Friday, November 6, 2009

તમે ઢાળીને માથું જે અનાયાસે ધર્યો...

તમે ઢાળીને માથું જે અનાયાસે ધર્યો,

મળ્યો એ વાળ ઝભ્ભા પર ઘણાં વર્ષોપછી


વીસ વરસનો અંગાર પંડ્યા પોતે ક્યારે એકવીસનો થાય એની રાહ જોઇને બેઠો હતો. કારણ કે લગ્ન કરવા માટેની કાનૂની વયમર્યાદા ત્યારે શરૂ થતી હતી. છેલ્લા ત્રણ વરસથી અંગાર મિસરી નામની રૂપયૌવનનાં પ્રેમમાં પડેલો હતો અને ત્રણેય વર્ષમાં એક પણ દિવસ એવો નહીં ગયો હોય, જ્યારે એણે પ્રેમિકાને આ સવાલ નહીં પૂછ્યો હોય : ‘મિસરી, ચાલ ને આપણે લગ્ન કરી લઇએ.’


‘હું ક્યાં ના પાડું છું? પણ તારા મમ્મી-પપ્પાને પૂછી જોયું?’ ‘પપ્પા તો મોગલેઆઝમ ફિલ્મના જાલીમ અકબર જેવા છે. મેં એમને તારા વિશે વાત કરી, પણ એ માનતા નથી. તું ક્રિશ્વિયન અને અમે બ્રાહ્મણ. તારો ફોટો પણ મેં પપ્પાને બતાવ્યો. તું તો એમને ગમી, પણ આપણાં ધર્મ જુદા જુદા છે એની સામે પપ્પાને વાંધો છે.


’મિસરી સમજદાર હતી. એ ફિક્કું હસી પડી, ‘તો પછી ભૂલી જા ને મને! તારા પપ્પા કહે ત્યાં પરણી જા.’


‘એ કેવી રીતે બને, મિસરી? અરે, આપણે કોઇના ઘરે મળવા માટે જઇએ છીએ તો પણ એ લોકો આપણને પૂછે છે કે ‘તમે ચા લેશો કે કોફી?’ જ્યારે લગ્ન એ તો આખી જિંદગીનો સવાલ છે. એમાં આપણાં ખુદના માવતર આપણને એટલું પણ ન પૂછે કે તને શું ગમશે?આઇ લવ યુ, મિસરી! હું તારા માટે જીવું છું અને કદાચ મરવું પડે તો તારા માટે મરીશ પણ ખરો!’


એક વાત કબૂલ કરવી પડે કે અંગાર અને મિસરીનો પ્રેમ સાચો હતો. એમાં ‘ટીન એજ’ માં હોય એવું મુગ્ધ આકર્ષણ સ્વાભાવિકપણે જ હતું, પણ એ ઉત્તેજના ચામડીની સપાટીની નીચે વહેતું ઝરણું ન હતી, પરંતુ ધમનીમાં ધસમસતો સરીતાપ્રવાહ હતો.


પપ્પા સાથે વાત કરવા જેવું તો અંગારની પાસે હવે કંઇ બચ્યું જ ન હતું. એક કરતાં વધુ વાર બાપ-દીકરા વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ ચૂકી હતી અને દર વખતે મકરંદભાઇ ભટ્ટનો છેલ્લો ડાયલોગ એ જ બહાર પડતો જે દુનિયાભરના જલાલુદ્દીન મોહમ્મદ અકબરો બોલતા હોય છે :


‘યે લડકી હમેં મંઝૂર નહીં હૈ. યે શાદી નહીં હો સકતી.’ બાપની અદાલતની ઉપર કોઇ સુપ્રીમકોર્ટ નથી હોતી અને એમની નામરજીની ઉપરવટ કોઇ અપીલ નથી થઇ શકતી.


અંગારે તે સમય પૂરતી તો વાતને દફનાવી દીધી. હજુ તો એ બી.એ.ના છેલ્લા વરસમાં ભણતો હતો, એટલે આર્થિક રીતે પગભર ન હતો. પોકેટમની માટે ય પપ્પા સામે હાથ લાંબો કરવો પડતો હતો. ત્યાં લગ્ન કરવાનું તો સ્વપ્ન પણ જોઇ શકાય તેમ ન હતું. ‘બસ, એક વાર મને એકવીસ વરસનો થઇ જવા દે, મિસરી!


પછી આપણને લગ્ન કરતાં કાયદો પણ રોકી નહીં શકે.’ અંગારનો આ ડાયલોગ સાંભળીને મિસરી મીઠું મીઠું હસી પડતી.


આખરે એક દિવસ અંગાર એકવીસનો થઇ ગયો. હજુ એનું એમ.એ. નું ભણવાનું ચાલુ હતું. વેકેશનના દિવસો હતા. મિસરી પણ રજાઓ માણવા માટે એના મોસાળમાં રાજકોટ ગઇ હતી. અંગારે તક ઝડપી લીધી. બે જોડી કપડાં લઇને નીકળી પડ્યો.


પપ્પાએ પૂછ્યું, ‘કહેતાં તો જાવ, કુંવર! કઇ તરફ ચાલ્યા?’ ‘મારા એક દોસ્તને મળવા જાઉ છું. ભાવનગર તરફ.’ અંગાર જાણી જોઇને જૂઠું બોલ્યો. અને મિસરીદેવીને વરવા માટે નીકળી પડ્યો.


રાજકોટ પહોંચીને એણે મોબાઇલ ફોન ઉપર મિસરીને સંપર્ક સાઘ્યો, ‘મિસરી, હું આવી ગયો છું. તને ભગાડી જવા માટે.’ ‘અહીં? રાજકોટમાં? ભાગવા માટે આપણું અમદાવાદ શું ખોટું હતું?’


‘મેં બધી બાજુનો પૂરો વિચાર કર્યો છે. જો આપણે અમદાવાદમાંથી ગૂમ થઇએ તો બહુ દૂર જઇએ તે પહેલાં જ ઝડપાઇ જઇએ. પપ્પાની પોલીસ ખાતામાં સારી ઓળખાણ છે.’ ‘એ ઓળખાણ તો રાજકોટમાંય લાગુ પડી શકે છે.’ ‘હા, પણ પપ્પાને ખબર જ નથી કે હું અત્યારે રાજકોટમાં છું. હું તો ભાવનગર જવાનું કહીને ઘરેથી નીકળ્યો છું.’


‘ભલે.’ મિસરી માની ગઇ, ‘મને વાંધો નથી. આજે સાંજે આપણે મળીયે અને પૂરી યોજના વિચારી લઇએ. ક્યાંક બહાર જ મળવું પડશે. તું અહીં આવીશ તો મારા વાઘ જેવા ચાર મામાઓ તને ફાડી ખાધા વગર નહીં મૂકે.’


મિસરીનું દિમાગ ઝપાટાબંધ વિચારી રહ્યું, ‘તેં રેસકોર્સનું મેદાન જોયું છે, ત્યાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે બરાબર છ વાગ્યે પહોંચી જજે. આઇ વિલ બી ધેર ફોર યુ.’ અંગાર આ છેલ્લું વાક્ય સાંભળીને આકાશમાં ઊડવા લાગ્યો. એ તો સાડા પાંચ વાગ્યાથી રેસકોર્સના પ્રવેશદ્વાર પાસે પહોંચી ગયો.


બરાબર છ વાગ્યે મિસરી ત્યાં આવી પહોંચી. અંગારને આશ્ચર્ય એ વાતનું થયું કે એની સાથે એની મમ્મી પણ હતી. અંગારને થયું કે ક્યાંક માર ન ખાવો પડે તો સારું. ત્યાં તો મિસરીએ જ વાતની શરૂઆત કરી, ‘આ મારી મમ્મી છે. માર્ગારીટા એનું નામ.’


‘એ આપણને આશીર્વાદ આપવા માટે આવ્યાં છે?’ અંગારે પૂછ્યું. ‘ના, આપણે આજે ભાગી જવાના છીએ ને! મમ્મી પણ આપણી સાથે જ આવી રહ્યાં છે.’


‘હું સમજ્યો નહીં.’


‘અંગાર, એમાં સમજવા જેવું ખાસ કંઇ છે પણ નહીં. તને ખબર નથી, પણ મારી મમ્મીએ મારા જન્મ પછી મારા ડેડીથી ડિવોર્સ લઇ લીધા હતા. અમે બંને સાથે જ રહીએ છીએ અને જીવનભર સાથે જ રહેવાના છીએ.


મમ્મી ‘જોબ’ કરતાં નથી. અમે ભાડાનાં મકાનમાં રહીએ છીએ. અમારો ઘરખર્ચ મારા મામાઓ ઉઠાવે છે. પણ એક વાર આપણે લગ્ન કરી લઇએ, તે પછી મારાથી મામાઓ પાસે પૈસા કેવી રીતે માગી શકાય? મારી મમ્મી આપણી સાથે જ રહેશે.’


મિસરીની વાત સાંભળીને અંગારને ચક્કર આવી ગયા. માંડ-માંડ એ આટલું બોલી શક્યો, ‘મિસરી, હું પપ્પાની મરજી વિરુદ્ધ તારી સાથે પરણી રહ્યો છું. મારા પપ્પાને તું જાણતી નથી. ભલે હું એમનો એકનો એક દીકરો હોઉ, પણ તારી સાથે લગ્ન કર્યા પછી પપ્પા મને ઘરમાં પગ પણ મૂકવા નહીં દે. અને આપણા બે જણાંને રહેવા માટે જ્યાં મકાનના સાંસા હોય ત્યાં તારી મમ્મીને આપણે કેવી રીતે..?’


‘જો એવું હોય તો હું દિલગીર છું, અંગાર- મને ઉછેરીને મોટી કરવામાં મારી મમ્મીનો એકલીનો જ ફાળો છે. એને મામાઓના ભરોસે છોડીને હું તારી સાથે ભાગી જઇ ન શકું. હું માત્ર એવા યુવાન જોડે લગ્ન કરીશ જેની પાસે ઓછામાં ઓછા બે બેડરૂમવાળું મકાન હોય. હું તને પ્રેમ કરું છું, પણ એટલો પણ નહીં કે તારી સાથે ફૂટપાથ ઉપર રહેવા માટે તૈયાર થઇ જાઉ! બાય... એન્ડ... બેસ્ટ લક!’


સમી સાંજનો આછેરો અજવાસ રાત્રિના અંધકારમાં પલટાઇ રહ્યો હતો અને અંગાર પોતાના પ્યારની લાશ ઉપર શ્વેત કફન ઓઢાડીને રાજકોટ છોડી ગયો.


ચાર-પાંચ વરસ થઇ ગયા આ વાતને. મિસરી તો પરણીને ઠરીઠામ પણ થઇ ગઇ. એને સારું ઘર ને સારો વર મળી ગયો. વડોદરામાં એ એનાં પતિની સાથે સ્થાયી થઇ હતી. સાથે એની મમ્મી પણ રહેતી હતી. અંગાર મિસરીને વિસરીને બાપના બિઝનેસમાં પલોટાઇ રહ્યો.


અંગાર પ્રેમિકાને ભૂલી ગયો હતો, પણ પ્રેમને નહીં. પિતા મકરંદભાઇએ સેંકડો કન્યાઓ એને બતાવી, પણ એમાંની એક પણ અંગારને ગમી નહીં. એને તો પ્રેમલગ્ન જ કરવા હતા. આખરે એને કલ્પનામાં રમતી હતી એવી યુવતી મળી ગઇ. એનું નામ તારીફ.


તારીફ ખરેખર સુંદર હતી. તારીફ કરવા યોગ્ય. રૂપમાં અને ગુણમાં સંપૂર્ણ. અંગારે પપ્પાને એનાં વિશે વાત કરી. મકરંદભાઇ છંછેડાયા,
‘તું જન્મ્યો ત્યારથી નક્કી કરીને આવ્યો છે કે બાપ બતાવે એ છોકરી સાથે લગ્ન ન કરવા?’


‘પણ તમે એક વાર તારીફને જોઇ તો લ્યો. પછી ન ગમે તો ના પાડજો.’


‘જા, નથી ગમતી. આ કહી દીધું. બસ?’


‘સમજી ગયો. તમે તારીફની વિરુદ્ધ નથી, પપ્પા! તમે પ્રેમલગ્નની વિરુદ્ધમાં છો. તમારી જોહુકમીને કારણે મેં ભૂતકાળમાં એક પ્રેમિકાને છોડી દીધી, પણ હવે હું મોટો અને સમજણો થઇ ગયો છું. મારી જીવનસાથીની પસંદગી બાબતમાં હું સ્વાવલંબી બનવા માગુ છું. હું તારીફની સાથે જ લગ્ન કરવાનો છું. જોઉ છું કે તમે મને કેવી રીતે અટકાવો છો!’


‘દીકરા મારા, બૈરીની બાબતમાં સ્વાવલંબી પછી બનજો, પહેલાં આર્થિક બાબતમાં સ્વાવલંબી બનો! જો તારો નિર્ણય અફર હોય તો મારો નિર્ણય પણ અફર છે. અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જા. અને ધંધામાંથી પણ.’


મકરંદભાઇએ સિંહગર્જના કરી. અંગાર પણ હવે અંગારો બની ચૂક્યો હતો. તારીફને પામવા માટે બધું છોડીને પહેરેલા કપડે નીકળી ગયો. મકરંદભાઇએ બીજા દિવસે છાપામાં જા.ખ. છપાવી દીધી : ઉપરોક્ત ફોટાવાળો મારો દીકરો મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા માટે ઘર છોડી ગયો છે. મેં એની સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા છે. અમારી કંપનીના નામે કોઇએ એની સાથે આર્થિક વહેવાર કરવો નહીં.’


આવી કપરી હાલતમાં પણ અંગાર તારીફ સાથે પરણી ગયો. આર્યસમાજમાંથી વિધિ સંપન્ન કરીને નવદંપતી મૂંઝવણમાં ઊભું હતું કે હવે રહેવા માટે ક્યાં જવું!


ત્યાં સાથે રહેલા એક મિત્રે એના હાથમાં મોબાઇલ ફોન પકડાવી દીધો. ‘કોનો છે?’ અંગારે પૂછ્યું. મિત્ર માત્ર હસ્યો. અંગારે ફોન કાન પર લગાડયો. સામે છેડે એની પ્રથમ પ્રેમિકા મિસરી હતી :


‘હાય, અંગાર! કોંગ્રેચ્યુલેશન! આખરે તે પ્રેમ નિભાવવાની મર્દાનગી બતાવી ખરી. મેં તારા પપ્પાની જા.ખ. વાંચી. પણ તું ગભરાઇશ નહીં. વડોદરામાં અમારો મોટો બંગલો છે. તમે બંને અહીં આવી જાવ! મન પડે ત્યાં સુધી તમે અમારી સાથે રહી શકો છો. મારો પતિ તને સેટલ કરવામાં પણ મદદ કરશે. આફ્ટર ઓલ, આઇ વોઝ યોર લવર વન્સ અપોન એ ટાઇમ!’‘


(શીર્ષક પંકિત :હિતેન આનંદપરા)

No comments: