‘એક મિત્ર જમવા આવવાનો છે...’ સમીરે ઓફિસની બ્રિફકેસ બાજુ પર મૂકી અને સ્મિતા સામે જોઇને ખુલાસો કર્યો. ‘એણે સામેથી જ કહ્યું કે જમવા આવું છું...’ ‘ખરું કહેવાય! આવો ભાઇબંધ?’ ‘બેધડક આવું કહી શકે એનું નામ મિત્ર... મને બત્રીસ વર્ષ થયાં. છેલ્લાં દસ વર્ષમાં અમે માંડ બે-ત્રણ વાર મળ્યા હઇશું પરંતુ અગાઉનાં બાવીસ વર્ષમાં તો રોજ સાથે રમતા હતા... આજે તો એને જોઇને મગજ ચકરાઇ ગયું છે. જલદી આવે તો સારું...’
સ્મિતા આશ્ચર્યથી પોતાની સામે તાકી રહી છે એનો ખ્યાલ હતો એટલે સમીરે સમજાવ્યું. ‘એનું નામ નગીન. ત્રણેક મહિના પહેલાં મારી ઓફિસે આવેલો. દર ગુરુવારે એ સાંઇબાબાના મંદિરે દર્શન કરવા જાય છે. એ દિવસે દર્શન કરવા ગયો અને એનાં ચંપલ ચોરાઇ ગયાં. મારી ઓફિસ નજીક પડે એટલે ખુલ્લા પગે સાઇકલ લઇને આવ્યો. નવા ચંપલ લેવાના પૈસા નહોતા એટલે મારી પાસેથી બસો રૂપિયા લીધા. પગાર થશે એટલે આપી જઇશ એવું એણે કહેલું. અત્યારે ઘેર આવતો હતો ત્યારે આશ્રમરોડના ટ્રાફિક પોઇન્ટ પર અચાનક ભટકાઇ ગયો. સેન્ટ્રો કારમાં બેઠો હતો. સ્ટિયરિંગ ઉપર સ્ટાઇલથી હાથ મૂકીને કહે કે સમીરિયા! આપણી પોતાની ગાડી છે! ટ્રાફિકની લાઇન ખૂલી એટલે જતાં પહેલાં કહ્યું કે રાત્રે જમવા આવીશ...’
સ્મિતાએ મૂકેલો ચાનો કપ સમીરે હાથમાં લીધો. ‘નગીનની આ માયાજાળ સમજાતી નથી. ચંપલ ખરીદવાના પૈસા ખિસ્સામાં ના હોય એ માણસ કાર ક્યાંથી ખરીદે?...’ એણે માથું ધુણાવીને ઉમેર્યું. ‘એ આવીને કહેશે ત્યારે તાળો મળશે.’‘એ માણસ સાચું થોડું બોલે?...’ સ્મિતાના અવાજમાં અવિશ્વાસ હતો. ‘કોઠા-કબાડા કે ચોરી-ચપાટી કરીને કાર લીધી હોય તો કોઇ કબૂલ ના કરે.’
‘આપણાં લગ્ન થયાં ત્યારે એ બીમાર હતો. એનાં લગ્નમાં ગણીને પાંચ માણસને જવાનું હતું. એ પછી એ ક્યારેય આપણા ઘેર આવ્યો નથી એટલે તું એને ઓળખતી નથી...’ ચાનો ખાલી કપ ટિપોઇ પર મૂકીને સમીર ઊભો થયો. ‘તું રસોઇ શરૂ કર...’ સ્મિતા રસોડામાં ગઇ. કપડાં બદલીને સમીર પણ ત્યાં પહોંચ્યો. ભૂતકાળની સ્મૃતિઓ યાદ કરીને એ નગીનનો પરિચય આપતો હતો. ‘ગામમાં આપણા ઘરની સામે જ નગીનનું ઘર હતું.
ભોળિયો ચહેરો, ખૂલતું શર્ટ, લેંઘો અને પગમાં સ્લીપર એ એનો કાયમી દેખાવ. એક વાર આઠમાં અને એ પછી મેટ્રિકમાં નાપાસ થયા પછી ભણવાનું છોડી દીધું હતું. ગામની બજારમાં આમથી તેમ આંટા માસિવાય બીજી કોઇ પ્રવૃત્તિ નહીં. બધા દુકાનવાળાને કંઇ પણ કામ હોય તો નગીનને આપી દે. પૂરા વિશ્વાસથી બધા એને કામ સોંપે. ઘરમાં નગીનના બાપા, નવી મા, મોટોભાઇ-ભાભી અને બે નાની સાવકી બહેનો... આખું કુટુંબ પણ એમાંથી કોઇને નગીનની કંઇ પડી નહોતી.
નગીનના બાપા દલીચંદભાઇનો સ્વભાવ તીખા મરચા જેવો. નગીન અને એના મોટાભાઇ વચ્ચે પાંચ વર્ષનો તફાવત હતો. અમારા બધાની હાજરીમાં એ પણ નગીનને ઝૂડી નાખે. દલીચંદકાકાને કોણ જાણે કેમ નગીન ઉપર જરાય લાગણી નહીં. સહેજ વાંકમાં આવે કે તરત આખી શેરી વચ્ચે સોટી લઇને મારે. શરૂઆતમાં નગીન ચીસાચીસ કરતો પણ પછી એવો રીઢો થઇ ગયો હતો કે બાપા સોટી લઇને ઝૂડે ત્યારે દાંત ભીંસીને ચૂપચાપ ઊભો રહે...’
રસોઇના કામની સાથોસાથ સ્મિતા ધ્યાનથી સાંભળતી હતી. સમીર યાદ કરીને બોલતો હતો. ‘નગીનની સગી મા બહુ શાંત સ્વભાવની હતી. કાયમ સાજી-માંદી રહેતી. નગીન આઠ વર્ષનો હતો ત્યારે એ ગુજરી ગઇ. નવી માએ ઘરમાં આવીને એક એક વરસના અંતરે બે દીકરીઓને જન્મ આપ્યો પછી નગીનની દશા વધુ કફોડી બની. આખા ઘરમાં બધાને દાઝ કાઢવા માટે ઢીલો-પોચો નગીન જ દેખાતો હતો...’
આઠમાની પરીક્ષાનું પરિણામ આવ્યું એના આગલા દિવસે દલીચંદને પત્ની સાથે ઝઘડો થયો હતો. અમે બધા સ્કૂલમાંથી પરિણામ લઇને આવ્યા પછી આખી શેરીને તમાશો જોવા મળ્યો. કોઇ ઢોરને મારે એ રીતે દલીચંદ નગીન ઉપર તૂટી પડ્યો હતો. સહાનુભૂતિ હોવા છતાં દલીચંદને રોકવાની કોઇનામાં હિંમત નહોતી. બપોરે બે વાગ્યે હું ઘરમાં બેઠો હતો ત્યાં નગીન આવ્યો. સમીરિયા, ચાલ... એણે કહ્યું. અમે બહાર નીકળ્યા. પિક્ચર જોવા જવાનું છે... રસ્તામાં નગીને કહ્યું.
બપોરે ત્રણથી છના શોમાં ફિલ્મ જોઇ. સવારથી બાપાના માર સિવાય કંઇ ખાધું નથી. બાપાએ માર્યો અને નવીએ ખાવા ના દીધું... રેલવે સ્ટેશને બટાકાવડા ખાવા જઇએ... મારો હાથ પકડીને એ ઢીલા અવાજે કરગર્યો. સવારનો ભૂખ્યો હતો એટલે એણે પેટ ભરીને બટાકાવડાં ખાધાં. પછી ચા પીધી. હાશ! હવે રાહત થઇ... એ બોલ્યો. મનોમન ગણતરી કરીને મેં એને પૂછ્યું નગલા! આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યો? તારી આગળ ખોટું નહીં બોલું... એણે મારા હાથ જકડી લીધા...
મારા પાપમાં તને ભાગીદાર બનાવ્યો. બાપાએ ઝૂડ્યો એટલે એમના ઉપર દાઝ ચઢી હતી. સગા બાપની સામે હાથ તો ઉપાડાય નહીં... એને બીજી કઇ સજા કરવી?... મને ભૂખ્યો રાખીને એ ભરપેટ જમ્યો. જમીને ઘોરતો હતો ત્યારે કબાટમાંથી પૈસા કાઢી લીધા... એણે આટલો માર્યો એની સજા તો કરવી જ જોઇએને?... એનો ખુલાસો સાંભળી હું ગભરાયો. અલ્યા, આવું ના કરાય... ખબર પડી જશે તો? એણે બેફિકરાઇથી જવાબ આપ્યો કે પકડાઇશ તો ફરીથી મારશે, બીજું શું કરશે?...’
સ્મિતાના હાથ કુશળતાથી શાક સમારી રહ્યા હતા અને કાન સમીરની વાતમાં રોકાયેલા હતા.‘બસ, એ પછી તો નગીન ખુન્નસથી આગળ વધતો રહ્યો. જ્યારે જ્યારે નવી મા કે બાપા હાથ ઉપાડે ત્યારે માર ખાઇ લે પણ પછી એકાદ-બે દિવસમાં તક મળે એ વખતે ધાપ મારે... પિક્ચર જોવાનું, આઇસક્રીમ ખાવાનો અને સંતોષ લેવાનો કે બાપાને દંડ કર્યો!... નોકરી મળી પછી હું અમદાવાદ આવ્યો અને સંપર્ક કપાઇ ગયો પણ ઊડતી માહિતી મળતી હતી કે નગીન સુખી નથી. પાંચેક વર્ષ અગાઉ મોટો ઝઘડો કરીને એ ઘરમાંથી નીકળી ગયો અને અમદાવાદ આવ્યો. દૂરના એક કુટુંબીને ત્યાં રહ્યો.
એ વડીલ વર્ષોથી લીલારામ તોલાણીને ત્યાં નોકરી કરતા હતા. તોલાણીનો કારોબાર બહુ મોટો હતો. સાબુ, ટૂથપેસ્ટ અને વોશિંગ પાઉડર જેવી વસ્તુઓ ડાયરેકટ કંપનીમાંથી વગર બિલે એમને ત્યાં આવતી. તોલાણી એ બધો માલ હોલસેલ વેપારીઓને બારોબાર વેચી દેતો. એ સગાની ભલામણથી નગીન પણ તોલાણીની કંપનીમાં લાગી ગયો. જૂની ખખડી ગયેલી સાઇકલ લઇને લઘરવઘર નગીન મને રિલીફ રોડ ઉપર કે સી.જી. રોડ ઉપર બે-ત્રણ વાર મળી ગયેલો. છેલ્લે એ ચંપલના પૈસા લેવા આવેલો અને એ પછી આજે મળ્યો. આનાથી વિશેષ તો એ આવીને કહેશે ત્યારે ખબર પડશે...’
સમીરે નગીન પ્રકરણ પૂરું કર્યું અને ડ્રોઇંગરૂમમાં ટીવી ચાલુ કર્યું. સ્મિતા રસોઇમાં વ્યસ્ત હતી. સાડા આઠ વાગ્યે નગીન આવ્યો. કારની ચાવી ટિપોઇ પર મૂકીને એ આરામથી સોફા ઉપર બેઠો. સમીરે સ્મિતા સાથે પરિચય કરાવ્યો. સ્મિતા એની સામે તાકી રહી. નગીન વિશે સમીરે જે વાત કહી હતી એના કરતાં અત્યારે એ સાવ અલગ દેખાતો હતો. ક્લીન શેવ ચહેરો, વ્યવસ્થિત કપડાં, વીંટી, બૂટ અને ચહેરા પર ઠાવકાઇ...
‘હું સાવ બદલાઇ ગયો હોઉં એવું લાગે છે ને?...’ સ્મિતા અને સમીરની સામે જોઇને નગીને હસીને પૂછ્યું. પછી જાતે જ ઉમેર્યું. ‘સમીરિયા, કપડાં સુધયાઁ અને સાઇકલને બદલે સેન્ટ્રો આવી ગઇ... બાકી તો હતો એનો એ જ છું...’ એણે ખિસ્સામાંથી પાકીટ કાઢીને એમાંથી બસો રૂપિયા કાઢીને સમીર તરફ લંબાવ્યા. ‘આપણો આ હિસાબ બાકી હતો એ બહાને તારા ઘેર અવાયું. શ્રીમતીજી પિયર ગયાં છે એટલે જમવાનું પણ ગોઠવી દીધું...’
‘નગલા, કંઇ સમજાતું નથી...’ સમીરે માથું ખંજવાળ્યું.‘સાઇકલથી સેન્ટ્રોનું ચક્કર શું છે? લોટરી લાગી?’‘નસીબનો ખેલ...’ નગીને ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. ‘તોલાણીને ત્યાં નોકરી શરૂ કરી ત્યારે મારી પોસ્ટ પટાવાળા જેવી હતી. ઓફિસમાં સાફસૂફીથી માંડીને ચા બનાવીને વાસણ પણ સાફ કરતો હતો. મારી એ મજૂરી જોઇને તોલાણીએ ધીમે ધીમે ઉઘરાણીના કામમાં પણ લગાડ્યો. પગાર ઓછો છતાં પૂરી ઇમાનદારીથી રાત-દિવસ એની ચાકરી કરતો હતો.
એનો સ્વભાવ બહુ ઉગ્ર અને પૈસાનું અભિમાન એટલે ક્યારેક કમાન છટકે ત્યારે આખા સ્ટાફની હાજરીમાં મને ધમકાવે અને ગાળો વરસાવે. ક્યારેક મોટી ભૂલ થાય અને બહુ ગુસ્સે થાય ત્યારે એકાદ થપ્પડ પણ મારી દે... બાપાનો માર ખાઇ ખાઇને એવો રીઢો થઇ ગયો હતો કે એ બધું તો ચણા-મમરા જેવું લાગે!. આટલા ભણતરમાં બીજે ક્યાંય નોકરી મળે નહીં એટલે ભૂલ થાય નહીં એની કાળજી રાખીને નિષ્ઠાથી નોકરી કરતો હતો...’સહેજ અટકીને નગીને પાણી પીધું.
‘ગયા મહિને ભારે થઇ. તોલાણી શેઠનો બધો ધંધો બે નંબરનો એટલે બધું કામકાજ રોકડાનું. રોજ બે-પાંચ લાખ આવે અને જાય. એ સાંજે હિસાબમાં રોકડા ત્રીસ હજાર ખૂટ્યા. તોલાણીએ સ્ટાફના દસે દસ માણસને રિમાન્ડ ઉપર લીધા. હરી ફરીને આખો ગાળિયો મારા માથે આવ્યો. હું કરગરતો રહ્યો તોય તોલાણીએ રૂમમાં પૂરીને ખૂબ માર્યો. મા-બહેન સમાણી ગાળો બોલે અને મારતો જાય... માર સહન કરવામાં તકલીફ નહોતી પણ ખોટું આળ સહન કરવાનું અઘરું હતું.
લમણાંની નસો ફાટફાટ થતી હતી, તોલાણીનું ગળું દાબી દેવાનું મન થતું હતું એ છતાં સહન કર્યું. બીજા દિવસે એક વેપારીએ ભૂલ કબૂલ કરીને ત્રીસ હજાર મોકલી આપ્યા ત્યારે એ ચેપ્ટર પત્યું. શેઠ હતો એટલે મારી માફી માગવામાં એને શરમ લાગે એ સ્વાભાવિક છે, બાકી એના ચહેરા ઉપર પસ્તાવો દેખાતો હતો...’
થોડીવાર અટકીને નગીને બંને શ્રોતાઓ સામે જોયું. ‘એ પછીની વાત ઇન્ટરેસ્ટિંગ છે. આ પળોજણ પતી પછી ત્રણ દિવસ પછી તોલાણી શેઠને બહાર જવાનું હતું. દર વર્ષે ઉઘરાણી માટે એ રાઉન્ડમાં નીકળે. એની ઇનોવા કારમાં ડ્રાઇવર ઉપરાંત એ એના ખાસ ચમચા ચંદુને લઇ જતો હતો. આ વખતે જવાના આગલા દિવસે ચંદુના બાપા મરી ગયા. મને અન્યાય કર્યો છે એવી લાગણી તોલાણીના હૈયામાં હશે એટલે અઠવાડિયાની એ ટૂરમાં એણે મને સાથે લીધો.
આખા ગુજરાત અને રાજસ્થાનમાંથી પૈસા ઉઘરાવવાના હતા. ઉદેપુર, જયપુર અને જોધપુર બધી જગ્યાએ તોલાણીએ મને ફેરવ્યો. મને ખોટી રીતે મારેલો અને ગાળો બોલેલો એ બધાનું સાટું વાળતો હોય એ રીતે મારી કાળજી લેતો હતો. બધા વેપારીઓ પાસેથી પૈસા આવે એ ગણીને સાચવવાની જવાબદારી પણ મારી હતી. છેલ્લે પાલનપુર આવ્યા ત્યાં ઉઘરાણી પતાવીને મહેસાણા જવાનું હતું. પાલનપુરથી નીકળ્યા ત્યારે બાવન લાખ મારી પાસે હતા.’
એ દ્રશ્ય હજુ આંખ સામે દેખાતું હોય એમ નગીન ધ્રૂજતા અવાજે બોલતો હતો. ‘પાલનપુરથી રાત્રે નીકળ્યા પછી દસેક મિનિટમાં જ ડ્રાઇવરે લોચો માર્યો. અંધારામાં રોડ ઉપર ઊભેલી ગાયને બચાવવામાં એણે બેલેન્સ ખોયું. નેવું કિલોમીટરની ઝડપે જતી ઇનોવા સીધી સાઇડમાં ઝાડ જોડે ભટકાણી. તોલાણી શેઠ ડ્રાઇવરની બરાબર પાછળ બેઠા હતા. એ બંને એવી રીતે છુંદાઇને ઓન ધ સ્પોટ મરી ગયા કે હજુ એ દ્રશ્ય યાદ આવે ને રૂંવાડાં ઊભાં થઇ જાય છે. રોડ સૂમસામ હતો.
એ બંને મરેલા પડ્યા હતા અને રોકડા બાવન લાખ મારી પાસે હતા!... તને યાદ છે સમીરિયા? બાપા મારતા હતા એનું વેર વાળવા માટે હું ઘરમાંથી ચોરી કરતો હતો. તમને બધા ભાઇબંધોને જલસા કરાવતો હતો એ ભૂલ્યો નથીને? તોલાણી શેઠે બહુ માર્યો હતો... ખોટું આળ મૂકીને જાનવરની જેમ ઝૂડ્યો હતો એ બધું એકસાથે આંખ સામે ઊભરાતું હતું... સામે બાવન લાખ રોકડા પડ્યા હતા...’
‘ઓહ ગોડ!...’ સમીર સોફા ઉપરથી ઊભો થઇ ગયો. ‘નગલા! જબરો ખેલ પાડ્યો! બાવન લાખની ધાપ મારી?’‘તારી ભૂલ થાય છે દોસ્ત!...’ ભોળિયા ચહેરા પર સ્મિત ફરકાવીને નગીને સમજાવ્યું. ‘બાપાના ઘરમાં ધાપ મારવાનું સરળ હતું. એ પૈસા ઉપર થોડો ઘણો તો મારો અધિકાર હતો. દાઝ કાઢવા માટે ચોરી કરતો હતો તોય મનમાં ઊંડે ઊંડે ડંખ રહેતો હતો. તોલાણીની છુંદાયેલી લાશને જોઇને નિર્ણય કરી લીધો કે આ માણસના પૈસાને ના અડાય.
જે માણસે નોકરી આપીને ઘરનો ચૂલો સળગતો રાખ્યો હતો, એના શ્વાસ અટકી ગયા હોય ત્યારે આવી ગદ્દારી ના કરાય... રોડ સૂમસામ હતો, કોઇ માણસ નહોતું એ છતાં ઉપરવાળાને તો બધું દેખાતું હોયને?’ સમીરિયા! પૈસા સાચવીને સંતાડી રાખ્યા અને ત્રણ દિવસ પછી તોલાણી શેઠના બંગલે ગયો. એના બંને દીકરાઓની હાજરીમાં બેગ ખોલીને બાવન લાખ ગણાવી દીધા! એ બંને તો અવાચક થઇ ગયા. હું જાણે દેવદૂત હોઉં એમ હાથ જોડીને મારી સામે તાકી રહ્યા.
મેં બહુ ના પાડી તોય એમની આ સેન્ટ્રો મને આપી દીધી અને પેઢીમાં મેનેજરની પોસ્ટ આપી... સમીરિયા! તું જ કહે મારા જેવાને આનાથી વધારે શું જોઇએ?...’ નગીન ધ્રૂજતા અવાજે બોલતો હતો. સમીર અને સ્મિતા એના ચહેરા પર છલકતા તેજની સામે તાકી રહ્યાં હતાં.
(શીર્ષક પંક્તિ : લેખક)
No comments:
Post a Comment