Tuesday, June 15, 2010

પ્રેયસી જેને કદી માની હતી છોકરી એ ખૂબ તોફાની હતી

લક્ષ્ય ચોંકી ગયો. ઘરેથી નીકળીને બાઇક ઉપર બેસીને તે કોલેજ તરફ જઇ રહ્યો હતો, ત્યાં અચાનક બાજુની ગલીમાંથી બહાર નીકળતી એક રૂપાળી યુવાન છોકરીને જોઇને એ થંભી ગયો. છોકરી એની જ કોલેજમાં ભણતી હતી. ભલે એ લક્ષ્યના કલાસમાં ન હતી, પણ સુંદર કોલેજ કન્યાઓ એમનાં ભણવાના ધોરણથી નથી ઓળખાતી, પણ સૌંદર્યના ધોરણથી ઓળખાય છે. એ છોકરી લોચન હતી. લક્ષ્યના ચોંકી જવાનું કારણ એ હતું કે લોચન અત્યારે પીંખાઇ ગયેલી લાગતી હતી. જાણે કોઇ વાસનાભૂખ્યા વરુએ એને ફાડી ન ખાધી હોય!


બાઇક એની તદ્દન નજીક ઊભું રાખીને લક્ષ્યે સહાનુભૂતિપૂર્વક પૂછી લીધું, ‘મે આઇ હેલ્પ યુ, લોચન? તમારી તબિયત કંઇક ઠીક નથી લાગતી...’


લોચન રડમસ હતી, ‘મારી તબિયત બરાબર છે. મને કશું જ નથી થયું. તમે.... પ્લીઝ... જાવ..!’


‘ઊંહું! તમારી વાત માની લઉં એટલો હું મૂર્ખ નથી. આ ચોળાયેલાં સલવાર-કમીઝ, આ અસ્ત-વ્યસ્ત વાળ, આ સૂઝેલા ગાલ અને હમણાં જ રડેલી હોય તેવી આ આંખો. શું હું જાણી શકું કે તમારી સાથે શું બન્યું છે? ક્યા ગમ હૈ જિસકો છિપા રહી હો?’ બજાર વચ્ચે લોચન રડી પડી. પછી તરત એણે જાતને સંભાળી લીધી, ‘મને લાગે કે હું તમારી ઉપર વિશ્વાસ મૂકી શકું છું. હું તમને બધું જ કહીશ, પણ અહીં નહીં.


‘તમારી વાત સાચી છે. આવો, મારી બાઇક ઉપર બેસી જાવ. આપણે કોલેજ જવાના માર્ગ ઉપર અહીંથી થોડેક દૂર આવેલા જૂના કિલ્લાની પાછળની એકાંત જગ્યામાં બેસીને વાતો કરીશું. ડોન્ટ હેઝિટેટ, પ્લીઝ, કમ ઓન!’ લક્ષ્યે બાઇકને ‘કિક’ મારીને પાછું ચાલુ કરતાં આગ્રહ કર્યો. લોચનને પણ લક્ષ્યની દરખાસ્ત વાજબી લાગી. એ બેસી ગઇ. પાંચ-સાત મિનિટ પછી લક્ષ્ય હતો, લોચન હતી અને કિલ્લા પાછળનું એકાંત હતું.


‘મને જણાવો કે તમારી આવી દશા કોણે કરી?’ લક્ષ્યે સાચી લાગણી અને સહાનુભૂતિ સાથે પૂછ્યું.


‘કહીશ! બધું જ કહીશ અને જે સાચું છે તે જ કહીશ. પણ પહેલાં તમે એ કહો કે એ બધું જાણીને તમે શું કરશો?’


લક્ષ્ય ટટ્ટાર થઇ ગયો. એની આંખ ફરી ગઇ, ‘શું કરીશ? તમારાં દુ:ખ માટેનું જે કોઇ કારણ હશે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. હું ભલે દાદાગીરી કે મારામારીનો માણસ નથી, પણ ગમે તેવો શાંત તોયે એક પુરુષ તો છું ને? હું પ્રતિજ્ઞા લઉં છું કે ગમે તેવી આફતમાંથી પણ હું તમને બહાર કાઢીશ...કોણ છે એ બદમાશ જેણે તમારી આ દશા કરી છે? મને એ પુરુષનું નામ આપો!’


‘એ પુરુષ નથી, સ્ત્રી છે.’


‘હેં? સ્ત્રી?’ લક્ષ્યનું નીચલું જડબું લટકી પડ્યું.


‘હા, અને એ સ્ત્રી મારી મા છે. મારી ઓરમાન મા. મારી સગી મા તો ટી.બી.માં મરી ગઇ. મારા પપ્પાએ બીજું લગ્ન કર્યું. સાવકી મા મને બહુ ત્રાસ આપે છે. મજૂર જેટલું કામ કરાવે છે, દુશ્મનને દઇ શકાય તેટલી ગાળો આપે છે અને ભિખારીને આપી શકાય તેવું ખાવાનું આપે છે અને ઉપરથી છાશવારે આવો ઢોરમાર મારે છે.’


‘તમારા પપ્પા એને કંઇ નથી કહેતા?’


‘ના, મારી નવી મા યુવાન અને ખૂબસૂરત છે. મારા પપ્પાને એણે પોતાનાં કામણમાં કેદ કરી લીધા છે. હું એક જ વાતની રાહ જોઇ રહી છું, ક્યારે મારાં લગ્ન થાય અને ક્યારે હું આ નર્કમાંથી છુટકારો પામું?’ લોચનની રૂપાળી આંખોમાંથી વરસાદી ફોરાં જેવાં આંસુઓ પડી રહ્યાં.


‘કોઇ છોકરો પસંદ કર્યો છે તમે?’ લક્ષ્ય બોલી તો ગયો, પણ એનું કાળજું જવાબ સાંભળતા પહેલાં કંપી રહ્યું હતું.‘ના, મારા જેવી મા વિનાની છોકરીનો હાથ ઝાલવા કોણ નવરું હોય?’


લોચને પૂછ્યું એ સાથે જ લક્ષ્યે શબ્દોથી જવાબ આપવાને બદલે સીધો એનો હાથ પકડી લીધો.


‘તમે?’, ‘હા, લોચન! આ હાથ પકડયો છે એને હસ્તમેળાપ ગણી લેજે. આ આકાશનો ચંદરવો એ આપણો લગ્નમંડપ છે અને ત્યાં પેલું તાપણું ઝબૂકે છે એને અગ્નિ માની લેજે. અગ્નિની સાક્ષીએ હું તારો સ્વીકાર કરુ છું. આજથી બરાબર એક મહિના પછી આપણે મેરેજ કરી લઇશું.’ લક્ષ્યના એક એક વાક્યમાં વિશ્વાસનો રણકો હતો અને અવાજમાં મર્દાનગી હતી.


લોચનના હોઠો ઉપર મૂંઝવણ હતી, ‘કેમ એક મહિના પછી?’


‘કારણ કે ત્યાં સુધીમાં આપણી યુનિવર્સિટી એકઝામ પૂરી થઇ ગઇ હશે. અત્યારે તને ઉપાડી જઉં તો રાખંુ ક્યાં? મારાં મમ્મી-પપ્પા કંઇ એમ થોડાં તારા માટે હા પાડી દેવાનાં છે? અને તારી રાક્ષસી મા મફતમાં મળેલી નોકરાણીને આસાનીપૂર્વક થોડી છટકી જવા દેશે?’


‘તારી વાત તો મને યોગ્ય લાગે છે પણ તું સાચું બોલે છે ને? એક મહિના પછી તું મને આ ત્રાસમાંથી છોડાવીશ તો ખરો ને?’‘હા, આ ત્રાસમાંથી તો છોડાવીશ જ, પણ લગ્ન પછી રોજ રાત્રે આવો જ ત્રાસ તારે વેઠવાનો રહેશે. આ વિખરાયેલા કેશ, આ સૂઝેલા ગાલ, આ પીંખાયેલું ગુલબદન...’


લોચન શરમાઇ ગઇ, ‘ચાલો, હવે ઊભા થાવ! એક લેકચર તો પડ્યું, હવે બીજું શરૂ થાય તે પહેલાં આપણે કોલેજમાં પહોંચી જઇએ.’


લક્ષ્ય જવા માટે ઊભો તો થયો, પણ એક મિનિટ માટે અટકી ગયો. લોચનની નિર્દોષ દેખાતી આંખોમાં ડૂબી ગયો, ‘લોચન, તેં એક બાબત નોંધી? આપણે અહીં આવ્યાં અને બેઠાં ત્યાં સુધી એકબીજાને ‘તમે’ કહીને સંબોધતાં હતાં, પછી વચ્ચેની થોડીક ક્ષણો માટે ‘તું’ કહી બેઠાં. હવે પાછાં ‘તમે’ ઉપર આવી ગયાં છીએ. સાચું કહું? આપણે ખરેખર તો પેલી ‘તું’ વાળી થોડી ક્ષણો પૂરતાં જ પ્રામાણિક હતાં. અત્યારે ફરી પાછા આપણે ડાહ્યા અને દંભી બની ગયાં છીએ.’


‘હા, તમારી વાત સાચી છે.’


‘તમારી નહીં, પણ ‘તારી’ એમ કહે!’ અને બન્ને જણાં હસી પડ્યાં. પછી બાઇક પર બેસી ગયાં અને કોલેજની દિશામાં ઊડવા લાગ્યાં.


બરાબર એક મહિના પછી લક્ષ્ય લોચનને ભગાડી ગયો. બન્ને જણાં સૌરાષ્ટ્રના નાનકડા શહેરમાંથી ભાગીને અમદાવાદમાં આવી ગયાં. કાનૂની વિધિ અનુસાર રજિસ્ટર્ડ મેરેજ કરી લીધાં. લક્ષ્યને સંતોષ હતો કે એણે રાક્ષસી કિલ્લાના એકદંડિયા મહેલમાં પુરાયેલી એક ખૂબસૂરત રાજકુંવરીને મુક્ત કરાવવામાં સફળતા મેળવી હતી અને લોચન પણ ખુશ હતી કારણ કે એને લક્ષ્ય જેવો ઉત્કટ પ્રેમ કરનાર પતિ મળ્યો હતો.


પરીક્ષાનું પરિણામ આવવાને હજુ વાર હતી. પણ અમદાવાદમાં નોકરી મેળવવી એ પ્રમાણપત્રો ઉપર નિર્ભર નથી, પરંતુ પ્રતિભા ઉપર આધારિત છે. લક્ષ્યને એક ખાનગી કંપનીમાં નોકરી મળી ગઇ. બન્ને જણાંએ ભાડાના ફ્લેટમાં સહજીવન શરૂ કર્યું. બીજા જ મહિને લોચનને ‘મોર્નિંગ સિકનેસ’ શરૂ થઇ ગઇ. લક્ષ્યને સમજાઇ ગયું કે સ્ત્રી-પુરુષના સંબંધમાં જો સહજીવન એ શરૂઆત છે, તો ‘નવજીવન’ એ એનું પરિણામ હોય છે.


ગાયનેકોલોજિસ્ટે પણ આ વાતની પુષ્ટિ કરી આપી, ‘કોંગ્રેચ્યુલેશન્સ, મિ. લક્ષ્ય! તમારાં પત્ની પ્રેગ્નન્ટ છે.’ લક્ષ્યે સ્વાભાવિકપણે પૂછી નાખ્યું, ‘મહિનાની ઉપર કેટલા દિવસ થયા છે?’


‘દિવસ? અરે, તમારા પત્નીને ત્રણ મહિના પૂરા થવા આવ્યા. હવે ચોથો બેસશે. આ વોમિટ્સ તો એમને બે-અઢી માસથી ચાલુ હશે.’ ડોક્ટરે આટલું કહીને પ્રિસ્ક્રિપ્શન લખવામાં ધ્યાન પરોવી દીધું. લક્ષ્યના માથે જાણે વીજળી ત્રાટકી! લગ્નજીવનના એક જ મહિનામાં એની પત્ની ત્રણ મહિનાનો ગર્ભ કેવી રીતે ધારણ કરી બેઠી? એણે ઘરે આવીને લોચનની ઊલટતપાસ શરૂ કરી દીધી. લોચને જ્યાં ફોન કરવા જેવો હતો ત્યાં ફોન કરી દીધો.


બીજા કલાક પછી સૌરાષ્ટ્રના એ નાનકડા શહેરમાંથી લક્ષ્યની ઉપર કો’કના ફોન કોલ્સ આવવાના ચાલુ થઇ ગયા, ‘અબે ઓયે, વો અપૂન કી જોરૂ હૈ, સમજા? હમારી શાદી નહીં હુઇ તો ક્યા હુવા? તુમ તો સિર્ફ દિખાવે કા પતિ હો. હમારા લફડા કઇ મહિનોં સે ચલ રહા થા. લોચનને સૌતેલી માંકી કહાની જો તુમકો બતાઇ વો સબ ઝૂઠ થા. અસલ મેં વો પ્રેગ્નન્ટ હો ગઇ થી, ઔર કિસી બકરે કો ફાંસના મંગતી થી. અબ એક-દો બાતેં ધ્યાનસે સૂન લે! તુમ્હારી બીવી કે પેટ મેં જો બચ્ચા હૈ વો અપૂન કા હૈ. ઉસે ગિરા મત દેના, વર્ના મૈં તુજે ટપકા દૂંગા. દૂસરી બાત, તૂ બીવી કો છોડ દેને કે બારે મેં સપને મેં ભી સોચના મત! મૈં તુજે દુનિયા છુડવા દૂંગા! અપૂનકો પહેચાનતા હૈ ના?’


લક્ષ્ય થથરી ગયો. એ ‘અપૂન’વાળો એ જમાનાનો જાણીતો માથાભારે ગુંડો હતો. આ ઘટના આશરે વીસેક વરસ પહેલાંની છે. એ સમયે ડી.એન.એ. ટેસ્ટ હજુ આપણા દેશમાં ચલણમાં ન હતો. રહી વાત પોલીસ-રક્ષણની, તો જે દેશમાં વડાપ્રધાનોની પણ બબ્બે વાર હત્યાઓ થઇ જતી હોય ત્યાં લક્ષ્ય જેવા સામાન્ય નાગરિકને કોણ બચાવે? લોચને પૂરા મહિને પુત્રને જન્મ આપ્યો. લક્ષ્ય આજે પણ એ ક્ષણને શાપ આપી રહ્યો છે, જ્યારે લોચનનાં આંસુ જોઇને એ પીગળી ગયો હતો. (શીર્ષક પંક્તિ : હેમેન શાહ)

No comments: