Showing posts with label Mahesh Yagnik. Show all posts
Showing posts with label Mahesh Yagnik. Show all posts

Thursday, January 20, 2011

એક માણસ એક પળમાં સત્ય સમજી જાય છે એ પછી...

‘એક મિત્ર જમવા આવવાનો છે...’ સમીરે ઓફિસની બ્રિફકેસ બાજુ પર મૂકી અને સ્મિતા સામે જોઇને ખુલાસો કર્યો. ‘એણે સામેથી જ કહ્યું કે જમવા આવું છું...’ ‘ખરું કહેવાય! આવો ભાઇબંધ?’ ‘બેધડક આવું કહી શકે એનું નામ મિત્ર... મને બત્રીસ વર્ષ થયાં. છેલ્લાં દસ વર્ષમાં અમે માંડ બે-ત્રણ વાર મળ્યા હઇશું પરંતુ અગાઉનાં બાવીસ વર્ષમાં તો રોજ સાથે રમતા હતા... આજે તો એને જોઇને મગજ ચકરાઇ ગયું છે. જલદી આવે તો સારું...’

સ્મિતા આશ્ચર્યથી પોતાની સામે તાકી રહી છે એનો ખ્યાલ હતો એટલે સમીરે સમજાવ્યું. ‘એનું નામ નગીન. ત્રણેક મહિના પહેલાં મારી ઓફિસે આવેલો. દર ગુરુવારે એ સાંઇબાબાના મંદિરે દર્શન કરવા જાય છે. એ દિવસે દર્શન કરવા ગયો અને એનાં ચંપલ ચોરાઇ ગયાં. મારી ઓફિસ નજીક પડે એટલે ખુલ્લા પગે સાઇકલ લઇને આવ્યો. નવા ચંપલ લેવાના પૈસા નહોતા એટલે મારી પાસેથી બસો રૂપિયા લીધા. પગાર થશે એટલે આપી જઇશ એવું એણે કહેલું. અત્યારે ઘેર આવતો હતો ત્યારે આશ્રમરોડના ટ્રાફિક પોઇન્ટ પર અચાનક ભટકાઇ ગયો. સેન્ટ્રો કારમાં બેઠો હતો. સ્ટિયરિંગ ઉપર સ્ટાઇલથી હાથ મૂકીને કહે કે સમીરિયા! આપણી પોતાની ગાડી છે! ટ્રાફિકની લાઇન ખૂલી એટલે જતાં પહેલાં કહ્યું કે રાત્રે જમવા આવીશ...’

સ્મિતાએ મૂકેલો ચાનો કપ સમીરે હાથમાં લીધો. ‘નગીનની આ માયાજાળ સમજાતી નથી. ચંપલ ખરીદવાના પૈસા ખિસ્સામાં ના હોય એ માણસ કાર ક્યાંથી ખરીદે?...’ એણે માથું ધુણાવીને ઉમેર્યું. ‘એ આવીને કહેશે ત્યારે તાળો મળશે.’‘એ માણસ સાચું થોડું બોલે?...’ સ્મિતાના અવાજમાં અવિશ્વાસ હતો. ‘કોઠા-કબાડા કે ચોરી-ચપાટી કરીને કાર લીધી હોય તો કોઇ કબૂલ ના કરે.’

‘આપણાં લગ્ન થયાં ત્યારે એ બીમાર હતો. એનાં લગ્નમાં ગણીને પાંચ માણસને જવાનું હતું. એ પછી એ ક્યારેય આપણા ઘેર આવ્યો નથી એટલે તું એને ઓળખતી નથી...’ ચાનો ખાલી કપ ટિપોઇ પર મૂકીને સમીર ઊભો થયો. ‘તું રસોઇ શરૂ કર...’ સ્મિતા રસોડામાં ગઇ. કપડાં બદલીને સમીર પણ ત્યાં પહોંચ્યો. ભૂતકાળની સ્મૃતિઓ યાદ કરીને એ નગીનનો પરિચય આપતો હતો. ‘ગામમાં આપણા ઘરની સામે જ નગીનનું ઘર હતું.

ભોળિયો ચહેરો, ખૂલતું શર્ટ, લેંઘો અને પગમાં સ્લીપર એ એનો કાયમી દેખાવ. એક વાર આઠમાં અને એ પછી મેટ્રિકમાં નાપાસ થયા પછી ભણવાનું છોડી દીધું હતું. ગામની બજારમાં આમથી તેમ આંટા માસિવાય બીજી કોઇ પ્રવૃત્તિ નહીં. બધા દુકાનવાળાને કંઇ પણ કામ હોય તો નગીનને આપી દે. પૂરા વિશ્વાસથી બધા એને કામ સોંપે. ઘરમાં નગીનના બાપા, નવી મા, મોટોભાઇ-ભાભી અને બે નાની સાવકી બહેનો... આખું કુટુંબ પણ એમાંથી કોઇને નગીનની કંઇ પડી નહોતી.

નગીનના બાપા દલીચંદભાઇનો સ્વભાવ તીખા મરચા જેવો. નગીન અને એના મોટાભાઇ વચ્ચે પાંચ વર્ષનો તફાવત હતો. અમારા બધાની હાજરીમાં એ પણ નગીનને ઝૂડી નાખે. દલીચંદકાકાને કોણ જાણે કેમ નગીન ઉપર જરાય લાગણી નહીં. સહેજ વાંકમાં આવે કે તરત આખી શેરી વચ્ચે સોટી લઇને મારે. શરૂઆતમાં નગીન ચીસાચીસ કરતો પણ પછી એવો રીઢો થઇ ગયો હતો કે બાપા સોટી લઇને ઝૂડે ત્યારે દાંત ભીંસીને ચૂપચાપ ઊભો રહે...’

રસોઇના કામની સાથોસાથ સ્મિતા ધ્યાનથી સાંભળતી હતી. સમીર યાદ કરીને બોલતો હતો. ‘નગીનની સગી મા બહુ શાંત સ્વભાવની હતી. કાયમ સાજી-માંદી રહેતી. નગીન આઠ વર્ષનો હતો ત્યારે એ ગુજરી ગઇ. નવી માએ ઘરમાં આવીને એક એક વરસના અંતરે બે દીકરીઓને જન્મ આપ્યો પછી નગીનની દશા વધુ કફોડી બની. આખા ઘરમાં બધાને દાઝ કાઢવા માટે ઢીલો-પોચો નગીન જ દેખાતો હતો...’

આઠમાની પરીક્ષાનું પરિણામ આવ્યું એના આગલા દિવસે દલીચંદને પત્ની સાથે ઝઘડો થયો હતો. અમે બધા સ્કૂલમાંથી પરિણામ લઇને આવ્યા પછી આખી શેરીને તમાશો જોવા મળ્યો. કોઇ ઢોરને મારે એ રીતે દલીચંદ નગીન ઉપર તૂટી પડ્યો હતો. સહાનુભૂતિ હોવા છતાં દલીચંદને રોકવાની કોઇનામાં હિંમત નહોતી. બપોરે બે વાગ્યે હું ઘરમાં બેઠો હતો ત્યાં નગીન આવ્યો. સમીરિયા, ચાલ... એણે કહ્યું. અમે બહાર નીકળ્યા. પિક્ચર જોવા જવાનું છે... રસ્તામાં નગીને કહ્યું.

બપોરે ત્રણથી છના શોમાં ફિલ્મ જોઇ. સવારથી બાપાના માર સિવાય કંઇ ખાધું નથી. બાપાએ માર્યો અને નવીએ ખાવા ના દીધું... રેલવે સ્ટેશને બટાકાવડા ખાવા જઇએ... મારો હાથ પકડીને એ ઢીલા અવાજે કરગર્યો. સવારનો ભૂખ્યો હતો એટલે એણે પેટ ભરીને બટાકાવડાં ખાધાં. પછી ચા પીધી. હાશ! હવે રાહત થઇ... એ બોલ્યો. મનોમન ગણતરી કરીને મેં એને પૂછ્યું નગલા! આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યો? તારી આગળ ખોટું નહીં બોલું... એણે મારા હાથ જકડી લીધા...

મારા પાપમાં તને ભાગીદાર બનાવ્યો. બાપાએ ઝૂડ્યો એટલે એમના ઉપર દાઝ ચઢી હતી. સગા બાપની સામે હાથ તો ઉપાડાય નહીં... એને બીજી કઇ સજા કરવી?... મને ભૂખ્યો રાખીને એ ભરપેટ જમ્યો. જમીને ઘોરતો હતો ત્યારે કબાટમાંથી પૈસા કાઢી લીધા... એણે આટલો માર્યો એની સજા તો કરવી જ જોઇએને?... એનો ખુલાસો સાંભળી હું ગભરાયો. અલ્યા, આવું ના કરાય... ખબર પડી જશે તો? એણે બેફિકરાઇથી જવાબ આપ્યો કે પકડાઇશ તો ફરીથી મારશે, બીજું શું કરશે?...’

સ્મિતાના હાથ કુશળતાથી શાક સમારી રહ્યા હતા અને કાન સમીરની વાતમાં રોકાયેલા હતા.‘બસ, એ પછી તો નગીન ખુન્નસથી આગળ વધતો રહ્યો. જ્યારે જ્યારે નવી મા કે બાપા હાથ ઉપાડે ત્યારે માર ખાઇ લે પણ પછી એકાદ-બે દિવસમાં તક મળે એ વખતે ધાપ મારે... પિક્ચર જોવાનું, આઇસક્રીમ ખાવાનો અને સંતોષ લેવાનો કે બાપાને દંડ કર્યો!... નોકરી મળી પછી હું અમદાવાદ આવ્યો અને સંપર્ક કપાઇ ગયો પણ ઊડતી માહિતી મળતી હતી કે નગીન સુખી નથી. પાંચેક વર્ષ અગાઉ મોટો ઝઘડો કરીને એ ઘરમાંથી નીકળી ગયો અને અમદાવાદ આવ્યો. દૂરના એક કુટુંબીને ત્યાં રહ્યો.

એ વડીલ વર્ષોથી લીલારામ તોલાણીને ત્યાં નોકરી કરતા હતા. તોલાણીનો કારોબાર બહુ મોટો હતો. સાબુ, ટૂથપેસ્ટ અને વોશિંગ પાઉડર જેવી વસ્તુઓ ડાયરેકટ કંપનીમાંથી વગર બિલે એમને ત્યાં આવતી. તોલાણી એ બધો માલ હોલસેલ વેપારીઓને બારોબાર વેચી દેતો. એ સગાની ભલામણથી નગીન પણ તોલાણીની કંપનીમાં લાગી ગયો. જૂની ખખડી ગયેલી સાઇકલ લઇને લઘરવઘર નગીન મને રિલીફ રોડ ઉપર કે સી.જી. રોડ ઉપર બે-ત્રણ વાર મળી ગયેલો. છેલ્લે એ ચંપલના પૈસા લેવા આવેલો અને એ પછી આજે મળ્યો. આનાથી વિશેષ તો એ આવીને કહેશે ત્યારે ખબર પડશે...’

સમીરે નગીન પ્રકરણ પૂરું કર્યું અને ડ્રોઇંગરૂમમાં ટીવી ચાલુ કર્યું. સ્મિતા રસોઇમાં વ્યસ્ત હતી. સાડા આઠ વાગ્યે નગીન આવ્યો. કારની ચાવી ટિપોઇ પર મૂકીને એ આરામથી સોફા ઉપર બેઠો. સમીરે સ્મિતા સાથે પરિચય કરાવ્યો. સ્મિતા એની સામે તાકી રહી. નગીન વિશે સમીરે જે વાત કહી હતી એના કરતાં અત્યારે એ સાવ અલગ દેખાતો હતો. ક્લીન શેવ ચહેરો, વ્યવસ્થિત કપડાં, વીંટી, બૂટ અને ચહેરા પર ઠાવકાઇ...

‘હું સાવ બદલાઇ ગયો હોઉં એવું લાગે છે ને?...’ સ્મિતા અને સમીરની સામે જોઇને નગીને હસીને પૂછ્યું. પછી જાતે જ ઉમેર્યું. ‘સમીરિયા, કપડાં સુધયાઁ અને સાઇકલને બદલે સેન્ટ્રો આવી ગઇ... બાકી તો હતો એનો એ જ છું...’ એણે ખિસ્સામાંથી પાકીટ કાઢીને એમાંથી બસો રૂપિયા કાઢીને સમીર તરફ લંબાવ્યા. ‘આપણો આ હિસાબ બાકી હતો એ બહાને તારા ઘેર અવાયું. શ્રીમતીજી પિયર ગયાં છે એટલે જમવાનું પણ ગોઠવી દીધું...’

‘નગલા, કંઇ સમજાતું નથી...’ સમીરે માથું ખંજવાળ્યું.‘સાઇકલથી સેન્ટ્રોનું ચક્કર શું છે? લોટરી લાગી?’‘નસીબનો ખેલ...’ નગીને ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. ‘તોલાણીને ત્યાં નોકરી શરૂ કરી ત્યારે મારી પોસ્ટ પટાવાળા જેવી હતી. ઓફિસમાં સાફસૂફીથી માંડીને ચા બનાવીને વાસણ પણ સાફ કરતો હતો. મારી એ મજૂરી જોઇને તોલાણીએ ધીમે ધીમે ઉઘરાણીના કામમાં પણ લગાડ્યો. પગાર ઓછો છતાં પૂરી ઇમાનદારીથી રાત-દિવસ એની ચાકરી કરતો હતો.

એનો સ્વભાવ બહુ ઉગ્ર અને પૈસાનું અભિમાન એટલે ક્યારેક કમાન છટકે ત્યારે આખા સ્ટાફની હાજરીમાં મને ધમકાવે અને ગાળો વરસાવે. ક્યારેક મોટી ભૂલ થાય અને બહુ ગુસ્સે થાય ત્યારે એકાદ થપ્પડ પણ મારી દે... બાપાનો માર ખાઇ ખાઇને એવો રીઢો થઇ ગયો હતો કે એ બધું તો ચણા-મમરા જેવું લાગે!. આટલા ભણતરમાં બીજે ક્યાંય નોકરી મળે નહીં એટલે ભૂલ થાય નહીં એની કાળજી રાખીને નિષ્ઠાથી નોકરી કરતો હતો...’સહેજ અટકીને નગીને પાણી પીધું.

‘ગયા મહિને ભારે થઇ. તોલાણી શેઠનો બધો ધંધો બે નંબરનો એટલે બધું કામકાજ રોકડાનું. રોજ બે-પાંચ લાખ આવે અને જાય. એ સાંજે હિસાબમાં રોકડા ત્રીસ હજાર ખૂટ્યા. તોલાણીએ સ્ટાફના દસે દસ માણસને રિમાન્ડ ઉપર લીધા. હરી ફરીને આખો ગાળિયો મારા માથે આવ્યો. હું કરગરતો રહ્યો તોય તોલાણીએ રૂમમાં પૂરીને ખૂબ માર્યો. મા-બહેન સમાણી ગાળો બોલે અને મારતો જાય... માર સહન કરવામાં તકલીફ નહોતી પણ ખોટું આળ સહન કરવાનું અઘરું હતું.

લમણાંની નસો ફાટફાટ થતી હતી, તોલાણીનું ગળું દાબી દેવાનું મન થતું હતું એ છતાં સહન કર્યું. બીજા દિવસે એક વેપારીએ ભૂલ કબૂલ કરીને ત્રીસ હજાર મોકલી આપ્યા ત્યારે એ ચેપ્ટર પત્યું. શેઠ હતો એટલે મારી માફી માગવામાં એને શરમ લાગે એ સ્વાભાવિક છે, બાકી એના ચહેરા ઉપર પસ્તાવો દેખાતો હતો...’

થોડીવાર અટકીને નગીને બંને શ્રોતાઓ સામે જોયું. ‘એ પછીની વાત ઇન્ટરેસ્ટિંગ છે. આ પળોજણ પતી પછી ત્રણ દિવસ પછી તોલાણી શેઠને બહાર જવાનું હતું. દર વર્ષે ઉઘરાણી માટે એ રાઉન્ડમાં નીકળે. એની ઇનોવા કારમાં ડ્રાઇવર ઉપરાંત એ એના ખાસ ચમચા ચંદુને લઇ જતો હતો. આ વખતે જવાના આગલા દિવસે ચંદુના બાપા મરી ગયા. મને અન્યાય કર્યો છે એવી લાગણી તોલાણીના હૈયામાં હશે એટલે અઠવાડિયાની એ ટૂરમાં એણે મને સાથે લીધો.

આખા ગુજરાત અને રાજસ્થાનમાંથી પૈસા ઉઘરાવવાના હતા. ઉદેપુર, જયપુર અને જોધપુર બધી જગ્યાએ તોલાણીએ મને ફેરવ્યો. મને ખોટી રીતે મારેલો અને ગાળો બોલેલો એ બધાનું સાટું વાળતો હોય એ રીતે મારી કાળજી લેતો હતો. બધા વેપારીઓ પાસેથી પૈસા આવે એ ગણીને સાચવવાની જવાબદારી પણ મારી હતી. છેલ્લે પાલનપુર આવ્યા ત્યાં ઉઘરાણી પતાવીને મહેસાણા જવાનું હતું. પાલનપુરથી નીકળ્યા ત્યારે બાવન લાખ મારી પાસે હતા.’

એ દ્રશ્ય હજુ આંખ સામે દેખાતું હોય એમ નગીન ધ્રૂજતા અવાજે બોલતો હતો. ‘પાલનપુરથી રાત્રે નીકળ્યા પછી દસેક મિનિટમાં જ ડ્રાઇવરે લોચો માર્યો. અંધારામાં રોડ ઉપર ઊભેલી ગાયને બચાવવામાં એણે બેલેન્સ ખોયું. નેવું કિલોમીટરની ઝડપે જતી ઇનોવા સીધી સાઇડમાં ઝાડ જોડે ભટકાણી. તોલાણી શેઠ ડ્રાઇવરની બરાબર પાછળ બેઠા હતા. એ બંને એવી રીતે છુંદાઇને ઓન ધ સ્પોટ મરી ગયા કે હજુ એ દ્રશ્ય યાદ આવે ને રૂંવાડાં ઊભાં થઇ જાય છે. રોડ સૂમસામ હતો.

એ બંને મરેલા પડ્યા હતા અને રોકડા બાવન લાખ મારી પાસે હતા!... તને યાદ છે સમીરિયા? બાપા મારતા હતા એનું વેર વાળવા માટે હું ઘરમાંથી ચોરી કરતો હતો. તમને બધા ભાઇબંધોને જલસા કરાવતો હતો એ ભૂલ્યો નથીને? તોલાણી શેઠે બહુ માર્યો હતો... ખોટું આળ મૂકીને જાનવરની જેમ ઝૂડ્યો હતો એ બધું એકસાથે આંખ સામે ઊભરાતું હતું... સામે બાવન લાખ રોકડા પડ્યા હતા...’

‘ઓહ ગોડ!...’ સમીર સોફા ઉપરથી ઊભો થઇ ગયો. ‘નગલા! જબરો ખેલ પાડ્યો! બાવન લાખની ધાપ મારી?’‘તારી ભૂલ થાય છે દોસ્ત!...’ ભોળિયા ચહેરા પર સ્મિત ફરકાવીને નગીને સમજાવ્યું. ‘બાપાના ઘરમાં ધાપ મારવાનું સરળ હતું. એ પૈસા ઉપર થોડો ઘણો તો મારો અધિકાર હતો. દાઝ કાઢવા માટે ચોરી કરતો હતો તોય મનમાં ઊંડે ઊંડે ડંખ રહેતો હતો. તોલાણીની છુંદાયેલી લાશને જોઇને નિર્ણય કરી લીધો કે આ માણસના પૈસાને ના અડાય.

જે માણસે નોકરી આપીને ઘરનો ચૂલો સળગતો રાખ્યો હતો, એના શ્વાસ અટકી ગયા હોય ત્યારે આવી ગદ્દારી ના કરાય... રોડ સૂમસામ હતો, કોઇ માણસ નહોતું એ છતાં ઉપરવાળાને તો બધું દેખાતું હોયને?’ સમીરિયા! પૈસા સાચવીને સંતાડી રાખ્યા અને ત્રણ દિવસ પછી તોલાણી શેઠના બંગલે ગયો. એના બંને દીકરાઓની હાજરીમાં બેગ ખોલીને બાવન લાખ ગણાવી દીધા! એ બંને તો અવાચક થઇ ગયા. હું જાણે દેવદૂત હોઉં એમ હાથ જોડીને મારી સામે તાકી રહ્યા.

મેં બહુ ના પાડી તોય એમની આ સેન્ટ્રો મને આપી દીધી અને પેઢીમાં મેનેજરની પોસ્ટ આપી... સમીરિયા! તું જ કહે મારા જેવાને આનાથી વધારે શું જોઇએ?...’ નગીન ધ્રૂજતા અવાજે બોલતો હતો. સમીર અને સ્મિતા એના ચહેરા પર છલકતા તેજની સામે તાકી રહ્યાં હતાં.

(શીર્ષક પંક્તિ : લેખક)

Tuesday, July 27, 2010

ગણગણો મનમાં છતાંયે ક્યાંક તો પડઘો પડે હોય અંધારું અગોચર તોય લ્યો તડકો જડે

‘કચકચ કર્યા વગર સાંભળ...’ પ્રિયાને સમજાવતી વખતે રાજેશના અવાજમાં કડકાઈની સાથે આદેશનો રણકાર ભળ્યો. ‘શનિવારે સાડા છની બસ છે. રાત્રે બાર વાગ્યે ત્યાં પહોંચી જઈશું. બુધવારે પરોઢિયે ત્યાંથી નીકળી જઈશું. સિત્તેર વર્ષની ઉંમરે બાનો સ્વભાવ નહીં બદલાય. ઘેર ગયા પછી સહેજ પણ માથાકૂટ કરીશ તો મારાથી સહન નહીં થાય. બા જોડે જીભાજોડી કરીશ તો મારી કમાન છટકશે... ધેટ્સ ઓલ.’ ત્રીસ વર્ષની પ્રિયા નીચું જોઈને ચૂપચાપ સાંભળતી હતી. રાજેશે બૂટ પહેર્યા અને ઓફિસે જવા નીકળી ગયો. પ્રિયા ઊભી થઈ.

શનિવારે રાત્રે સાસુ પાસે જઈને ત્રણ દિવસ ત્યાં રહેવાનું છે એ સાંભળીને એનાં લમણાંની નસો ફૂલી ગઈ હતી. એ ડોસીએ એના ઘરમાંથી પહેરેલે કપડે કાઢી મૂક્યાં હતાં એ આખી ઘટના યાદ આવી એની સાથે જ મોઢું કડવું થઈ ગયું. સાસુને યાદ કરીને એ જોરથી થૂંકી. બે વર્ષ અગાઉ બેબીનો જન્મ થયો ત્યારે વહુ અને પૌત્રીની ખબર પૂછવા પણ ડોસી ફરકી નહોતી, તોય રાજેશ માવડિયો બનીને ત્યાં જવા માટે કૂદકા મારે છે!

ડોરબેલનો અવાજ સાંભળીને એણે બારણું ખોલ્યું. ‘હાય પ્રિયા! વોટ્સ રોંગ વિથ યુ?...’ વાવાઝોડાની જેમ અંદર આવીને મનાલીએ એનો ચહેરો વાંચીને સીધું પૂછ્યું. ‘આટલું ટેન્શન શેનું છે?...’ પ્રિયાના બંને હાથ પોતાના હાથમાં જકડીને એણે ગંભીરતાથી પૂછ્યું. ‘રાજેશને કોઈ બીજી છોકરી જોડે ચક્કર છે?’

‘એવું નથી...’ પ્રિયાએ તરત ખુલાસો કર્યો. એ બાબતમાં તો એ હરિશ્વચંદ્રનો અવતાર છે. આખી વાત સાવ જુદી છે.
‘ટેન્શન નહીં લેને કા...’ કોલેજમાં હતી ત્યારથી મનાલી બિન્દાસ અને બેફિકર હતી. છતાં કોઈ પણ બહેનપણીને કંઈ પણ પ્રશ્ન હોય તો એ મનાલીની સલાહ લેતી. એની વૈચારિક સમજ તમામ સખીઓ કરતા લગીર ઊંચી હતી. અત્યારે એ આવી ગઈ એને લીધે પ્રિયાને પણ રાહત લાગી. ‘થેન્ક ગોડ કે લફરું નથી. એવું કંઈ હોત તો કામ અઘરું બનતું. બાકી ગમે તે પ્રોબ્લેમ હોય એનો ઉકેલ શોધી શકાય. વાત શું છે એ બોલ...’

‘તું આરામથી બેસ. હું આઈસક્રીમ લઈને આવું છું...’ પ્રિયાએ ફ્રીઝ ખોલ્યું. આઈસક્રીમનો બાઉલ મનાલીના હાથમાં આપીને બીજો બાઉલ લઈને એ એની સામે બેઠી. ‘મારા સસરા તો દેવપુરુષ હતા પણ સાસુ હિટલર જેવી છે...’ પ્રિયાએ ધીમે ધીમે રામકહાણીનો આરંભ કર્યો. ‘અમે લગ્ન કર્યા ત્યારે મારા સસરાએ તો ખરા હૃદયથી આશીર્વાદ આપેલા પણ સાસુએ કદી પ્રેમથી બોલાવી નથી... એમના છોકરાને ભોળવીને હું જાણે પરાણે એમના ઘરમાં ઘૂસી ગઈ હોય એવું એમના મનમાં છે. સસરાજી ગુજરી ગયા પછી બધો વહીવટ એમના હાથમાં આવ્યો અને મારી કઠણાઈ બેઠી. એક જ ઘટના સાંભળીને તને એમની મનોદશાનો ખ્યાલ આવશે. સાંભળ...’

મનાલી મોજથી આઈસક્રીમ ખાતી હતી. પ્રિયા યાદ કરીને બોલતી હતી. ‘પહેલી વાર રસોડામાં ગઈ ત્યારે ચોકીદારની જેમ એ સામે ઊભાં રહ્યાં. દાળ-ભાત મૂકવા માટે દોઢ વાડકી તુવેરની દાળ લીધી કે તરત એમણે સૂચના આપી કે એક જ વાડકી જોઈશે. એમની વાત ગણકાર્યા વગર મેં દોઢ વાટકી દાળ પલાળીને બાફવા મૂકી દીધી. પત્યું. બચત અને બગાડ વિશે એ વીસ મિનિટ સુધી બોલ્યાં. મારું તો માથું ભમી ગયેલું. ચિડાઈને કહી દીધું કે દાળનો બગાડ નહીં થાય, જેટલી વધશે એટલી પી જઈશ... હળવેથી મારો હાથ પકડીને એ મને રસોડાની બહાર લઈ ગયાં અને ખુરશી પર બેસાડી દીધી. હવેથી તું બધાં બહારનાં કામ પતાવજે... એમણે સ્પષ્ટ આદેશ આપ્યો... રસોડામાં આવવાની જરૂર નથી. બસ, એ પછી ત્યાં રહ્યાં ત્યાં સુધી મેં રસોડામાં પગ મૂક્યો નથી... ડોસીએ વટનાં માયાઁ ગાજર ખાધા...’

