આખું શરીર તૂટતું હતું તો પણ અંગડાઇ સવારના છ વાગ્યે ઊઠી ગઇ. આઠ મહિનાનો દીકરો સૂરજ અને અઠ્યાવીસ વર્ષનો પતિ અમન એક સરખી ગાઢ નિદ્રામાં ગુમ થઇને સૂતેલા હતા. સહેજ હસીને, માથું ઝટકાવીને અંગડાઇ બાથરૂમમાં સરકી ગઇ. મનમાં બબડી રહી, ‘આ પ્રેમ પણ ગજબની ચીજ છે ! પપ્પાના ઘરે હતી ત્યારે હું છેક સાડા નવ વાગ્યે ઊઠતી હતી. ઘરમાં સૌથી છેલ્લી. જ્યારે અહીં સાસરીમાં સૌથી વહેલી ઊઠું છું ને સૌથી મોડી સૂવું છું. તેમ છતાં કંટાળો નથી આવતો; કારણ? કારણ કે હું અમનને પ્રેમ કરું છું.’
નાહી-ધોઇને અંગડાઇ કિચનમાં ઘૂસી. સાસુ-સસરા માટે ચા-નાસ્તો તૈયાર કર્યો. બાથરૂમમાં જઇને ગીઝર ઓન કર્યું. ગરમ પાણીથી બબ્બે બાલદીઓ ભરાઇ ગઇ એ પછી સાસુને જગાડ્યાં, ‘મમ્મીજી ! ઊઠો ! જય શ્રી કૃષ્ણ.’ આ એનો નિત્યક્રમ હતો. એ સાસુને ઉઠાડે; પછી સાસુ સસરાને જગાડે. સાત વાગતાંમાં તો ઘર પૂજા-પાઠના મંત્રોચ્ચાર અને ઘંટડીના અવાજથી ગુંજી ઊઠ્યું. અમન અને સૂરજ તો પણ ઘોરી રહ્યા.
છેક સાડા આઠ વાગ્યે અંગડાઇએ પતિને જગાડ્યો. પ્રેમથી, માથાના વાળમાં હળવો હાથ ફેરવીને, ગાલ ઉપર હૂંફાળું ચુંબન કરીને, ‘એઇ..., જાગો હવે ! સાડા આઠ વાગી ગયા. તમે બ્રશ કરીને આવો ત્યાં સુધીમાં હું તમારા માટે ઓમલેટ બનાવું છું.’
ચુસ્ત વૈષ્ણવ વણિક પરિવારમાં ઓમલેટ ?! આ પણ એક જબરો વિરોધાભાસ હતો. અંગડાઇના પપ્પાના ઘરમાં તો કાંદા-લસણની પણ મનાઇ હતી. એનાં સાસુ-સસરા પણ ‘જય-જય શ્રી ગોકુલેશ’ના મુખપાઠમાંથી ઊંચા આવતાં ન હતાં. પણ અમન પાંચ વર્ષ ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને ભણ્યો હતો એટલે ઓમલેટ ખાવાની આદત પડી ગઇ હતી. અને પતિનું મન સાચવવા માટે અંગડાઇ પોતાનાં સાસુ-સસરાને છેતરી લેતી હતી.
રોજ સવારે જ્યારે બંને વૃદ્ધો રણછોડજીના મંદિરે દર્શન કરવા જાય ત્યારે એ અમન માટે ભાવતી વાનગી બનાવી દેતી હતી. અને પછી બધું જેમનું તેમ કરી દેતી હતી. કોઇ હવા સૂંઘીને પણ ઇંડા કે કાંદાની ગંધ પકડી ન શકે !
‘તું તો ભારે જબરી છે, અંગડાઇ! ત્રણ વર્ષથી ઘરમાં ઓમલેટ બનાવે છે, પણ મમ્મી-પપ્પાને ખબર સુધ્ધાં પડી નથી.’ અમન ક્યારેક ખુશ થતો ત્યારે પત્નીની પ્રશંસા કરી લેતો.
‘સાચું કહું, અમન? મમ્મી-પપ્પાને છેતરવાં એ મને પણ ગમતું નથી.’
‘તો પછી તું આટલી હિંમત કેમ કરે છે?’
‘કારણ કે હું તને પ્રેમ કરું છું. તને ખુશ રાખવા માટે હું બધું જ કરી શકું છું, ગમે તે હદે જઇ શકું છું.’
‘સારું, ત્યારે તમે જે છાપું વાંચી રહ્યાં છો એ જરા મારી તરફ આવવા દો! ખબર છે ને કે મને ગરમાગરમ ચા સાથે ગરમાગરમ સમાચારો વાંચવાની પણ આદત છે?!’ કહીને અમને પત્નીના હાથમાંથી અખબાર ખૂંચવી લીધું. આ એનો રોજનો ક્રમ હતો. નાસ્તાના સમયે અખબાર ઝૂંટવી લેવાનું. અંગડાઇ વિચારતી રહી : ‘પપ્પાના ઘરે મારું કેટલું માન-પાન હતું ? ઘરમાં સૌથી મોડી જાગ્યા પછી હું પપ્પા પાસે જતી એટલે પપ્પા અધૂરું છાપું મારા હાથમાં સોંપી દેતા ! અને અહીં આવ્યા પછી ક્યારેય નિરાંતે છાપું વાંચવાનો સમય જ નથી મળતો.
હમણાં રસોઇ બનાવવી પડશે. પછી ‘જોબ’ ઉપર પહોંચી જવું પડશે. બપોરે લંચ અવરમાં ઘરે આવીને સાસુ-સસરાને જમાડવા, સૂરજને પેટ ભરાવવું, એના માટે પૌષ્ટિક પ્રવાહી આહાર બનાવીને ફ્રીઝમાં મૂકી દેવો, કામવાળી બાઇ પાસે વાસણો મંજાવવા અને ફરી પાછાં નોકરી ઉપર હાજર થઇ જવું. સાંજે ઘરે આવ્યા પછી પાછું એનું એ જ ચક્કર. સાંજની રસોઇ, રાતનું ભોજન, રાતનાં વાસણ !’
ક્યારેક અમન એને પૂછી લેતો. ક્યારેક જ, ‘‘થાકી જાય છે ને?’’
‘હા, દિવસની દોડધામ અને રાતના ઉજાગરા. અડધી રાત સુધી તું મને સૂવા નથી દેતો અને બાકીની અડધી રાત તારો દીકરો મને જગાડે છે. સુવાવડ પછી બીજી સ્ત્રીઓ ફૂલીને ઢોલ જેવી બની જતી હોય છે, જ્યારે મેં આઠ મહિનામાં દસ કિલો જેટલું વજન ગુમાવ્યું છે.’
‘આ અફસોસ છે કે ફરિયાદ?’
‘બેમાંથી કંઇ નથી; ફક્ત પ્રેમ છે.’ જવાબ આપતી અંગડાઇની આંખો ગૌરવ અને સંતોષની મશિ્ર લાગણીથી ચમકી રહી.
પાંચ વર્ષ પસાર થઇ ગયાં. પૂરાં પાંચ વર્ષ. ઘટનાસભર અને પસીનાસભર. અંગડાઇ જાત નિચોવીને અમનનો સંસાર મહેકથી છલકાવતી રહી. ક્યારેક એ વિચારતી કે એ શું કરી રહી છે ! ઘરકામવાળી બાઇ, રાંધવાવાળી રસોયણ, ઘરને સ્વચ્છ રાખનાર સફાઇ કામદાર, નોકરડી, ચાકરડી, આયા, ધોબણ, બેબી સીટર, ઘરડાં સાસુ-સસરાની ચાકરી કરનારી કેર-ટેકર અને આટલી બધી ભૂમિકાઓ ભજવ્યા પછી પાછી ‘શયનેષુ રંભા’ તો ખરી જ ! જો પ્રેમ નામના તત્વને બાદ કરી નાખવામાં આવે તો આટલાં બધાં કામ માટે ‘ગુલામડી’ કે ‘વેિઠયણ’ જેવા શબ્દો પણ ઓછા પડે ! દર મહિને એક લાખ રૂપિયા ખરચે તો પણ અમનને આટલાં બધાં કામો કરી આપનારા મજૂરો ન મળે ! ખરેખર પ્રેમ મહાન છે.
બપોરના સાડા બાર વાગ્યા હતા. અંગડાઇ નોકરી ઉપર હતી. એની ઓફિસમાં બેસીને કામ કરી રહી હતી, ત્યાં ઓપરેટરે એને લાઇન આપી, ‘મેડમ, આપ કા ફોન હૈ. બાત કિજીયે.’ સામે છેડે કોઇ યુવતીનો અવાજ હતો.
‘‘હલ્લો! આર યુ મિસિસ અમન મહેતા ? આઇ એમ જુલી. આઇ વોન્ટ ટુ ટોક ટુ યુ...’’
અંગડાઇ કોઇ જુલી-ફુલીને ઓળખતી ન હતી, છતાં એણે કહી દીધું, ‘બોલો, હું જ અંગડાઇ અમન મહેતા છું. શું વાત કરવી છે તમારે?’
‘ફોન ઉપર નહીં; હું અડધા કલાકમાં આવું છું, તમે ઓફિસમાં જ છો ને?’ અંગડાઇની ‘હા’ સાંભળીને જુલીએ ફોન કાપી નાખ્યો. થોડીવાર પછી એ અંગડાઇની સામેની ખુરશીમાં બેઠી હતી.
‘આઇ એમ સોરી, અંગડાઇ, હું જાણું છું કે હું જે કહેવા માટે આવી છું તે સાંભળીને તમને દુ:ખ થશે, પણ મને આશા છે કે તમે મને અને અમનને યોગ્ય રીતે સમજવાની કોશિશ કરશો.’ જુલીએ પાણી પહેલાં પાળ બાંધવા માંડી.
‘અમન ? હી ઇઝ માય હસબન્ડ. મારે મારા પતિને સમજવા માટે કોશિશ શા માટે કરવી પડે ? હું એને સમજીને તો પરણી છું એની સાથે. તમને ખબર છે ? લગ્ન કરતાં પહેલાં હું અને અમન બહુ સારા મિત્રો હતા. પાંચ વર્ષથી એકબીજાના ગાઢ પરિચયમાં જીવ્યાં પછી અમે લગ્ન કર્યાં છે. અને તમે મને એમ કહો છો કે મારે હજુ અમનને સમજવાની કોશિશ કરવી જોઇએ ? શા માટે ?’
‘કારણ કે...’ જુલીએ ધડાકો કર્યો, ‘હું અને અમન પ્રેમમાં છીએ.’
‘વ્હોટ?!’ અંગડાઇ ઊભી થઇ ગઇ. પછી તરત જ એને ભાન થયું કે અત્યારે એ ઓફિસમાં બેઠી છે અને ઓફિસમાં બીજા કર્મચારીઓ પણ હાજર છે. એ પાછી ખુરશીમાં બેસી ગઇ. અવાજને પણ એણે મૂળ સપાટી ઉપર લાવી દઈ પૂછી લીધું, ‘મામલો શું છે ? ટેલ મી ઇન ડીટેઇલ.’
જુલી બોલતી ગઇ, બોલતી રહી, ‘હું અને તમારો પતિ એક જ કંપનીમાં સાથે કામ કરીએ છીએ. મને અમન ગમી ગયો. એને પણ તમારાથી ફરિયાદો છે. અમે છેલ્લાં ત્રણેક વર્ષથી એકબીજાની સાથે ‘સ્ટેડી’ છીએ.’
‘સ્ટેડી મીન્સ વ્હોટ ? તમારા સંબંધો...?’
‘‘હા, અમે કશું જ બાકી નથી રાખ્યું. પણ હું હવે હોટલોના બંધ કમરા વચ્ચે ઊજવાતા સંસારથી કંટાળી ગઈ છું. મારા ઘરે પણ આ બાબતની ગંધ આવી ગઇ છે. મારાં મમ્મી-પપ્પાએ છોકરાઓ બતાવવા માંડ્યા છે, પણ એક પણ મુરતિયો મારા જેટલું કમાઇ શકે તેવો નથી. છેવટે મેં ફેંસલો કરી લીધો છે.’
‘શું ?’
‘ફ્લેટ રાખીને જુદાં રહેવાનો. પપ્પાને મેં મનાવી લીધા છે. એ લોકોને પણ અમન ગમી ગયો છે. એ પરણેલો છે એની સામે અમારા ઘરમાં કોઇને વાંધો નથી. બસ, તમે મંજૂરી આપો એટલી વિનંતી કરવા આવી છું.’
અંગડાઇ જોઇ રહી. કેવી ફાલતુ લાગી રહી છે આ છોકરી ! સાવ સળેકડી જેવી દૂબળી-પાતળી, કાળી, પાતળો લાંબો ચહેરો, ચશ્માંને કારણે હતી એના કરતાંયે વધારે અનાકર્ષક લાગતી જુલીમાં અમન શું જોઇ ગયો હશે કે પોતાની જેવી ખૂબસૂરત પત્નીને મૂકીને એની સાથે રહેવા માટે તૈયાર થઇ ગયો હશે ?
‘તમે ગભરાશો નહીં...’ જુલી બોલ્યે જતી હતી, ‘હું અમનને સાવ છીનવી લેવા નથી માંગતી. આપણે અઠવાડિયાના તમામ દિવસોને એકાંતરા વહેંચી લઇશું. અમન આપણાં બંનેનો સહિયારો પતિ બની રહેશે.’
અંગડાઇએ એક ઊંડો શ્વાસ છાતીમાં ભરીને મુદ્દાનો પ્રશ્ન પૂછી નાખ્યો, ‘અમનને આ વાતની જાણ છે?’
‘હા, એણે તો મને તમને મળવા માટે મોકલી છે. તમે ન માનતાં હો તો એને પૂછી શકો છો.’ જુલીએ જ અમનને મોબાઇલ નંબર લગાડ્યો. સેલફોન અંગડાઇના હાથમાં મૂકી દીધો.
અંગડાઇ રડમસ થઇ ગઇ, ‘શા માટે, અમન? મારામાં તને શાની ખોટ લાગી ?’
અમને જગતભરના પુરુષોનું સર્વસામાન્ય બહાનું આગળ કર્યું, ‘આમ તો તું બધી રીતે મને ગમે છે, ડાર્લિંગ ! પણ જુલીની સાથે મારે ઇમોશનલ બોન્ડેજ રચાઇ ગયું છે. અમારી વેવલેન્થ મેચ થાય છે.’
‘વેવલેન્થ તો આપણીયે મેચ થતી હતી, અમન! પણ હવે હું તને ઓળખી ગઇ છું. તું પુરુષ હોવામાંથી ક્યારેય ઉપર ન ઊઠી શક્યો. જાનવર હતો, જાનવર જ રહ્યો. હું તારા માટે, તારા પરિવાર માટે જાત ઘસી-ઘસીને ખતમ થઇ ગઇ. અને તેં મને શોકયનું ઇનામ આપ્યું! પણ એક-બે વાત કાન ખોલીને સાંભળી લે! હું તારી અને જુલીની આ લંપટલીલાને ક્યારેય લીલી ઝંડી આપવાની નથી. હું તમને ઉઘાડા પાડીશ. જરૂર પડે તો હું પોલીસ પાસે જઇશ, કાનૂનના બારણે ટકોરા મારીશ, મીડિયાની પણ મદદ લઇશ અને તને ઉઘાડો પાડવા માટે હું પણ ઉઘાડી થઇશ.
રાજકોટમાં એક યુવતી કપડાં કાઢીને સડક ઉપર નીકળી પડી હતી એનો આક્રોશ હવે મને સમજાય છે. તને એમ હશે કે એક છોકરાની મા બન્યાં પછી હું ક્યાં જવાની છું ? પણ અમન, હું એકવીસમી સદીની શિક્ષિત અને કમાતી નારી છું. મારા ઘરને સુઘડ રાખવાનું પણ મને આવડે છે અને એને સલામત રાખતાં પણ મને આવડે છે. ધીસ ઇઝ અ વોર્નિંગ ટુ બોથ ઓફ યુ!’ અંગડાઇના અવાજમાં આગ હતી. એણે ફોન કાપ્યો ત્યાં સુધીમાં સામે છેડે બેઠેલો અમન પણ ઠંડોગાર થઇ ચૂકયો હતો અને અંગડાઇની સામે બેઠલી જુલી પણ બરફની પૂતળી બની ચૂકી હતી. ‘સોરી, દીદી! આઇ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ યુ. હું બીજી નોકરી શોધી લઇશ...’ આટલું બોલીને જુલી છૂમંતર થઇ ગઇ.
(શીર્ષક પંક્તિ : ખલીલ ધનતેજવી)
No comments:
Post a Comment