Thursday, November 19, 2009

ઝાંઝવા થૈ જળ અહીંથી ત્યાં સુધી

અવાજ પરથી એની વય આશરે પચીસની આસપાસ ધારી શકાતી હતી. લાગી રહ્યું હતું કે એ યુવતી ખૂબ જ ભોળી, સંવદેનશીલ અને જગતની કુટિલતાથી જોજનો જેટલી દૂર હોવી જોઇએ. સાથે સાથે એનાં બોલવામાં જિંદગી જીવવાનો થનગનાટ અને કશુંક સારું કામ કરવાનો ઉત્સાહ પણ છલકાતો હતો. અવાજનું શાસ્ત્ર વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય છે, એ માત્ર કોરો ઘ્વનિ નથી, બોલનારના પૂરા વ્યક્તિત્વને પારખવા માટે એનું એકાદ વાક્ય પૂરતું છે.


ઝાંઝવા થૈ જળ અહીંથી ત્યાં સુધી,

ઝળહળે છે છળ અહીંથી ત્યાં સુધી

ટેલિફોનની ઘંટડી વાગે છે. બપોરના બારેક વાગ્યાનો સમય છે. હું દરદીને તપાસતો હતો અને એની બિમારી વિશે સાદી, સરળ ગુજરાતી ભાષામાં સમજ પાડી રહ્યો હતો ત્યાં ખલેલ ટપકી પડી. જો કે આવી ખલેલથી મને ગુસ્સો નથી આવતો, ટેલિફોન કરનારને એ દ્રશ્ય થોડું દેખાતું હોય છે કે સામેનો છેડો વ્યસ્ત છે કે નવરાશમાં છે! મેં રિસિવર ઉઠાવ્યું. સામેથી ટહુકા જેવો મીઠો અવાજ સંભળાયો.


‘સર, હું બહારગામથી બોલું છું. મારું નામ ડો. શ્યામા’


‘ગૂડ આફ્ટરનૂન, શ્યામા! ફરમાવો!


‘હું અહીંથી નગરપલિકાના દવાખાનામાં લેડી મેડિકલ ઓફિસર છું. તમારી સલાહ લેવા માટે અત્યારે ફોન કર્યો છે.’


‘નેવર માઇન્ડ. તમારી મૂંઝવણ જણાવો. મારી મતિ અનુસાર જે કહેવા જેવું લાગશે તે કહીશ.’ હું ટૂંકા-ટૂંકા ઉત્તરો આપી રહ્યો હતો. મારું સમગ્ર ઘ્યાન ડો. શ્યામાનાં અવાજને બારીકાઇથી સાંભળવામાં કેન્દ્રિત થયેલું હતું. અવાજ પરથી એની વય આશરે પચીસની આસપાસ ધારી શકાતી હતી.


લાગી રહ્યું હતું કે એ યુવતી ખૂબ જ ભોળી, સંવદેનશીલ અને જગતની કુટિલતાથી જોજનો જેટલી દૂર હોવી જોઇએ. સાથે સાથે એનાં બોલવામાં જિંદગી જીવવાનો થનગનાટ અને કશુંક સારું કામ કરવાનો ઉત્સાહ પણ છલકાતો હતો. અવાજનું શાસ્ત્ર વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય છે, એ માત્ર કોરો ઘ્વનિ નથી, બોલનારના પૂરા વ્યક્તિત્વને પારખવા માટે એનું એકાદ વાક્ય પૂરતું છે.


‘સર, અત્યારે મારી નામે એક સ્ત્રી ઊભેલી છે. મારી પેશન્ટ છે. એનું નામ મોંઘી છે. પણ એ ખૂબ જ ગરીબ છે, સર...’


‘હોઇ શકે. બોલો, તમારાં સોંઘા મોંઘીબે’નને શી તકલીફ છે?’


‘પ્રોબ્લેમ એ છે, સર, કે મોંઘી પ્રેગ્નન્ટ છે. એને પાંચમો મહિનો જઇ રહ્યો છે. અને પાંચ બાળકો તો એને ઓલરેડી છે જ. મેં એનું ચેક અપ કર્યું તો આ વખતે ટ્વીન્સ હોય એવું લાગે છે.’


‘આ વાત સાંભળીને મને આશ્ચર્ય નથી થતું, શ્યામા! તમારી મૂળ સમસ્યા હજુ તમે જણાવી નહીં.’


‘એ જ વાત ઉપર આવું છું. મોંઘીનો ચહેરો સૂજેલો લાગે છે, આંખો સફેદ ચૂનાથી ધોળેલી દિવાલ જેવી છે અને જીભ પણ ગુલાબીને બદલે સફેદ છે. મેં અમારી લેબમાં એનું હીમોગ્લોબિન કરાવ્યું તો એ માત્ર ચાર ગ્રામ ટકા જેટલું જ આવે છે.’


‘એ પણ સમજી શકાય તેવી બાબત છે. કંઇ વાંધો નથી. હજુ તમારા હાથમાં ત્રણ-ચાર માસ જેટલો સમય છે. એન આયર્ન આપો. કેલ્શીયમના ટીકડાઓ ગળાવો. દૂધ, શીંગ-ચણા, લીલાં શાકભાજીવાળો આહાર લેવાનું કહો.


સુવાવડ સુધીમાં એનું હીમોગ્લોબીન સાત-આઠ ગ્રામ-પ્રતિશત તો થઇ જ જશે. જરૂર જણાય તો એક કે બે બોટલ રક્તની ચડાવી દેજો!’ મેં પ્રસૂતિશાસ્ત્રના પૃષ્ઠો ઊઘાડી નાખ્યા.


‘સર, તમે મને તો બોલવા જ દેતા નથી. મોંઘીની મુસીબત સાવ જુદી જ છે. એને પૈસાની જરૂર છે. એ મારી પાસે દસેક હજાર રૂપિયા માગી રહી છે.’


ડો. શ્યામાની વાત સાંભળીને મને જબરો આંચકો લાગ્યો. હું તો ખાનગી મેટરનિટી હોમ ધરાવું છું. મારા દરદીઓ બહુ-બહુ તો ડિલીવરી કે ઓપરેશનમાં બિલમાં રાહતની માગણી કરતા હોય છે. પણ સરકારી કે નગરપાલિકાના દવાખાનાઓમાં તો સાવ મફતમાં સારવાર મળતી હોય છે. ત્યાં કોઇ દરદી ડોક્ટર પાસેથી દસ હજાર રૂપિયાની માગણી કરે એ મારા તો માનવામાં ન આવ્યું.


‘એને તમે પૂછ્યું ખરું કે દસ હજાર રૂપિયા એને શા માટે જોઇએ છે?’


‘હા, પૂછ્યું. એણે કહ્યું કે બાબો છે કે બેબી એ જાણવા માટે સોનોગ્રાફીની તપાસ કરાવવી છે!’


હું ભડકી ગયો, ‘મારી આગળ પ્રી-નટેલ સેક્સ ડિટર્મિનેશનની તો વાત પણ ન કાઢશો. કાયદાની નજરમાં એ અપરાધ છે.’


‘પણ તમે મોંઘીની હાલતનો તો જરા વિચાર કરો, સર! દરેક વખતે કાયદાને જ પકડી રાખવાનો? એને પાંચ-પાંચ દીકરીઓ છે, એનો પતિ દીકરાની ઝંખનામાં સો સુવાવડો સુધી મોંઘીનો છાલ છોડવાનો નથી.


જો આ જોડીયા બાળકો દીકરીઓ હશે તો મોંધી સાત છોકરીઓની મા બની જશે. વળી ભવિષ્યની સુવાવડ તો ઊભી જ રહેશે. એનાં કરતાં ગર્ભમાં જો દીકરીઓ હોય તો એ ભલે ને પડાવી નાખતી!’ ડો. શ્યામા એકીશ્વાસે બોલી ગઇ.


હું ટસનો મસ ન થયો, ‘જો, શ્યામા! હું તમને ઠપકો નહીં આપું. ‘સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે’ એ વાક્યની યાદ પણ નહીં અપાવું. તમારી વાતમાં ચોક્કસ વજૂદ છે અટેલું પણ હું સ્વીકારું છું. પણ આ બધું સ્વીકાર્યા પછીયે મારો જવાબ એક જ છે: સેક્સ ડિટર્મિનેશનની વાત મારી આગળ ન કરવી. એ કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે.’


‘ભલે. હું તમને બિનજરૂરી આગ્રહ કે દબાણ નહીં કરું, પરંતુ એક વિનંતી છે. હું મોંઘીને અમદાવાદ મોકલી આપું તો બીજા કોઇ ડોક્ટર દ્વારા એનું કામ કરાવી આપો ખરા?’


‘ના, એ પણ નહીં બને. જેમ આંગળી ચિંધવાનું પૂણ્ય હોય છે, તેમ આંગળી ચિંધવાનું પાપ પણ હોય છે જ. અને એક માહિતી આપું? તમારી મોંઘી ગમે તેટલા રૂપિયા લઇને આવે, પણ અમારા અમદાવાદમાં એક પણ ડોક્ટર આ ગેરકાયદેસર કામ કરવા તૈયાર નહીં થાય.


સરકાર આ બાબતમાં અત્યંત કડક થઇ ગઇ છે. હમણાં થોડાંક દિવસ પહેલાં જ અમારા મણિનગરમાં એક પાપી સોનોલોજિસ્ટને સ્ટીંગ ઓપરેશન દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. હવે તો એનું આવી બન્યું સમજો. માટે ગર્ભ પરીક્ષણની વાત તો કરશો જ નહીં.’


ડો . શ્યામા સમજુ હતાં. સમજદારને ઇશારો કાફી થઇ પડતો હોય છે. એમણે વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. પણ મૂળભૂત રીતે એ ભલાં અને માયાળુ હોવાં જોઇએ. એમણે મોંઘીનું હિમોગ્લોબીન ઝડપથી વધે એ માટે સારા ખોરાક અને સારી દવાઓની ગોઠવણ કરી આપી.


ચાર-પાંચ દિવસ માંડ થયા હશે, ત્યાં ફરીથી ડો. શ્યામાનો ફોન આવ્યો, ‘સર, આપની પાસે થોડોક સમય છે? મારે ગંભીર ચર્ચા કરવી છે.’


‘ગંભીર?’ હું ચિંતામાં પડી ગયો, ‘એનીથિંગ સિરીઅસ એબાઉટ યુ?’


‘નો, સર! નથીંગ સિરીઅસ એબાઉટ મી, બટ સિરીઅસ ફોર અવર સોસાયટી, ફોર અવર નેશન એન્ડ મોર સો એબાઉટ અવર મેડિકલ ફ્રેટર્નિટી.’


‘મને જલદી જણાવો. તમારાં વાક્યોથી મારી ઉત્સુકતા વધતી જાય છે.’


‘સર, મેં તમને મોંઘી વિશે વાત કરી હતી ને? ધેટ પૂઅર એનીમિક વૂમન વિથ ટ્વીન પ્રેગ્નન્સી!’


‘હા, મને યાદ છે, પણ શું છે એનું?’


‘એણે સેક્સ ડિટર્મિનેશન ટેસ્ટ કરાવી લીધો!’


‘હેં? કોણે કરી આપ્યો?’ મારા અવાજમાં નર્યો આઘાત જ આઘાત હતો. જે સોનોલોજિસ્ટ ડોક્ટર મણિનગરમાં આ પાપકર્મ કરતાં રંગે હાથ પકડાઇ ગયા, એમના સ્ટીંગ ઓપરેશનની રજેરજ વિગત વિડીયોગ્રાફી સાથે અને એમના નામ-સરનામાં સાથે ટીવીની નેશનલ ચેનલ ઉપર પણ ટેલિકાસ્ટ કરી દેવામાં આવી છે.


તેમ છતાં એવો કયો ડોક્ટર છે જે દાનવ બનતાં શરમ નથી અનુભવતો?


ડો. શ્યામાએ ફોડ પાડ્યો, ‘સર, એ ડોક્ટર કોઇ ખાનગી પ્રેક્ટિશનર નથી, પણ ગવર્નમેન્ટ ઓફિસર છે.’


‘શું કહો છો? સરકારી ડોક્ટર ઊઠીને સરકારી કાયદો તોડે? વાડ પોતે ચીભડાં ગળે!’


‘હા, સર! એ ડોક્ટર હું જેમાં નોકરી કરું છું એ દવાખાનામાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવે છે. આમ તો એ મ્યુનિસિપલ કોર્પોરેશનના તબીબી ગણાય. એમનો પગાર સાંઇઠ હજાર રૂપિયા જેટલો છે. વધારામાં દવાખાનાનો ‘સ્ટોક’ ખરીદવાની તમામ સત્તા એમની પાસે છે.


વર્ષભરનું કરોડો રૂપિયાનું બજેટ હોય છે. બધાને ખબર છે કે સાહેબને એમાંથી કેટલી ‘બોફોર્સ’ની કમાણી મળી રહેતી હશે.’ ‘પણ એમણે આ જાતિ પરીક્ષણ કર્યું કઇ જગ્યાએ?’ ‘એમના ખાનગી નર્સિંગ હોમમાં.’


ડો. શ્યામા એક-એક વાક્ય દ્વારા મને વધુને વધુ આંચકો આપ્યે જતાં હતાં, ‘સર ગેરકાયદેસર પોતાનું નર્સિંગ હોમ પણ ચલાવે છે. ત્યાં સોનોગ્રાફી મશીન પણ છે. મોંઘી મારી પાસેથી સીધી એમની પાસે ગઇ. સાહેબે દસ હજાર ખંખેરી લીધા. સાહેબ ખુશ! મોંઘી પણ ખુશ!’ ‘મોંઘી ખુશનો મતલબ? એને રીપોર્ટ ‘હર-હર મહાદેવ’નો આવ્યો છે, એમ જ ને?’


‘ફિફટી-ફિફટી! મોંઘીનાં પેટમાં તો ટ્વીન્સ છે ને? એમાંથી એક ગર્ભની જાતિ ‘હર હર મહાદેવ’ છે અને બીજા ગર્ભની જાતિ ‘જય માતાજી’ છે.’ ડો . શ્યામાએ એ જ સાંકેતિક શબ્દોનો ઉપયોગ કર્યો જેનો ખુલાસો પેલા સ્ટીંગ ઓપરેશન દ્વારા જાણવા મળ્યો હતો. હું વિષાદમાં ડૂબી ગયો.


હું જાણું છું કે સુપ્રીમ કોર્ટથી લઇને ગુજરાતના મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી આ વિષયમાં કેટલી હદે ચિંતિત છે! ત્યારે સરકારી ધારાધોરણ જેવો પગાર પાડતો મ્યુનિસિપલ ડોક્ટર કાયદાનું આ હદે ઉલ્લંઘન કરે?


‘સર, એક સવાલ પૂછું? આવું ને આવું આ દેશમાં ક્યાં સુધી ચાલતું રહેશે?’ શ્યામા મને પૂછી રહી હતી.


મેં ટૂંકો, ગમગીની ભર્યો ઉત્તર આપ્યો, ‘જ્યાં સુધી તમારી જાતિ કરતાં મારી જાતિનું પ્રભુત્વ વધારે રહેશે ત્યાં સુધી!’

No comments: