ્લેમ.’ નિશાએ પોતાનો મોબાઇલ હાથમાં લીધો. ‘કોન્ટેક નંબર?’ ‘અવિનાશ.’ પોતાનું નામ કહીને એણે નંબર આપ્યો. નિશાની પાતળી આંગળીઓ ઝડપથી કીપેડ પર ફરતી હતી. ‘નિશા.’ મીઠું મલકીને એણે કહ્યું. ‘એકાદ-બે દિવસ પછી કોન્ટેકટ કરીશ.’
ચાર દિવસ પછી અવિનાશનો મોબાઇલ રણકયો. ‘વિડિયોગ્રાફર અવિનાશ, નિશા બોલું. એ દિવસે રિસેપ્શનમાં મળેલાને?’ ‘જી, યાદ છે.’ ‘સાંજે સાત વાગ્યે મળવાનું ફાવશે?’ ‘શ્યૉર.’ અવિનાશે જવાબ આપ્યો. નિશાએ સી.જી.રોડના એક કોફીશોપમાં મળવાનું કહ્યું એનું એને આશ્ચર્ય થયું. એ છતાં સાતમાં દસ મિનિટ બાકી હતી ત્યારે કોફીશોપના ટેબલ ઉપર કેમેરા મૂકીને એ બારણા સામે તાકી રહ્યો હતો. બરાબર સાત વાગ્યે નિશા આવીને એની સામે ગોઠવાઇ ગઇ.
‘શું લેશો?’ નિશાએ પૂછ્યું. ‘ટુ બી વેરી ફ્રેન્ક, કીટલી ઉપર અડધી ચા પીવાવાળો માણસ છું એટલે અહીં તમે જે મંગાવો એ.’ નિશા હસી પડી. ઊભી થઇને એ કાઉન્ટર પર ગઇ અને કોફીના બે મગ લઇને પાછી આવી.
‘મારે જે કામ છે એમાં તમારા જેવા નિખાલસ છતાં ડેશિંગ માણસની જરૂર છે. જનરલી, વિડિયો માટે જાવ ત્યારે એક દિવસનો શું ચાર્જ હોય છે?’
‘દિવસના પાંચ હજારવાળા પણ હોય છે પણ મારા કેમેરા કોસ્ટલી છે એટલે પંદર હજાર.’ ‘નો પ્રોબ્લેમ.’
નિશાએ પોતાની ખુરશી ટેબલની વધુ નજીક લીધી. ‘થોડુંક અંગત કામ છે. મિસ્ટર બિઝનેસમેન છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી એમનો પગ કયાંક કુંડાળામાં પડી ગયો છે અને કોઇક એમને બ્લેકમેઇલ કરી રહ્યું છે. જોવો પણ ના ગમે એવો એક માણસ એમને મળવા આવે છે. આ રવિવારે એ આવવાનો છે. ફોન ઉપર એમની વાત સંભળાઇ ગઇ.’ નિશાએ અવિનાશની આંખોમાં આંખો પરોવી. ‘તમારે એ મુલાકાતની ડીવીડી બનાવીને મને આપવાની. આ કામના પચાસ હજાર આપીશ.’
‘પચાસ હજાર?’ અવિનાશે આશ્ચર્યથી પૂછ્યું.
‘મારા બંગલામાં સંતાઇને કામ કરવું પડશે. આછું અજવાળું હશે તો પણ બંનેના ચહેરા સ્પષ્ટ દેખાવા જોઇએ. વાતચીત પણ સંભળાવી જોઇએ.’ નિશાએ આશ્ચર્યનો બીજો ઝાટકો આપ્યો. ‘ડીવીડી મારા હાથમાં આપશો ત્યારે બીજા પચાસ હજાર.’
‘અપટુડેટ રિઝલ્ટ આપીશ.’ અવિનાશે ઉત્સાહથી કહ્યું. બીજી સેકન્ડે એનો અવાજ ઢીલો પડયો. ‘એક લાખ નાનીસૂની રકમ નથી પણ ધારો કે તમારા મિસ્ટર તમને પકડી પાડે તો?’
‘નેવું ટકા એવું નહીં બને. દસ ટકા જોખમ છે એટલે તો પંદર હજારને બદલે એક લાખ આપવા તૈયાર છું.’ ‘સો ટકા આવીશ.’ અવિનાશનો જવાબ સાંભળીને નિશાના હોઠ મલકયા. કારની ચાવી હાથમાં લઇને એ ઊભી થઇ. ‘રવિવારે ફોન કરીશ.’ એ જતી રહી. અવિનાશનું મગજ ચકરાઇ ગયું હતું.
નિશાએ ફોન ઉપર સરનામું સમજાવ્યું અને અવિનાશે બાઇક સ્ટાર્ટ કરી. એ બંગલે પહોંરયો ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા. અવિનાશની ધારણા કરતાં બંગલો વધુ ભવ્ય હતો. ‘આ મારા મિસ્ટરનો બિઝનેસ રૂમ છે. આ રૂમમાં એ બેસશે પછી પેલો આવશે. તમારે બાજુના રૂમમાંથી શૂટિંગ કરવું પડશે.’ બાજુના રૂમમાં પહોંરયા પછી અવિનાશે નજર ફેરવી. ખાસ્સી ઊચાઇએ એક દસ ઇંચ બાય દસ ઇંચની બારી હતી. એક ટેબલ અને એના ઉપર એક સ્ટૂલ ગોઠવીને અવિનાશ એના ઉપર ઊભો રહ્યો. બારીમાં કેમેરા ગોઠવીને એણે લેન્સ એડજસ્ટ કર્યો. અંધારા ખૂણામાં આવેલી આ બારી તરફ રૂમમાં બેઠેલી કોઇ વ્યકિતનું ઘ્યાન દોરાય એ શકય નહોતું. નીચે ઊતરીને એણે સંતોષથી નિશા સામે જોયું. ‘પરફેકટ પિકચર અને કિલયર સાઉન્ડ આવશેને?’ નિશા એની એટલી નજીક ઊભી હતી કે એના પફર્યૂમની માદક સુવાસ અવિનાશને સ્પર્શતી હતી.
‘નો પ્રોબ્લેમ.’ અવિનાશે કહ્યું. નિશાએ પર્સમાંથી હજાર હજારની પચાસ નોટો કાઢીને અવિનાશના હાથમાં પકડાવી. ‘તમારો મોબાઇલ સ્વિચ ઓફ રાખીને બેસો. બહારથી બારણું બંધ કરી દઇશ એટલે કોઇ પ્રોબ્લેમ નહીં. આરામથી બેસો. બાજુના રૂમમાં કોઇ આવશે એટલે બારણાનો અવાજ આવશે. ઓલ ધ બેસ્ટ!’ એની સાથે હાથ મિલાવીને નિશા સડસડાટ બહાર નીકળી ગઇ. અવિનાશ ખુરશી પર બેઠો. આ આખો સેટઅપ એને વિચિત્ર લાગતો હતો. હોઠ સુકાતા હોય એવું લાગ્યું એટલે પાણીની બોટલમાંથી બે ઘૂંટડા ભર્યા. શ્રીમંત ઘરોની ચાર દીવાલો વચ્ચે આવી કંઇક વિચિત્ર ઘટનાઓ બનતી હશે.
ચાલીસેક મિનિટ પછી બારણાનો અવાજ આવ્યો. ધીમાં પગલે અવિનાશ ટેબલ ઉપરના સ્ટૂલ ઉપર ચઢયો. નિશાનો પતિ બ્રીજેશ સફેદ સૂટ પહેરીને લેપટોપ ઉપર કામ કરી રહ્યો હતો. થોડી વાર એની સામે તાકયા પછી કંટાળીને એ નીચે ઊતર્યો. હવે ફરીથી બારણાનો અવાજ આવે ત્યાં સુધી આરામથી બેસવાનું હતું. અવિનાશની આંખ સામે નિશાનો ચહેરો તરવર્યો. લગભગ કલાક પછી બારણું ખખડયું એટલે ચિત્તા જેવી ચપળતાથી અવિનાશ ઉપર પહોંચી ગયો. બારીમાં કેમેરાના એલ.સી.ડી. સ્ક્રીન ઉપર બધું બહુ સ્પષ્ટ દેખાતું હતું. બ્રીજેશની સામે બેઠેલા માણસનો ચેહેરો જોઇને એ ચમકયો. બ્લેક સફારી પહેરેલા એ માણસની આંખોમાં ભયાનક ક્રૂરતા હતી. અવિનાશે રેકોર્ડિંગ શરૂ કરી દીધું.
‘આવવાની ના પાડી છે છતાં શા માટે લોહી પીવે છે?’ બ્રીજેશના અવાજમાં કંટાળો હતો.
‘એક વર્ષ માટે દુબઇ જાઉં છું. વીસ લાખ આપી દો એટલે આખા વર્ષની શાંતિ.’
‘વીસ લાખ?’ બ્રીજેશે ચીસ પાડી.
‘તારાથી થાય એ કરી લે.’ એણે આક્રમકતાથી ઉમેર્યું. ‘તારો દારૂડિયો ભાઇ મારી બૈરીની કાર નીચે આવી ગયો એ પછી ટુકડે ટુકડે પાંચ લાખ આપી ચૂકયો છું. હવે એક પૈસોય નહીં મળે. ભાગ અહીંથી.’
‘વીસ લાખ આપવા છે કે નહીં?’ ‘વીસ રૂપિયા પણ નહીં મળે.’ છેલ્લી વાર પૂછું છું. પૈસા આપવા છે કે નહીં?’ ‘ગેટ લોસ્ટ’ બ્રીજેશે ઊભા થઇને સખતાઇથી આદેશ આપ્યો. ‘ફટાફટ ભાગ નહીં તો પોલીસ બોલાવીશ.’
અવિનાશ શ્વાસ રોકીને આખું દ્દશ્ય કેમેરામાં કંડારી રહ્યો હતો. અચાનક પેલા મવાલીએ ખિસ્સામાં હાથ નાખ્યો અને સ્ફૂર્તિથી રિવોલ્વર બહાર કાઢી. એક પછી એક બે ધડાકા થયા. બ્રીજેશના કપાળ વચ્ચે બે ગોળી ધરબીને એ માણસ ભાગી ગયો!
અવિનાશ થીજી ગયો. એલ.સી.ડી. સ્ક્રીન ઉપર બ્રીજશનો લોહીથી લથબથ ચહેરો દેખાતો હતો. ઝડપથી કેમેરા લઇને એ નીચે ઊતર્યો. રૂમનું બારણું બહારથી બંધ હતું નહીં તો ખૂનીને રંગે હાથ ઝડપી લેવાત. એણે મોબાઇલ પર નિશાનો નંબર જોડયો. રિંગ વાગતી હતી. એ ફોન ઉઠાવતી નહોતી. અવિનાશ પરસેવે રેબઝેબ થઇ ચૂકયો હતો.
અચાનક બારણું ખૂલ્યું. ‘ઑહ ગૉડ!’ નિશા ગભરાયેલા ચહેરે અને ભીની આંખે ઊભી હતી. ‘બહુ ભયાનક બની ગયું.’ એનો અવાજ ધ્રૂજતો હતો. ‘અહીં રોકાશો તો ફસાઇ જશો. પ્લીઝ, ભાગો. પછી વાત કરીશ.’ અવિનાશે ઝડપથી પગ ઉપાડયા.
શહેરના અગ્રણી ઉધોગપતિ બ્રીજેશ બદાણીની હત્યા. બીજા દિવસે બધાં અખબારોમાં બ્રીજેશની લાશ પાસે કલ્પાંત કરતી નિશાની છબી છપાઇ હતી. ખૂની વિશે નિશાને કંઇ માહિતી નહોતી એવું બધાં અખબારોમાં રિપોર્ટિંગ હતું!
ત્રીજા દિવસે નિશાનો ફોન આવ્યો એટલે અવિનાશ ચમકયો. ‘ડીવીડી તૈયાર છે?’ એણે સીધું પૂછ્યું. ‘ધેર બધાં સગાંસંબંધીઓ છે એટલે સાચવીને મને આપજો.’ અવિનાશ આગળ કંઇ પૂછે એ અગાઉ એણે સ્પષ્ટતા કરી. ‘તમારી બાકીની રકમનું કવર એ વખતે મળી જશે.’
બાઇક સ્ટાર્ટ કરીને અવિનાશ ત્યાં પહોંરયો. સફેદ સાડી પહેરેલી નિશાની આંખો રડી રડીને સૂઝી ગઇ હતી. બધા વચ્ચેથી ઊભી થઇને એ અવિનાશને અંદરના રૂમમાં લઇ ગઇ. ડીવીડી લઇને એણે પૈસાનું કવર અવિનાશને પકડાવ્યું. ‘હવે આ આખી વાત કાયમ માટે ભૂલી જજો.’ ધીમા પણ તીણા અવાજે એણે તાકીદ કરી. પૈસા ખિસ્સામાં મૂકીને અવિનાશ બહાર નીકળી ગયો.
‘તમારી દીકરીના રિસેપ્શનમાં વિડિયોગ્રાફીનું કામ વળગાડયું એમાં લાખ રૂપિયાની કમાણી થઇ ગઇ!’
દસ દિવસ પછી પોલીસ કમિશનરની સામે ક્રાઇમ બ્રાંચનો ઇન્સ્પેકટર અવિનાશ ઊભો હતો. ‘ઘરને બદલે એ બહેને કોફીશોપમાં મળવાનું કહ્યું એ વિચિત્ર લાગેલું એટલે એણે ઓફર આપી એ વખતે પણ કેમેરા ચાલુ રાખેલો. આ વાતનું એ રૂપાળીને ભાન નહોતું. વાત લોચાવાળી લાગી એટલે તરત હા પાડી દીધી. બ્રીજેશનું ખૂન થયું ત્યારે રૂમમાં પુરાયેલો હતો એટલે લાચાર હતો. ત્રીજા દિવસે એ બાઇએ ડીવીડીની માગણી કરી. પોલીસ તપાસમાં એણે વિડિયો શૂટિંગનો ઉલ્લેખ પણ નહોતો કર્યોએટલે ખેલ સમજાઇ ગયો. ખાતરી થઇ ગઇ.’ કમિશનર સાંભળતા હતા.
અવિનાશે આગળ કહ્યું. ‘નિશાને એના પતિથી છુટકારો જોઇતો હતો. યા તો લફરું હશે યા તો દોલતનું કારણ હશે. એટલે એણે સલીમ કીટલી સાથે સોદો કર્યો. બે વર્ષ અગાઉ એનો ભાઇ નિશાની કારથી કચડાઇ ગયો હતો એટલે એ વારંવાર બ્રીજેશ પાસે પૈસા લેવા આવતો હતો. નિશાએ એને પચાસ લાખની લાલચ આપી.’ અવિનાશે હસીને આખી કથા સમજાવી. ‘સલીમ કીટલીનું થોબડું જોયેલું એટલે ફાઇલો ફેંદીને એને ઝડપી લીધો. ગઇ કાલે પકડયો ત્યારે એ રડી પડયો. કામ પતાવ્યા પછી પાંચમા દિવસે પૈસા આપવાનું નિશાએ કહેલું. સલીમ ગયો એટલે પચાસ લાખને બદલે એ રૂપાળીએ એના હાથમાં ડીવીડી પકડાવી દીધી! આ ડીવીડીની કોપી પોલીસને નથી આપતી એટલી મારી મહેરબાની માનજે. એમ કહીને એણે સલીમને ભગાડી મૂકયો!’
કમિશનરના હોઠ ઉપર પણ સ્મિત હતું. અવિનાશ હજુ બોલતો હતો. ‘એ રૂપસુંદરીએ મને ઓફર આપી એ ડીવીડી પણ તૈયાર છે, સલીમ કીટીલ આપણા કબજામાં છે અને હત્યાની ડીવીડી હાજર છે. પરફેકટ ગાળિયો તૈયાર છે. રિસેપ્શનમાં તમારો વિડિયોગ્રાફર ના આવ્યો અને તમે મને ટ્રોલી ઉપર ચઢાવી દીધો એમાં આ આખી ફિલ્મ બની ગઇ!’(શીર્ષક પંકિત : લેખક)

No comments: