Tuesday, July 27, 2010

ગણગણો મનમાં છતાંયે ક્યાંક તો પડઘો પડે હોય અંધારું અગોચર તોય લ્યો તડકો જડે

‘કચકચ કર્યા વગર સાંભળ...’ પ્રિયાને સમજાવતી વખતે રાજેશના અવાજમાં કડકાઈની સાથે આદેશનો રણકાર ભળ્યો. ‘શનિવારે સાડા છની બસ છે. રાત્રે બાર વાગ્યે ત્યાં પહોંચી જઈશું. બુધવારે પરોઢિયે ત્યાંથી નીકળી જઈશું. સિત્તેર વર્ષની ઉંમરે બાનો સ્વભાવ નહીં બદલાય. ઘેર ગયા પછી સહેજ પણ માથાકૂટ કરીશ તો મારાથી સહન નહીં થાય. બા જોડે જીભાજોડી કરીશ તો મારી કમાન છટકશે... ધેટ્સ ઓલ.’ ત્રીસ વર્ષની પ્રિયા નીચું જોઈને ચૂપચાપ સાંભળતી હતી. રાજેશે બૂટ પહેર્યા અને ઓફિસે જવા નીકળી ગયો. પ્રિયા ઊભી થઈ.

શનિવારે રાત્રે સાસુ પાસે જઈને ત્રણ દિવસ ત્યાં રહેવાનું છે એ સાંભળીને એનાં લમણાંની નસો ફૂલી ગઈ હતી. એ ડોસીએ એના ઘરમાંથી પહેરેલે કપડે કાઢી મૂક્યાં હતાં એ આખી ઘટના યાદ આવી એની સાથે જ મોઢું કડવું થઈ ગયું. સાસુને યાદ કરીને એ જોરથી થૂંકી. બે વર્ષ અગાઉ બેબીનો જન્મ થયો ત્યારે વહુ અને પૌત્રીની ખબર પૂછવા પણ ડોસી ફરકી નહોતી, તોય રાજેશ માવડિયો બનીને ત્યાં જવા માટે કૂદકા મારે છે!

ડોરબેલનો અવાજ સાંભળીને એણે બારણું ખોલ્યું. ‘હાય પ્રિયા! વોટ્સ રોંગ વિથ યુ?...’ વાવાઝોડાની જેમ અંદર આવીને મનાલીએ એનો ચહેરો વાંચીને સીધું પૂછ્યું. ‘આટલું ટેન્શન શેનું છે?...’ પ્રિયાના બંને હાથ પોતાના હાથમાં જકડીને એણે ગંભીરતાથી પૂછ્યું. ‘રાજેશને કોઈ બીજી છોકરી જોડે ચક્કર છે?’

‘એવું નથી...’ પ્રિયાએ તરત ખુલાસો કર્યો. એ બાબતમાં તો એ હરિશ્વચંદ્રનો અવતાર છે. આખી વાત સાવ જુદી છે.
‘ટેન્શન નહીં લેને કા...’ કોલેજમાં હતી ત્યારથી મનાલી બિન્દાસ અને બેફિકર હતી. છતાં કોઈ પણ બહેનપણીને કંઈ પણ પ્રશ્ન હોય તો એ મનાલીની સલાહ લેતી. એની વૈચારિક સમજ તમામ સખીઓ કરતા લગીર ઊંચી હતી. અત્યારે એ આવી ગઈ એને લીધે પ્રિયાને પણ રાહત લાગી. ‘થેન્ક ગોડ કે લફરું નથી. એવું કંઈ હોત તો કામ અઘરું બનતું. બાકી ગમે તે પ્રોબ્લેમ હોય એનો ઉકેલ શોધી શકાય. વાત શું છે એ બોલ...’

‘તું આરામથી બેસ. હું આઈસક્રીમ લઈને આવું છું...’ પ્રિયાએ ફ્રીઝ ખોલ્યું. આઈસક્રીમનો બાઉલ મનાલીના હાથમાં આપીને બીજો બાઉલ લઈને એ એની સામે બેઠી. ‘મારા સસરા તો દેવપુરુષ હતા પણ સાસુ હિટલર જેવી છે...’ પ્રિયાએ ધીમે ધીમે રામકહાણીનો આરંભ કર્યો. ‘અમે લગ્ન કર્યા ત્યારે મારા સસરાએ તો ખરા હૃદયથી આશીર્વાદ આપેલા પણ સાસુએ કદી પ્રેમથી બોલાવી નથી... એમના છોકરાને ભોળવીને હું જાણે પરાણે એમના ઘરમાં ઘૂસી ગઈ હોય એવું એમના મનમાં છે. સસરાજી ગુજરી ગયા પછી બધો વહીવટ એમના હાથમાં આવ્યો અને મારી કઠણાઈ બેઠી. એક જ ઘટના સાંભળીને તને એમની મનોદશાનો ખ્યાલ આવશે. સાંભળ...’

મનાલી મોજથી આઈસક્રીમ ખાતી હતી. પ્રિયા યાદ કરીને બોલતી હતી. ‘પહેલી વાર રસોડામાં ગઈ ત્યારે ચોકીદારની જેમ એ સામે ઊભાં રહ્યાં. દાળ-ભાત મૂકવા માટે દોઢ વાડકી તુવેરની દાળ લીધી કે તરત એમણે સૂચના આપી કે એક જ વાડકી જોઈશે. એમની વાત ગણકાર્યા વગર મેં દોઢ વાટકી દાળ પલાળીને બાફવા મૂકી દીધી. પત્યું. બચત અને બગાડ વિશે એ વીસ મિનિટ સુધી બોલ્યાં. મારું તો માથું ભમી ગયેલું. ચિડાઈને કહી દીધું કે દાળનો બગાડ નહીં થાય, જેટલી વધશે એટલી પી જઈશ... હળવેથી મારો હાથ પકડીને એ મને રસોડાની બહાર લઈ ગયાં અને ખુરશી પર બેસાડી દીધી. હવેથી તું બધાં બહારનાં કામ પતાવજે... એમણે સ્પષ્ટ આદેશ આપ્યો... રસોડામાં આવવાની જરૂર નથી. બસ, એ પછી ત્યાં રહ્યાં ત્યાં સુધી મેં રસોડામાં પગ મૂક્યો નથી... ડોસીએ વટનાં માયાઁ ગાજર ખાધા...’

‘પછી?’ ખાલી બાઉલ બાજુ પર મૂકીને મનાલીએ પૂછ્યું. ‘આનાથી ગંભીર કોઈ ઘટના?’

‘ઘરખર્ચની બાબતમાં એકવાર જોરદાર જામી ગયેલી. મારો બર્થડે આવતો હતો અને રાજેશ પાસે મેં સોનાની બુટ્ટીની જીદ કરેલી. એ માવડિયાએ એની બાને વાત કરી એમાં તો મહાભારત થઈ ગયું. એ વખતે રાજેશ ગામની એક પેઢીમાં નોકરી કરતો હતો એટલે પગાર ઓછો હતો. ડોસીએ એને સંભળાવ્યું કે કમાતા શીખ... ખૂબ કમાઈને તારી બૈરીને સોનાથી મઢજે પણ અત્યારે મારા પૈસામાંથી આશા ના રાખતો... પછી તો હું પણ મેદાનમાં આવી ગઈ. મોટો ઝઘડો થયો અને અમે બંને પહેરેલે કપડે ઘરમાંથી નીકળી ગયેલાં...’

‘આ ફ્લેટ?મ મનાલીએ પૂછ્યું.’

‘રાજેશની મહેનતનું ફળ...’ પ્રિયાએ તરત કહ્યું. ‘શરૂઆતમાં ભાડે રહેતાં હતાં. પછી હાઉસિંગની આ સ્કીમમાં એ વખતે લાખ રૂપિયા ભરવાના હતા. રાજેશની નોકરી સારી હતી. પગાર પણ સારો હતો પણ સામટા લાખ રૂપિયા એ વખતે લાવવા ક્યાંથી? ગામના જ એક શ્રોફની પેઢી કબૂતરખાનામાં છે. રાજેશ ત્યાં જઈને એ ઠક્કરકાકાને મળ્યો. એમણે સાવ મામૂલી વ્યાજે વ્યવસ્થા કરી આપી. ધીમે ધીમે એમના પૈસા ચૂકવી દીધા. હવે હાઉસિંગના હપ્તા રેગ્યુલર ભરીએ છીએ... વાસ્તુમાં પણ ડોસી ના આવી. ક્યા મોઢે આવે? એ પછી બેબીનો જન્મ થવાનો હતો ત્યારે રાજેશે કાગળ લખેલો પણ ડોસી આવી નહીં... આજકાલ કરતાં બેબી બે વર્ષની થઈ ગઈ. મારું કે બેબીનું મોઢું જોવા એ પધાર્યા નથી...’

‘એમની પાસે ફોન છે?’ મનાલીએ પૂછ્યું ‘ના... કંઈ સામાજિક કામ હોય ત્યારે ડોસી પોસ્ટકાર્ડ લખે છે. અત્યારે ગામનું ઘર રિપેર કરાવવાનુ છે એવા બે કાગળ આવી ગયા. અ માટે પૈસાની જરૂર હશે. રાજેશે જવાનું નક્કી કરી નાખ્યું છે. કોઈ જાતની લાગણી ના હોય ત્યાં એમની સાથે કઈ રીતે રહેવાશે? હું એ ટેન્શનમાં હતી અને તું આવી ગઈ. હવે તું જ કહે. મારી જગ્યાએ તું હોય તો શું કરે?’ મનાલી ગંભીરતાથી વિચારતી હતી. ‘ગામમાં એ એકલાં રહે છે?’ એણે પૂછ્યું. ‘રાજેશે એમને અહીં રહેવા માટે ક્યારેય કહ્યું છે ખરું?’

‘એમને એમની રીતે કોઈની રોકટોક વગર આઝાદીથી રહેવું છે. મારા ઘરમાં આવે તો હવે મારા તાબામાં રહેવું પડે એવું માનીને એ નથી આવતાં... રાજેશે શરૂઆતમાં કાગળ લખેલા પણ એમણે જવાબમાં લખી નાખ્યું કે મને મારી રીતે રહેવા દો...’ મનાલી આંખો બંધ કરીને ગંભીર હતી. એણે આંખો ખોલીને પ્રિયા સામે જોયું. ‘તારે તો ત્યાં ત્રણ જ દિવસ રહેવાનું છેને?’ પ્રિયાએ માથું હલાવીને હા પાડી. ‘મારી વાત માનીશ એવું પ્રોમિસ આપ તો રસ્તો બતાવું...’ એકેએક શબ્દ ઉપર ભાર મૂકીને મનાલીએ હાથ લંબાવ્યો. ‘પ્રોમિસ...’ પ્રિયાએ એના હાથમાં પોતાનો હાથ આપીને વચન આપ્યું. ‘શબ્દશ: પાલન કરવાની તૈયારી હોય તો જ વચન આપજે.

ખાલી થૂંક ઉડાડવાની મને આદત નથી...’

‘જવાનું તો છે જ. એટલે ગોડ પ્રોમિસ...’

‘મારી વાત ધ્યાનથી સાંભળ....’ મનાલીનો અવાજ વધુ ગંભીર બન્યો. ‘મનમાંથી બધી કડવાશ ભૂલીને જાણે પહેલીવાર જતી હોય એ રીતે જ જજે. પૂર્વગ્રહનું પોટલું માથે મૂકીને જઈશ તો એ તને દુશ્મનરૂપે જ દેખાશે માટે પ્લીઝ, એમના પ્રત્યેનો જે ધિક્કાર છે એને તારા મનમાંથી કાઢી નાખ. સિત્તેર-પંચોતેર વર્ષના એ માજી હવે કેટલું જીવવાનાં? દર વર્ષે ત્રણ-ચાર દિવસ એમની સાથે વિતાવવા પડે તોય કુલ કેટલા દિવસ સાચવી લેવાના થશે? નફરતનું ઝેર મનમાં ઘૂંટીને વેરભાવે ત્યાં જઈશ તો સામેથી પણ એવો જ પ્રતિભાવ મળશે.. એક વાત સમજી લે... મા એ ગમે તે ઉંમરે મા જ હોય છે. તને તારી બેબી માટે જેટલી લાગણી છે એટલી જ લાગણી એમને રાજેશ માટે હશે. ગુસ્સામાં કે આવેશમાં એમણે કંઈક કહ્યું હશે અને સામે તેંય કચકચાવીને જવાબ આપ્યો હશે પણ એ બધું ક્યાં સુધી પકડી રાખીશ?

તમામ પૂર્વગ્રહ, વેર અને ધિક્કારથી મુક્ત થઈને ખરા હૃદયથી તારી ખુદની મમ્મીને મળવા જતી હોય એટલી ઉષ્માથી એમની સાથે રહેજે...’ એકી શ્વાસે આટલું બોલીને મનાલી સહેજ અટકી. પ્રિયાનો હાથ લાગણીથી જકડીને એણે ઉમેર્યું. ‘તું જેટલો પ્રેમ આપીશ એટલો નહીં પણ એનાથી વિશેષ પાછો મળશે એ મારી ગેરંટી... આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જિંદગી બહુ ટૂંકી છે પ્રિયા, વેર અને ધિક્કારથી એને વધુ ટૂંકી શા માટે બનાવે છે?’ નીચું જોઈને સ્તબ્ધ બેઠેલી પ્રિયા કંઈ બોલી ના શકી. માથું હલાવીને એણે મનાલીની વાત સ્વીકારી.

***
શનિવારે સવારે પ્રિયા સામાન પેક કરતી હતી એ જોઈને સુખદ આશ્ચર્યથી રાજેશનું મગજ ચકરાઈ ગયું હતું. ‘આ શાલ અને ધાબળો બાને કામમાં આવશે.. એ ચંપલમાં કંજુસાઈ કરે છે એટલે એમના માપના આ નવા ચંપલ ગઈકાલે લઈ આવી. આ બે સાડી પણ એમને ગમશે...’

રાત્રે બાર વાગ્યે રિક્ષા ગામની ડેલી પાસે ઊભી રહી કે તરત બા બહાર આવ્યાં. રાજેશ અને પ્રિયાએ વારાફરતી ઝૂકીને પ્રણામ કર્યા. એ બંનેને આશીર્વાદ આપીને બાએ બેબીને પોતાની બથમાં લઈ લીધી હતી.

‘ઘર રિપેર થઈ ગયું?’ દીવાલો સામે જોઈને રાજેશે પૂછ્યું. ‘દેખાતું નથી?..’ બાએ હસીને ઉમેર્યું. ‘તને નોકરીમાંથી ટાઇમ નહીં મળે એવું લાગ્યું એટલે ધનજીભાઈને કોન્ટ્રાકટ આપીને કરાવી લીધું.’

સવારે બા પૂજા કરતાં હતાં. પ્રિયા રસોડામાં ઘૂસી. ‘દાળમાં ધ્યાન રાખજે...’ બાએ હસીને સૂચના આપી. ‘જેટલી વધશે એટલી પી જવી પડશે...’ પ્રિયા પણ હસી પડી.

બપોરે જમ્યા પછી ત્રણેય ઓરડામાં બેઠાં હતાં. બેબી બાના ખોળામાં ઊંઘી ગઈ હતી.

‘તમે આવ્યાં અને મારા માટે યાદ કરીને બધું લાવ્યાં એ બહુ ગમ્યું.’ બાએ ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. ‘આ દેહનો કોઈ ભરોસો નથી એટલે ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. તારા બાપાની ઇચ્છા હતી કે તું ખૂબ કમાય અને મોટો માણસ બને. અહીં ગામમાં ને ગામમાં તારી કિંમત વધવાની નહોતી એટલે તમે ગયાં ત્યારે રોક્યાં નહોતાં. મારો છોકરો ટિચાઈ ટિચાઈને આગળ વધશે એટલો વિશ્વાસ હતો મારા લોહી પર... ફલેટ ખરીદવા માટે પૈસાની જરૂર હતી અને તું ઠક્કરકાકાને મળેલો એટલે બીજા જ દિવસે ઠક્કરકાકા મને પૂછવા આવેલા. પોસ્ટ ઓફિસમાં તારા બાપાએ જે એફ.ડી. કરાવેલી એ તોડીને એમાંથી લાખ રૂપિયા મેં એમને આપેલા અને વાત ખાનગી રાખવાનું કહેલું. બાપના પૈસા દીકરાને નહીં તો પછી કોને કામમાં આવવાના હતા?’

બંને સ્તબ્ધ બનીને સાંભળતાં હતાં. બાએ પ્રિયા સામે જોયું. ‘સાથે રહીએ એટલે વાસણ ખખડે. કારણ વગર મન ઊંચાં રહે એ રીતે સાથે રહેવાની કોઈ જરૂર નહોતી એટલે અહીં એકલા રહેવાનો નિર્ણય કરી લીધેલો. આખી શેરીનાં બધાં છોકરાંઓ ચિંધેલું કામ કરી આપે છે એટલે કોઈ તકલીફ નહોતી... રૂપિયા કરતાં રૂપિયાનું વ્યાજ વહાલું હોય. તારે પિયરમાં કોઈ નથી એટલે તારી ડિલિવરીમાં આવવાનું નક્કી કરેલું. બધી તૈયારી કરેલી પણ એ જ વખતે બાથરૂમમાં લપસી પડી અને ડાબા પગમાં ફ્રેકચર થઈ ગયું. ઓપરેશન કરીને સિળયો નાખવો પડ્યો અને ચાર મહિના ખાટલામાં રહી.

ગામનાં મણિમાસીએ ખડેપગે ચાકરી કરી. એ વખતે તમને આ સમાચાર નહોતા જણાવ્યા એનું એક કારણ એ કે પહેલા જ ધડાકે તમને મારી વાત બહાનું લાગત અને ધારો કે હકીકત માલૂમ પડેત તો પણ તમે તમારી પળોજણમાં ગૂંચવાયેલાં હતાં એટલે કઈ રીતે આવતાં? સાજા થઈને આવવાનું વિચાર્યું ત્યારે તાવ અને ખાંસીમાં પટકાઈ. ડોક્ટરે કહ્યું કે ટીબીની અસર છે. હું તમારી સાથે રહું તો આ નાના ફૂલને તરત ચેપ લાગી જાય એટલે ના આવી અને તમને જાણ પણ ના કરી...’

બાએ સહેજ અટકીને ઊંડો શ્વાસ લીધો અને બંનેની સામે જોયું. ‘આ ઘરના બધા દસ્તાવેજ કરી રાખ્યા છે એટલે કાલે હું ના હોઉં તો તમને કોઈ તકલીફ ના પડે. બેન્કના લોકરમાં મારી મરણમૂડી જેવા નવ તોલાના દાગીના હતા એ ઉપાડી લાવી છું એ પ્રિયાને આપી દેવાના છે. સોનું, ઘર કે પૈસા કંઈ જોડે લઈને જવાની નથી અને હવે દેહનો કોઈ ભરોસો નથી એટલે તમને બોલાવી લીધા...’ એ બોલતાં હતાં. રાજેશ અને પ્રિયા ભીની આંખે ચૂપચાપ સાંભળતાં હતાં.

No comments: