અંશ અને રોશની બંને કોલેજકાળના મિત્રો હતાં. બંને વચ્ચે મિત્રતા થવાના ઘણાં કારણો હતાં. તેમનાં શોખ, તેમનું વાંચન, તેમની ખાવા - પીવાની ટેવો અને વ્યવહાર લગભગ સરખા હતા. કોલેજમાં હતાં ત્યારે લેક્ચર ના હોય ત્યારે બંને લગભગ સાથે જોવા મળતાં હતાં. જોકે તેમના વ્યવહારમાં ક્યાંય આછકલાપણું દેખાતું નહોતું. જેના કારણે બંને સાથે જોવા મળતાં હતાં તેમ છતાં તેમને જોનારની નજરને તેમને જોઈ સારું લાગતું હોય તેવું દેખાતું હતું. અંશ અને રોશની ભણવામાં તો હોશિયાર હતાં તેની સાથે કોલેજની તમામ ઈત્તર પ્રવૃત્તિમાં પણ એટલો જ રસ લેતાં, પછી તે સ્પોર્ટ્સ હોય કે નાટક બંને તેમાં અચૂક ભાગ લેતાં હતાં. બંને સારા મિત્રો હોવાની સાથે તેમનામાં નિખાલસતા પણ હતી. તે બંને એકબીજાને પોતાના ગમા-અણગમા સ્પષ્ટ રીતે કહી શકતાં હતાં. કોલેજ છૂટયા પછી ઘરે જતાં પહેલાં બંને કોલેજની બહાર કોર્પોરેશનના બાંકડા ઉપર વાતો કરવા બેસતાં હતાં ત્યારે ઘણી વખત અંશ રસ્તા ઉપર જતી કોઈ સરસ છોકરી જોઈ તેનાં વખાણ કરતો, તો ક્યારેક રોશની કોઈ છોકરાનાં વખાણ કરતી હતી. છતાં ક્યારેય કોઈને માઠું લાગતું નહીં. અંશ કહેતો ‘આપણે પહેલા આપણી જાત સાથે પ્રામાણિક થવું જોઈએ, કારણ કે આપણે બીજાને તો સારી રીતે છેતરી શકીએ પણ પોતાની જાતને છેતરી શકતા નથી.’ રોશની માનતી કે, ‘દરેક માણસે પહેલા પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ કારણ કે જે પોતાને પ્રેમ કરી શકતો નથી તે બીજાને કેવી રીતે પ્રેમ કરી શકે.’ અંશ અને રોશની વચ્ચે કોઈક એવી બાબત હતી જે તે બંનેને એકબીજા તરફ આર્કિષત કરતી હતી. જ્યારે તમને કોઈની હાજરી ગમવા લાગે ત્યારે માનવું કે તે પ્રેમનું પ્રથમ પગથિયું છે. આમ કરતાં કરતાં કોલેજનાં ત્રણ વર્ષ ક્યાં પસાર થઈ ગયાં તેની ખબર જ ના પડી. બંને સંપન્ન પરિવારમાંથી આવતાં હતાં, જેના કારણે કોલેજ પૂરી કરી નોકરી શોધવા જવું પડશે તેવી ચિંતા નહોતી. અંશને પોતાના પિતાની ફેક્ટરી સંભાળવાની હતી, જ્યારે રોશનીના પિતાએ તેને કહ્યું, ‘તારી પસંદગીનો કોઈ છોકરો હશે તો અમે તેની સાથે લગ્ન કરાવી આપીશું.’ રોશની ત્યારે માત્ર હસી હતી અને તેણે જવાબ આપ્યો, ‘બહુ જલદી કહીશ.’ કોલેજ પૂરી થવાની તૈયારી હતી, રોજ પ્રમાણે કોલેજ છૂટયા પછી બંને બાંકડા ઉપર બેઠાં હતાં તે વખતે અંશ રોશનીની થોડી નજીક આવ્યો. આમ તો, નજીક આવવું કોઈ અસામાન્ય ઘટના નહોતી, પણ તે નજીક આવ્યો તેમાં થોડો સંકોચ હતો. રોશની હસી પડી, એટલે અંશે કહ્યું તું હસીશ નહીં, હું તને પૂછવા માગું છું તું મારી સાથે લગ્ન કરીશ ? આ પ્રશ્ન સાંભળી રોશનીએ મસ્તીભર્યા સ્વરમાં કહ્યું ‘તું શું માને છે હું તને લગ્ન કર્યા વગર છોડવાની હતી.’
કોલેજ પૂરી થતાં બંનેના ં લગ્ન થઈ ગયાં. લગ્ન ખૂબ ધામધૂમથી થયાં હતાં. લગ્ન પછી બંને પેરિસ ફરવા માટે ગયાં હતાં. જોકે લગ્ન બાદ અંશ - રોશનીને કોઈ મળી જાય તો તે બંને એકબીજાનો પરિચય પતિ - પત્ની તરીકે નહીં પણ મિત્ર તરીકે આપતાં હતાં. અંશ કહેતો કે ‘પતિ - પત્નીના સંબંધો અમુક સમય પછી સુકાઈ ગયેલા વૃક્ષ જેવા થઈ જાય છે, જ્યારે મિત્રોના સંબંધ પાંદડા ઉપર પડેલી ઝાંકળની તાજી બુંદો જેવા હોય છે. હનીમૂનથી પરત ફર્યા પછી અંશ કામે લાગી ગયો હતો. સવારથી સાંજ સુધીનો સમય ફેક્ટરી ઉપર પસાર થતો હતો, ક્યારેક રોશની સરપ્રાઈઝ આપતી અને ડ્રાઈવર સાથે ટિફિન મોકલવાના બદલે ખુદ ટિફિન લઈ ફેક્ટરી ઉપર પહોંચી જતી હતી. અંશ રોશનીને જોઈ ખુશ થતો અને બંને બપોરનું ભોજન ફેક્ટરીમાં સાથે જ કરતાં હતાં. મોટા ભાગે સાંજનું ભોજન પતાવી અંશ - રોશનીને લઈ લોંગ ડ્રાઈવ ઉપર જતો હતો. ક્યારેક એવું બનતું કે અંશને આવવામાં મોડું થતું તો રોશની સામે ચાલીને કહેતી કે, કંઈ વાંધો નહીં આજે આપણે બહાર જઈશું નહીં.’ સંબંધોનો સાચો અર્થ હોય છે સમજદારી પણ બહુ ઓછા સંબંધોમાં સમજદારી જોવા મળતી હોય છે. અંશ અને રોશની વચ્ચેની સમજદારી સામેની વ્યક્તિ પણ જોઈ શકતી હતી. ઘરે આવ્યા પછી અંશને ફેક્ટરીનું કામ હોય તો રોશની મદદ કરતી. ત્રણ વર્ષના ગાળામાં અંશે એટલી બધી મહેનત કરી કે તેણે પોતે એક નવી ફેક્ટરી શરૃ થઈ ગઈ, છતાં તે બધાને એવું જ કહેતો ‘પિતાના આશીર્વાદ છે તો નવી શરૃઆત થઈ છે.’ પોતાની સફળતાનું શ્રેય પોતાના પિતાને જ આપતો હતો. રોશનીને અંશની આ વાત ગમતી હતી. તે કહેતી કે ‘મને અંશ ગમે છે કારણ કે પોતાની લીટી મોટી કરવા માટે ક્યારેય બીજાની લીટી નાની કરતો નથી’ ત્યારે અંશ કહેતો કે ‘તું મને પ્રેમ કરે છે માટે તને મારામાં બધું સારું જ લાગે છે.’ લગ્નનાં પાંચ વર્ષ થયાં હતાં. તેમણે નક્કી કર્યું હતું જ્યાં સુધી આપણી વ્યક્તિગત ઓળખ ઊભી થાય નહીં ત્યાં સુધી બાળકને જન્મ આપવો નહીં. લગ્નના છઠ્ઠા વર્ષે તેમણે નવા મહેમાનને બોલાવવાની તૈયારી શરૃ કરી હતી પણ તૈયારીઓ છતાં એક વર્ષ સુધી રોશની સારા સમાચાર આપી શકી નહીં એટલે રોશનીને તો ઠીક પણ અંશને પણ ચિંતા થવા લગી. સામાન્ય રીતે આવી સમસ્યાની આપણે ત્યાં જાહેરમાં ચર્ચા થતી નથી પરંતુ અંશ તરત રોશનીને લઈ ડોક્ટર પાસે ગયો હતો. રોશનીના તમામ પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, એટલે ડોક્ટરને પણ ખબર પડી નહીં કે રોશની ક્યા કારણે માતૃત્વ ધારણ કરી શકતી નથી. રોશની બહુ દુઃખી થઈ ગઈ હતી, કારણ કે તેણે પોતાના બાળક માટેનું એક સ્વપ્ન જોયું હતું. અંશ દુઃખી થયેલી રોશનીને આશ્વાસન આપતો અને સારા દિવસો બહુ જલદી આવશે તેવું જણાવતો હતો. શરૃઆતનાં બે વર્ષ સુધી એક પછી એક ડોક્ટરની દવા કરતાં રહ્યાં પણ કોઈ પરિણામ આવ્યું નહી. માણસ જ્યારે થાકે ત્યારે ઈશ્વર તરફ નજર કરે છે. પહેલાં તો માણસ પોતાના સામર્થ્ય, જ્ઞાન અને સંપત્તિ તરફ નજર રાખી પોતાની સમસ્યાનો ઉકેલ મળી જશે તેવું માનતો હોય છે. એટલે અંશ અને રોશની રોજ એક મંદિરથી બીજા મંદિરે જવા લાગ્યા. મંદિરો પૂરાં થઈ જતાં દરગાહો ઉપર જઈને પણ બાધા રાખી, પણ કોઈ પરિણામ આવ્યું નહીં. એક પરિચિતે અંશને સલાહ આપી કે અંશે પણ પોતાનો મેડિકલ ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને અંશને તે વાત સાચી લાગી. અંશ ડોક્ટર પાસે ગયો અને તેણે પોતે પણ મેડિકલ ટેસ્ટ કરાવ્યો. રોશની રિપોર્ટની આતુરતાપૂર્વક રાહ જોતી હતી પણ રિપોર્ટ લઈ ઘરે આવેલા અંશ કહ્યું, ‘ખબર નહીં ભગવાન કેટલી પરીક્ષા કરશે.’ રોશનીએ અંશના હાથમાં રહેલા રિપોર્ટ તરફ જોયું, એટલે અંશે કહ્યું, ‘જો મારો રિપોર્ટ પણ નોર્મલ છે’ પણ હવે રોશનીમાં રિપોર્ટો જોવાની તાકાત રહી નહોતી. અંશ ઘરે હોય ત્યારે રોશની નોર્મલ રહેવાનો પ્રયત્ન કરતી હતી, પણ અંશ ફેક્ટરીએ જાય ત્યારે એકલતામાં રડી લેતી હતી. ઘરના વૃદ્ધોએ દેશી ઉપચાર કહ્યો હતો, તે પણ કરી જોયો પણ તે પણ કારગત નીવડયો નહીં. રોશની અને અંશનાં લગ્નને દસ વર્ષ થઈ ગયાં હતાં. ઘરમાં અખૂટ સંપત્તિ હતી પણ ઘરનો વારસદાર નહોતો. જિંદગીમાં બધું જ હોવા છતાં જિંદગી આટલી વેરાન થઈ જશે તેવું રોશની અને અંશે વિચાર્યુ નહોતું. છતાં ભગવાન પોતાની પ્રાર્થના સાંભળશે તેવી આશાએ રોશની રોજ ભગવાન પાસે દીવો કરતી હતી. આ દરમિયાન અંશને બિઝનેસ માટે ત્રણ મહિના યુરોપ જવાનું થયું. અંશ યુરોપમાં જ હતો. લગભગ તેના ભારત પાછા આવવાના પંદર દિવસ જ બાકી હતા અને અચાનક રોશનીનો ફોન આવ્યો તરત ભારત પાછા ફરો.
અંશે શું થયું તેવું પૂછયું ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહીં. અંશ પોતાના તમામ કાર્યક્રમ પડતા મૂકી ટેન્શનમાં ભારત પાછો ફર્યો. તે ઘરે આવ્યો ત્યારે રોશની જાણે નવોઢા હોય તેમ તૈયાર થઈને અંશની રાહ જોતી બેઠી હતી.
અંશને આશ્ચર્ય થયું. તે ઘરમાં જેવો દાખલ થયો તેવો જ રોશનીએ તેનો હાથ પકડી પોતાના પેટ ઉપર મૂકતા કહ્યું, ‘ભગવાને મારી પ્રાર્થના સાંભળી, અંશનો અંશ આવી ગયો છે.’ અંશ એટલો ખુશ થયો કે તેણે પોતાના હાથમાં રહેલી બેગ ફેંકી રોશનીને રીતસરની ઊંચકી લીધી હતી, પછી અંશે ફેક્ટરી જવાનું સદંતર બંધ કરી પોતાનો બધો સમય રોશનીની સેવામાં પસાર કરવાનું શરૃ કર્યું હતું. રોશની અંશને ફેક્ટરી જવા માટે ખૂબ આગ્રહ કરતી હતી પણ તે કહેતો મારા કામની ચિંતા કરીશ નહીં. અંશ પોતાને સહી કરવાના તમામ કાગળો ઘરે મંગાવી કામ પતાવતો હતો. આમ નવ મહિના દરમિયાન અંશ ભાગ્યે જ આઠ દસ વખત ફેક્ટરી ઉપર ગયો હતો. રોશનીની તબિયત ખૂબ સારી હતી. ડોક્ટરે આપેલી તારીખ પ્રમાણે રોશનીએ કેયૂરને જન્મ આપ્યો હતો. તે ખૂબ જ તંદુરસ્ત હતો. અંશ અને રોશનીના લગ્નનાં અગિયાર વર્ષ પછી તેમના ઘરે ઘોડિયું બંધાયું હતું. અંશે પોતાની ફેક્ટરીના તમામ સ્ટાફને એક પગાર બોનસ આપ્યું હતું. કેયૂરના જન્મએ જાણે જીવનને નવી દિશા આપી હોય તેમ અંશ અને રોશનીને લાગ્યું હતું. જાણે હજી તેમનું લગ્ન હમણાં જ થયું અને લગ્નના એકાદ વર્ષમાં જ બાળકનો જન્મ થયો હોય એટલો આનંદ તેમના મનમાં હતો. કેયૂરને તેમણે બહુ લાડકોડથી ઉછેર્યો હતો. કેયૂર પણ સમજદાર દીકરો હતો. શ્રીમંત પિતાનો દીકરો હોવા છતાં ઘરના નોકરો સાથે પણ તેનો વ્યવહાર બહુ સૌજન્યપૂર્વક રહેતો હતો. નોકરોને પણ તે તમે કહીને જ સંબોધન કરતો હતો. કેયૂરના જન્મ પછી જાણે જીવનને ગતિ મળી હોય તેમ જિંદગીનો સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ના પડી. કેયૂર પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કરી વિદેશ ભણવા ગયો અને તે વિદેશથી પાછો આવ્યો ત્યારે તેની સાથે ગ્લોરી હતી. ગ્લોરી તેની સાથે વિદેશમાં અભ્યાસ કરતી હતી. કેયૂર અને ગ્લોરી એકબીજાના પ્રેમમાં હતાં અને તે લગ્ન કરવા માગતાં હતાં. અંશ અને રોશનીને તેમાં પણ કઈ વાંધો નહોતો. તેમણે તેમનાં લગ્ન બહુ ધામધૂમથી કરાવ્યાં અને લગ્ન બાદ કેયૂરે વિદેશમાં સેટલ થવાનું પસંદ કર્યું. ઘણી વખત કેયૂર ભારત આવતો તો ઘણી વખતે અંશ રોશનીને લઈ કેયૂરને ત્યાં જતો.’
આજે અંશે ફેક્ટરી જવાનું લગભગ બંધ કરી દીધું છે. તે ઘરેથી ફેક્ટરી ચલાવે છે. થોડાં વર્ષો પહેલાં દિવાળીના તહેવાર પહેલાં અંશ પોતાનું પર્સનલ ડ્રોઅર સાફ કરી રહ્યો હતો, તે વખતે રોશની સોફા ઉપર બેસી કંઈક વાંચી રહી હતી.
અંશ જૂના કાગળો કામના છે કે નહીં તે જોઈ તે ફાડી નાખતો હતો. એક બહુ જૂનો કાગળ તેના હાથમાં આવતા તે અચાનક થંભી ગયો, તેણે રોશની સામે જોયું, કંઈક વિચાર્યું અને કાગળ ફાડી નાખ્યો. રોશનીએ પૂછયું પણ ખરું શું હતું ? અંશે જવાબ આપ્યો ‘કેટલાંક કાગળોની જિંદગીમાં કોઈ કિંમત હોતી નથી.’ રોશનીને ખબર નહોતી પણ અંશે જે કાગળ ફાડી નાખ્યો, તે અંશનો વર્ષો પહેલાંનો મેડિકલ રિપોર્ટ હતો. તે રિપોર્ટ પ્રમાણે અંશ ક્યારેય પિતા થઈ શકે તેમ નહોતો. છતાં રોશનીએ માતૃત્વ ધારણ ક્યું હતું. પણ આટલાં વર્ષો સુધી અંશે આ વાત છુપાવી રાખી. રોશનીને ક્યારેય પૂછયું કે નહીં કે ‘કેયૂરનો પિતા કોણ છે ?’ અંશ અને કેયૂરના સંબંધો જોતા કોઈને આજ સુધી ખબર નથી કે અંશ એ કેયૂરનો સાચો પિતા નથી.
No comments:
Post a Comment