અહીં, બહેન અહીં…. અહીં….આંગળી રાખી છે ત્યાં જ…..’ એકાઉન્ટન્ટે એકના કાઉન્ટરફોલિયા ઉપરથી આંગળી હટાવી લેતા કહ્યું : ‘એક ત્યાં, અને એક આ રિસિપ્ટમાં….’
‘સાધના વિનોદકુમાર દેસાઈ’ની સહી થઈ ગઈ અને તેંતાલીશ હજાર બસ્સો ને પાંસઠ રૂપિયાનો ચેક એકાઉન્ટન્ટે સાધનાને આપતા કહ્યું : ‘અમારા જોગું ગમે તે કામ હોય તો ગમે ત્યારે બેધડક કહેજો બહેન !’ એકાઉન્ટન્ટ ચૌધરીની આંખોમાં ભીનાશ છવાઈ વળી. અને સ્વરમાં ભાવુકતા : ‘દેસાઈભાઈ સાથે તો… સત્તર સત્તર વરસનો સંબંધ ! હું અહીં હાજર થયેલો ત્યારે મેં પહેલવહેલી કોઈની ચા પીધી હોય તો…. સાચું કહું ?… બસ, દેસાઈભાઈની ! એમણે જ મને…. મારો હાથ પકડીને આ જુઓ સામે દેખાય છે ને એ વડલાવાળી અબ્બાસની હોટલે ચા પીવા લઈ ગયેલા. એ પછી આ ગામમાં મારા માટે દોડાદોડી કરીને મને ઘર ભાડે અપાવવામાં પણ દેસાઈભાઈ જ. બીલ ક્યારે વાઉચર બને એ પણ મને એમને જ શીખડાવ્યું. આ અજાણ્યા ગામમાં મને તો કોણ ઓળખે ? પણ મારી પીન્કીને ફાલસીપારમ થઈ ગયેલો ને સિરિયસ હતી તો, આખી રાત ખડેપગે ઊભા રહ્યા હોય તો એ ખૂદ દેસાઈ ભાઈ જ. એટલું જ નહીં, મારી ના વચ્ચે સવારે ઘરે જવા નીકળ્યા ત્યારે મારા ખિસ્સામાં પાંચ હજારનું બંડલ નાખતા ગયા અને દર અડધી અડધી કલાકે દવાખાનાના ફોન ઉપર ફોન કરીને પીન્કીની તબિયતના સમાચાર પૂછતા રહ્યા. બાકી હું ને મારી પત્ની તો ડઘાઈ ગયેલા કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ક્યારે પહોંચાશે ? તો પણ દેસાઈભાઈએ દવાખાના નીચે એમ્બેસેડર તૈયાર જ રાખેલી. પણ એમની દુઆ ફળી’ને બીજે દિવસે સાંજ સુધીમાં તો મારી પીન્કી હસતી રમતી થઈ ગઈ હતી ! અને હા બહેન…. આ ચોમાસુ આવે ત્યારે દેસાઈભાઈ અવશ્ય યાદ આવે, એ હોય તો તરત ગોટા મંગાવે….. ગરમાગરમ ગોટા ચટણીની જ્યાફતો ઊડે. હવે તો વરસાદ આવશે ત્યારે આવશે ફક્ત તેમની યાદ…. આમ દગો દઈ જશે એ અમનેય ખબર નહોતી હોં કે બહેન…..’
સાધનાની આંખો પણ ભરાઈ આવી. કેમ ? મન, મગજને પૂછી રહ્યું : વીતી ગયેલાં સુખની યાદથી કે પછી આવનારા ભવિષ્યના ડરથી ? કે પછી, અહીં, આ બધાં જ…..હા, આ બધાં જ એમની સાથે પંદર પંદર સત્તર સત્તર વર્ષથી નોકરી કરતા આવેલા સહકર્મચારીઓના ચહેરા જોવાથી ? તેમના હૃદયની વાતોની અભિવ્યક્તિથી ! કે તેમની લાગણીથી ? દેસાઈ સાથેનાં આત્મિયતાભર્યા સંબંધોથી ભરી ભરી વાતો સાંભળવાથી ?
સાધનાથી અવશ્યપણે સામેની લાઈનની ત્રીજી ખુરશી તરફ જોવાઈ ગયું. અવશ્યપણે જ ? ના, એ ત્યાં બેસતા. એ બેસતા ત્યારે આખા રૂમમાં રોનક છવાઈ જતી. એમની હાજરી માત્ર ઑફિસમાં જીવંતતા લાવી દેતી હતી. પોતે એની રૂબરૂ સાક્ષી હતી. ઘરે બેસવા આવનાર એમના સાથી કર્મચારી કહેતા : ‘દેસાઈભાઈ તો હીરો છે હીરો. માહિતી, પ્રોગ્રેસ રીપોર્ટ, થ્રી મંથલી બજેટ, પ્રોજેકટની સ્પીલઓવર જવાબદારી, કોઈ પ્રોબ્લેમ કે ગૂંચવાડો… દેસાઈભાઈ એકલે હાથે આ બધા પ્રશ્નોનું ફિંડલું વાળી દે એવો મરદ ! કન્સલ્ટ કલાર્ક ક્યાંક મુંઝાતો હોય, આંકડાનો છેડો ન મળતો હોય, માહિતીના મોહપાશમાં બંધાયો હોય તો દેસાઈ એનું બાવડું પકડીને ઊભો કરે : ‘ચલ દોસ્ત, લેટ લીવ ઈટ કરી નાખું. એને તું છોડી દે. મને બધું સોંપી દે. હમણાં જ બધું અચ્યુતમ કેશવમ…. કરી નાખું. હું પારકો છું ? અરે, જરાક મને કહેતો હોય તો ? મનમાં ને મનમાં શું કામ મુંઝાઈને મરો છો ? આ દેસાઈ બેઠો છે હજી…..’
પણ હવે દેસાઈ બેઠા નથી ! ત્યાં કોઈ નવો માણસ હાજર થયો છે. એ ન હોત તો દેસાઈ ત્યાં બેઠો હોત. સાધનાએ દષ્ટિને વાળી લીધી. એમની જગ્યા ઉપર કોઈ અન્ય વ્યક્તિ બેઠી છે એ સાધનાથી જોઈ ન શકાયું. ભીતરમાં ધમસાણ ઉઠ્યું. જો કે એને તો ક્યાં ખુરશી, ટેબલ કે હોદ્દાની મમતા હતી જ ? વાતવાતમાં એ કહેતા : ‘ખુરશીનો મોહ કદી ન રાખવો. ખુરશી કોઈની થઈ નથી ને થાવાની પણ નથી…’ એમનો જૂનિયર કારકૂન કે કર્મચારી ક્યારેક એમની ખુરશી પર બેઠો હોય ને દેસાઈ બહારથી આવે, ત્યારે પેલો માન જાળવવા ઊભો થઈ જાય તો વિનોદ દેસાઈ એનો કૉલર પકડીને પાછો બેસાડી દે : ‘ચલ બે છોરા બૈઠ જા કુર્સી પર… અરે બૈઠ ના…’
‘અરે પણ તમે… ઊભા રહોને હું બેસું ? બેડમેનર્સ…’
‘મને માન આપો એની કરતા તમારા માવતરને આપજો તો મને વધારે ખુશી થશે.’ અને દેસાઈની આંખો ભીની બની જતી. આવો ભડભાદર ગમે ત્યારે મા-બાપની વાતો થતી હોય ત્યારે રડી પડતો. બી ફ્રેન્કલી. એની આંખમાં ધરાઈ ધરાઈને આંસુ આવતા. લગ્ન થયા એને બાવીસ વર્ષ થવા આવ્યા છતાંય સાધના આ રહસ્યને પકડી શકી નહોતી.
લગ્નના થોડાંક દિવસો જ વીતેલા. ને લગ્ન પછી તરત જ માઉન્ટ આબુ ફરવા ગયેલા. આ સાતમી કે આઠમી રાત હતી, સહજીવનની ! સગાઈ તો ખાસ્સી બે વર્ષ સુધી ચાલેલી. પણ એ દરમિયાન એમનો જોશ, જુસ્સો, ખમીર અને જાનફેસાની તો સાધનાએ પહેલી જ મુલાકાતમાં અનુભવી લીધેલું. પણ એ રાતે…એ રાતે કાંઈ બન્યું નહોતું અને કાંઈ થયું પણ નહોતું. એકાએક તેઓ ‘રાજસ્થાન પત્રિકા’ નામનું છાપું વાંચતા વાંચતા રડી પડેલા.
‘અરે પણ તમે…..’ સાધના ગભરાઈ ઉઠેલી : ‘વોટ હેપન્ડ દેસાઈ…..?’ એ કશું બોલવા તૈયાર થયા નહોતા. હિબકા શમી ગયેલા. સાધનાને લાગેલું કોઈને કોઈ, ક્યાંક ને ક્યાંક પણ એવી ગેબી રગ હતી જે મા-બાપ વિશેના સંદર્ભે એમને વિવશ કરી દેતી….
‘લ્યો બહેન ચા પીઓ….’
દેસાઈના જ હાથ નીચે તૈયાર થયેલો રાજુ આસરાણા, સાધનાને ચા નો કપ અંબાવતો હતો…. ‘ચા પીઓ બહેન…’ સાધનાએ ઈન્કાર કર્યો તો સહુ કોઈ લાગણીથી કહી રહ્યા :
‘ચા તો પીવી જ પડશે બહેન…..’ પણે થી ચૌધરીએ કહ્યું : ‘તમે સાચ્ચુ નહીં માનો પણ દેસાઈભાઈનું એક સૂત્ર એ પણ હતું કે, કામની શરૂઆત ચા પાણીથી કરો. અરે, તમારી ઑફિસમાં જાણીતા તો આવે પણ કોઈ અજાણ્યો માણસ કે અરજદાર આવ્યો હોય તોય એને ચા પીવડાવ્યા વગર પાછો ન જવા દેતા. તમને ખબર છે બહેન ? એમની ચા ની નામાની ડાયરીમાં દર મહીને પાંચસોથી સાતસોનો આંકડો આવતો.’
સાધનાને આ બધી વાતો સાંભળતા સાંભળતા અનહદનું સુખ ઊપજતું હતું. એ મનમાં ને મનમાં વિચારી રહી : ‘બસ,… રોજ આમ જ પોતે ઑફિસે આવીને બેસે…. બેઠી જ રહે…. અને પોતાના સ્વર્ગસ્થ પતિની, એમના મોજીલા સ્વભાવની એમની દિલેરીની વાતો સાંભળતી જ રહે, સાંભળતી જ રહે…….
આ ઑફિસ સાથેનું એટેચમેન્ટ પણ બાવીસ વરસથી હતું ને ! નવી નવી પરણીને અહીં આ શહેરમાં આવી. હુત્તો-હુત્તી બે જણ. નવું નવું ઘર શણગારવાનું હતું. બધું ગોઠવવાનું હતું… પણ એ તો ફક્ત અઠવાડિયામાં જ ગોઠવાઈ ગયું સઘળું. દેસાઈ તો આખો દિવસ ઑફિસે ચાલ્યા જાય. પોતે રહે ઘેર એકલી ! આડોશપાડોશમાં જઈ આવે, કશુંક વાંચે, રેડીયો સાંભળે કે ટીવી જુએ… પણ તોય સમય પસાર ન થાય. કંટાળી જાય ત્યારે પોતાની આંખોમાં ગુસ્સો છવાઈ જાય. રાત્રે દેસાઈ આવે ત્યારે એમના ગાઢ આશ્લેષમાં સમાઈને ફરિયાદ કરતા કહે : ‘વહેલા આવતા હો તો. મને એકલાં એકલાં ગમતું નથી !’
‘છાપાં, પુસ્તકો, સામાયિકો…. વાંચતી હોય તો !’
‘કેટલુંક વાંચવું ? વાંચી વાંચીને તો કંટાળો આવે. એટલી બધી બોર થઈ જાઉં છું ને કે….’
‘તો પછી એક વાત કહું ?’
‘કહોને.’
‘તું જ્યારે કંટાળે ત્યારે ઑફિસે આવી જવાનું. મારી સામે બેસવાનું. બેગમસાહિબા સામે બેઠા હોય તો આ નાચિઝનેય કાંઈક કામ ઉકલે. પછી આપણે બહાર ફરવા ચાલ્યા જઈશું…..!’
‘ના હો. હું તમારી ઑફિસે નહીં આવું. ત્યાં તમારા સાહેબો હોય, તમારી સાથે જે લોકો નોકરી કરતા હોય…. મને એ બધાની શરમ આવે.’
‘પણ તારે ક્યાં વહેલા આવવાની જરૂર છે ? ઑફિસ અવર્સ બાદ આવવાનું….’
‘ઑફિસ અવર્સ’નો અર્થ તો નવ પરણેતર સાધના ક્યાંથી સમજે ? એટલે દેસાઈએ સમજાવ્યું, ‘ઑફિસ અવર્સ એટલે સાંજના છ ને દસ પછી. સમજ્યા ગોરી ?’
એ પછી સાધના ઘણીવાર સાંજે છ સાડા છ એ આખરે કંટાળીને આવીને બેસતી અને વિનોદ દેસાઈ કામ આટોપતો. એ વખતે વિનોદ જુનિયર હતો. પણ ટૂંકા ગાળામાં એણે પ્રતિબદ્ધતા હાંસલ કરી લીધી. અને પછી તો વિનોદ દેસાઈથી ઓફિસ ચાલવા લાગી હતી કદાચ…
સાધના ઘણીવાર કહેતી : ‘દેસાઈ બહુ તૂટો નહીં. તમને કોઈ સર્ટિફિકેટ નહીં આપે કે નહીં એવોર્ડ આપે.’ ત્યારે દેસાઈ કહેતા : ‘આખરે ઑફિસનું જ કામ છે ને ? મારું હોય કે બીજાનું. એક કર્મચારી મુંઝાતો હોય ત્યારે એના વતી કામ કરી દઈએ તો એમાં મારું શું બગડી જવાનું છે કહે….’
‘પણ પછી બનશે એવું કે બધાનાં ઢસરડાં તમારે જ કરવા પડશે. એ બધાં તો છટકી જશે જો જો ને….’
‘કોઈ નહીં છટકે અને છટકે તો શેનાથી છટકે ? અહીંથી છટકવા જેવું છે શું ? પેલો સંજુ, ચૌધરી, આસરાણા, અક્ષય પટેલ, ફર્નાન્ડીઝ કે પછી…. નવો આવેલો નિહાર. બધાં મારા નાનાભાઈઓ જ છે ! એ લોકો અમારો સાહેબ કહે તેમ નહીં, હું કહુ એમ કરે છે. અખતરો કરવો છે ?’
‘અખતરો, આપોઆપ થઈ જશે. અખતરાનું ય અંજળ હોય છે.’
આજે તેને લાગ્યું કે પતિની વાત સાચી હતી. બધાએ તનતોડ મહેનત કરી હતી. છતાં પણ… તે દિવસે પોતાનાથી કેમ ગુસ્સે થઈ જવાયું ? શું પોતે ભાન ભૂલી બેઠી હતી ? સાધના અત્યારે વિચારી રહી : પોતાને એવું વર્તન કરવું જોઈતું નહોતું. અને આખરે…. એ બધું શું આ લોકોના હાથમાં જ હતું ? તે દિવસે પોતે સાહેબ ઉપર ગુસ્સે થઈ ગઈ હતી : ‘શું મારા પતિએ અહીં આટલાં ઢસરડાં કર્યા એનું ફળ મને આમ જ મળવાનું હતું ? હું એમને સાચું કહેતી હતી પણ તેઓ છેક સુધી માન્યા જ નહીં. આ એક વરસ થવા આવ્યું એમને ગયા ને, છતાં…..છતાં પણ મને હજી કોઈ રકમ મળી નથી. મેં એમને હજારવાર કીધું’તું કે રહેવા દો. નહીં કોઈ તમને ટોકરો બંધાવી દે. પણ……’ અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી. અને સાહેબે પોતે આખા સ્ટાફને બોલાવીને સહુની આગળ હાથ જોડેલા : ‘હું તમને વિનંતી કરું છું કે દેસાઈભાઈનાં જી.પી.એફ., ઈ.પી.એફ., ઈન્સ્યોરન્સ, રજા પગાર, બાકી પગાર, એરીયર્સ, પૂરવણી પેન્શન જે કંઈ બાકી હોય તેનાં બીલો તાત્કાલિક મંજુર કરાવી દો. એક પૈસો જ નહીં, એક પાઈ પણ એમની અહીં બાકી લેણી નીકળતી રહેવી જોઈએ નહીં. નહીંતર પછી હું તમારી જ સામે પગલાં લઈશ.’
‘પણ સાહેબ……’ ડેપ્યુટી એકાઉન્ટન્ટે કહ્યું : ‘આપણે બધું જ સાહિત્ય સાધનિક કાગળો સાથે તૈયાર કરીને ઉપલી કચેરીએ મોકલ્યું છે. ત્યાંથી મંજૂર થઈને આવે ત્યારે થાય ને ?’
‘…..તો પછી એ માટે તમે ખુદ જાવ. કદાચ ત્યાં આપણે કોઈને રાજીખુશીથી ચા, પાણી કે નાસ્તો કરાવવો પડે તો કરાવો, કોઈને બસ્સો પાંચસો આપવા પડે તો આપી દો. એ પૈસા હું તમને આપી દઈશ પણ એની વે, ત્રીસ દિવસની મુદત આપું છું. ત્રીસ દિવસમાં મારે બધું જ કમ્પલેઈટ જોઈએ. મારે બીજું કશું સાંભળવું નથી. હવે હું મિસીસ દેસાઈની આંખના આંસુ જોઈ શકતો નથી. ડૂ યુ અન્ડરસ્ટેન્ડ ?’ અને સાહેબે ચીસ પાડેલી. સ્ટાફ ધ્રૂજી ઉઠેલો.
સૌ સાધનાની આંખમાં તાકી રહેલાં. સૌના ચહેરા પર બસ એક જ ભાવ હતો. ઠપકાનો ભાવ ! મૂકપણે સૌ કહી રહ્યા હતા : તમે અમારી ફરિયાદ સાહેબને કરી ? શું તમને અમારામાં વિશ્વાસ નહોતો ? શું માત્ર સાથે નોકરી કરવા પૂરતો જ દેસાઈભાઈ સાથે અમારે સંબંધ હતો ? બીજું કાંઈ નહીં ? અરે,…. અમે તમારા ઘેર બેસવા આવતા તો દેસાઈભાઈ કેવા ગદગદ થઈ જતા ? પણ હા, હવે સમજાય છે. સંબંધ તો અમારે માત્ર તેમની સાથે જ હતો ને ?
એ ગયા. તો સંબંધ પણ જાણે તેમની સાથે જ ગયો.
પણ…..ના ! સૌના ચહેરા પર વંચાયું હતું : દેસાઈભાઈ ને અમે ક્યારેય ભૂલી શકીશું નહીં. એ રસ્તો ભૂલી ગયેલા મુસાફર માટે રસ્તો ચિંધનારી આંગળી હતાં. થાક્યાનો વિસામો હતા. બે ઘર માટેનો આશરો હતા. અરે ! અમારા મિત્ર હતા. હમદર્દ હતા. એ સઘળું ભૂલીને તમે અમારી ફરિયાદ….?
****
ચેક હાથમાં ફફડતો હતો. અને વિચારોનાં ચાકડા પર બેઠેલું પોતાનું મન કેટલાંય રમકડાં બનાવતું હતું.
‘ચેક લઈ લીધોને બહેન ?’ અચાનક ચેમ્બરમાંથી બહાર નીકળેલા ચીફ એકાઉન્ટન્ટે સાધનાને પૂછ્યું.
‘હા…હા…’ કરતી સાધના ખુરશી ઉપરથી ઊભી થઈ ગઈ.
‘અરે ! બેસો બહેન બેસો.’ ચીફ એકાઉન્ટન્ટે સ્વજન જેવું સ્મિત કર્યું, ‘બધું ધીરે ધીરે સેટ થતું જશે. ચિંતા ના કરશો. અમારા જેવું કોઈ કામકાજ હોય તો વિના સંકોચે કહેવરાવજો. દેસાઈભાઈની હયાતી નથી તો સંબંધો પુરા નથી થઈ ગયા બહેન. અમે તમારા ભાઈઓ જ છીએ. મુંઝાશો નહીં.’
એ ભાવાર્દ્ર બની રહી.
દસેક મિનિટ પછી ઊભી થઈ.
‘તમે…..’ ચૌધરીએ વાક્ય અધુરું છોડ્યું : થોડીકવાર અટકી, કશુંક ગોઠવીને, વિચારીને બોલ્યો : ‘એક કામ કરશો ? તમે….સાહેબને મળતા જજો. એટલે…. એટલે બીજું કાંઈ નહીં પણ એમને સારું લાગે.’
‘હા… કહેતી એ સાહેબની ચેમ્બરમાં ગઈ. સાહેબે આવકાર આપ્યો.
‘આવો બહેન….’
‘હા…’
‘બધું પૂરું ને ?’
‘હા.’
‘હવે કશું બાકી નથી ને ?’
‘ના. સાહેબ.’
‘તો બસ….’ સાહેબ પળ બે પળ સાધનાની આંખોમાં તાકી રહ્યા. પછી કહે, ‘હું હજી હમણાં જ ટ્રાન્સફર થઈને આવ્યો. ચારપાંચ મહીના થયા. દેસાઈભાઈ સાથે ભલે કામ કરવા નથી મળ્યું પણ એમના વિષેની વાતો મેં સાંભળી છે. એ નાતેય મને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે. તમે અહીં આવ્યા, મને રજુઆત કર્યા પછી 30 દિવસની અંદર તમારી બાકીની રકમો પૂરેપૂરી ચૂકવી આપવાનો મેં નિશ્ચય કરેલો અને એ નિશ્ચય પુરો કરી શક્યો છું બરાબર ?’
‘….હા….’
‘…..તો બસ. એટલું જ કહેવું હતું. હવે તમારે એ માટે અહીં નહીં આવવું પડે. હું છુટ્ટો તમે પણ મુક્ત !’
પોતે કશું બોલી શકી નહીં.
પતિની ત્રણ માળની બિલ્ડીંગવાળી કચેરીની બહાર નીકળતા આંસુભરી આંખે પાછું વળીને બિલ્ડિંગને તાકી રહી. સાહેબ સાચું કહેતાં હતા કદાચ. કે, હવે અહીં આવવું નહીં પડે. પોતે ખરેખર મુક્ત થઈ ગઈ હતી… જે કચેરીના કમ્પાઉન્ડમાં આ જ ઓટલે બેઠા બેઠા પતિની રાહ જોઈ હતી, અને અહીંથી જ સીધા હોટેલમાં જમવા જવાનું થતું, ફરવા જવાનું થતું, પિકચર જોવા જવાનું થતું એ ઓટલે એકવાર બેસીને…..
પણ હવે કોની રાહ હતી ? દેસાઈ થોડાં આવવાના હતા ?
એ ઓટલા પાસે આવી. ઊભી. અટકી ને પછી….
એ દેસાઈને ઘણીવાર કહેતી : ‘આ ઓટલે બેસીને તમારી રાહ જોવાનું ખૂબ ગમે.’ આજે એ ઓટલો અર્ધનિમિલિત આંખે તેની સામે તાકી રહ્યો હતો. તેને થયું : બે પાંચ હજાર પુરતી રકમેય દેસાઈની બાકી રહી હોત તો સારું હતું, એ નિમિત્તે ક્યારેક તો અહીં, આ ઓટલે આવીને બેસાત તો ખરૂં !! પણ હવે….
No comments:
Post a Comment