તે કર્યો છે રાતવાસો, સાવ લીલી ડાળ પર
પાનખર તો સ્વપ્ન છે, સમજમાં પછી તો ખેર નહીં
સુંદર યુવતી. કાળા રંગના અર્ધપારદર્શક સલવાર-કમીઝમાં એ હતી એના કરતાંયે વધારે ગોરી લાગતી હતી. પણ એ મારી પેશન્ટ બનીને આવી હતી એટલે મેં એની દિશામાં બીજી વાર જોવાનું મુલતવી રાખીને કેસ-પેપર હાથમાં લીધો. પૂછયું, ‘નામ?’ ‘રચના.’ એનો અવાજ એનાં સૌંદર્ય કરતાં પણ વધારે સુંદર હતો.
મને ‘અધરં મધુરમ્ વદનમ્ મધુરમ્’ વાળો મધુરાષ્ટકનો શ્લોક યાદ આવી ગયો. ક્યાંક સાંભળેલું સુવાક્ય યાદ આવી ગયું: જે વ્યક્તિ આકર્ષક હોય તેની બધી જ બાબતો આકર્ષક હોય છે. પહેલી નજરે રચનાની બાબતમાં આ વાક્ય શત-પ્રતિશત બંધબેસતું લાગતું હતું.
એનો દેખાવ, એનાં વસ્ત્રો, એનાં પગમાં શોભતા કિમતી સેન્ડલ, એનો મેકઅપ, એણે નાક-કાનમાં પહેરેલા જરૂર પૂરતા આભૂષણો, કપાળની બિંદી અને જો કંઇ બાકી રહી જતું હતું તો એની વાણી. એનો અવાજ. સ્પષ્ટ રીતે જ મને લાગ્યું કે રચના એટલે ઇશ્વરની એક સર્વોત્તમ રચના હતી.
‘મેરીડ? કે અનમેરીડ?’ મેં કેસ-પેપરમાં ભરવા માટે આગળનો પ્રશ્ન પૂછ્યો.
જવાબ એનો ઘંટડી જેવા રણકાર સ્વરૂપે મળવાને બદલે ‘ધડામ જેવા બારણું ખૂલવાના અવાજથી મળ્યો. એક તદ્દન સામાન્ય દેખાવનો યુવાન અંદર આવ્યો.’ રચનાએ માહિતી આપી, ‘મારા હસબન્ડ છે. પ્રીતેશ પંચાલ.’ હું જોઇ શક્યો કે આવું બોલતી વખતે રચના ગળામાં રણકતી પેલી રૂપેરી ઘંટડી ગાયબ હતી. એનાં અવાજમાં અણગમો અને કઠોરતા ભળી ગયા હતા. મેં જરૂરી વિગતો નોંધી લીધા પછી મુદ્દાની વાત છેડી, ‘શી તકલીફ છે?’
‘પ્રેગ્નન્સી છે.’
‘સોરી! સોરી! એ તો તકલીફ ન કહેવાય, સારા સમાચાર કહેવાય.’
‘ના, મારા માટે તો તકલીફ જ છે. આઇ વોન્ટ એબોર્શન.’ રચનાએ ભારપૂર્વક જણાવી દીધું.
‘પણ હજુ તો તમારું ચેકઅપ કરવાનુંયે બાકી છે. ગર્ભ ખરેખર કેટલો મોટો છે, એબોર્શન કરવું હિતાવહ છે કે નહીં એ બધું નક્કી કરવાનું તમે મારી ઉપર છોડી દો!’
‘ના, સર! હું ઘરેથી નક્કી કરીને આવી છું કે મારે ગર્ભપાત કરાવી જ નાખવો છે.’ રચનાની વાણીમાં રહેલી દ્રઢતાથી હું વિચલિત થઇ ગયો. મેં એનાં પતિની તરફ નજર ફેરવી. સાવ મામૂલી કપડાં પહેરલો તદ્દન સાધારણ દેખાવનો એ માણસ ગભરુ બાળક જેવી મુખમુદ્રા ધારણ કરીને બેઠો હતો. રચનાના સૂરમાં એ માથું હલાવીને સંમતિનો સૂર પૂરાવી રહ્યો હતો. છતાં મેં પૂછી લીધું, ‘પ્રીતેશભાઇ, તમારા પત્નીની ઇચ્છા સાથે તમે સંમત છો?’
‘હા, સાહેબ! હું એને ખૂબ ચાહું છું. એની ઇચ્છા એ મારી ઇચ્છા.’ હું સાંભળી રહ્યો હતો કે પ્રીતેશના બોલવામાં ‘હા હતી, પણ હું જોઇ શકતો હતો કે આ ‘હા’ની પાછળ સ્પષ્ટ ‘ના’ સંતાયેલી હતી.’
હું ગૂંચવાયો, ‘તમે એક કામ કરશો, પ્રીતેશ? પાંચ મિનિટ માટે બહાર બેસશો? હું તમારા પત્ની સાથે એકાંતમાં થોડી વાત કરવા માગું છું.’ એ ભલો માણસ તરત જ ઊભો થઇને બહાર ચાલ્યો ગયો. કન્સલ્ટિંગ રૂમનું બારણું પણ એ જ ખેંચતો ગયો.
‘હવે તમે મને સાચી વાત જણાવો!’ હું રચના તરફ ફર્યો, ‘તમારા પતિની મરજી વિરુદ્ધ શા માટે તમે આ ગર્ભને પડાવી નાખવા ઇચ્છો છો?’
રચનાએ પકડદાવની રમત ચાલુ કરી, ‘પ્રીતેશની મરજી વિરુદ્ધની કોઇ વાત જ નથી, સર! એ પણ એબોર્શન માટે રાજી છે.’
‘રાજી નથી, પણ સંમત છે. આ માથા પરના વાળ તડકામાં શેકાઇને ધોળા નથી થયા, રચનાબેન! માણસનો ચહેરો જોઇને એના વિચારો સૂંઘી શકું એટલો અનુભવ ધરાવું છું. સાચો જવાબ આપશો તો જ હું તમને મદદ કરીશ.’
મારી ધમકીએ તાત્કાલિક અસર બતાવી. એ બોલી, ‘મારે પ્રીતેશની સાથે આખી જિંદગી નથી ગુજારવી. મારે છૂટાછેડા લેવા છે. હજુ એને આ વાતની ખબર નથી, પણ મેં નિર્ણય લઇ લીધો છે. પછી એના બાળકને હું ક્યાં સાચવું?’
‘એને તમે આ વાતની જાણ શા માટે નથી કરી?’ ‘કારણ કે એ મને ખૂબ જ પ્રેમ કરે છે. જો અત્યારે હું એને છૂટાછેડાની વાત જણાવી દઉ, તો એ ક્યારેય એબોર્શન માટે હા નહીં પાડે. હું કારણ વગર ફસાઇ જઇશ.’
‘ભલે! આ તમારો નિર્ણય છે અને એ લેવાનો તમને હક્ક છે, પણ હવે મારા છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપો! તમારે પ્રીતેશથી છૂટા શા માટે થવું છે?’
‘વેરી સિમ્પલ, સર! એ ભલે મને ગમે તેટલું ચાહતો હોય, પણ હું એને નથી ચાહતી! હું કેટલી સ્માર્ટ અને સુંદર છું એ તમે જોઇ શકો છો અને એ સાવ રોંચા જેવો દેખાય છે. આવા પુરુષ જોડે હું આખી જિંદગી કોઇપણ રીતે વિતાવી ન શકું.’
‘તો પરણ્યાં શા માટે?’
‘ભૂલ થઇ ગઇ. મમ્મી-પપ્પાએ મુરતિયો બતાવ્યો, અમારી જ્ઞાતિનો જ હતો અને વળી ખાધે પીધે સુખી હતો એટલે હું પરણી ગઇ. પણ પ્રીતેશને તો ફર્નિચરનું કારખાનું છે. આખો દિવસ લોખંડ જોડે કામ પાડી પાડીને એ પણ જડ બની ગયો છે.
વેલ્ડિંગનું કામ એ જાતે સંભાળે છે, એટલે ઘરે આવે ત્યારે તો એનું મોં તપી તપીને તાંબાવરણું બની ગયું હોય છે. એના ઝટીયા જેવા વાળ અને લઘર-વઘર કપડાં તમે જોયા ને! એ બાજુમાં ઊભો રહે તો વરને બદલે નોકર લાગે!’
હું સમજી ગયો. આ યુવતીને હવે કંઇ સમજાવવાપણું રહેતું ન હતું. રચના વિશે મેં બાંધેલી ધારણા ખરી પડી. રચનાનું બધે બધું સુંદર ન હતું. સાવ નગણ્ય એવા બાહ્યએ દેખાવના કારણસર એ પોતાનાં પતિથી છૂટાછેડા લેવા તૈયાર હતી.
મેં ઘંટડી વગાડી. લીલાબહેન દોડી આવ્યાં. મેં સૂચના આપી, ‘પ્રીતેશભાઇને અંદર મોકલો!’ પ્રીતેશ આવ્યો. હવે હું પ્રોફેશનલ બનીને એ બંનેની સાથે ડોક્ટરની જેમ વર્તવા લાગ્યો.
‘જુઓ, તમે એક વાત સમજી લો! કોઇ પણ દંપતી જ્યારે પ્રથમવારની ગર્ભાવસ્થા લઇને મારી પાસે એબોર્શન માટે આવે છે, ત્યારે હું એક વાર તો સ્પષ્ટ ના જ પાડી દઉ છું. એમાં ચેપ લાગવાથી લઇને ભવિષ્યમાં ફરી ક્યારેય ગર્ભ ન રહેવા સુધીની ઘણી કોમ્પ્લીકેશન્સ થઇ શકે છે.’
‘એ બધાંની મને જરા પણ ચિંતા નથી, સાહેબ!’ પ્રીતેશ દયામણો બનીને કહી રહ્યો, ‘જે થવું હોય તે ભલે થાય, પણ મારી રચનાને કંઇ થવું ન જોઇએ.’
હું આઘાત પામીને વિચારી રહ્યો. મારી રચના?! આ માણસ જેને પોતાની રચના સમજી રહ્યો છે, એ વાસ્તવમાં એની ન રહેવા માટે તો આ બધું કરી રહી છે! મેં વિચારવાનું બંધ કર્યું, કામ શરૂ કર્યું. રચના ખોરાક-પાણી લીધા વગર જ આવી હતી. મેં એનેસ્થેટિસ્ટને ફોન કર્યો. ડો. શાહ વ્યસ્ત હતા, પણ ‘દસ-પંદર મિનિટમાં આવું છું’ એવું કહ્યું એટલે મેં ઓપરેશનની તૈયારી આરંભી.
રચનાની સહી લીધી, પછી એનાં પતિની. સહી કરતી વખતે પણ પ્રીતેશનો હાથ ધ્રૂજી રહ્યો હતો, સાથે અવાજ પણ, ‘જો જો, હં, સાહેબ! મારી રચનાને કંઇ ન થવું જોઇએ. એનાં વિના હું એક દિવસય કાઢી ન શકું. એ મારી જિંદગી છે.’
અચાનક મારા દિમાગમાં સવાલ ફૂટ્યો, તરત જ પૂછી નાખ્યો, ‘પ્રીતેશ, તમે એ તો જણાવી દીધું કે રચનાની મરજી એ તમારી મરજી! પણ એ ન જણાવ્યું કે રચના શા માટે એબોર્શન કરાવવા ઇચ્છે છે!’
એ હસ્યો, ‘રચનાને આગળ ભણવું છે. મેં કહ્યું ભલે! ભણ તું તારે! અહીં કોણે ના પાડી? બાળકો પેદા કરવા માટે તો પૂરી જિંદગી પડી છે. હેં ને, સાહેબ?’ મેં વારાફરતી. એ બંનેની સામે જોયું, મારી જમણી તરફ લુચ્ચાઇના પોટલા જેવી રચના બેઠી હતી અને ડાબી તરફ શિશુ જેવો સહજ પ્રીતેશ બેઠો હતો અને એ બેયની વચ્ચેની ખાલી જગ્યામાં જે ન જોઇ શકાય તેવી ભેદરેખા હતી એ જ આ દંભથી ખદબદતી દુનિયાનો છળભરેલો તમાશો હતો.
………
ગર્ભપાત પતી ગયો. રચનાને ઓપરેશન ટેબલ ઉપર જ સૂવા દીધી. એનેસ્થેટિસ્ટનું કહેવું હતું, ‘તે બહુ ઝડપથી ભાનમાં આવી રહી છે. એને અડધો કલાક અહીં જ રહેવા દો! પછી એ જાતે જ ઊભી થઇને ચાલતી ચાલતી ‘બેડ’ તરફ જઇ શકશે.’
હું બીજા દર્દીઓને તપાસવાનું કામ પતાવવા માંડ્યો. બાજુમાં જ ઓપરેશન થિયેટર હોવાથી મારી એક નજર રચના તરફ રહી શકતી હતી. થોડી વાર થઇ હશે ત્યાં રચના હોશમાં આવવા લાગી. એનાં ગળામાંથી કશુંક અસ્પષ્ટ બબડવાનો અવાજ પણ નીકળતો હતો.
શબ્દો સમજાતા ન હતા, પણ અવાજ સાંભળી શકાતો હતો. દર્દીઓ તપાસવાનું ખતમ થયું. મેં પ્રીતેશને અંદર બોલાવ્યો. એના કાને રચનાનો દર્દભર્યો સ્વર અથડાયો, એટલે એ ગભરાઇ ઊઠ્યો, ‘સર, મારી રચનાને દર્દ થાય છે. પ્લીઝ, તમે એનો કંઇક ઇલાજ કરો ને! તમે પૈસાની ચિંતા ન કરશો, હું ધંધો વેચીને પણ ફી ચૂકવી આપીશ. પણ રચનાને કંઇ થવું ન જોઇએ.’
‘અરે, ભાઇ, તમે નાહક ચિંતા કરો છો. એ તદ્દન નોર્મલ છે. કોઇપણ પેશન્ટ એનેસ્થેસિયાની અસરમાંથી બહાર નીકળે એટલે થોડી ઘણી ચીસો તો પાડે જ? ડોન્ટ વરી!’ એ ચૂપ થઇ ગયો, પણ એની ચિંતા જરા પણ ઓછી ન થઇ. મારું બિલ ચૂકવીને એ પાછો બહાર ચાલ્યો ગયો.
હું ઓ.ટી.માં ગયો. રચના હવે સમજી શકાય તેવું કશુંક બબડતી હતી. મેં એનાં નાક અને બે ભ્રમરો વચ્ચેના બિંદુ પર અંગૂઠો અને આંગળી મૂકીને સહેજ દબાણ આપ્યું. રચનાએ આંખો ઊઘાડી. મેં પૂછયું, ‘કેમ છે, રચના? શું થાય છે? કેમ આટલો બધો અવાજ કરો છો?’
એનાં હોઠ સહજે મલક્યાં, ‘પતી ગયું, સર? હવે તો હું એ ભંગારિયાના બંધનમાંથી છૂટી શકું છું ને? થેન્ક યુ, સર... થેન્ક યુ વેરી મચ!’
આજે પણ જ્યારે જ્યારે રચનાને યાદ કરું છું ત્યારે એક જ સવાલ મારા મનમાં સળવળી ઊઠે છે. ‘કુદરત સુંદર માણસોને આટલું કુરૂપ મન શા માટે આપતો હશે?’ આજે પણ હું જાણતો નથી કે રચનાએ ડિવોર્સ લઇ લીધાં કે નહીં. મને એ વાતની પણ ખબર નથી કે પ્રીતેશ રચના વગર એક દિવસ જેટલુંય જીવી શકયો હશે કે કેમ?
(શીર્ષક પંક્તિ : આકાશ ઠક્કર)
No comments:
Post a Comment