રજાનો દિવસ હતો. પચીસ વરસનો સૌષ્ઠવ હજુ પથારીમાં પડ્યો હતો. સવારના સાડા નવ વાગ્યા હતા, પણ હજુ એની સવાર પડી ન હતી. ત્યાં એનો ટેલિફોન રણક્યો. જેને આસમાનમાં ઊગેલો સૂરજ ન જગાડી શક્યો એને ધરતી ઉપર ખીલેલી પ્રેમિકાએ ઊઠાડી દીધો.
ફોનના દોરડામાંથી કામણ ટહુકી રહી હતી, ‘હાય, ગુડ મોર્નિંગ!’
‘ગુડ મોર્નિગ, ડાર્લિંગ!’ સૌષ્ઠવ રજાઇ ફગાવીને પથારીમાં બેઠો થઇ ગયો.
‘તને ડિસ્ટર્બ તો નથી કર્યો ને?’
‘ડિસ્ટર્બ તો તેં મને કર્યો જ છે. આખી રાત... મારા સપનામાં આવીને...’
સૌષ્ઠવ રોમેન્ટિક મૂડમાં આવી ગયો, ‘તારી વાત કર, તું શું કરે છે?’
‘તને મિસ’ કરું છું.
‘મિસ શા માટે કરે છે? એને બદલે ‘કિસ’ કરવાનું રાખ ને!’
‘એના માટે તારે મને મળવું પડે. હોઠ કંઇ ટી.વી. નથી જે રિમોટ કન્ટ્રોલથી ઓપરેટ થાય.’
કામણનાં બોલવાના લહેજામાં એવું આમંત્રણ હતું કે સૌષ્ઠવ ઊભો થઇ ગયો. ઘડિયાળમાં જોઇને બોલી ગયો, ‘સાડા નવ વાગ્યા છે. સાડા દસે હું તારા ઘરે પહોંચું છું. તૈયાર રહેજે.’
‘પણ આજનો કાર્યક્રમ શું છે એ તો જણાવ.’
‘એક વાર કહ્યું ને! તારો કાર્યક્રમ તૈયાર થવાનો અને મારું કામ તારી ‘તૈયારી’ને બગાડી નાખવાનું. હું કલાકમાં પહોચું છું બાઇક ઉપર નીકળી પડીશું. ફાર્મ હાઉસ પે જાયેંગે...ખાયેંગે, પીયેંગી, ઐશ કરેંગે... ઔર કયા?’
કામણ પણ ઝૂમી ઊઠી, ‘ડન! કેટલી વારમાં આવે છે? જલદી કરજે..’
‘હા, પણ તું ફોન ‘કટ’ કરે તો હું જલદી કરુ ને!’ સૌષ્ઠવે કહ્યું એ સાથે જ કામણે ફોન કાપી નાખ્યો. સૌષ્ઠવ ‘બ્રશ’ કરવા માટે દોડી ગયો.
સૌષ્ઠવ અને કામણ પ્રેમમાં હતા એ વાતની જાણ પહેલા આખા શહેરને થઇ, એ પછી બેયના મમ્મી-પપ્પાને થઇ. બંને પરિવારો સમૃદ્ધ હતા, એકમેકના બરોબરિયા હતા. એટલે વિરોધ માટે કશું કારણ ન હતું. તરત જ બંનેની સગાઇ કરી દેવામાં આવી. આવતા ડિસેમ્બરમાં લગ્નનું મુહૂર્ત પણ નક્કી થઇ ચૂકયું હતું. એ પહેલાંનો સમય આ પ્રેમી પંખીડા મન ભરીને માણી રહ્યા હતા અને તન ઠાલવીને ઊજવી રહ્યા હતા.
અલબત્ત, કામણે એક ચોક્કસ હદ પછીની છૂટછાટ લેવા માટે સૌષ્ઠવને મનાઇ ફરમાવી દીધી હતી. કયારેક સૌષ્ઠવની ભીતરનો પુરુષ ઉશ્કેરાઇ જતો હતો, ‘તું આવું કેમ કરે છે? આપણે લગ્ન કરવાના જ છીએ ને! પછી ના શા માટે પાડે છે?’
જવાબમાં કામણ હસીને કહેતી હતી, ‘મારે પણ એ જ કહેવું છે. આપણે લગ્ન તો કરવાના જ છીએ ને! તો પછી તુંં આવું કેમ કરે છે?’
‘ઓહ શીટ! મને કોઇ એ માણસનું નામ લાવી આપો ને જેણે આ લગ્ન નામની ઘટનાની શોધ કરી હોય! હું એનું ગળું દબાવી દઇશ. કામણ, તું મારા એક સવાલનો જવાબ આપ. જો આપણે પૃથ્વી પરના પહેલા સ્ત્રી-પુરુષ હોત તો શું થાત? આપણું લગ્ન કેવી રીતે થાત? આદમ અને ઇવે તો લગ્ન વગર જ...?’
કામણ ખીલખીલાટ હસી પડી, ‘તું ભલે આદમ થવા માટે તૈયાર થઇ જાય, પણ મને ઇવ બનવામાં જરા પણ રસ નથી. જો તું આદીમાનવ હોય, તો હું તારી સાથે વાત પણ ન કરું.’ બદલામાં ચીડાયેલા સૌષ્ઠવ પાસે એ જ જવાબ હતો જે જગતભરના તમામ પ્રેમીઓ પાસે લગ્ન પહેલાં હોય છે, ‘ચિબાવલી! એક વાર લગ્ન થઇ જવા દે ને! પછી તારી વાત છે.’
આ રોમાન્સ હતો, લંપટતા ન હતી. સૌષ્ઠવ સંસ્કારી મા-બાપનો સંસ્કારી પુત્ર હતો. જુવાન પુરુષ પોતાની પ્રેમિકા આગળ શૃંગારરસની વાતો ન કરે તો બીજા કોની આગળ કરે?
લગ્નજીવનના લાખો સપનાં અને મધુરજનીની કરોડો કલ્પનાઓમાં રાચતાં આ બંને પ્રેમીજનો ડિસેમ્બરની પ્રતીક્ષા કરતા હતા અને જ્યારે પણ મોકો મળે ત્યારે એકબીજાને મળી લેતા હતા. આજે પણ આવો જ મોકો મળ્યો હતો એટલે સૌષ્ઠવ નાહી-ધોઇને જીન્સ-ટી શર્ટ ચડાવીને બાઇક પર બેસીને નીકળી પડ્યો.
આજે એના દિલની ધડકન તેજ હતી, એટલે એની બાઇકની ગતિ પણ વધુ હતી. સૌષ્ઠવ પૂરપાટ વેગે બાઇક ભગાવી રહ્યો હતો, ત્યાં જ બાજુની ગલીમાંથી એક છકડો બહાર ધસી આવ્યો. રજાનો દિવસ હોવાથી અને ટ્રાફિક શાંત હોવાથી છકડો પણ એની મહત્તમ સ્પીડ ઉપર દોડી રહ્યો હતો. બંને વાહનો ટકરાઇ ગયા. ‘ધડામ્’ કરતો મોટો અવાજ થયો, છકડો વજનદાર સામાનથી લદાયેલો હતો, એટલે સહેજ ફંટાવા સિવાય એને બીજું કંઇ જ નુકસાન ન થયું, પણ સૌષ્ઠવ મોટરબાઇક સાથે હવામાં ફંગોળાઇ ગયો.
બાઇક એક તરફ અને સૌષ્ઠવ બીજી તરફ. ત્યાં જ સામેથી આવતો ખટારો એના બંને પગ ઉપર થઇને દોડી ગયો. સૌષ્ઠવ એક ચીસ પાડીને શાંત થઇ ગયો. લોકો દોડી આવ્યા. પહેલું કામ ટોળાએ પેલા છકડાચાલકની ધોલાઇ કરવાનું કર્યું. પછી પોલીસને બોલાવવામાં આવી. જે કામ સૌથી પહેલું કરવાનું હોય તે સૌથી છેલ્લે થયું.
બેહોશ બની ગયેલા સૌષ્ઠવને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો. એને તાકીદની સારવાર આપીને બચાવી લેવામાં આવ્યો, પણ બીજા દિવસે ઓર્થોપેડિક સર્જને નિર્ણય લેવો પડ્યો, ‘સોરી, પેશન્ટના બંને પગના હાડકાંનું કચુંબર થઇ ગયું છે. સેપ્ટિક થઇ જાય તે પહેલાં...’
છકડાચાલક એક આદિવાસી જુવાન હતો. કાનજી એનું નામ. અકસ્માતમાં એનો પણ એટલો જ વાંક હતો જેટલો સૌષ્ઠવનો. પણ ટોળાએ એને ધબેડી નાખ્યો. સારુ થયું કે પોલીસ સમયસર આવી ગઇ.
કાનજી ઉપર કેસ દર્જ થયો. છકડાનો માલિક સૌષ્ઠવના પપ્પા પાસે દોડી આવ્યો, ‘માફ કરો, શેઠ! કાનજીની ભૂલ થઇ ગઇ. એને સજામાંથી બચાવી લો.’
‘માફ કેવી રીતે કરું?’ મારો એકનો એક દીકરો બેય પગ ગુમાવી બેઠો છે. અમારી ઘડપણની લાકડી તૂટી ગઇ.’
‘હું આપના પગમાં પડું છું. સમાધાનનો કોઇ રસ્તો સૂઝાડો. તમે કહો તેટલા પૈસા...’
સૌષ્ઠવના પિતા ગરમ થઇ ગયા, ‘તું ગધેડો છે. મારો બંગલો તું જોઇ શકે છે ને? તારા જેવો મામૂલી દુકાનદાર મને શું આપી શકવાનો છે? અને કાનજી જેવા બેદરકાર ડ્રાઇવરને જો નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવે, તો કાલે ઊઠીને એ બીજા કોઇની જિંદગી બરબાદ કરી નાખશે. એને સજા મળવી જ જોઇએ. હું એને જેલ ભેગો કરાવીને જ જંપીશ.’
દુકાનદાર ચાલ્યો ગયો. એને બાપડાને કયાં ખબર હતી કે આ એક અકસ્માત ધનવાન બાપના સોહામણા દીકરાનું જીવન કઇ હદે બરબાદ કરી નાખ્યું હતું.સૌષ્ઠવના બંને પગ કાપી નાખવામાં આવ્યા એ પછીના બીજા જ દિવસે કામણનાં પપ્પા આવીને ખબર કાઢી ગયા અને સાથે સાથે બીજી ખબર આપી પણ ગયા, ‘મિ. શાહ, મારી દીકરીનું તમારા દીકરા સાથે થયેલું સગપણ હું ફોક કરું છું.’
‘અરે, પણ... એક વાર કામણને સૌષ્ઠવને મળવા તો...’, ‘આ નિર્ણય અમારો નથી, કામણનો છે. લગ્ન થઇ ગયા પછીના અકસ્માતની વાત અલગ હોય છે, બાકી આજની કોઇ સમજુ છોકરી બંને પગ વગરના યુવાન જોડે લગ્ન કરવાનો વિચાર સુદ્ધાં ન કરે!’ સૌષ્ઠવે પગ પણ ગુમાવ્યા અને પ્રેમિકા પણ. જિંદગીના પથ ઉપર પ્રવાસ કરવાના બંને આધારો ગુમાવીને એ ઘરે આવ્યો. એક દિવસ અચાનક એના બંગલે પોલીસમેન આવી ચડયા. સાથે છકડાનો ડ્રાઇવર કાનજી પણ હતો. સૌષ્ઠવના પપ્પાએ એમને બારણામાં જ અટકાવી દીધા. પૂછયું, ‘પરવાનગી લીધા વગર તમે મારા દીકરાને મળી નહીં શકો.’
એક હવાલદારે જવાબ આપ્યો, ‘અમે પરવાનગી લીધા પછી જ આવ્યા છીએ. જેલર સાહેબે આ કેદીને...’‘મારા દીકરાને મળવા માટે મારી પરવાનગીની જરૂર છે, જેલરની નહીં. આ માણસે મારા સૌષ્ઠવની જિંદગી બરબાદ કરી નાખી છે. એને તાત્કાલિક અહીંથી લઇ જાવ. નહીંતર મારાથી તમારું બધાનું અપમાન થઇ જશે.’
‘પપ્પા, એને અંદર આવવા દો! સાંભળું તો ખરો કે કાનજી શું કહેવા માગે છે. ઓરડામાંથી સૌષ્ઠવની બૂમ સંભળાઇ. બાપે વિરોધ છોડી દીધો.’ કાનજી દોડીને ઓરડામાં પહોંચી ગયો. પથારીમાં સૂતેલા સૌષ્ઠવના ‘પગ’ પાસે લાકડી બનીને પડી ગયો, રડી પડ્યો, ‘નવું જીવન માગવા આવ્યો છું, ભાઇ! મારી ભૂલ હું કબૂલ કરું છું, પણ ‘સ્પીડ’ તો તમારી પણ હતી. તમારા પગ ગયા, મારું ભવિષ્ય જવાની અણી ઉપર છે.’
‘હું સમજ્યો નહીં.’
‘ભાઇ, હું આદિવાસી છું. અમે જે ગોળના છીએ એમાં રિવાજ છે કે જો કોઇ કુંવારો પુરુષ જેલમાં જાય તો એને કોઇ છોકરી ન આપે. એના ખાનદાનની આબરુ ધૂળમાં મળી જાય છે. હું આખી જિંદગી વાંઢો મરી જઇશ. ભાઇ સા’બ, તમારે મને જે સજા કરવી હોય તે ઘરમેળે કરી નાખો, પણ મને જેલભેગો ન કરશો.
સૌષ્ઠવ બૂમ પાડીને એના પપ્પાને અંદર બોલાવ્યા, કહ્યું, ‘પપ્પા, આવતી કાલે જ વકીલને મળીને કેસ પાછો ખેંચાવી લો. લગ્નનું સુખ ગુમાવવાનું દુર્ભાગ્ય કેટલુ વસમું હોય છે એ મારાથી વધારે બીજું કોણ સમજી શકે? હું તો ઇશ્વરે આપેલી સજા ભોગવી લઇશ, પણ આ બાપડાને માણસે આપેલી સજામાંથી છુટકારો અપાવી દો!’
કાનજી રડી રડીને સૌષ્ઠવના પગ....ના, જયાં પગ હોવા જોઇતા હતા એ જગ્યા પરની ચાદર પલાળી દીધી. (સત્ય ઘટના પરથી)
(શીર્ષક પંક્તિ : રવીન્દ્ર પારેખ)
No comments:
Post a Comment