Wednesday, January 6, 2010

સીમ આખી છે અમારું આગણું

સીમ આખી છે અમારું આગણું

ને અતિથિ થઇ તમે આવી ઊભા

‘મીના, તારી ભાભી ક્યાં ગઇ? વાતોનાં વડાં પછી કરજો. એને શોધીને જમવા બેસી જા.’ મનોજે કાંડા ઘડિયાળ સામે નજર કરી અને નાની બહેનને સૂચના આપી. ‘તારી ભાણી ત્યાં ઊભી છે. બૂમ પાડીને એને પણ પંગતમાં બેસાડી દે.

‘આપણે હજુ અમદાવાદ જવાનું છે. આ બધા તો હમણાં ઘરભેગાં થઇ જશે. આપણે એકસો સિત્તેર કિલોમીટર ડ્રાઇવ કરવાનું છે. પંગતમાં જગ્યા શોધીને બેસી જાવ.’

મનોજની પત્ની નીતા જમવા બેસી ગઇ હતી. ચિંતુ દોડીને મમ્મી પાસે જગ્યા શોધીને બેસી ગયો. આખી પંગતમાં બેઠેલી સ્ત્રીઓની નજર એ મા-દીકરા પર હતી. ભારેખમ સિલ્કની સાડી અને છવ્વીસ તોલાના દાગીનામાં ચમકતા હીરાની ચમકને લીધે નીતાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગતું હતું.

ચિંતુ પણ હીરો જેવો રૂપાળો દેખાતો હતો. ગળામાં સોનાની જાડી ચેઇન અને જમણા હાથમાં સોનાની લકી એણે આ લગ્નપ્રસંગ માટે જ પહેરી હતી. એ બંનેની પાસે મનોજની બહેન મીના અને એની દીકરી બેઠાં હતાં. એ બંનેએ પણ પ્રસંગને અનુરૂપ દાગીના પહેર્યા હતા.

મનોજે ટાઇનો નોટ ઢીલો કર્યો. પંગતમાં બેસવાની જગ્યા શોધવા એ આગળ વઘ્યો. ‘આવી જાવ એન્જિનિયર સાહેબ,..’ એક વડીલે બૂમ પાડીને એને બોલાવ્યો અને સહેજ ખસીને જગ્યા કરી આપી.

મનોજ જાનમાં આવ્યો હતો. જાન ભાવનગર વિદાય થઇ અને મનોજને પાછું અમદાવાદ જવાનું હતું એટલે કન્યાપક્ષવાળાએ આગ્રહ કરીને જમવા રોક્યો હતો.

જમ્યા પછી બધા ફટાફટ કારમાં ગોઠવાયા. મનોજે સ્ટિયિંરગ સંભાળ્યું. નીતા એની પાસે બેઠી હતી. ચિંતુ, મીના અને મીનાની ભાણી પાછળની સીટ પર બેસી ગયાં. બોટાદની બહાર નીકળ્યા પછી રાત્રે સાડા આઠ વાગ્યે સૂમસામ રોડ ઉપર અંધકાર વધુ ગાઢ લાગતો હતો. કાર સડસડાટ આગળ વધતી હતી. મ્યુઝિક સિસ્ટમમાં ફિલ્મી ગીતો વાગી રહ્યાં હતાં.

‘આ ગયું એ ખાંભડા.’ સાઇન બોર્ડ જોઇને મનોજે નીતાને સમજાવ્યું. ‘પહેલાં અહીંના પેંડા બહુ વખણાતા હતા.’ હાઇવેની આજુબાજુ સાવ નાનકડા ગામડાઓની ઝાંખી-પાંખી લાઇટો ઝડપથી પસાર થઇ જતી હતી. ‘આ રોડ ઉપર ટ્રાફિક નથી હોતો એટલે તમને ઉતાવળ કરવાનું કહેતો હતો.’

નીતાને કહેતી વખતે મનોજે રોડ ઉપર ગામનું નામ લખેલું સાઇનબોર્ડ મનમાં વાંચ્યું. ગુંદા-બેલા... ગામ તો ખાસ્સું એકાદ કિલોમીટર અંદર હતું એટલે ગામની લાઇટો ટમટમતાં કોડિયાં જેવી સાવ ઝાંખી દેખાતી હતી.

અચાનક કારનું વ્હીલ ધબાક દઇને બેસી ગયું. ટાયર બર્સ્ટ થઇ ગયું હતું! નીતાએ ચિંતાતુર નજરે મનોજ સામે જોયું. પાછળની સીટ પર અડધી ઊંઘમાં હતાં એ ચિંતુ, મીના અને એની ભાણી ઝબકીને જાગ્યાં.

‘હવે?...’ મનોજ બેબાકળો બનીને ટોર્ચ શોધી રહ્યો હતો. ત્યારે ચિંતુએ પૂછ્યું ‘ડિકીમાં સ્પેરવ્હીલ છે?’

‘લગભગ તો નથી.’ મનોજે નિરાશાથી માથું ધુણાવ્યું. ‘છતાં જોઇએ...’ ટોર્ચ લઇને એ બહાર આવ્યો. ભીષણ અંધકાર અને સૂમસામ રસ્તાને જોઇને નીતા રીતસર ગભરાઇ ગઇ હતી. બાપ-દીકરાએ ડિકી ખોલીને નિસાસો નાખ્યો.

‘જેક છે પણ વ્હીલ વગર કરવાનું શું?’

‘ભાભી, તમે સાડી ગરદન ફરતે લપેટી દો.’ મીનાએ આજુબાજુનો સૂનકાર જોઇને સલાહ આપી. ‘બધા દાગીના દેખાય નહીં.’

મીના આ બોલી એટલે મનોજને વાસ્તવિકતાનું ભાન થયું. આટલા બધા જોખમ સાથે રાતની આવી મુસાફરી કરવા બદલ એને અત્યારે પસ્તાવો થતો હતો. અજાણ્યા ભેંકાર રોડ પર બરાબરનાં ફસાયાં હતાં.

નીતા અને મીના મનોમન ગાયત્રીમંત્ર બોલતાં હતાં. મનોજનો ચહેરો પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. આવી સ્તબ્ધ પરિસ્થિતિમાં દસેક મિનિટ પછી બધાની આંખ ચમકી.

દૂરથી વાહનની હેડલાઇટનો પ્રકાશ દેખાયો. ખખડધજ મોટરસાઇકલનો અવાજ પણ સંભળાયો.

‘કોણ છો અલ્યા?’ છલાંગ મારીને મોટરસાઇકલ પરથી ઊતરેલા છ ફૂટ લાંબા પડછંદ યુવાને બધાની સામે જોઇને એ રીતે પૂછ્યું કે નીતા રીતસર હબકી ગઇ.

આ કોઇ ગુંડો-મવાલી હશે તો હમણાં છરી કાઢશે અને બધા દાગીના લઇ જશે. એ ફાટી આંખે પેલાની સામે તાકી રહી.

ત્રણ-ચાર દિવસની વધેલી દાઢી, પહોળા ખભા, તીણું નાક, ભરાવદાર મૂછ, સહેજ લાંબા અસ્તવ્યસ્ત વાળ, સાદાં બૂશર્ટ-પેન્ટ ઉપર એણે ગામઠી ખરબચડી શાલ ઓઢી હતી. ‘પાછળના વ્હીલમાં પ્રોબ્લેમ છે.’ મનોજનો અવાજ ધ્રૂજતો હતો. ‘સ્પેરવ્હીલ પણ નથી.’

‘જેક તો છે ને?’ એણે મનોજ, નીતા, ચિંતુ, મીના અને એની બેબી-બધાના ગભરાયેલા ચહેરા સામે જોઇને પૂછ્યું અને જેક લઇને પાછળના વ્હીલ પાસે બેસી ગયો. ચિંતુએ એને ટૂલકિટ આપી. મનોજ ટોર્ચ ધરીને ઊભો રહ્યો.

‘ક્યાંથી આવો છો?’ ‘બોટાદથી. અમદાવાદ સેટેલાઇટ રોડ પર રહીએ છીએ.’

એણે વ્હીલ કાઢીને મનોજ સામે જોયું. ‘બાબાને વ્હીલ લઇને મારી પાછળ બેસાડી દો. બોટાદ ગયા વગર મેળ નહીં પડે.’ નીતાના ચહેરા પર ગભરાટ હતો અને મનોજની આંખોમાં દ્વિધા. એ પારખવામાં એને વાર ના લાગી.’

‘જુઓ બહેન, મારું નામ કરણ ગઢવી છે. આ ગુંદા બેલા ગામ દેખાય છે ત્યાં મારું ઘર છે. જરાયે ચિંતા કર્યા વગર આરામથી ઊભા રહો. અહીંયા કોઇ જોખમ નથી. કોઇ પણ આવે તો કહી દેજો કે કરણ ગઢવીની બહેન છું.’

બીજો કોઇ વિકલ્પ નહોતો. વ્હીલ લઇને ચિંતુ એની મોટરસાઇકલની પાછળ બેસી ગયો. મનોજે ચિંતુને પૈસા આપ્યા. મોટરસાઇકલની પાછળની લાલ લાઇટ દેખાઇ ત્યાં સુધી બધા એ તરફ તાકી રહ્યા.

‘આ ચિંતુડાએ જીદ કરીને ચેઇન અને લકી પહેરી.’ નીતા રડમસ અવાજે બબડી. ‘આ માણસ સહેજ આગળ જઇને લાફો મારીને બધું લેશે તો? પછી બે-ચાર સાથીદારને લઇને અહીં આવીને આપણને લૂંટી લેશે તો?’

એ ફફડાટ તો મનોજના હૈયામાં પણ હતો. પણ પત્ની અને બહેનને હિંમત આપવા માટે એણે સમજાવ્યું. ‘માણસ આમ તો વ્યવસ્થિત લાગતો હતો. વળી, સામેના ગામનો જ છે. એણે એનું નામ પણ આપ્યું... કરણ ગઢવી.’

ઘડિયાળના કાંટા સામે તાકીને બધા ચૂપચાપ ઊભા રહ્યા. ‘તમે એને ઓળખતા હતા?’ પાંત્રીસ મિનિટ પછી નીતા રડવાની તૈયારીમાં હતી. એણે મનોજનો હાથ પકડીને હચમચાવ્યો.

‘તેણે નામ કહ્યું અને તમે માની લીધું અને એકના એક દીકરાને એની સાથે મોકલી દીધો. પૈસા માટે આજકાલ લોકો શું નથી કરતા? હે ભીમનાથદાદા! મારા ચિંતુની રક્ષા કરજે. ચેઇન અને લકી જાય તો મૂવા પણ મારા દીકરાને સલામત રાખજે.’

‘પ્લીઝ,’ મનોજે ધૂંધવાઇને કહ્યું, ‘શાંતિથી મનમાં ગાયત્રીમંત્ર બોલ. આડુંઅવળું વિચારવાનું બંધ કર. બોટાદ જઇને આવવામાં સવા કલાક તો થાય.’

મીનાએ એની બેબીને કારની પાછળની સીટ પર ઊંઘાડી દીધી હતી. એ, મનોજ અને નીતા ચિંતાતુર ચહેરે રોડ સામે તાકીને ઊભાં રહ્યાં.

દોઢ કલાક પછી બાઇકની લાઇટ દેખાઇ એટલે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. કરણે ફટાફટ જેકની મદદથી વ્હીલ ગોઠવી આપ્યું. ‘બધી દુકાનો બંધ થઇ ગઇ હતી.’ ચિંતુએ માહિતી આપી.‘આ અંકલે દુકાનદારના ઘેર જઇને દુકાન ખોલાવી એટલે મેળ પડ્યો.’

‘કરણભાઇ, તમારો કઇ રીતે આભાર માનવો એ સમજાતું નથી.’ કરણ સાથે હાથ મિલાવીને મનોજ આભારવશ નજરે એની સામે તાકી રહ્યો. નીતાએ એને ઇશારો કર્યો એટલે ખિસ્સામાંથી પાકીટ કાઢીને મનોજે પાંચસોની નોટ કરણ સામે લંબાવી.

‘અરે સાહેબ, આ શું મશ્કરી માંડી છે!’ મોટરબાઇક પર પવનથી અસ્તવ્યસ્ત થયેલા વાળને હાથની આંગળીઓથી વ્યવસ્થિત કરીને કરણ હસી પડ્યો. ‘આવું કામ કોઇ પૈસા માટે કરે? અરે, મોટાભાઇ તમે ફેમિલી સાથે રોડ ઉપર ઊભા હતા એટલે બોટાદનો ધરમધક્કો ખાધો.’

એણે હાથ લંબાવીને ગામની ઝાંખી લાઇટો બતાવી. ‘અહીંથી ગામ સુધીનાં મોટા ભાગનાં ખેતર અમારાં છે. ઈશ્વરની મહેરબાનીથી જલસા છે.’ એણે નીતા સામે જોયું. ‘બાબાને લઇ ગયો ત્યારેય તમારા મનમાં ફફડાટ હતો એની મને ખબર હતી.

તમે અઢીસો-ત્રણસો ગ્રામ સોનું પહેર્યું છે એ દેખાય છે પણ મોટાબહેન, આ ગુંદા-બેલાની સીમનું સત છે. કોઇના મનમાં એવો કુવિચાર ના આવે. મારા ગામની સીમમાં આવું બને તો પછી આ મૂછ મૂંડાવી નાખવી પડે.’

‘તમારે પેટ્રોલ તો બળ્યું ને?’ મનોજે ફરીથી પાંચસોની નોટ એની સામે લંબાવી.

કરણ બે હાથ જોડીને મનોજ અને નીતા સામે ઊભો રહી ગયો. ‘એવો હિસાબ કરવાનું ઉપરવાળાએ નથી શિખવાડ્યું. તમારો ખોટકો નીકળી ગયો એટલે મારી મહેનત ફળી. એની રૂપિયા-પૈસામાં કિંમત ના કરાય મોટાભાઇ!’ એ એની બાઇક તરફ આગળ વઘ્યો.

મનોજ, નીતા, ચિંતુ અને મીના બધા જાણે કોઇ દેવદૂતને જોતાં હોય એટલા આદરથી એની સામે તાકી રહ્યાં હતાં. અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ એ અટક્યો. બે ડગલાં પાછળ ભરીને પાછો બધાની સામે આવીને ઊભો રહ્યો. ‘તમારે સેટેલાઇટ રોડ જવાનું છે એટલે મોડું થતું હશે પણ એક નાનકડી વાત યાદ આવી ગઇ.’

એણે હસીને કહ્યું. ‘સાંભળવા જેવી છે. ગયા ઉનાળે મારી ફૂઇને આંખનું ઓપરેશન કરાવેલું. ત્યાં સેટેલાઇટ રોડ ઉપર બહુ જાણીતો અને હોશિયાર ડોક્ટર છે પણ એ ડોબાએ એના બંગલામાં હોસ્પિટલ બનાવી છે એટલે મારા જેવા અજાણ્યાને જડે નહીં. ફૂવાએ કાર્ડ આપેલું પણ એ અંગ્રેજીમાં.

ભરબપોરે હું ને મારા બાપા આ મોટરસાઇકલ ઉપર કેટલીય સોસાયટીમાં રખડેલા. બાપાને તરસ લાગેલી. બંગલાઓનાં બારણાં બંધ હોય. ઝાંપો ખખડાવીએ અને કાર્ડ બતાવીએ ત્યારે જાણે કૂતરાં-બિલાડાં હોઇએ એ રીતે હડધૂત કરે.

બિચારા બાપાને પાણી પીવું’તું. સરખો જવાબ પણ ના મળે ત્યાં પાણીનો તો વાત જ ક્યાં કરવી? છેક રોડ ઉપર દુકાન આવી ત્યારે ત્યાંથી બોટલ લીધી. એ બંગલાઓની બે-ચાર સોસાયટીઓમાં એવા અટવાઇ ગયેલા કે વાત ના પૂછો.

માથું ફાડી નાખે એવી ગરમી અને કોઇ જવાબ ના આપે. ધૂળવાળાં મેલાં કપડાં, વધેલી દાઢી અને આ ભંગાર મોટરસાઇકલ જોઇને બધા હડધૂત કરે. અંતે, તમારા જેવા એક સારા માણસે કાર્ડ વાંચીને સાચો રસ્તો બતાવ્યો. પણ એ એક કલાક બહુ આકરો ગયેલો.’

એણે બે હાથ જોડીને ઉમેર્યું. ‘કરવું હોય તો એટલું જ કરજો. ગામડેથી આવેલો કોઇ ગરીબ રસ્તો પૂછે તો એને સારો જવાબ આપજો.’ એણે કીક મારીને બાઇક સ્ટાર્ટ કરી. પાછળની લાલ લાઇટ દેખાઇ ત્યાં સુધી બધા એ તરફ તાકી રહ્યા.

(શીર્ષક પંક્તિ : લેખક)

No comments: