આજે કાન ખોલીને સાંભળી લો કે હું ભણવા માટે કોલેજમાં આવું છું. મને ભણવા સિવાયની બીજી એક પણ વાતમાં રસ નથી, તમારી રૂપાળી કાયામાં પણ નહીં. તમે જઇ શકો છો.
તપસ્યાએ બેન્ચ ઉપર એની બાજુમાં બેઠેલા ત્યાગની સામે જોઇને હૂંફાળું સ્મિત ફરકાવ્યું. કલાસમાં હાજર હતા તે તમામ કોલેજિયન છોકરાઓ એ જોઇને જલી ગયા. છેલ્લી પાટલીઓ ઉપરથી તો ધુમાડો ઊઠતોય દેખાયો. પણ જેના સરનામે આ એક મિલિયન ડોલરનું સ્મિત રવાના કરવામાં આવ્યું હતું એની ખુદની હાલત કફોડી હતી.
જો તપસ્યા આખી કોલેજની સૌથી રૂપાળી છોકરી હતી, તો ત્યાગ પૂરી કોલેજનો સૌથી સીધો છોકરો હતો. એ ગામડેથી આવેલો હતો. હોસ્ટેલમાં રહેતો હતો. શરૂઆતના ત્રણેક મહિના તો એને વાંધો ન આવ્યો, પણ પછી એના કલાસમાં તપસ્યા ત્રિવેદી નામની નવી છાત્રાનો પ્રવેશ થયો એ સાથે જ હાલત બદલાઇ ગઇ.
‘મે આઇ કમ ઇન, સર?’ લેકચર શરૂ થવાની તૈયારીમાં હતું ત્યારે સહેજ મોડી પડેલી આ નવી વિદ્યાર્થિનીએ બારણા પાસેથી ટહુકો કર્યો હતો.
‘યસ મિસ, યુ મે કમ ઇન.’ પ્રોફેસરે માથું હલાવ્યું હતું પછી નાક ઉપરના ચશ્માં સરખાં કરીને યાદ કરાવ્યું હતું, ‘આઇ એમ સોરી ટુ સે બટ... તમે મોડાં છો...’
‘જાણું છું, સર, પણ શું કરંુ? સિટી બસ આવતાં વાર લાગી એટલે થોડુંક મોડું થઇ ગયું.’
‘હું આજના લેકચરમાં મોડા પડવાની વાત નથી કરતો, તમે તો આ સત્ર માટે ત્રણ મહિના જેટલા મોડાં પડ્યાં છો. વ્હાય સો લેઇટ?’
‘સર, હું ભાવનગરની કોલેજમાં ભણતી હતી. ત્યાં સંજોગો એવા ઉત્પન્ન થયા કે મારે રાતોરાત અહીંની કોલેજમાં એડમશિન લઇ લેવું પડ્યું. ખાસ કેસ તરીકે મને એન.ઓ.સી. અને ટ્રાન્સફર સર્ટિફિકેટ પણ મળી ગયાં.’
‘રાતોરાત એ કોલેજ છોડી દેવી પડી?
શા માટે?’
જવાબમાં તપસ્યાની પાંપણો ઝૂકી ગઇ, ‘કારણમાં મારું રૂપ અને કોલેજના ગુંડાઓ. બે-ચાર માથાભારે મવાલીઓની રોજ-રોજની છેડછાડ હું સહન ન કરી શકી. મારા બીમાર પપ્પા કે મારી ગરીબ મા મને રક્ષણ આપી શકવાની સ્થિતિમાં ન હતાં. એમણે મને અમદાવાદ મોકલી આપી. અહીં મારા મામા રહે છે.’
‘ઠીક છે! ઠીક છે! યુ કેન સીટ ધેર...’ આટલું કહીને પ્રોફેસરે કલાસરૂમની બેન્ચો તરફ નજર ઘુમાવી. આ કોલેજમાં રોલ નંબર પ્રમાણે બેસવાનો રિવાજ હતો. ત્રીજી હરોળમાં વચલી બેન્ચ ઉપર ત્યાગ ત્રિવેદીની બાજુની જગ્યા ખાલી હતી. એ નંબરનો વિદ્યાર્થી બહારગામ જતો રહ્યો હતો. પ્રો. જાનીએ ઇશારો કર્યો, ‘હાલ પૂરતાં તમે ત્યાં બેસી શકો છો. બાય ધી વે, તમારું નામ શું છે?’
‘તપસ્યા ત્રિવેદી.’
હા, તપસ્યા સરસ હતી, સુંદર હતી, સૌમ્ય હતી અને સંસ્કારી પણ હતી. છોકરાઓને એક જ વાતનો અફસોસ હતો કે આ રૂપનો ખજાનો ત્યાગ જેવા બોચિયાની બાજુમાં ખડકાયો હતો.
‘ભારે કરી, ભગવાન, તંે તો ભારે કરી!’ છેલ્લી પાટલીના શહેનશાહ ભોપાએ બૂમ પાડી, ‘કેવો કળજુગ આવ્યો છે! ભિખારીના ભાગ્યમાં લોટરી લાગી ગઇ!!’ આખો કલાસ હસી પડ્યો. ન હસ્યાં માત્ર બે જણાં. એક ત્યાગ, બીજી તપસ્યા. ત્યાગના ન હસવાનું કારણ જુદું હતું, એ કોલેજમાં માત્ર ભણવા માટે આવતો હતો. તપસ્યા જેવી સુંદરી એને મન વિદ્યાની તપસ્યામાં વિઘ્ન નાખી શકે તેવી હતી. જ્યારે તપસ્યાનું ન હસવાનું કારણ પણ જુદું હતું. જે મજાક-મસ્તી, છેડછાડ અને મશ્કરીઓથી થાકી-હારીને એ ભાવનગરની કોલેજ છોડીને અમદાવાદમાં આવી હતી, એ બધું જ અહીં પણ હાજર હતું.
તપસ્યાને પહેલી નજરમાં જ ખબર પડી ગઇ કે ત્યાગ આખી કોલેજમાં સૌ કરતાં અલગ હતો. એને ત્યાગ સાથે ફાવી ગયું. થોડા દિવસ પસાર થઇ ગયા. એક દિવસ તપસ્યાએ ત્યાગની સામે જોઇને ટહુકો કર્યો, ‘હાય! ગૂડ મોિનઁગ!’
‘હેં?! હા, ગૂડ મોર્નિંગ... ગૂડ મોર્નિંગ....! બીજુ કંઇ?’ ત્યાગ અસ્વસ્થ થઇ ગયો.
તમને મારાથી ડર લાગે છે?
‘ હા, મને ડર લાગે છે. છોકરી માત્રથી હું ડરંુ છું. હું અહીં ભણવા માટે આવું છું, તમારી સામે જોવા કે તમારી સાથે વાતો કરવા માટે નથી આવતો. પ્લીઝ, મને પરેશાન ન કરો.’ ત્યાગનું શરીર થરથર ધ્રૂજી ઊઠ્યું.
ત્યાં છેલ્લી બેન્ચ પરથી અવાજ આવ્યો, ‘અરે મેરી અનારકલી...! તેરા સલીમ તો ઇધર બૈઠા હૈ. ઉસ ચૂહે કે પીછે કર્યું પડી હૈ તૂ? એક બાર આજા...આજા...આજા...’ આ સલીમ બીજો કોઇ નહીં પણ ભોપો હતો. ભોપો ભારાડી એટલે કોલેજનો સૌથી નાલાયક વિદ્યાર્થી. એને ભણવા સાથે સાતમી પેઢીનુંય સગપણ ન હતું. સારા, સુંદર ચહેરાઓ જોવા એ એનો ‘વન પોઇન્ટ પ્રોગ્રામ’ હતો અને છોકરીઓને પટાવીને પોતાની માયાજાળમાં ફસાવવી એ એનો એક માત્ર એજન્ડા હતો. ભોપા ભારાડીએ પોતાને ચૂહો કહ્યો એ સાંભળીને ત્યાગની આંખો લાલ થઇ ગઇ. એણે પાછળ ફરીને ઘૂરકાટ કર્યો, ‘ચૂહો કોને કહે છે? મને? પેલા દિવસે તને જાહેરમાં ફટકાર્યો હતો એ યાદ છે ને?’
ભોપો તાર સપ્તક હતો એમાંથી મીંડ ઉપર આવી ગયો, ‘તમને નથી કહ્યું, પાર્ટનર! એ તો અમથું જ મોઢામાંથી નીકળી ગયું. સોરી...!’
તપસ્યા રોજ-રોજ ત્યાગ સાથે વાત કરવાના મોકા ઊભા કરતી રહેતી હતી. ‘આજે મને તમારી નોટ આપશો? આજે મારી સાથે કેન્ટીનમાં આવશો? મને એકલાં-એકલાં કોફી પીવાની આદત નથી... આજે સાંજે મારા ઘરે આવશો? મારા મામાના દીકરાની બર્થ-ડે પાર્ટી છે. તમને એકલાને જ ઇન્વાઇટ કરંુ છું...’ વગેરે... વગેરે...! પણ ત્યાગ અડગ, અડીખમ, અવિચળ હતો. એ વિદ્યાનો તપસ્વી હતો, ખુદ તપસ્યા પણ આ તપસ્વીને ચળાવી શકે તેમ ન હતી.
ચૌદમી ફેબ્રુઆરીનો દિવસ. કોલેજમાં ધામધૂમ હતી. આજે તો વેલેન્ટાઇન ડેની મસ્તી જામી હતી. તપસ્યા પણ આજે મનમાં દ્રઢ નિર્ધારકરીને આવી હોય તેવી દેખાતી હતી. પ્રોફેસર ભણાવતા હતા. અચાનક ત્યાગના પગ સાથે તપસ્યાનો પગ અથડાયો. ત્યાગે ગુસ્સાભરી નજરે એની સામે જોયું. ત્યાગની નજરમાં બોલાયા વગરનો સવાલ હતો, ‘શું છે?’
તપસ્યાએ આંખથી સંકેત કર્યો, ‘આ કવરમાં પત્ર છે, તમારા માટે છે. પ્લીઝ, અત્યારે જ વાંચી જાવ ને!’ત્યાગે ડોળા કાઢયા. પછી એણે મોં ફેરવી લીધું. એ છેલ્લો પિરિયડ હતો. ઘંટ વાગ્યો. સૌ ઊભા થઇ ગયા. તપસ્યાએ વિનંતી કરી, ‘મારે તમારું કામ છે. ખાસ અને અંગત કામ. તમે હોસ્ટેલ તરફ જતાં પહેલાં માત્ર દસ મિનિટ માટે મને એકાંતમાં મળી ન શકો?’
ત્યાગ આટલા મહિનાથી ધૂંધવાતો હતો એ આજે તાડૂકી ઊઠ્યો, ‘જુઓ, કુમારી તપસ્યાદેવી! તમારા મનમાં શું ચાલે છે એ હું જાણું છું. હું એ પણ જાણું છું કે આજે વેલેન્ટાઇન ડે છે. તમે આપેલા પત્રમાં શું લખાયું હશે એની પણ મને ખબર છે. હું બોચિયો હોઇશ, પણ તમે ધારો છો એટલો નહીં. આજે કાન ખોલીને સાંભળી લો કે હું ભણવા માટે કોલેજમાં આવું છું. મને ભણવા સિવાયની બીજી એક પણ વાતમાં રસ નથી, તમારી રૂપાળી કાયામાં પણ નહીં. તમે જઇ શકો છો. મારી પાસે તમારા માટે પાંચ મિનિટ જેટલો પણ સમય નથી. ગૂડ બાય!’
તપસ્યા ચાલી ગઇ. ત્યાગ પણ પગ ઉપાડવા જતો હતો, ત્યાં એની નજર પેલા પરબીડિયા ઉપર પડી. એણે અંદરથી પત્ર કાઢીને વાંચવા માંડ્યો. તપસ્યા લખતી હતી: ‘હું ભારે મૂંઝવણમાં છું. ભાવનગરથી અહીં આવી ત્યારે મને સમજાયું કે ભાવનગરના કોલેજિયનો તો નિર્દોષ મજાક-મસ્તી કરતા હતા. આ કોલેજમાં તો જ્યાં જોઉં છું ત્યાં રાવણો અને દુશાસનોના વંશજો નજરે ચડે છે. ભોપો તો છેલ્લા પંદર દિવસથી મને ધમકી ઉપર ધમકી આપી રહ્યો છે. રોજ કહે છે કે એ મને ઉઠાવી જશે, મારી ઉપર બળાત્કાર કરશે. જો હું એને વશ નહીં થાઉં તો એ મારા ચહેરા પર એસિડ ફેંકશે. મને એના ત્રાસમાંથી બચાવી શકે એવા એકમાત્ર પુરુષ તમે છો. હું આ જ કારણથી તમારી સાથે સંબંધ બાંધવાની કોશિશ કરી રહી છું. હું તમને ભાઇના રૂપમાં ઝંખું છું. તમે તમારી આ અબળા બહેનને અત્યાચારીના ત્રાસમાંથી બચાવશો, પ્લીઝ? જો તમે હા નહીં પાડો તો આવતી કાલથી મને આ કોલેજમાં જોવા નહીં પામો! હું ભણવાનું છોડી દઇશ. મારા ગામડે ચાલી જઇશ. લિ. તમારી પાસે પાલવ પાથરતી તમારી બહેન તપસ્યા.’
ડઘાઇ ગયેલો ત્યાગ દોડ્યો. એનાં બાવડાં ફાટ-ફાટ થઇ રહ્યાં હતાં અને આંખોમાંથી લાવા વરસી રહ્યો હતો. પણ એ શું કરે? તપસ્યા ચાલી ગઇ હતી. ત્યાગ પાસે એના મામાનું સરનામું ન હતું અને બીજા દિવસથી તો...!!
[સત્ય ઘટના. ત્યાગ ત્રિવેદી અમદાવાદમાં છે. સુખી છે. ફક્ત દર વરસે એક વાર આવતા વેલેન્ટાઇનના દિવસે એ ઉદાસ બની જાય છે. કોને ખબર તપસ્યા ત્રિવેદી અત્યારે ક્યા પુરુષના ઘરનો ચૂલો સંભાળી રહી હશે?!]
(શીર્ષક પંક્તિ: ગિરીશ પરમાર)