‘પછી?’ ખાલી બાઉલ બાજુ પર મૂકીને મનાલીએ પૂછ્યું. ‘આનાથી ગંભીર કોઈ ઘટના?’

‘ઘરખર્ચની બાબતમાં એકવાર જોરદાર જામી ગયેલી. મારો બર્થડે આવતો હતો અને રાજેશ પાસે મેં સોનાની બુટ્ટીની જીદ કરેલી. એ માવડિયાએ એની બાને વાત કરી એમાં તો મહાભારત થઈ ગયું. એ વખતે રાજેશ ગામની એક પેઢીમાં નોકરી કરતો હતો એટલે પગાર ઓછો હતો. ડોસીએ એને સંભળાવ્યું કે કમાતા શીખ... ખૂબ કમાઈને તારી બૈરીને સોનાથી મઢજે પણ અત્યારે મારા પૈસામાંથી આશા ના રાખતો... પછી તો હું પણ મેદાનમાં આવી ગઈ. મોટો ઝઘડો થયો અને અમે બંને પહેરેલે કપડે ઘરમાંથી નીકળી ગયેલાં...’

‘આ ફ્લેટ?મ મનાલીએ પૂછ્યું.’

‘રાજેશની મહેનતનું ફળ...’ પ્રિયાએ તરત કહ્યું. ‘શરૂઆતમાં ભાડે રહેતાં હતાં. પછી હાઉસિંગની આ સ્કીમમાં એ વખતે લાખ રૂપિયા ભરવાના હતા. રાજેશની નોકરી સારી હતી. પગાર પણ સારો હતો પણ સામટા લાખ રૂપિયા એ વખતે લાવવા ક્યાંથી? ગામના જ એક શ્રોફની પેઢી કબૂતરખાનામાં છે. રાજેશ ત્યાં જઈને એ ઠક્કરકાકાને મળ્યો. એમણે સાવ મામૂલી વ્યાજે વ્યવસ્થા કરી આપી. ધીમે ધીમે એમના પૈસા ચૂકવી દીધા. હવે હાઉસિંગના હપ્તા રેગ્યુલર ભરીએ છીએ... વાસ્તુમાં પણ ડોસી ના આવી. ક્યા મોઢે આવે? એ પછી બેબીનો જન્મ થવાનો હતો ત્યારે રાજેશે કાગળ લખેલો પણ ડોસી આવી નહીં... આજકાલ કરતાં બેબી બે વર્ષની થઈ ગઈ. મારું કે બેબીનું મોઢું જોવા એ પધાર્યા નથી...’

‘એમની પાસે ફોન છે?’ મનાલીએ પૂછ્યું ‘ના... કંઈ સામાજિક કામ હોય ત્યારે ડોસી પોસ્ટકાર્ડ લખે છે. અત્યારે ગામનું ઘર રિપેર કરાવવાનુ છે એવા બે કાગળ આવી ગયા. અ માટે પૈસાની જરૂર હશે. રાજેશે જવાનું નક્કી કરી નાખ્યું છે. કોઈ જાતની લાગણી ના હોય ત્યાં એમની સાથે કઈ રીતે રહેવાશે? હું એ ટેન્શનમાં હતી અને તું આવી ગઈ. હવે તું જ કહે. મારી જગ્યાએ તું હોય તો શું કરે?’ મનાલી ગંભીરતાથી વિચારતી હતી. ‘ગામમાં એ એકલાં રહે છે?’ એણે પૂછ્યું. ‘રાજેશે એમને અહીં રહેવા માટે ક્યારેય કહ્યું છે ખરું?’

‘એમને એમની રીતે કોઈની રોકટોક વગર આઝાદીથી રહેવું છે. મારા ઘરમાં આવે તો હવે મારા તાબામાં રહેવું પડે એવું માનીને એ નથી આવતાં... રાજેશે શરૂઆતમાં કાગળ લખેલા પણ એમણે જવાબમાં લખી નાખ્યું કે મને મારી રીતે રહેવા દો...’ મનાલી આંખો બંધ કરીને ગંભીર હતી. એણે આંખો ખોલીને પ્રિયા સામે જોયું. ‘તારે તો ત્યાં ત્રણ જ દિવસ રહેવાનું છેને?’ પ્રિયાએ માથું હલાવીને હા પાડી. ‘મારી વાત માનીશ એવું પ્રોમિસ આપ તો રસ્તો બતાવું...’ એકેએક શબ્દ ઉપર ભાર મૂકીને મનાલીએ હાથ લંબાવ્યો. ‘પ્રોમિસ...’ પ્રિયાએ એના હાથમાં પોતાનો હાથ આપીને વચન આપ્યું. ‘શબ્દશ: પાલન કરવાની તૈયારી હોય તો જ વચન આપજે.

ખાલી થૂંક ઉડાડવાની મને આદત નથી...’

‘જવાનું તો છે જ. એટલે ગોડ પ્રોમિસ...’

‘મારી વાત ધ્યાનથી સાંભળ....’ મનાલીનો અવાજ વધુ ગંભીર બન્યો. ‘મનમાંથી બધી કડવાશ ભૂલીને જાણે પહેલીવાર જતી હોય એ રીતે જ જજે. પૂર્વગ્રહનું પોટલું માથે મૂકીને જઈશ તો એ તને દુશ્મનરૂપે જ દેખાશે માટે પ્લીઝ, એમના પ્રત્યેનો જે ધિક્કાર છે એને તારા મનમાંથી કાઢી નાખ. સિત્તેર-પંચોતેર વર્ષના એ માજી હવે કેટલું જીવવાનાં? દર વર્ષે ત્રણ-ચાર દિવસ એમની સાથે વિતાવવા પડે તોય કુલ કેટલા દિવસ સાચવી લેવાના થશે? નફરતનું ઝેર મનમાં ઘૂંટીને વેરભાવે ત્યાં જઈશ તો સામેથી પણ એવો જ પ્રતિભાવ મળશે.. એક વાત સમજી લે... મા એ ગમે તે ઉંમરે મા જ હોય છે. તને તારી બેબી માટે જેટલી લાગણી છે એટલી જ લાગણી એમને રાજેશ માટે હશે. ગુસ્સામાં કે આવેશમાં એમણે કંઈક કહ્યું હશે અને સામે તેંય કચકચાવીને જવાબ આપ્યો હશે પણ એ બધું ક્યાં સુધી પકડી રાખીશ?

તમામ પૂર્વગ્રહ, વેર અને ધિક્કારથી મુક્ત થઈને ખરા હૃદયથી તારી ખુદની મમ્મીને મળવા જતી હોય એટલી ઉષ્માથી એમની સાથે રહેજે...’ એકી શ્વાસે આટલું બોલીને મનાલી સહેજ અટકી. પ્રિયાનો હાથ લાગણીથી જકડીને એણે ઉમેર્યું. ‘તું જેટલો પ્રેમ આપીશ એટલો નહીં પણ એનાથી વિશેષ પાછો મળશે એ મારી ગેરંટી... આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જિંદગી બહુ ટૂંકી છે પ્રિયા, વેર અને ધિક્કારથી એને વધુ ટૂંકી શા માટે બનાવે છે?’ નીચું જોઈને સ્તબ્ધ બેઠેલી પ્રિયા કંઈ બોલી ના શકી. માથું હલાવીને એણે મનાલીની વાત સ્વીકારી.

***
શનિવારે સવારે પ્રિયા સામાન પેક કરતી હતી એ જોઈને સુખદ આશ્ચર્યથી રાજેશનું મગજ ચકરાઈ ગયું હતું. ‘આ શાલ અને ધાબળો બાને કામમાં આવશે.. એ ચંપલમાં કંજુસાઈ કરે છે એટલે એમના માપના આ નવા ચંપલ ગઈકાલે લઈ આવી. આ બે સાડી પણ એમને ગમશે...’

રાત્રે બાર વાગ્યે રિક્ષા ગામની ડેલી પાસે ઊભી રહી કે તરત બા બહાર આવ્યાં. રાજેશ અને પ્રિયાએ વારાફરતી ઝૂકીને પ્રણામ કર્યા. એ બંનેને આશીર્વાદ આપીને બાએ બેબીને પોતાની બથમાં લઈ લીધી હતી.

‘ઘર રિપેર થઈ ગયું?’ દીવાલો સામે જોઈને રાજેશે પૂછ્યું. ‘દેખાતું નથી?..’ બાએ હસીને ઉમેર્યું. ‘તને નોકરીમાંથી ટાઇમ નહીં મળે એવું લાગ્યું એટલે ધનજીભાઈને કોન્ટ્રાકટ આપીને કરાવી લીધું.’

સવારે બા પૂજા કરતાં હતાં. પ્રિયા રસોડામાં ઘૂસી. ‘દાળમાં ધ્યાન રાખજે...’ બાએ હસીને સૂચના આપી. ‘જેટલી વધશે એટલી પી જવી પડશે...’ પ્રિયા પણ હસી પડી.

બપોરે જમ્યા પછી ત્રણેય ઓરડામાં બેઠાં હતાં. બેબી બાના ખોળામાં ઊંઘી ગઈ હતી.

‘તમે આવ્યાં અને મારા માટે યાદ કરીને બધું લાવ્યાં એ બહુ ગમ્યું.’ બાએ ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. ‘આ દેહનો કોઈ ભરોસો નથી એટલે ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. તારા બાપાની ઇચ્છા હતી કે તું ખૂબ કમાય અને મોટો માણસ બને. અહીં ગામમાં ને ગામમાં તારી કિંમત વધવાની નહોતી એટલે તમે ગયાં ત્યારે રોક્યાં નહોતાં. મારો છોકરો ટિચાઈ ટિચાઈને આગળ વધશે એટલો વિશ્વાસ હતો મારા લોહી પર... ફલેટ ખરીદવા માટે પૈસાની જરૂર હતી અને તું ઠક્કરકાકાને મળેલો એટલે બીજા જ દિવસે ઠક્કરકાકા મને પૂછવા આવેલા. પોસ્ટ ઓફિસમાં તારા બાપાએ જે એફ.ડી. કરાવેલી એ તોડીને એમાંથી લાખ રૂપિયા મેં એમને આપેલા અને વાત ખાનગી રાખવાનું કહેલું. બાપના પૈસા દીકરાને નહીં તો પછી કોને કામમાં આવવાના હતા?’

બંને સ્તબ્ધ બનીને સાંભળતાં હતાં. બાએ પ્રિયા સામે જોયું. ‘સાથે રહીએ એટલે વાસણ ખખડે. કારણ વગર મન ઊંચાં રહે એ રીતે સાથે રહેવાની કોઈ જરૂર નહોતી એટલે અહીં એકલા રહેવાનો નિર્ણય કરી લીધેલો. આખી શેરીનાં બધાં છોકરાંઓ ચિંધેલું કામ કરી આપે છે એટલે કોઈ તકલીફ નહોતી... રૂપિયા કરતાં રૂપિયાનું વ્યાજ વહાલું હોય. તારે પિયરમાં કોઈ નથી એટલે તારી ડિલિવરીમાં આવવાનું નક્કી કરેલું. બધી તૈયારી કરેલી પણ એ જ વખતે બાથરૂમમાં લપસી પડી અને ડાબા પગમાં ફ્રેકચર થઈ ગયું. ઓપરેશન કરીને સિળયો નાખવો પડ્યો અને ચાર મહિના ખાટલામાં રહી.

ગામનાં મણિમાસીએ ખડેપગે ચાકરી કરી. એ વખતે તમને આ સમાચાર નહોતા જણાવ્યા એનું એક કારણ એ કે પહેલા જ ધડાકે તમને મારી વાત બહાનું લાગત અને ધારો કે હકીકત માલૂમ પડેત તો પણ તમે તમારી પળોજણમાં ગૂંચવાયેલાં હતાં એટલે કઈ રીતે આવતાં? સાજા થઈને આવવાનું વિચાર્યું ત્યારે તાવ અને ખાંસીમાં પટકાઈ. ડોક્ટરે કહ્યું કે ટીબીની અસર છે. હું તમારી સાથે રહું તો આ નાના ફૂલને તરત ચેપ લાગી જાય એટલે ના આવી અને તમને જાણ પણ ના કરી...’

બાએ સહેજ અટકીને ઊંડો શ્વાસ લીધો અને બંનેની સામે જોયું. ‘આ ઘરના બધા દસ્તાવેજ કરી રાખ્યા છે એટલે કાલે હું ના હોઉં તો તમને કોઈ તકલીફ ના પડે. બેન્કના લોકરમાં મારી મરણમૂડી જેવા નવ તોલાના દાગીના હતા એ ઉપાડી લાવી છું એ પ્રિયાને આપી દેવાના છે. સોનું, ઘર કે પૈસા કંઈ જોડે લઈને જવાની નથી અને હવે દેહનો કોઈ ભરોસો નથી એટલે તમને બોલાવી લીધા...’ એ બોલતાં હતાં. રાજેશ અને પ્રિયા ભીની આંખે ચૂપચાપ સાંભળતાં હતાં.

Friday, July 9, 2010

ખરી તકલીફ વેઠીને ખુમારી શ્વાસમાં રાખી કરી પૂરી ફરજ મારી નજર આકાશમાં રાખી

‘હોદ્દો ભલે પ્રોફેસરનો રહ્યો પણ મૂળભૂત રીતે તો તું માસ્તર જ કહેવાય. વેદિયાવેડા તમારા લોહીમાં જ હોય.’ ડોક્ટર દીપક દેસાઇની જીભ કાતરની જેમ ચાલતી હતી. પ્રોફેસર પત્નીને ધમકાવતી વખતે કાતર વધુ ધારદાર બની જતી. દેવાંશી અર્થશાસ્ત્રની પ્રાધ્યાપિકા હતી પરંતુ એની પરિપક્વતા અને સમજદારી એટલી સંગીન હતી કે પતિ ટોણા મારવાના મૂડમાં હોય ત્યારે એ શાંત રહેતી. દીપક પોતાનો બધો ઊભરો કાઢી લે ત્યાં સુધી શાંતિથી સાંભળ્યા પછી માત્ર બે કે ત્રણ વાક્યમાં જ એ એવો રણકતો જવાબ આપતી કે ડોક્ટરે કાન પકડવા પડતા. ડોક્ટરનું બોલવાનું હજુ ચાલુ હતું. ‘એ લોકો મીઠું મીઠું બોલીને મોટા ભા બનાવે એ સાંભળવાનું. હા એ હા કરવાની. પછી છેલ્લી ઘડીએ એવો આઇડિયા કરવાનો કે આપણો હાથ ઉપર રહે. મારા જેવા ચાર ઇ.એન.ટી. સર્જનને એમણે પકડ્યા હશે. એટલે મનમાં હરખશોક નહીં રાખવાનો.’ મીઠું હસીને દીપકે દેવાંશીને પૂછ્યું. ‘માસ્તરસાહેબ, સમજણ પડી?’

દેવાંશી કંઇ જવાબ આપે એ અગાઉ ફ્લેટની ડોરબેલ રણકી. ભરબપોરે આટલી ગરમીમાં કોણ હશે? દેવાંશીએ બારણું ખોલ્યું. લગભગ ચાલીસ-પિસ્તાલીસ વર્ષનો એક પુરુષ અને ચાલીસેક વર્ષની સ્ત્રી સહેજ સંકોચ સાથે બારણામાં ઊભાં હતાં. ‘સોરી સાહેબ, આરામના સમયે આપને તકલીફ આપી.’ પુરુષે વિવેકથી કહ્યું, ‘દસ-પંદર મિનિટનું કામ છે. વસતી ગણતરી માટે આવ્યાં છીએ.’

‘આવો...’ દીપક કંઇ આડોઅવળો જવાબ આપી દે એ અગાઉ દેવાંશીએ એ બંનેને અંદર આવવા કહ્યું. પુરુષના હાથમાં સૂટકેસની સાઇઝની કાળા રંગની પ્લાસ્ટિકની થેલી હતી.

એના ઉપર નાનકડા ગોળ સફેદ વર્તુળમાં વસતી ગણતરી ૨૦૧૧નો લોગો છપાયેલો હતો. સ્ત્રીના હાથમાં થેલી હતી. બંને પરસેવે રેબઝેબ હતાં. આ કામ માટે આવી ગરમીમાં એ લોકો રઝળતા હશે એ જોઇને દેવાંશીએ સહાનુભૂતિથી સોફા તરફ આંગળી ચિંધી. ‘બેસો...’ એ બંને બેઠાં. દેવાંશી કિચનમાં જઇને પાણીના બે ગ્લાસ લઇને આવી.

‘થેંક્યુ...’ પાણી પીધા પછી પુરુષે પોતાની ઓળખાણ આપી. ‘અનિલ સોલંકી.’ જોડેની સ્ત્રી તરફ આંગળી ચિંધીને એણે ઉમેર્યું. ‘મારી મિસિસ નિમિષા. મારે હેલ્થનો પ્રોબ્લેમ છે એટલે એને જોડે રાખવી પડે છે.’

અનિલે પોતાનો થેલો ખોળામાં મૂકીને નિમિષા સામે જોયું. ‘કાચું ફોર્મ આપ...’ નિમિષાએ એની થેલીમાંથી એક પાનાનું એક ફોર્મ કાઢીને અનિલને આપ્યું. થેલા ઉપર ફોર્મ મૂકીને અનિલ એ ભરવાનું શરૂ કરે એ અગાઉ એનો મોબાઇલ રણકયો. મોબાઇલમાં સામા છેડેથી જે કહેવાતું હતું એ સાંભળીને એનો ઘઉંવર્ણો ચહેરો ચિંતાતુર બની ગયો હતો. ‘ચિંતા ના કરતી. હું સીધો હોસ્પિટલ આવું છું.’ વાત પૂરી કરીને એણે નિમિષા સામે જોયું. ‘ખુશ્બૂનો ફોન હતો. બાપાને હાર્ટએટેક આવ્યો છે. મોટાભાઇ એમને હોસ્પિટલ લઇ ગયા છે.’

‘એક કામ કરો.’ એ બંને જે રીતે ગભરાયેલાં હતાં એ જોઇને દેવાંશીએ એમને સમજાવ્યું. ‘સીધા હોસ્પિટલ જવું હોય તો આ બધો સામાન અહીં મૂકીને જ જાવ. ત્યાં આ બધું ક્યાં જોડે ફેરવશો? મારે વેકેશન છે એટલે હું ઘેર જ હોઉં છું. જરાયે ચિંતા કર્યા વગર સીધા હોસ્પિટલ પહોંચી જાવ. બાઇક છે કે સ્કૂટર? જે વાહન હોય એ શાંતિથી ચલાવીને જજો.’

‘એમને ડાબા પગે પેરેલિસિસ છે. એટલે રિક્ષામાં જ જવાનું છે.’ ઝડપથી પગ ઉપાડતી વખતે નિમિષાએ જવાબ આપ્યો. ‘સોસાયટીના ગેટ પાસે જ રિક્ષાઓ ઊભી હશે.’ દેવાંશીએ છેલ્લી માહિતી આપી ત્યાં સુધીમાં તો એ બંને ફ્લેટની બહાર નીકળી ચૂક્યાં હતાં.

ત્રીજા દિવસે સવારે ડોક્ટર દીપક એના ક્લિનિક પર જવા રવાના થયા, એ પછી દસેક મિનિટ બાદ અનિલ એકલો આવ્યો. ત્રણ દિવસની દાઢી વધેલી હતી. ‘કેમ છે તમારા ફાધરને?’ દેવાંશીનો સ્વભાવ લાગણીશીલ હતો અને સમાજના છેવાડાના માણસો પ્રત્યે એના હૃદયમાં સાચી સંવેદના હતી એટલે અનિલ આવ્યો કે તરત એણે પૂછ્યું, ‘સારું છે. અડતાળીસ કલાક હેમખેમ વીતી ગયા એટલે વાંધો નહીં આવે... ઉપરવાળાની મહેરબાનીથી બચી ગયા.’

દેવાંશીએ અંદરના રૂમમાંથી લાવીને અનિલના બંને થેલા ટિપોઇ પર મૂક્યા. અનિલે એમાંથી માર્કરપેન બહાર કાઢીને ફ્લેટના બારણાં ઉપર વ.ગ.૨૦૧૧ લખ્યું પછી બ્લોક નંબર અને ઘર નંબર લખીને એ અંદર આવ્યો. થેલામાંથી ઝેરોક્સ કરેલું સાદું ફોર્મ લઇને એણે દેવાંશીને પૂછવાનું શરૂ કર્યું. ‘આ કાચું ફોર્મ અને પાકું ફોર્મ એટલે શું?’ પ્રાધ્યાપિકા તરીકે દેવાંશીએ જિજ્ઞાસાથી પૂછ્યું.

‘આ પાકા ફોર્મ...’ અનિલે મોટા થેલામાં સીધા રહી શકે એ રીતે મૂકેલા બે ફોર્મના નમૂના દેવાંશી તરફ લંબાવ્યા. ‘આ લાલ ફોર્મમાં ચૌદ કોલમ છે. એમાં ફેમિલીના એકેએક માણસની બધી વિગત લખવાની અને આ પીળા ફોર્મમાં ટોટલ પાંત્રીસ કોલમ છે. મારા બ્લોકમાં જેટલાં ઘર હોય એ દરેકની બધી વિગત એમાં ભરવાની.’

‘ઓહ ગોડ!’ બંને ફોર્મ ધ્યાનથી જોયાં પછી દેવાંશીએ આશ્ચર્યથી કહ્યું, ‘સરકાર આટલું ઝીણું કાંતે છે એ પહેલી વાર જોયું.’

‘આ ફોર્મમાં કોઇ ચેકચાક કે ભૂલ ના થવી જોઇએ.’ અનિલે સમજાવ્યું. ‘એટલે અમે લોકો અહીં કાચા ફોર્મમાં બધી વિગત લઇ લઇએ. પછી ઘેર શાંતિથી બેસીને પાકા ફોર્મ ભરવાનાં. બહુ કાળજીથી કામ કરવું પડે છે.’

‘રાધાબહેન,’ એ બોલતો હતો એ દરમિયાન દેવાંશીએ કામવાળા બહેનને ચા-નાસ્તો લાવવાની સૂચના આપી.

‘તમારે કુલ કેટલા ઘરમાં જવાનું?’

‘આમ તો સવાસો-દોઢસો ઘરનો નિયમ છે પણ મારું નસીબ નબળું એટલે સૌથી મોટો બ્લોક મળ્યો છે. લગભગ સાડા ત્રણસો ઘર ઉપરાંત રોડ ઉપરની ચાલીસ-પચાસ દુકાનો પણ લટકામાં!’

‘આજે તમારા મિસિસ જોડે નથી આવ્યાં?’

‘બાપા હજુ હોસ્પિટલમાં છે.’ અનિલે સમજાવ્યું. ‘કાલથી આવશે. આજે ધીમે ધીમે થાય એટલા ઘર કરીશ. મારાથી ચાલતાં ચાલતાં પડી જવાય છે. ડાબા પગે લકવો છે અને ચહેરાનો આ ડાબો હિસ્સો પણ સાવ જડ છે.’ અનિલે પોતાના હાથે ડાબા ગાલ ઉપર જોરથી થપ્પડ મારી. ‘અહીં બ્લેડ મારો તો પણ મને ખબર ના પડે.’

‘તોય તમને આવા કામમાં જોતરી દીધા? હેલ્થના ગ્રાઉન્ડ ઉપર આ લોકો નથી વિચારતા?’

‘એકચ્યુઅલી, મારા સાહેબને આ કામનો ઓર્ડર મળેલો. આ કામમાં ના પાડી ના શકાય. એમનાથી પહોંચી વળાય એવું નહોતું એટલે એમણે મને પૂછ્યું. તમે જ કહો બહેન, જે સાહેબ કાયમ આપણને સાચવતો હોય એને આવા કામમાં ના કઇ રીતે પડાય? મેં હા પાડી એટલે એમણે ઓર્ડર સુધરાવીને મારા નામનો કરાવી નાખ્યો.’

‘તમે શેમાં નોકરી કરો છો?’

‘ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. મારા બાપા રમણભાઇએ પૂરી નિષ્ઠાથી નોકરી કરેલી એટલે રોજમદાર તરીકે સાહેબોએ મને રાખી લીધેલો. પછી તો વર્કચાર્જ કારકૂન તરીકે કાયમી થઇ ગયો.’

‘તમારી મિસિસનો સ્વભાવ સારો છે. વસતી ગણતરીના કામમાં જોડે રહીને સારી મદદ કરે છે.’

‘એનાથી ડબલ ફાયદો થાય છે. સાડા ત્રણસો ઘરની ગણતરી એટલે સવારથી સાંજ સુધી ફર્યા વગર છુટકો નથી. એ જોડે હોય એટલે બપોરે પણ ફરી શકાય. હું એકલો હોઉં તો બપોરે કોઇના ઘેર ના જવાય.’

‘સાચી વાત છે.’ દેવાંશીને અનિલની વાતમાં રસ પડ્યો હતો. ‘એ કોઇ નોકરી કરે છે?’

‘જી... એ સિવાય આ પગારમાં કઇ રીતે પૂરું થાય? એક રાજસ્થાની જૈન શેઠાણીનો સાડીઓનો શોરૂમ છે. શેઠાણીનો સ્વભાવ સારો છે એટલે સાત વર્ષથી એમના શો રૂમમાં કામ કરે છે.’ અનિલે ઉમેર્યું. ‘નોકરી ઉપરાંત ખુશ્બૂ અને મહર્ષિને ભણાવવાની જવાબદારી પણ એ ઉઠાવે છે. મારી બા અંગૂઠાછાપ છે પણ એમની કોઠાસૂઝ બહુ ઊંચી. બધાં ભાઇ-બહેનોને પેટે પાટા બાંધીને ભણાવેલાં. એ અભણ પણ એમણે અમને એક જ વાત શીખવી કે મહેનત કરીને આગળ આવો. અને ક્યારેય હરામનો એક પૈસો પણ ખાવાની દાનત નહીં રાખવાની. આજે એમની તાલીમ અને આશીર્વાદથી બધાં સુખી છીએ.’

કામવાળા બહેન આવીને ચાનો ખાલી કપ લઇ ગયાં અને પાણીનો ગ્લાસ મૂકી ગયાં.

અનિલે કાચા ફોર્મના બધા સવાલ-જવાબ પૂરા કર્યા અને પછી ઊભા થઇને દેવાંશી સામે હાથ જોડ્યા. ‘બહેન, તમે પ્રોફેસર છો છતાં મારા જેવા નાના માણસ જોડે આ રીતે વાત કરી એ બહુ ગમ્યું. અમુક ઘરમાં તો બારણે ઊભા રહીને જ વાત કરવી પડે છે.’ અનિલે હસીને ઉમેર્યું. ‘જોકે એ પણ સાચું છે. બધે આ રીતે બેસીએ તો દોઢ વર્ષે પણ કામ ના પતે. આમ કડાકૂટિયું છે અને આ ગરમીનો ત્રાસ છે. એ છતાં જવાબદારી લીધી છે એટલે કોઇ પણ ભોગે પૂરી કરવાની. જે કામ કરવાનું જ છે એમાં કંટાળો લાવીને શું ફાયદો? પાકા ફોર્મ ભરવામાં રોજ રાત્રે બાર વાગે છે. એ છતાં એવી રીતે ચીવટથી કરવાનું કે એમાં એક પણ ભૂલ ના જાય. સરકારે ફરજ સોંપી એટલે દિલથી પૂરી કરવાની.’

અનિલે વિદાય લીધી. બપોરે દોઢ વાગ્યે દીપક આવ્યો એટલે બંને સાથે જમવા બેઠાં. જમવાનું ચાલુ હતું અને દીપકનો મોબાઇલ રણકયો. સ્ક્રીન ઉપરનું નામ જોઇને એણે એક સેકન્ડ માટે મોં કટાણું કર્યું. પછી હસીને ફોન ઉઠાવ્યો. ‘બોલો ગણાત્રાસાહેબ, મજામાં?’

રાજકોટના ગણાત્રાની એક સેવાભાવી સંસ્થા દર વર્ષે એ બાજુના ગ્રામ્યવિસ્તારમાં મેડિકલ કેમ્પનું મોટા પાયે આયોજન કરતી હતી. ચાર દિવસ અગાઉ એમણે બીજા ત્રણ-ચાર ઇ.એન.ટી. સર્જનની સાથે દીપકને પણ વાત કરીને બે દિવસ માટે એ કેમ્પમાં સેવા આપવાની વિનંતી કરી હતી. આવતી કાલે બપોરથી કેમ્પ શરૂ થવાનો હતો એટલે ફરીથી યાદ કરાવવા માટે એમણે ફોન કર્યો હતો. ‘તમારા જેવા સેવાભાવી ડોક્ટરોનો સાથ મળે એટલે આપણે મજા જ હોઇએ છે.’ ગણાત્રાએ પૂછ્યું. ‘કાલે સવારે તમે ડોક્ટર રાવલની સાથે જ કારમાં નીકળો છો ને?’

‘સો ટકા આવવાનું નક્કી હતું પણ અબ્બી હાલ કાર્યક્રમ બદલાઇ ગયો.’ ગણાત્રા સાથે વાત કરતી વખતે દીપકે દેવાંશી સામે આંખ મીચકારીને વાત ચાલુ રાખી. ‘મિસિસના મામા સવારની ફ્લાઇટમાં મુંબઇથી આવે છે. એમને કિડનીનો સિરિયસ પ્રોબ્લેમ છે એટલે એમની સાથે રહેવું પડશે. સોરી ગણાત્રાસાહેબ, ફરીથી ક્યારેક ચોક્કસ રાજકોટ આવીશું...’એ બોલતો હતો. દેવાંશી એના કલીનશેવ્ડ ગોરા ચહેરા સામે તાકી રહી.

(શીર્ષક પંક્તિ : લેખક)

Tuesday, July 6, 2010

સાવ નાના દુશ્મનો છે એમની પરવા નથી દોસ્ત સૌ દિલદાર ધરખમ એટલે પરવા નથી

એડોસો તો મરીને સ્વર્ગમાં પહોંચી ગયો પણ હું અધમૂઓ થઇ ગયો. વજનદાર મોટરસાઇકલને દોરીને ચાલતી વખતે સુરેશ પટેલ મનોમન બળાપો કાઢતો હતો. સફેદ ઝભ્ભો પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો. મોબાઇલની રિંગ વાગી એટલે એ અટકયો. મહાપ્રયત્ને બાઇકને સ્ટેન્ડ પર ચઢાવીને એણે ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢ્યો. બપોરે બાર વાગ્યે સૂર્ય બરાબર માથા ઉપર હતો. ‘બોલ હાર્દિક...’ સ્ક્રીન ઉપર નામ જોઇને એણે થાકેલા અવાજે કહ્યું, ‘હું ને અવનિ તારા ઘેર આવીને બેઠાં છીએ. ભાભીએ કહ્યું કે તું બાપુનગર બાજુ ક્યાંક લાૈકિકે ગયો છે. કેટલી વારમાં આવે છે?’

‘આરામથી બેસો. એકાદ કલાકમાં આવું છું.’

‘સામેના પાર્ટીપ્લોટમાં મેરેજમાં આવ્યાં છીએ. તું શાંતિથી આવ. અમે જમ્યા પછી નિરાંતે આવીશું.’

‘શ્યોર...’ સુરેશે થાકેલા અવાજે રામકહાણી સમજાવી. ‘અમારી ઓફિસમાં તપોધનસાહેબ છે એમના બાપા મરી ગયા. બાપુનગરથી આગળ છેક હાઇવે પાસે રહે છે. સવારે સાત વાગ્યે પહોંચી ગયેલો. એમની સાથે જ શબવાહિનીમાં બેસીને સ્મશાને ગયેલો. હમણાં પાછા આવ્યા. પછી ઘેર આવવા નીકળ્યો ત્યાં રસ્તામાં બાઇકને પંચર પડ્યું. સાવ ભંગાર રસ્તા ઉપર બાઇકને દોરીને પંચરવાળાને શોધું છું. સાવ અજાણ્યા એરિયામાં છેંતાળીસ ડિગ્રી તાપમાં ભૂખ્યો-તરસ્યો રખડું છું... તમે લોકો જમીને ચોક્કસ આવજો. ત્યાં સુધીમાં તો ઘેર પહોંચી જઇશ.’

વાત પૂરી કરીને સુરેશે મોબાઇલ ખિસ્સામાં મૂક્યો. રૂમાલ કાઢીને પરસેવો લૂછયો અને બાઇકને દોરીને આગળ વધવાનું ચાલુ રાખ્યું. ઇન્ડિયા કોલોની પહોંચ્યા પછી કોઇકે માહિતી આપી કે આગળ ચાર રસ્તા પાસે પંચર બનાવે છે.

ચાર રસ્તે પહોંચીને સુરેશે ચારે બાજુ નજર ફેરવી. સામે એક નાનકડી હોટલ હતી. એની બાજુમાં રોડ ઉપર પંચરવાળો બેઠો હતો. ગરમીથી બચવા માટે મોટી છત્રીની નીચે બેસીને એ છાપું વાંચતો હતો. સુરેશ બાઇક લઇને ત્યાં પહોંચ્યો. કોઇ કંપનીની જાહેરાતવાળી એની રંગીન છત્રી માત્ર એને એકલાને તડકાથી રક્ષણ આપી શકે એવી હતી. ‘અડધા કલાક ઉપર થશે. આરામથી ક્યાંક છાંયે બેસો...’ એની સલાહ સાંભળીને સુરેશે આજુબાજુ નજર ફેરવી. હોટલ ઉપર મોટા અક્ષરે લસ્સીના ભાવ લખ્યા હતા.

બાર રૂપિયાથી પાંત્રીસ રૂપિયા સુધીની લસ્સી મળતી હતી. કકડીને ભૂખ લાગી હતી. લસ્સીથી રાહત મળશે એ આશા સાથે એ હોટલમાં ઘૂસ્યો. છેક અંદર પંખા નીચેની ખાલી જગ્યા જોઇને એ ત્યાં ગોઠવાયો. વેઇટર પાણી લઇને આવ્યો. ‘લસ્સી લાવ...’ સુરેશે ઓર્ડર આપ્યો. ‘કઇ?’ વેઇટરે પૂછ્યું. ‘બાર રૂપિયાવાળી સાદી.’ સુરેશે તરત કહ્યું. કાજુના ત્રણ-ચાર ટુકડા નાખીને બારને બદલે વીસ રૂપિયા પડાવી લે એના માટે સુરેશ તૈયાર નહોતો.

વેઇટર પૂરી પંદર મિનિટ પછી આવ્યો. એણે ટેબલ ઉપર લસ્સીનો જે ગ્લાસ મૂક્યો એ જોઇને સુરેશ ચમકયો. ખાસ્સો મોટો ગ્લાસ અને જાડી મલાઇની તર ઉપર ઠાંસી ઠાંસીને કાજુ-દ્રાક્ષ ભરેલાં. ‘અલ્યા, લોચો માર્યો. આ પાંત્રીસવાળી લસ્સી મેં નહોતી મંગાવી.’ જવાબમાં વેઇટરે કશું બોલ્યા વગર કાઉન્ટર તરફ આંગળી ચિંધી. ગરદન પાછળ ઘુમાવીને સુરેશે કાઉન્ટર સામે જોયું. તાલવાળા જાડાપાડા માણસને જોઇને એને કંઇ ઓળખાણ ના પડી. આરામથી લસ્સી પીને આવ. જાડિયાએ ઇશારાથી સૂચના આપી. લસ્સી સરસ હતી. લસ્સી પતાવીને સુરેશ કાઉન્ટર પાસે જઇને ઊભો રહ્યો.

‘સુરિયા, હું તને ઓળખી ગયો પણ તને ટ્યૂબલાઇટ નથી થઇ.’ ગૂંચવાયેલો સુરેશ હજુ એના ચહેરા સામે તાકીને બાળપણના મિત્રોના ચહેરા યાદ કરી રહ્યો હતો. ‘માથા ઉપરના બધા વાળ જતા રહ્યા છે અને શરીર ત્રણગણું વધી ગયું છે એટલે હવે મારે જ ઓળખાણ આપવી પડશે. ચંદુ સોમાણીનો ચહેરો યાદ કર.’

‘ધત્ તેરે કી.’ સુરેશે બંને હાથે કાનની બૂટ પકડી અને અંદર જઇને ચંદુની પાસે ખુરશી પર બેઠો. ‘સત્તર વર્ષે આવી રીતે તું મળી જઇશ એવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું. લીંબડી છોડ્યા પછી તને પહેલી વાર જોયો. હોટલ સારી જમાવી છે એ જોઇને ખરેખર આનંદ થયો.’

‘સુરિયા, તું મને નથી ઓળખતો? મારા નસીબમાં હોટલની માલિકી હોય ખરી? આખી જિંદગી મિત્રોની મહેરબાનીથી આપણી ગાડી દોડી છે. વનાળાના દિલુભા રાણા તો યાદ છે ને? એમની હોટલ છે. મહિને એકવાર એ હિસાબ લેવા આવે. બાકી રોજેરોજનો કારભાર મારે સંભાળવાનો.’ ચંદુના અવાજમાં લાગણીની ભીનાશ ભળી. ‘બપોરે હોટલમાં ભીડ ના હોય ત્યારે ક્યારેક વિચારવાયુ થઇ જાય. કુદરત મારી સામે પડી છે.

એકેએક ડગલે મુશ્કેલી ઊભી થઇ છે પણ દર વખતે કોઇક દોસ્તારે હાથ પકડીને ઉગારી લીધો છે. યાદ કર. આઠમા ધોરણમાં ડાકોર-ગળતેશ્ચરની ટૂરમાં શું થયું હતું? તરતાં નહોતું આવડતું ને દોઢો થઇને ગળતેશ્ચર નદીમાં પડેલા પછી ડૂબતો ત્યારે ચીસાચીસ કરી મૂકેલી, એ વખતે બામણ બોડિeંગવાળા જગાએ કૂદકો મારીને બચાવી લીધેલો. એ તો મને ભૂલી ગયો હશે પણ ટીવી ઉપર એનો કોમેડી પ્રોગ્રામ જોઉં ત્યારે તરત યાદ કરું... જીવ બચાવેલો એ અહેસાન કેમ ભુલાય.’

બધા ભાઇબંધોમાં ચંદુ સૌથી ભોળિયો અને ગરીબડો હતો. સુરેશને જોઇને એ અત્યારે લાગણીશીલ બની ગયો હતો.‘અંકેવાળિયાના ત્રણેય દરબાર છોકરાંઓએ ઝઘડો કરીને મને મારવા લીધેલો ત્યારે તું જ મારી પડખે ઊભો રહ્યો હતોને? તેં એમને ધમકાવી કાઢેલા એ પછી એમણે મને વતાવવાનું છોડી દીધેલું. ચોમાસામાં ઘરની ભીંત બેસી ગઇ હતી ત્યારે મારી ભાઇબંધીને લીધે બિપીન દોશીએ આખા ઘરનાને એક મહિના સુધી આશરો આપેલો એ ગણ કેમ ભુલાય? મેટ્રિકની પરીક્ષામાં પહેલા ધડાકે પાસ કઇ રીતે થયેલો? ગણિત અને વિજ્ઞાનમાં મને ચોખ્ખું દેખાય એ માટે પંકજ ત્રિવેદીએ મોટા મોટા અક્ષરે પેપર લખેલા.

એ તો અત્યારે ડોક્ટર થઇને લીંબડીમાં જામી ગયો છે.’ ચંદુ આભારવશ અવાજે મિત્રોનું સ્મરણ કરી રહ્યો હતો. ‘બાપાને એક્સિડન્ટ થયો અને હોસ્પિટલમાં રાખ્યા ત્યારે મારામાં ક્યાં પહોંચ હતી? તમે બધા ભાઇબંધોએ બધું સંભાળી લીધું હતું. એ પછી મોટી બહેનના લગ્નમાંય કેવી તકલીફ થયેલી? અઠવાડિયું બાકી હતું ને બધા દાગીના ચોરાઇ ગયા હતા. બાપાની બુદ્ધિ તો બહેર મારી ગયેલી. ગાંડા જેવા થઇ ગયેલા. એ વખતે તમે સાત-આઠ દોસ્તારોએ ઘરમાં વાત કરીને જે ટેકો કરેલો એ ઉપકાર તો ક્યારેય નહીં ભુલાય. ખડેપગે ઊભા રહીને જાનને એવી સાચવેલી કે એ લોકો રાજી રાજી થઇ ગયા હતા.’ ચંદુએ ગળગળા અવાજે ઉમેર્યું. ‘બાપા મરી ગયા ત્યારે હું તો સાવ ભાંગી પડેલો. તમે બધા ભાઇબંધોએ જ બધું સંભાળી લીધેલું. ખરેખર, જ્યારે જ્યારે મુશ્કેલી આવી ત્યારે ભાઇબંધોએ જ બચાવી લીધો છે.’

ચંદુએ વેઇટરને ઇશારો કરીને બીજી લસ્સી લાવવા કહ્યું. સુરેશે ના પાડી પણ આળા હૈયાના ચંદુના આગ્રહ પાસે એ ઝૂકી ગયો. બીજી લસ્સી પીધા પછી સુરેશને લાગ્યું કે હવે ઘેર જઇને જમવાની જરૂર નહીં પડે. ઘરનું સ્મરણ થયું કે તરત એણે ચંદુ સામે જોયું. ‘તારી મિસિસ તો સુરેન્દ્રનગરની છે ને? મને કોઇકે વાત કરેલી કે ચંદુડો ફાવી ગયો. સહેજ મોડાં લગ્ન થયાં પણ હેમા માલિની જેવી રૂપાળી બૈરી મળી છે એવું કહેલું. સંતાનમાં શું છે?’

‘એ કથા બહુ લાંબી છે.’ ચંદુનો અવાજ ઢીલો થઇ ગયો. ‘એમાંય મેળ નહોતો પડતો ત્યારે આપણા કલાસમાં ગુણિયો હતોને? એને દયા આવી અને ભાઇબંધ તરીકે મદદ કરીને એના મામાની છોકરી હંસા જોડે નક્કી કરાવી આપેલું. મારું ઠેકાણું પડે એ માટે એ બાપડાએ આંગળી ચિંધી પણ મારું નસીબ ફૂટેલું એટલે લગ્ન પછી એકેય દાડો શાંતિથી જીવવા નથી મળ્યું. માથા ઉપર આ ટાલ અમસ્તી નથી પડી. કુદરતે એવાં ટપલાં માર્યાં છે કે વાત ના પૂછ.’

ચંદુએ નિરાશાથી માથું ધુણાવ્યું. ‘હંસા રૂડી-રૂપાળી કાચની પૂતળી જેવી પણ જમીનથી બે વેંત અધ્ધર ચાલે. મારી દશા સાવ સાધારણ અને એ સુખી ઘરની એટલે ઘરમાં મહારાણીની જેમ રહે. મને એમ હતું કે ઘરમાં વહુ આવશે એટલે બિચારી બાને કામમાં રાહત રહેશે પણ હંસા તો અમને મા-દીકરાને મગતરાં સમજતી હતી. મારી દશા જોઇને બાનો પણ જીવ બળે. ઘરમાં કામ ન કરે અને બેસી રહે એમાં બાને કોઇ વાંધો નહોતો પણ એની જીભ કાતર જેવી. વાતે વાતે બાને ઉતારી પાડે. શરૂઆતમાં મગજ ઉપર બરફ રાખીને સહન કર્યું પણ એમાં એને એવું લાગ્યું કે આ મા-દીકરો મારાથી દબાઇ ગયાં છે એટલે એ ડબલ જોરમાં આવી ગઇ.’

‘ખરી ઉપાધિ કહેવાય.’ સુરેશે કહ્યું.

‘આવી બૈરી જોડે કઇ રીતે જીવાય?’

‘એમાંય છેલ્લે છેલ્લે તો એ સાવ નફ્ફટ થઇ ગયેલી. સાવ છેલ્લા પાટલે બેસી ગયેલી. કપ-રકાબી ધોતી વખતે બાના હાથમાંથી થાળી છટકી અને એક્સાથે છ કપ તૂટી ગયા. એમાં બન્યું એવું કે એ મોંઘા ભાવના કપ-રકાબી એ એના બાપના ઘેરથી લાવેલી એટલે એની કમાન છટકી. બધી મર્યાદા મૂકીને એણે મારી બા ઉપર હાથ ઉપાડ્યો. બાપડી ઘરડી બા રડવા સિવાય શું કરે? બસ, એ પછી તો એ વંતરીને મજા પડી ગઇ. બા કંઇક બોલે તો સીધો હાથ ઉપાડે એવી આતંકવાદી બની ગઇ હતી.’

‘આ તો હદ કહેવાય!’ સુરેશે તરત કહ્યું.

‘મેં એને હાથ જોડીને કહ્યું કે હે જોગમાયા! હવે હદ થાય છે. છુટાછેડા લઇને તું તારા બાપને ઘેર જા અને અમને શાંતિથી જીવવા દે. પણ એ રૂપસુંદરીએ રોકડું પરખાવ્યું કે તમને મા-દીકરાને રોડ પર લાવી દઇશ. પોલીસમાં ફરિયાદ કરીને સિળયા ગણાવીશ. પગ પછાડીને કહે કે મરી જઇશ તોય છુટાછેડા નહીં આપું. મારી જિંદગી બગાડી છે એટલે અહીં રહીને તમારું લોહી પીશ...’

‘પછી?’ સુરેશે જિજ્ઞાસાથી પૂછ્યું. આ ભોળિયા ભાઇબંધની લાચારીની વાત સાંભળીને એ હચમચી ઊઠ્યો હતો.‘ગોદડ ભરવાડનો જીવણો યાદ છેને? જીવણ ભરવાડ એ વખતે પણ ભારે ભારાડી હતો. વડના વાંદરા પાડે એવો ખેપાની હતો.’‘તોય તારે એની જોડે સારું બનતું હતું.’ સુરેશે યાદ કર્યું.

‘એ અહીં બાપુનગરમાં રિક્ષા ચલાવે છે. બીજી છ-સાત રિક્ષાનો માલિક છે. શટલિયા તરીકે ભાડે આપે છે. એક દિવસ અચાનક એ ચા પીવા આવ્યો અને હું એને ઓળખી ગયો. હરામના પૈસા આવે એટલે હીરોની જેમ સ્ટાઇલમાં રહેવાની એને ટેવ. મને જોઇને તરત ઓળખી ગયો અને ભેટી પડ્યો. દોઢ કલાક બેસીને બાળપણની ધીંગામસ્તીના દિવસો યાદ કર્યા. મેં એને ઘેર આવવાનું કહ્યું એટલે બીજા દિવસે એ ઘેર આવ્યો. તરત બાને પગે પડ્યો. એ પછીના અઠવાડિયે જ વિદ્યાપીઠમાં મોરારિબાપુની કથા હતી. જીવણો એની રિક્ષામાં બાને સવારે વિદ્યાપીઠ મૂકી આવે અને સાંજે પાછાં લઇ આવે.’

સહેજ અટકીને ચંદુએ ઊંડો શ્ચાસ લીધો. ‘રૂપાળા બૈરાના મગજને સમજવામાં ખુદ ભગવાન પણ થાપ ખાઇ જાય. પહેલી નજરે જ હંસા અને જીવણની વચ્ચે તારામૈત્રક રચાઇ ગયું હતું એની મને તો બહુ મોડી ખબર પડી. હું તો સવારથી રાત સુધી અહીં હોઉં. બાને કથામાં મૂકી આવીને જીવણો સીધો મારા ઘરે જતો હતો! એ આઠ દિવસમાં એ બંને વચ્ચે એવી કેમિસ્ટ્રરી જામી ગઇ કે નવમા દિવસે તો બંને ભાગી ગયાં! આજની ઘડી ને કાલનો દીં... આજકાલ કરતાં છ વર્ષ વીતી ગયાં. જલસો થઇ ગયો. હું અને બા આરામથી જીવીએ છીએ... સુરિયા! મેં તને કહ્યું ને કે ગમે તેવી ઉપાધિ હોય ત્યારે ભાઇબંધોએ જ મને ઉગાર્યો છે!’ એ બોલતો હતો. સુરેશ એના ભોળિયા ચહેરા સામે તાકી રહ્યો હતો.

(શીર્ષક પંક્તિ : લેખક)

Monday, February 1, 2010

ફળે છે બધી ક્યાં દુવાઓ નિરંતર

ફળે છે બધી ક્યાં દુવાઓ નિરંતર
સતાવે બધા શ્રાપ ડંખે નિરંતર


‘ખોખાણી સાહેબ, આવું?...’


‘યસ... પ્લીઝ...’ બેંકના મેનેજરે બારણાં સામે નજર કરી. ત્રીસેક વર્ષનો યુવાન સહેજ સંકોચ સાથે ઊભો હતો. એમણે આવવાની રજા આપી એટલે એ અંદર આવ્યો. ચેમ્બરમાં ટેબલની સામે મુલાકાતીઓ માટેની જે ખુરશીઓ હતી એની પાસે આવીને એ ઊભો રહ્યો.


‘બેસો...’ પોતે બેસવાનું નહીં કહે ત્યાં સુધી એ થાંભલાની જેમ ઊભો જ રહેશે એવું લાગ્યું એટલે ખોખાણીએ હોઠ પર સ્મિત ફરકાવીને એને આદેશ આપ્યો.


‘એક અંગત કામ હતું...’ ખુરશી પર ઉભડક બેસીને એણે પોતાના હાથમાં હતી એ પાતળી ફાઇલ ટેબલ પર મૂકી અને ધીમા અવાજે બોલ્યો. ‘એમાં આપની સલાહ લેવાની છે.’


‘જો દોસ્ત, એક વાત સમજી લે...’ મામલો સહેજ વિચિત્ર લાગ્યો એટલે ખોખાણીએ સ્પષ્ટતા કરી. કોઈની અંગત વાતમાં સલાહ આપવાનું મારું કામ નથી. બેંકને લગતું કંઈ કામ હોય તો બોલો...


‘કામ તો એવું જ છે...’ એ યુવાને ફાઇલ ખોલી. એમાંથી ફિક્સ ડિપોઝિટની રસીદ કાઢીને ખોખાણી સામે લંબાવી. ખોખાણીએ રસીદ ચકાસી. આવતા મહિને એ ડિપોઝિટ પાકતી હતી. હેમંત જોશી અને ભારતી જોશી બંને પતિ-પત્નીના નામે સંયુક્ત ડિપોઝિટ હતી.


‘આવતા મહિનાની સોળમી તારીખે પૈસા મળી જશે...’ ખોખાણીએ એની સામે જોઈને કહ્યું : ‘પૂરા બાવન હજાર રૂપિયા મળશે...’ તમારું ને તમારા મિસિસનું જોઇન્ટ એકાઉન્ટ તો છેને?


‘એની જ આખી રામાયણ છે...’ હેમંત મૂળ વાત પર આવ્યો. ‘આ એફ.ડી. કરાવી ત્યારે તમારી બેંકમાં જોઇન્ટ એકાઉન્ટ હતું. ગયા વર્ષે જ બંધ કરાવી દીધું...’ હેમંતના ચહેરા ઉપર વેદનાની ઝલક તરવરી ઊઠી.


‘જીવતરના ખાતા જ અલગ થઈ ગયા પછી બેંકમાં ભેગું ખાતું રાખીને શું ફાયદો? આઠ મહિના પહેલાં જ છૂટાછેડા થઈ ગયા! હવે તમે સલાહ આપો કે આમાં શું કરવું? એ બાઈએ મને ચૂસી લીધો છે. મારા આખા ફેમિલીને બરબાદ કરી નાખ્યું છે....’


‘મારી વાત સાંભળ...’ એને અટકાવીને બેંકના મેનેજર તરીકે ખોખાણીએ સમજાવ્યું. ‘ડિપોઝિટનું ફોર્મ ભર્યું હશે ત્યારે એમાં ચોખ્ખું લખ્યું હશે કે પાકતી મુદતે પૈસા કોને મળે? એ વખતે તમે જે નક્કી કર્યું હશે એમાં અત્યારે મારાથી કોઈ ફેરફાર ના થઈ શકે. સમજાય છે મારી વાત?’


‘એ બધી કાયદા-કાનૂનની કથા કરો એ પહેલાં પાંચ મિનિટ મારી વાત સાંભળશો? પ્લીઝ...’


ગઈકાલે જ ત્રિમાસિક ક્લોઝિંગ પતી ગયું હતું એટલે ખોખાણીને આજે થોડી હળવાશ હતી. હેમંતના દયામણા ચહેરા સામે જોઈને એમણે આંખોથી જ સંમતિ આપી.


‘કપડવંજ પાસેના ગામડાનો બ્રાહ્મણ છું. ઘરડા મા-બાપ છે અને એક મોટો ભાઈ છે. જિંદગીભરની બચત રોકીને બાપાએ બાપુનગરમાં એક નાનકડો ફ્લેટ લીધેલો એમાં અમે ચારેય રહેતા હતા. મોટો ભાઈ બારમું ધોરણ પાસ અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.


એને એક મરાઠી છોકરી જોડે પ્રેમ થઈ ગયો પણ બા-બાપાએ ચોખ્ખું કહી દીધું કે અમારા જીવતેજીવ બીજી જ્ઞાતિની કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરવાના. મોટા ભાઈનો પગાર ટૂંકો અને હિંમત પણ ઓછી એટલે એણે બા-બાપાની વાત માની લીધી. જુદું ઘર વસાવીને પોતાનો સંસાર શરૂ કરવાની એની આર્થિક કે માનસિક તાકાત નહોતી....’


‘પ્લીઝ...’ ખોખાણીને લાગ્યું કે આ રીતે તો રાત્રે આઠ વાગ્યા સુધી એની કથા ચાલશે... સહેજ ટૂંકમાં...


‘સોરી...’ મોટો ભાઈ આજની તારીખે પણ કુંવારો છે. એણે બીજી કોઈ કન્યા સાથે લગ્ન ના કર્યા. હવે બાની ઉંમર થઈ હતી અને ઘરકામમાં તકલીફ પડતી હતી. એટલે એમણે મારા માટે કન્યાની શોધ શરૂ કરી દીધી. બી.કોમ. થયા પછી તરત મને એ.ઇ.સી.માં નોકરી મળી ગઈ હતી એટલે પરિવારની આર્થિક સ્થિતિ ઠીક ઠીક હતી.


એ જ અરસામાં મારો પરિચય વૈશાલી સાથે થયો. બસમાં સાથે અપ-ડાઉન કરતી વખતે અમારો પરિચય પ્રેમમાં પલટાયો. વૈશાલી પટેલ હતી એ છતાં મને વિશ્વાસ હતો કે મોટાભાઈના અનુભવ પછી બા-બાપા એને સ્વીકારશે, પણ મારી ધારણા સાવ ખોટી પડી.


એક સાથે આટલું બોલીને જાણે થાક લાગ્યો હોય એમ હેમંત અટક્યો. ખોખાણીના ટેબલ
પર પડેલો પાણીનો ગ્લાસ લઈને એણે એક ઘૂંટડે ખાલી કર્યો.


‘બા-બાપાએ વૈશાલી માટે ના પાડી એ પછી બીજા જ દિવસે મેં વૈશાલીને આખી પરિસ્થિતિ સમજાવી. એ ભોળી છોકરી ભીની આંખે મારાથી છૂટી પડી એ પછી ઘેરજઈને મેં બા-બાપાને કહી દીધું કે હવે તમે જ્યાં કહેશો ત્યાં પરણી જઈશ... એમણે બીજા જ મહિને અમારા ગામડાની બાજુના ગામની કન્યા પસંદ કરી લીધી અને આ રીતે ભારતી સાથે આર્યસમાજમાં સાદાઈથી મારા લગ્ન થયા.


લગ્ન પછી ગણીને દસ દિવસ ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહ્યું. એ પછી રોજ સવાર સાંજ મહાભારત સર્જાવા લાગ્યું. ભારતી આઠમું ધોરણ પાસ પણ મિજાજ બાર ખાંડીનો. મા-બાપની એકની એક દીકરી એટલે મોઢે ચડાવેલી. ટૂંકમાં ગામડા ગામનું રોંચુ મારા ગળે વળગાડવામાં આવ્યું હતું.


રોજ નોકરી પરથી ઘેર આવું ત્યારે ઘરમાં ભારેલા અગ્નિ જેવી દશા હોય. બા-બાપા ડઘાયેલી હાલતમાં ગુમસૂમ બેઠા હોય અને ભારતી તોબરો ચઢાવીને સોફા ઉપર પલાંઠી મારીને બેઠી હોય. ગમે તે એક પક્ષને કંઈક પૂછું એટલે તરત તૂ-તૂ-મેં-મેં શરૂ થઈ જાય અને રાતની રસોઈનું પણ ઠેકાણું ના પડે...’


હેમંતે સહેજ અટકીને ખોખાણી સામે જોયું. એ ઘ્યાનથી સાંભળતા હતા.


‘ભારતીની ગણતરી બહુ પાકી હતી. છ મહિનામાં એણે એવો ત્રાસ વરતાવ્યો કે બા-બાપાએ ઘર છોડ્યું. ગામડે અમારું ઘર હતું એટલી ઈશ્વરની મહેરબાની. મને દુ:ખ તો થયું પણ રોજ રોજના કંકાસ કરતાં એમને ત્યાં શાંતિથી જીવવા મળશે એમ માનીને મન મનાવ્યું.


બા-બાપાને પણ ભારતીની પસંદગી બદલ પસ્તાવો થતો હતો પણ એ નિર્ણય એમનો પોતાનો જ હતો એટલે શું કરે? બા-બાપાનું જીવન સાવ સાદું હતું એટલે દર મહિને હું જે રકમ મોકલું એમાંથી એ રોડવી લેતા હતા...’


ભારતીનો હવે પછીનો શિકાર મોટાભાઈ હતા. આ વાંઢાની નજર મેલી છે... બા-બાપાની વિદાય પછી ભારતીએ નવા દાવની શરૂઆત કરી... રોજ રાત્રે મારું લોહી પીવાનો આરંભ કર્યો... એ વાંઢો મારી સામે વિચિત્ર નજરે તાકી રહે છે. તમે એ હલકટને કહી દો કે ઘરમાં રહેવું હોય તો સીધી રીતે સજ્જનની જેમ રહે નહીં તો મારો હાથ ઉપડી જશે...


ભારતીના શબ્દો સાંભળીને હું હેબતાઈ ગયો. એ આટલી હલકી બાઈ હશે એની મને કલ્પના નહોતી. ઓફિસેથી એક વાર સહેજ મોડો ઘેર આવ્યો ત્યારે ઘરમાં આખું ટોળું અને ભારતી રણચંડી બનીને જેમ ફાવે એમ બોલતી હતી. મોટાભાઈના ચારિત્ર્ય ઉપર મનઘડંત આક્ષેપો મૂકતી હતી. હું ઘરમાં પ્રવેશ્યો એ પછી પાંચ જ મિનિટમાં મોટાભાઈ એમની બેગ લઈને નીકળી ગયા!


બંને હાથની કોણી ટેબલ પર મૂકીને હેમંતે એના ઉપર માથું ઢાળી દીધું. ‘બા-બાપાને આ કથાની ખબર પડી એટલે એમણે મને ઓફિસના સરનામે કાગળ લખીને જણાવ્યું કે જે થયું એ થયું પણ હવે એ તારી સાથે શાંતિથી રહે અને તને સુખેથી જીવવા દે તોય ઘણું...’


અર્ધી મિનિટના વિશ્રામ પછી હેમંતે આગળની કથા શરૂ કરી. ‘એ પછી મારે ત્યાં દીકરાનો જન્મ થયો. અને આ બાજુ ગામડે બાને લકવો થઈ ગયો. ભારતી પિયર હતી એટલે થોડો સમય ગામડેથી અપ-ડાઉન કરીને મેં બાની ચાકરી કરી. ત્રણ મહિના પછી ભારતી પુત્રને લઈને પિયરથી પાછી આવી ત્યારે એ પોતાની જાતને મહારાણી સમજતી હતી.


બા સાવ પથારીવશ થઈ ગયા. બા પાસે રહીને ચાકરી કરે એ માટે હું ભારતીને કરગર્યો પણ એણે નફ્ફટાઈથી કહી દીધું કે ચૂલામાં જાય તમારી બા...એ મરે કે જીવે મારે કેટલા ટકા?’


હેમંતે સહેજ અટકીને નિરાશાથી માથું ધૂણાવ્યું. ‘હવે આનાથી વધારે સહન કરવાની મારી તૈયારી નહોતી. આવી નાગણ જેવી સ્ત્રી સાથે આખી જિંદગી કઈ રીતે વિતાવી શકાય? છૂટાછેડાની અરજી કરી. એણે વધુ ચાલાક વકીલો રાખ્યા એટલે ફ્લેટ વેચીને ભાડે રહેવાના દિવસો આવ્યા છે.


રોકડા ત્રણ લાખ ભારતીના બાપાને આપવા પડ્યા અને હવે દર મહિને મારા પગારમાંથી ભરણપોષણની રકમ આપવી પડે છે અને એ બાઈમાં સ્ત્રી સહજ કોમળતા કે માતૃત્વની લાગણી પણ નથી. એક વર્ષનો દીકરો અમને સોંપીને એ જતી રહી છે.


બા પથારીવશ છે. ઘરડો બાપ રસોઈ બનાવે છે અને મારા દીકરાને રાખે છે. મોટાભાઈ સાથે બોલવાનો પણ સંબંધ નથી રહ્યો. ભાડાના ઘરમાં રહીને હું નોકરી કરું છું અને ભારતી માટે એનો બાપો બીજો મુરતિયો શોધે છે!’


હેમંતે ખોખાણીની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું. ‘સાહેબ, હવે તમે જ કહો. આ ડિપોઝિટની રકમમાંથી એને કંઈ આપવાનું મન થાય ખરું? મેનેજર તરીકે નહીં પણ એક સારા માણસ તરીકે સાચો રસ્તો બતાવો... એટલો વિશ્વાસ રાખજો કે એને આ ડિપોઝિટનું કંઈ યાદ નથી એટલે એને ક્યારેય કશી ખબર પડવાની નથી...’


ખોખાણી સાહેબનું મગજ ચકરાઈ ગયું હતું. એમણે ડિપોઝિટ નંબર લેપટોપમાં નાખીને ચકાસ્યું. સ્ક્રીન સામે તાકીને બે મિનિટ વિચાર્યુ અને પછી એમના હોઠ ફફડ્યા.


‘જો દોસ્ત, આ કેબિનમાં બેસીને આવી સલાહ ના અપાય એ છતાં તારી વાત સાંભળીને એક રસ્તો સૂઝે છે...’ મનમાં ભાવના અને કર્તવ્ય વચ્ચેના ઢાંઢાયુદ્ધમાં એમણે એક મિનિટ માટે કર્તવ્યને કોરાણે મૂક્યું.


‘આ ડિપોઝિટની પાછળ રેવન્યુ સ્ટેમ્પ લગાવીને તમારી બંનેની સહી જોઈશે. શુદ્ધ ગુજરાતીમાં લખી નાખવાનું કે આ રકમનો ચેક મારા પતિ હેમંત જોશીના નામનો મળે એવી વિનંતી. એટલું લખીને રેવન્યુ સ્ટેમ્પ ઉપર તારી સહીની નીચે ભાવનાની સહી કરી નાખવાની! એની સહીનો નમૂનો તો તારી પાસે હશે ને?...’


અહીં આવ્યા પછી પહેલી વાર હેમંતના ચહેરા પર લગીર હળવાશ ઝળકી. એ આભારવશ નજરે ખોખાણી સામે તાકી રહ્યો. ખોખાણી હજુ કંઈક વિચારતા હતા.


‘મારી એક વાતનો જવાબ આપ...’ થોડું વિચાર્યા પછી એમણે હેમંત સામે જોયું. ‘શક્ય હોય ત્યાં સુધી સાચો જવાબ આપજે. તારી આ વાત ખરેખર સાચી હોય તો તારી દયા આવે છે. ઈશ્વર આવી ઉપાધિ કોઈને કેમ આપતો હશે એ સમજાતું નથી... એક સાથે આટલું મોડું પીડાનું પોટલું તારા માથે જ કેમ મૂકી દીધું એણે?’


‘એમાં ઈશ્વરનો નહીં, મારો વાંક છે...’ હેમંતનો અવાજ ધ્રૂજતો હતો. ‘કોઈની કકળતી આંતરડીના નિ:સાસા લાગ્યા અને આખી જિંદગી બરબાદ થઈ ગઈ... ખરેખર મારી જ ભૂલની સજા ભોગવું છું. વૈશાલી પટેલ મને ખરા હૃદયથી ચાહતી હતી. મને પણ એટલી જ લાગણી હતી એના ઉપર.


બા-બાપાનું મન રાખવા માટે એને ના પાડી ત્યારે એ ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી એ દ્રશ્ય હજુય મારી આંખ સામે તરવરે છે...’ હેમંતના ધ્રૂજતા અવાજમાં ભીનાશ ભળી. ‘મારી સામે કોઈ ફરિયાદ કર્યા વગર એણે ઘેરજઈને ઊધઈની દવા પી લીધી... આત્મહત્યા કરતાં અગાઉ એ નિષ્પાપ છોકરીએ કેવા નિ:સાસા નાખ્યા હશે? સાહેબ, મારા એ પાપની સજા ભોગવું છું...’


એ બોલતો હતો. ખોખાણી સ્તબ્ધ બનીને સાંભળતા હતા.

Friday, January 22, 2010

જિંદગી આખી કસોટીનો ખરેખર ખેલ છે,

જિંદગી આખી કસોટીનો ખરેખર ખેલ છે,
કોણ હીરો કોણ પથ્થર જાણવું મુશ્કેલ છે

એક ગામમાં રહેવાનું અને જ્ઞાતિ પણ એક જ એટલે સ્વાતિને કહેવાની હિંમત નથી. ઇચ્છા તો ઘણી છે, પણ એનું મન કળ્યા વગર જોખમ ના લેવાય...’


કોલેજની બહાર ચાની કીટલી ઉપર ભીડ નહોતી એટલે રાકેશ એનું હૈયું ઠાલવી રહ્યો હતો. એ બોલતો હતો ત્યારે આનંદ એના ચહેરા સામે તાકી રહ્યો હતો. સ્વાતિ એ બંનેથી એક વર્ષ પાછળ હતી. આ બંને મિત્રો છેલ્લા વર્ષમાં હતા.


‘એક કામ કર. તારા ઘેર વાત કર. એ લોકો સ્વાતિના ઘેર જાય તો તકલીફ ના પડે...’ આનંદે હસીને સલાહ આપી.


‘એનો બાપ ઢીલિયો છે પણ એની મા ઝાંસીની રાણી જેવી છે.’ રાકેશ બબડ્યો. આખા ગામમાં આપણી જ્ઞાતિના ત્રણ ઘર મોટા ગણાય. તારું, મારું અને સ્વાતિનું. તારા બાપા અનાજનો હોલસેલ વેપાર કરે છે. મારા બાપા કાલા-કપાસમાંથી કમાય છે અને સ્વાતિના બાપાની કરિયાણાની દુકાન ધમધમાટ ચાલે છે.


ખરીદી કરવા એ અમદાવાદ જાય ત્યારે પણ એ ઝાંસીની રાણી જોડે જાય છે. વીણા એના વર અમૃતલાલને મુઠ્ઠીમાં રાખે છે એવું આખું ગામ કહે છે.


અચાનક રાકેશ અટક્યો. આંખો ઝીણી કરીને એણે આનંદ સામે જોયું. ‘તું કબૂલ કરે કે ના કરે પણ સ્વાતિ તનેય ગમે છે એની મને ખબર છે. મને શીખામણ આપવાને બદલે હિંમત હોય તો તું જ એને મોઢામોઢ કહી દે. નહીં તો તારા બાપાને વાત કર. સ્વાતિ જોડે તારું ચોકઠું ફિટ થઈ જાય તોય મને આનંદ થશે. મને ના મળી પણ મારા મિત્રને મળી એમ સમજીને રાજી થઈ જઈશ...’


‘તું હરામી છે...’ આનંદ હસી પડ્યો. ‘મને એ છોકરી ગમે છે એની ખબર છે છતાં લંગર નાખવાનું વિચારે છે? દાળ નહીં ગળે એવું લાગ્યું એટલે જાણે મારા ઉપર ઉપકાર કરતો હોય એવી વાત કરે છે...’ એણે ઊભા થઈને રાકેશના ખભે હાથ મૂક્યો.


‘નાનપણથી સાથે છીએ એટલે રગેરગથી ઓળખું છું તને...’ આનંદે હસીને ઉમેર્યું. ‘એ છોકરી તનેય ગમે છે અને મનેય ગમે છે. આપણા બંનેના ફેમિલીને એના ફેમિલી સાથે સારો સંબંધ છે. સ્વાતિની મમ્મી વીણાબહેનનું મિલેટ્રી મગજ છે એ આપણે બંને જાણીએ છીએ.


હવે મારી વાત સાંભળ. છોકરી પરણીને દૂર જાય એના કરતાં ગામમાં જ રહે એવું દરેક મા-બાપ ઇચ્છતા હોય છે. સ્વાતિ માટે વીણાબહેન જ્યારે વિચારશે ત્યારે આપણા બેમાંથી એક ઉપર એમણે પસંદગીનો કળશ ઢોળવો પડશે.


મારા આ શબ્દો લખી રાખ. આજે નહીં તો કાલે એમણે મારા કે તારા ઘરનું બારણું ખખડાવવું પડશે. આપણે સામેથી જવાની જરૂર નથી. હાથ જોડીને એ લોકો આવશે. મારી વાત ભેજામાં ઊતરે છે?’


‘તારી ધારણા સાચી છે...’ રાકેશે તરત કબૂલ કર્યું. ‘લોટરીની ટિકિટ આપણા બંને પાસે છે. ઇનામ એક જ છે એટલે કોનો નંબર લાગશે એ ઉપરવાળાના હાથમાં છે.’


‘ઉપરવાળાના નહીં, વીણાબહેનના હાથમાં છે. એમનું દિમાગ કમ્પ્યૂટર જેવું છે. અમૃતલાલ કંઈક ભૂલ કરે તો બધાની વચ્ચે ધૂળ કાઢી નાખે. ખોટું બોલે તો તરત પકડી પાડે એવી પાવરફૂલ લેડી છે.


એ માતાજી મુંબઈ, કલકત્તા કે મદ્રાસનો મુરતિયો શોધવાને બદલે ગામમાંથી જમાઈ શોધવાનું નક્કી કરશે તો આપણા બંનેનો ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ છે.’


બીજા કોલેજિયનો આવ્યા એટલે વાતનો વિષય બદલાયો.


પછી તો સમયના ચક્રની સાથે બધું બદલાતું રહ્યું. બે-અઢી વર્ષમાં તો આખા ગામની સૂરત બદલાઈ ચૂકી હતી. આનંદે પપ્પાના અનાજના ધંધામાં રસ લેવાને બદલે નાના પાયે શેરબજારમાં લે-વેચ શરૂ કરી હતી. બાપાની મૂડીની તાકાત ઉપર એ ગણતરીપૂર્વક સોદા કરીને કમાતો હતો.


ઇન્ટરનેટ દ્વારા બજારની રૂખ જાણીને અમદાવાદના બ્રોકર સાથે એ ફોનથી લે-વેચ કરતો હતો. રાકેશ એના બાપાની પેઢી ઉપર બેસી ગયો હતો. કાલા-કપાસમાં વધુ કમાણી કઈ રીતે થાય એના માટે એ મહેનત કરતો હતો.


સ્વાતિ પણ ગેજ્યુએટ થઈ ચૂકી હતી. અને એના માટે મુરતિયાની શોધ ચાલતી હતી એની આ બંને મિત્રોને ખબર હતી. એમાં પણ અમૃતલાલને બદલે બધો વહીવટ વીણાબહેનના હાથમાં હતો એની તો આખા ગામને ખબર હતી.



રવિવારે સવારે અરુણભાઈ અને ઇલાબહેન બહાર ગયા પછી આનંદ ઘરમાં એકલો હતો. બધા અખબાર લઈને એ હીંચકા ઉપર બેઠો હતો. અચાનક વીણાબહેન ઘરમાં પ્રવેશ્યા એટલે એ આશ્ચર્યથી ઊભો થઈ ગયો. વીણાબહેન એની સામે ખુરશીમાં બેઠા.


‘મમ્મી-પપ્પા નથી?’


‘એક જગ્યાએ ગયા છે. સાંજે આવશે...’ આનંદે વિવેકથી આગ્રહ કર્યો. ‘શું બનાવું? ચા કે કોફી?’


‘તને એવી તકલીફ નથી આપવી. સીધી મુદ્દાની વાત કરું છું. તારે સાચી સલાહ આપવાની છે...’ વીણાબહેને ખુરશી હીંચકાની નજીક લીધી. ‘સ્વાતિ માટે મુરતિયો શોધવા બહાર ટ્રાય કરી પણ વાત જામતી નથી એટલે વિચાર્યું કે છોકરી આંખ સામે રહે એ એ સૌથી સારું. કશું છુપાવ્યા વગર સાચે સાચો જવાબ આપ. તલકશીભાઈનો રાકેશ કેવો?’


વીજળી પડી હોય એમ આનંદ હચમચી ઊઠ્યો. લોટરીમાં રાકેશનો નંબર ખૂલ્યો હતો એ હકીકત સમજાયા પછી એણે વાત ઉપર કાબૂ મેળવી લીધો. ‘મારો ભાઈબંધ છે એટલે નથી કહેતો પણ ખરેખર રાકેશ ખંતીલો અને મહેનતુ છે. કોઈ વ્યસન નથી. સ્વભાવ પણ લાખ રૂપિયાનો.


સ્વભાવ થોડોક જિદ્દી ખરો. એક વાર નક્કી કરે એ કામ પૂરું કરવા માટે આકાશ-પાતાળ એક કરે. ગમે તેવી મુશ્કેલી આવે તોય આડો...અવળો રસ્તો શોધી કાઢે...’ સહેજ અટકીને આનંદે ઉમેર્યું. ‘ફેમિલીને તો તમે ઓળખો છો. છોકરો હીરા જેવો છે એ મારી ગેરંટી...’


‘થેંક્યુ બેટા...’ વીણાબહેને આભારવશ અવાજે કહ્યું. ‘સંતાનમાં જે ગણો એ આ એક દીકરી છે એટલે મા તરીકે સો ગરણે ગાળીને પાણી પીવું પડે. એના બાપાને ધંધામાંથી નવરાશ મળે નહીં. વળી, એ સાવ ભોળિયા એટલે મા તરીકે મારે મહેનત કરવી પડે...’


એમણે ઊભા થઈને તાકીદ કરી. ‘હવે આ વાત આપણા બે વચ્ચે રાખજે. ભવિષ્યમાં પણ મોં ખોલતો નહીં... સમજણ પડી?...’ આનંદે હકારમાં માથું હલાવ્યું. એ પછી વીણાબહેને હસીને ઉમેર્યું. ‘તને થોડીક તકલીફ આપી...’


થોડીક નહીં, બહુ તકલીફ આપી છે... આનંદ મનમાં બબડ્યો. પછી તરત હસીને વીણાબહેન સામે જોયું... ‘એમાં તકલીફ શાની? તમે પૂછવા આવ્યા એટલે સાચી વાત કહેવાની મારી ફરજ છે...’


એ ગયા પછી બે હાથ વચ્ચે માથું પકડીને આનંદ પલંગ ઉપર ફસડાઈ પડ્યો. અલ્યા સત્યવાદી, તારામાં અક્કલ છે કે નહીં? એણે જાતને ઠપકો આપ્યો... રાકલા વિશે સહેજ આડું-અવળું વેતરી નાખ્યું હોત તો ધડ દઈને એનું પત્તું કપાઈ જતું...


બીજી જ સેકન્ડે એણે જાતને ટોકી... રાકલો થોડો લબાડ છે પણ મિત્ર છે એટલે આવી વાતમાં એની પીઠ પાછળ છરી ના ભોંકાય. જે કર્યું છે એ સારું કર્યું છે... વિચારોના આટાપાટામાં એ અટવાઇ રહ્યો.


સાંજે વીણાબહેને રાકેશના ઘરનું બારણું ખખડાવ્યું ત્યારે તે ટીવી જોઇ રહ્યો હતો. એના મા-બાપ ઘરમાં નથી એની ખાતરી કરીને વીણાબહેન આવ્યા હતા. છતાં એમણે હસીને પૂછ્યુ ‘મમ્મી-પપ્પા નથી?’ ‘અમદાવાદ જિતુકાકાની ખબર કાઢવા ગયા છે.’ ટીવી બંધ કરીને રાકેશે હાથની આંગળીઓથી માથાના વાળ સરખા કર્યા.


‘જો ભાઇ, તારી મદદની જરૂર છે.’ વીણાબહેને સીધી વાત શરૂ કરી. ‘સ્વાતિને બહારગામ નથી આપવી. ગામમાં જ મુરતિયો મળી જાય તો અતિ ઉત્તમ. કોઇકે આંગળી ચીંધી કે અરુણભાઇનો આનંદ સારો છોકરો છે. પણ એકની એક દીકરી છે એટલે આંધળું સાહસ નથી કરવું. હું કોઇને વાત નથી કરવાની અને તારે પણ મોં બંધ રાખવું પડશે. તું તો એનો ભાઇબંધ છે એટલે સાચી સલાહ આપ કે આનંદ કેવો છોકરો છે?..’


ધરતીકંપ આવ્યો હોય એમ રાકેશ ખળભળી ઊઠ્યો. બીજી સેકન્ડે જાત ઉપર નિયંત્રણ મેળવીને એણે ચાલાકીથી શબ્દો ગોઠવ્યા. ‘મારું ક્યાંય નામ ના આવે એનું ઘ્યાન રાખજો.. સ્કૂલમાં પાક્કી ભાઇબંધી હતી પણ કોલેજમાં ગયા પછી એનું સર્કલ બદલાઇ ગયું.


એ સટોડિયાઓ અને જુગારીઓની કંપનીમાં ભળી ગયો એટલે મેં સંબંધ ઓછો કરી નાખેલો. ઘર સારું, ખોરડું ખાનદાન ગણાય પણ આ હીરો થોડોક આડા રવાડે ચઢી ગયો છે. મને કોઇ આડી-અવળી લાઇન ફાવે નહીં એટલે મેં બાપાનો ધંધો સંભાળી લીધો.


એનેય એના બાપાએ પેઢીએ બેસવાનું કહેલું પણ ઓછી મહેનતે સટ્ટામાંથી પૈસા મેળવવાની આદત પડી ગઇ હોય પછી પેઢીમાં મજૂરી કરવાનું ક્યાંથી ગમે? આખો દિવસ શેરબજારનો સટ્ટો રમ્યા કરે છે.’


રાકેશે વીણાબહેનની આંખોમાં આખો પરોવી. ‘બીજી કોઇ ખામી નથી એનામાં પણ જુગારી સ્વભાવ છે. ગમે ત્યારે બાપાની પેઢીનું ઉઠમણું કરાવશે એવી મને બીક છે. મારા ઉપર વિશ્વાસ રાખીને તમે પૂછ્યું એટલે સાચી વાત કહેવાની મારી ફરજ. બાકી તમારી મરજી...’


વીણાબહેન વિચારમાં ડૂબી ગયા હતા. હળવે રહીને એ ઊભા થયા. ‘મારું નામ ના આવે એનું ઘ્યાન રાખજો..’ રાકેશે વિનંતી કરી. ‘કારણ વગર એવા માણસ સાથે દુશ્મનાવટ ઊભી કરીને શું ફાયદો?...’


વીણાબહેન રવાના થયા ત્યારે રાકેશના હોઠ પર વિજયનું સ્મિત રમતું હતું.


‘બીજો સારો ઝભ્ભો પહેરો..’ બીજા રવિવારે અમૃતલાલ તૈયાર થતા હતા ત્યારે બનીઠનીને ઊભેલા વીણાબહેને સૂચના આપી. ‘છોકરીનું માગું લઇને વેવાઇના ઘેર જઇએ છીએ એટલું તો ભાન રાખો..’


‘મને હજુ સમજાતું નથી..’ અમૃતલાલે નિખાલસતાથી કહ્યું. ‘રૂપે-રંગે બેઉ લગભગ સરખા છે. ભણતર પણ સરખું છે. બંને ઘર ખાનદાન છે એટલે બેમાંથી એકેય ઘરમાં સ્વાતિને તકલીફ પડે એવું નથી.. આ બેઉ હીરામાંથી તેં પસંદગી કઇ રીતે કરી ?’


પતિનો સવાલ સાંભળીને વીણાબહેનના હોઠ મલક્યા. ‘આપણે બધું લઇને તો ઉપર જવાના નથી. જે કંઇ છે એ દીકરી જમાઇને જ મળવાનું છે. દીકરી સુખી થાય એ માટે આમ તો બેઉ ઘર સરખાં જ લાગતાં હતાં. પણ આપણે તો જમાઇને પારખવાનો હતો. માણસના મનને તાગવાનું કામ સહેલું નથી.


એની પરીક્ષા કરવા માટે એનું મન કેટલું સાફ છે એ જ ચકાસવું પડે. ગયા રવિવારે વારા ફરતી બંનેને મળીને એકબીજા વિષે પૂછ્યું. રાકેશ વિષે પૂછ્યું ત્યારે આનંદે સાફ દિલથી એના વિશે સાવ સાચો અભિપ્રાય આપ્યો. જ્યારે રાકેશે ગણતરી કરીને આનંદને ખરાબ ચિતરાવાનો પ્રયાસ કર્યો.


જે માણસ સ્વાર્થ માટે થઇને મિત્ર વિશે ખોટું બોલી શકે એના ઉપર ભરોસો ના મુકાય. આનંદ શેરબજારનું કરે છે પણ એમાં માપી માપીને જોખમ લઇને કમાય છે એની માહિતી મેં મેળવી લીધી હતી. રાકેશે એની આ આવડતને જુગાર કહીને મારી આંખે પાટા બાંધવા પ્રયત્ન કર્યો પણ વીણાને પારખવામાં એ છોકરો થાપ ખાઇ ગયો.


જમાઇ થોડોક નબળો હોય તો ચાલે પણ સાફ દિલનો અને હોવો જોઇએ. બંનેની સાથે વાત કર્યા પછી લાગ્યું કે રાકેશ બહુ નાનો માણસ છે. એવા લુચ્ચા અને સ્વાર્થી માણસને દીકરી ના અપાય...’ વીણા બહેન બોલતા હતા. અમૃતલાલ અહોભાવથી એની સામે તાકી રહ્યા હતા.


(શિર્ષક પંક્તિ : લેખક)

Tuesday, January 12, 2010

સાંભળો તો એમ લાગે સાવ સાચી વાત છે

સાંભળો તો એમ લાગે સાવ સાચી વાત છે
સૂર્ય દેખાશે ગગનમાં ક્યાંક એવી રાત છે

‘અમદાવાદ આવી તો ગયો પણ લાગે છે કે ફેમિલી સાથે અહીં નહીં રહેવાય...’ નોકરીના ત્રીજા જ દિવસે આર. કે. ગુપ્તાએ સ્ટાફના મિત્રો પાસે બળાપો કાઢ્યો. સત્યાવીસ વર્ષનો રામ ખિલાવન ગુપ્તા યુ.પી.ના અંતરિયાળ ગામડામાંથી સીધો આવ્યો હતો. અહીં રહેતા દૂરના સગાએ બેન્કની નોકરીનું ફોર્મ ભરાવેલું એમાં ગુજરાતની પસંદગી કરેલી એમાં એ ભોળિયાનો નંબર લાગી ગયો હતો.

પહેલા બે દિવસ ઓફિસમાં ગૌરાંગ અને નીલાંગની સાથે રહ્યો એટલે આજે એણે હૈયું ખોલ્યું. ‘કાલે સાંજે છૂટીને મારા રિશ્તેદારની સાઇકલ લઈને કેટલાક એરિયામાં ફરી વળ્યો. બધે ફ્લેટનું ભાડું એટલું માગે છે કે બે ટાઇમ ફેમિલીને જમવા આપે તોય ના પરવડે...’

‘તું વારેઘડીએ ફેમિલી ફેમિલી કહે છે તો કુલ કેટલા માણસો છે તારા ફેમિલીમાં? ગૌરાંગે પૂછ્યું, ‘હું ને મારી મિસિસ હજુ એક વર્ષ પહેલાં લગ્ન થયા છે. પણ અમારા યુ.પીમાં ફેમિલી કહેવાનો રિવાજ છે..’

ગૌરાંગ અને નીલાંગ હસી પડ્યા.

‘આ રીતે સાઇકલ લઈને સાત દિવસ ફરીશ તોય મકાન ભાડે નહીં મળે...’ નીલાંગે એને સાચો રસ્તો બતાવ્યો. ‘રવિવારે છાપામાં ટચૂકડી જાહેરાતો આવે છે. એ જોઈને પ્રયત્ન કરવાનો. એમાંય સસ્તા ભાડા માટે દૂર જવું પડે... બોપલ પહોંચી જા...’

સોમવારે ઓફિસ આવીને એ નીલાંગ અને ગૌરાંગની સામે બેસી ગયો. ‘સવારે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી રખડ્યો. ત્રણેક જગ્યાએ સારો રિસ્પોન્સ મળ્યો છે. કાલે દેશમાં જઈને ફેમિલીને લઈને શનિવારે આવી જઈશ.

રવિવારે ફેમિલી સાથે બોપલ જઈશ અને ફાઇનલ કરી નાખીશ.’ એ જેટલી વાર ફેમિલી બોલતો હતો એ વખતે ગૌરાંગ અને નીલાંગ એકબીજાની સામે જોઈને મોં મલકાવતા હતા.

‘હાશ! પતી ગયું!’ બીજા સોમવારે આવીને એણે વધામણી આપી. ‘એક બંગલામાં પાછળના બે રૂમ સસ્તામાં મળી ગયા. પહેલીવાર એકલો જોવા ગયો હતો ત્યારે જ ગમી ગયેલું પણ એ વખતે ડોસાએ હા નહોતી પાડી અને ભાડું પણ પાંચ હજાર માગેલું. કાલે ફેમિલી સાથે ગયો તો ડોસાએ તરત હા પાડી દીધી. બે હજાર રૂપિયામાં રાજી થઈ ગયો!’

નીલાંગ અને ગૌરાંગે એકબીજાની સામે માર્મિક સ્મિત કર્યું પણ રામખિલાવનનું એ તરફ ઘ્યાન નહોતું.

‘આખા સ્ટાફને કહીને લાંબુ નથી કરવાનું. અહીંના મારા રિશ્તેદાર અને તમે બે... શુક્રવારે સાંજે મારા ઘેર જમવા આવવાનું છે..’ રામખિલાવને આગ્રહ કરીને નિમંત્રણ આપ્યું.એ સાંજે ગૌરાંગ અને નીલાંગને આશ્ચર્ય થયું. આટલા ઓછા ભાડામાં આટલી સગવડ?

ચારસો વારની પ્લોટમાં સરસ મજાનો બંગલો હતો અને એમાં પાછળના બે રૂમ રામખિલાવનને ભાડે મળ્યા હતા. ખાસ્સી ખુલ્લી જગ્યા હતી. જમણવાર ત્યાં જ ગોઠવાયો હતો. રામખિલાવનના જે સગાંઓ હતા એ બધા સાવ સામાન્ય સ્થિતિના હોય એવું લાગતું હતું.

રામખિલાવનની પત્ની સવિતાને જોઈને બંનેનું મોં આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું. બાવીસેક વર્ષના એ ગ્રામ્ય યુવતીનું રૂપ કેટરિના કૈફને પણ ઝાંખી પાડી દે એવું હતું. લાંબી પાતળી ગરદન, સાગના સોટા જેવી ઘાટીલી કાયા, ઢીંચણ સુધીના ભરાવદાર વાળ, તીણું નાક અને એકદમ ભોળી આંખો.

રામખિલાવને એ બંનેનો પત્ની સાથે પરિચય કરાવ્યો. એ પછી થોડે દૂર બેઠેલા પાંસઠ વર્ષના પુરુષ પાસે લઈ ગયો. ‘આ અમારા મકાનમાલિક અરવિંદભાઈ.’ રામખિલાવને પરિચય કરાવ્યો એ વખતે અરવિંદભાઈનું જમવાનું ચાલુ હતું.

જમવાનું પતાવીને નીલાંગ અને ગૌરાંગ બહાર નીકળીને પાનના ગલ્લા પાસે ઊભા રહ્યા. ‘આનું નામ નસીબ!’ નીલાંગ બબડ્યો ‘આવા ડોબાને આવી સરસ બૈરી મળી અને મફતના ભાવમાં મકાન પણ મળી ગયું!’

‘રામખિલાવનને જોઈને ડોસાએ ભાવ નહોતો આપ્યો પણ સવિતાને જોઈને એના મનમાં સળવળાટ થયો હશે એટલે પાંચને બદલે દોઢ હજારમાં તૈયાર થઈ ગયો.’ ગૌરાંગે તરત કહ્યું ‘આપણે એને મળ્યા ત્યારે પહેલી જ નજરે લાગ્યું કે આ નમૂનો ઘટિયા કિસમકા ચાલુ આદમી જેવો છે.’

‘રામખિલાવનને ચેતવવો પડશે. ગામડાની ગૌરીને આ લખાડ લપટાવી દેશે.’

‘આવી વાતમાં કોઈને સલાહ-સૂચન ના અપાય. કદાચ ખોટું લાગી જાય.’ ગૌરાંગે વ્યવહારુ વાત કહી ‘કોઈ પ્રોબ્લેમ થાય અને એ સામેથી કહે તો મદદ કરવાની પણ અત્યારથી આવું ના કહેવાય.’

દોઢ મહિના પછી જ એવી નોબત આવી ગઈ. શનિવારે બેન્કમાંથી નીકળ્યા પછી રામખિલાવન એ બંનેને એક હોટેલમાં લઈ ગયો. ‘તમને બંનેને મારા મોટાભાઈ જેવા માનું છું એટલે દિલ ખોલીને વાત કરું છું.’ રામખિલાવનનો અવાજ ઢીલો હતો.

‘હું તો આખો દિવસ બેન્કમાં હોઉ છું પેલો ડોસો એના બંગલામાં એકલો હોય છે એટલે ફેમિલીને પ્રોબ્લેમ થાય છે.’

રામખિલાવનને હવે ખ્યાલ આવી ગયો હતો કે ફેમિલી શબ્દ સાંભળીને આ બંનેને હસવું આવે છે એટલે એણે તરત વાક્ય સુધાર્યું ‘સવિતા બંગલામાં એકલી હોય છે અને ડોસો પાછળ આંટા મારે છે. આમ તો સવિતા આખો દિવસ બારણાં બંધ કરીને રૂમમાં જ પૂરાઈ રહે છે પણ કપડાં ધોવા માટે કે વાસણ ઘસવા માટે તો બહાર ચોકડીમાં આવવું પડેને?

એ કપડાં વાસણ કરવા બેસે એ વખતે પેલો તરત બહાર આવી જાય. બંગલો એનો છે એટલે પાછળની જગ્યામાં એ આંટા મારે એમાં એને રોકવો કઈ રીતે? જાણે આંટા મારતો હોય અને કસરત કરતો હોય એમ હળવે હળવે ચાલે અને એ વખતે એની કોડા જેવી આંખો તો સવિતાની સામે જ ખોડાયેલી હોય!

એ બાપડીએ થોડાક દિવસ જોયું પછી કાલે રડીને મને વાત કરી... હવે તમે જ કહો કે મારે શું કરવું?’

‘મકાન ખાલી કરી નાખવાનું’ નીલાંગે તરત રસ્તો બતાવ્યો. ‘ક્યારેક કંઈક બની જાય એ પછી માથાકૂટ કરવી એના કરતાં રાજીખુશીથી બીજું મકાન શોધી કાઢવાનું.’

‘એવું ના કરાય’ ગૌરાંગે તરત કહ્યું એક કામ કર. તારા બે-ચાર સગાંવહાલાંને સાથે રાખીને એ ડોસાને મળ એને સમજાવ કે આ ઉંમરે આવા ધંધા નથી શોભતા એના ઘરમાં બીજું કોણ કોણ છે?’

‘કોઈ નથી’ દુ:ખી અવાજે રામખિલાવન બબડ્યો. ‘ડોસી મરી ગઈ છે અને બધા સંતાનો અમેરિકા છે એટલે હરાયા ઢોરની જેમ અહીં એકલો રહે છે. રહેવા ગયા પછી આ વાતની ખબર પડી.’ સહેજ અટકીને એણે પોતાની મુશ્કેલી વર્ણવી. ‘મારા સગામાંથી કોઈને આ વાત કહેવાય એવી નથી.

દૂરનો કાકો છે એ પાણીપૂરી વેચે છે. બે મામા છે એ પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે. એમને વાત કરીએ તો સીધી લડાઈ કરવી પડે. એ લોકો ધારિયા અને ગુપ્તી લઈને આવી જાય અને પ્રોબ્લેમ મોટો થઈ જાય.’

એણે આશાભરી નજરે બંને સામે જોયું. તમારા જેવા સમજદાર માણસો મારી સાથે આવે તો કંઈક શાંતિથી વાત કરીને ઉપાય વિચારી શકાય.’

‘નો પ્રોબ્લેમ.. કાલે રવિવાર છે. બારેક વાગ્યે આવી જઈશું.’ બંને વતી ગૌરાંગે ખાતરી આપી.

રવિવારે બાર વાગ્યે બોપલની બધી સોસાયટીઓ સૂમસામ હતી. રસ્તા ઉપર પણ પાંખો ટ્રાફિક હતો. ગૌરાંગ અને નીલાંગ બંગલામાં પ્રવેશ્યા અને સીધા રામખિલાવનના રૂમમાં ગયા.

સવિતા નીચું જોઈને બેઠી હતી. એણે આ બંનેને ફરીથી આખી વાત કહી અને કહેતાં કહેતાં રડી પડી. ‘મૂવો આંખો ફાડીને તાકી રહે છે. મારે કપડાં-વાસણનો ટાઇમ થાય એ જ વખતે એને આંટા મારવાનું સૂઝે છે!’

‘ચિંતા ના કરો.’ ગૌરાંગે ઊભા થઈને કહ્યું ‘અમે વાત કરીએ છીએ.’ રામખિલાવન અને નીલાંગ પણ ઊભા થયા. ત્રણેય ધીમા પગલે આગળ વઘ્યા અને બંગલાના મુખ્ય દ્વારે પહોંચ્યાં.

‘વડીલ, આમ તો સાવ નાનકડી વાત છે પણ આ માણસ મૂંઝાયો છે એટલે અમારે આવવું પડ્યું.’ રામખિલાવન સામે હાથ લંબાવીને ગૌરાંગે અરવિંદભાઈ સામે જોઈને સીધી વાત શરૂ કરી.

‘એની મિસિસ ગામડાની છે પણ અમુક સૂઝ તો ઇશ્વરે દરેક સ્ત્રીને જન્મની સાથે જ આપેલી હોય છે. એ બહેન કપડાં-વાસણ કરતાં હોય એ સમયે તમે બહાર આંટા મારો છો એને લીધે એ બાપડીને મૂંઝવણ થાય છે. પ્લીઝ, એના મનના સમાધાન માટે તમારો કસરતનો સમય બદલો તો સારું.

તમારા મનમાં કંઈ હોય નહીં અને એ બિચારી ગેરસમજથી સતત ફફડતી રહે છે. તમારા જેવા વડીલ અને સમજદારને આનાથી વિશેષ કંઈ કહેવાની જરૂર નથી લાગતી.’

‘મારી વાત સાંભળશો?’ અરવિંદભાઈએ સામે બેઠેલા ત્રણેયની સામે જોઈને ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. ‘બે દીકરા અમેરિકા છે. પત્ની અવસાન પામી છે અને અહીં હું એકલો છું એટલે મારા વિશે આવી ગેરસમજ થાય એ સ્વાભાવિક છે.

હકીકત એ છે કે બે દીકરા ઉપરાંત મારી એક દીકરી પણ હતી. અમેરિકામાં એ ડોક્ટર હતી. ગયા વર્ષે કાર અકસ્માતમાં એ મૃત્યુ પામી ત્યારે આઘાતથી પાગલ થઈ ગયો હતો.

યુપીનો આ છોકરો મકાન ભાડે રાખવા આવ્યો ત્યારે ભાડે આપવાની ઇચ્છા નહોતી એટલે પાંચ હજાર ભાડું કહીને મેં એને ફૂટાડી દીધો હતો. બીજા અઠવાડિયે એ એની પત્નીને લઈને આવ્યો ત્યારે મારું મગજ ચકરાઈ ગયું. જાણે મારી દીકરી સાક્ષાત સ્વર્ગમાંથી ઊતરીને આવી હોય એવું મને લાગ્યું.

એજ નિર્દોષ ચહેરો અને એ જ ભોળી આંખો! ખરેખર કુદરત ક્યારેક કમાલ કરે છે. અદ્દલ મારી દીકરી જેવો ચહેરો જોઈને હું હચમચી ઊઠ્યો અને મફતના ભાવમાં બે રૂમ ભાડે આપી દીધા.’

સહેજ અટકીને એમણે ત્રણેયની સામે નજર કરી ‘બાપને દીકરીનો ચહેરો જોવાનું મન થાય એ તો લાગણીની વાત છે. આખો દિવસએ બિચારી ઘરમાં પૂરાઈ રહે છે એટલે માત્ર એ કપડાં-વાસણ કરતી હોય ત્યારે એના ભોળા ચહેરાના દર્શનની તક મળે છે. એ છતાં એને અને તમને તકલીફ પડતી હોય તો હવેથી બહાર આંટા નહીં મારું.. બસ?’

ત્રણેય શ્રોતાઓ સ્તબ્ધ બનીને સાંભળતા હતા એ જોઈને એમણે ઉમેર્યું ‘એક બાપને પોતાની સ્વર્ગવાસી દીકરીના ચહેરાની ઝલક જોવાથી જે સુખ મળતું હતું એ મારા નસીબમાં નથી એમ માનીશ તમે જરાય ચિંતા ના કરતા.’

હવે શું બોલવું એ ત્રણમાંથી એકેયને સૂઝતું નહોતું. એકબીજાની સામે જોઈને ત્રણેય ઊભા થયા અને ધીમા પગલે બહાર નીકળી ગયા.

ત્રીજા દિવસે સવારે રામખિલાવન ઓફિસે આવ્યો ત્યારે ગૌરાંગ અને નીલાંગ એની રાહ જોઈને જ બેઠા હતા.

‘એક કામ કર’ ગૌરાંગના અવાજમાં આદેશ હતો. ‘આપણા સ્ટાફમાં કાંતિકાકા છે એના ફ્લેટમાં એક રૂમ-રસોડું ખાલી છે. સાંજે એમની સાથે જઈને નક્કી કરી આવ અને શનિ-રવિમાં મકાન બદલી નાખ.’

‘કેમ? અચાનક વિચાર કેમ બદલાયો?’ રામખિલાવનના ચહેરા પર આશ્ચર્ય હતું.

‘તારા ભલા માટે...’ નીલાંગે ખુલાસો કર્યો.

‘રવિવારે એ ડોસાની વાતથી પ્રભાવિત થઈ ગયા હતા પણ કાલે તારી સોસાયટીના એક ભાઈ મળી ગયા એને પૂછ્યું. એ ડોસો સાવ હરામી છે, લબાડ છે અને જુઠ્ઠો છે એને કોઈ દીકરી છે નહીં અને હતી પણ નહીં... આખી વાર્તા એ નાલાયકે ઉપજાવી કાઢી હતી.

છ મહિના અગાઉ તારા જેવા જ કપલને આવી જ રીતે ભાડે આપેલું અને ડોસો બપોરે એના રૂમમાં ઘૂસી ગયેલો. બહુ મોટી બબાલ થયેલી અને પેલાએ આ ડોસાને ઝૂડી નાખેલો. તોય હજુ સુધર્યોનથી!’

રામખિલાવનનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું હતું.

(શીર્ષક પંક્તિ - લેખક)

Wednesday, January 6, 2010

સીમ આખી છે અમારું આગણું

સીમ આખી છે અમારું આગણું

ને અતિથિ થઇ તમે આવી ઊભા

‘મીના, તારી ભાભી ક્યાં ગઇ? વાતોનાં વડાં પછી કરજો. એને શોધીને જમવા બેસી જા.’ મનોજે કાંડા ઘડિયાળ સામે નજર કરી અને નાની બહેનને સૂચના આપી. ‘તારી ભાણી ત્યાં ઊભી છે. બૂમ પાડીને એને પણ પંગતમાં બેસાડી દે.

‘આપણે હજુ અમદાવાદ જવાનું છે. આ બધા તો હમણાં ઘરભેગાં થઇ જશે. આપણે એકસો સિત્તેર કિલોમીટર ડ્રાઇવ કરવાનું છે. પંગતમાં જગ્યા શોધીને બેસી જાવ.’

મનોજની પત્ની નીતા જમવા બેસી ગઇ હતી. ચિંતુ દોડીને મમ્મી પાસે જગ્યા શોધીને બેસી ગયો. આખી પંગતમાં બેઠેલી સ્ત્રીઓની નજર એ મા-દીકરા પર હતી. ભારેખમ સિલ્કની સાડી અને છવ્વીસ તોલાના દાગીનામાં ચમકતા હીરાની ચમકને લીધે નીતાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગતું હતું.

ચિંતુ પણ હીરો જેવો રૂપાળો દેખાતો હતો. ગળામાં સોનાની જાડી ચેઇન અને જમણા હાથમાં સોનાની લકી એણે આ લગ્નપ્રસંગ માટે જ પહેરી હતી. એ બંનેની પાસે મનોજની બહેન મીના અને એની દીકરી બેઠાં હતાં. એ બંનેએ પણ પ્રસંગને અનુરૂપ દાગીના પહેર્યા હતા.

મનોજે ટાઇનો નોટ ઢીલો કર્યો. પંગતમાં બેસવાની જગ્યા શોધવા એ આગળ વઘ્યો. ‘આવી જાવ એન્જિનિયર સાહેબ,..’ એક વડીલે બૂમ પાડીને એને બોલાવ્યો અને સહેજ ખસીને જગ્યા કરી આપી.

મનોજ જાનમાં આવ્યો હતો. જાન ભાવનગર વિદાય થઇ અને મનોજને પાછું અમદાવાદ જવાનું હતું એટલે કન્યાપક્ષવાળાએ આગ્રહ કરીને જમવા રોક્યો હતો.

જમ્યા પછી બધા ફટાફટ કારમાં ગોઠવાયા. મનોજે સ્ટિયિંરગ સંભાળ્યું. નીતા એની પાસે બેઠી હતી. ચિંતુ, મીના અને મીનાની ભાણી પાછળની સીટ પર બેસી ગયાં. બોટાદની બહાર નીકળ્યા પછી રાત્રે સાડા આઠ વાગ્યે સૂમસામ રોડ ઉપર અંધકાર વધુ ગાઢ લાગતો હતો. કાર સડસડાટ આગળ વધતી હતી. મ્યુઝિક સિસ્ટમમાં ફિલ્મી ગીતો વાગી રહ્યાં હતાં.

‘આ ગયું એ ખાંભડા.’ સાઇન બોર્ડ જોઇને મનોજે નીતાને સમજાવ્યું. ‘પહેલાં અહીંના પેંડા બહુ વખણાતા હતા.’ હાઇવેની આજુબાજુ સાવ નાનકડા ગામડાઓની ઝાંખી-પાંખી લાઇટો ઝડપથી પસાર થઇ જતી હતી. ‘આ રોડ ઉપર ટ્રાફિક નથી હોતો એટલે તમને ઉતાવળ કરવાનું કહેતો હતો.’

નીતાને કહેતી વખતે મનોજે રોડ ઉપર ગામનું નામ લખેલું સાઇનબોર્ડ મનમાં વાંચ્યું. ગુંદા-બેલા... ગામ તો ખાસ્સું એકાદ કિલોમીટર અંદર હતું એટલે ગામની લાઇટો ટમટમતાં કોડિયાં જેવી સાવ ઝાંખી દેખાતી હતી.

અચાનક કારનું વ્હીલ ધબાક દઇને બેસી ગયું. ટાયર બર્સ્ટ થઇ ગયું હતું! નીતાએ ચિંતાતુર નજરે મનોજ સામે જોયું. પાછળની સીટ પર અડધી ઊંઘમાં હતાં એ ચિંતુ, મીના અને એની ભાણી ઝબકીને જાગ્યાં.

‘હવે?...’ મનોજ બેબાકળો બનીને ટોર્ચ શોધી રહ્યો હતો. ત્યારે ચિંતુએ પૂછ્યું ‘ડિકીમાં સ્પેરવ્હીલ છે?’

‘લગભગ તો નથી.’ મનોજે નિરાશાથી માથું ધુણાવ્યું. ‘છતાં જોઇએ...’ ટોર્ચ લઇને એ બહાર આવ્યો. ભીષણ અંધકાર અને સૂમસામ રસ્તાને જોઇને નીતા રીતસર ગભરાઇ ગઇ હતી. બાપ-દીકરાએ ડિકી ખોલીને નિસાસો નાખ્યો.

‘જેક છે પણ વ્હીલ વગર કરવાનું શું?’

‘ભાભી, તમે સાડી ગરદન ફરતે લપેટી દો.’ મીનાએ આજુબાજુનો સૂનકાર જોઇને સલાહ આપી. ‘બધા દાગીના દેખાય નહીં.’

મીના આ બોલી એટલે મનોજને વાસ્તવિકતાનું ભાન થયું. આટલા બધા જોખમ સાથે રાતની આવી મુસાફરી કરવા બદલ એને અત્યારે પસ્તાવો થતો હતો. અજાણ્યા ભેંકાર રોડ પર બરાબરનાં ફસાયાં હતાં.

નીતા અને મીના મનોમન ગાયત્રીમંત્ર બોલતાં હતાં. મનોજનો ચહેરો પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. આવી સ્તબ્ધ પરિસ્થિતિમાં દસેક મિનિટ પછી બધાની આંખ ચમકી.

દૂરથી વાહનની હેડલાઇટનો પ્રકાશ દેખાયો. ખખડધજ મોટરસાઇકલનો અવાજ પણ સંભળાયો.

‘કોણ છો અલ્યા?’ છલાંગ મારીને મોટરસાઇકલ પરથી ઊતરેલા છ ફૂટ લાંબા પડછંદ યુવાને બધાની સામે જોઇને એ રીતે પૂછ્યું કે નીતા રીતસર હબકી ગઇ.

આ કોઇ ગુંડો-મવાલી હશે તો હમણાં છરી કાઢશે અને બધા દાગીના લઇ જશે. એ ફાટી આંખે પેલાની સામે તાકી રહી.

ત્રણ-ચાર દિવસની વધેલી દાઢી, પહોળા ખભા, તીણું નાક, ભરાવદાર મૂછ, સહેજ લાંબા અસ્તવ્યસ્ત વાળ, સાદાં બૂશર્ટ-પેન્ટ ઉપર એણે ગામઠી ખરબચડી શાલ ઓઢી હતી. ‘પાછળના વ્હીલમાં પ્રોબ્લેમ છે.’ મનોજનો અવાજ ધ્રૂજતો હતો. ‘સ્પેરવ્હીલ પણ નથી.’

‘જેક તો છે ને?’ એણે મનોજ, નીતા, ચિંતુ, મીના અને એની બેબી-બધાના ગભરાયેલા ચહેરા સામે જોઇને પૂછ્યું અને જેક લઇને પાછળના વ્હીલ પાસે બેસી ગયો. ચિંતુએ એને ટૂલકિટ આપી. મનોજ ટોર્ચ ધરીને ઊભો રહ્યો.

‘ક્યાંથી આવો છો?’ ‘બોટાદથી. અમદાવાદ સેટેલાઇટ રોડ પર રહીએ છીએ.’

એણે વ્હીલ કાઢીને મનોજ સામે જોયું. ‘બાબાને વ્હીલ લઇને મારી પાછળ બેસાડી દો. બોટાદ ગયા વગર મેળ નહીં પડે.’ નીતાના ચહેરા પર ગભરાટ હતો અને મનોજની આંખોમાં દ્વિધા. એ પારખવામાં એને વાર ના લાગી.’

‘જુઓ બહેન, મારું નામ કરણ ગઢવી છે. આ ગુંદા બેલા ગામ દેખાય છે ત્યાં મારું ઘર છે. જરાયે ચિંતા કર્યા વગર આરામથી ઊભા રહો. અહીંયા કોઇ જોખમ નથી. કોઇ પણ આવે તો કહી દેજો કે કરણ ગઢવીની બહેન છું.’

બીજો કોઇ વિકલ્પ નહોતો. વ્હીલ લઇને ચિંતુ એની મોટરસાઇકલની પાછળ બેસી ગયો. મનોજે ચિંતુને પૈસા આપ્યા. મોટરસાઇકલની પાછળની લાલ લાઇટ દેખાઇ ત્યાં સુધી બધા એ તરફ તાકી રહ્યા.

‘આ ચિંતુડાએ જીદ કરીને ચેઇન અને લકી પહેરી.’ નીતા રડમસ અવાજે બબડી. ‘આ માણસ સહેજ આગળ જઇને લાફો મારીને બધું લેશે તો? પછી બે-ચાર સાથીદારને લઇને અહીં આવીને આપણને લૂંટી લેશે તો?’

એ ફફડાટ તો મનોજના હૈયામાં પણ હતો. પણ પત્ની અને બહેનને હિંમત આપવા માટે એણે સમજાવ્યું. ‘માણસ આમ તો વ્યવસ્થિત લાગતો હતો. વળી, સામેના ગામનો જ છે. એણે એનું નામ પણ આપ્યું... કરણ ગઢવી.’

ઘડિયાળના કાંટા સામે તાકીને બધા ચૂપચાપ ઊભા રહ્યા. ‘તમે એને ઓળખતા હતા?’ પાંત્રીસ મિનિટ પછી નીતા રડવાની તૈયારીમાં હતી. એણે મનોજનો હાથ પકડીને હચમચાવ્યો.

‘તેણે નામ કહ્યું અને તમે માની લીધું અને એકના એક દીકરાને એની સાથે મોકલી દીધો. પૈસા માટે આજકાલ લોકો શું નથી કરતા? હે ભીમનાથદાદા! મારા ચિંતુની રક્ષા કરજે. ચેઇન અને લકી જાય તો મૂવા પણ મારા દીકરાને સલામત રાખજે.’

‘પ્લીઝ,’ મનોજે ધૂંધવાઇને કહ્યું, ‘શાંતિથી મનમાં ગાયત્રીમંત્ર બોલ. આડુંઅવળું વિચારવાનું બંધ કર. બોટાદ જઇને આવવામાં સવા કલાક તો થાય.’

મીનાએ એની બેબીને કારની પાછળની સીટ પર ઊંઘાડી દીધી હતી. એ, મનોજ અને નીતા ચિંતાતુર ચહેરે રોડ સામે તાકીને ઊભાં રહ્યાં.

દોઢ કલાક પછી બાઇકની લાઇટ દેખાઇ એટલે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. કરણે ફટાફટ જેકની મદદથી વ્હીલ ગોઠવી આપ્યું. ‘બધી દુકાનો બંધ થઇ ગઇ હતી.’ ચિંતુએ માહિતી આપી.‘આ અંકલે દુકાનદારના ઘેર જઇને દુકાન ખોલાવી એટલે મેળ પડ્યો.’

‘કરણભાઇ, તમારો કઇ રીતે આભાર માનવો એ સમજાતું નથી.’ કરણ સાથે હાથ મિલાવીને મનોજ આભારવશ નજરે એની સામે તાકી રહ્યો. નીતાએ એને ઇશારો કર્યો એટલે ખિસ્સામાંથી પાકીટ કાઢીને મનોજે પાંચસોની નોટ કરણ સામે લંબાવી.

‘અરે સાહેબ, આ શું મશ્કરી માંડી છે!’ મોટરબાઇક પર પવનથી અસ્તવ્યસ્ત થયેલા વાળને હાથની આંગળીઓથી વ્યવસ્થિત કરીને કરણ હસી પડ્યો. ‘આવું કામ કોઇ પૈસા માટે કરે? અરે, મોટાભાઇ તમે ફેમિલી સાથે રોડ ઉપર ઊભા હતા એટલે બોટાદનો ધરમધક્કો ખાધો.’

એણે હાથ લંબાવીને ગામની ઝાંખી લાઇટો બતાવી. ‘અહીંથી ગામ સુધીનાં મોટા ભાગનાં ખેતર અમારાં છે. ઈશ્વરની મહેરબાનીથી જલસા છે.’ એણે નીતા સામે જોયું. ‘બાબાને લઇ ગયો ત્યારેય તમારા મનમાં ફફડાટ હતો એની મને ખબર હતી.

તમે અઢીસો-ત્રણસો ગ્રામ સોનું પહેર્યું છે એ દેખાય છે પણ મોટાબહેન, આ ગુંદા-બેલાની સીમનું સત છે. કોઇના મનમાં એવો કુવિચાર ના આવે. મારા ગામની સીમમાં આવું બને તો પછી આ મૂછ મૂંડાવી નાખવી પડે.’

‘તમારે પેટ્રોલ તો બળ્યું ને?’ મનોજે ફરીથી પાંચસોની નોટ એની સામે લંબાવી.

કરણ બે હાથ જોડીને મનોજ અને નીતા સામે ઊભો રહી ગયો. ‘એવો હિસાબ કરવાનું ઉપરવાળાએ નથી શિખવાડ્યું. તમારો ખોટકો નીકળી ગયો એટલે મારી મહેનત ફળી. એની રૂપિયા-પૈસામાં કિંમત ના કરાય મોટાભાઇ!’ એ એની બાઇક તરફ આગળ વઘ્યો.

મનોજ, નીતા, ચિંતુ અને મીના બધા જાણે કોઇ દેવદૂતને જોતાં હોય એટલા આદરથી એની સામે તાકી રહ્યાં હતાં. અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ એ અટક્યો. બે ડગલાં પાછળ ભરીને પાછો બધાની સામે આવીને ઊભો રહ્યો. ‘તમારે સેટેલાઇટ રોડ જવાનું છે એટલે મોડું થતું હશે પણ એક નાનકડી વાત યાદ આવી ગઇ.’

એણે હસીને કહ્યું. ‘સાંભળવા જેવી છે. ગયા ઉનાળે મારી ફૂઇને આંખનું ઓપરેશન કરાવેલું. ત્યાં સેટેલાઇટ રોડ ઉપર બહુ જાણીતો અને હોશિયાર ડોક્ટર છે પણ એ ડોબાએ એના બંગલામાં હોસ્પિટલ બનાવી છે એટલે મારા જેવા અજાણ્યાને જડે નહીં. ફૂવાએ કાર્ડ આપેલું પણ એ અંગ્રેજીમાં.

ભરબપોરે હું ને મારા બાપા આ મોટરસાઇકલ ઉપર કેટલીય સોસાયટીમાં રખડેલા. બાપાને તરસ લાગેલી. બંગલાઓનાં બારણાં બંધ હોય. ઝાંપો ખખડાવીએ અને કાર્ડ બતાવીએ ત્યારે જાણે કૂતરાં-બિલાડાં હોઇએ એ રીતે હડધૂત કરે.

બિચારા બાપાને પાણી પીવું’તું. સરખો જવાબ પણ ના મળે ત્યાં પાણીનો તો વાત જ ક્યાં કરવી? છેક રોડ ઉપર દુકાન આવી ત્યારે ત્યાંથી બોટલ લીધી. એ બંગલાઓની બે-ચાર સોસાયટીઓમાં એવા અટવાઇ ગયેલા કે વાત ના પૂછો.

માથું ફાડી નાખે એવી ગરમી અને કોઇ જવાબ ના આપે. ધૂળવાળાં મેલાં કપડાં, વધેલી દાઢી અને આ ભંગાર મોટરસાઇકલ જોઇને બધા હડધૂત કરે. અંતે, તમારા જેવા એક સારા માણસે કાર્ડ વાંચીને સાચો રસ્તો બતાવ્યો. પણ એ એક કલાક બહુ આકરો ગયેલો.’

એણે બે હાથ જોડીને ઉમેર્યું. ‘કરવું હોય તો એટલું જ કરજો. ગામડેથી આવેલો કોઇ ગરીબ રસ્તો પૂછે તો એને સારો જવાબ આપજો.’ એણે કીક મારીને બાઇક સ્ટાર્ટ કરી. પાછળની લાલ લાઇટ દેખાઇ ત્યાં સુધી બધા એ તરફ તાકી રહ્યા.

(શીર્ષક પંક્તિ : લેખક)

...છતાં પણ કૈંક મજિયારું રહ્યું

પપ્પા, દુકાનનું પગથિયું ચઢ્યા વગર આખી જિંદગી તમે બેઠાં બેઠાં ખાધું છે એટલે કાકાએ આ રમત કરી. એમને ખબર છે કે તમને હિસાબમાં કશી સમજ નથી પડતી એટલે ચાલાકી કરીને ત્રીસ લાખનો ચૂનો લગાડી દીધો...’’ ત્રીસ વર્ષનો મૃગેશ ઉગ્ર થઈને મણિભાઈને સમજાવી રહ્યો હતો.


‘‘ભાગ પાડવાની વાત આવી ત્યારે એમણે કહ્યું એ તમે માની લીધું અને જ્યાં કહ્યું ત્યાં સહીઓ કરી આપી. તે કાંડા કાપી આપ્યા એટલે મારે શું કરવાનું ?’’


‘‘કશું નહીં...’’ હીંચકા ઉપર બેઠેલા મણિભાઈએ શાંતિથી પુત્રને સમજાવ્યું. ‘‘મારી વાત સાંભળ. માધુપુરામાં શાંતિલાલ હરગોવનદાસની આપણી પેઢી એંશી વર્ષ જૂની છે. તારા દાદાએ મહેનત કરીને એ ઊભી કરેલી. એ ગુજરી ગયા એ પછી તારા ભીખાકાકાએ બધો ભાર સંભાળી લીધો.


કૂકરવાડાના બંને મકાન કાઢી નાખ્યા અને એના જે પૈસા આવ્યા એ બધા ધંધામાં નાખ્યાં. રાત દિવસ જોયા વગર કાળી મજૂરી કરીને એણે પોળમાં જોડાજોડ બે મકાન લીધા. દુકાન ધમધોકાર ચાલતી હતી એટલે અક્કલ વાપરીને એણે એ ટાઈમે સસ્તા ભાવે નવરંગપુરામાં જમીન લઈ લીધી.


પાંચ વર્ષ પછી ત્યાં બે બંગલા બનાવ્યા અને પોળના મકાનોમાં વખાર બનાવી દીધી. આજે આપણા આ બંગલાની કિંમત કેટલી થાય એ વિચારી જો. ભીખાએ જરાય ભેદભાવ વગર એના બંગલા જેવો જ આપણો બંગલો બનાવી આપેલો.


આ બધુંય એણે દુકાનની કમાણીમાંથી ઊભું કર્યું છે. અઢાર અઢાર કલાક એ મહેનત કરતો હતો. મને તો પગનો વા છે એટલે દિવાળીએ ચોપડાપૂજન હોય ત્યારે દુકાન જતો હતો. દર વર્ષે કમાણીનો અર્ધોભાગ આપણને આપ્યો છે.


તારી બે બહેનોનાં અને તારા લગ્નમાં જે ધામધૂમ થઈ એ પણ એની મહેનતના હિસાબે તું જ કહે કે આખી જિંદગીમાં મેં શું કર્યું છે? ઘેર બેસીને આરામથી રોટલાં ખાધા છે. તમે બધા ભણ્યા અને પરણ્યા એ બધા તાગડધિન્ના તારા કાકાની ધંધાની સૂઝ અને મહેનત ઉપર...


બાકી અમારા બાપા ગુજરી ગયા એ જ વખતે ભીખાકાકાએ ભાગ પાડીને આપણો હિસ્સો આપી દીધો હોત તો અત્યારે તારે સાઇકલના પણ ફાંફાં હોત.... સમજ્યો?’’


મૃગેશ હજુ ગુસ્સામાં હતો. ‘‘છેલ્લા એક વર્ષથી તો હું રોજ દુકાને જતો હતો એટલે મને બધી ખબર છે. ગયા મહિને ભાગ પાડવાનું નક્કી કર્યું ત્યારે મારાથી મૂર્ખામી થઈ ગઈ. મને આ કરિયાણાના ધધામાં રસ નથી એટલે કહી દીધું કે દુકાન અને વખારની કિંમત ગણીને અડધો ભાગ અમને આપી દો...’’


‘‘તેં દુકાને જવાનું શરૂ કર્યું એ પછી જ આ બધી માથાકૂટ થઈ છે ? ભીખાનો છોકરો ભરત સરસ રીતે વહીવટ કરતો હતો. બારમું ભણીને એ દુકાને બેસી ગયો છે એટલે એનામાં ધંધાની સૂઝ છે અને ભીખાની જેમ કેડ વાળીને કામ કરવાની આવડત છે. તું લાટ સાહેબની જેમ દુકાનમાં રોફ જમાવે એ કોઈ રીતે ચાલે?...’’


મણિભાઈએ ધૂંધવાઈને કહ્યું. ‘‘ભીખાએ જે કર્યું એમાં હવે કોઈ મીનમેખ નહીં થાય. એ બાપ-દીકરો દુકાન ચલાવશે. આપણા ભાગમાંય ખાસ્સી રકમ આવી છે એમાંથી તારે જે ધંધો કરવો હોય એ કર. લાખના બાર હજાર ના થાય એનું ઘ્યાન રાખજે...’’


ચાર મહિના પછી મૃગેશ ભીખાકાકાને ત્યાં આમંત્રણ પત્રિકા આપવા ગયો. કાકાના હાથમાં કાર્ડ આપીને એણે કાકાનો ચરણસ્પર્શ કર્યો. ભીખાભાઈએ આખું કાર્ડ ઘ્યાનથી જોયું.


‘‘મારો સાળો પ્લાસ્ટિક એન્જિનિયર છે. એનું નોલેજ અને મારી મૂડી. એ કહેતો હતો કે ત્રણ વર્ષમાં ફેક્ટરી ધમધોકાર ચાલતી થઈ જશે. રાઉન્ડ ધ ક્લોક ત્રણેય પાળી ચલાવવી પડશે. ચાંગોદરમાં આ ફેક્ટરી પણ સસ્તા ભાવે મળી ગઈ છે.’’ મૃગેશે માહિતી આપી.


‘‘એક વાત કહું ?...’’ ભીખાલાલે મોં ખોલ્યું. ભરતે પિતાને આંખના ઈશારે રોકવાનો પ્રયત્ન કર્યો પણ ભીખાભાઈનો સ્વભાવ એવો કે હૈયે હોય એ તરત હોઠે આવી જાય. એમણે ભત્રીજાના ખભે હાથ મૂકીને સમજાવ્યું. ‘‘જો મૃગેશ, આપણી જીવનભરની મૂડી રોકવાની હોય ત્યારે આપણને થોડી ઘણી સૂઝ હોય એવા ધંધામાં રોકાય.


તું બધું નક્કી કરીને આવ્યો છે એટલે આશીર્વાદ આપું છું. બાકી, આ બે વાત હંમેશાં યાદ રાખવી....’’


‘‘નો પ્રોબ્લેમ...’’ મૃગેશના અવાજમાં આત્મવિશ્વાસ હતો. ભરત સામે તુચ્છકારથી જોઈને એણે ઉમેર્યું’’ બાપના કૂવામાં ડૂબવાની ઈચ્છા નથી. કંઈક નવુ કરીને કમાણી કરવી છે. વળી સગો સાળો છે એટલે બીજી કોઈ ચિંતા નથી.’’


ઉદ્ઘાટનના દિવસે ફેક્ટરી ઉપર ખાસ્સી ભીડ હતી. ફેક્ટરીની જગ્યા અને બધા મશીનો જોઈને ભીખાભાઈની આંખ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એમણે ઝડપથી મનોમન ગણતરી કરી લીધી કે ભાગ પેટે જે રકમ મળી એમાંથી આ તોસ્તાન ઊભું ના થઈ શકે.


એમણે એ વિશે મૃગેશને પૂછ્યું. ‘‘કાકા, બધું મોટા પાયે કર્યું છે. મજિયારો વહેંચીને તમે જે ભાગ આપ્યો એમાંથી તો અર્ધે સુધી પહોંચાયું પછી આપણી ક્રેડિટ ઉપર નેવું લાખની લોન આપી લીધી!...’’ ભીખાભાઈના હોઠ ફફડ્યા.


બાજુમાં ઊભેલા ભરતને બાપા શું બોલશે એ ખ્યાલ આવી ગયો એટલે એણે એમનો હાથ પકડીને દબાવ્યો અને બોલતા અટકાવ્યા.‘‘આ છોકરો દેવાળું કાઢશે...’’ ઘરે ગયા પછી ભીખાલાલે મનમાં ધરબાયેલા શબ્દો ઠાલવ્યા.


‘‘સાંધાની સૂઝ નથી એવા ધંધામાં આટલી ગંજાવર લોન લઈને વ્યાજના દરિયામાં એવો ડૂબશે કે ખો ભૂલી જશે...’’‘હવે એ ડૂબે તરે, આપણે કેટલા ટકા?...’’ ભરતે પિતાને શાંત પાડ્યા.’


સમયનો પ્રવાહ વહેતો રહ્યો. મૃગેશ રોજ કાર લઈને ચાંગોદર ફેક્ટરી પર જતો હતો. ભરત માધુપુરાની પેઢી સંભાળતો હતો. ભાગ પડ્યા પછી બંને ભાઈઓના મન ઊંચા થઈ ગયા હતા એટલે ભીખાલાલે મણિભાઈના ઘેર જવાનું બંધ કરી દીધું હતું.


સાડા ત્રણ વર્ષ પછી ભીખાલાલ સવારે છાપું વાંચતા હતા. એમની પાસે બેસીને ભરત ચા પીતો હતો ત્યારે મોહનભાઈ ઘરમાં ઘૂસી આવ્યા. ‘‘તમને કંઈ ખબર નથી?’’ એમણે ભીખાલાલને સીધું પૂછ્યું. ‘‘ગઈ રાત્રે મણિભાઈ અને મૃગેશ આખો બંગલો ખાલી કરીને જતાં રહ્યા.


છેક બોપલ બાજુ નાનકડો ફ્લેટ ભાડે લીધો છે એવું સાંભળ્યું છે. આજે બેન્કવાળા બંગલાનો કબજો લઈને સીલ મારવા આવવાના છે...’’


ભીખાલાલે છાપું બાજુ પર મૂકીને આશ્ચર્યથી મોહનભાઈ સામે જોયું. ભરતના હાથમાં ચાનો કપ થંભી ગયો હતો. ‘ફેક્ટરી તો ક્યારની બંધ થઈ ગઈ છે. વરસ થઈ ગયું એ વાતને. ત્યાંય બેન્કના સીલ વાગી ગયા છે. મૃગેશ ચાંગોદરની કોઈ ફેક્ટરીમાં નોકરી કરે છે એવા સમાચાર છે.’


‘‘હરિ ઇચ્છા !...’’ ભીખાલાલે નિરાશાથી માથું ધૂણાવ્યું. ‘‘મેં તો મૃગેશને બહુ સમજાવેલો પણ એને પોતાની ફેક્ટરી કરવી હતી એટલે ધરાહાર પેઢીમાંથી છૂટો થઈ ગયો. મણિલાલની ઇચ્છા નહોતી પણ દીકરાની જીદ સામે એ ઝૂકી ગયા.


એમણે આવીને મજિયારી પેઢીનો ભાગ માગ્યો કે તરત ભગવાન માથે રાખીને એમના ભાગે પડતી રકમ આપી દીધી... હવે આ આભ ફાટ્યું છે એમાં થીગડું મારવાની મારી કેપેસિટી નથી...’’


‘‘આજના જમાનામાં તમારા જેવું તો કોઈ ના કરી શકે. મણિભાઈએ દુકાનમાં પગ પણ નથી મૂક્યો તોય તમે એમને સાચવ્યા છે. તમારી મહેનત ઉપર આખી જિંદગી એમણે જલસા કર્યા. તમે તો બંગલો પણ બનાવી આપ્યો પણ મૃગેશે મેથી મારી...’’


‘‘ક્યાંકથી બોપલનું એડ્રેસ મળે તો લાવી દે જે...’’ ભીખાલાલે મોહનભાઈને સૂચના આપી. ‘‘સગો માજણ્યો ભાઈ છે એટલે એક વાર મળવા તો જવું પડશે ને ?’’ બીજા દિવસે ભરત દુકાનેથી આવ્યો. એણે જમી લીધું ત્યારે ભીખાલાલ કપડાં પહેરીને તૈયાર થઈને ઊભા હતા.


‘‘ગાડી સ્ટાર્ટ કર. બોપલ તારા મણિકાકાને મળી આવીએ.’’ એ બંને ફ્લેટ પર પહોંચ્યા ત્યારે મણિલાલ પાટ ઉપર બે હાથ વરચે માથું પકડીને બેઠાં હતા. એમની પત્ની અને મૃગેશની પત્ની રસોડામાં હતા. ‘‘મૃગેશ ઘરમાં નથી?’’ ભરતે પૂછ્યું એ બંને તરત બહાર આવ્યા.


‘‘એમની નોકરી એવી છે કે રોજ રાતે દસ વાગે છે...’’ મૃગેશની પત્નીના અવાજમાં વલોવી નાખે એવી પીડા હતી. ‘‘અલ્યા, આટલું બધું થઈ ગયું તોય વાત ના કરી ?’’ ભીખાલાલે અધિકારપૂર્વક પૂછ્યું.


‘‘કયા મોઢે કહેવું ?...’’ મણિલાલનો અવાજ, ધ્રુજતો હતો. ‘‘આખી જિંદગી તેં મારા ફેમિલીને સાચવ્યું અને આ કપાતરે ભાગ માગીને પાણી ફેરવી દીધું ! હું તો તેને સાક્ષાત ઈશ્વર માનું છુ પણ આ નાલાયક તો એ વખતે પણ કકળાટ કરતો હતો કે કાકાએ ત્રીસ લાખ ઓછા આપ્ય છે.’’


મણિલાલે કપાળ કૂટ્યું. ‘‘આવો પથરો પેટે પાક્યો એના કરતાં તો વાંઝિયા રહ્યા હોત તો વધુ સારું... તેં આટલું કર્યું એની કદર નહીં અને કહે કે કાકાએ ત્રીસ લાખનો ગફલો કર્યો!...’’


ભીખાલાલે નિખાલસતાથી કબૂલ કર્યું. ‘‘પૈસાના ગફલાની એની વાત સાવ સાચી. આજે નહીં તો કાલે આ દિવસ આવશે એવી ધારણા હતી એટલે તારા ભાગના પાંત્રીસ લાખ દબાવી રાખ્યા હતા. કાયદેસર રીતે પેઢીમાં તારા નામે જમા બતાવીને એન્ટ્રી લીધી છે.


આજની તારીખે એનો હિસાબ લેતો આવ્યો છું. વ્યાજ સાથે મળીને તું અડતાળીસ લાખનો આસામી છે...’’ બંને સ્ત્રીઓ અને મણિલાલ સામે જોઈને ભીખાલાલે પૂછ્યું. ‘‘હવે એનું શું કરવાનું છે એ કહો, તમે કહો તો દર મહિને રેગ્યુલર વ્યાજ મોકલાવી આપીશે.’’


ભીખાલાલે હસીને ઉમેર્યું. ‘‘ અને જો મૃગેશને નવો ધંધો કરવો હોય તો એક સાથે આપવામાં પણ મને કોઈ તકલીફ નથી.’’ ‘‘મૃગેશને આ વાતની ખબર પણ નથી પાડવાની...’’ ભાભીએ હાથ જોડીને દિયરને વિનંતીને કરી.’’ આશરો કહેવાય એવો નાનકડો ફ્લેટ એમાંથી અપાવી દો અને બાકીની રકમનું વ્યાજ અમને સાસુ-વહુને મળે એવી વ્યવસ્થા ગોઠવી આપો...’’


સાસુ-વહુની આંખમાં ઝળઝળિયાં હતાં. મણિલાલ પણ ભીની આંખે ભીખાલાલ સામે જોઈ રહ્યો હતો.

Thursday, December 3, 2009

અડે ને લેપ જેવું લાગતું એવી હવા ક્યાં છે

અડે ને લેપ જેવું લાગતું એવી હવા ક્યાં છે
સજન સૌ ઘાવ રૂઝાવે કહો એવી દવા ક્યાં છે

આ છોકરી શીતલ જેવી જ લાગે છે.’ શોપિંગ મોલમાં થોડે દૂર ઊભેલી એક યુવતી તરફ આંગળી ચીંધીને શ્રીમતીજીએ ઘ્યાન દોર્યું. ‘વાદળી પંજાબી પહેર્યું છે એ.’ શ્રીમતીજીનો હાથ લંબાયો હતો એ દિશામાં જોઇ લીધા પછી મેં ટકોર કરી. ‘એ શીતલ જેવી નથી, પણ શીતલ જ છે. દૂરના ચશ્માં છે પણ તું પહેરતી નથી એમાં આ પ્રોબ્લેમ થાય છે. જો, થોડે દૂર એના પપ્પા જીતુભાઇ પણ ઊભા છે.’


જીતુભાઇ એટલે અમારા જૂના પાડોશી. વીસેક વર્ષથી અમે નારણપુરા રહેવા ગયેલા અને પાછળથી જીતુભાઇ પણ પોળ છોડીને સેટેલાઇટ તરફ રહેવા ગયેલા. વીસ વર્ષ અગાઉ અમે છૂટા પડ્યા ત્યારે અમારી અદિતી પણ ચારેક વર્ષની હતી અને જીતુભાઇની શીતલ પણ એના જેવડી જ હતી.


ગયા વર્ષે એ અમારું ઘર શોધીને કંકોત્રી આપવા આવ્યા ત્યારે સામે મેં પણ એમના હાથમાં અમારી અદિતીના લગ્નની કંકોત્રી પકડાવી દીધી. ‘ધત્ તેરે કી...’ જીતુભાઇ ખડખડાટ હસી પડ્યા હતા. ‘જબરો જોગાનુજોગ થઇ ગયો!


તમારા પ્રસંગમાં હાજરી આપવાનું અમારા માટે શક્ય નથી અને તમે ઇચ્છો તોય શીતલને આશીર્વાદ આપવા તમારાથી નહીં અવાય. સાતમી ડિસેમ્બરે તમારે ત્યાં આઠ વાગ્યે જાન આવશે અને મારે ત્યાં સાડા આઠે! આખા અમદાવાદમાં એ દિવસે ચાર હજાર લગ્ન છે. ખરું થઇ ગયું!’


બસ એ પછી આજ સુધી જીતુભાઇ સાથે મુલાકાત નહોતી થઇ. હું અને શ્રીમતીજી એ તરફ આગળ વઘ્યા. શ્રીમતીજીએ હળવેથી શીતલના ખભે ટપલી મારી એટલે એ ચમકી પછી અમારી સામે સુખદ આશ્ચર્યથી તાકી રહી. અમને જોઇને જીતુભાઇ પણ ઝડપથી આવીને હસી પડ્યા.


‘તમારે આ સુખ...’ શ્રીમતીજીએ જીતુભાઇ અને શીતલ સામે જોઇને હરખ બતાવ્યો. ‘દીકરીને ગાંધીનગરમાં પરણાવી એટલે જ્યારે મન થાય ત્યારે એક કલાકમાં તો એ તમારા ઘરે આવી શકે અથવા તમે ત્યાં પહોંચી શકો.


અમારા અદિતીબહેને પોતાની જાતે મુરતિયો શોઘ્યો તો સારો પણ છેક બેંગ્લોર રહેવાનું એટલે જોવાની બહુ ઇચ્છા થાય તોય શું કરીએ? ફોન ઉપર વાત કરીને મન મનાવવાનું.’


‘આવોને કોઇ વાર નિરાંતે.’ જીતુભાઇએ કાંડા ઘડિયાળ સામે જોયું અને પછી અમને આગ્રહ કર્યો. ‘શાંતિથી સાથે જમવાનું ગોઠવો. એ રીતે ફોન કરીએ આવજો.’ શ્રીમતીજીએ શીતલને પૂછ્યું. ‘તું મજામાં છે ને?’


‘મારા શરીર ઉપરથી નથી લાગતું?’ શીતલે ખિલખિલાટ હસીને સામે સવાલ પૂછ્યો. ‘ખાઇ-પીને જલસા કરું છું. લગ્ન પછી અત્યાર સુધીમાં ચાર કિલો વજન વધી ગયું!’ જીતુભાઇએ એની સામે જોયું અને એ લોકો છૂટા પડ્યા.


છૂટા પડતાં અગાઉ મેં પણ એમણે ઘરે આવવાનું આમંત્રણ આપીને શીતલને સરનામું સમજાવી દીધું.


‘તમે અદિતી માટે નજીક શોઘ્યું હોત તો મને કેટલી રાહત રહેતી?’ ઘરે પહોંચ્યા પછી શ્રીમતીજીએ બળાપો કાઢ્યો. ‘એકની એક દીકરી અને એ છેક બેંગ્લોર રહે. અહીં આપણે બે એકલાં. તમારા કરતાં જીતુભાઇ વધુ સમજદાર. દીકરી માટે ગાંધીનગરમાં જ મુરતિયો શોધી કાઢ્યો!’


‘શીતલ માટે જીતુભાઇ અને પ્રજ્ઞાબહેને મુરતિયો શોધેલો. અદિતીએ આપણા જમાઇની પસંદગી જાતે કરેલી એટલે આપણી પાસે કોઇ વિકલ્પ નહોતો. ’


‘મા-બાપ નજીકમાં હોય તો દીકરી સાસરામાં પણ કેટલી ખુશ રહે?’ શ્રીમતીજીએ યાદ કરાવ્યું. ‘આજે શીતલ કેટલી ખુશખુશાલ હતી એ તમે ના જોયું? આમેય એ છોકરીને એના બાપ ઉપર બહુ લાગણી છે. નવી મા છે એટલે જીતુભાઇએ પણ દીકરીને હથેળીમાં રાખીને ઉછેરી છે.’


બીજા દિવસે સાંજે હું ઓફિસેથી ઘેર આવ્યો. ચા પીને ટપાલમાં આવેલા સામયિકો ઉપર નજર ફેરવતો હતો. શ્રીમતીજી સામે હિંચકા પર બેસીને મેથી ચૂંટી રહ્યા હતા.


‘મેથીના ગોટાનો કાર્યક્રમ છે?’ શીતલે અચાનક આવીને એક્ટિવા પાર્ક કર્યું અને ત્યાંથી જ બૂમ પાડીને પૂછ્યું.


‘આવી જા...’ શ્રીમતીજીએ હસીને એને આવકારી. ‘મેથીના થેપલાં બનાવવાનો વિચાર હતો પણ હવે તારી ઇચ્છા છે તો ગોટા બનાવીશું.’


શીતલ હીંચકા પર શ્રીમતીજીની સાથે બેસી ગઇ અને મેથી ચૂંટવામાં લાગી ગઇ. એની લાંબી આંગળીઓ બહુ ઝડપથી કામ નિપટાવી શકે છે એ હું જોતો હતો એ જ વખતે શ્રીમતીજીએ મને ઊભા થવાનો આદેશ આપ્યો.


‘શીતલને પૂછીને એને ભાવે એવી મીઠાઇ લઇ આવો. લગ્ન પછી છોકરી પહેલી વાર આપણા ઘેર આવી છે એટલે એકલાં મેથીના ગોટા નહીં ચાલે.’


‘અંકલ, મીઠાઇ નહીં લાવો તો ચાલશે. હું ક્યાં પારકી છું?’ શીતલે વિવેકથી કહ્યું. ‘એમ કંઇ ચાલે? લગ્ન પછી તું પહેલી વાર અમારા ઘેર આવે અને મોઢું મીઠું ના કરાવીએ એ સારું ના લાગે.’


‘લગ્ન પછી પહેલી વાર આવી છું એ કબૂલ.’ શીતલે ભીના અવાજે કહ્યું. ‘અને છૂટાછેડા પછી પણ પહેલીવાર આવી છું.’


વીજળી પડી હોય એમ શ્રીમતીજી સ્તબ્ધ બની ગયા. મેથી પડતી મૂકીને એમણે શીતલનો હાથ પકડી લીધો. ‘આ તું શું બોલે છે? ખરેખર સાચું બોલે છે?’


‘સાવ સાચું.’ શીતલની આંખમાં ઝળઝળિયાં ધસી આવ્યા. ‘એ દિવસે શોપિંગ મોલમાં પપ્પા સાથે હતા એટલે મૂંગી રહી. પછી આજે મનનો ભાર હળવો કરવાની ઇચ્છા થઇ એટલે દોડી આવી.’


શ્રીમતીજીએ રસોડામાંથી પાણીનો ગ્લાસ લાવીને એને આપ્યો. ‘આ બધું કઇ રીતે બન્યું? મને તો હજુ માનવામાં નથી આવતું.’


‘માનવામાં તો મનેય નથી આવતું. સાતમી ડિસેમ્બરે લગ્ન થયા અને સાતમી જુલાઇએ તો છૂટાછેડા પણ લઇ લીધા.’


‘તું નિરાંતે બધી વાત કર.’ એનો હાથ પકડીને શ્રીમતીજી ડ્રોઇંગરૂમમાં લઇ ગયા. એ બંને સોફા ઉપર બેઠા હતા. હું એમની સામે ખુરશીમાં ગોઠવાયો.


‘સાત વર્ષની હતી ત્યારે મમ્મીનું અવસાન થયું અને પપ્પાની બહુ ઇચ્છા નહોતી એ છતાં બધા સગાં-સંબંધીઓએ આગ્રહ કરીને એમને ફરી વાર પરણાવ્યા અને નવી મા ઘરમાં આવી.’ શ્રીમતીજીએ શીતલના બંને હાથ પોતાના હાથમાં જકડી રાખ્યા હતા.


શીતલ ધીમા અવાજે એની વ્યથાની વાત કહેતી હતી. ‘શરૂ શરૂમાં તો બહુ સારું ચાલ્યું પણ પછી જાણે હું એની દુશ્મન હોઉ એ રીતે એ વર્તવા લાગી. સ્કૂલની ફી ભરવાની હોય તો પણ ટટળાવી ટટળાવીને આપે. નવાં કપડાં કે ચંપલ માટે પણ રીતસર કરગરવું પડે.


જમવામાં પણ એવું-વધેલું-ઘટેલું જાણે કૂતરાં-બિલાડાંને આપતી હોય એ રીતે આપે. ખરી મા એટલે શું એ બધું મને એ વખતે સમજાતું હતું. રાત્રે એકલી એકલી રડું અને રડીને થાકું એટલે જાતે જ આંખો લૂછી નાખું.’


સહેજ અટકીને શીતલે પાણીનો ગ્લાસ ખાલી કર્યો. ‘કોલેજમાં મોકલવાની નવી માની જરાયે ઇચ્છા નહોતી પણ પપ્પાની પાસે માથું પટકીને રડી એટલે ફર્સ્ટ કલાસ બી.કોમ. થઇ શકી.


એ પછી નવીએ એના કોઇ દૂરના ભાઇ સાથે મારું ચોકઠું ગોઠવવા પ્રયત્ન કર્યો. મારાથી ચૌદ વર્ષ મોટા અને માત્ર મેટ્રિક પાસ મુરતિયા માટે મેં ચોખ્ખી ના પાડી અને આપઘાત કરવાની ધમકી આપી ત્યારે એ પ્રકરણ બંધ થયું.’


‘પછી? આ સગપણ કોણે શોધેલું?’ શ્રીમતીજીએ પૂછ્યું.


‘એ પણ નવી મા જ શોધી લાવેલી. સસરાજી સરકારી પ્રેસમાં નોકરી કરે. ગાંધીનગરમાં ક્વાર્ટર. મુરતિયો ડિપ્લોમા ઇન કોમ્પ્યૂટર અને નવી નવી નોકરી પણ મળેલી. દેખાવે પણ સારો હતો એટલે મેં હા પાડી અને લગ્નની તારીખ નક્કી થઇ.


સગપણ અને લગ્નની વચ્ચે જે ગાળો હતો એ દરમિયાન હું અને હિતેશ પાંચેક વાર સાથે ફરવા ગયા. ફિલ્મ જોઇએ અને હોટલમાં જમીએ. હું બહુ ખુશ હતી.’


‘પછી?’ એ સહેજ અટકી એટલે શ્રીમતીએ પૂછી નાખ્યું.


‘એ મને ફોન કરીને એની ઓફિસ છૂટવાના સમયે બોલાવે. ઇન્કમટેક્સ ઓફિસની સામેના ભાગમાં એક કોમર્શિયલ સેન્ટરમાં એની ઓફિસ હતી. હું ત્યાં નીચે ઊભી રહું અને પંદરેક મિનિટમાં એ સીડી ઊતરીને નીચે આવે એ પછી અમે ફરવા જઇએ.


એ કંપનીની બીજી ઓફિસ એસ.જી.હાઇવે પર હતી એટલે હિતેશે ત્યાં પણ જવું પડતું. એ ત્યાંથી ફોન કરીને મને કહે એટલે હું ત્યાં પહોંચી જતી. એ બહાર આવે અને પછી અમે હાઇવેની કોઇ હોટલમાં જમવા જતા. એ પછી સાતમી ડિસેમ્બરે લગ્ન થયા.


હિતેન સવારે નવ વાગ્યે ઘરેથી નીકળી જાય અને સાંજે સાત પછી ઘરે આવે. સાસુ-સસરા અને દિયરનો સ્વભાવ સારો લાગતો હતો એટલે ધીમે ધીમે એ વાતાવરણમાં સેટ થઇ ગઇ. પણ આખો દિવસ ઘરે બેસી રહેવાનું મને ગમતું નહોતું.


સચિવાલયમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ મળતું હતું એટલે મેં હિતેનને વાત કરી એટલે એણે આ નિર્ણય સાસુ-સસરા પર નાખ્યો. તું નોકરી કરે એનો વાંધો નથી. સસરાજીએ સ્પષ્ટ સૂચના આપી. પણ દર મહિને જે પગાર આવે એ તારી સાસુના હાથમાં આપી દેવો પડશે.


મેં એમની વાત સ્વીકારી લીધી. સંયુક્ત કુટુંબમાં રહીને આ બધી વાતો સ્વીકારવાનું મેં નક્કી કરી લીધું હતું. નોકરી શરૂ કરી દીધી.’


‘એક દિવસ બપોર પછી બધા કોમ્પ્યૂટરમાં કંઇક પ્રોબ્લેમ થયો એટલે હું ઘરે આવવા નીકળી. એ વખતે બપોરના ત્રણ વાગ્યા હતા. રસ્તામાં એક પાનના ગલ્લા ઉપર નજર પડી અને હું સ્તબ્ધ બની ગઇ. હિતેન ત્યાં ઊભો હતો. ચાર-પાંચ મવાલી જેવા મિત્રો સાથે ઊભો રહીને એ બીડી પીતો હતો એ જોઇને હું ચમકી. એણે મને નહોતી જોઇ.


એ રાત્રે મેં બહુ સ્વાભાવિકતાથી પૂછતી હોઉ એ રીતે એને પૂછ્યું તો સાહેબે આરામથી કહ્યું કે સાંજે સાત વાગ્યા સુધી એ એની અમદાવાદની ઓફિસમાં જ હતો!


સ્ત્રીસહજ સભાનતાથી મને લાગ્યું કે કંઇક લોચો છે. બીજા દિવસે હિતેન ઓફિસે જવાનું કહીને નીકળ્યો એ પછી મેં મારા સાસુ પાસે એની ઓફિસનો ફોન નંબર માગ્યો તો એ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા. મારી શંકા હવે વધુ દ્રઢ બની.’


શીતલની આંખમાં ઝળઝળિયાં ધસી આવ્યાં અને ધ્રૂજતા અવાજમાં કડવાશ ભળી. ‘એક અઠવાડિયામાં બધી સચ્ચાઇ મારી સામે આવી ત્યારે મારા પગ નીચેથી ધરતી સરકી ગઇ આન્ટી! હિતેન બારમું પાસ પણ નહોતો! એ કોઇ નોકરી નહોતો કરતો.


મારી નવી માને આ બધી ખબર હતી એ છતાં પપ્પાને આવી ખોટી માહિતી આપીને અમને આબાદ છેતરવામાં આવ્યા હતા! મુરતિયાના સર્ટિફિકેટ આપણે ચેકગિં માટે માગવાના નહોતા અને એ નાલાયકે સાવ ખોટું નાટક કરીને મને ઓફિસના એડ્રેસે મળવા બોલાવેલી.


હું તો નીચે જ ઊભી રહેતી. એ ભાઇ કલાક પહેલાં ત્યાં પહોંચી જતા અને જાણે ઓફિસમાંથી છૂટીને આવતો હોય એવો ડોળ કરતો! આટલી ભયાનક છેતરપિંડી એ બધાએ બહુ ઠંડા કલેજે કરી હતી!


મેં આ ભેદ ખોલી નાખ્યો એ પછી હિતેને મારઝૂડ શરૂ કરી અને બીજા જ દિવસે હું પિયર આવી ગઇ. છૂટાછેડાની તૈયારી કરી અને એ પણ મળી ગયા.’


‘ખરું થઇ ગયું! દુનિયામાં આવા નાલાયકો પણ રહે છે.’ શ્રીમતીએ સહાનુભૂતિથી શીતલ સામે જોયું.


‘માણસો આવા જ હોય આન્ટી! પપ્પાને મારી દશા જોઇને દુ:ખ ના થાય એ વિચારીને સદા હસતું મોઢું રાખું છું. નોકરી પણ શોધી કાઢી છે.


હજુ તો ચોવીસ વર્ષની છું. મારી રીતે જોઇ-ચકાસીને કોઇ સારું પાત્ર મળશે તો લગ્ન કરીશ-બાકી પપ્પા જીવે છે ત્યાં સુધી એમની સેવા કરીશ.’ એણે ઊભા થઇને શ્રીમતીજીનો હાથ પકડ્યો. ‘હવે મેથીના ગોટાની તૈયારી કરીએ.


(શીર્ષક પંક્તિ : લેખક)

Tuesday, November 24, 2009

દોસ્ત આવા મેળવીને કૈંક પામ્યા છો તમે

‘એ આરામથી ઉપર પહોંચી ગયા ને મન રઝળતી મૂકી ગયા.’ ‘તમારા જેવા સજ્જન ભાઇબંધની ઓથ છે એટલે હૈયું ઠાલવવા દોડી આવી, બાકી કંટાળી ગઇ છું. એ મર્યાને એક મહિનો થયો કે તરત દુનિયાભરના લેણદારો તૂટી પડ્યા છે. રોજ એવું લોહી પીવે કે હારી ગઇ છું. એમ થાય છે કે એમની સાથે હુંય ઊકલી ગઇ હોત તો સારું થતું. સુધીરભાઇ, તમે જ કહો કે આવા નફ્ફટ અને નાગા માણસોનું શું કરવું? ના ઓળખાણ-ના પિછાણ-ના કોઇ પુરાવો કે ના કોઇ લખાણ. એક પછી એક ઉઘરાણીવાળા આવે છે...


દોસ્ત આવા મેળવીને કૈંક પામ્યા છો તમે

માત્ર મગજળની કથામાં લ્યો ફસાયા છો તમે


આ રસિક જબરો છે! વર્ષોથી મિત્રતા છે છતાં એની અમુક આદત સમજાતી નથી.’ પચાસ વર્ષના સુધીરે ઓફિસેથી આવીને શાકભાજીની થેલી ટિપોઇ પર મૂકી પછી સોફા પર બેસીને સુનંદાને કહ્યું, ‘તેં શાક લાવવાનું કહેલું એટલે છૂટીને સીધો માણેકચોક ગયો. ત્યાં રસિક ભટકાઇ ગયો.


શાકભાજી ખરીદ્યાં પછી સફરજનના ભાવ સાંભળીને હું વિચારતો હતો કે આટલાં મોંઘાં સફરજન લેવાં કે નહીં. એ જ વખતે રસિકે મને કહ્યું કે બસો રૂપિયા ઉછીના આપ. મેં આપ્યા કે તરત એણે બે કિલો સફરજન ખરીદીને દુકાનદારને બસો રૂપિયા આપી દીધા.


મારા ખિસ્સામાં પૈસા હતા અને હું હજુ વિચારતો હતો અને એ માણસે ઉધારી કરીને પણ સફરજન લઇને થેલીમાં મૂકી દીધાં!’


‘તમે સીધા-સાદા છો અને એ ખેલાડી માણસ છે.’ સુનંદાની કોઠાસૂઝ સારી હતી. એણે પતિને સમજાવ્યું. ‘કોઇની પાસેથી પૈસા માગવા હોય તો તમારી જીભ ના ઊપડે. સામા પક્ષે દેવું કરીને પણ સફરજન ખાવામાં એને શરમ ના લાગે. ઉપરવાળો આવા માણસની જોડી પણ ગજબ મેળવે છે.


રસિલાભાભી પણ બાર લાખ છપ્પન હજાર છે. એમના ફ્લેટનું ફર્નિચર જોયું હોય તો કરોડપતિ જેવું લાગે. તમે પંદર વર્ષ જૂનું સ્કૂટર રાખો છો અને એ સેન્ટ્રોમાં ફરે છે.’


‘કોઇની કાર જોઇને અંજાઇ ના જવું. દેવું કરવાની હિંમત હોય તો બધી કંપનીવાળા એક કલાકમાં જોઇએ એવી કાર ઉધાર આપે છે.’ સુધીરે ચાનો ખાલી કપ ટિપોઇ પર મૂક્યો અને રસિક પ્રકરણની પૂણાર્હુતિ કરી.


‘પાંચ વર્ષ પહેલાં ફ્લેટની આ સ્કીમ મુકાઇ અને હું તપાસ કરવા આવેલો ત્યારે એ ભટકાઇ ગયેલો. બિલ્ડરનું એકાઉન્ટ અમારી બેંકમાં છે એટલે ઓળખાણ હતી એનો ફાયદો એને પણ અપાવ્યો. એક પોળમાં સાથે ઉછરેલા એટલે ભાઇબંધીમાં આટલું કામ કરી આપેલું. ’


‘યાદ કરીને બસો રૂપિયા પાછા માગી લેજો. એ સાહેબ સામેથી યાદ કરીને પાછા આપવા નહીં આવે..!’


સુનંદાની ધારણા ખોટી પડી. રાત્રે નવ વાગ્યે રસિક એમના ઘરમાં આવ્યો. ‘એ વખતે શું બન્યું કે એક મિત્રની દુકાને જામખંભાળિયાથી પંદર કિલો ઘીનો ડબ્બો આવેલો. એ ખરીદીને ગાડીમાં મૂકી દીધો એટલે પૈસા ખૂટી ગયા.’ રસિકે બસો રૂપિયા સુધીરના હાથમાં મૂક્યા. ‘થેંક્યુ વેરી મચ. તને થોડીકવાર માટે તકલીફ આપવી પડી.’


‘એમાં શું?’ સુધીરને બદલે સુનંદાએ હસીને જવાબ આપ્યો. ‘તમારા પૈસા ક્યાં જવાના હતા? તમે તો એમના બાળપણના મિત્ર ને પાછા પાડોશી. ગમે ત્યારે આપ્યા હોય તો પણ ચાલે. આ ક્યાં મોટી રકમ હતી?’ એ બોલતી હતી. સુધીર આશ્ચર્યથી એની સામે તાકી રહ્યો હતો.


એ પછી દસેક દિવસ પછી સુધીર બેંકમાં હતો ત્યારે એનો મોબાઇલ રણક્યો. ‘કાલે સાંજનો શું પ્રોગ્રામ છે?’ રસિકે હસીને સવાલ કર્યો અને પછી સમજાવ્યું. ‘એસ.જી.હાઇવે ઉપર એક મિત્રની હોટલ છે. ઘણા સમયથી એ આગ્રહ કરે છે કે જમવા આવ.


ત્યાંનું વાતાવરણ એવું છે કે રસિલાને કે સુનંદાભાભીને ના લઇ જવાય. આપણે બંને જઇશું. તને બેંક પરથી પિકઅપ કરી લઇશ.’


બીજા દિવસે સાંજે સાડા સાત વાગ્યે એ બેંકની બહાર ઊભો રહ્યો. થોડી વાર પછી રસિક આવ્યો. એ એની કારમાં ગોઠવાયો. રસિકના મિત્રની હોટલ હજુ એકાદ વર્ષ પહેલાં જ બની હતી. મઢૂલી જેવી નાનકડી કેબિનમાં બંને મિત્રો બેઠા.


જમ્યા પછી રસિક મૂળ વાત પર આવ્યો. ‘જો દોસ્ત, આટલાં વર્ષોમાં તને ક્યારેય તકલીફ નથી આપી પણ અત્યારે જિંદગી અને મોતનો સવાલ છે એટલે તારે મદદ કરવી પડશે.’


સુધીરના બંને હાથ પોતાના હાથમાં જકડીને રસિક કરગર્યો. ‘લેડિઝને આમાં ઇન્વોલ નથી કરવાની એટલે તને અહિંયા લાવ્યો. શેરબજારના સબબ્રોકર તરીકે ધંધો સારો ચાલે છે પણ એમાં બે-ત્રણ સોદામાં હાથ દાઝી ગયા છે એટલે તારે ઉગારવાનો છે. માત્ર એક વર્ષ માટે બે-અઢી લાખની મદદ કરવાની છે.’


સુધીર સ્તબ્ધ હતો. ‘ચાર-પાંચ હજાર હોય તો ઠીક છે. આમ-તેમથી વ્યવસ્થા કરી શકું પણ આટલી મોટી રકમ.’ એ ધીમેથી બબડ્યો.


‘તું ધારે તો મદદ કરી શકે.’ રસિક પાકા પાયે હોમવર્ક કરીને આવ્યો હતો. અહીં આવતાં અગાઉ એણે પૂરી માહિતી મેળવી લીધી હતી. સુધીરની આંખોમાં આંખો પરોવીને એણે રસ્તો બતાવ્યો.


‘તારી બેંકમાં તમારા સ્ટાફની ક્રેડિટ સોસાયટી ચાલે છે. એમાં ત્રણ લાખ સુધીની લોન મળી શકે છે અને તેં હજુ સુધી ક્યારેય એનો લાભ લીધો નથી. આજે વીસમી તારીખ થઇ. મારા માટે થઇને ફોર્મ ભરવાની તકલીફ લે. પૂરેપૂરા ત્રણ લાખની જરૂર નથી.


અઢી લાખ માટે અરજી કર એટલે પહેલી તારીખે તારા હાથમાં પૈસા આવી જશે. પાંચ વર્ષના હપ્તા રાખવાના. દર મહિને તારા પગારમાંથી હપ્તાની જે રકમ કપાય એ હું તને રોકડી આપી દઇશ એટલે એમાં તને કોઇ તકલીફ નહીં પડે.


એકાદ વર્ષ પછી મારો પ્રોબ્લેમ પતી જશે ત્યારે આખી લોન ભરી દઇશું.’ જાણે સુધીરે સંમતિ આપી દીધી હોય એટલા આત્મવિશ્વાસથી રસિકે ઉમેર્યું.


‘આ આખી વાત આપણા બે વચ્ચે રાખવાની. હું રસિલાને નહીં કહું અને તારે સુનંદાભાભીને નહીં કહેવાનું. તારા હાથમાં દર મહિને પગાર આવશે એ જ દિવસે હપ્તાની રકમ આપી દઇશ એટલે બીજો કોઇ સવાલ નથી.’ એક શ્વાસે આટલું બોલીને રસિક અટક્યો.


‘તારો પગાર થશે એ જ દિવસે તને હપ્તો મળી જશે.’ રસિકે ભારપૂર્વક કહ્યું. ‘ઇન્ટ્રાડેમાં લાટો લેવા ગયો હતો પણ ફસાઇ ગયો. બજારમાં ઇજ્જત એવી છે કે બીજા કોઇને વાત કરું તો લોચો થઇ જાય.’ એણે ફરીથી સુધીરના હાથ જકડી લીધા.


‘ગમે તેમ કરીને બચાવી લેવાનો છે તારે. મેં જે રસ્તો બતાવ્યો એમાં કોઇ તકલીફ વગર સરળતાથી બધું પતી જશે.’


સુધીર મોઢાનો મેળો હતો. એણે માથું હલાવીને સંમતિ આપી ત્યારે રસિક ગળગળો થઇ ગયો. પહેલી તારીખે ક્રેડિટ સોસાયટીનો ચેક ખાતામાં ભરીને અઢી લાખ રોકડા લઇને એ બેંકની બહાર ઊભો રહ્યો.


‘જો રસિક, તારું વચન યાદ રાખજે. દર મહિને પગારની તારીખે હપ્તો આપવામાં ભૂલ ના કરતો. પાંચ વર્ષની મુદત રાખી છે એટલે મહિને સાડા છ હજારનો હપ્તો આવશે.’ રસિકને પૈસા આપીને આટલું કહેતી વખતે સુધીરના અવાજમાં ચિંતા હતી.


‘મારે ઘર ચલાવવામાં તકલીફ પડશે.’


‘ડોન્ટ વરી. તને તકલીફ નહીં પડે. ભૂલે ચૂકેય સુનંદાભાભી પાસે મોં ના ખોલતો. એ ભોળાભાવે રસિલાને કહેશે તો મારા ઘરમાં મહાભારત થઇ જશે.’


સુધીરે માથું હલાવીને સંમતિ આપી. ત્રણ મહિના વીતી ગયા. દર મહિને સત્યાવીસમી તારીખે જ રસિક હપ્તો આપી જતો હતો. એ પછી અચાનક એક ઘટના બની. સાંજે ચાર વાગ્યે સુધીર બેંકમાં હતો અને એનો મોબાઇલ રણક્યો.


‘સાંભળો છો?’ સુનંદાનો અવાજ તરડાઇ ગયો હતો. ‘તમે જલદી ઘેરઆવો. રસિકભાઇ અને રસિલાભાભીને એક્સિડેન્ટ થયો છે.’


‘વ્હોટ? શું થયું?’


‘છોકરાંઓને ઘેરમૂકીને એ બંને એક મેરેજમાં બાવળા ગયાં હતાં. ત્યાંથી પાછાં આવતાં એમની કાર એક ટ્રક સાથે ભટકાણી.’


‘ઓહ ગોડ! બહુ વાગ્યું નથી ને?’


‘તાત્કાલિક ઘેરઆવો.’ સુનંદાનો અવાજ સાવ ઢીલો થઇ ગયો. ‘રસિલાભાભીને પગમાં ફ્રેકચર થયું છે. રસિકભાઇની છાતીમાં આખું સ્ટિયિંરગ ઘૂસી ગયેલું. એ બાપડા તો ઓન ધ સ્પોટ ગુજરી ગયા!’


સુધીરનું આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું. આંખે અંધારાં આવતાં હોય એવું લાગ્યું અને એ ખુરશીમાં ફસડાઇ પડ્યો.એ ઘેરઆવ્યો. રસિકનાં સગા ભાઇ-બહેન નહોતાં. પિતરાઇ ભાઇઓ આવી ગયા હતા.


સુધીર એમની સાથે મદદમાં જોડાઇ ગયો. પોસ્ટમોર્ટમની બધી વિધિ પછી બીજા દિવસે રસિકની અંતિમવિધિ પણ પતી ગઇ. હોસ્પિટલમાં પડેલી રસિલાનું હૈયાફાટ રુદન સાંભળનારને હચમચાવી મૂકે એવું હતું.


સુધીરની ઊંઘ ઊડી ગઇ હતી. હવે શું? એક વિરાટ સવાલ એને મૂંઝવતો હતો. ગમે તેમ કરીને હજુ ત્રણ-ચાર મહિના સુધી હપ્તાની રકમની એ ગોઠવણ કરી શકે. પણ એ પછી?


રસિલા હોસ્પિટલમાંથી ઘેરઆવી ગઇ હતી. એ સતત રડી રડીને રસિકને યાદ કરતી હતી. આ પરિસ્થિતિમાં એને આ વાત કરવાની સુધીરની તૈયારી નહોતી. એ બાપડી ઉપર આભ તૂટી પડ્યું છે એ દશામાં એની મુશ્કેલીમાં વધારો કઇ રીતે કરવો?


સુધીરની ખાનદાની એને રોકતી હતી. બે મહિના વીતી ગયા. રસિલા હવે ધીમે ધીમે સ્વસ્થ બની ગઇ હતી. હવે એકાદ મહિના પછી રસિલા પાસે બેસીને આ આખી વાત ધીમેથી સમજાવીને બાકીના પૈસા માટે શું કરવું છે એ પૂછવાનું સુધીરે મનોમન નક્કી કરી લીધું.


એની સાથે વાત કરતાં અગાઉ આખી રામકહાણી સુનંદાને કહેવી પડશે. એ પછી સુનંદાને સાથે રાખીને રસિલાને કહેવાનો એણે નિર્ણય કરી લીધો.


રવિવારે સવારે દસેક વાગ્યે સુધીર બીજી વારની ચા પીતી વખતે અખબારો ઉપર નજર ફેરવતો હતો. એ વખતે અચાનક રસિલા એમના ઘરમાં આવી. પગમાં ઓપરેશન કરીને સળિયો નાખ્યો હોવાથી એ લાકડીના ટેકે ચાલતી હતી.


‘સુનંદા, જો કોણ આવ્યું?’ સુધીરે રસોડા તરફ જોઇને બૂમ પાડી. સુનંદા બહાર આવી. લાકડી બાજુમાં મૂકીને રસિલા સોફા પર બેઠી. સુધીર અને સુનંદા એની સામેના સોફા ઉપર બેઠાં હતાં.


‘એ આરામથી ઉપર પહોંચી ગયા ને મન રઝળતી મૂકી ગયા.’ કોઇ જ જાતની પૂર્વભૂમિકા વગર રસિલાએ બોલવાનું શરૂ કર્યું. સુધીર અને સુનંદાની સામે જોઇને એણે ઊભરો ઠાલવ્યો. ‘કેટલાય દા’ડાથી મનમાં મૂંઝાતી હતી એટલે થયું કે તમારી પાસે બેસીને મન હળવું કરું.’


રસિલાએ નિરાશાથી માથું ધુણાવ્યું. એના તીણા અવાજમાં પીડાની સાથે નફરતની કડવાશ રણકતી હતી. ‘તમારા જેવા સજ્જન ભાઇબંધની ઓથ છે એટલે હૈયું ઠાલવવા દોડી આવી, બાકી કંટાળી ગઇ છું. એ મર્યાને એક મહિનો થયો કે તરત દુનિયાભરના લેણદારો તૂટી પડ્યા છે.


રોજ એવું લોહી પીવે કે હારી ગઇ છું. એમ થાય છે કે એમની સાથે હુંય ઊકલી ગઇ હોત તો સારું થતું. સુધીરભાઇ, તમે જ કહો કે આવા નફ્ફટ અને નાગા માણસોનું શું કરવું?


ના ઓળખાણ-ના પિછાણ-ના કોઇ પુરાવો કે ના કોઇ લખાણ. એક પછી એક ઉઘરાણીવાળા આવે છે. કોઇના પાંચ હજાર ને કોઇના પચાસ હજાર. બધા મારી પાસે માગે છે. એટલો ત્રાસ થાય છે કે લમણાની નસો ફાટી જાય છે.’


ઉશ્કેરાટથી આટલું બોલીને એ અટકી. એના પાતળા હોઠથી દ્રઢતાથી બિડાયા. પછી દાંત ભીંસીને સાંભળનારને વહેરી નાખે એવા ધારદાર અવાજે એણે ઉમેર્યું.


‘છેલ્લા બે દિવસથી રસ્તો જડી ગયો. હાથ અઘ્ધર કરીને બધા માગવાવાળાને ચોખ્ખું ગુજરાતીમાં કહી દીધું કે પુરાવા વગર કોઇને એક પૈસોય નહીં આપું. મરનારો કંઇ પૈસાનું ઝાડ ઉગાડીને નથી ગયો. જેને લેવા હોય એ જાવ એની પાસે અને લઇ લો તમારા પૈસા!’


એ હાથ લંબાવીને કડવાશથી બોલતી હતી. સુનંદા સહાનુભૂતિથી સાંભળતી હતી અને સુધીરની આંખ સામે અંધકાર છવાતો હતો!


(શીર્ષક પંક્તિ : લેખક)

Thursday, November 19, 2009

એક ડગલામાં જ હિંમત-હામને હારી ગયો

એ સ્ત્રીએ ઇન્સ્પેક્ટર સામે હાથ લંબાવીને ચીસ પાડીને કહ્યુંકે સાહેબ, જુઓ, આ માણસ અત્યારે પણ નશામાં છે. મારી ફરિયાદ નોંધીને એને અંદર પૂરી દો. ખાખી લૂગડાં પહેરીને એ આવું કરે એમાં તો તમારા ડિપાર્ટમેન્ટની આબરૂ બગડે છે. બાપની સાથે આવેલી એ સ્ત્રી ઉશ્કેરાટથી ફરિયાદ કરતી હતી એ છતાં મનોમન ગભરાતી હતી એટલે એ કરગરી કે સાહેબ, એ બહાર રહેશે તો મને જીવતી નહીં છોડે... એને પૂરી દો... કોઇ કંઇ સમજે-વિચારે એ અગાઉ પેલાએ થ્રી-નોટ-થ્રીની બંદૂક હાથમાં લીધી અને ઘાંટો પાડ્યો કે હવે એક શબ્દ પણ બોલ્યા વગર અહીંથી ભાગ, નહીં તો મારી નાખીશ.


વીરતા-શૂરવીરતાથી સાવ પરવારી ગયો

એક ડગલામાં જ હિંમત-હામને હારી ગયો

તુલસી ગોસ્વામી...’ ચેમ્બરની બહાર બેઠેલા કારકુને ફાઇલમાં નામ જોયું અને સામે બેઠેલા ત્રીસ ઉમેદવારો સામે નજર કરીને મોટેથી બૂમ પાડી. પોતાનું નામ સાંભળીને તુલસી ઊભી થઇ ગઇ. ‘આ ભાઇ બહાર આવે પછી તમારો વારો છે.’ એ સાંભળીને એ પાછી ખુરશીમાં બેસી ગઇ.


આ શૈક્ષણિક સંસ્થાનું આખું પરિસર પચાસ એકરમાં પથરાયેલું હતું. એમાં વહીવટી અધિકારીની જગ્યા માટેના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા.


દસેક મિનિટ પછી અંદર ગયેલો ઉમેદવાર બહાર આવ્યો. અઠ્ઠ્યાવીસ વર્ષની તુલસીની ઘઉવર્ણી ત્વચામાં તંદુરસ્તીની ચમક હતી. સપ્રમાણ દેહ અને પારદર્શક નિખાલસ આંખોને લીધે એનું વ્યક્તિત્વ બીજાઓથી અલગ તરી આવતું હતું.


બારણું હળવેથી ખોલીને એણે અંદર પ્રવેશવાની રજા માગી. વિશાળ ટેબલની સામે બેઠેલી ત્રણેય વ્યક્તિઓએ એને આંખના ઇશારાથી જ અનુમતિ આપી. આ ત્રણ પૈકી વચ્ચે બેઠેલા પડછંદ પુરુષનું પ્રભાવશાળી વ્યક્તિત્વ આજુબાજુ બેઠેલા બંને પુરુષોને ઝાંખા પાડી દેતું હતું.


સિત્તેરેક વર્ષની ઉંમર, ખાદીનો સફેદ ઝભ્ભો અને ધેરા કથ્થાઇ રંગની બંડી. હાથની આંગળીમાં ગુરુના મોટા નંગવાળી વીંટી.


‘બેસો.’ જમણી તરફ બેઠેલા પચાસેક વર્ષના આચાર્યે તુલસીને કહ્યું એટલે એ ખુરશીમાં બેઠી. ‘નામ?’


‘તુલસી... તુલસી અશોકપુરી ગોસ્વામી.’ તુલસીએ જવાબ તો વિવેકથી આપ્યો. તુલસીએ એ સજ્જનના બધા પ્રશ્નોના જવાબ બિલકુલ શાંતિથી આપ્યા. એ પછી એ ભાઇએ ડાબી તરફ બેઠેલા સાહેબને ઇશારો કર્યો. એ સાહેબે ફાઇલ ખોલીને ચશ્માં પહેરીને વિગતો વાંચ્યા પછી તુલસી સામે જોયું.


‘અત્યારે તો તમારી નોકરી ચાલુ છે. પગાર પણ સારો છે, ખરું?’


‘જી.’


તુલસીએ વારાફરતી ત્રણેયની સામે જોઇને જવાબ આપ્યો. ‘અત્યારે કોડિનારમાં ખાંડની ફેક્ટરીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે સેવા આપું છું. દોઢ વર્ષથી ત્યાં કામ કરું છું એમાં કોઇ તકલીફ નથી. એ છતાં શૈક્ષણિક સંસ્થામાં કામ કરવાની તક મળે તો વધુ સારું...’


ધીમા અવાજે તુલસીએ કબૂલ કર્યું. ‘ત્યાં ફેક્ટરીમાં જે મજૂરો કામ કરે છે એમની વાજબી માગણીઓ અંગે મેનેજમેન્ટ સાથે થોડા ઘણા મતભેદ છે. એને લીધે આમ પણ એ નોકરી લાંબો સમય ટકે એવું નથી લાગતું.’


‘અહીંયા પણ એવું નહીં બને એની ખાતરી છે?’ એ સાહેબે હસીને પૂછ્યું. ‘એ ફેક્ટરી છે અને આ શૈક્ષણિક સંસ્થા છે એટલે અહીંના વહીવટમાં કોઇ તકલીફ નહીં પડે.’ તુલસીએ આત્મવિશ્વાસથી આટલું કહીને ઉમેર્યું.


‘વળી, આપણી આ સંસ્થા દસ વર્ષથી સરસ રીતે ચાલે છે અને એના વખાણ સાંભળ્યા છે.’ એ સાહેબે પોતાની ફરજ પૂરી કરીને વચ્ચે બેઠેલા વૃદ્ધ સામે જોયું. ‘સર,..’


ડાબે-જમણે બેઠેલા સજ્જનોને જવાબ આપતી વખતે તુલસીને પણ ખ્યાલ હતો કે અંતિમ ચુકાદો તો કેન્દ્રસ્થાને બેઠેલા આ વૃદ્ધના હાથમાં હશે. એટલે એ લગીર સભાન અને સાવધ બની. અત્યાર સુધી શાંતિથી બધા સવાલ-જવાબ સાંભળી રહેલા એ વૃદ્ધે ફાઇલમાં વિગતો ઉપર ઝડપથી નજર ફેરવી લીધી અને પછી તુલસી સામે જોયું.


‘વતન વાંકાનેર. ત્યાંની સ્કૂલમાં દસમામાં અને બારમામાં પ્રથમ. એ પછી કોલેજનો અભ્યાસ રાજકોટમાં અને એમ.બી.એ. અમદાવાદથી કર્યું. એ પછી પહેલી નોકરી કોડિનારમાં મળી જે હજુ ચાલુ છે.’ અરજીમાં લખેલી વિગતોનો ટૂંકસાર એક શ્વાસે બોલી ગયા પછી એમણે હસીને તુલસી સામે જોયું.


‘અને હવે ભાવનગરની અમારી સંસ્થામાં જોડવાની ઇચ્છા છે. રાઇટ?’


‘જી.’ અવાજમાં ભારોભાર વિવેક ઉમેરીને તુલસીએ કહ્યું. ‘જો આપ તક આપો તો.


‘ફેમિલીમાં કોણ કોણ છે?’ ‘હું ને મારી મમ્મી.’ તુલસીના અવાજમાં ભીનાશ ભળી.


‘હું દોઢ વર્ષની હતી ત્યારે જ મારા પપ્પા ગુજરી ગયેલા. એક કમનસીબ અકસ્માતમાં એમનું મૃત્યુ થયું એ પછી થોડા ઘણા પૈસા મળેલા. મમ્મીએ પેટે પાટા બાંધીને બારમા સુધી ભણાવી. એ પછી રાજકોટમાં રહેતા મામાના આશરે ગઇ અને ત્યાં કોલેજ કરી.


બીજા મામા અમદાવાદ રહે છે. એમ.બી.એ.માં એડમિશન મળ્યું એટલે એમના ઘરનું બારણું ખખડાવ્યું. એ રીતે ભણ્યા પછી જ પહેલી નોકરી મળી એ સ્વીકારી લીધી. નોકરી સારી છે. હું ને મમ્મી કંપનીના ક્વાર્ટરમાં રહીએ છીએ પણ મેં કહ્યું એ રીતના પ્રોબ્લેમ છે એટલે મન ડંખ્યા કરે છે.


આપની સંસ્થાની જાહેરાત જોઇ કે તરત અરજી મોકલી આપી.’


તુલસી અટકી એ પછી એ વૃદ્ધે એના ચહેરા સામે જોઇને પૂછ્યું. ‘પપ્પાને એક્સિડન્ટ કઇ રીતે થયેલો?’


‘બહુ વિચિત્ર ઘટના બનેલી.’ એ માણસના અવાજમાં લગીર સહાનુભૂતિનો રણકાર પારખીને તુલસીના મનમાં આશા જન્મી. એણે એમની સામે જોઇને બોલવાનું શરૂ કર્યું.


‘હું તો એ વખતે દોઢેક વર્ષની અને પપ્પાની ઉંમર પણ ત્રીસેક વર્ષની હતી. વાંકાનેરમાં એ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતાં હતા. એક દિવસ એ પોલીસ સ્ટેશનના અંદરના રૂમમાં બેસીને કામ કરતાં હતા. બીજા એક કોન્સ્ટેબલને દારૂ પીવાની કુટેવ હતી. એને લીધે એ એની પત્નીને મારઝૂડ કરતો હતો.


આગલી રાત્રે એ કોન્સ્ટેબલે એની પત્ની સાથે ઝઘડો કરીને એ બાપડીને એટલી બધી મારેલી કે પેલી ભાગીને પિયર જતી રહેલી. સવારે એ એના બાપાને લઇને પોલીસ સ્ટેશનમાં આવી. ઇન્સ્પેક્ટરસાહેબના ટેબલ પાસે એ સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડીને પોતાની ફરિયાદ સંભળાવી રહી હતી.


એ લાચાર સ્ત્રીનો બાપ પણ ઇન્સ્પેક્ટરને કરગરી રહ્યો હતો કે સાહેબ, મારી દીકરીને એ હેવાનના ત્રાસમાંથી બચાવો. એ બાપ-દીકરી આ બધું કહી રહ્યા હતા એ વખતે પેલો કોન્સ્ટેબલ ત્યાં ધસી આવ્યો. એ વખતે પણ એ ફુલ નશામાં હતો. એણે ઘાંટો પાડીને પોતાની પત્ની અને સસરાને બહાર નીકળી જવા આદેશ આપ્યો.


એ સ્ત્રીએ ઇન્સ્પેક્ટર સામે હાથ લંબાવીને ચીસ પાડીને કહ્યું કે સાહેબ, જુઓ, આ માણસ અત્યારે પણ નશામાં છે. મારી ફરિયાદ નોંધીને એને અંદર પૂરી દો. ખાખી લૂગડાં પહેરીને એ આવું કરે એમાં તો તમારા ડિપાર્ટમેન્ટની આબરૂ બગડે છે.


બાપની સાથે આવેલી એ સ્ત્રી ઉશ્કેરાટથી ફરિયાદ કરતી હતી એ છતાં મનોમન ગભરાતી હતી એટલે એ કરગરી કે સાહેબ, એ બહાર રહેશે તો મને જીવતી નહીં છોડે... એને પૂરી દો...


કોઇ કંઇ સમજે-વિચારે એ અગાઉ પેલાએ થ્રી-નોટ-થ્રીની બંદૂક હાથમાં લીધી અને ઘાંટો પાડ્યો કે હવે એક શબ્દ પણ બોલ્યા વગર અહીંથી ભાગ, નહીં તો મારી નાખીશ. સાહેબ, આ નફ્ફટની હિંમત તો જુઓ. પેલી સ્ત્રીએ તીણી ચીસ પાડીને ઇન્સ્પેક્ટરને કહ્યું. તમારી હાજરીમાં આ દારૂડિયો મને મારી નાખવાની ધમકી આપે છે.


ઊભા થઇને એને અંદર પૂરી દો. ઇન્સ્પેક્ટર ઊભા થાય એ અગાઉ પેલાની કમાન છટકી. પત્ની સામે બંદૂક તાકીને એણે ઘોડો દબાવી દીધો. એની પત્ની વીજળીની ઝડપે નીચે બેસી ગઇ અને બંદૂકમાંથી છૂટેલી ગોળી બારીમાંથી અંદર જઇને સીધી મારા પપ્પાના કપાળમાં ઘૂસી ગઇ!’


આ બધું બોલતી વખતે તુલસીનો ચહેરો પરસેવે રેબઝેબ થઇ ચૂક્યો હતો. સામે બેઠેલા ત્રણેય સ્તબ્ધ બનીને સાંભળતા હતા. ‘મારા પપ્પા તો બિચારા અંદરના રૂમમાં ફાઇલ લઇને કામ કરતા હતા. બરાબર બે આંખની વચ્ચે કપાળમાં એવી રીતે ગોળી વાગી કે એ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા.’ આટલું કહીને તુલસી અટકી.


હાથ લંબાવીને એણે પેલા લોકો માટે મુકાયેલ પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને એક ઘૂંટડે ખાલી કર્યો.


‘સોરી.’ એને પોતાની ભૂલનું ભાન થયું એટલે ફીકું હસીને એણે ત્રણેયની માફી માગી લીધી. ‘દુનિયામાં આવો વિચિત્ર અકસ્માત લાખમાં એકાદ વ્યક્તિને થતો હશે. મારું એટલું કમનસીબ કે મેં આ રીતે પપ્પાની છત્રછાયા ગુમાવી.’


‘ઓ.કે.’ વચ્ચે બેઠેલા વદ્ધે ડાબી બાજુ બેઠેલાને આંખનો ઇશારો કર્યો એટલે એણે હળવેથી તુલસીને કહ્યું: ‘હવે તમે જઇ શકો છો.’ તુલસી ધીમા પગલે ચેમ્બરની બહાર નીકળી. ડાબે-જમણે બેઠેલા હતા એ બંનેએ વૃદ્ધની સામે જોયું.


‘જામભાબાપુ, શું કરીશું?’


‘વિચારીએ.’ જામભાએ ટૂંકા સફેદવાળમાં હાથ ફેરવીને જવાબ આપ્યો. ‘હજુ તો બહુ જણા બાકી છે.’ ઇન્ટરવ્યૂ પતી ગયા પછી બધા ઉમેદવારોને કારકુને જણાવ્યું. ‘દસેક દિવસમાં તમને બધાને પત્ર લખીને જાણ કરીશું.’


અઠવાડિયા પછી કોડિનારમાં બેઠેલી તુલસી ગોસ્વામી રોજ ટપાલની રાહ જોતી હતી. એ વખતે ભાવનગરના એક વૈભવી બંગલામાં જામભા બાપુના હાથમાં ગ્લાસ હતો. સામે એમનો અંગત મિત્ર શામજી રૂપાણી બેઠો હતો. ‘બાપુ, પછી પેલા ગોસ્વામીની છોકરીને નોકરીમાં રાખી?’


‘આમ તો પ્રાયશ્વિત કરવાની તક હતી પણ હિંમત ના ચાલી. સાડા તેર વર્ષ જેલમાં કાઢ્યા ત્યારે રોજ પસ્તાવો થતો હતો. જેને ઢાળી દેવાની હતી એ બચી ગઇ અને બિચારો બાવાજી નવાણિયો કૂટાઇ ગયો. બહાર આવીને બાપીકી જમીન વેચીને અહીં તારા જેવા ભાઇબંધોની સાથે આ આખું તોસ્તાન ઊભું કરીને જમાવી દીધું.


માણસો સારા મળી ગયા એટલે ધંધો જામી ગયો. એ પછી તો એ આખી વાત મગજમાંથી ભૂંસી નાખી હતી. એ પાણીદાર છોકરી સામે બેસીને બોલતી હતી ત્યારે જાત ઉપર શરમ આવતી હતી. એક મિનિટ તો થયું કે નોકરી આપી દઉ. એ બાપડી રાજી થશે ને મારું પાપ ધોવાશે.


પણ પછી ફફડી ગયો. એ અહીં નોકરી કરે તો જેટલી વાર એને જોઉ એટલી વાર મારા ગુનાની યાદ આવે. મન ડંખ્યા કરે.’ બાપુએ મોટો ઘૂંટડો ભરીને શામજી સામે જોયું. ‘વળી, બીજી બીક વધારે મોટી હતી. ન કરે નારાયણ ને એ છોકરીને હકીકતની ખબર પડી જાય તો જીવવાનું ભારે પડે.


એ છોકરી અને એની મા સામે આવીને ઊભા રહે ત્યારે ધરતીમાં સમાઇ જવાનું મન થાય. બંદૂકના ભડાકા કરવાનું કામ સહેલું છે શામજી, પણ એ મા-દીકરીની નજરનો સામનો કરવાની જિગર નથી. એટલે બીજાને ઓર્ડર આપી દીધો.’

(શીર્ષક પંક્તિ : લેખક)