મુરાદે જે કરવું હતું એ કરી નાખ્યું, પછી બગિયને પણ કરવા જેવું કરી લીધું. શહેરના પ્રખ્યાત તળાવમાં બીજા દિવસે એની લાશ તરતી હતી. મુરાદના પૈસાના પેપરવેઇટ હેઠળ પોલીસકેસના કાગળો દબાઇ ગયા. બૌછાર અને એનાં પપ્પા અમદાવાદ આવીને બગિયનનો સામાન લઇ ગયા. બૌછાર ઘણી વાર મોટી બહેનની નોટબુક અને ડાયરીના પૃષ્ઠો ઉથલાવી નાખતી હતી. પાને-પાને એની બરબાદીનું નામ વંચાતું હતું : એમ.કે.શ્રોફ... એમ.કે... શ્રોફ... એમ.કે.શ્રોફ!
લે લખ્યો આખોય આ અવતાર તારા નામ પર,
દેશ તારો ને લખી સરકાર તારા નામ પર
બાવીસ વર્ષની બ્યુટીફુલ બૌછાર બેલાણીએ જેવો પ્રતીક્ષાકક્ષમાં પગ મૂક્યો એવી જ એ છવાઇ ગઇ. ઊચી સપ્રમાણ મોહક કાયાને મરુન કલરના ફ્રોકમાં ઢાંકતી, માથા પરનાં ખુલ્લા રેશમી વાળને ઝટકાવતી, છટાદાર ચાલે ચાલતી એ સીધી રિસેપ્શન-કાઉન્ટર પાસે જઇ પહોંચી, ‘ગુડ મોર્નિંગ! આઇ એમ મિસ બૌછાર. હું ઇન્ટરવ્યૂ આપવા માટે આવી છું. હીયર ઇઝ માય કોલ-લેટર.’
રિસેપ્શન ગર્લ જુલી પોતે સુંદર હોવા છતાં બૌછારનાં અનુપમ વ્યક્તિત્વથી આભી બની ગઇ. અવશપણે પૂછી બેઠી, ‘કમીંગ ફ્રોમ હેવન?’
‘ઓહ યા!’ બૌછારે ગરદનને નમણો ઝટકો મારીને જવાબ આપ્યો. ખંડમાં બીજા યુવાનો અને યુવતીઓ પણ ઇન્ટરવ્યૂ માટે આવેલા હતા. એ લોકો તો આ અપ્સરાનો આત્મવિશ્વાસ જોઇને ડઘાઇ જ ગયા. કોઇ રૂપસુંદરી સરેઆમ જાહેર કરી શકે ખરી કે પોતે ધરતી પરથી નહીં પણ સ્વર્ગલોકમાંથી આવી રહી છે?!
પણ બૌછારનું વાક્ય અધૂરું હતું, જે એણે પાગલ કરી મૂકે તેવી અદામાં પૂરું કર્યું, ‘યસ, આઇ એમ ફ્રોમ હેવન. મારા ઘરનું સરનામું છે : હેવન સોસાયટી, ટેનામેન્ટ નંબર દસ, પેરેડાઇઝ પાર્કની બાજુમાં. બાય ધ વે, વ્હોટ ડુ આઇ ડુ નાઉ?’
જુલી વશીકરણમાંથી માંડ-માંડ બહાર નીકળી, ‘પ્લીઝ, તમારે થોડી વાર માટે પ્રતીક્ષા કરવી પડશે. ઇન્ટરવ્યૂ હવે શરૂ થવામાં જ છે. તમારી પહેલાં પાંચ વત્તા ચાર એમ કુલ નવ ઉમેદવારો છે. પણ અમારા બોસ ઇન્ટરવ્યૂ લેવામાં બહુ ઝડપી છે. હી ઇઝ યંગ, હી ઇઝ હેન્ડસમ એન્ડ હી ઇઝ સ્માર્ટ, યુ નો? તમે ત્યાં સોફામાં બેસો. બોસ હવે આવતા જ હશે.’
બૌછારે વિશાળ ખંડમાં ત્રણેય દીવાલોને અડીને ગોઠવાયેલા સોફાઓમાંથી એક ખાલી સ્થાન બેસવા માટે પસંદ કર્યું. એનાં આગમન સાથે જ બાકીની પાંચ યુવતીઓ ઝાંખી પડી ગઇ. દરેકના મનમાં આ જ વાત ઊગી, ‘ચાલો ત્યારે! આ નોકરી તો આપણા હાથમાંથી ગઇ એમ જ સમજવું.’
પણ સામેના સોફામાં બેઠેલા ચારેય યુવાનો આ સૌંદર્યના બગીચાને જોઇને ખીલી ઊઠ્યા. એક યુવાને તો પડખેવાળાને કોણી મારીને પૂછી પણ લીધું, ‘શું કરવું છે? હવે ઇન્ટરવ્યૂ આપવાનો કોઇ અર્થ રહેતો નથી. જે બોસ અંધ હોય કે મંદબુદ્ધિવાળો હોય એ જ આને નોકરીમાં ન રાખે. આપણે બેસવું છે કે પછી ચાલ્યા જવું છે?’
બાકીના ત્રણેય ‘સંસ્કારી’ અને ‘સંયમી’ યુવાનોનો મત એક સરખો જ પડ્યો, ‘નોકરી ગઇ ચૂલામાં. ઇન્ટરવ્યૂ પતે નહીં ત્યાં સુધી મેદાન છોડવા જેવું નથી. આવું નયનસુખ અત્યાર સુધીની જિંદગીમાં ક્યારેય માણવા મળ્યું નથી. નોકરી ખોવાના દુ:ખ કરતાં આ નોકરી જોવાનું સુખ હજારગણું અધિક છે. માટે હવે તો અઠ્ઠે દ્વારકા. મેદાન છોડે એ મરદ નહીં.’
ઘડિયાળનો કાંટો માંડ પાંચ મિનિટ જેટલું ચાલ્યો હશે ત્યાં એક સૂટેડ-બૂટેડ સોહામણા યુવાને ઓરડામાં પ્રવેશ કર્યો. એને જોતાં જ જુલી ઊભી થઇ ગઇ, ‘ગુડ મોર્નિંગ સર!’
‘વેરી ફાઇન મોર્નિંગ, જુલી!’
આટલું બોલીને એ યુવાને સામેની બાજુએ આવેલું બારણું ખોલ્યું અને એની ઓફિસમાં ચાલ્યો ગયો. ઇન્ટરવ્યૂ માટે આવેલા તમામ ઉમેદવારો સમજી ગયા કે એ જ હેન્ડસમ યુવાન આ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હોવો જોઇએ. એ સિવાય આવી નવયુવાન વયે એના ચાલવામાં આટલી ચપળતા ન હોઇ શકે, ચહેરા ઉપર આટલો આત્મવિશ્વાસ ન હોઇ શકે અને બોલવામાં આવી ઓથોરિટી ન હોઇ શકે.
તો પણ એક બુદ્ધુએ બાફી માર્યું, ‘આ ભાઇ પણ ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા છે? એ છેલ્લે આવ્યા તો પછી સૌથી પહેલા કેમ અંદર ઘૂસી ગયા?’
જુલી હસવું ખાળી ન શકી, ‘એ અમારા બોસ છે. એમનું નામ ભાઇ નથી પણ મિ.એમ.કે.શ્રોફ છે. એ ઇન્ટરવ્યૂ આપવા નહીં પણ લેવા માટે પધાર્યા છે.’
એમ.કે.શ્રોફ?! બોસનું નામ કાને પડતાં જ સોફામાં બેઠેલી બૌછાર ચમકી ગઇ. આ નામ તો એણે બહુ સાંભળેલું છે. એટલી બધી વાર અને એટલા બધા સંદર્ભમાં સાંભળ્યું છે કે ‘ક્યાં સાંભળ્યું છે?’ એવો સવાલ પૂછવાની પણ જરૂર ન પડે.
બૌછારનાં દિમાગમાં ખળભળાટ વ્યાપી ગયો, ‘એમ.કે.શ્રોફ. આ શહેરનો સૌથી મોટો ચારિત્ર્યહીન પુરુષ. લંપટતાનો મૂર્તિમંત દાખલો. મારી સગી મોટી બહેન બગિયનની જિંદગી તબાહ કરી દેનારો બદમાશ.’ બૌછારની આંખો સામે બહેનની બરબાદી ફિલ્મની પટ્ટીની જેમ ફરવા માંડી.
.....
‘હાય! તમારું નામ બગિયન છે?’
‘હા, પણ તમે..?’
‘મારી વાત પછી. પહેલાં તમને કોમ્પ્લીમેન્ટ્સ આપી લેવા દો! બગિયન! વાહ, શું નામ છે? હું ક્યારનો અહીં ઊભો-ઊભો વિચાર કરતો હતો કે આ સુગંધ કઇ દિશામાંથી આવી રહી છે? બગીચો કેમ દેખાતો નથી? પણ હવે ખબર પડી.’
‘શું?’
‘કે બગીચો ક્યારેક એક ફૂલનો બનેલો પણ હોઇ શકે છે. અને ખુશ્બૂ માત્ર ફૂલોમાં જ નથી હોતી, સાધંત સુંદર સ્ત્રીનાં શરીરમાં પણ સુગંધનો દરિયો લહેરાતો હોય છે.’
કોલેજનું પ્રથમ અઠવાડિયું અને ઉપરનો સંવાદ. બગિયન એનાં મામાના ઘરે અમદાવાદમાં કોલેજ કરવા આવી હતી. ત્યાં એને બગીચાનો આશક મળી ગયો. પછી ખબર પડી કે એ પણ એનાં જ શહેરમાંથી અહીં આવેલ હતો. મુરાદ શ્રોફ એનું નામ.
મુરાદ દેખાવમાં સોહામણો હતો અને અંદરથી કદરૂપો. દિલથી તરબતર હતો અને દિમાગથી ગટર જેવો ગંદો. એને ત્રણ ચીજોનો ઉપયોગ કરીને ફેંકી દેવાની આદત હતી : કપડાં, જૂતા અને સ્ત્રી.
બગિયન ભોળી હતી. એને આ ભમરાનો ભોગ બનતાં વાર ન લાગી. હજુ તો કોલેજનું પ્રથમ જ વર્ષ હતું. સત્તર વર્ષની કાચી કુંવારી કબુતરી ઘોઘર બિલાડાના હાથે પીંખાઇ ગઇ. પરીક્ષા આડે એક મહિનાની વાર હતી ત્યારે એને ગર્ભ રહી ગયો.
‘મુરાદ, હવે શું થશે? મારા પપ્પા મને મારી નાખશે. ચાલ, આપણે પરણી જઇએ.’ બગિયને એકાંતમાં રડતાં-રડતાં કહ્યું.
મુરાદે હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘ડરે છે શા માટે? તારા પપ્પા તને મારી નાખે એની પહેલાં આપણે આ ગર્ભને...’
મુરાદે ગર્ભને મરાવી નાખ્યો. ડોકટરને ત્યાં જઇને એબોર્શન કરાવી લીધું. બીજા વર્ષે બગિયન ફરી વાર ગર્ભવતી બની. ફરીથી ગર્ભપાત. ત્રીજી વાર જ્યારે આવું બન્યું ત્યારે બંને જણાં ત્રીજા અને છેલ્લા વર્ષમાં ભણતા હતા.
આ વખતે બગિયને જીદ પકડી, ‘મુરાદ, હવે તો આપણી કોલેજ પૂરી થવામાં છે. મને બીજો જ મહિનો ચાલે છે. પરીક્ષા પછી આપણે લગ્ન કરી લઇએ તો આ બાળક જીવી જાય. વારંવારની ભૃણહત્યાઓ હું સહી નથી શકતી.’
‘તો ચાલુ રાખ! મારે શું?’ મુરાદ ખભા ઉલાળીને હસી પડ્યો.
બગિયન એનું આ સ્વરૂપ પહેલી વાર જોઇ રહી હતી. એનાં હૃદયની ચોટ સવાલ બનીને એની જીભ ઉપર આવી ગઇ, ‘કેમ? તારે શું એટલે તું કહેવા શું માગે છે?’
‘એ જ કે હું કંઇ તારાં જેવી મૂર્ખ છોકરીને મારી પત્ની બનાવું?’
‘તો આ બધું શું હતું? છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી તું મને..?’
‘એ નાટક હતું. તારાં રૂપને ભોગવવાનું ત્રિઅંકી નાટક. પ્રેમ એ મારો કીમિયો હતો, લગ્નનું વચન એ મારું શસ્ત્ર હતું અને બેવફાઇ એ મારા નાટકનો અંત છે. એક વાત યાદ રાખજે, પગલી! પુરુષને જે ચીજની અપેક્ષા લગ્ન પછી હોય છે એ ચીજ જો લગ્ન પહેલાં મળી જાય તો પછી એ લગ્ન શા માટે કરે?! હા..! હા..! હા..!’ અને પાંખોની જેમ પગ ફેલાવીને સીટી બજાવતો ભ્રમર અલોપ થઇ ગયો.
મુરાદે જે કરવું હતું એ કરી નાખ્યું, પછી બગિયને પણ કરવા જેવું કરી લીધું. શહેરના પ્રખ્યાત તળાવમાં બીજા દિવસે એની લાશ તરતી હતી. મુરાદના પૈસાના પેપરવેઇટ હેઠળ પોલીસકેસના કાગળો દબાઇ ગયા. બૌછાર અને એનાં પપ્પા અમદાવાદ આવીને બગિયનનો સામાન લઇ ગયા.
બૌછાર ઘણી વાર મોટી બહેનની નોટબુક અને ડાયરીના પૃષ્ઠો ઉથલાવી નાખતી હતી. પાને-પાને એની બરબાદીનું નામ વંચાતું હતું : એમ.કે.શ્રોફ... એમ.કે... શ્રોફ... એમ.કે.શ્રોફ!
.....
બગિયનની બરબાદીનું ચલચિત્ર યાદ આવતાં જ બૌછાર ઉદાસ બની ગઇ. એનાં દિલમાં આક્રોશની આગ ભભૂકી ઊઠી : ‘હે ભગવાન! તારી અદાલતમાં આવો જ ન્યાય મળે છે? એક નિર્દોષ સ્ત્રીને ચિતાની આગ મળે છે અને આ બદમાશને સિંહાસન? નથી જોઇતી આ નોકરી મારે!’
‘મીસ બૌછાર બેલાણી..! સર તમને બોલાવે છે.’ જુલીનું વાક્ય સાંભળીને બૌછાર અટકી ગઇ. બીજા ઉમેદવારો પણ બગાવત ઉપર ઊતરી આવ્યા : ‘અમે આની પહેલાં આવીને બેઠા છીએ. વ્હાય ઇઝ શી ઇન્વાઇટેડ ફર્સ્ટ?’
જુલી હસી પડી, ‘આઇ એમ સોરી. પણ આ બોસનો હુકમ છે. એમણે મીસ બૌછાર બેલાણીને સિલેક્ટ કરી લીધા છે. તમે બધાં ઘરે જઇ શકો છો.’
ટોળામાં જેટલો ઘૂંઘવાટ ઊઠ્યો એના કરતાં વધારે ગુસ્સો બૌછારનાં મનમાં જાગ્યો. એ લાલઘૂમ ચહેરો લઇને ઓફિસ તરફ ધસી ગઇ. બારણું હડસેલીને સીધી જ બોસની સામે ઊભી રહી ગઇ, ‘તમે સમજો છો શું તમારા મનમાં? બહાર વેઇટિંગ રૂમમાંથી પસાર થયા ને મારી ઉપર અછડતી નજર પડી ગઇ એટલામાં ઇન્ટરવ્યૂ લેવાઇ ગયો?
મારી આવડત, મારા સર્ટિફિકેટ્સ..?’ એમ.કે.શ્રોફ એમના સોહામણા ચહેરા પરથી મૌનભર્યું સ્મિત ફરકાવી રહ્યા. બૌછારનો બોંબ મારો ચાલુ જ હતો : ‘મારી બહેન બગિયનની જિંદગી તો બરબાદ કરી નાખી, હજુ મન નથી ભરાયું કે હવે મને લપેટવા માટે..?’
‘શટ અપ! વિલ યુ?’ યુવાન બોસે એને વધુ બોલતાં અટકાવી, ‘મારે ત્રણ જ વાત કરવી છે. એક, તમારી દીદી સાથે થયેલા અન્યાય વિશે હું બધું જાણું છું. બીજું, એ લંપટ માણસ હું નહીં, મારો મોટો ભાઇ મુરાદ હતો. એનું બીજા જ વર્ષે મર્ડર થઇ ગયું.
હું શ્રોફ કંપનીનો એક માત્ર વારસદાર મકસદ શ્રોફ છું. અને ત્રીજી વાત. ઓફિસમાં આવતી વખતે તમારી દિશામાં મેં જોયું પણ નથી. આ તો ઉમેદવારોની યાદીમાં ‘બૌછાર બેલાણી’નું નામ વાંચ્યું એટલે મને રસ પડ્યો. તમારો બાયોડેટા વાંચીને ખાતરી થઇ કે તમે બગિયનની નાની બહેન છો. તમારી દીદીને તો હું ઇન્સાફ અપાવી નથી શક્યો, પણ મને થયું કે તમને ‘જોબ’ આપીને કમ-સે-કમ થોડુંક સાટુ તો વાળી આપું.
બાકી તમારાં સમ, મને તો ખબર પણ ન હતી કે તમે ખૂબસૂરત છો કે કદરૂપા! તમને જોયા વગર જ મેં નોકરીમાં રાખી લેવાનો નિર્ણય લઇ લીધો હતો.’
બૌછારથી પૂછાઇ ગયું, ‘અને હવે મને જોયા પછી એ નિર્ણય બદલાઇ તો નથી ગયો ને?’
‘ના, બદલાઇ નથી ગયો, પણ બેવડાઇ ગયો છે.’ મકસદ લાગણીથી છલકાતાં સ્વરે વાક્ય પૂરું કર્યું, ‘બૌછાર મારી ઓફિસમાં પણ અને મારા ઘરમાં પણ! એકના માટે એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવું છું, બીજા માટે કંકોતરી!’
(શીર્ષક પંક્તિ : આકાશ ઠક્કર)
No comments:
Post a Comment