એમ.બી.બી.એસ.ના છેલ્લા વરસમાં ભણતી નિશાના હાથમાં પત્ર હતો, પપ્પાનો પત્ર. પપ્પા લખતા, વહાલી નિશી, તારો પત્ર મળ્યો. છેલ્લી પરીક્ષા આડે હવે પંદર જ દિવસ બચ્યા છે અને તારી પાસેના પૈસા ખલાસ થઇ ગયા છે એ હકીકત જાણી. ગમે તેમ કરીને બારસો રૂપિયા મોકલાવું છું. આ પત્રની સાથે જ કદાચ મની ઓર્ડર મળી જશે. બેટા, તારી જરૂરિયાતો પણ હું સમજી શકું છું અને તારી મૂંઝવણ પણ. મારી તબિયતની ચિંતા ન કરીશ. તારી મમ્મી આશીર્વાદ લખાવે છે. નિર્મિત વાટ જુએ છે કે ક્યારે તારી પરીક્ષા પતે અને ક્યારે એની દીદી ડૉ.. નિશા બનીને ઘરે પાછી આવે! વધારે તો શું લખું? નિશી બેટા, સમય ખૂટી જાય, તન તૂટી જાય અને ચોપડાઓ ફાટી જાય એટલું વાંચજે! એટલું યાદ રાખજે કે તું મારી દીકરી નથી, પણ આ ગરીબ બાપે વરસોથી ઉછેરેલું સપનું છો. મારા આશીર્વાદ છે, સફળતા તારા કદમ ચૂમશે. લિ. તારા પપ્પાના શુભાશિષ.
નિશાની આંખો ઝરી પડી. એ રાજકોટની હતી અને અમદાવાદની મેડિકલ કોલેજમાં ભણતી હતી. એના પપ્પા મુગટલાલ સાવ નિમ્ન સ્તરની આર્થિક હાલતના માણસ હતા. પરિવાર નાનો હતો, પણ આવક એના કરતાંયે નાની હતી. એક કરિયાણાની હાટડીમાં તેઓ પડીકા વાળવાની નોકરી કરતા હતા. શેઠ ભલો હતો, પણ તોયે એ આપી આપીને શું આપે?! એણે છેવટે તો પગાર આપવાનો હતો, દાન નહીં.
આવી દરિદ્ર હાલતમાં જીવતા માણસને સપનાં જોવાની મનાઇ હોય છે, પણ મુગટલાલે સપનું જોયું. પરિવારમાં પતિ અને પત્ની ઉપરાંત બે સંતાનો હતા. મોટી દીકરી અને નાનો દીકરો. નિર્મિત તો હજુ છઠ્ઠા ધોરણમાં હતો, પણ નિશા બારમામાં હતી. એ ભણવામાં તેજસ્વી હતી. એટલે મુગટલાલે એને ડોક્ટર બનાવવાનો નિર્ધારકર્યો.
સપનાંનો દીપક જલતો રહેવા માટે તેલ નથી માગતો, પણ પરસેવો માગે છે. મુગટલાલે દેહમાં હતો એ બધો પરસેવો રેડવા માંડ્યો. નામાંના ચોપડા લખવાનું શરૂ કર્યું. ગીતામાં ભગવાને કહ્યું છે, ‘યા નિદ્રા સર્વભૂતાનામ્ તસ્યામ્ જાગૃતિ સંયમી.’ આ પંક્તિમાં સંયમીની જગ્યાએ ઉધ્યમી શબ્દ મૂકી દો એટલે નિશા અને મુગટલાલની તપસ્યા તાર્દશ્ય બની જાય. આખી શેરી, આખો વિસ્તાર અને આખું શહેર જ્યારે રજાઇની હૂંફમાં ઢબૂરાઇને મીઠું ઘેન માણતું હોય ત્યારે નિશા વાંચતી હોય અને મુગટલાલ હિસાબો ચીતરતા હોય.
જ્યારે પરીક્ષાનું પરિણામ બહાર પડ્યું ત્યારે મુગટલાલની આંખોમાં આંસુ હતા, ઇશ્વર પ્રત્યેના આભારના આંસુ. નિશા પૂરા શહેરમાં પ્રથમ ક્રમાંકે પાસ થઇ હતી.
પપ્પા મને મેડિકલ શાખામાં પ્રવેશ તો મળી જશે. એના માટે ડોનેશન નહીં ભરવું પડે, પણ પુસ્તકો, ફી અને અન્ય ખર્ચાઓ તો ભોગવવા જ પડશે. તમે એ બધું ક્યાંથી લાવશો? પપ્પા, હું ડોક્ટર ન બનું તો? મારા બદલે તમે ભાઇને ડોક્ટર બનાવજો. નિશાએ સાચા હૃદયપૂર્વક પપ્પાને સમજાવી જોયા.
મુગટલાલ મક્કમ હતા, ના, દીકરી! ફરી વાર ક્યારેય આવું ન બોલીશ. વિધાતાએ છઢ્ઢીના દિવસે તારા લેખમાં જ લખ્યું હશે કે તારે ડોક્ટર બનવાનું છે. એટલે તો તારે આટલા બધા માકર્સ આવ્યા. વિધાતાના લેખને ખોટા પાડનાર હું કોણ? રહી વાત રૂપિયાની. એ તો બધું થઇ રહેશે. તારો આ બાપ બેઠો છે ને!
નિશાએ એડમશિન સ્વીકારી લીધું. જ્યારે એ પહેલી વાર વેકેશનમાં ઘરે આવી ત્યારે એને ખબર પડી કે રૂપિયા રળવા માટે એકલા પપ્પા જ નહિ, એની મમ્મી પણ હાજર હતી. અભણ મા બીજું તો શું કામ કરી શકે? બાલ મંદિરમાં તેડાગરની નોકરી, વચ્ચેના સમયમાં ઘર વપરાશના નાસ્તા બનાવવાનું કામ, થોડું ઘણું, હાથસિલાઇનું કામ અને રવિવારે આખો દિવસ અગરબત્તીના કારખાનામાં મજુરી. નિશા એક પછી એક પરીક્ષા પાસ કરતી ગઇ. દરેક વેકેશનમાં જ્યારે તે હોસ્ટેલમાંથી ઘરે આવતી ત્યારે નોંધતી કે બાપ વધારે વૃદ્ધ દેખાઇ રહ્યો છે અને મમ્મી વધારે નબળી.
મમ્મી, તારા સાડલામાં આટલા બધા થીગડાં કેમ છે? એ પૂછી તો બેસતી, પણ પછી તરત જ ચૂપ થઇ જતી હતી. મમ્મીના દયામણા સ્મિતમાંથી એને જવાબ મળી જતો કે ગયા મહિને એના નવા ડ્રેસ માટે જે બસો રૂપિયા મગાવ્યા હતા તે ક્યાંથી આવ્યા હશે!
પપ્પા, તમે રોજ દુકાને જવામાં મોડું કરો છો. તમારી ઘડિયાળ ક્યાં ગઇ? એક વાર રજાઓમાં ઘરે આવેલી નિશાએ પૂછી લીધું. આ વખતે મુગટલાલે દયામણું સ્મિત કર્યું. નિશાને જવાબ મળી ગયો, પંદર દિવસ પહેલાં એણે નવા એપ્રોન અને સ્ટેથોસ્કોપ ખરીદવા માટે પૈસા મગાવ્યા હતા. એ પપ્પાની ઘડિયાળના બલિદાનમાંથી આવ્યા હતા.
સેકન્ડ એમ.બી.બી.એસ.નો ખર્ચ મમ્મીના કાંડા ઉપરની બે પાતળી, સોનાની બંગડીઓનો ભોગ લઇ ગયું અને ફાઇનલ એમ.બી.બી.એસ.નું પ્રથમ વરસ મમ્મીના ગળામાંથી મંગળસૂત્ર ખૂંચવી ગયું.
આમ કરતાં કરતાં ફાઇનલ એમ.બી.બી.એસ.નું ફાઇનલ વરસ આવી પહોંચ્યું. છેલ્લું સત્ર. છેલ્લી પરીક્ષા. પંદર દિવસ માંડ બચ્યા હતા ત્યારે નિશાને પૈસાની જરૂર પડી. ભોજન-ચા-નાસ્તો અને લોન્ડ્રીના બિલો ભરવાના બાકી હતા. એણે પપ્પાને જાણ કરી. પપ્પાએ તરત જ બારસો રૂપિયા મોકલી આપ્યા. સાથે પત્ર પણ. નિશાની આંખો વરસી પડી. એ પોતાની જાતને પૂછતી રહી, આ વખતે મમ્મીએ શું વેચ્યું હશે? દાગીનો તો હવે એક પણ બચ્યો નથી.
આ સવાલનો જવાબ કોઇની પાસે ન હતો, સિવાય વિધાતા. એ બારસો રૂપિયા મુગટલાલે ક્યાંકથી ત્રીસ ટકાના વ્યાજે ઉછીના લીધા હતા, બદલામાં મધરાત પછીની બીજા બે કલાકની ઊંઘ વેચી દીધી હતી. વધુ કામ, વધુ ઉજાગરા અને વધુ થાક. દીકરીની જાણ બહાર બાપ તૂટી રહ્યો હતો.
પરીક્ષા શરૂ થઇ. પહેલાં લેખિત પરીક્ષા હતી, બાદમાં પ્રેક્ટિકલ્સ. છેલ્લું પેપર પૂરું થયું ત્યાં જ નિશાની હોસ્ટેલનો ફોન રણકયો. રેકટરે માઠા સમાચાર આપ્યા, નિશા, દિલ કઠણ કરીને સાંભળજે! તારા પપ્પા હવે નથી રહ્યા. બપોરે એક વાગ્યે હાર્ટએટેકના કારણે...
‘હેં?! આજે બપોેરે? અને આ સમાચાર મને છેક અત્યારે..?
‘શું થાય! તારું પેપર ન રખડી પડે એટલા ખાતર તારી મમ્મીએ મને વિનંતી કરી હતી. નિશા, તારા પ્રેક્ટિકલ્સ શરૂ થવા આડે એક દિવસની વાર છે, તું અત્યારે જ નીકળી જા! તારા પહોંચ્યા પછી જ તારા પપ્પાના અગ્નિસંસ્કાર થશે. રેકટરે સાંત્વના બંધાવીને નિશાને વિદાય કરી.
રાજકોટ પહોંચીને પપ્પાના મૃતદેહને વળગીને નિશા જે રડી છે, જે રડી છે! એનો આઘાત જીરવી ન શકાય તેવો વસમો હતો. નિશા ડોક્ટર બને એવું સપનું મુગટલાલે જોયું હતું. એને સાચું પાડવા માટે એ મિડલકલાસ માણસે કોઇ ઋષિ કરે એટલું તપ કર્યું હતું અને જ્યારે સપનું સાકાર થવા આડે માત્ર ગણતરીના દિવસો બચ્યા હતા ત્યારે જ એ કમનસીબ બાપ અનંતની સફરે ઉપડી ગયો હતો.
એ રાત નિશાએ રડી રડીને પસાર કરી નાખી. મુગટલાલનો દેહ પંચમહાભૂતોમાં ભળી ગયા પછી એણે જાહેર કર્યું, કે મમ્મી હું પ્રેિકટલ્સ નહીં આપી શકું. માનસિક આઘાતે મને ભાંગી નાખી છે. કદાચ હું ભણવાનું છોડી દઉં એમ પણ બને!
માએ એને સમજાવી, તારા આઘાતને ભૂલી જા, દીકરી! જો તું પરીક્ષા નહીં આપે તો તારા પપ્પાના આત્માને જે આઘાત પહોંચશે એને વિચાર કર. નિશા બીજા દિવસે સાંજે અમદાવાદ પાછી ફરી. બધું ભૂલીને ફરી પાછી ચોપડીઓમાં ડૂબી ગઇ. હિંમત રાખીને પ્રેક્ટિકલ્સમાં હાજર રહી. ડૂસકાં દબાવીને પરીક્ષકોના સવાલોનો સામનો કર્યો. એની મહેનત, મમ્મીએ બંધાવેલી હિંમત અને આસમાનમાંથી વરસતા આશીર્વાદે એને યશ અપાવ્યો. નિશા ડોક્ટર થઇ ગઇ.
આ વાત નિશાએ આજદિન સુધી કોઇને જણાવી નથી. નાનો ભાઇ નિર્મિત તો નાદાન હતો, એને આ ઘટનાની ખબર છે, પણ પપ્પાની લાશ જોયા પછીના ચોવીસ જ કલાકમાં કારકિર્દીની સૌથી અઘરી પરીક્ષાનો સામનો કરતી દીદીની માનસિક યાતના વિશે એ તદ્દન બેખબર છે.
ડૉ.. નિશા હાલમાં સરકારી નોકરીમાં છે. સુવિધાજનક આવાસ મળેલું છે, પગાર પણ સારો છે, મમ્મીને એ સુખમાં રાખી રહી છે અને ભાઇની બોર્ડની પરીક્ષા માટે એને ટયુશનોની વ્યવસ્થાયે કરી આપી છે.
હમણાં જ આ ઘટના બની ગઇ. નિર્મિત અચાનક ચોપડીઓ ફેંકીને ઊભો થઇ ગયો. આજે મૂડ નથી. કાલે વાંચીશ, ત્યારે નિશાએ આ આખીયે ઘટના એને કહી સંભળાવી.
પછી છેલ્લે ઉમેર્યું, ભઇલા, મૂડ અને નો મૂડ આ શબ્દો માત્ર માલેતુજાર મા- બાપના ઘરે જન્મેલા નબીરાઓને જ પરવડે તેવા શબ્દો છે. આપણે તો કાદવમાં જન્મ્યા છીએ, જો કમળ બનવું હશે તો કઠોર પરિશ્રમનો કોઇ જ વિકલ્પ નથી. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે. તસ્યાં જાગિતઁ સંયમી. આ પંક્તિનો સાર આપણા માટે આપણા ભગવાને કર્યો છે એ જ ધ્યાનમાં લેવાનો છે, બીજો કોઇ નહીં! ચાલ, વાંચવા માંડ! મેં પણ તને ડોક્ટર બનાવવાનું સપનું જોયું છે.‘
(સત્ય ઘટના, કથાબીજ : મધુસુદન ભુવા, જુનાગઢ)
(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)
No comments:
Post a Comment