એ ભલે મોડા ફળે, થોડા ફળે,
આંગળીને કો’ક દી ટશિયા ફળે
‘વેલેન્ટાઇન ડે’ના દિવસે ઉન્મેષા ઉપર ગ્રીટિંગ્ઝનો વરસાદ વરસ્યો. જે છોકરાઓ એનાં ક્લાસમાં ભણતાં ન હતા, એ પણ આવીને ‘હેપ્પી વેલેન્ટાઇન ડે’ ‘વિશ’ કરી ગયા. ‘વિશ’ કરવાનું તો માત્ર બહાનું, બાકી એ રીતે એમની પોતાની ખાનગી ‘વિશ’ જાહેર કરી ગયા.
શહેરનાં સૌથી મોટાં બિલ્ડરનો દીકરો વરુણ કોલેજના ઝાંપા આગળ જ ઊભેલો હતો. જેવી ઉન્મેષા નજરે પડી કે તરત જ એ આગળ વઘ્યો. એનાં હાથમાં મોંઘુ કાર્ડ મૂકી દીધું. ઉન્મેષાએ ઉત્સુકતાવશ કાર્ડ ઊઘાડ્યું તો અંદરથી સંગીતના મધુર સ્વરો ગૂંજી ઊઠ્યા. ગુલાબની પાંખડીઓ સરી પડી. અને કાનમાં વરુણના શબ્દો અથડાયા, ‘વિલ યુ પ્લીઝ બી માય વેલેન્ટાઇન, ઉન્મેષા?’
ઉન્મેષાએ ન હા પાડી, ન ના પાડી. ‘થેંક્સ ફોર ધી કાર્ડ’ કહીને એ આગળ વધી ગઇ. પીઠ ઉપર વરુણની આજીજી અથડાણી, ‘કાર્ડ ફેંકી ન દઇશ, ઉન્મેષા! સાચવી રાખજે. એક હજાર રૂપિયા ખર્ચ્યા છે મેં એના માટે.’
ઉન્મેષા કેટલાંને યાદ રાખે? એની હાલત આજે સ્વયંવરમાં ફરવા નીકળેલી રાજકુંવરી જેવી હતી. થોડાં ડગલાં ચાલી ત્યાં ગુલમહોરનાં ઝાડ નીચે ઊભેલા ચિન્મય ચોક્સીએ સોનેરી ધાગામાં લપેટાયેલું હીરાજડિત કાર્ડ એનાં હાથમાં મૂકી દીધું, ‘આ તો હજુ શરૂઆત છે, આ કાર્ડમાં લખેલી શુભેચ્છા જો સંબંધમાં પલટાઇ જશે, તો હું તને આખેઆખી હીરાથી મઢી દઇશ. યુ નો, મારા ડેડ આ શહેરનાં સૌથી મોટા જ્વેલર છે!’
આર્ચીના મોંઘા-મોંઘા ગ્રીટિંગ-કાર્ડમાંથી ઊઠતી કૃત્રિમ શુભેચ્છાઓનો વરસાદ ઝીલતી અને ભેટમાં અપાયેલા ગુલાબના ફૂલોથી મહેક-મહેક થાતી ઉન્મેષા કોલેજની પરસાળ વીંધીને ક્લાસરૂમમાં દાખલ થઇ, એ સાથે જ એનું હૃદય જનરેટરની જેમ ‘ધક-ધક’ કરતું જોરથી ધબકવા માંડ્યું. બીજી બેન્ચ ઉપર ઉપાસક બેઠો હતો. ઉપાસક આચાર્ય. કોલેજનો સૌથી વધુ તેજસ્વી અને સૌથી વધુ સંસ્કારી યુવાન.
ઉન્મેષાને ઉપાસક ગમતો હતો. પણ એની એક વાત પ્રત્યે ઉન્મેષાને સખત ચીડ હતી, ઉપાસક ભારે બોચિયો હતો. અભ્યાસ, વાંચન અને પરીક્ષા સિવાય એને બીજી એક પણ વાતમાં રસ ન હતો.
ઉન્મેષાની હાલત વિચિત્ર હતી. આખી કોલેજના છોકરાંઓ એનાં સૌંદર્ય પાછળ મરતા હતા, જેની ઉન્મેષાને પરવા ન હતી અને એ પોતે જેને ચાહતી હતી એ ઉપાસકને ભણવા સિવાય બીજા કશામાંય રસ ન હતો.
‘હાય!’ કહીને ઉન્મેષાએ ઉપાસકનું ઘ્યાન ખેંચ્યું. એની બરાબર આગળની બેન્ચ ઉપર જઇને એ બેસી ગઇ. નોટબુક પાટલી ઉપર મૂકી. પર્સ બાજુમાં મૂક્યું. હાથમાં રહેલા ડઝનબંધ ગ્રીટિંગ-કાર્ડઝ અને ફૂલો ઉપાસક તરફ ધરીને એ બોલી ઊઠી, ‘જો ને, ઉપાસક! બધાને ‘વેલેન્ટાઇન ડે’ વિશ કરવા માટે માત્ર હું જ દેખાઉ છું.’
‘એ તો સારું કહેવાય ને? બધાંને તું ગમતી હોઇશ, તો જ આટલો ખર્ચ કરતાં હશે ને? પતંગિયા હોય કે ભમરા, એ ક્યારેય બનાવટી ફૂલોની આસપાસ મંડરાવાનું પસંદ નથી કરતા. તારું સૌંદર્ય અસલી છે, ઉન્મેષા!’ ઉપાસકના શબ્દોમાં સાચી પ્રશંસા અને નિર્ભેળ સાત્વિકતા ઝલકતી હતી.
‘તો પણ એક જણ તો એવો છે જેને મારી તરફ જોવાની ફુરસદ નથી.’ ઉન્મેષાએ નારાજગી સભર નિ:સાસો નાખીને કહી દીધું.
ઉપાસકે ચોપડીમાંથી માથું હટાવીને એક નજર ઉન્મેષાનાં દેહવૈભવ ઉપર ઠેરવી. એની આંખોમાં એક ક્ષણ પૂરતો પુરુષ સહજ આવેગ ઊઠ્યો, જે એણે તરત જ શમાવી લીધો. પણ આટલું બોલ્યા વગર તો એ ન જ રહી શક્યો, ‘ઉન્મેષા, તાજમહેલ તો એનો એ જ છે, કોઇ એને જોઇને કવિતા કરે, કોઇ ન પણ કરે. એનો અર્થ એવો નથી થતો કે એને તાજ નથી ગમતો. તારા રૂપમહેલ તરફ જોવાની કોઇને ફુરસદ ન હોય તો એવું ન માનીશ કે એને તારામાં રસ નથી.’
‘રિયલી?! યુ મીન... ઉપાસક...તને હું ગમું છું?!!’ ઉન્મેષા રોમાંચથી ઊછળી પડી. એનાં હાથમાંથી કાર્ડઝ અને ફૂલો નીચે પડી ગયા.
‘ઉન્મેષા, આપણે અહીં ભણવા માટે આવીએ છીએ, પ્રેમની વાતો કરવા માટે નહીં. તારી જાતને સંભાળ! અને મને આ કેમેસ્ટ્રીના પાઠમાં ઘ્યાન કેન્દ્રિત કરવા દે. પરીક્ષા નજીક આવી રહી છે.’ ઉપાસકે જાણે સામે ઊભેલી ઉન્મેષાનાં ભડભડ સળગતાં સૌંદર્ય-ભડકા ઉપર બરફ જેવું ઠંડું પાણી રેડી દીધું!
પોતાનાં વિખરાયેલા અરમાનો અને સપનાનાં ટુકડાઓ વિણતી હોય એમ હતાશ ઉન્મેષા જમીન ઉપર પડેલા કાર્ડઝ અને ફૂલો ભેગા કરી રહી.
કોલેજની ટેલન્ટ ઇવનિંગ નજીક આવી રહી હતી. યુવાનોએ એમાં ભાગ લેવા માટે પડાપડી કરી મૂકી. જેણે કદીયે બાથરૂમમાં પણ ગાવાની હિંમત નહોતી કરી એવો યુવાન સ્ટેજ પરથી ગીત ગાવા માટે હવાતિયા મારવા માંડ્યો.
કોઇને ‘સોલો’ ગીત ગાવામાં રસ ન હતો, દરેકની અંતિમ ઇચ્છા ઉન્મેષાની સાથે ‘ડ્યુએટ’ જ ગાવાની હતી. આખરે એકાદ બડભાગીની ઇચ્છા ફળીભૂત થઇ, બાકીના ભગ્ન હૃદયી પ્રેમીજનોએ મુકેશજીના કરુણ ગીતો ગાઇને સંતોષ માની લીધો.
એ વખતે પણ ઉન્મેષાએ ઉપાસક પાસે જઇને પોતાના દિલની વાત રજૂ કરી હતી, ‘ઉપાસક, તું મારી સાથે એક રોમેન્ટિક ડ્યુએટ ગાઇશ? મને ખબર છે કે તારો અવાજ બહુ સરસ છે.’
‘ગાવા માટે માત્ર અવાજની નહીં, ઇચ્છાની પણ જરૂર હોય છે.’ કહીને ઉપાસક હસ્યો હતો, પછી એ લાઇબ્રેરી તરફ વળી ગયો હતો, ‘હું તને ગીત માટે શુભેચ્છા આપું છું, ઉન્મેષા! તું મને પરીક્ષાની તૈયારીઓ માટે શુભેચ્છા આપી શકે છે. ઓલ ધી બેસ્ટ ટુ યુ!’
‘ઓલ ધી વેરી બેસ્ટ, ઉપાસક!’ ઉન્મેષા ફળફળતા નિ:સાસાના પડીકામાં લપેટાયેલી શુભેચ્છા આપીને ઉપાસકને એનાથી વિરુદ્ધ દિશામાં જતો જોઇ રહી. આવું જ નાટકની બાબતમાં પણ બન્યું. કોલેજનાં વાર્ષિકોત્સવ વખતે નાટકનું આયોજન કરવામાં આવ્યું. ત્રિ-અંકી સોશિયો-રોમેન્ટિક-કોમેડી નાટક હતું.
હિરોઇનના પાત્ર માટે ઉન્મેષાની પસંદગી સર્વાનુમતે થઇ ગઇ હતી. એનાં પ્રેમી તરીકે કોલેજમાં ભણતાં તમામ યુવાનો રીતસર ઊમટી પડ્યા. એમાં પ્રો. બાટલીવાલાએ પેપર ફોડી નાખ્યું, ‘નાટકમાં દસ-બાર જેટલાં ઇન્ટિમેટ દ્રશ્યો પણ છે.
હિરોઇનને આલિંગનમાં જકડવાના, ગરમા-ગરમ સંવાદો ફટકારવાના, એનાં દેહ સાથે ગણતરીપૂર્વકની છૂટ લેવાનાં ખાસ દ્રશ્યો નાટકમાં સામેલ કરાયા છે. જે છોકરો હીરો તરીકે પસંદ થશે એને તો જાણે કે દસ કરોડની લોટરી લાગી ગઇ એમ જ સમજી લ્યો! જો એનામાં આવડત હોય તો નાટકનો પ્રેમ વાસ્તવિક સંબંધમાં પલટાઇ જતાં વાર કેટલી?’
આ વાત ઉન્મેષાનાં કાન સુધી પણ પહોંચી ગઇ. અને ઉન્મેષા પહોંચી ગઇ ઉપાસક પાસે, ‘હું નાટકમાં ભાગ લઇ રહી છું.’
ઉપાસક હસ્યો, ‘મને ખબર છે. સાંભળ્યું છે કે તારા પ્રેમી બનવા માટે હોડ જામી છે. તને ભેટવા માટેના ‘ઓન’ બોલાઇ રહ્યા છે. શેરમાર્કેટ કરતાં બ્લેકમાર્કેટ તેજીમાં છે.’
‘મારો જીવ જાય છે અને તને મશ્કરી સૂજે છે? હું તને વિનવવા આવી છું. મારો પ્રેમી તું બન.’ ઉન્મેષા એવી રીતે બોલી ગઇ કે એને ખુદનેય સૂધ ન રહી કે એ નાટક માટે વિનવતી હતી કે જીવન માટે!
‘સોરી, ઉન્મેષા! હું અહીં વિદ્યાર્થીની ભૂમિકા ભજવવા માટે આવ્યો છું, કોઇનાયે પ્રેમીની ભૂમિકા અદા કરવાનો ન તો મારી પાસે સમય છે, ન ઇચ્છા! હું તને શુભેચ્છા આપું છું કે શ્રેષ્ઠ અભિનય માટેનું પ્રથમ ઇનામ તને મળે. તું મને ‘વિશ’ કર કે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમે હું જ...’
અને આંસુનો ઘૂંટ પીને ઉન્મેષા પીઠ ફેરવી ગઇ. અલબત્ત, શુભેચ્છા લઇને અને શુભેચ્છા આપીને.
બંનેની શુભેચ્છાઓ ફળી પણ ખરી. ઉન્મેષાનો અભિનય ખૂબ જ વખણાયો. રોકડ ઇનામ, જાજરમાન ટ્રોફી અને પ્રોફેસરોથી માંડીને પ્રેક્ષકો સુધીના તમામની પ્રશંસા એને જ મળી. અને એક મહિના પછી પરીક્ષાઓ આવી, ત્યારે ઉપાસકના નામનો ડંકો વાગી ગયો.
ઉન્મેષા સેકન્ડ ક્લાસ સાથે પાસ થઇ હતી, ઉપાસક આખી યુનિવર્સિટીમાં પ્રથમ જાહેર થયો હતો અને વેલેન્ટાઇન-ડેના દિવસે પાગલ થયેલા પેલા તમામ નબીરાઓ નપાસ થયા હતા.
છોકરીઓએ તો બીજું શું કરવાનું હોય? એમાંય તે ઉન્મેષા જેવી રૂપસુંદરીએ? કોલેજ પૂરી કરીને રાજકુંવરી ઘરે બેઠાં. એનાં પપ્પાએ મુરતિયાની શોધ ચાલુ કરી.
આખી જ્ઞાતિમાંથી કોઇ સારો, શિક્ષિત, સંસ્કારી અને દેખાવડો છોકરો જડતો ન હતો. પૈસાદારો તો ઘણાં હતા, પણ ભણેલાં છોકરાઓ ક્યાં હતા? દિવસો, અઠવાડિયાં અને મહિનાઓ પસાર થઇ ગયા.
ઉન્મેષા જીનવસાથીની બાબતમાં સમાધાન અને બાંધછોડ કરવાની તૈયારી પર આવી ગઇ હતી, ત્યાં અચાનક એક સાંજે ઉપાસક એનાં બંગલે આવી ચડ્યો. ઉન્મેષા એકલી જ હતી. ‘ઉન્મેષા, મને આઇ.આઇ.એમ, અમદાવાદમાં પ્રવેશ મળી ગયો છે. એ માટેની પ્રવેશ પરીક્ષામાં હું ટોપર રહ્યો છું. મારી કારકિર્દી હવે નક્કી થઇ ગઇ છે.’
ઉન્મેષા ઉદાસીભર્યું હસી, ‘કોંગ્રેચ્યુલેશન્સ! મને ખુશખબર આપવા આવ્યો છે?’
‘ના. આવતા રવિવારે ચૌદમી ફેબ્રુઆરી છે. એટલે હું આજે તને મળવા આવ્યો છું. હૈયાનું કાર્ડ અને પ્રેમનું ગુલાબ લઇને તને પૂછવા આવ્યો છું : ઉન્મેષા, વિલ યુ બિકમ માય વેલેન્ટાઇન, પ્લીઝ? તું જો હા પાડે, તો આવતી કાલે મારા પપ્પા તારા ડેડીને મળવા માટે આવે. અને આવતા રવિવારે...’
(શીર્ષક પંક્તિ : હિતેન આનંદપરા)
No comments:
Post a Comment