Tuesday, July 27, 2010

હું ને તું પૃથ્વીના તદ્દન ગૂઢ બે છેડા છીએ,હોય મક્કા કે બનારસ આપણી વચ્ચે જ છે

‘સર, આ મારી પત્ની છે. અમારા લગ્ન પહેલાં એને એક દગાબાજ પુરુષની સાથે સંબંધ બંધાયો હતો. લગ્નનું વચન આપીને પેલા લંપટે આ છોકરીને પીંખી નાખી. પૂરા પાંચ-પાંચ વરસ સુધી એનું જાતીય શોષણ કર્યું. છેવટે આને ખબર પડી કે એનો ભાવિ પતિ તો ભૂતકાળમાં પરણી ચૂકેલો છે. એને તો પત્ની છે અને બાળકો પણ...’ મારા કન્સલ્ટિંગ રૂમમાં બેસીને એક યુવાન એની પત્નીનો ખરડાયેલો ભૂતકાળ વર્ણવી રહ્યો હતો, ‘આ છોકરીનું હૈયું નંદવાઇ ગયું, સર! કૌમાર્ય તો ક્યારનુંયે નંદવાઇ ચૂક્યું હતું. ચાર-ચાર વાર એ એબોર્શન્સ કરાવી ચૂકી છે. હું એને લઇને તમારી પાસે એટલા માટે આવ્યો છું કે...’

‘એક મિનિટ! એક મિનિટ, પ્લીઝ! મને જરાક કળ વળવા દે, ભાઇ!’ મેં એને અટકાવ્યો, ‘આ યુવતી જેના ભૂતકાળ વિશે તું આ બધું કહી રહ્યો છે તે ખરેખર તારી પત્ની છે?’

‘યસ, સર!’

‘એનાં ભૂતકાળ વિશે તને ક્યારે ખબર પડી?’

‘શરૂઆતથી જ. અમારું લગ્ન થયું એની પહેલાં મને ખબર હતી. એણે જ મને કહ્યું...’

‘અને તો પણ તમે આનો સ્વીકાર કર્યો? હું એવા અસંખ્ય પુરુષોને જાણું છું જેમણે લગ્ન પૂર્વેના ઇન્ટરવ્યૂ વખતે સુંદર અને સુયોગ્ય યુવતીનો માત્ર એટલા માટે અસ્વીકાર કર્યો હોય કે એ છોકરીને કોલેજકાળમાં કોઇ બોયફ્રેન્ડ હતો. વિજાતીય મૈત્રી પછી ભલે ને તે સાવ નિર્દોષ હોય, તો પણ આ દેશનો પુરુષ માફ કરી શકતો નથી. પત્નીનાં પર્સ સૂંઘતા, કબાટો ફંફોસતા અને ટેબલના ખાનાં તપાસતા ‘ધણીઓ’ મને તો માણસને બદલે પોલીસ-ડોગ બનવા માટે વધુ લાયક લાગે છે. અફસોસ, આપણે એમને કૂતરા કહી શકતા નથી. આવા જગતમાં ભારત જેવા રૂઢિચુસ્ત દેશમાં તારા જેવો પુરુષ મેં આજે પહેલી વાર જોયો.’

મારું સ્ત્રી-દાક્ષિણ્યભર્યું ભાષણ સાંભળીને એ હસ્યો, ‘આવી લેકચરબાજી ઝાડવાથી સ્ત્રીઓનું કંઇ નહીં વળે, સાહેબ! કોમેન્ટ્રી આપવાથી ક્રિકેટર નથી બની જવાતું. મેદાનની વચ્ચે ઊભા રહીને શોએબ અખ્તરના ઝંઝાવાતી દડાને બાઉન્ડ્રીની પેલે પાર મોકલી શકો તો જ તમે સચિન થઇ શકો. એક નિર્દોષ, પ્રેમઘેલી કિશોરીને લગ્નની લોલીપોપ પકડાવીને બધી જ રીતે બરબાદ કરી મૂકનાર કોઇ મવાલીની ચૂંગાલમાંથી છોડાવીને પછી અગ્નિની સાક્ષીએ એનો હાથ પકડવો એ જેવા તેવાનું કામ નથી, સાહેબ, એના માટે છપ્પનની છાતી જોઇએ.’

‘ધારી લે કે તે આની સાથે લગ્ન ન કર્યા હોત તો..?’

‘એણે આપઘાત કર્યો હોત! આ ધારવાની વાત નથી, એક સાંજે એ મારી દુકાને વંદા મારવાની દવા લેવા આવી હતી. એ અમારી પ્રથમ મુલાકાત હતી. મેં મજાકમાં પૂછ્યું કે આ દવા વંદા માટે લઇ જાવ છો કે તમારા માટે?’ જવાબમાં પહેલાં એની આંખોમાં આંસુ ફૂટયા, પછી જીભ ઉપર શબ્દો! એ જ રાત્રે મેં નિર્ણય

લઇ લીધો. બીજા દિવસે આર્યસમાજમાં જઇને અમે પરણી ગયાં.’

‘તારા પરિવારમાં કોઇએ વિરોધ ન કર્યો?’

‘કર્યો! મારા પિતાને મારા સહિત કુલ ચાર દીકરાઓ છે. અમારે ચાર દુકાનો અને એક મોટું મકાન છે. મારા પિતાએ સ્વઉપાર્જિત મિલકતમાંથી વારસદાર તરીકે મારું નામ રદ કરી નાખ્યું. ધંધામાંથી કાઢી મૂક્યો. ઘરમાં એક અલગ ઓરડી કાઢી આપી. એ પણ સમય આવ્યે ખાલી કરી આપવાની શરતે. આજે હું ચાની લારી લઇને ઊભો છું. શહેરના જાણીતા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર જ્યાં અત્યાર સુધી મોટી દુકાનમાં શેઠ તરીકે ગાદી ઉપર બેસતો હતો એનાથી પાંચ ફીટ છેટે કેરોસીનવાળા સ્ટવ ઉપર કાળીમેશ જેવી તપેલીમાં ચા ઊકાળતો ઊભો રહું છું. પણ હું ખુશ છું, સાહેબ! એક યુવતીને મેં મરતા બચાવી છે.’

આ યુવાનનું નામ તપન. એની પત્નીનું નામ તૃષા. તપન એટલે મારી જિંદગીમાં મેં જોયેલો સૌથી બહાદુર અને સૌથી ઉદાર પુરુષ.

***

‘બોલ, શું પૂછવું છે?’ સામાજિક વાત પૂરી થઇ એટલે સારવારની વાત મેં શરૂ કરી. તપન એની તૃષાને લઇને મારી પાસે એટલા માટે આવ્યો હતો કારણ કે એ સગર્ભા હતી. હજુ તો સાવ શરૂઆતનો તબક્કો હતો. પણ તૃષાને સતત પેઢુનો દુ:ખાવો રહ્યા કરતો હતો. એકાદ-બે વાર એને રક્તસ્રાવના બે-ચાર ટીપાં પણ દેખાયા હતા. બંને જણાં ગભરાયેલા જણાતા હતા. ઘરમાં કોઇ વડીલોનું માર્ગદર્શન મળવું અશક્ય હતું. હવે શું થશે એની ચિંતામાં મારી પાસે દોડી આવ્યા હતા. મેં તૃષાને તપાસી લીધી.

પછી જરા પણ શબ્દો ચોર્યા વગર મેં વિજ્ઞાનને બોલવા દીધું, તમે આપેલી પૂર્વ માહિતી અને મેં કરેલી શારીરિક તપાસ આ બંનેના આધારે હું એટલું કહીશ કે તૃષાની આ ગર્ભાવસ્થા પૂરા મહિના સુધી પહોંચવી ખૂબ જ મુશ્કેલ છે. વારંવારના એબોર્શન્સથી એનું ગર્ભાશયનું મુખ ઢીલું પડી ગયું છે. એ ઉપરાંત બીજી બે-ત્રણ મુશ્કેલીઓ પણ નડી શકે તેમ છે એને સંપૂર્ણ આરામ, મોંઘી દવાઓ અને ખાસ પ્રકારના ઇન્જેકશનો તેમજ રેગ્યુલર તબીબી માર્ગદર્શનની જરૂર પડશે. વારંવાર સોનોગ્રાફી જેવાં પરીક્ષણો પણ કરાવતાં રહેવું પડશે. તમે આ બધું કરી શકશો?

તૃષાની નજર જમીન તરફ ઢળી ગઇ. જેનો પતિ ચાની લારી ચલાવતો હોય એ સ્ત્રી ઘરકામ માટે નોકર ક્યાંથી રાખી શકે? નોકર ન રાખે તો એ આરામ શી રીતે કરી શકે? રસોઇનું કામ તો ઠીક છે, પણ કચરા-પોતાં અને કપડાં-વાસણ આ ચાર કામ એવા છે જે કરવા માટે એણે બેસવું પડે અને પેટ ઉપર દબાણ લાવવું જ પડે. પછી પેઢુનો દુ:ખાવો મટે શી રીતે? અને અંદર ઊછરતો ગર્ભ ટકે શી રીતે?

આ ઉપરાંત મોંઘી દવાઓ અને મોંઘાં ઇન્જેકશનો? કોઇ પણ માણસ વિચાર કરતો થઇ જાય, પણ તપને તત્ક્ષણ નિર્ણય લઇ લીધો. મને કહેવા લાગ્યો, ‘અમે ગરીબ છીએ, એટલે અમને મા-બાપ બનવાનો હક્ક નથી શું? તમે એટલું કેમ ન કરો? તૃષાની સારવાર તમારી રીતે શરૂ કરી દો. મારી પાસે હાલમાં એક પણ પૈસો નથી, પણ મારું વચન છે કે ભવિષ્યમાં ધીમે ધીમે કરીને હું તમારું પૂરેપૂરું બિલ ચૂકવી આપીશ.’

‘ભાઇ, આવું કહી કહીને અત્યાર સુધીમાં અસંખ્ય દરદીઓ મારું મુંડન કરી ગયા છે. હવે હું એવા તબક્કે પહોંચી ગયો છું કે પ્રેસિડેન્ટ ઓબામા એક ડોલર ઉધાર રાખવાની માગણી કરે તોયે હું મિશેલની સારવાર ન કરી આપું! પણ તારી વાત હું સ્વીકારી લઉં છું. જે પુરુષ એક ચૂંથાઇ ગયેલી સ્ત્રીને પત્નીનો દરજજો આપી શકે છે એ મારા પૈસા ઓળવી જવાનું પાપ તો નહીં જ કરે!’ આટલું કહીને મેં પેન હાથમાં લીધી. પ્રિસ્કિ્રપ્શન પેપર ઉપર અક્ષરો પાડવાનું... સાચું કહું તો, એક ન જન્મેલા બાળકને એનો જન્મવાનો અધિકાર આપવાનું પવિત્ર કાર્ય શરૂ કર્યું.

અને એ સાથે જ ખર્ચના આંકડાનું મીટર પણ જોશભેર ઘૂમવાનું શરૂ થઇ ગયું. હું જાણતો હતો એ ક્ષણથી તૃષાની પ્રસૂતિ જે સંભવિત સિઝેરીઅનમાં પરિણમી શકતી હતી, ત્યાં સુધીનો ખર્ચ હજારો રૂપિયાનો જંગ હોઇ શકે. અને એ બધો ખર્ચ મારે જ ભોગવવાનો હતો. મેં હસીને તપનની સામે જોયું. મારી જિંદગીમાં એ પહેલો માણસ હતો જેના વચન ઉપર ભરોસો મૂકીને હું આટલું બધું જોખમ ખેડી રહ્યો હતો.

***

તૃષાને ચોથા મહિને ગર્ભાશયના મુખ ઉપર ટાંકો મારવો પડ્યો. માત્ર ઠંડકના ઇન્જેકશનોની મૂળ કિંમત (જે ભાવે ડોક્ટરને મળે તે) ગણું તોયે ત્રણ હજાર રૂપિયા થઇ જતા હતા. છેલ્લા બે મહિના ભયંકર ગયા. અધૂરા માસે સુવાવડ ન થઇ જાય એ માટે તૃષાને મારા નર્સિંગ હોમમાં દાખલ કરવી પડી. સદ્ભાગ્યે સુવાવડ નોર્મલ થઇ શકી. એ તમામ ખર્ચનો સરવાળો કરવા હું બેઠો ત્યારે આંકડો એટલો મોટો થતો હતો કે મારે એમાં ત્રણ-ત્રણ વાર કાંટ-છાંટ કરવી પડી.

આખરે પાંચ હજાર રૂપિયા ઉપર મેં મત્તુ માર્યું. તપન અને તૃષા એમની દીકરીને લઇને વિદાય થયા. એ વાતને પાંચ-પાંચ વર્ષ વીતી ગયા. ન તપન દેખાયો, ન તૃષા. મારા પૈસા દેખાવાનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તપને જે જગ્યા વર્ણવી હતી ત્યાંથી ક્યારેક મારે પસાર થવાનું બનતું હતું. મેં નજર ઘુમાવી, ચાની લારી ક્યાંય દેખાતી ન હતી. મને આટલી હદે છેતરી જનાર મારી જિંદગીમાં આ પહેલો પુરુષ હતો.

***

હમણાં એક સંગીતના જલસામાં હાજરી આપીને ઘરે આવ્યો ત્યારે આયાબહેને મારા હાથમાં એક કવર મૂકર્યું. અંદર ત્રણ હજાર રૂપિયા રોકડા હતા અને આ પત્ર: ‘સાહેબ, આપ કદાચ મને ભૂલી ગયા હશો, પણ હું ન તો આપને ભૂલ્યો છું, ન આપના કરજને. હાલ પૂરતા ત્રણ હજાર રૂપિયા આપી જાઉં છું. બાકીના બે હજાર ગમે ત્યારે ચૂકવી આપીશ. તૃષા મઝામાં છે. સિલ્કીને ગઇકાલે સાતમું વરસ બેઠું. મેં બીજા વિસ્તારમાં ચાની કીટલી શરૂ કરી છે. મારા મા-બાપે અમને ઘરમાંથી એ જ વખતે હાંકી કાઢેલા જે સમયે સિલ્કીનો જન્મ થયો હતો. ખૂબ હેરાન થયા પછી હવે અમે થોડા-ઘણાં સેટલ થયા છીએ. જ્યાં સુધી બે હજાર રૂપિયા ભેગા નહીં થાય, ત્યાં સુધી હું આપને મારું મોં નહીં બતાવું. લિ. આપનો જીવનભરનો દેવાદાર તપન.’

પત્ર વાંચીને હું તડપી ઊઠ્યો. મારા હાથમાં ત્રણ હજાર રૂપિયા હતા એમાંથી મને એક પ્રામાણિક માણસના પરસેવાની સુગંધ આવી રહી હતી. આ રૂપિયાની પાછળ સિલ્કીનાં નાસ્તા, ભણતર, દૂધ અને કપડાંની અછત ડોકાતી હતી. મારે કહેવું હતું કે ‘તપન, હવે બાકીની રકમ આપવા માટે ન આવીશ! હું તારું બિલ સ્વેચ્છાએ માફ કરું છું.’ પણ મારે આ વાત એના કાન સુધી કેવી રીતે પહોંચાડવી?

મિત્રો, તમને અનુરોધ કરું છું, જો કોઇ ચાની લારી ઉપર ગરીબીના અંચળા હેઠળ છુપાયેલો આ અમીર પુરુષ દેખાઇ જાય, જો એની આસપાસમાં ચિંથરામાં વીંટાયેલી એક રાજરાણી ઊભેલી હોય, જો આજુબાજુમાં એક સાત વરસની દીકરી રમતી હોય તો એને એટલું કહેજો કે હવે પેટે પાટા બાંધીને બે હજાર બચાવવાની કોશિશ ન કરે! મારી આજ સુધીની જિંદગીમાં આટલો જીદ્દી માણસ મેં આ પ્રથમ વાર જોયો છે.
(શીર્ષક પંક્તિ: હેમેન શાહ)

No comments: