લાગણી મારે છે પોતું, ઝંખના ઝાડુ અને,
આંસુઓ પાણી ભરે છે, પાંચ રૂપિયા રોજ પર
એણે પ્રોફેસરને પૂછ્યું, ‘સર, મે આઈ કમ ઈન?’ એટલામાં તો વર્ગખંડમાં બેઠાં હતાં એ બધાં જ છોકરા-છોકરીઓ હસી પડ્યાં. એ સહેજ મોડો પડ્યો હતો એટલે પ્રવેશવાની પરવાનગી માગતો બારણાં વચ્ચે ઊભો હતો. જે કારણે વિદ્યાર્થીઓને હસવું આવ્યું હતું એ જ કારણથી પ્રોફેસરને ગુસ્સો આવ્યો.
એમણે અવાજમાં કટાક્ષ ભેળવીને પૂછ્યું, ‘આવો, મહાશય! આપ કોલેજમાં પધાર્યા છો કે કવિ સંમેલનમાં?’ વિદ્યાર્થીના શરીર ઉપરનાં વસ્ત્રો ખરેખર બીજા બધાના કપડાં કરતાં અલગ પડી જતાં હતાં. પહોળી મોરીનો પાયજામો, ચોળાયેલો સફેદ લેંઘો, ઊભી લીટી જેવું શરીર, માથા પર ઝાડી-ઝાંખરાં ઊગ્યાં હોય તેવા દેખાતા વાળ, પગમાં સસ્તામાં સસ્તા કાળી પટ્ટીના ચંપલ અને ખભે ટીંગાતો ખાદીનો બગલથેલો.
દેશભરની તમામ ભાષાઓના તમામ કવિઓને લાગુ પડી શકે તેવો આ ડ્રેસકોડ હતો. ફક્ત ગળામાં એક પાટિયું લટકાવવાનું બાકી રાખ્યું હતું કે ‘હું કવિ છું.’
સાહેબનો પ્રશ્ન ‘આપ કોલેજમાં પધાર્યા છો કે કવિ સંમેલનમાં?’ના જવાબમાં વિદ્યાર્થીએ દિમાગનો ચમકારો બતાવ્યો, ‘કવિ છું અને કોલેજમાં આવ્યો છું.’
‘નામ?’ પ્રોફેસરે દાઢમાં પૂછ્યું.
‘જાલીમ જેતપુરી.’
પ્રોફેસરે માથું ધુણાવ્યું ‘આવાં નામ તે હોતાં હશે? લાવ, તારું આઈકાર્ડ બતાવ!’ છોકરાએ બગલથેલામાંથી કાર્ડ શોધી કાઢ્યું, સાહેબના હાથમાં આપ્યું. પ્રોફેસરે બરાડો પાડ્યો, ‘આમાં તો માલવ સોની લખેલું છે.’
‘એ મારું મૂળ નામ છે, જાલીમ જેતપુરી મારું તખલ્લુસ છે. હું જેતપુરનો છું એટલે જેતપુરી અને કવિતાઓ જાલીમ જેવી લખું છું એટલે....’ બધાંને મઝા પડી ગઈ, આ નમૂનો આખું વર્ષ મોજ કરાવશે એ વાતની ખાતરી થઈ ગઈ.
એમની ધારણા ખોટી ન પડી. માલવના રંગઢંગ તો હાસ્યપ્રેરક હતા જ, એનાં વાણીવર્તન પણ અજીબો-ગરીબ હતાં. એ મન ફાવે ત્યારે કોલેજમાં આવતો, મન ફાવે ત્યારે ચાલ્યો જતો. ઝભ્ભો-લેંધો- બગલથેલો એ એનો કાયમી પોશાક. કવિરાજ જાલીમસિંહ મોટા ભાગનો સમય ક્લાસરૂમને બદલે કોલેજના બગીચામાં પડ્યા-પાથર્યા રહે.
લીલા ઘાસની જાજમ ઉપર ઊંધા પડીને કાગળ ઉપર કવિતા અવતાર્યા કરે. દસ-પંદર કવિતાઓ ફાડીને ફેંકી દીધા પછી માંડ એકાદ કવિતાથી એમને સંતોષ થાય. એ પછીના બુધવારે કોલેજના વોલમેગેઝિનમાં એ કવિતા વાંચવા મળે. કવિ હંમેશાં ગઝલો ઉપર જ હાથ અજમાવતા.
જાલીમ જેતપુરીને જશ આપવા માટે એક વાત કબૂલ કરવી પડે, એમની ગઝલો જાનદાર જોવા મળતી હતી. દીવાલ પરના નોટિસ બોર્ડ જેવા કાચના બારણાથી બંધ થયેલા વોલમેગેઝિનમાં જાલીમની ગઝલ વાંચવા માટે સતત પંદર-પંદર દિવસ લગી ભીડ જામેલી રહેતી. આ ભીડમાં છોકરાઓ જેટલી જ સંખ્યા છોકરીઓની પણ જોવા મળી હતી.
આ છોકરીઓમાં એક હતી તસવ્વુર ઝવેરી. તસવ્વુરને છોકરી ન કહેવાય, એને તો ‘સુંદરી’ કહેવી પડે. તસવ્વુર એની પાંચ બાય દસની હાઇટને કારણે બીજી તમામ છોકરીઓથી અલગ તરી આવતી હતી. એનું ફિગર આંતરરાષ્ટ્રીય સ્તર પ્રમાણે પરફેક્ટ ટેન માર્કાવાળું હતું.
વર્ષો સુધી એના મમ્મી-પપ્પા આફ્રિકામાં હતાં. હવે ઇંગ્લેન્ડમાં સ્થાઇ થઇ ગયાં હતાં. આને કારણે તસવ્વુરનું અંગ્રેજી કોઇ અંગ્રેજ કરતાં પણ વધારે તેજ હતું. એના શાનદાર વ્યક્તિત્વ આગળ તમામ છોકરા - છોકરીઓ ઝાંખાં પડી જતાં .
આવી તસવ્વુર એકવાર ભીંતપત્ર લખાયેલી એક તરોતાજા ગઝલ વાંચતી હતી, ત્યાં પાછળથી કોઇનો અવાજ સંભળાયો, કેવી લાગી ગઝલ ? ખાલી વાંચો જ છો કે પછી સમજી પણ શકો છો ?
તસવ્વુરે વાળની પોની ટેઇલ ઉછાળીને પાછળ જોયું તો માલવ સોની ઉર્ફે શાયર જાલીમ જેતપુરી સ્વયં જોવા મળ્યા. તસવ્વુરે ઇંગ્લિશ મીડિયમવાળી છોકરીઓ ઉછાળે એ રીતે ખભા ઉછાળ્યા, વેલ, ગુજરાતી ઇઝ માય મધર ટંગ.
એ પણ તમારે અંગ્રેજીમાં બોલવું પડે છે ? માલવે કટાક્ષ કર્યો. તસવ્વુર હસી પડી, તમે માણસ તો દિલચસ્પ છો. લખો છો પણ ખૂબ સરસ. પણ એક વાત સમજાતી નથી, તમે આવું વિચિત્ર તખલ્લુસ કેમ પસંદ કર્યું છે? જાલીમ જેતપુરી ! એવું લાગે છે જાણે તમે કવિને બદલે કોઇ અંડરવર્લ્ડના માણસ ન હો !’’
માલવ ખડખડાટ હસી પડ્યો. આમ જોવા જાવ તો એ બેય વચ્ચે કશો તફાવત પણ ક્યાં છે ? અંડરવર્લ્ડનો માણસ તમને ગોળીથી ઘાયલ કરે છે, અમે કવિઓ તમને ગઝલથી મારીએ છીએ. બાય ધી વે મારું સાચું નામ માલવ સોની છે. તમારું?
આઇ એમ તસવ્વુર. આટલું કહીને અપ્સરાએ પોતાનો જમણો હાથ લાંબો કર્યો. તસવ્વુર ઝવેરી. નાઇસ ટુ મીટ યુ.
માલવે બેહોશીની અવસ્થામાં આ શબ્દો સાંભળ્યા, કોમાની હાલતમાં એ સંગેમરમરી હાથની માખણ જેવી લીસ્સી હથેળી પોતાના હાથમાં પકડી અને પછી મરતો માણસ જિંદગીના આખરી શબ્દો બોલતો હોય એવી રીતે બબડી ગયો, ‘તસવ્વુર, તમે ઝવેરી ખાનદાનની કન્યા નથી લાગતાં પણ કોઇ મોટા ઝવેરીના ભવ્ય શો રૂમનું જાજરમાન ઝવેરાત લાગો છો. હું... હું... હું... તમને...’
મરતો માણસ મરી જાય પછી શું બોલી શકે ! માલવ પણ આગળ કંઇ બોલી ન શક્યો. એ ચીસો પાડીને કહેવા માગતો હતો, તસવ્વુર તને ખબર નથી કે હું તારી જ જ્ઞાતિનો છું. ન્યાતના એક મેળાવડામાં મેં તને જોઇ હતી, એ પછી જ મેં કવિતા લખવાની શરૂ કરી. મારી જે ગઝલો તને આટલી બધી પ્રિય છે એ તને ઉદ્દેશીને જ લખાયેલી છે.
તારા રોજ દર્શન કરવાના આશયથી તો હું વિજ્ઞાન પ્રવાહ છોડીને આ કોલેજમાં ભણવા આવ્યો છું. આ મારાં કપડાં, આ ઝભ્ભો-લેંઘો અને બગલથેલો એ મારો દેવદાસ જેવો ગેટઅપ નથી, પણ તને પામવા માટેની બાધા છે.
જ્યારે તને હું મેળવીશ, એ પછી જ હું પેન્ટ-શર્ટનો પોશાક ધારણ કરીશ. અને મારી ગઝલો... ! તસવ્વુર, મારામાં એટલી હિંમત નથી કે હું તને ખાનગીમાં એક નાનો, સીધોસાધો પ્રેમપત્ર લખી શકું, માટે જ જાહેરમાં મારે આ ગઝલો લખવી પડે છે. તસવ્વુર હું હું... તને...’
વિશ્વના અગણિત પ્રેમીઓની જેમ માલવ પણ હૈયાની વાતને હોઠ ઉપર લાવી ન શક્યો. પ્રેમનો પ્રવાસ કાપવા માટે હિંમતનાં હલ્લેસાં હોવા જરૂરી હોય છે, જે એની પાસે ન હતાં. અચાનક એને ખબર પડી કે આવાં હલ્લેસાં કો’કની પાસે હતાં.
ત્રીજા વર્ષમાં ભણતા અંગાર પાટડિયા નામના એક માથાભારે યુવાને એક દિવસ તસવ્વુરને મોં ઉપર કહી દીધું, ‘તું મને ગમે છે. મારા પપ્પા અત્યારે તારા ડેડી સાથે ફોન પર વાત કરીને મારા માટે તારો હાથ માગી રહ્યા હશે. મને વિશ્વાસ છે કે તારા ડેડી તને પૂછ્યા વગર લગ્નનો નિર્ણય નહીં જ લે.’’
‘તો?’ તસવ્વુરે અભિમાનમાં ડોક મરોડીને પૂછ્યું.
‘તારા ડેડી તને પૂછે એ પહેલાં મને થયું કે હું જ તને પૂછી લઉ.’’ આમ કહીને અંગાર ઝૂક્યો. રિસેસનો સમય હતો. સેંકડો વિદ્યાર્થીઓની હાજરી હતી. એણે તસવ્વુરનો જમણો હાથ પકડીને મસ્તક નમાવી દીધું, પછી સ્પષ્ટ અવાજે પૂછી નાખ્યું, ‘વિલ યુ મેરી વિથ મી’ અને એ વેકેશનમાં મિસ તસવ્વુર ઝવેરી મિસિસ તસવ્વુર પાટડિયા બની ગઈ.
- - - - -
પાંત્રીસ વર્ષ એ કંઈ ઓછો સમય ન ગણાય. પણ પસાર થઈ ગયાં. ચોળાયેલો ઝભ્ભો-લેંઘો પહેરીને માલવ સોની નામનો એક પંચાવન વર્ષનો પુરુષ રવિવારનું છાપુ વાંચતો બેઠો હતો ત્યાં એનો ફોન રણકી ઊઠ્યો. સામા છેડે કોઈ સ્ત્રીનો અવાજ હતો, પૂછી રહી હતી, ‘કોણ માલવ? કહી શકે છે કે હું કોણ બોલી રહી છું.’
અડધી ક્ષણનાયે વિલંબ વગર માલવે એને ઓળખી કાઢી, ‘તસવ્વુર! તું ક્યાંથી? તું અને અંગાર તો લગ્ન પછી ક્યાંક પરદેશ ચાલ્યાં ગયાં હતાં ને!’
‘ઓસ્ટ્રેલિયામાં. અત્યારે પણ ત્યાં જ છીએ. માલવ, મારે તને મળવું છે. હું અત્યારે તારા શહેરમાં આવી છું. આજે બપોરે ત્રણ વાગ્યે ‘હોટલ હેવનબ્લૂ’ના રૂમ નંબર પાંચસો આઠમાં આવી શકીશ? જો આવે તો પંચાવનને બદલે ફરી પાછો વીસ વર્ષનો બનીને આવજે અને તારા જેટલા ગઝલસંગ્રહો બહાર પડ્યા હોય તે સાથે લઈને આવજે. તસવ્વુર વિલ બી ડેસ્પરેટલી વેઇટિંગ ટુ સી યુ.’
ત્રણના ટકોરે માલવ તસવ્વુરના કમરામાં હાજર હતો. હાથમાં માત્ર એક જ ગઝલસંગ્રહ હતો, ‘આ તારા માટે છે, તસવ્વુર! ગઝલ લખવાનું મેં વરસોથી છોડી દીધું છે.’
‘કેમ? હું અંગારને પરણી ગઈ એટલે?’ તસવ્વુરે ધારદાર નજરે જોયું. માલવે આંખો ઢાળી દીધી. તસવ્વુર બોલી રહી હતી, ‘તું મને ચાહતો હતો એ વાતની જાણ મને કોણે કરી એ તારે જાણવું છે? મારા પતિએ કરી. હમણાં એકાદ મહિના પહેલાં. એને મારામાં જરા પણ રસ નથી રહ્યો. ઓસ્ટ્રેલિયા જઈને એ ખૂબ કમાયો છે. હવે જાડો, ઢોલ જેવો થઈ ગયો છે.
આખી રાત દારૂ ઢીંચ્યા કરે છે. એક રાતે દારૂના નશામાં જ એ બબડી ગયો. ‘તું તો પેલા કવિને જ લાયક હતી. હું તને ખાલી અમથો ઉપાડી લાવ્યો. સાલ્લો, જાલીમડો તારું રૂપ જોઈ-જોઈને શાયરી લખતો હતો.’ ત્યારે મને ખબર પડી. માલવ, જિંદગીમાં પહેલી વાર તને આમ બંધ કમરામાં મળી રહી છું. કદાચ છેલ્લી વાર પણ હોઈ શકે.
શરીરનાં તોફાનો તો હવે શમી ગયાં છે, પણ મનની ભૂખ હજુ ભાંગી નથી. એક વિનંતી છે : મારી સાથે એક પથારીમાં મને આલિંગીને સૂતાં-સૂતાં તારી બધી જ ગઝલો તું મને સંભળાવીશ? ના ન પાડીશ, માલવ, પ્લીઝ...!
બંધ બારણાં હતાં, બંધ બારીઓ હતી. પડદાઓ પડેલા હતા. આથમતી બપોરના ઊઘડતા અજવાસમાં બે જૂના પ્રેમીજનો શબ્દનું હનિમૂન માણી રહ્યાં હતાં. કલાકો સુધી ચત્તિપાટ સૂતેલી તસવ્વુરના સંગેમરમરી પેટ ઉપર માથું ઢાળીને માલવ પડી રહ્યો. સાંજે ડિનર માણ્યા પછી બંને છૂટાં પડ્યાં, તસવ્વુરે પૂછ્યું, ‘હું તો આજે ધન્ય થઈ ગઈ, માલવ, તને કેવું લાગ્યું?’
‘કોઈપણ ભાષાના કોઈ પણ કવિ કરતાં હું વધુ નસીબદાર છું. જે સ્ત્રીને માટે મેં આ બધી ગઝલો લખી હતી, એનું પઠન એ જ સ્ત્રીના શરીરને વળગીને કરવાનું સદ્ભાગ્ય આ જગતમાં બીજા કેટલા કવિઓને મળ્યું હશે? હવે મને કોઈ અબળખા નથી, તસવ્વુર, બીજી વાર તને મળવાની અબળખા પણ નહીં. થેંક્સ ફોર એવરીથિંગ!’ માલવ ચાલ્યો ગયો.
બીજા દિવસે એને ઓળખનારા તમામ લોકો એક જ ચર્ચા કરતા હતા, ‘પેલા માલવ વિશે સાંભળ્યું? એણે ઝભ્ભો-લેંઘો છોડીને પેન્ટ-શર્ટ શરૂ કરી દીધા. લાગે છે કે કોઇ બાધા પૂરી થઇ હશે.’
(શીર્ષક પંક્તિ : ચંદ્રેશ મકવાણા)
No comments:
Post a Comment