આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે,
પાણીની સમજણ નથી ને વહાણનો આકાર છે
રિષભ શાહ નોકરી માટેનો ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. અમદાવાદ શહેરથી બસો કિ.મી. દૂર આવેલું સાવ નાનકડું ગામ હતું. આદિવાસી વિસ્તાર હતો. તકલીફોનો ગુણાકાર હતો અને સગવડોનો ભાગાકાર.
ઇન્ટરવ્યૂ લેવા માટે ચેરિટેબલ હોસ્પિટલના ધનવાન ટ્રસ્ટીઓ બેઠા હતા. તેઓ કાં તો બાજુના મોટા શહેરમાં રહેતા હતા, કાં મુંબઇ-અમદાવાદમાં. જરૂર પડ્યે અહીં આવતા રહેતા હતા.
‘આવો, ડોક્ટર, બેસો!’ મંડળના પ્રમુખે પ્રેમભર્યોઆવકાર આપ્યો. ડોક્ટર ખુરશીમાં બેઠા. સામે પાંચ ખુરશીઓમાં પાંચ ટ્રસ્ટીઓ બેઠેલા હતા. દીવાલ પર મહાત્માં ગાંધી, સરદાર પટેલ અને રવીશંકર મહારાજની છબીઓ ટીંગાડેલી હતી.
‘અમે તમને નોકરીમાં રાખીશું કે નહીં એ છેલ્લે નક્કી કરીશું, પહેલાં એ નક્કી કરો કે તમે નોકરીમાં રહેશો કે નહીં?’ પ્રમુખે પ્રારંભ કર્યો. ડો. રિષભ શાહના કપાળમાં આશ્ચર્યની કરચલીઓ ઊપસી આવી,
‘હું અહીં નોકરી માટે આવ્યો છું, માત્ર ઇન્ટરવ્યૂ આપવા નથી આવ્યો.’
‘બીજો સવાલ, ‘અહીં આવતી વખતે તમે ગામમાં થઇને આવ્યા ને?’
‘બીજો રસ્તો છે ખરો?’
‘ગામની હાલત, પ્રજાનું સ્તર, રસ્તા, મકાનો, આજુબાજુનો પંથક આ બધું તમે જોયું?’ ‘હા’
‘અને છતાં પણ તમે આ પછાત આદિવાસી વિસ્તારમાં નોકરી કરવા તૈયાર છો? કારણ?’
‘હું ફકત તૈયાર જ નથી, પણ તલપાપડ છું કારણ તમારી પાછળની દીવાલ ઉપર ટાંગેલી છબીમાં બેઠેલા ત્રણ મહાપુરુષો છે. પોરબંદરના દીવાનના પુત્રને વિલાયતથી પરત આવ્યા બાદ જો આ દેશની ગરીબ ને અભણ પ્રજા સાથે કામ કરવું ફાવ્યું તો પછી મને કેમ નહીં ફાવે?
હું સુખી ઘરનો ડોક્ટરી ભણેલો આધુનિક યુવાન છું એમાં ના નથી, પણ મારા દિમાગમાં ગરીબ જનતાની સેવા કરવાના સપનાં છે, આંખોમાં આદર્શો છે અને હૃદયમાં ભાવના છે. હું અહીં નોકરી કરવા માટે નહીં, પણ સેવા કરવા માટે આવ્યો છું.’
‘ઇન્ટરવ્યૂ’ પૂરો થઇ ગયો. શેઠિયાઓએ જે જાણવા જેવું હતું એ જાણી લીધું. ડો. રિષભ શાહ પ્રથમ પ્રયત્ને એમ.ડી. ગાયનેકની ડિગ્રી પ્રાપ્ત કરી ચૂકેલા હોંશિયાર ડોક્ટર હતા.
અમદાવાદની મોટી હોસ્પિટલમાં કામનો અનુભવ હતો. તાજા પરણ્યા હતા. નવી નવેલી દુલ્હન સાથે ગુજરાતના ગમે તે શહેરમાં સ્થાયી થઇને પોતાની અંગત ને આગવી ટંકશાળ ખોલી શકતા હતા.
એમના જેવો સુંવાળો ડોક્ટર આ વિસ્તારમાં ફરવા માટે પણ ફરકે નહીં, એના બદલે આ જંગલમાં સેવા કરવા માટે આવી ચડયા. બલિહારી બાપુની!
છેવાડાના માણસની સેવા કરવાની એમની સલાહ હજુ પણ કયાંક કો’ક આદર્શવાદી માણસને વિષાણુના ચેપની જેમ લાગી જાય છે. ડો. રિષભને પણ આ ગાંધી નામનો વાયરસ અડી ગયો. અઠ્ઠે દ્વારકા!
ડો. રિષભ ઇન્ટરવ્યૂ પતાવીને બસમાં બેઠા, બીજે દિવસે પાછા આવ્યા. સાથે જરૂર પૂરતો સામાન અને પત્નીને પણ લેતા આવ્યા. પત્ની ઋતુ એમને ફાળવવામાં આવેલા નિવાસમાં સામાન જમાવવામાં વ્યસ્ત બની ગઇ, ડોક્ટર પોતાની ફરજ ઉપર હાજર થઇ ગયા.
નોકરીની પહેલી રાતે જ પતિ-પત્ની વાતો કરવા બેઠાં. ડો. રિષભે રોટલાનું બટકું તોડતાં કહ્યું, ‘ઋતુ, જિંદગીમાં આજે પહેલી વાર એવું લાગે છે કે હું મારા પરસેવાનો રોટલો જમી રહ્યો છું. ખાવાનું શરૂ કરતાં પહેલાં જ ઓડકારનો અનુભવ થઇ રહ્યો છે.’
ઋતુ હસી, ‘એવું કેમ થાય છે? મારા હાથનો રોટલો ન ભાવ્યો કે શું?’
‘એવું ન બોલ, ઋતુ! પણ કોણ જાણે કેમ મને આજે ભૂખ જ નથી. વધુ પડતો થાક કદાચ ભૂખને મારી નાખતો હશે કે પછી રોટલો કમાવાના આનંદ આગળ રોટલો જમવાની મજા ફિક્કી પડી જતી હશે?’ ‘બહુ કામ રહ્યું આજે?’
‘વાત જ ન પૂછ! અહીં આવ્યા પછી જ સમજાયું કે એક ભારતમાં બબ્બે ભારત વસેલા છે. શહેરોની ચમક-દમક, સમૃદ્ધિ, સુવિધાઓ એ સપાટી ઉપરનું હિંદુસ્તાન છે. તમે જરાક ઊડે જાવ તો ખબર પડે કે આ દેશનો અસલી ચહેરો ચીંથરેહાલ છે.
ઋતુ, મારી ઓ.પી.ડી.માં આવેલી તમામ સ્ત્રીઓ એનિમીક હતી. કોઇનુંયે હિમોગ્લોબીન છ ગ્રામ પ્રતિશતથી વધારે નહીં હોય. એક પણ પ્રેગ્નન્ટ બાઇનું વજન તબીબી પેરામીટર પ્રમાણે વધી રહ્યું નથી.
હું શક્તિની દવાઓ તો આપું, પણ કોઇને એમ નથી કહેવાતું કે આ ગોળી દૂધ સાથે લેવાની છે. અહીં પેથોલોજિસ્ટ નથી, બ્લડ બેન્ક નથી, એનેસ્થેટીસ્ટ નથી, સો સુવાવડોમાંથી વીસ જનેતાઓ મૃત્યુ પામે છે, ચાલીસ બાળકો ઊગતાં પહેલાં જ આથમી જાય છે.’
‘તો શું કરવું છે આપણે? નોકરી મૂકીને શહેરમાં ચાલ્યા જવું છે?’
‘ના, ઋતુ, ના! હું હારવા માટે અહીં નથી આવ્યો. હું મૃત્યુને મારવા માટે આવ્યો છું. હું અહીંના માળખાને બદલવાની કોશિશ કરીશ. દરેક સ્ત્રીને આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીન આપીશ. જે સગર્ભાઓને નોર્મલ ડિલિવરી ન જ થવાની હોય, એમને કષ્ટાઇને મરવા દેવાને બદલે સિઝેરિયન કરીને બચાવી લઇશ.
ધીમે-ધીમે બ્લડ બેન્ક ઊભી કરીશ. અંધકારમાં દીવો પ્રગટાવવા માટે તો અહીં આવ્યા છીએ, એમ મેદાન છોડીને ભાગી થોડા જઇશું?’
ખરેખર બીજા દિવસથી ડો. રિષભે એમની યોજનાને અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું. ટ્રસ્ટીઓની મહેરબાનીના કારણે હોસ્પિટલમાં સ્વચ્છતા અને સુવિધા પૂરતા પ્રમાણમાં હતી.
ડો. રિષભે આદિવાસી સ્ત્રીઓની જિંદગીમાં વર્ષો જ નહીં, પણ વર્ષોમાં જિંદગી ભરવાનું અભિયાન માથે પણ ઉપાડી લીધું.
એક વરસાદી રાત હતી. દોઢ વાગ્યો હશે. એક આદિવાસી પુરુષ એની પત્નીને લઇને સુવાવડ માટે આવી પહોંચ્યો. ડો. રિષભ કોલ મળતાવેંત દોડી આવ્યા. બાઇને તપાસી લીધી.
ચહેરા પર ચિંતાના વાદળો ઊમટી આવ્યા, ‘ભાઇ, તારી બૈરી તો સિરિયસ છે. એનાં પેટમાં બાળક આડું છે. બાઇનાં લોહીમાં પાણી જ પાણી છે. બાળક તો મરવાની અણી ઉપર છે, પણ...’
‘પણ હું, મારા બાપ...?’ પુરુષ ગરીબડા ચહેરે પૂછી રહ્યો. ‘તારી ઘરવાળી પણ મરવાની તૈયારીમાં છે. એક તક લેવી હોય તો હું એનું સિઝેરિયન કરી આપું. પણ ઓછામાં ઓછા ત્રણ બાટલા જેટલું લોહી એને ચડાવવું પડશે.
અહીં તો એ માટેની વ્યવસ્થા નથી, પણ જો તારી પાસે બે-પાંચ રક્તદાતાઓ હોય તો હું મારા ખર્ચે ક્યાંકથી જીપની વ્યવસ્થા કરી આપું. એમને બાજુના શહેરમાં મોકલીને લોહીની....’
‘અરે, મારા ભગવાન! હું તો હાવ એકલો જ મૂવો છઉ. મારુ કોઇ હગુવાંલુયે નથી. હાત પેઢી જેટલે છેટેનુંય કોઇ માણસ નથી કે અમને લોહી આપે. પણ તમે ઓપરેશન કરી નાખો, સાયેબ! મારી ઘરવાળી ઇમને ઇમ પણ મરી જવાની સે. ભલે ઓપરેશન પછી મરી જાતી. ભગવાનની દયા હશે તો તમને જશ હોવે મળે!’
ડો. રીષભે જરૂરી કાગળો પર પતિની સહી લીધી. બાઇને થિયેટરમાં લીધી. જાતે જ એનેસ્થેસિયા આપ્યું. સિઝેરીયન શરૂ કર્યું. જયાં પેટ ચીરીને બાળક બહાર કાઢ્યું ત્યાં સુધી તો વાંધો ન આવ્યો, પણ જેવું ગર્ભાશયમાંથી લોહી વહેવું શરૂ થયું કે તરત જ બાજી પલટાઇ ગઇ.
રકતસ્રાવ વધારે ન હતો, પણ એ સ્ત્રી માટે જીવલેણ સાબિત થયો. શરીરમાં ગુમાવવા જેટલું લોહી તો હોવું જોઇએ ને! ડો. રિષભે બાઇને બચાવવા માટે અથાક પ્રયત્નો કર્યા, અઢી કલાક સુધી ઝઝૂમ્યો, પણ જિંદગી હારી ગઇ, મોત જીતી ગયું.
ડો. રીષભે બહાર આવીને પતિના ખભા ઉપર હાથ મૂકયો, ‘ભાઇ, અફસોસ! હું તારી ઘરવાળીનો જીવ બચાવી ન શક્યો. જો તારી સાથે બે-ચાર માણસો હોત...’ આદિવાસી પુરુષ અચાનક બકરીમાંથી વાઘ બની ગયો, ‘બે-ચાર શું?
મારી પડખે તો આખું ગામ ઊભું છે.’ અને થોડી જ વારમાં આ કરુણ ઘટનાના સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા. સવારનો સૂરજ ઊગે તે પહેલાં દસ-બાર આદિવાસીઓનું ટોળુ હોસ્પિટલને ઘેરો ઘાલીને ગોઠવાઇ ગયું.
આ તરફ ટ્રસ્ટીઓ પણ દોડી આવ્યા. સમજાવટ અને સમાધાનના પ્રયત્નો શરૂ થયા, પણ આદિવાસી મુખિયાએ જીદ પકડી, ‘અમે બીજું કાંઇ ન હાંભળીયે! અમારે તો જીવના બદલામાં જીવ ખપે! ઇ સિવાય અમે બાઇની લાશ નંઇ ઉઠાવીયે.’
ટ્રસ્ટીઓ સમજી ગયા કે ડો. રિષભનો જાન ખતરામાં છે. એમણે ડોક્ટરને એક ઓરડામાં પૂરી દીધા. બનાવટી વાટાઘાટોનો દૌર ચાલુ રાખ્યો. પછી લાગ જોઇને પાછલા બારણેથી ડોક્ટર અને એમના પત્નીને વેશ પલટો કરાવીને જીપમાં બેસાડીને રવાના કરી દીધા. જાન બચી તો લાખો પાયે!
ડો. રિષભનો મોહભંગ થઇ ચૂકયો છે. એમની આદર્શઘેલી આંખોમાંથી સેવા કરવાના સપનાં રાખ બનીને ખરી પડ્યા છે. છબીમાં દેખાતા મહાત્માઓનું સ્થાન દેવી લક્ષ્મીજીએ લઇ લીધું છે.
શહેરમાં નર્સિંગહોમ ખોલીને ડો. રિષભ આરામદાયક પ્રેક્ટિસ કરી રહ્યા છે. એમના પત્ની ઋતુબહેન પણ હવે રોટલા બનાવવાનું ભૂલીને પંજાબી અને ચાઇનિંઝ ડિશીઝ રાંધી રહ્યાં છે.
બધું બરાબર છે, ક્યાંક કશી જ ફરિયાદ નથી. સપાટી પરનું ભારત સુખી છે, તળિયાનું હિંદુસ્તાન કેવી હાલતમાં સબડે છે એ જાણવાની હવે એમને પરવા નથી.
અલબત્ત, એક ફરિયાદ કયારેક ડો. રિષભની જીભ ઉપરથી ટપકી પડે છે: ‘એ બાઇનાં કરુણ મોત પછી હજારો આદિવાસીઓ તીરકામઠાં અને ભાલા લઇને મને મારવા માટે ઊમટી પડયા એને બદલે ફકત બે જ માણસો રકતદાન માટે તૈયાર થઇને એ સ્ત્રીનો જીવ બચાવવા માટે એની સાથે આવ્યા હોત તો?’
‘આ સવા મણના ‘તો?’નો જવાબ બહુ સરળ છે: ‘તો એક આદિવાસી બાઇનું મોત ન થયું હોત... અને એક સેવાભાવી ડોક્ટરના આદર્શો પણ અકાળે મૃત્યુ પામ્યા ન હોત!
(શિર્ષક પંક્તિ: ચીનુ મોદી)
No comments:
Post a Comment