Tuesday, January 12, 2010

સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને,

સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને,
આવ પાછી, આપણી આ ઉંમરોના સમ તને

રવિ સાથે છ જ મહિનાનું લગ્નજીવન વિતાવીને શૈલુ પાછી પોતાનાં મા-બાપના ઘરે આવી ગઇ. ઘરનાં ઉંબરા પરથી જ એલાન કરી દીધું, ‘હવે હું સાસરે નથી જવાની. જો મને દબાણ કરશો તો હું આત્મહત્યા કરી નાખીશ.’ એનાં પપ્પા-મમ્મીને જબરદસ્ત આઘાત લાગ્યો, પણ તેઓ ચૂપ રહ્યાં.

આ સમય સાચવી લેવા જેવો હતો. અત્યારે જો ડહાપણ ડહોળવા બેસીએ તો બાજી બગડી જાય. પપ્પાએ હેતાળ આવકાર આપીને દીકરીને ઘરમાં લીધી, ‘આવ, બેટા, આવ! આ તારું જ ઘર છે. અમે તને વળાવી હતી, ઘરમાંથી કાઢી મૂકી નહોતી. હું તને એટલુંય નહીં પૂછું કે ત્યાં તને શું દુ:ખ હતું. આ તો ઠીક છે કે તું ચાલી આવી, નહીંતર મને ખબર પડી હોત કે મારી શૈલુને સાસરીમાં સોય જેટલુંય દુ:ખ છે તો હું જ સામે ચાલીને તને તેડી જાત!’

મમ્મીએ તો શૈલુને બાથમાં જ લઇ લીધી, ‘દીકરી, અમે એમ માનીશું કે તું પિયરમાં થોડાક દિવસ રહેવા માટે આવી છો. બે મહિના, ચાર મહિના, છ મહિના તારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં લગી અમે તને રાખવા માટે તૈયાર છીએ. જમાઇ સામે ચાલીને તને લેવા માટે ન આવે ત્યાં સુધી તારે અહીંથી જવાનું જ નથી.’

‘મમ્મી!’ શૈલુએ હાથમાંની બેગ જમીન પર મૂકતાં માની ભૂલ સુધારી, ‘તારો જમાઇ ગુલાંટિયાં ખાતો-ખાતો આવે કે તારાં વેવાઇ-વેવણ પગમાં પડતાં આવે, હું પાછી નથી જવાની એટલે નથી જવાની. તને ભારે પડતી લાગું ત્યારે મને કહી દેજે. હું એકલી રહીને જીવી શકું એટલું તો કમાઇ લઇશ.’ વાત પૂરી થઇ ગઇ.

સમજાવટની સીમારેખા સમાપ્ત થઇ ગઇ. બે-ચાર દિવસ થયા ત્યાં વેવાઇનો ફોન આવ્યો, ‘સુભાષભાઇ, કેમ છો? હું રમેશચંદ્ર બોલું છું. ફોન એટલા માટે કર્યો છે કે તમારી દીકરી સાવ તણખલા જેવી વાતમાં રિસાઇને અહીંથી ચાલી ગઇ છે. બે-ચાર દિવસ અમે જાણી જોઇને પસાર થઇ જવા દીધા. હવે જો એનું મન શાંત પડ્યું હોય અને તમે હા પાડતાં હો અમે જાતે આવીને અમારી વહુને તેડી જઇએ.

શૈલુના પપ્પા સુભાષભાઇએ ગાળિયો પોતાના ગળામાંથી કાઢી નાખ્યો, ‘વેવાઇ, આ મામલામાં હું વચ્ચે પડવા નથી માગતો. મારી દીકરી સામે જ બેઠી છે. હું રિસીવર એને આપું છું. તમે એની સાથે જ વાત કરો.’

શૈલુએ રિસીવર હાથમાં લેતાવેંત ગોળીબાર શરૂ કર્યો, ‘કયા મોંઢે મને લેવા આવવાની વાત કરો છો? હું તો તમારા ઘરમાં આવેલી જ હતી ને? તમને સાચવતાં ન આવડ્યું. હવે પછી તમારી ડાયરીમાંથી આ ટેલિફોન નંબર જ છેકી નાખજો. ગુડ બાય!’

સાસરીમાં ખળભળાટ મચી ગયો. રવિ પણ ગુસ્સામાં હતો. આવી પત્નીની સાથે આખો જન્મારો જાય જ કેવી રીતે? નાના-મોટા વિવાદો કે ઝઘડાઓ કોના ઘરમાં નથી હોતા? અને છ મહિનામાં પડી પડીને શૈલુનાં શિર પર કેટલું કેટલું દુ:ખ તૂટી પડ્યું હશે!

આખરે લગ્નજીવન એ સમાધાનનું જ બીજું નામ હોય છે. તદ્દન અજાણ્યા કુટુંબમાં ભિન્ન સંસ્કારો વચ્ચે ઊછરેલાં પુરુષ અને સ્ત્રી જ્યારે અચાનક એક છત નીચે જીવવા લાગે ત્યારે અનુકૂળ થવામાં થોડોક સમય તો લાગે જ ને! પણ શૈલુ તો છ જ મહિનામાં ઘર છોડીને ચાલી ગઇ. આવી પત્નીને પાછી બોલાવીને પણ ફાયદો શો?

પુત્રવધૂના હાથે અપમાનિત થયેલા રમેશભાઇએ કહી દીધું, ‘હું ફરીવાર ક્યારેય એને ફોન નહીં કરું. હું તો મારા રવિને બીજી વાર ઘોડે ચડાવીને જંપીશ.’ પંદર દિવસ પછી રવિની મમ્મી રમાબહેને હિંમત કરી. વેવાઇના ઘરનો ફોન લગાડ્યો.

આ વખતે વહુએ એમની જોડે વાત પણ ન કરી. વેવાણે-વેવાણ સામસામે ટકરાયાં. શૈલુનાં મમ્મી સુરેખાબહેને રમાબહેનને સાત-સાત મણની ગાળો ચોપડાવી દીધી. પંદર દિવસ પહેલાં જે પ્રતિજ્ઞા રમેશભાઇએ લીધેલી એ જ પ્રતિજ્ઞા હવે રમાબહેને જાહેર કરી દીધી, ‘વકીલની નોટિસ મોકલાવો. મારે આ ઘરમાં એનો ટાંટિયો ન જોઇએ. મારો દીકરો રાજાનો કુંવર છે. એના માટે શૈલુને ટક્કર મારે એવી બીજી કન્યા લઇ આવીશ.’

મહિના પછી રવિએ ફોન કર્યો. એના પણ એ જ હાલ થયા. રાજાનો કુંવર ચપરાસી બની ગયો. પ્રતિજ્ઞા પાક્કી થતી ગઇ. બે મહિનામાં તો ‘રવિની પત્ની રિસામણે બેઠી છે’ એ વાત એસ.એમ.એસ.માં ફરતા જોકની પેઠે આખી જ્ઞાતિમાં ફેલાઇ ગઇ.

વાટાઘાટો અને સમજાવટનો સિલસિલો શરૂ થઇ ગયો. રવિના મામા મોહનલાલ એક શુભ દિવસે રવિની સાસરીમાં જઇ ચડ્યા. પૂછ્યું, ‘શૈલુ બેટા! તમને તકલીફ શી છે એટલું જણાવો તો એનો ઉપાય થાય.’

શૈલુ બેટાએ વડચકું ભરી લીધું, ‘કેટલી તકલીફો ગણાવું તમને? એક વાત હોય તો ઉપાય થાય, આખું કપડું ફાટે ત્યારે થીગડાં ક્યાં મારશો? ને કેટલાં મારશો?’ પછી વાંધા-વચકાની યાદી રજૂ કરી દીધી. ‘મને નોકરી કરવા નથી દેતા. હુંયે રવિની જેટલું જ ભણી છું. મારી વિદ્યા શું મારે પાણીમાં વહાવી દેવાની?

બેય ટંકની રસોઇ મારે જ રાંધવી પડે છે. રસોઇવાળી બાઇ લાવવી હતી તો દીકરાને પરણાવ્યો શા માટે? બપોરે મને અડધો કલાક આડે પડખે થવાનુંયે સુખ નથી મળતું. ઢગલો એક કપડાંને મારે જ ઇસ્ત્રી કરવી પડે છે.’ જેટલાં કામ હતાં, એટલી ફરિયાદો હતો.

મોહનમામા પાસે એક પણ વાતનો જવાબ ન હતો. સિવાય કે વિનંતી, ‘એક વાર તમે પાછાં આવી જાવ, ધીમે ધીમે બધું થાળે પડી જશે.’ ‘થાળે તો પડશે ત્યારે પડશે, અત્યારે તો થાળીઓ પડી ચૂકી છે. ચૂપચાપ જમી લો અને પછી માનભેર સિધાવો.

મહેમાન બનીને આવેલા છો એટલે વધારે કંઇ નથી કહેતી...’ મોહનલાલ મોહનથાળ જેવા બનીને પધાર્યા હતા, વાસી રોટલા જેવા બનીને પાછા ફર્યા.

પંદર દિવસ પછી રવિના ફુવા ફુલશંકર મેદાનમાં ઊતર્યા. એમનું નસીબ તો મોહનમામા કરતાં પણ ખરાબ સાબિત થયું. રવિના કાકા કનુકાકાની આખી ન્યાતમાં ધાક જામેલી હતી. પણ કનુકાકાનાય ભૂંડા હાલ થઇ ગયા.

હવે રવિના પપ્પા સમજી ગયા : ‘શૈલુ પાછી આવે તે વાતમાં માલ નથી. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’ અહીં પાર્થ એટલે વકીલ, બાણ એટલે છૂટાછેડાની નોટિસ અને યુદ્ધ એટલે અદાલતી કાર્યવાહી. નિર્ણય લેવાઇ ગયો. કાલે સવારે ઊઠીને પહેલું કામ વકીલને મળવાનું નક્કી થઇ ગયું.

પણ દરેક સવારની આડે એક રાત હોય છે. રવિ આખીયે રાત ઊંઘી ન શક્યો. એણે પોતાની જાતને કેટલાક પ્રશ્નો પૂછ્યા : ‘શૈલુ મને ગમે છે કે નહીં? એની સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય મારા માટે યોગ્ય હશે કે નહીં? એનાં વગર બીજી સ્ત્રી સાથે લગ્ન કરીને હું સુખી થઇ શકીશ એવું મને લાગે છે કે નહીં? શૈલુને હું ખરેખર ભૂલી શકીશ ખરો?’

પોતાનું કાઢેલું પ્રશ્નપેપર રવિએ જાતે જ લખ્યું અને જાતે જ તપાસ્યું. સોમાંથી સો માર્ક્સ આવ્યા. દરેક સવાલનો એક જ જવાબ હતો. રાત્રે ત્રણ વાગ્યે એણે પ્રેમપત્ર લખવાનું શરૂ કર્યું. પરોઢના પાંચ વાગ્યા સુધી લખતો રહ્યો, લખતો ગયો.

પત્રનો સાર કંઇક આવો હતો : ‘મારી અને માત્ર મારી શૈલુ, મારાં બધાં જ સગાંઓનું માનવું છે કે તું પાછી નહીં આવે. વાંધો નહીં. તું ન જ આવતી. હું તને મારા પ્રત્યેના ધિક્કારમાંથી પાછી નહીં વાળી શકું. પણ એટલું યાદ રાખજે કે તું પણ મને તારા પ્રત્યેના પ્રેમમાંથી પાછો નહીં વાળી શકે.

જિંદગીના આખરી શ્વાસ સુધી હું મારી શૈલુને જ પ્રેમ કરતો રહીશ. અને મૃત્યુ પછી પણ એ જ કામ ચાલુ રહેશે. આપણા ધર્મમાં ચોર્યાશી લાખ જન્મોની વાત આવે છે. આ એક ફેરો કોરો જાય તોયે શું? પ્રવાસ લાંબો છે, આશા અનંત છે અને ધીરજ અખૂટ છે.

તું ભલેને લાખ વાર પાણી મૂક કે પાછી નહીં આવે! હું કરોડ વાર તને કહીશ કે તું આવીશ જ. નદીના પ્રવાહમાં પડેલો પથ્થર પણ ભીનો થાય છે, તું તો શૈલુ છે. ક્યારેક તો ભીંજાઇશ જ. મને ખાતરી છે.’

એક પત્ર. બીજા દિવસે બીજો અને ત્રીજા દિવસે ત્રીજો પત્ર. સિલસિલો ચાલુ થઇ ગયો. પપ્પા રમેશભાઇને આ વાતની ખબર પડી. એમણે રવિને ખખડાવ્યો, ‘શા માટે તિજોરી ખાલી કરવા બેઠો છે? પોસ્ટલ ડિપાર્ટમેન્ટની દયા આવતી હોય તો પાંચસો ને એક રૂપિયાનું દાન જાહેર કર! આમ રોજ-રોજ એક એક પત્ર લખીને શા માટે પૈસાનું પાણી કરી રહ્યો છે?’

રવિએ કોઇની વાત ન માની, માત્ર પોતાના દિલની વાત માની લીધી. મહિનો ગયો. બે, ત્રણ, ચાર મહિના પસાર થઇ ગયા. શૈલુનાં સરનામે પ્રેમપત્રોનો અવિરત હુમલો જારી રહ્યો. શરૂઆતના પત્રો શૈલુએ ફોડ્યા પણ નહીં, પછી ઉત્સુકતાને વશ થઇને ખોલ્યા. પછી એ લખાણને બદલે લાગણી વાંચવા માંડી.

છ મહિના પછી હાલત એવી થઇ ગઇ કે ઘડિયાળના કાંટે એ ટપાલીના આગમનની વાટ જોવા માંડી. રવિના પત્રો હવે શૈલુ માટે આદત બની ગયા. કોઇ પણ સ્ત્રીને છેવટે પુરુષ પાસેથી શું જોઇતું હોય છે?! માત્ર પ્રેમ જ ને? તો એ વસ્તુ રવિ કરતાં વધારે બીજું કોણ આપી શકવાનું હતું!

શૈલુ પીગળી ગઇ, ‘પપ્પા, હું મારા સાસરે જવા માગું છું.’ એક દિવસ એણે એલાન કરી દીધું. એનાં પપ્પા-મમ્મીને તો આ નિર્ણય સામે વાંધો જ શા માટે હોય? છતાં એમણે દીકરીને સમજાવવા માટે નિકટનાં સગાંવહાલાંઓને ભેગાં કર્યા.

શૈલુના મામા મુકુન્દમામાએ મમરો મૂકયો, ‘ભાણી, એ લોકોને એમ લાગશે કે તું થાકી ગઇ. હજુ વરસ તો પૂરું થવા દે!’ ફાલ્ગુન ફુવાએ લાલચ આપી જોઇ, ‘શૈલુ, તારા માટે રવિ કરતાંયે વધુ હેન્ડસમ છોકરો હું શોધી કાઢીશ. ભૂલી જા એને!’

કિરીટકાકાએ કાયદો યાદ કરાવ્યો, ‘બેટી, તું એક અવાજ કર! હું એ બદમાશોને દહેજના કાયદામાં ફસાવીને જેલની અંદર ફિટ કરાવી દઉ! સમજે છે શું આપણને?’

જવાબમાં શૈલુ ઊભી થઇને બારી પાસે ગઇ. આષાઢનો પ્રથમ દિવસ હતો ને મોસમનો પહેલો વરસાદ પડવો શરૂ થયો હતો. રસ્તા પરના લોકોને વરસાદ ભીંજવતો હતો અને બારી પાસે ઊભેલી શૈલુને એના વરનો સાદ ભીંજવી રહ્યો હતો.

એ શરમાઇ રહી હતી અને એની હાલત જોઇને એનાં પરિવારજનો હસી રહ્યાં હતાં. છેવટે એણે આટલું જ કહ્યું, ‘હું ન જાઉ તો શું કરું? હું વધારે ખેંચીશ તો પપ્પાના ઘરમાં પત્રો સાચવવાની જગ્યા નહીં બચે!’



(શિર્ષક પંક્તિ: આકાશ ઠક્કર)

No comments: