Friday, September 17, 2010

સ્વપ્નમાં આવી ચડે છે માતબર કન્યા સખી કેટલી ને ક્યાં સુધી જાળવવી આમન્યા સખી

‘બસ! હવે નહીં જીવી શકાય.’ વીસ વરસની જન્નત જોષીપુરાએ પૃથ્વીના વજન જેટલો ભારે ભરખમ નિસાસો નાખ્યો, ‘હવે તો મરવું એ જ એક માત્ર ઉપાય છે.’રવિવારનો દિવસ હતો. વરસાદી મોસમ હતી. આસમાન ઘેરાયેલું હતું અને જન્નત એના બેડરૂમની પથારીમાં વેરાયેલી હતી. ક્રીમ કલરના કાર્ગો થ્રી-ફોર્થ અને આછા લવંડર રંગના ટોપમાં અત્યારે એ વિશ્વસુંદરી નહીં, પણ બ્રહ્નાંડ સુંદરી લાગી રહી હતી. પણ એની મરી જવાની વાત સાંભળીને એને મળવા આવેલી એની સહેલીઓ ચિંતામાં પડી ગઇ.

‘પણ તું એક વાર એને મળીને વાત તો કર! શક્ય છે એ તારા પ્રેમનો સ્વીકાર કરે...’ પલકે જન્નતના ખુલ્લા કેશમાં આંગળીઓ ફેરવીને હૂંફ આપવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો.

નમિતાએ પોતાનો મત રજૂ કર્યો, ‘મને તો ખાતરી છે કે એ હા જ પાડશે. તારા જેવી અપ્સરા એને ત્રણ લોક અને ચૌદ ભુવનમાંય ન મળે.’

‘જો તારી હિંમત ન ચાલતી હોય તો અમને છુટ આપ, તારા દિલની વાત એ પથ્થરદિલને મળીને અમે...’ સંજનાએ ઉપાય બતાવ્યો.મોનાએ એ ઉપાયને ટૂંકો કરી દીધો, ‘તું કે’તી હોય તો હું એ જાલીમને અત્યારે જ ફોન કરું!’

જેટલી સહેલીઓ હતી એટલાં સૂચનો હતાં, સૂઝાવો હતા, ઉપાયો હતા. પણ જન્નતને ઘેરી વળેલી હતાશા એ બધાં કરતાં વધુ મોટી હતી. એ ઓશીકા ઉપર માથું ઢાળીને પડી હતી અને ટૂંકા-ટૂંકા શ્વાસ લઇને લાંબા-લાંબા નિસાસા મૂકી રહી હતી.

એની હતાશાનું કારણ અને એનાં આંસુઓનું સરનામું, એની સહેલીઓ દ્વારા ઉચ્ચારાયેલા પથ્થરદિલ અને જાલીમ જેવાં વિશેષણોનો માલિક આ બધું એક જ હતું. એ યુવાનનું નામ હતું મુકદ્દર મહેતા.

મુકદ્દર મહેતા અને જન્નત જોષીપુરા છેલ્લાં ત્રણ વરસથી એક જ કોલેજમાં એક જ કલાસમાં ભણતાં હતાં. જન્નત કોલેજની છોકરીઓ માટે આન, બાન અને શાન સમી હતી, તો મુકદ્દર છોકરાઓના ભગવાન સમો હતો. પણ અફસોસની વાત એ હતી કે આ બંને જણાં કાયમ એકબીજાની સાથે ટકરાતાં રહેતાં હતાં. બે ઉઘાડી તલવારોની જેમ એ બંનેની આંખો જ્યારે પણ ટકરાતી, એમાંથી નફરતના તણખા ઝરતા હતા.

અથડામણનો આરંભ કોલેજમાં યોજાયેલી ડિબેટથી થયો હતો. વિવાદનો વિષય હતો : જીવનસાથીની પસંદગીમાં બાહ્ય દેખાવનું મહત્વ હોવું જોઇએ કે નહીં?

પ્રારંભિક ચરણમાં એંશી જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પણ ફાઇનલમાં માત્ર બે નામો પહોંચ્યાં હતાં. જન્નત અને મુકદ્દર.આશ્ચર્યની વાત એ હતી કે બંને અંતિમ સ્પર્ધકોએ બાહ્ય વ્યક્તિત્વના મહત્વનો અસ્વીકાર કર્યો હતો પણ બંનેની દલીલો વિરોધાભાસી હતી.

જન્નતે તર્કબદ્ધ રીતે પોતાની વાત મૂકી હતી, ‘પુરુષનું વ્યક્તિત્વ ન જોવાય, એના તો માત્ર ગુણો જોવાય. એનું મુખ્ય કાર્ય પૈસા કમાવાનું છે. એના માટે પુરુષમાં આવડત છે કે નહીં તે મહત્વનું છે. જગતમાં દેખાવ જોઇને કોઇ પુરુષને નોકરીમાં રાખતું નથી, પણ એની ડિગ્રી, આવડત, પ્રામાણિકતા અને સ્વભાવ જોઇને નોકરીમાં રાખે છે.’ પછી યુવતીઓની તાળીઓના ગડગડાટ વચ્ચે એણે ચર્ચાનું સમાપન કર્યું હતું,

‘વિશ્વભરના સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓ કબૂલ કરે છે કે દેખાવડા અને સ્માર્ટ પુરુષો બધા જ ચારિત્રયહીન હોય છે. જેનો પતિ કામદેવ જેવો સોહામણો હોય એની પત્ની હંમેશાં આંસુઓથી ઓશીકું ભીંજવતી રહે છે. માટે મારી તો એક જ વિનંતી છે, બહેનો, તમે કાળા કે કદરૂપા પુરુષને તમારા પતિ તરીકે વધાવી લેજો, પણ દેખાવડા પુરુષની મોહજાળમાં ક્યારેય ન ફસાશો.’

છોકરીઓની ભયંકર ચિચિયારીઓ વચ્ચે મુકદ્દર બોલવા માટે ઊભો થયો, ‘હું મારી વાત ત્યાંથી શરૂ કરીશ જ્યાં આગળ મારી મૂર્ખ પ્રતિસ્પર્ધીએ ખતમ કરી છે. એણે કહ્યું કે સુંદર પુરુષો લફરાબાજ હોય છે. હું પૂછું છું કે આ વાત માટે એની પાસે કોઇ પુરાવો છે ખરો? સત્ય તો એ છે કે સુંદર સ્ત્રીઓ જ કાયમ લફરાબાજ હોય છે. કવિની આ પંક્તિઓ આ વાતની સાબિતી છે : હુશ્નવાલે કિસી કે યાર નહીં હોતે હૈ, અગર હોતે હૈ તો વફાદાર નહીં હોતે હૈ. આપણી ભાષામાં એક નાટક આવી ગયું જેનું નામ હતું: જેની રૂપાળી વહુ, એના ભાઇબંધ સહુ! મિત્રો, જે સ્ત્રીએ પૂરી જિંદગી ઘરના રસોડામાં ચૂલો ફૂંકતા રહેવાનું છે એ માધુરી દીક્ષિત હોય કે મંગુડી હોય એનાથી શો ફરક પડવાનો છે? જ્યારે પુરુષે તો ઘરની બહાર નીકળવાનું છે, દુનિયા જીતવાની છે, સામેવાળાને આંજી દેવાના છે, આ માટે જેટલી જરૂર આવડતની છે એટલી જ આવશ્યકતા સુંદર વ્યક્તિત્વની છે.’

જન્નત માટે જેટલી તાળીઓ પડી હતી એટલી જ મુકદ્દર માટે પણ પડી. નિર્ણાયકોએ ભારે ગડમથલ બાદ બંને જણાંને સંયુક્ત વિજેતા તરીકે જાહેર કર્યા. ટ્રોફી અને ઇનામ લેવા માટે મંચ ઉપર આવેલી જન્નતે ફરી પાછો ટોણો મારી લીધો, ‘હું આજીવન કુંવારી રહીશ,પણ કોઇ કામદેવને મારા પતિ તરીકે પસંદ નહીં કરું!’

જવાબમાં મુકદ્દરે પણ ચાબખો ફટકારી લીધો, ‘મારે માત્ર મારા માટે જ લગ્ન કરવાં છે, મારા પડોશીઓ માટે નહીં, માટે હું પણ કોઇ સામાન્ય દેખાવની યુવતી જોડે લગ્ન કરીશ. રતિ જેવી રૂપમતીને તો હું નોકરાણી પણ ન બનાવું!’

સામ સામે ફૂંફાડા મારીને બેય જણાં છુટાં પડ્યાં, પણ નફરતના પડદા ઉપર શરૂ થયેલી વેરઝેરની ધારાવાહિક ટી.વી. સિરિયલ પૂરા ત્રણ ત્રણ વરસ સુધી ચાલતી જ રહી, ચાલતી જ રહી.

અને આજે કોલેજનું અંતિમ વરસ પૂરું થઇ ગયું ત્યારે જન્નતને એ વાતનો અંદાજ આવ્યો કે આ બધું ઉપરછલ્લું હતું, પોકળ હતું, અભિનય હતો, દંભ હતો, હકીકત એ હતી કે મુકદ્દર એને ગમતો હતો. એના વગર રહેવું અઘરું હતું, જીવવું અશક્ય હતું, માટે મરવું એ જ હવે તો એક અને અંતિમ ઉપાય બચ્યો હતો.

સહેલીઓએ સહાયભૂત બનવાની ઘણી દરખાસ્તો કરી, પણ જન્નતનું અભિમાન આડે આવ્યું. એણે ના પાડી દીધી. ધીમે ધીમે બધી જ છોકરીઓ ચાલી ગઇ. જન્નતે આત્મહત્યા કરવાનો મક્કમ નિર્ધારકરી નાખ્યો. એ માટે સ્યૂસાઇડ નોટ પણ લખી નાખી. એ કાગળ ગડી વાળીને મમ્મીના હાથમાં આવે એમ એમની પથારીમાં ઓશીકા નીચે દબાવીને એ ઘરની બહાર નીકળી ગઇ. સાંજના પાંચ વાગ્યા હતા. વરસાદ ચાલુ થઇ ગયો હતો. જન્નત ચાલતી-ચાલતી શહેરથી દૂર આવેલા જળાશય પાસે પહોંચી ગઇ.

‘ગૂડ બાય, મુકદ્દર!’ એ પાળી ઉપર ઊભી રહીને બબડી, ‘હું જઇ રહી છું. શક્ય હશે તો આવતા ભવે મળીશું.’

મુકદ્દરના પપ્પા સનતભાઇ બહુ મોજીલા માણસ હતા. એમણે દીકરાને બોલાવ્યો અને વાત છેડી, ‘આવો, મારા રાજકુમાર! તમારું ભણવાનું પૂરું થયું. હવે શું કરવાનો વિચાર છે?’

‘પપ્પા, વિચારું છું કે આઇ.એ.એસ.ની તૈયારી શરૂ કરું...’

‘જે કરવું હોય એ પછી કરજે, પહેલાં છોકરી પસંદ કરી લે! અહીં એકાવન ફોટોગ્રાફ્સ તારા માટે તૈયાર રાખ્યા છે. તને ગમે તે આ ઘરની રાણી! જોજે, ગમે તે એક ને જ પસંદ કરવાની છે, એકાવનને નહીં!’

મુકદ્દર હસી પડ્યો, ‘પપ્પા, ગંજીફામાં તો બાવન પત્તાં હોય છે.’

પપ્પા સમજી ગયા, ‘છે કોઇ તારા ધ્યાનમાં? તો ઊતર્યું પાનું સવા લાખનું! નામ જણાવ!’

‘પણ પપ્પા...! જે છોકરી મને ગમે છે એ મને નફરત કરે છે.’

‘અરે, તું એનું નામ બોલી નાખ! હું એનું અપહરણ કરીને પણ તારી સાથે પરણાવી દઇશ. મને એનો ફોન નંબર આપ, હું અત્યારે જ એની સાથે વાત કરું!’ મુકદ્દરે નંબર આપ્યો, સનતભાઇએ લગાડ્યો.

જન્નત છલાંગ લગાવવાની તૈયારીમાં હતી ત્યાં જ એના સેલફોનની રિંગ વાગી. સામેથી કોઇ અજાણ્યો આધેડ પુરુષ એને ધમકી આપતો હોય એમ પૂછી રહ્યો હતો, ‘એય અભિમાની છોકરી! તારે મારા દીકરા મુકદ્દરની સાથે લગ્ન કરવા છે કે... પછી હું તને તળાવમાં ડુબાવીને મારી નાખું?’ આસમાન ખાંગુ થઇને વરસતું હતું. જન્નતે જવાબ પછી આપ્યો, પહેલાં તો તળાવની ભીની લપસણી પાળ ઉપરથી પગ પાછો ખેંચી લીધો. જિંદગી એને પોતાની રમ્ય બાહોમાં ખેંચી રહી હતી

No comments: