એડોસો તો મરીને સ્વર્ગમાં પહોંચી ગયો પણ હું અધમૂઓ થઇ ગયો. વજનદાર મોટરસાઇકલને દોરીને ચાલતી વખતે સુરેશ પટેલ મનોમન બળાપો કાઢતો હતો. સફેદ ઝભ્ભો પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો. મોબાઇલની રિંગ વાગી એટલે એ અટકયો. મહાપ્રયત્ને બાઇકને સ્ટેન્ડ પર ચઢાવીને એણે ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢ્યો. બપોરે બાર વાગ્યે સૂર્ય બરાબર માથા ઉપર હતો. ‘બોલ હાર્દિક...’ સ્ક્રીન ઉપર નામ જોઇને એણે થાકેલા અવાજે કહ્યું, ‘હું ને અવનિ તારા ઘેર આવીને બેઠાં છીએ. ભાભીએ કહ્યું કે તું બાપુનગર બાજુ ક્યાંક લાૈકિકે ગયો છે. કેટલી વારમાં આવે છે?’
‘આરામથી બેસો. એકાદ કલાકમાં આવું છું.’
‘સામેના પાર્ટીપ્લોટમાં મેરેજમાં આવ્યાં છીએ. તું શાંતિથી આવ. અમે જમ્યા પછી નિરાંતે આવીશું.’
‘શ્યોર...’ સુરેશે થાકેલા અવાજે રામકહાણી સમજાવી. ‘અમારી ઓફિસમાં તપોધનસાહેબ છે એમના બાપા મરી ગયા. બાપુનગરથી આગળ છેક હાઇવે પાસે રહે છે. સવારે સાત વાગ્યે પહોંચી ગયેલો. એમની સાથે જ શબવાહિનીમાં બેસીને સ્મશાને ગયેલો. હમણાં પાછા આવ્યા. પછી ઘેર આવવા નીકળ્યો ત્યાં રસ્તામાં બાઇકને પંચર પડ્યું. સાવ ભંગાર રસ્તા ઉપર બાઇકને દોરીને પંચરવાળાને શોધું છું. સાવ અજાણ્યા એરિયામાં છેંતાળીસ ડિગ્રી તાપમાં ભૂખ્યો-તરસ્યો રખડું છું... તમે લોકો જમીને ચોક્કસ આવજો. ત્યાં સુધીમાં તો ઘેર પહોંચી જઇશ.’
વાત પૂરી કરીને સુરેશે મોબાઇલ ખિસ્સામાં મૂક્યો. રૂમાલ કાઢીને પરસેવો લૂછયો અને બાઇકને દોરીને આગળ વધવાનું ચાલુ રાખ્યું. ઇન્ડિયા કોલોની પહોંચ્યા પછી કોઇકે માહિતી આપી કે આગળ ચાર રસ્તા પાસે પંચર બનાવે છે.
ચાર રસ્તે પહોંચીને સુરેશે ચારે બાજુ નજર ફેરવી. સામે એક નાનકડી હોટલ હતી. એની બાજુમાં રોડ ઉપર પંચરવાળો બેઠો હતો. ગરમીથી બચવા માટે મોટી છત્રીની નીચે બેસીને એ છાપું વાંચતો હતો. સુરેશ બાઇક લઇને ત્યાં પહોંચ્યો. કોઇ કંપનીની જાહેરાતવાળી એની રંગીન છત્રી માત્ર એને એકલાને તડકાથી રક્ષણ આપી શકે એવી હતી. ‘અડધા કલાક ઉપર થશે. આરામથી ક્યાંક છાંયે બેસો...’ એની સલાહ સાંભળીને સુરેશે આજુબાજુ નજર ફેરવી. હોટલ ઉપર મોટા અક્ષરે લસ્સીના ભાવ લખ્યા હતા.
બાર રૂપિયાથી પાંત્રીસ રૂપિયા સુધીની લસ્સી મળતી હતી. કકડીને ભૂખ લાગી હતી. લસ્સીથી રાહત મળશે એ આશા સાથે એ હોટલમાં ઘૂસ્યો. છેક અંદર પંખા નીચેની ખાલી જગ્યા જોઇને એ ત્યાં ગોઠવાયો. વેઇટર પાણી લઇને આવ્યો. ‘લસ્સી લાવ...’ સુરેશે ઓર્ડર આપ્યો. ‘કઇ?’ વેઇટરે પૂછ્યું. ‘બાર રૂપિયાવાળી સાદી.’ સુરેશે તરત કહ્યું. કાજુના ત્રણ-ચાર ટુકડા નાખીને બારને બદલે વીસ રૂપિયા પડાવી લે એના માટે સુરેશ તૈયાર નહોતો.
વેઇટર પૂરી પંદર મિનિટ પછી આવ્યો. એણે ટેબલ ઉપર લસ્સીનો જે ગ્લાસ મૂક્યો એ જોઇને સુરેશ ચમકયો. ખાસ્સો મોટો ગ્લાસ અને જાડી મલાઇની તર ઉપર ઠાંસી ઠાંસીને કાજુ-દ્રાક્ષ ભરેલાં. ‘અલ્યા, લોચો માર્યો. આ પાંત્રીસવાળી લસ્સી મેં નહોતી મંગાવી.’ જવાબમાં વેઇટરે કશું બોલ્યા વગર કાઉન્ટર તરફ આંગળી ચિંધી. ગરદન પાછળ ઘુમાવીને સુરેશે કાઉન્ટર સામે જોયું. તાલવાળા જાડાપાડા માણસને જોઇને એને કંઇ ઓળખાણ ના પડી. આરામથી લસ્સી પીને આવ. જાડિયાએ ઇશારાથી સૂચના આપી. લસ્સી સરસ હતી. લસ્સી પતાવીને સુરેશ કાઉન્ટર પાસે જઇને ઊભો રહ્યો.
‘સુરિયા, હું તને ઓળખી ગયો પણ તને ટ્યૂબલાઇટ નથી થઇ.’ ગૂંચવાયેલો સુરેશ હજુ એના ચહેરા સામે તાકીને બાળપણના મિત્રોના ચહેરા યાદ કરી રહ્યો હતો. ‘માથા ઉપરના બધા વાળ જતા રહ્યા છે અને શરીર ત્રણગણું વધી ગયું છે એટલે હવે મારે જ ઓળખાણ આપવી પડશે. ચંદુ સોમાણીનો ચહેરો યાદ કર.’
‘ધત્ તેરે કી.’ સુરેશે બંને હાથે કાનની બૂટ પકડી અને અંદર જઇને ચંદુની પાસે ખુરશી પર બેઠો. ‘સત્તર વર્ષે આવી રીતે તું મળી જઇશ એવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું. લીંબડી છોડ્યા પછી તને પહેલી વાર જોયો. હોટલ સારી જમાવી છે એ જોઇને ખરેખર આનંદ થયો.’
‘સુરિયા, તું મને નથી ઓળખતો? મારા નસીબમાં હોટલની માલિકી હોય ખરી? આખી જિંદગી મિત્રોની મહેરબાનીથી આપણી ગાડી દોડી છે. વનાળાના દિલુભા રાણા તો યાદ છે ને? એમની હોટલ છે. મહિને એકવાર એ હિસાબ લેવા આવે. બાકી રોજેરોજનો કારભાર મારે સંભાળવાનો.’ ચંદુના અવાજમાં લાગણીની ભીનાશ ભળી. ‘બપોરે હોટલમાં ભીડ ના હોય ત્યારે ક્યારેક વિચારવાયુ થઇ જાય. કુદરત મારી સામે પડી છે.
એકેએક ડગલે મુશ્કેલી ઊભી થઇ છે પણ દર વખતે કોઇક દોસ્તારે હાથ પકડીને ઉગારી લીધો છે. યાદ કર. આઠમા ધોરણમાં ડાકોર-ગળતેશ્ચરની ટૂરમાં શું થયું હતું? તરતાં નહોતું આવડતું ને દોઢો થઇને ગળતેશ્ચર નદીમાં પડેલા પછી ડૂબતો ત્યારે ચીસાચીસ કરી મૂકેલી, એ વખતે બામણ બોડિeંગવાળા જગાએ કૂદકો મારીને બચાવી લીધેલો. એ તો મને ભૂલી ગયો હશે પણ ટીવી ઉપર એનો કોમેડી પ્રોગ્રામ જોઉં ત્યારે તરત યાદ કરું... જીવ બચાવેલો એ અહેસાન કેમ ભુલાય.’
બધા ભાઇબંધોમાં ચંદુ સૌથી ભોળિયો અને ગરીબડો હતો. સુરેશને જોઇને એ અત્યારે લાગણીશીલ બની ગયો હતો.‘અંકેવાળિયાના ત્રણેય દરબાર છોકરાંઓએ ઝઘડો કરીને મને મારવા લીધેલો ત્યારે તું જ મારી પડખે ઊભો રહ્યો હતોને? તેં એમને ધમકાવી કાઢેલા એ પછી એમણે મને વતાવવાનું છોડી દીધેલું. ચોમાસામાં ઘરની ભીંત બેસી ગઇ હતી ત્યારે મારી ભાઇબંધીને લીધે બિપીન દોશીએ આખા ઘરનાને એક મહિના સુધી આશરો આપેલો એ ગણ કેમ ભુલાય? મેટ્રિકની પરીક્ષામાં પહેલા ધડાકે પાસ કઇ રીતે થયેલો? ગણિત અને વિજ્ઞાનમાં મને ચોખ્ખું દેખાય એ માટે પંકજ ત્રિવેદીએ મોટા મોટા અક્ષરે પેપર લખેલા.
એ તો અત્યારે ડોક્ટર થઇને લીંબડીમાં જામી ગયો છે.’ ચંદુ આભારવશ અવાજે મિત્રોનું સ્મરણ કરી રહ્યો હતો. ‘બાપાને એક્સિડન્ટ થયો અને હોસ્પિટલમાં રાખ્યા ત્યારે મારામાં ક્યાં પહોંચ હતી? તમે બધા ભાઇબંધોએ બધું સંભાળી લીધું હતું. એ પછી મોટી બહેનના લગ્નમાંય કેવી તકલીફ થયેલી? અઠવાડિયું બાકી હતું ને બધા દાગીના ચોરાઇ ગયા હતા. બાપાની બુદ્ધિ તો બહેર મારી ગયેલી. ગાંડા જેવા થઇ ગયેલા. એ વખતે તમે સાત-આઠ દોસ્તારોએ ઘરમાં વાત કરીને જે ટેકો કરેલો એ ઉપકાર તો ક્યારેય નહીં ભુલાય. ખડેપગે ઊભા રહીને જાનને એવી સાચવેલી કે એ લોકો રાજી રાજી થઇ ગયા હતા.’ ચંદુએ ગળગળા અવાજે ઉમેર્યું. ‘બાપા મરી ગયા ત્યારે હું તો સાવ ભાંગી પડેલો. તમે બધા ભાઇબંધોએ જ બધું સંભાળી લીધેલું. ખરેખર, જ્યારે જ્યારે મુશ્કેલી આવી ત્યારે ભાઇબંધોએ જ બચાવી લીધો છે.’
ચંદુએ વેઇટરને ઇશારો કરીને બીજી લસ્સી લાવવા કહ્યું. સુરેશે ના પાડી પણ આળા હૈયાના ચંદુના આગ્રહ પાસે એ ઝૂકી ગયો. બીજી લસ્સી પીધા પછી સુરેશને લાગ્યું કે હવે ઘેર જઇને જમવાની જરૂર નહીં પડે. ઘરનું સ્મરણ થયું કે તરત એણે ચંદુ સામે જોયું. ‘તારી મિસિસ તો સુરેન્દ્રનગરની છે ને? મને કોઇકે વાત કરેલી કે ચંદુડો ફાવી ગયો. સહેજ મોડાં લગ્ન થયાં પણ હેમા માલિની જેવી રૂપાળી બૈરી મળી છે એવું કહેલું. સંતાનમાં શું છે?’
‘એ કથા બહુ લાંબી છે.’ ચંદુનો અવાજ ઢીલો થઇ ગયો. ‘એમાંય મેળ નહોતો પડતો ત્યારે આપણા કલાસમાં ગુણિયો હતોને? એને દયા આવી અને ભાઇબંધ તરીકે મદદ કરીને એના મામાની છોકરી હંસા જોડે નક્કી કરાવી આપેલું. મારું ઠેકાણું પડે એ માટે એ બાપડાએ આંગળી ચિંધી પણ મારું નસીબ ફૂટેલું એટલે લગ્ન પછી એકેય દાડો શાંતિથી જીવવા નથી મળ્યું. માથા ઉપર આ ટાલ અમસ્તી નથી પડી. કુદરતે એવાં ટપલાં માર્યાં છે કે વાત ના પૂછ.’
ચંદુએ નિરાશાથી માથું ધુણાવ્યું. ‘હંસા રૂડી-રૂપાળી કાચની પૂતળી જેવી પણ જમીનથી બે વેંત અધ્ધર ચાલે. મારી દશા સાવ સાધારણ અને એ સુખી ઘરની એટલે ઘરમાં મહારાણીની જેમ રહે. મને એમ હતું કે ઘરમાં વહુ આવશે એટલે બિચારી બાને કામમાં રાહત રહેશે પણ હંસા તો અમને મા-દીકરાને મગતરાં સમજતી હતી. મારી દશા જોઇને બાનો પણ જીવ બળે. ઘરમાં કામ ન કરે અને બેસી રહે એમાં બાને કોઇ વાંધો નહોતો પણ એની જીભ કાતર જેવી. વાતે વાતે બાને ઉતારી પાડે. શરૂઆતમાં મગજ ઉપર બરફ રાખીને સહન કર્યું પણ એમાં એને એવું લાગ્યું કે આ મા-દીકરો મારાથી દબાઇ ગયાં છે એટલે એ ડબલ જોરમાં આવી ગઇ.’
‘ખરી ઉપાધિ કહેવાય.’ સુરેશે કહ્યું.
‘આવી બૈરી જોડે કઇ રીતે જીવાય?’
‘એમાંય છેલ્લે છેલ્લે તો એ સાવ નફ્ફટ થઇ ગયેલી. સાવ છેલ્લા પાટલે બેસી ગયેલી. કપ-રકાબી ધોતી વખતે બાના હાથમાંથી થાળી છટકી અને એક્સાથે છ કપ તૂટી ગયા. એમાં બન્યું એવું કે એ મોંઘા ભાવના કપ-રકાબી એ એના બાપના ઘેરથી લાવેલી એટલે એની કમાન છટકી. બધી મર્યાદા મૂકીને એણે મારી બા ઉપર હાથ ઉપાડ્યો. બાપડી ઘરડી બા રડવા સિવાય શું કરે? બસ, એ પછી તો એ વંતરીને મજા પડી ગઇ. બા કંઇક બોલે તો સીધો હાથ ઉપાડે એવી આતંકવાદી બની ગઇ હતી.’
‘આ તો હદ કહેવાય!’ સુરેશે તરત કહ્યું.
‘મેં એને હાથ જોડીને કહ્યું કે હે જોગમાયા! હવે હદ થાય છે. છુટાછેડા લઇને તું તારા બાપને ઘેર જા અને અમને શાંતિથી જીવવા દે. પણ એ રૂપસુંદરીએ રોકડું પરખાવ્યું કે તમને મા-દીકરાને રોડ પર લાવી દઇશ. પોલીસમાં ફરિયાદ કરીને સિળયા ગણાવીશ. પગ પછાડીને કહે કે મરી જઇશ તોય છુટાછેડા નહીં આપું. મારી જિંદગી બગાડી છે એટલે અહીં રહીને તમારું લોહી પીશ...’
‘પછી?’ સુરેશે જિજ્ઞાસાથી પૂછ્યું. આ ભોળિયા ભાઇબંધની લાચારીની વાત સાંભળીને એ હચમચી ઊઠ્યો હતો.‘ગોદડ ભરવાડનો જીવણો યાદ છેને? જીવણ ભરવાડ એ વખતે પણ ભારે ભારાડી હતો. વડના વાંદરા પાડે એવો ખેપાની હતો.’‘તોય તારે એની જોડે સારું બનતું હતું.’ સુરેશે યાદ કર્યું.
‘એ અહીં બાપુનગરમાં રિક્ષા ચલાવે છે. બીજી છ-સાત રિક્ષાનો માલિક છે. શટલિયા તરીકે ભાડે આપે છે. એક દિવસ અચાનક એ ચા પીવા આવ્યો અને હું એને ઓળખી ગયો. હરામના પૈસા આવે એટલે હીરોની જેમ સ્ટાઇલમાં રહેવાની એને ટેવ. મને જોઇને તરત ઓળખી ગયો અને ભેટી પડ્યો. દોઢ કલાક બેસીને બાળપણની ધીંગામસ્તીના દિવસો યાદ કર્યા. મેં એને ઘેર આવવાનું કહ્યું એટલે બીજા દિવસે એ ઘેર આવ્યો. તરત બાને પગે પડ્યો. એ પછીના અઠવાડિયે જ વિદ્યાપીઠમાં મોરારિબાપુની કથા હતી. જીવણો એની રિક્ષામાં બાને સવારે વિદ્યાપીઠ મૂકી આવે અને સાંજે પાછાં લઇ આવે.’
સહેજ અટકીને ચંદુએ ઊંડો શ્ચાસ લીધો. ‘રૂપાળા બૈરાના મગજને સમજવામાં ખુદ ભગવાન પણ થાપ ખાઇ જાય. પહેલી નજરે જ હંસા અને જીવણની વચ્ચે તારામૈત્રક રચાઇ ગયું હતું એની મને તો બહુ મોડી ખબર પડી. હું તો સવારથી રાત સુધી અહીં હોઉં. બાને કથામાં મૂકી આવીને જીવણો સીધો મારા ઘરે જતો હતો! એ આઠ દિવસમાં એ બંને વચ્ચે એવી કેમિસ્ટ્રરી જામી ગઇ કે નવમા દિવસે તો બંને ભાગી ગયાં! આજની ઘડી ને કાલનો દીં... આજકાલ કરતાં છ વર્ષ વીતી ગયાં. જલસો થઇ ગયો. હું અને બા આરામથી જીવીએ છીએ... સુરિયા! મેં તને કહ્યું ને કે ગમે તેવી ઉપાધિ હોય ત્યારે ભાઇબંધોએ જ મને ઉગાર્યો છે!’ એ બોલતો હતો. સુરેશ એના ભોળિયા ચહેરા સામે તાકી રહ્યો હતો.
(શીર્ષક પંક્તિ : લેખક)
No comments:
Post a Comment