Thursday, January 20, 2011

તેં ખુદા! કેવું કર્યું મારી દુઆઓનું પતન?

પૂરા મેડિકલ કેમ્પસમાં સનસનાટી પ્રસરી ગઇ. જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજનો કેમ્પસ એટલે આઠ જેટલી અંડરગ્રેજ્યુએટ્સ હોસ્ટેલ્સ વત્તા બબ્બે પી.જી. કવાર્ટ્ર્સ વત્તા નર્સિંગ સ્ટાફ, ગર્લ્સ કોલેજ, ડીન બંગલો, રેકટર હાઉસ ઉપરાંત પચાસ કરતાંયે વધારે તબીબ-શિક્ષકોનાં નિવાસ સ્થાનો. એક સ્વતંત્ર નગરી જ ગણી લો ને!દરેક મેડિકલ સ્ટુડન્ટ બીજા એક સ્ટુડન્ટને કહી રહ્યો હતો, ‘કંઇ સાંભળ્યું કે નહીં? પેલો રાજાણી ખરો ને! એણે શરત મારી છે. ફક્ત પચાસ રૂપરડી માટે જાનનું જોખમ વહોરી લીધું છે.’

૧૯૭૪ની ઘટના હશે. જામનગરની મેડિકલ હોસ્ટેલમાં હું પણ એ વર્ષોમાં રહેતો હતો. અમે આઠસો જેટલા વિદ્યાર્થીઓ હતા. કાચી ઉંમરે મા-બાપની હૂંફ ઘરે મૂકીને આ સાવ અજાણ્યા માહોલમાં આવી ચડ્યા હતા. જગતનો સૌથી કિઠન અભ્યાસક્રમ ભણી રહ્યા હતા. દિવસભર દિમાગની કઢી કરી લીધા પછી રાત્રે વાંચવાથી સહેજ સમય ચોરીને નાની-નાની ટુકડીઓમાં મહેફિલ જમાવતા હતા.
મનોરંજન માટે એ સમયે અમારી પાસે બે જ ચીજો હતી.

કાં તો ફિલ્મ જોવા ઊપડી જવું, કાં મિત્રો સાથે ગામ-ગપાટા હાંકવા. આ ગામ-ગપાટાનું એક મહત્વનું અંગ એટલે શરત મારવી. સવાસો ગુલાબ જાંબુ ખાઇ જવા કે સાત વાટકી શ્રીખંડ જમી જવો એ બધી તો સામાન્ય શરતો હતી. લગભગ બધી જ કોલેજોમાં આવી શરતો ચાલતી રહેતી હતી. પણ જામનગરનો મેડિકલ કેમ્પસ બીજા બધાં કરતાં અનોખો હતો.

બે વિદ્યાર્થીઓએ શરત મારેલી કે હોસ્ટેલના પહેલા માળ પરથી કૂદીને નીચે પડવું. પરસ્પર બેધારી શરતો હતી. પહેલો વિદ્યાર્થી કૂધ્યો. એનો પગ ભાંગ્યો. હવે બીજાનો વારો હતો. બધું જોયા-જાણ્યા પછીયે એણે કૂદકો મારવાની ‘હિંમત’ કરી! પરિણામ? એનો પણ પગ ભાંગ્યો. મને યાદ છે કે આ બંને ગાંડાઓને જોવા માટે ઓર્થોપેડિક વોર્ડમાં આખું કેમ્પસ જઇ આવ્યું હતું.

આઘાતની વાત એ હતી કે આ બંનેએ માત્ર દસ રૂપિયા માટે આવડું મોટું જોખમ ખેડેલું હતું. અને આશ્ચર્યની વાત એ હતી કે આ બંને મૂર્ખશિરોમણીઓ કોઇ રેંજી-પેંજી જેવા ડફોળો ન હતા, એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર લઇ આવ્યો હતો અને બીજો અમારી કોલેજનો સર્વકાલીન શ્રેષ્ઠ વકતા હતો.

એક શરત હજુયે યાદ છે. અમારી સાથે નાટકીયો મિત્ર હતો. ભારે હોંશિયાર. કોઇનાથી ન થઇ શકે તેવાં કામો એ કરી આપે. એક દિવસ વાત વાતમાં ચડસાચડસી થઇ ગઇ. મિત્રોમાંથી કોઇકે એને ઉશ્કેર્યો, ‘તારી જાતને આટલો બધો ચાલાક માનતો હોય તો હું કહું તે કામ કરી બતાવ!’‘બકી નાખ!’ વિનયે કામ જાણ્યા વગર હા પાડી દીધી.

‘જોજે, હં! પછી ફરી ન જતો! કોઇ રૂપાળી યુવતીનો દુપટ્ટો તારે હાથમાં પકડી બતાવવાનો છે. એય પાછો દોરી ઉપર સુકાતો હોય ત્યારે નહીં, દુપટ્ટો પેલીનાં શરીર ઉપર હોવો જોઇએ!’વિનયે સહેજ પણ વિચાર્યા વગર હા પાડી દીધી, ‘ભલે! કોણ છે એ છોકરી? આપણાં જ કલાસની છે? કે પછી...?’

મિત્રે ધડાકો કર્યો, ‘આપણાં પ્રોફેસર ડૉ.. એક્સનાં પત્ની...’ અધૂરા વાક્યથી જ સંપૂર્ણ સન્નાટો સર્જાઇ ગયો. ડૉ.. એક્સ (સાચું નામ લખતો નથી) બહુ કડક મિજાજના સાહેબ હતા. પંજાબના હતા. ભૂતકાળમાં આર્મીમાં ડોક્ટર તરીકે સેવા બજાવી ચૂકેલા હતા. કાયમ એમના પેન્ટના પાછલા ખિસ્સામાં વિદેશી બનાવટની ટચૂકડી રિવોલ્વર રાખતા હતા. એમની યુવાન પત્ની ખૂબસુરત પંજાબણ હતી. આ શરત સ્વીકારવી એટલે ભૂખ્યા સિંહના ખુલ્લા જડબામાં સામે ચાલીને પોતાનું માથું ખોસી દેવું.

વિનયે માથું ખોસી દીધું. શરત બહુ મોટી ન હતી, જો વિનય જીતી જાય તો અમારે બધાએ એને માત્ર એક-એક રૂપિયો આપવાનો હતો. પણ સવાલ વટનો હતો.ચોવીસ કલાક પછી સાંજના સમયે અમને એક ર્દશ્ય જોવા મળ્યું. પ્રોફેસર પંજાબી સર એક પ્રોવિઝન સ્ટોરમાં ઊભા હતા. સાથે એમની ખૂબસુરત પત્ની હતી. એની આંગળી પકડીને એમનો પાંચેક વરસનો પુત્ર ઊભો હતો. ત્યાં અમારો વિનય પહોંચી ગયો. અમારી ટોળી સ્ટોરની બહાર ત્રણ-ચાર ફીટના અંતરે રિવોલ્વરના ફાયરિંગની ફાળ સાથે તૈનાત હતી.

વિનયે એની જિંદગીનો શ્રેષ્ઠ અભિનય શરૂ કર્યો, ‘ગુડ ઇવનિંગ, સર! ગુડ ઇવનિંગ મે’મ! હેલ્લો, સ્વીટુ! કૈસે હો તુમ? ચોકલેટ ખાઓગે?’ પંજાબી પતિ-પત્ની ‘હાય-હેલ્લો’માં તો ના પાડી શકે જ નહીં. અલબત્ત, ચોકલેટની બાબતમાં એમણે વિનયને વારવાનો પ્રયત્ન કર્યો. પણ ત્યાં સુધીમાં તો વિનયે એક બહુ મોંઘી ન હોય તેવી ચોકલેટ ખરીદીને બાળકના હાથમાં થમાવી દીધી હતી. બચ્ચાની આંખોમાં ખુશી હતી અને વિનયની આંખોમાં આંસુ!

‘અરે, ક્યા હુઓ? તુમ તો રો હે હો!’ પંજાબણે પૂછ્યું.‘હા, યે આંસુ મેરે દિલ કી ઝુબાન હૈ! આપકો ક્યા બતાઉં મૈં? મેરી એક બહેન થી. બિલકુલ આપકે જૈસી હી દખિતી થીં. ઉસકો ભી એક બચ્ચા થા.’‘હમારે બચ્ચે જૈસા?’‘બિલકુલ! મૈં ઉસે ચોકલેટ ખિલાયા કરતા થા. એક દિન કાર એક્સિજેન્ટ મેં દોનોં....’ વિનયની બંને આંખો ચોમાસાની નદી બનીને વહેવા લાગી. પંજાબણ અપ્સરા હલી ગઇ. પોતાનો ઓછો ગુલાબી દુપટ્ટો હાથમાં પકડીને ‘ભૈયા કે આંસુ’ પોંછવા લાગી.

‘વિનયે એકાદ-બે ક્ષણ દુપટ્ટાની સુગંધ માણી લીધી, પછી તરત જ દુપટ્ટો પકડી લીધો, ‘નહીં, નહીં, મે’મ! યે આંસુ તો મેરી તકદીર ઔર ઇન આંખોં કી આદત બન ગયે હૈ. આપ કર્યું કષ્ટ ઊઠા રહી હૈં? લોગ દેખેંગે તો ક્યા કહેંગે....? પછી જાણે ફોટોગ્રાફરને પોઝ આપતો હોય એમ વિનય એ દુપટ્ટાનો છેડો હાથમાં ઝાલીને અમારી સામે જોઇ રહ્યો.

રાત્રે હોસ્ટેલમાં અમારે એને એક-એક રૂપિયો ગણી દેવો પડ્યો. જો કે અમે એની જાતને ઝાંખી પાડવા માટે આખરી પ્રયત્ન જરૂર કર્યો, ‘સાલા, નાટકીયા! શરત જીતવા માટે પેલા ટાબરીયાનો મામો બની બેઠો!’‘ના, મામા તો મેં તમને બનાવ્યા!’ કહીને વિનય હસી પડ્યો. તો આવી હતી અમારા કેમ્પસની શરતો, આર.ડી.એક્સ.ના જથ્થા જેવી વિસ્ફોટક અને જોખમી.

પણ રાજાણીએ તો હદ કરી નાખી. માત્ર પચાસ રૂપરડી માટે એણે જીવને દાવ ઉપર મૂકી દીધો હતો. શરત કેવી હતી? એના રૂમ પાર્ટનરની સાથે એક સાંજે એ એક નંબરની હોસ્ટેલની અગાસી ઉપર ઊભો હતો. બે માળની હોસ્ટેલ, પછી અગાસી. રૂમ પાર્ટનરે પૂછ્યું,‘કોઇ આ અગાસીની પાળ ઉપર સૂઇ શકે ખરું?’ એના મનમાં એકાદ કલાક પૂરતો સવાલ હશે.

રાજાણીએ જવાબ આપ્યો, ‘પચાસ રૂપિયાની શરત માર તો આખી રાત હું એની ઉપર સૂઇ બતાવું!’આખા કેમ્પસમાં હાહાકાર. જમીનથી લગભગ ત્રીસ-પાંત્રીસ ફીટ ઊંચી એવી અગાસીની સાવ સાંકડી પાળ. માંડ પડખાભેર સૂઇ શકાય એટલી જગ્યા. દિવસભરનો થાક અને મોડી રાતે વાતો ઠંડો પવન.

માણસ જાગે તો પણ ક્યાં સુધી? વહેલી સવારે જો એકાદ મિનિટ પૂરતુંયે ઝોકું આવી જાય અને ઊંઘમાં પડખું ફેરવતાં...! બધાંએ ખૂબ સમજાવ્યો, પણ રાજાણી ન માન્યો. આખી રાત એક પડખે પાળી ઉપર સૂઇ રહ્યો. કોઇએ એની સાથે વાત પણ નહીં કરવાની કે રેડિયો પણ નહીં વગાડવાનો. જાગતો રહેવા માટે જાત ઉપર જ ભરોસો રાખવાનો. સવારનો સૂરજ ઊગ્યો ત્યારે એમને ‘હાશ’ થઇ. રાજાણી જીવી ગયો.

***

હમણાં ડૉ.. રાજાણી મળી ગયો. આખીયે ઘટના તાજી થઇ ગઇ. એ સમયે મેં જે ઠપકો આપ્યો હતો એ જ ઠપકો અત્યારે પણ અપાઇ ગયો, ‘રાજાણી! સાવ ગાંડો હતો તું! આવી જોખમ શરત તે કંઇ મરાતી હશે?’એ એની અઢાર લાખની ગાડીને અઢેલીને ઊભો હતો. ફિક્કું હસી પડ્યો, ‘શરદ, એ મારી મૂખૉઇ નહોતી, મજબૂરી હતી. હું ગામડાનો છોકરો હતો. પિતા ખેતમજુર હતા. એ છ મહિને ઘરેથી મનીઓર્ડરમાં ચાલીસ જ રૂપિયા આવ્યા હતા. મેસ બિલ નેવું રૂપિયા ભરવાનું બાકી હતું. મારા માટે બે જ વિકલ્પો હતા, કાં ભણવાનું છોડી દેવું, કાં જીવવાનું...’

(શીર્ષક પંક્તિ: બેફામ)

No comments: