હું સાંભળી રહ્યો, જોઇ રહ્યો. ડો. કાચવાલાના વાણી-વર્તનમાં એ જ આત્મવિશ્વાસ એમના ખુદના દીકરાની સર્જરી માટે ઝલકતો હતો, જેવો સામાન્ય દરદીના ઓપરેશન વખતે ઝલકતો હોય. સ્વપ્નિલ એમનો એક માત્ર પુત્ર હતો. સવા વાગ્યે સાહેબ ગાડીમાં બેસીને વિદાય થયા.બે વાગ્યે આખા શહેરમાં હાહાકાર મચી ગયો. સમાચાર અત્યંત આઘાતજનક હતા: ડો. કાચવાલાના લાડકવાયા પુત્ર સ્વપ્નિલનું ઓપરેશન દરમિયાન કરૂણ મૃત્યુ નિપજયું હતું!
પીપળાનાં પાન જેવા શ્વાસ છે,
જિંદગીનો જર્જરિત આભાસ છે
હું ત્રેવીસ વરસનો હતો જ્યારે ડો. કાચવાલાને પ્રથમ વાર મળ્યો હતો. ડો. કાચવાલા સર્જ્યન હતા. શહેરમાં એમનું પ્રાઇવેટ સર્જિકલ નર્સિંગ હોમ હતું અને સાથે સાથે તેઓ જનરલ હોસ્પિટલની સાથે પણ સંલગ્ન હતા. રોજ સવારે બે કલાક પૂરતા તેઓ માનદ સેવા આપવા માટે આવતા હતા. મારી પ્રથમ મુલાકાત આ સમયે જ થઇ હતી.
ડો. કાચવાલા એટલે આવડતનું પડીકું અને આત્મવિશ્વાસનું પોટલું. એમની જિંદગીમાં કોઇ વાતની કમી ન હતી. ઓ.પી.ડી.માં હું એમની સામેની ખુરશીમાં બેસતો હતો. એ મારી ઇન્ટર્નશીપના દિવસો હતા.
‘ડોક્ટર, હું નવા પેશન્ટો તપાસું છું, તું જૂના તપાસજે!’ ડો. કાચવાલાએ પ્રથમ દિવસે જ વ્યવસ્થા ગોઠવી દીધી. મને એમની વાત ગળે ઊતરી ગઇ. એમણે જોયેલો નવો દરદી જ્યારે ‘ફોલો અપ’ માટે બીજા અઠવાડિયે મારી પાસે આવે ત્યારે મને બેવડો ફાયદો થતો હતો.
એક, ડો. કાચવાલાએ શું નિદાન કર્યું હતું એની મને જાણકારી મળી રહેતી અને બીજો ફાયદો એ થતો કે એમની સારવાર લીધા બાદ એ પેશન્ટને કેવી ને કેટલી રાહત થતી એ પણ મને શીખવા મળતું હતું.
‘આ બધું તો ઠીક છે, ડોક્ટર!’ તેઓ મારો ઉત્સાહ જોઇને ક્યારેક બીજી વાતો પર પણ ચડી જતા હતા, ‘નિદાન અને સારવાર તો બધાં ડોક્ટરોને આવડતાં જ હોય છે, સાચું શીખવા જેવું જો કંઇ હોય તો તે છે દરદી સાથેની રીત-ભાત.’
‘હું સમજ્યો નહીં’. હું બોલી ગયો, બોલ્યા પછી પણ મારું મોં ખુલ્લું રહી ગયું. ડો. કાચવાલા એ દિવસે મૂડમાં હતા. હસ્યા, ‘તમે કોઇ પણ વ્યવસાયમાં હોવ, છેવટે તો તમારા ગ્રાહકને ઇમ્પ્રેસ કરવાની જ રમત હોય છે.’
‘ગ્રાહક?’ મારું ખુલ્લું મોં વધારે ખૂલી ગયું.
‘યસ, આઇ મીન પેશન્ટ! દરદી પણ છેવટે તો ગ્રાહક જ છે ને! એ આપણી પાસે શા માટે આવે છે? બીજા ડોક્ટર પાસે શા માટે નથી જતો? કારણ કે એ આપણને બીજા ડોક્ટરો કરતાં બહેતર માને છે. અને મૂળ કરામત અહીં જ કરવાની હોય છે. વી હેવ ટુ ઇમ્પ્રેસ ધી પેશન્ટ. ધેટ્સ ઓલ!’
દરદીને આંજી નાખવાની કરામત કેવી રીતે કરવાની હોય છે એવો સવાલ પૂછવા માટે ન હતો, પણ નરી આંખે જોવા-જાણવા માટેનો હતો. માત્ર પાંચ ફૂટ જેટલા અંતરે બેસીને હું ડો. કાચવાલાની મેનરીઝમ્સ નિહાળ્યા કરતો.
કોઇ પેશન્ટ આવે. ફરિયાદ કરે, ‘સાહેબ, પેટમાં દુ:ખે છે.’ ડો. કાચવાલા થોડાંક સવાલો પૂછે પછી દરદીને ટેબલ ઉપર સૂવડાવે. પેટ ઉપર હાથ ફેરવે, દબાવે, ટકોરા મારે અને બહાર આવીને પોતાની ખુરશીમાં ગોઠવાઇ જાય. દરદી સ્ત્રી પોતાનાં કપડાં ઠીક-ઠાક કરીને બહાર આવે ત્યાં સુધીમાં તો ડો. કાચવાલા એનાં કેસપેપરમાં નિદાનથી માંડીને સારવાર સુધીનો નક્શો ચીતરી ચૂક્યા હોય. સ્ત્રીનો પતિ પૂછે, ‘શું લાગે છે, સાહેબ?’
‘લાગતું નથી, પણ છે! તારી બૈરીનાં પેટમાં મોટી ગાંઠ છે. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આજે જ ‘એડમીટ’ કરી દઉ છું. આવતી કાલે સવારે ઓપરેશન કરી આપીશ.’
‘પણ, દાગતર સાહેબ... પતિ આગળ ન બોલી શકે. એના અધૂરા વાક્યમાં ઘણી બધી મુશ્કેલીઓ સમેટાયેલી હોય. પૈસાની સગવડથી માંડીને ગામડે જઇને ઘર સાચવવાની વ્યવસ્થા ગોઠવવા જેવા ઘણા બધા સવાલો પડેલા અને નડેલા હોય. એ ધીમે ધીમે એક પછી એક મૂંઝવણની રજૂઆત કરતો રહે, પણ ડો. કાચવાલાના પટારામાં દરેક સમસ્યાનું રામબાણ સમાધાન મોજૂદ હોય.
‘તારે પૈસાની વ્યવસ્થા ક્યાં કરવાની છે? ગાંડા, આ તો સરકારી હોસ્પિટલ છે. મફતમાં બધું પતી જવાનું છે અને ઘરની વ્યવસ્થા માટે ગામડે જવાની ક્યાં જરૂર છે? કાલે સવારે ઓપરેશન પતે એટલે તું નીકળી જજે. તારી બૈરીને ખાવા-પીવાનું તો કંઇ છે નહીં. ચોવીસ કલાક માટે તો ગ્લુકોઝની ડ્રીપ આપવાની છે.’
‘પણ સાહેબ...’ એને એકલી છોડીને એમ તો કેવી રીતે જઇ શકાય? આટલું મોટું ઓપરેશન હોય એટલે રામ જાણે એને...’
‘અરે, ગાંડા, તારી ઘરવાળીને કંઇ થવાનું નથી. ઓપરેશન ભલેને મોટું હોય, તો સામે ડોક્ટર પણ મોટો છે ને? મારા માટે તો આ રમત વાત છે. ચાલ, એડમીટ કરી દે તારી વાઇફને! મારામાં વિશ્વાસ રાખ. એને કશું જ નહીં થાય.’ બે કલાકમાં જો કોઇ એક વાક્ય સૌથી વધારે વાર પુનરાવર્તન પામતું હશે તો એ આ હતું, ‘તમારા દરદીને કશું જ નહીં થાય.’
‘બપોરે એક વાગ્યે ઓ.પી.ડી. પૂરી કર્યા પછી ડો. કાચવાલા મારી સામે જોઇને હસી પડે, ‘કંઇ સમજાયું, ડોક્ટર?’
‘હા, સમજાયું.’
‘શું સમજાયું તે સમજાવો!’
‘તમારી પાસેથી એક વાત શિખવા મળી કે તબીબી વ્યવસાયમાં સફળતા માટે ડોક્ટરની આવડત કરતાં પણ એના આત્મવિશ્વાસનું મહત્ત્વ અનેક ગણું હોય છે. દરદીના સગાંઓને એક જ સવાલ નડતો હોય છે- ‘અમારા પેશન્ટને કંઇ થશે તો નહીં ને?’ સારો સર્જ્યન એ છે જેની પાસે આવો જવાબ છે- ‘ના, એને કશું જ નહીં થાય!’
મારા માટે આ નવી વાત હતી. એમ.બી.બી.એસ.ના અભ્યાસક્રમમાં અમને ભણાવવામાં આવ્યું હતું કે કોઇ પણ બીમારી અને એની સારવાર વિશે દરદીના સગાં સાથે સ્પષ્ટપણે ચર્ચા કરવી જોઇએ. જો કોઇ ઓપરેશન કરવાનું હોય તો એમાં રહેલા જોખમો બાબતે પણ એમને માહિતગાર કરી દેવા જોઇએ.
આ માત્ર કાનૂની દ્રષ્ટિએ જ આવશ્યક નથી, પણ દરદીની માનસિક તૈયારી માટે પણ આમ કરવું હિતાવહ છે. પણ જે ભણાવવામાં આવ્યું હતું તે ‘થીયરી’ હતી, અત્યારે હું જે જોઇ રહ્યો હતો એ ‘પ્રેક્ટિકલ’ જ્ઞાન અને ડો. કાચવાલા એ વ્યવહારુ જ્ઞાનના મહાઋષિ હતા.
………
મારો ત્રણ મહિનાનો ફરજકાળ સમાપ્ત થવાની અણી પર હતો. બે-ચાર દિવસ રહ્યા હશે. એક દિવસ હું ડો. કાચવાલાની ઓ.પી.ડી.માં બેઠો હતો, ત્યાં વોર્ડબોયે આવીને એમના હાથમાં ટેલિફોનનું રીસીવર પકડાવી દીધું. એ સમયે મોબાઇલ ફોનની સુવિધા હજુ ભારતમાં પ્રવેશી ન હતી.
ડો. કાચવાલાએ વાત શરૂ કરી, ‘કોણ? સ્વપ્નિલ બોલે છે? બોલ, દીકરા!... તે એમાં ગભરાવા જેવું શું છે? કપાળ ઉપર નાનકડી રસોળી નીકળી છે એ તો હું પણ થોડાંક દિવસથી જોઇ રહ્યો છું... ના, એ દવાથી નહીં મટે, એને ઓપરેશન કરીને કાઢવી જ પડશે... અરે, બીવે છે શા માટે? કશું જ નહીં થાય... હું અહીંના કામથી પરવારી જ ગયો છું, આમ પણ હવે ઘરે જ આવતો હતો.
તું એક કામ કર! સીધો આપણા પ્રાઇવેટ નર્સિંગ હોમ પર પહોંચી જા! હું પણ ત્યાં જ પહોંચું છું. બે મિનિટનું તો કામ છે. પછી તરત આપણે લંચ માટે ઘરે...
હું સાંભળી રહ્યો, જોઇ રહ્યો. ડો. કાચવાલાના વાણી-વર્તનમાં એ જ આત્મવિશ્વાસ એમના ખુદના દીકરાની સર્જરી માટે ઝલકતો હતો, જેવો સામાન્ય દરદીના ઓપરેશન વખતે ઝલકતો હોય. સ્વપ્નિલ એમનો એક માત્ર પુત્ર હતો. સવા વાગ્યે સાહેબ ગાડીમાં બેસીને વિદાય થયા.
બે વાગ્યે આખા શહેરમાં હાહાકાર મચી ગયો. સમાચાર અત્યંત આઘાતજનક હતા: ડો. કાચવાલાના લાડકવાયા પુત્ર સ્વપ્નિલનું ઓપરેશન દરમિયાન કરૂણ મૃત્યુ નિપજયું હતું!
………
ખરેખર શું બન્યું હતું એની ત્રૂટક-ત્રૂટક માહિતી બીજા દિવસે કાનમાં પડી શકી. સૌરાષ્ટ્રનું નાનકડું શહેર હતું, એટલે સરકારી અને ખાનગી ડોક્ટરોમાં નિકટનો ઘરોબો હતો. સંપૂર્ણ તબીબીજગત ડો. કાચવાલાને આશ્વાસન આપવા માટે દોડી ગયું. ડો. કાચવાલા વાત કરી શકવાનીયે સ્થિતિમાં ન હતા.
ખરખરાની ગળણીમાંથી જે વિગતો ફિલ્ટર થઇને મારા કાને પડી એ આ હતી: ડો. કાચવાલાએ દીકરાને ઓપરેશન ટેબલ ઉપર સૂવડાવ્યો. એનેસ્થેસિયા આપીને બેભાન કરવાનું એમણે મુલત્વી રાખ્યું. સ્વપ્નિલે કહ્યું પણ ખરું, ‘પપ્પા, બહુ દુખશે તો નહીં ને?’
‘અરે, દીકરા! ડરે છે શા માટે? તને પૂરો બેભાન કરવાને બદલે હું આ રસોળીની ફરતેની ચામડીને લોકલ એનેસ્થેસિયા આપીને બહેરી કરી દઉ છું. તને ખબર પડે એ પહેલાં તો તારા પપ્પા આ સોપારી જેવડી ગાંઠને ચેકો મૂકીને બહાર કાઢી લેશે.’
ડો. કાચવાલાએ ઇન્જેકશનનું પ્રવાહી સિરિંજમાં ભર્યું. સ્વપ્નિલની ચામડીમાં દાખલ કર્યું. એ પછી શું થયું તે કોઇ જાણતું નથી. એ દવાનું રિ-એક્શન આવ્યું કે પછી દવાનું પ્રવાહી રક્તવાહિનીની અંદર ચાલ્યું ગયું, પણ તત્ક્ષણ સ્વપ્નિલનો શ્વાસ અને હૃદયની ગતિ બંધ પડી ગયા. બાપ પોતે કુશળ તબીબી હોવા છતાં જોતો રહી ગયો, દીકરાને બચાવી ન શક્યો.
આજે એ ઘટનાને ત્રણ દાયકાથી પણ વધુ સમય થઇ ગયો છે, પણ હું એને ભૂલી શક્યો નથી. હું પોતે છેલ્લાં પચીસ વરસથી પ્રાઇવેટ પ્રેકિટસ કરતો રહ્યો છું. કોઇ પેશન્ટ જ્યારે પૂછે છે કે, ‘સાહેબ, ઓપરેશનમાં કંઇ જોખમ જેવું તો નથી ને?’ ત્યારે જવાબ આપતાં પહેલાં મારી આંખો સામે ડો. કાચવાલાનો ચહેરો તરવરી ઊઠે છે. એ ડો. કાચવાલા જે એક દિવસ કાચની જેમ તૂટી ગયા હતા.
હું બોલી ઊઠું છું, ‘આજ લગી તો મારા હાથે એક પણ દરદીનું મૃત્યુ થયું નથી. હું પૂરી સાવધાની અને હોશિયારી સાથે તમારું ઓપરેશન કરીશ, પણ એ દરમિયાન કશું પણ જોખમ આવી શકે કે નહીં એ નક્કી કરવાનું કામ મારા હાથમાં નથી. એ શક્તિ કોઇ અગમ્ય તત્વના હાથોમાં હોય છે. આવડત મારી, આત્મવિશ્વાસ ઇશ્વરનો!’
(શીર્ષક પંક્તિ: ‘પાગલ’)
No comments:
Post a Comment