Tuesday, November 24, 2009

દોસ્ત આવા મેળવીને કૈંક પામ્યા છો તમે

‘એ આરામથી ઉપર પહોંચી ગયા ને મન રઝળતી મૂકી ગયા.’ ‘તમારા જેવા સજ્જન ભાઇબંધની ઓથ છે એટલે હૈયું ઠાલવવા દોડી આવી, બાકી કંટાળી ગઇ છું. એ મર્યાને એક મહિનો થયો કે તરત દુનિયાભરના લેણદારો તૂટી પડ્યા છે. રોજ એવું લોહી પીવે કે હારી ગઇ છું. એમ થાય છે કે એમની સાથે હુંય ઊકલી ગઇ હોત તો સારું થતું. સુધીરભાઇ, તમે જ કહો કે આવા નફ્ફટ અને નાગા માણસોનું શું કરવું? ના ઓળખાણ-ના પિછાણ-ના કોઇ પુરાવો કે ના કોઇ લખાણ. એક પછી એક ઉઘરાણીવાળા આવે છે...


દોસ્ત આવા મેળવીને કૈંક પામ્યા છો તમે

માત્ર મગજળની કથામાં લ્યો ફસાયા છો તમે


આ રસિક જબરો છે! વર્ષોથી મિત્રતા છે છતાં એની અમુક આદત સમજાતી નથી.’ પચાસ વર્ષના સુધીરે ઓફિસેથી આવીને શાકભાજીની થેલી ટિપોઇ પર મૂકી પછી સોફા પર બેસીને સુનંદાને કહ્યું, ‘તેં શાક લાવવાનું કહેલું એટલે છૂટીને સીધો માણેકચોક ગયો. ત્યાં રસિક ભટકાઇ ગયો.


શાકભાજી ખરીદ્યાં પછી સફરજનના ભાવ સાંભળીને હું વિચારતો હતો કે આટલાં મોંઘાં સફરજન લેવાં કે નહીં. એ જ વખતે રસિકે મને કહ્યું કે બસો રૂપિયા ઉછીના આપ. મેં આપ્યા કે તરત એણે બે કિલો સફરજન ખરીદીને દુકાનદારને બસો રૂપિયા આપી દીધા.


મારા ખિસ્સામાં પૈસા હતા અને હું હજુ વિચારતો હતો અને એ માણસે ઉધારી કરીને પણ સફરજન લઇને થેલીમાં મૂકી દીધાં!’


‘તમે સીધા-સાદા છો અને એ ખેલાડી માણસ છે.’ સુનંદાની કોઠાસૂઝ સારી હતી. એણે પતિને સમજાવ્યું. ‘કોઇની પાસેથી પૈસા માગવા હોય તો તમારી જીભ ના ઊપડે. સામા પક્ષે દેવું કરીને પણ સફરજન ખાવામાં એને શરમ ના લાગે. ઉપરવાળો આવા માણસની જોડી પણ ગજબ મેળવે છે.


રસિલાભાભી પણ બાર લાખ છપ્પન હજાર છે. એમના ફ્લેટનું ફર્નિચર જોયું હોય તો કરોડપતિ જેવું લાગે. તમે પંદર વર્ષ જૂનું સ્કૂટર રાખો છો અને એ સેન્ટ્રોમાં ફરે છે.’


‘કોઇની કાર જોઇને અંજાઇ ના જવું. દેવું કરવાની હિંમત હોય તો બધી કંપનીવાળા એક કલાકમાં જોઇએ એવી કાર ઉધાર આપે છે.’ સુધીરે ચાનો ખાલી કપ ટિપોઇ પર મૂક્યો અને રસિક પ્રકરણની પૂણાર્હુતિ કરી.


‘પાંચ વર્ષ પહેલાં ફ્લેટની આ સ્કીમ મુકાઇ અને હું તપાસ કરવા આવેલો ત્યારે એ ભટકાઇ ગયેલો. બિલ્ડરનું એકાઉન્ટ અમારી બેંકમાં છે એટલે ઓળખાણ હતી એનો ફાયદો એને પણ અપાવ્યો. એક પોળમાં સાથે ઉછરેલા એટલે ભાઇબંધીમાં આટલું કામ કરી આપેલું. ’


‘યાદ કરીને બસો રૂપિયા પાછા માગી લેજો. એ સાહેબ સામેથી યાદ કરીને પાછા આપવા નહીં આવે..!’


સુનંદાની ધારણા ખોટી પડી. રાત્રે નવ વાગ્યે રસિક એમના ઘરમાં આવ્યો. ‘એ વખતે શું બન્યું કે એક મિત્રની દુકાને જામખંભાળિયાથી પંદર કિલો ઘીનો ડબ્બો આવેલો. એ ખરીદીને ગાડીમાં મૂકી દીધો એટલે પૈસા ખૂટી ગયા.’ રસિકે બસો રૂપિયા સુધીરના હાથમાં મૂક્યા. ‘થેંક્યુ વેરી મચ. તને થોડીકવાર માટે તકલીફ આપવી પડી.’


‘એમાં શું?’ સુધીરને બદલે સુનંદાએ હસીને જવાબ આપ્યો. ‘તમારા પૈસા ક્યાં જવાના હતા? તમે તો એમના બાળપણના મિત્ર ને પાછા પાડોશી. ગમે ત્યારે આપ્યા હોય તો પણ ચાલે. આ ક્યાં મોટી રકમ હતી?’ એ બોલતી હતી. સુધીર આશ્ચર્યથી એની સામે તાકી રહ્યો હતો.


એ પછી દસેક દિવસ પછી સુધીર બેંકમાં હતો ત્યારે એનો મોબાઇલ રણક્યો. ‘કાલે સાંજનો શું પ્રોગ્રામ છે?’ રસિકે હસીને સવાલ કર્યો અને પછી સમજાવ્યું. ‘એસ.જી.હાઇવે ઉપર એક મિત્રની હોટલ છે. ઘણા સમયથી એ આગ્રહ કરે છે કે જમવા આવ.


ત્યાંનું વાતાવરણ એવું છે કે રસિલાને કે સુનંદાભાભીને ના લઇ જવાય. આપણે બંને જઇશું. તને બેંક પરથી પિકઅપ કરી લઇશ.’


બીજા દિવસે સાંજે સાડા સાત વાગ્યે એ બેંકની બહાર ઊભો રહ્યો. થોડી વાર પછી રસિક આવ્યો. એ એની કારમાં ગોઠવાયો. રસિકના મિત્રની હોટલ હજુ એકાદ વર્ષ પહેલાં જ બની હતી. મઢૂલી જેવી નાનકડી કેબિનમાં બંને મિત્રો બેઠા.


જમ્યા પછી રસિક મૂળ વાત પર આવ્યો. ‘જો દોસ્ત, આટલાં વર્ષોમાં તને ક્યારેય તકલીફ નથી આપી પણ અત્યારે જિંદગી અને મોતનો સવાલ છે એટલે તારે મદદ કરવી પડશે.’


સુધીરના બંને હાથ પોતાના હાથમાં જકડીને રસિક કરગર્યો. ‘લેડિઝને આમાં ઇન્વોલ નથી કરવાની એટલે તને અહિંયા લાવ્યો. શેરબજારના સબબ્રોકર તરીકે ધંધો સારો ચાલે છે પણ એમાં બે-ત્રણ સોદામાં હાથ દાઝી ગયા છે એટલે તારે ઉગારવાનો છે. માત્ર એક વર્ષ માટે બે-અઢી લાખની મદદ કરવાની છે.’


સુધીર સ્તબ્ધ હતો. ‘ચાર-પાંચ હજાર હોય તો ઠીક છે. આમ-તેમથી વ્યવસ્થા કરી શકું પણ આટલી મોટી રકમ.’ એ ધીમેથી બબડ્યો.


‘તું ધારે તો મદદ કરી શકે.’ રસિક પાકા પાયે હોમવર્ક કરીને આવ્યો હતો. અહીં આવતાં અગાઉ એણે પૂરી માહિતી મેળવી લીધી હતી. સુધીરની આંખોમાં આંખો પરોવીને એણે રસ્તો બતાવ્યો.


‘તારી બેંકમાં તમારા સ્ટાફની ક્રેડિટ સોસાયટી ચાલે છે. એમાં ત્રણ લાખ સુધીની લોન મળી શકે છે અને તેં હજુ સુધી ક્યારેય એનો લાભ લીધો નથી. આજે વીસમી તારીખ થઇ. મારા માટે થઇને ફોર્મ ભરવાની તકલીફ લે. પૂરેપૂરા ત્રણ લાખની જરૂર નથી.


અઢી લાખ માટે અરજી કર એટલે પહેલી તારીખે તારા હાથમાં પૈસા આવી જશે. પાંચ વર્ષના હપ્તા રાખવાના. દર મહિને તારા પગારમાંથી હપ્તાની જે રકમ કપાય એ હું તને રોકડી આપી દઇશ એટલે એમાં તને કોઇ તકલીફ નહીં પડે.


એકાદ વર્ષ પછી મારો પ્રોબ્લેમ પતી જશે ત્યારે આખી લોન ભરી દઇશું.’ જાણે સુધીરે સંમતિ આપી દીધી હોય એટલા આત્મવિશ્વાસથી રસિકે ઉમેર્યું.


‘આ આખી વાત આપણા બે વચ્ચે રાખવાની. હું રસિલાને નહીં કહું અને તારે સુનંદાભાભીને નહીં કહેવાનું. તારા હાથમાં દર મહિને પગાર આવશે એ જ દિવસે હપ્તાની રકમ આપી દઇશ એટલે બીજો કોઇ સવાલ નથી.’ એક શ્વાસે આટલું બોલીને રસિક અટક્યો.


‘તારો પગાર થશે એ જ દિવસે તને હપ્તો મળી જશે.’ રસિકે ભારપૂર્વક કહ્યું. ‘ઇન્ટ્રાડેમાં લાટો લેવા ગયો હતો પણ ફસાઇ ગયો. બજારમાં ઇજ્જત એવી છે કે બીજા કોઇને વાત કરું તો લોચો થઇ જાય.’ એણે ફરીથી સુધીરના હાથ જકડી લીધા.


‘ગમે તેમ કરીને બચાવી લેવાનો છે તારે. મેં જે રસ્તો બતાવ્યો એમાં કોઇ તકલીફ વગર સરળતાથી બધું પતી જશે.’


સુધીર મોઢાનો મેળો હતો. એણે માથું હલાવીને સંમતિ આપી ત્યારે રસિક ગળગળો થઇ ગયો. પહેલી તારીખે ક્રેડિટ સોસાયટીનો ચેક ખાતામાં ભરીને અઢી લાખ રોકડા લઇને એ બેંકની બહાર ઊભો રહ્યો.


‘જો રસિક, તારું વચન યાદ રાખજે. દર મહિને પગારની તારીખે હપ્તો આપવામાં ભૂલ ના કરતો. પાંચ વર્ષની મુદત રાખી છે એટલે મહિને સાડા છ હજારનો હપ્તો આવશે.’ રસિકને પૈસા આપીને આટલું કહેતી વખતે સુધીરના અવાજમાં ચિંતા હતી.


‘મારે ઘર ચલાવવામાં તકલીફ પડશે.’


‘ડોન્ટ વરી. તને તકલીફ નહીં પડે. ભૂલે ચૂકેય સુનંદાભાભી પાસે મોં ના ખોલતો. એ ભોળાભાવે રસિલાને કહેશે તો મારા ઘરમાં મહાભારત થઇ જશે.’


સુધીરે માથું હલાવીને સંમતિ આપી. ત્રણ મહિના વીતી ગયા. દર મહિને સત્યાવીસમી તારીખે જ રસિક હપ્તો આપી જતો હતો. એ પછી અચાનક એક ઘટના બની. સાંજે ચાર વાગ્યે સુધીર બેંકમાં હતો અને એનો મોબાઇલ રણક્યો.


‘સાંભળો છો?’ સુનંદાનો અવાજ તરડાઇ ગયો હતો. ‘તમે જલદી ઘેરઆવો. રસિકભાઇ અને રસિલાભાભીને એક્સિડેન્ટ થયો છે.’


‘વ્હોટ? શું થયું?’


‘છોકરાંઓને ઘેરમૂકીને એ બંને એક મેરેજમાં બાવળા ગયાં હતાં. ત્યાંથી પાછાં આવતાં એમની કાર એક ટ્રક સાથે ભટકાણી.’


‘ઓહ ગોડ! બહુ વાગ્યું નથી ને?’


‘તાત્કાલિક ઘેરઆવો.’ સુનંદાનો અવાજ સાવ ઢીલો થઇ ગયો. ‘રસિલાભાભીને પગમાં ફ્રેકચર થયું છે. રસિકભાઇની છાતીમાં આખું સ્ટિયિંરગ ઘૂસી ગયેલું. એ બાપડા તો ઓન ધ સ્પોટ ગુજરી ગયા!’


સુધીરનું આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું. આંખે અંધારાં આવતાં હોય એવું લાગ્યું અને એ ખુરશીમાં ફસડાઇ પડ્યો.એ ઘેરઆવ્યો. રસિકનાં સગા ભાઇ-બહેન નહોતાં. પિતરાઇ ભાઇઓ આવી ગયા હતા.


સુધીર એમની સાથે મદદમાં જોડાઇ ગયો. પોસ્ટમોર્ટમની બધી વિધિ પછી બીજા દિવસે રસિકની અંતિમવિધિ પણ પતી ગઇ. હોસ્પિટલમાં પડેલી રસિલાનું હૈયાફાટ રુદન સાંભળનારને હચમચાવી મૂકે એવું હતું.


સુધીરની ઊંઘ ઊડી ગઇ હતી. હવે શું? એક વિરાટ સવાલ એને મૂંઝવતો હતો. ગમે તેમ કરીને હજુ ત્રણ-ચાર મહિના સુધી હપ્તાની રકમની એ ગોઠવણ કરી શકે. પણ એ પછી?


રસિલા હોસ્પિટલમાંથી ઘેરઆવી ગઇ હતી. એ સતત રડી રડીને રસિકને યાદ કરતી હતી. આ પરિસ્થિતિમાં એને આ વાત કરવાની સુધીરની તૈયારી નહોતી. એ બાપડી ઉપર આભ તૂટી પડ્યું છે એ દશામાં એની મુશ્કેલીમાં વધારો કઇ રીતે કરવો?


સુધીરની ખાનદાની એને રોકતી હતી. બે મહિના વીતી ગયા. રસિલા હવે ધીમે ધીમે સ્વસ્થ બની ગઇ હતી. હવે એકાદ મહિના પછી રસિલા પાસે બેસીને આ આખી વાત ધીમેથી સમજાવીને બાકીના પૈસા માટે શું કરવું છે એ પૂછવાનું સુધીરે મનોમન નક્કી કરી લીધું.


એની સાથે વાત કરતાં અગાઉ આખી રામકહાણી સુનંદાને કહેવી પડશે. એ પછી સુનંદાને સાથે રાખીને રસિલાને કહેવાનો એણે નિર્ણય કરી લીધો.


રવિવારે સવારે દસેક વાગ્યે સુધીર બીજી વારની ચા પીતી વખતે અખબારો ઉપર નજર ફેરવતો હતો. એ વખતે અચાનક રસિલા એમના ઘરમાં આવી. પગમાં ઓપરેશન કરીને સળિયો નાખ્યો હોવાથી એ લાકડીના ટેકે ચાલતી હતી.


‘સુનંદા, જો કોણ આવ્યું?’ સુધીરે રસોડા તરફ જોઇને બૂમ પાડી. સુનંદા બહાર આવી. લાકડી બાજુમાં મૂકીને રસિલા સોફા પર બેઠી. સુધીર અને સુનંદા એની સામેના સોફા ઉપર બેઠાં હતાં.


‘એ આરામથી ઉપર પહોંચી ગયા ને મન રઝળતી મૂકી ગયા.’ કોઇ જ જાતની પૂર્વભૂમિકા વગર રસિલાએ બોલવાનું શરૂ કર્યું. સુધીર અને સુનંદાની સામે જોઇને એણે ઊભરો ઠાલવ્યો. ‘કેટલાય દા’ડાથી મનમાં મૂંઝાતી હતી એટલે થયું કે તમારી પાસે બેસીને મન હળવું કરું.’


રસિલાએ નિરાશાથી માથું ધુણાવ્યું. એના તીણા અવાજમાં પીડાની સાથે નફરતની કડવાશ રણકતી હતી. ‘તમારા જેવા સજ્જન ભાઇબંધની ઓથ છે એટલે હૈયું ઠાલવવા દોડી આવી, બાકી કંટાળી ગઇ છું. એ મર્યાને એક મહિનો થયો કે તરત દુનિયાભરના લેણદારો તૂટી પડ્યા છે.


રોજ એવું લોહી પીવે કે હારી ગઇ છું. એમ થાય છે કે એમની સાથે હુંય ઊકલી ગઇ હોત તો સારું થતું. સુધીરભાઇ, તમે જ કહો કે આવા નફ્ફટ અને નાગા માણસોનું શું કરવું?


ના ઓળખાણ-ના પિછાણ-ના કોઇ પુરાવો કે ના કોઇ લખાણ. એક પછી એક ઉઘરાણીવાળા આવે છે. કોઇના પાંચ હજાર ને કોઇના પચાસ હજાર. બધા મારી પાસે માગે છે. એટલો ત્રાસ થાય છે કે લમણાની નસો ફાટી જાય છે.’


ઉશ્કેરાટથી આટલું બોલીને એ અટકી. એના પાતળા હોઠથી દ્રઢતાથી બિડાયા. પછી દાંત ભીંસીને સાંભળનારને વહેરી નાખે એવા ધારદાર અવાજે એણે ઉમેર્યું.


‘છેલ્લા બે દિવસથી રસ્તો જડી ગયો. હાથ અઘ્ધર કરીને બધા માગવાવાળાને ચોખ્ખું ગુજરાતીમાં કહી દીધું કે પુરાવા વગર કોઇને એક પૈસોય નહીં આપું. મરનારો કંઇ પૈસાનું ઝાડ ઉગાડીને નથી ગયો. જેને લેવા હોય એ જાવ એની પાસે અને લઇ લો તમારા પૈસા!’


એ હાથ લંબાવીને કડવાશથી બોલતી હતી. સુનંદા સહાનુભૂતિથી સાંભળતી હતી અને સુધીરની આંખ સામે અંધકાર છવાતો હતો!


(શીર્ષક પંક્તિ : લેખક)

No comments: