Friday, November 6, 2009

યહ ક્યા રખેંગે સલામત કિસી કે દામન કો...

યહ ક્યા રખેંગે સલામત કિસી કે દામન કો,

શરીફજાદોં ને બખ્શા નહીં ભિકારન કો...

છવ્વીસ વર્ષ પહેલાંની શિયાળાની એક રાત હતી. બે વાગ્યા હતા. હું જનરલ હોસ્પિટલના સૌથી ઉપલા માળે આવેલા મારા કવાર્ટરના બેડરૂમમાં જાગતો સૂતો હતો. બારી-બારણા ચસોચસ બંધ કરેલા હતા. હું મરછરદાનીની અંદર ચોરસો, ધાબળો અને ગરમ રજાઇના ત્રિવેણી આવરણ હેઠળ ઢબૂરાઇને પડ્યો હતો અને ઉર્દૂ ગઝલો વાંચી રહ્યો હતો.


કૈફી આઝમીનો શેરમારી આંખોને રોશન કરી ગયો: કોઇ યે કૈસે બતાયેં કિ વો તન્હા ક્યોં હૈ? વો જો અપના થા વો કિસી ઔર કા ક્યોં હૈ?’


શેરવાંચીને હું બબડી ઊઠ્યો, ‘ગજબ કરે છે આ શાયરો! વાત ભલે પોતાની લખતા હોય, પણ એવી રીતે લખે છે જાણે જગતના તમામ પુરુષોની આત્મકથા ન હોય!’ હું હજી તો મારા ભૂતકાળમાં ખંખોળીયું કરવાની તૈયારીમાં હતો ત્યાં જ મારા કાન ચમક્યા. કોઇ બારણું ખખડાવતું હોય એવું લાગ્યું.


હું સમજી ગયો કે આજે નાઇટ ડ્યૂટી ઉપર બટુક હોવો જોઇએ. બટુકની હાઇટ ચાર ફીટ, ચાર ઇંચ હતી અને ડોરબેલનું બટન જમીનથી આઠ ફીટ ઊચે હતું. જો ડોરબેલ વાગે તો હું સમજી જતો કે ‘યે હાથ બટુક કા નહીં હો સકતા!’


મેં બારણું અડધું જ ખોલ્યું પણ ત્યાં તો આખો શિયાળો એના લાવલશ્કર સાથે અંદર ધસી આવ્યો. હું અંદર ધ્રુજી રહ્યો હતો ને બટુક બહાર. એના હાથમાં કોલબુક હતી, જેમાં ડ્યૂટી પરની નર્સે લખ્યું હતું: ‘એન ઇમરજન્સી એડમિશન. પ્રાઇમીગ્રેવીડા. સિક વિથ પેઇન્સ. કાઇન્ડલી કમ અર્જન્ટલી.’


મેં કોલ વાંચીને નીચે મારી સહી કરી. સમય લખ્યો. નિયમ મુજબ મારે દસ મિનિટની અંદર પેશન્ટની પાસે પહોંચી જવાનું હતું. પણ હું સિસ્ટરે લખેલા ‘સિક વિથ પેઇન્સ’માંથી ટપકતી અર્જન્સીને સમજી શકતો હતો. વાળમાં કાંસકો ફેરવીને, બારણાંને તાળું મારીને, બટુકની પાછળ-પાછળ જ લેબર રૂમમાં જવા માટે નીકળી પડ્યો.


લેબર રૂમથી પચાસ ડગલા છેટો હતો, ત્યાં જ મને પેશન્ટની ચીસો ઉપર ચીસો સંભળાવા માંડી. એક તો શિયાળાની ઠંડી રાત અને ઘટ્ટ હવા. ત્રણ કિલોમીટર છેટે વાગતી ટ્રેનની વ્હીસલ પણ જાણે મારી પથારીમાં વાગતી હોય એમ સંભળાતી હતી, ત્યારે મધરાતના આ સન્નાટામાં શરીર ફાડી નાખે તેવી આ પ્રસૂતિની પીડા અને એમાંથી ઊઠતી ચીસ કેમ ન સંભળાય!


પરસાળમાંથી પસાર થતાં હું જોઇ શકતો હતો, લેબર રૂમની સામે આવેલા મેટરનિટી વોર્ડના તમામ દર્દીઓ પણ આ ચીસો સાંભળીને પથારીમાં બેઠા થઇ ગયા હતા. લેબર રૂમની બહાર બંધ બારણાં પાસે એક ગરીબ ગ્રામીણ સ્ત્રી ઊભી હતી. મને જોઇને કરગરી પડી, ‘સાયેબ, અંદર મારી દીકરી છે. જો જો હં, એના જીવને કાંઇ થાય નંઇ!’


મને થોડી અનુકંપા જન્મી, થોડી ચીડ. આમાં જીવને શું થવાનું હતું! સ્ત્રીનો અવતાર એટલે લગ્ન પછી આવું તો થવાનું જ. સગર્ભાવસ્થા પણ આવે ને, પ્રસૂતિ પણ થાય જ. અમે ડોકટરો શાના માટે બેઠા છીએ? બારણું ઊઘાડીને હું અંદર ગયો.


લેબર રૂમમાં વાતાવરણ ભયાવહ હતું. ટેબલ ઉપર એ સૂતેલી હતી. સત્તરેક વર્ષની, ગોરી, ફિક્કી, પીડાથી ત્રસ્ત, ડિહાઇડ્રેશનના કારણે આવી ઠંડીમાં પણ તાવવાળું શરીર લઇને, વિખરાયેલા વાળ અને વિસ્ફારીત આંખોવાળી, મોત ભાળી ગયેલી મૃગલીના જેવી એક ભોળી યુવતી.


મને જોઇને એ હાથ-પગ પછાડવા માંડી, ‘ઓ બાપા રે...! વોય માડી રે...! મરી જવાય સે! સાયેબ, આને જલદી કાઢી લો! મને સૂટી કરો, નૈંતર હું નૈંઇ જીવી સકું... રે...’


મેં ઝડપથી એનાં નામ-ઠામ પૂછવાની સાથે એની શારીરિક તપાસ પણ ચાલુ કરી દીધી. દસ મિનિટ બાદ આ બંનેના સરવાળા જેવી નોંધ મેં કેસ પેપર ઉપર ટપકાવી દીધી: નામ: કાળી લાખા સોલંકી. ઉમર: સત્તર વર્ષ. ગામ: મામાજીના મુવાડા. માસિકની આખરી તારીખ: યાદ નથી. બ્લડ ગ્રૂપ કે હિમોગ્લોબીન: કરાવેલું નથી. ટીટેનસ ટોક્સોઇડના ઇન્જેકશનો: મુકાવ્યા નથી. સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન આયર્ન કે કેલ્શિયમની એક પણ ગોળી લીધેલી નથી.


કેસપેપરમાંથી ઊઠતું ચિત્ર ખતરનાક હતું. એનાથીયે વધુ ખતરનાક ટેબલ ઉપર સૂતેલી કાળીની હાલત હતી. આ મુકામ પર એક સ્પષ્ટતા કરી લઉ: કાળીનું માત્ર નામ જ કાળી હતું, એ રંગની બહુ ઊજળી હતી. જ્યારે ગર્ભવતી નહીં હોય, આટલી એનિમિક નહીં હોય અને આવી વેરવિખેર પણ નહીં હોય ત્યારે એ ખરેખર સુંદર લાગતી હશે.


એની સુવાવડ બહુ જોખમી હતી. વાસ્તવમાં એ એનાં ગજા બહારની વાત હતી. એક પણ દવા-ગોળી ન લીધી હોવાના કારણે કાળીમાં શક્તિનો એક અણુ પણ બચ્યો ન હતો અને ગર્ભસ્થ બાળક એની ક્ષમતા કરતાં વસમુ સાબિત થઇ રહ્યું હતું. મેં ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો.


અંદર દર્દવર્ધક ઇન્જેકશનો ઉમેર્યા. રકતદાનની તો ત્યાં સુવિધા જ ન હતી. એનેસ્થેટિસ્ટ પણ ન હતા. લેબર રૂમની બારીઓના કાચ તૂટેલા હતા. એમાં થઇને વહી આવતો ઠંડો પવન મને અને નર્સોને ધ્રુજાવી રહ્યો હતો. નળમાંથી આવતું પાણી પણ બરફ જેવું ઠંડુ લાગતું હતું. આવી હાલતમાં મારે બાકીની રાત કાળીની પડખે જ ઊભા રહીને પસાર કરવાની હતી.


રાત પસાર થઇ ગઇ. પરોઢિયે પાંચ વાગ્યે બાળકનું માથું દેખાવા માંડ્યું. હવે ગમે તે ઘડીએ એનો જન્મ થઇ શકે તેમ હતો. પણ ખરે ટાંકણે જ કાળીની હિંમતે જવાબ દઇ દીધો. એની ચીસો, એનાં ધમપછાડા વધી ગયા. ત્રણ નર્સો અને બે આયાઓ ભેગી મળીને પણ એને કાબૂમાં રાખી ન શકે તેવી હાલત થઇ ગઇ.


મેં ફોરસેપ્સ લગાડવાનો નિર્ણય લઇ લીધો. આ એક ખાસ પ્રોસીજર હોવાથી હું એની વિગતમાં નહીં ઊતરું. બરાબર સવા પાંચે દીકરાનો જન્મ થયો. એના માથા પર ચિપિયાના બે ગુલાબી નિશાન ઊપસી આવ્યા હતા, જે એકાદ દિવસમાં અદ્રશ્ય થઇ જવાના હતા.


હું ટાંકા લેવામાં પડી ગયો, જ્યારે આયા બાળકને એનું પ્રથમ સ્નાન કરાવીને કપડાં પહેરાવીને બહાર ઊભેલી કાળીની માનાં હાથમાં સોંપવાનો વિધિ કરી રહી હતી. સાત વાગ્યે હું મારા કવાર્ટરનું બંધ તાળું ઊઘાડતો હતો, ત્યારે દૂધવાળો રબારી મારી રાહ જોઇને ઊભો હતો.


હું પથારીમાં પડ્યો. મારી પાસે ઊંઘવા માટે માંડ એકાદ કલાક બચ્યો હતો. મેં ગઝલનું પુસ્તક બાજુ પર મૂકતાં પહેલાં કૈફી આઝમીનો બીજો શેરવાંચી લીધો: ‘યહી દુનિયા હૈ તો ફિર ઐસી દુનિયા ક્યોં હૈ? યહી હોતા હૈ તો આખિર યે હોતા ક્યોં હૈ?’


પાકો-પાકો ઊજાગરો હતો ને કાચી-કાચી ઊંઘ હતી. શેરનો મતલબ મારા દિમાગમાં ઊતરે તે પહેલાંજ નિદ્રારાણીનું ઘેન મારા પોપચાં પર સવાર થઇ ગયું.


અચાનક મારી આંખો ઊઘડી ગઇ. ડોરબેલ વાગી હતી. મેં બારણું ઊઘાડ્યું. મારી ચોંટેલી અધખુલ્લી આંખો સામે એક પોલીસ કોન્સ્ટેબલ ખડો હતો. ‘સલામ, સાબ! યે લેટર હમારે પી.આઇ. સાહબ ને ભેજા હૈ. આપ કો પુલીસ થાને પે આના પડેગા.’


મેં કાગળ વાંચ્યો. લખ્યું હતું- ‘સવારે આઠ વાગ્યે શહેરથી દૂર આવેલા ભગવાન શંકરના મંદિર પાછળની ઝાડીમાંથી એક બચ્ચાંની લાશ મળી છે. કૂતરાં અને શિયાળોએ પોણા ભાગના શરીરને ફાડી ખાધું છે. આપ સાહેબને રૂબરૂમાં આવી જવાની વિનંતી છે.


કદાચ આ બાળક તમારી હોસ્પિટલમાં જન્મ્યું હોય. આ નાનકડાં શહેરમાં એક તો હોસ્પિટલ છે. ખાસ જણાવવાનું કે બાળકના માથા પર ઓજારના બે લાલ ઘેરા નિશાન છે જે કદાચ તમને...’


છેલ્લું વાક્ય મારી ઉપર વીજળી બનીને ત્રાટક્યું. હું આંખો પણ ધોયા વગર સીધો મેટરનિટી વોર્ડમાં ધસી ગયો. કાળીનાં ખાટલા પાસે જઇને જોયું, બાળક ન હતું. મેં કાળીની માને પૂછ્યું, ‘બાળકને તમે ફેંકી દીધું? શા માટે?’


‘શું કરીએ, સાયેબ?’ એ રડી પડી, ‘હરામના હમેલને કેવી રીતે સાચવીએ? મારી દીકરી કુંવારી સે!’


મેં એ બાઇને એકાંતમાં બેસાડીને પૂછપરછ કરી. જે માહિતી મળી એ રાતની બિહામણી ચીસો કરતાં પણ વધારે ભયાનક હતી. કાળી ખૂબસૂરત અને નમણી હતી. મામાજીના મુવાડાની આસપાસના કૈંક ગામોના વાસનાભર્યા પુરુષોના ડોળા કાળીનાં ગોરા માંસલ દેહ માથે મંડાયેલા હતા.


એક સાંજે એ ખેતરમાં મજૂરીએ ગઇ હતી, ત્યાં માથાભારે જમીનદારે એને ફેંદી નાખી. થોડા રૂપિયા, ઝાઝી ધમકી ગરીબ ઘરની ગભરૂ છોકરીનું મોં બંધ રાખવા માટે વધારે શું જોઇએ?


પછી તો કાળી બ્લેકમેલિંગનો શિકાર બનતી રહી. ધોળે દહાડે જમીનદાર એના ફાર્મહાઉસમાં એના મિત્રોની સાથે કાળીનો સામુહિક ભોગવટો કરતો રહ્યો. એક સરકારી અમલદાર, ગામનો પોલીસ પટેલ, એક ફોરેસ્ટ અધિકારી, એક નગરશેઠનો કૂપુત્ર, જે પરિણામ આવ્યું એ મારી ગઇ કાલની રાતનાં ઊજાગરાનું કારણ બની ગયું.


‘પણ તમારે મને તો વાત કરવી હતી! એ બાળકને તમે શા માટે ફેંકી દીધું? હવે હું પોલીસને શું જવાબ દઇશ?’ મારો અવાજ ઊંચો થવા ગયો.


કાળીની માની આંખો છલકાઇ ગઇ, ‘તમે ભણેલાં ગણેલા સો,સાયેબ! ભગવાન તમને જવાબ સૂઝાડસે. પણ અમે રહ્યાં ગરીબ માણહ. અમારી ફરિયાદ કુણ હાંભળે?’


હું ઊભો થયો. કોન્સ્ટેબલ જીપમાં બેસીને મારી રાહ જોતો હતો. મારા કાનોમાં ગઇકાલની રાતનાં બે વાગ્યે કાળી અને એની માએ બોલેલા શબ્દો પડઘાતા હતા: ‘સાયેબ! જો જો હોં! મને બચાવી લેજો!’ એ વખતે આ શબ્દોનો અર્થ એક હતો, અત્યારે એનો સંદર્ભ જુદો હતો.


પોલીસ ઇન્સ્પેકટર ભલો માણસ હતો. સાહિત્યમાં પી.એચ.ડી. થયેલો હતો એટલે મારું કામ આસાન બની ગયું. સ્ટેટમેન્ટ લખાવવું એ માત્ર ઔપચારિકતા બની ગયું. મેં એને આટલું જ પૂછ્યું, ‘સાહેબ, આ દેશમાંથી કેટલી કુંવારી માતાઓને પકડીને જેલમાં પૂરશો? એ લાચાર સ્ત્રીઓનાં શરીર ચૂંથનારાર સફેદ નકાબપોશોને પકડવા માટે તમારી પાસે કોઇ સામર્થ્ય છે ખરું?


હું હમણાં એકાદ કલાક પહેલાં જ એક ઉર્દૂ શેરવાંચી રહ્યો હતો. ત્યારે એનો અર્થ સમજાયો ન હતો, હવે સમજાય છે. તમે પણ સમજો એવી મારી વિનંતી છે: યહી દુનિયા હૈ તો ફિર ઐસી દુનિયા ક્યોં હૈ? યહી હોતા હૈ તો આખિર યે હોતા ક્યોં હૈ?


(શીર્ષક પંક્તિ: હસીબ સોજ)

No comments: