મારા કન્સિલ્ટંગ રૂમનું બારણું ઊઘાડીને એક આદમીએ પ્રવેશ કર્યો. શરીર ઉપર પોલીસની ખાખી વર્દી. હાથમાં ટૂંકી, જાડી લાકડી. ચહેરા ઉપર પહેલી જ નજરે જોનારનું ઘ્યાન ખેંચે એવી મૂછ અને લાલઘૂમ આંખ. પગમાં હશે તો બૂટ જ, પણ એણે જોરથી જમીન ઉપર પછાડ્યા ત્યારે મારા મનમાં શંકા જાગી કે હથોડો તો નહીં હોય ને!
‘એસ.આર.પી. કોન્સ્ટેબલ જવાનસિંહ, સર!’ એણે પગ પછાડ્યા પછી હાથનો પણ ઉપયોગ કર્યો, સલામ ઠોકીને પોતાનો પરિચય આપ્યો.
દાયકાઓ પહેલાંની ઘટના. ત્યારે મારું નર્સિંગ હોમ અત્યારે છે ત્યાં નહોતું. મારી પ્રાઇવેટ પ્રેક્ટિસની એ વખતે હજુ શરૂઆત હતી. હું બહુ અંતર્મુખી હતો. હું ભલો ને મારું કામ ભલું. સવારે અગિયાર વાગ્યે કન્સિલ્ટંગ રૂમમાં બેસી જતો, છેક બે વાગ્યા સુધી દર્દીઓ તપાસતો રહેતો. સાંજનો સમય પણ ખરો જ.
એવામાં આ ખાખી વર્દી મારા દવાખાનામાં ઘૂસી આવે એ મને કેમ ગમે? મારા ચહેરા પર ચીડ ઉપસી આવી, ‘ભાઇ, આ ગાયનેક નર્સિંગ હોમ છે, અહીં જુવાન હોય કે ઘરડો, કોઇ સિંહ આવી ન શકે. માત્ર સિંહણને જ આવવાની છૂટ છે.’ મેં રમૂજના પડીકામાં વીંટાળીને નારાજગી વ્યકત કરી.
એ ખાસ કંઇ સમજ્યો હોય એવું લાગ્યું નહીં. બાઘાની જેમ મારી સામે જોઇને બોલી ગયો, ‘સોરી, સા’બ! મેં હરિયાણા કા રહનેવાલા હૂં. આપ હિંદી મેં બોલેંગે તો સમજ સકૂંગા.’ ‘દેખો ભાઇ જુવાનસિંહ! તુમ્હારી એક બાત મુજે પસંદ નહીં આઇ. પુલીસવાલોં કો અપની વર્દી પહન કે કિસી ભી પ્રાઇવેટ દવાખાને મેં કદમ નહીં રખના ચાહીયે. ઇસસે ડોક્ટરોં કી ઇજજત પર દાગ લગ જાતા હૈ. હમારે આસપાસ કે લોગ સમજતે હૈ કિ પુલીસ ઇસલિયે આઇ હોગી કયોં કિ હમને કુછ ગલત કામ કિયા હોગા.’
જુવાનસિંહ નરમ પડી ગયો, ‘આપ કા કહેના બિલકુલ સહી હૈ, સા’બ મગર હમ ક્યા કરેં? હમ એક ભી સિવિલિયન ડ્રેસ લેકર નહીં આયે હૈ, સિર્ફ વર્દી હી વર્દી...’
‘ઠીક હૈ! ઠીક હૈ! કામ કયા હૈ યે બતાઓ.’
‘સા’બ, યે મેરી બાયીં આંખ દેખો ના! કિતની લાલ હો ગઇ હૈ?’ એણે ડાબી આંખની પાંપણ એક હાથ વડે ઉપર ચડાવીને પૂછ્યું.
મને આવું પૂછવાની જબરદસ્ત ઇચ્છા થઇ ગઇ કે છાંટો પાણી તો નથી કર્યોને! પણ પોલીસને આવું પૂછવા પાછળ રહેલા જોખમ વિશે મને એ ઉમરે પણ અંદાજ હતો, એટલે માંડી વાળ્યું. એને બદલે નિર્દોષ પ્રશ્ન પૂછી લીધો, ‘શું થયુ છે? કન્જકિટવાઇટીસ તો લાગતું નથી. આંખમાં કશુંક પડી ગયું હશે કે શું?’ મારી જાણ બહાર હું પાછો ગુજરાતી ઉપર આવી ગયો હતો. ‘ભગવાન જાને, સા’બ! કોઇ કીડા અંદર ગિર ગયા કિ છોટા સા કંકર અંદર ઘૂસ ગયા, હમેં પતા નહીં, સા’બ!’
‘સમજ ગયા. તુમ ઐસા કરો, યહાં સે થોડે આગે આંખ કા ડોક્ટર હૈ. વહાં ચલે જાઓ. યે મેરા વિષય નહીં હૈ.’ મારે એને ટાળવો હતો, બહાર પાંચેક સ્ત્રી-દર્દીઓ પોતાનો વારો આવે એની પ્રતીક્ષા કરતી બેઠી હતી.
‘અરે, સા’બ, ઐસા કયું કરતે હો? આપને એમ.બી.બી.એસ. તો પાસ કિયા હૈ ના? આંખ કી બીમારીયોં કે બારે મેં થોડા બહોત તો જાનતે હી હોંગે. કોઇ ટીપાં-બીપાં લિખ દો ના, સા’બ-! વો આંખવાલે દાગતર તો પૈસે ભી માંગેગે, સા’બ...’ હવે આખી વાત સ્પષ્ટ થઇ ગઇ. આ એસ.આર.પી.નો જુવાન બધું સમજી વિચારીને આવ્યો હતો.
એનો એકમાત્ર ઇરાદો કન્સલ્ટેશનની ફી બચાવવાનો હતો. હું એને ખખડાવીને ‘ગેટ આઉટ’ કહી દેવાની તૈયારીમાં જ હતો, ત્યાં એણે આ વાક્ય ઉચ્ચાર્યું, સા’બ, હમ સ્પેશિયલ ડ્યુટી પે ગુજરાત મેં આયે હૈ. નીચે ચૌરાહે પર જો ટેન્ટ હૈ ના, ઉસી મેં ઠહરે હુએ હૈ. આજકલ કરતે કરતે પાંચ મહિને બીત ગયે, લેકિન આપ કે અહમદાબાદ કી આગ ઠંડી હોને કા નામ હી નહીં લે રહી...’
હવે જ મારા દિમાગમાં વીજળીનો ઝબકાર થયો. એ પંરયાશીની સાલ હતી. ગુજરાત અનામત વિરોધી આંદોલનની આગમાં ભડકે બળી રહ્યું હતું. માધવસિંહ સોલંકી ગુજરાતની ગાદી ઉપર બિરાજમાન હતા અને અમરસિંહ ચૌધરી તખ્તનશીન બને ત્યાં સુધી તોફાનો શમવાનું નામ લેવાના ન હતા. આંદોલનના અંતિમ દૌરમાં તોફાનોએ કોમી વળાંક લઇ લીધો હતો. રોજ નિર્દોષ નાગરિકો પર ખંજરબાજીના પ્રયોગો થઇ રહ્યા હતા.
મારું એ વખતનું નર્સિંગ હોમ વાઘા બોર્ડર ઉપર આવેલું હતું. મારી એક તરફ શત-પ્રતિશત હિંદુ વિસ્તાર હતો, બીજી બાજુ તરફ મુસલમાનોની વસતી હતી. આ બંને પ્રજાઓ વચ્ચે હોળી પ્રગટી ન ઊઠે એ માટે બરાબર મારા નર્સિંગ હોમ પાસેના ચોકમાં એસ.આર.પી.ની ટુકડી ગોઠવી દેવામાં આવી હતી. આ જુવાનસિંહ એ જ તંબુચોકીમાં તૈનાત કોન્સ્ટેબલ હતો. એની ઓળખાણ પડી ગયા પછી હુંયે થોડો કૂણો પડ્યો, ‘ઠીક છે, હું આંખમાં નાખવાના ટીપાં લખી આપું છું. સામે શ્રેયસ મેડિકલ સ્ટોર આવેલો છે ત્યાંથી...’
‘સા’બ, આપ કી બડી કિરપા હુઇ. ઔર ભી કિરપા હોગી અગર આપને યે ટીપે અપને પાસ સે નિકાલ દિયે...’ જુવાનસિંહ તો જબરો ચીટકુ નીકળ્યો.
મેં આજુબાજુમાં નજર દોડાવી. કાચના શો-કેસમાં ફ્રી દવાઓના સેમ્પલ્સ પડ્યા હતા. મોટા ભાગના ગાયનેકની દવાઓના હતા, પણ એક શીશી આંખના ટીપાંની પણ હતી. સામાન્ય રીતે આંખના ટીપાં હું મારા અંગત વપરાશ માટે રાખી મૂકતો હોઉ છું, પણ એ દિવસે મારે ઉદાર બનવું જ હતું. બની ગયો.
‘જુવાનસિંહ, તમે નસીબદાર છો. આ ટીપાં મેં મારા માટે રાખ્યા હતા. અમદાવાદમાં પોલ્યુશન એટલું બધું છે કે ઘરની બહાર નીકળો એટલે તરત આંખો બળવા માંડે. પણ આ શીશી હું તમને આપી દઉ છું. તમે ગુજરાતના મહેમાન છો અને અમારું રક્ષણ કરી રહ્યા છો. હું તમારા માટે આટલું તો કરી શકું ને? જુવાનસિંહ કેટલું સમજ્યો અને કેટલું નહીં એ હરિયાણા જાણે પણ એટલું તો એ સમજી જ ગયો કે મેં આપેલી દવાની શીશી એણે લઇ જવાની છે. એણે શીશી જેબમાં મૂકી પાછા બૂટ પછાડ્યા, ફરી એક વાર સલામ ઠોકી અને સાવધાન... પીછે મૂડ... તેજ ચલ...ના વણકહ્યા આદેશોનું પાલન કરતો કૂચકદમ કરી ગયો.’
કેટલાક દિવસો પછીની ઘટના. બપોરનો સમય. ત્રણેક વાગ્યા હશે. હું અને મારી તબીબ પત્ની ખરીદી માટે નીકળ્યા હતા. ઓપરેશન થિયેટરમાં ખૂટતી, જરૂરી વસ્તુઓ લેવા માટે કોટની અંદરના જાણીતા વિસ્તારમાં ગયા હતા. ગાડી પાર્ક કરીને સર્જિકલ સામાનની દુકાનમાં ગયા. એકાદ કલાક પછી બહાર નીકળ્યા. ગાડીમાં બેસીને મેં એન્જિન ચાલુ કર્યું. હું એ વખતે અને આજે પણ અમદાવાદની ભૂગોળથી તદ્દન અજાણ્યો. જેવી કાર આગળ ધપી કે તરત જ પત્નીએ મને ટોકયો, ‘આ શું કરો છો? આ રસ્તો તો વન-વે છે! આપણે રોંગ સાઇડમાં જઇ રહ્યા છીએ.’
ભરચક ટ્રાફિક અને લોકોની અવરજવર વચ્ચે ગાડી પાછી વાળવાનો પ્રશ્ન જ નહતો. હું મૂંઝાયો. ત્યાં મારી મૂંઝવણમાં વધારો કરવા માટે એક ટ્રાફિકનો હવાલદાર આવી પહોંચ્યો. પોલીસની સૌથી મોટી તકલીફ એ હોય છે કે આપણે જે ગુનો કર્યો હોય એ વિશેની વાત છેક છેલ્લે કરે. શરૂઆત આમ જ કરે, ‘લાઇસન્સ નિકાલો! હેડ લાઇટ પર પીલે રંગકી પટ્ટી કયું નહીં હૈ? આર.સી. બુક કહાં હૈ?’
મારી પાસે આમાંનું કશું જ નહોતું, માત્ર આ જવાબ હતો, ‘હું ડોક્ટર છું.’ એ વખતે હું છાપામાં કટાર લખતો ન હતો, અને જો લખતો હોત તો પણ એ પરિચય પોલીસને આપવાનો કશો અર્થ ન હતો. પોલીસનું કામ છાપાંમાં ચમકવાનું હોય છે, છાપાં વાંચવાનું નહીં.
‘હું ડોક્ટર છું’ એવું સાંભળીને ટ્રાફિક કોન્સ્ટેબલ થોડો નરમ જરૂર પડ્યો, પણ એ લાચાર હતો, ‘સાહેબ, અમે રોજ તો ડોક્ટરોને જવા દઈએ છીએ, પણ આજે તો તમારે દંડ ભરવો જ પડશે. સામે ચાર રસ્તા પાસે અમારી વેન ઊભી છે. મોટા સાહેબ સહિત પૂરી ટીમ ઊતરી આવી છે. તમારો ગુનો એક નથી, વન-વેમાં ખોટી દિશામાં ઘૂસવા ઉપરાંત તમે લાઇસન્સ પણ ધરાવતા નથી...’
‘લાઇસન્સ છે તો ખરું, પણ આજે ભૂલથી દવાખાનામાં રહી ગયું છે.’ ‘તો તમારે દવાખાને જઈને એ લઈ આવવું પડશે, ત્યાં સુધી ગાડી અહીં જ રહેશે.’
‘કેવી વાહિયાત વાત કરો છો તમે? મારું નર્સિંગ હોમ છેક મણિનગરમાં આવેલું છે... ત્યાં જઈને પાછા આવતાં તો...’ મારી દલીલો અધૂરી રહી. અચાનક એક ખાખી વર્દીધારી માણસ મારી જમણી તરફની બારી પાસે આવીને ઊભો રહ્યો, ‘આપ સાહબ જરા હટીયે. ડ્રાઇવિંગ સીટ પર મુજે બેઠને દિજીયે.’ હું ચમકી ગયો, ‘ભાઈ, તમે છો કોણ? આ રીતે મારી ગાડીને..?’ એ હસ્યો, ‘હમ આપ કી ગાડી કો હાઇજેક નહીં કર રહે, સા’બ! હમ તો આપકો યે ઝંઝટ મેં સે બહાર નિકાલ રહે હૈ. આપને હમકો નહીં પહેચાના? હમ જવાનસિંહ... એસ.આર.પી. કોન્સ્ટેબલ. એક બાર આપને હમારી આંખ કા ઇલાજ કિયા થા. યાદ આયા? કૈસે આયેગા? આપ કો ભી સબ પુલીસવાલોં કી, સુરતેં એક જૈસી હી દિખતી હોગી. લેકિન હમને આપ કો પહેચાન લિયા...’
જુવાનસિંહ બોલતો ગયો અને મને ખસેડીને મારી જગ્યાએ ગોઠવાઈ ગયો. ચાવી ઘૂમાવીને એણે ગાડી ‘સ્ટાર્ટ?’ કરી. ટ્રાફિક હવાલદાર તરત જ બાજુ પર ખસી ગયો. ચાર રસ્તા પાસે ઊભેલી મોટા સાહેબની ટીમ પણ આ વર્દીધારીને રોંગ સાઇડમાં ગાડી ચલાવતો જોઈને બસ જોઈ જ રહ્યા. જાતભાઈની ઇજજત કોણ ન જાળવે?!
બે જ મિનિટ બાદ મને સાચા રસ્તા પર મૂકી દઈને એ ઊતરી ગયો, ‘જાઈયે, સા’બ! અબ રાસ્તા સાફ હૈ.’
‘ધન્યવાદ, જુવાનસિંહ! તમે ટ્રાફિક બ્રાન્ચમાં ન હોવા છતાં મને મદદ કરી એ બદલ...’
‘સા’બજી, આપ ભી કહાં આંખો કે ડોક્ટર થે? ફિર ભી આપને મેરા ઇલાજ કિયા થા ના? ઇસી કા નામ દુનિયા હૈ, આપ એક કદમ ચલેંગે, તો લોગ ચાર કદમ ચલેંગે, જે રામજી કી, સા’બ!’ જુવાનસિંહે બૂટ પછાડયા, સલામ ઠોકી. હું વિચારી રહ્યો, એક સાધારણ માણસ પણ જિંદગી જીવવાની કેટલી મોટી ગુરુ ચાવી મને શીખવી ગયો! ‘(સત્ય ઘટના)(શીર્ષક પંક્તિ : પાર્ષદ પઢિયાર)
No comments:
Post a Comment